Sun-Temple-Baanner

એક પત્રકારને જ્યારે સાહિત્યનું નોબલ પ્રાઇઝ મળે છે…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એક પત્રકારને જ્યારે સાહિત્યનું નોબલ પ્રાઇઝ મળે છે…


ટેક ઓફ – એક પત્રકારને જ્યારે સાહિત્યનું નોબલ પ્રાઇઝ મળે છે…

Sandesh- Ardh Saptahik Purti- 21 Oct 2015

ટેક ઓફ

માનવીય વેદનાને વાચા આપવાનું કામ જેવુંતેવું નથી. આ વાચાનું સ્વરૂપ કયું છે તે બીજા નંબરની વાત છે. સ્વેત્લાના એલેક્સિવિચ નામના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટે આ વર્ષનું સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. કોઈ કવિ કે વાર્તાકારને બદલે પત્રકારે આ પ્રાઇઝ જીત્યું હોય એવું ભૂતકાળમાં અગાઉ કયારેય બન્યું નથી. સ્વેત્લાનાનાં નોન-ફિક્શન લખાણોમાં એવું તે શું છે?

* * * * *

સાહિત્ય અકાદમીના પારિતોષિકો ધડાધડ પાછા ફેંકી રહેલા સાહિત્યકારોએ છેલ્લા કેટલાક દિવસોથી એવો ઉપાડો લીધો છે કે આ વર્ષના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતાની ઘોષણા હાંસિયામાં ધકેલાઈ ગઈ. ધારો કે આ ઘોષણા કાને પડી હોત તોય આપણને વિજેતા સ્વેત્લાના એલેક્સિવિચનું નામ પરિચિત લાગ્યું ન હોત, કેમ કે બેલારૂસનાં વતની એવાં આ લેખિકા રશિયન ભાષામાં લખે છે. એમનાં પુસ્તકો, અલબત્ત, અંગ્રેજી સહિત ઘણી વિદેશી ભાષાઓમાં અનુવાદિત થયાં છે. બેલારૂસ ૧૯૯૦માં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં સોવિયેત સંઘનો હિસ્સો હતું, મજા એ છે કે આ વખતે સાહિત્યના નોબલ પ્રાઈઝ માટે કોઈ કવિ, વાર્તાકાર કે નવલકથાકારને બદલે પત્રકાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. ૬૭ વર્ષીય સ્વેત્લાના એલેક્સિવિચે આખી જિંદગી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકે સેંકડો લોકોના ઇન્ટરવ્યૂ લઈને અફલાતૂન હ્મુમન-ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ લખી છે અને એનાં પુસ્તકો બહાર પાડયાં છે.

સ્વેત્લાના જર્નાલિસ્ટિક નોન-ફિકશન લખાણોમાં એવું તે શું છે કે, તે નોબલ પ્રાઈઝને પાત્ર ગણાયુંં? સાદો જવાબ એ છે કે સ્વેત્લાનાએ સોવિયેત સંઘના દેશો છૂટા પડી ગયા તેની પહેલાંના અને પછીના સમયગાળાની કેટલીક દર્દનાક ઘટનાઓનો ચિતાર પોતાનાં લખાણોમાં આલેખ્યો છે. ખાસ કરીને ૧૯૮૬માં ચર્નાેબિલના ન્યુકિલયર પાવર પ્લાન્ટમાં જે ભયાનક દુર્ઘટના ઘટી હતી તેના પીડિતોને વાચા આપવાનું કામ કર્યું છે.

શું હતી આ દુર્ઘટના ? ચર્નોબિલ ન્યુકિલયર પાવર પ્લાન્ટ આમ તો યૂક્રેનમાં, બેલારૂસની બોર્ડરથી સાવ વીસ જ કિલોમીટરનાં અંતરે ધમધમતો હતો. ચર્નોબિલનગરમાં બાર હજાર લોકો રહેતાં હતાં અને થોડે અંતરે પ્રિપ્યેત નામનાં ગામમાં અડધા લાખ જેટલી વસતી હતી. ૨૫ એપ્રિલ ૧૯૮૬ની મધરાતે ૧.૨૩ કલાકે(એટલે કે ઓફિશિયલી ૨૬ એપ્રિલે) ન્યુકિલયર પાવર પ્લાન્ટનાં ચાર પૈકીનું એક અણુ રિએક્ટર ટેક્નિકલ ક્ષતિને લીધે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટયું. ધડાકો એટલો મોટો હતો કે ૧,૦૦૦ ટનનું છાપરું ઊડી ગયું. થોડી સેકન્ડમાં આના કરતાંય વધારે મોટો બીજો વિસ્ફોટ થયો. અણુ રિએક્ટરનાં મકાનના ફુરચા ઊડી ગયા. અત્યંત હાનિકારક રેડિયેશનનો એક મોટો જથ્થો વાતાવરણમાં ભળવા લાગ્યો. વિસ્ફોટો અને તેને લીધે લાગેલી આગને કારણે મરનારાઓની સંખ્યા ૩૧ પર અટકી પણ લાંબા ગાળે જે નુકસાન થવાનું હતું તેનો અંદાજ કોઈને નહોતો.

સોવિયેત યુનિયનના સત્તાધિકારીઓ જાણે કશું બન્યું જ ન હોય એમ માહિતી દબાવીને બેસી ગયા. ચૂપચાપ પ્રિપ્યેતનગરને ખાલી કરાવી નાખવામાં આવ્યું. દુર્ઘટનાના બે દિવસ પછી, પાડોશી દેશ સ્વિડનના એક ન્યુકિલયર પ્લાન્ટમાં કામદારોનાં કપડાં પર રેડિયોએકિટવ કણો દેખાયાં, તરત જ આખા ન્યુકિલયર પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી. પ્લાન્ટમાં કયાંય લીકેજ નહોતું તો પછી આ રેડિયોએક્ટિવ કણો આવ્યા કયાંથી? તપાસ કરતાં સમજાયું કે આ પાર્ટિકલ્સ ૧,૧૦૦ કિલોમીટરના અંતરે આવેલા ચર્નોબિલના ન્યુકિયર પ્લાન્ટમાંથી ઊડતાં ઊડતાં આવ્યાં છે! આનો અર્થ કે ચર્નોબિલમાં નક્કી કશીક ગંભીર સમસ્યા સર્જાઈ હોવી જોઈએ, એ સિવાય આવું બને નહીં. ચર્નોબિલનું ભોપાળું બહાર પડી ગયું. હવે સોવિયેતના અધિકારીઓ પાસે કબૂલાત કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. વિગતો સામે આવતાં દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. આટલી મોટી ન્યુકિલયર દુર્ઘટના અગાઉ કે ઈવન આજે ૨૦૧૫ સુધીમાં કયારેય થઈ નથી.

દુનિયાભરના સેંકડો પત્રકારો ચર્નોબિલધસી આવ્યા હતા. એમાંના એક સ્વેત્લાના એલેક્સિવિચ પણ હતા. એમનું વતન બેલારૂસ સૌથી વધારે અસરગ્રસ્ત બન્યું હતું. શું વાતાવરણ રેડિયેશન વડે દૂષિત થઈ જવાથી બહુ જ ખતરનાક અને લાંબા ગાળાનાં પરિણામ આવવાનાં હતાં? અસરગ્રસ્ત વિસ્તારમાં આવનારી કેટલીય પેઢીઓમાં હાનિકારક રેડિયેશનની અસર જોવા મળશે? ભય ફેલાઈ જવો સ્વાભાવિક હતો, પરસ્પર વિરોધી અહેવાલો આવતા રહ્યા. યૂક્રેન, બેલારૂસ અને રશિયામાં થાઈરોઈડ કેન્સરના છ હજાર કેસ નોંધાયા, જેનો સીધો સંબંધ કદાચ આ રેડિયેશન સાથે હતો. એક રિપોર્ટ પ્રમાણે દુર્ઘટના પછીના છ વર્ષમાં ખોડખાપણવાળાં નવજાત શિશુઓનું પ્રમાણ ૪૦ ટકા વધી ગયું. ૨૦૦૦ની સાલ સુધીમાં યૂક્રેનના પાંચ ટકા વસતી(લગભગ ૩૫ લાખ લોકો) પર રેડિયેશનની કોઈને કોઈ કુ-અસર જોવા મળી. ૨૦૦૫ના રિપોર્ટ પ્રમાણે બેલારૂસના ૯૫ ટકા બાળકોને કમસે કમ એક ક્રોનિક બીમારી જોવા મળી.

આની સામે તદ્દન સામા છેડાના રિપોર્ટ એવા આવ્યા કે, શરૂઆતમાં જેવો ગભરાટ ફેલાયો હતો એવું અસલમાં કશું બન્યું નથી ને બનવાનું નથી! રેડિયેશનને લીધે પર્યાવરણને કે લોકોનાં સ્વાસ્થ્યને જે કહેવાતી ખરાબ અસર થઈ છે તે અવગણી શકાય એટલી ક્ષુલ્લક છે, હકીકત તો એ છે કે બેલારુસ અને યૂક્રેનમાં સાવ સાચુકલા હેલ્થ-રિલેટેડ ડેટા આજે પણ જાહેર થવા દેવામાં આવતા નથી.

અને તેથી જ સ્વેત્લાના એલેક્સિવિચે પાંચસો કરતાં વધારે લોકોને મળીને, અત્યંત જહેમત ઉઠાવીને એમના ફર્સ્ટ-હેન્ડ અનુભવોનું દસ્તાવેજીકરણ કર્યું છે તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. સ્વેત્લાના જે લોકોને મળ્યાંં એમાં વિસ્ફોટ પછી આગ ઠારવા દોડી ગયેલા બંબાવાળા, ખંડિયર બની ગયેલા અણુ રિએક્ટરનો કાટમાળ સાફ કરવાવાળા, રાજકારણીઓ, ડોક્ટરો, ભૌતિકશાસ્ત્રીઓ, અસરગ્રસ્ત લોકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. દસ વર્ષના આકરા રિસર્ચ પછી એમણે જે પુસ્તક લખ્યું એનું નામ છે, ‘વોઇસિસ ફ્રોમ ચર્નોબિલઃ ધ ઓરલ હિસ્ટરી ઓફ અ ન્યુકિલયર ડિઝાસ્ટર’.

‘ચર્નોબિલ ડિઝાસ્ટરનું કારણ શું હતું, કોની ભૂલ હતી, લોકોને કેવી હાનિ પહોંચી, પર્યાવરણ અને જિનેટિક્સને શું નુકસાન થયું વગેરે જેવી ટક્નિકલ બાબતોમાં મને બહુ રસ નહોતો,’ સ્વેત્લાના એક ઇન્ટરવ્યૂમાં કહે છે, ‘રિપોર્ટિંગ કરવા દુનિયાભરમાંથી ચર્નોબિલદોડી આવેલા સેંકડો પત્રકારાએે જે પ્રકારના અહેવાલો અને પુસ્તકો પ્રગટ કર્યા એ મને બહુ છીછરાં લાગ્યાં. માત્ર પોલિટિકલ કે સાયન્ટિફિક વિગતોથી શું વળે? સમસ્યાના ઊંડાણમાં જવું જોઈએ. મને તરત સમજાઈ ગયું કે બીજા પત્રકારોની જેમ ફટાફટ પુસ્તક લખીને છપાવી નાખવાનો કશો મતલબ નથી, આથી મેં ર્દુઘટનાના સાક્ષી હોય એવાં લોકોના ઇન્ટરવ્યૂ લેવાના શરૂ કર્યા. સામાન્ય રીતે મને એક પુસ્તક લખતાં ૩થી ૪ વર્ષ થાય છે પણ આ પુસ્તક તૈયાર કરતાં મને આખો દાયકો લાગ્યો. ચર્નોબિલની દુર્ઘટનાએ શી રીતે લોકોની જિંદગીઓને અને એમના આખા માંહૃયલાઓને ખળભળાવી મૂકયા છે એની આ પુસ્તકમાં વાત છે.’

સ્વેત્લાના લોકોને ઝીણા ઝીણા કેટલાય સવાલ કરે, એમને મોકળા મને બોલતરાં કરે. પ્રત્યેક ઇન્ટરવ્યૂ રેકોર્ડરમાં ટેપ કરી લે, પછી એ વાતચીત યથાવત્ ટ્રાન્સસ્ક્રાઈબ કરે એટલે કે સહેજ પણ ફેરફાર કર્યા વગર બેઠું લખી નાખે. અમુક મુલાકાતની ટ્રાન્સસ્ક્રિપ્શન ૧૦૦થી ૧૫૦ પાનાં જેટલી લાંબી થાય. સ્વેત્લાનાએ પાંચસો કરતાં વધારે માણસોની મુલાકાત લીધી હતી એટલે કલ્પના કરો કે એમની પાસે કેટલું ગંજાવર મટિરિયલ એકઠું થયું હશે, આમાંથી ફકત ૧૦૩ મુલાકાતો અલગ તારવવામાં આવી. પછી પ્રત્યેક શોર્ટલિસ્ટેડ બયાનને ચુસ્ત રીતે એડિટ કરવામાં આવ્યું. સો-દોઢસો પાનાંમાંથી કામની વાતો ચારથી પાંચ પાનામાં સમેટાઈ ગઈ. અમુક મુલાકાતમાંથી ઉપયોગી વાત માત્ર અડધા પાનામાં આવી ગઈ હોય એવું ય બન્યું. આ રીતે પુસ્તકને આખરી સ્વરૂપ મળ્યું.

નાટકનો અદાકાર મોનોલોગ એટલે કે એકોક્તિ બોલતો હોય એ રીતે ફર્સ્ટ પર્સનમાં દરેક મુલાકાત લખાઈ છે. વાંચવામાં બહુ જ રસાળ અને પ્રવાહી છે આ લખાણ. જાણે ફિક્શન વાંચતા હોઈએ એવી ફીલ આવશે. એલેસ અદામોવીચ નામના બેલારૂસના અન્ય એક લેખકની શૈલીના પ્રભાવ હેઠળ આ પુસ્તક લખાયંુ છે એવું સ્વેત્લાનાએ ખુદ પોતાના બ્લોગમાં લખ્યું છે. આ શૈલી અથવા જોનરને કલેકિટવ નોવેલ, નોવેલ-ઓરેટોરિઓ, નોવેલ-એવિડન્સ અથવા એપિક કોરસ કહે છે.(બાય ધ વે, ‘વોઈસિસ ઓફ ચર્નાેબિલ’ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ આપણે બંદાએ ઓનલાઈન ઓર્ડર કરીને મગાવી લીધી છે. તમે એમ કરવાના ન હો તો કમસે કમ પુસ્તકની પ્રસ્તાવના અને શરૂઆતનાં થોડાં પાનાં ઓનલાઈન વાંચી લેજો. આ બધું જ ઈન્ટરનેટ પર અવેલેબલ છે.)

સ્વેત્લાના કહે છે, ‘ઘણાં લોકો મને કહેતાં હોય છે કે આ પુસ્તક લખીને તમે શી મોટી ધાડ મારી. જે કંઈ કન્ટેન્ટ છે એ તો બધું કોઈના મોઢે બોલાયેલંુ હતું, આમા તમારું શું છે? વેલ, આ કામ કંઈ એટલું સાદું નથી. તમે સામેના માણસને શું પૂછો છો, કેવી રીતે પૂછો છો, કેવી રીતે એને ધીમે ધીમે ખોલતા જાઓ છો, એ જે કહે છે એમાંથી શું સાંભળો છો અને આખરે એમાંથી ફાઇનલ વર્ઝનમાં લખવા માટે શું પસંદ કરો છો તે મહત્ત્વનું છે. મને વાસ્તવિકતા ચુંબકની જેમ આકર્ષે છે, ટોર્ચર કરે છે, મંત્રમુગ્ધ બનાવી દે છે. મારે બધાની વાતો શુદ્ધ સ્વરૂપમાં કાગળ ઉપર ઉતારવી હતી એટલે સાક્ષીઓ જાણે કોર્ટમાં વારાફરતી જુબાની આપતા હોય તે રીતે પુસ્તક લખ્યું છે. મને લાગે છે કે આ પુસ્તક દ્વારા મેં લેખક, રિપોર્ટર, સમાજશાસ્ત્રી, મનોવિજ્ઞાાની અને ઉપદેશક આ બધી ભૂમિકાઓ એક સાથે નિભાવી છે.’

ચર્નાેબિલની સચ્ચાઈ એકદમ નગ્ન થઈને દુનિયા સામે આવે તે બેલારૂસના શાસકોથી કેવી રીતે સહન થાય? શું કામ દટાયેલાં મડદાં ખોદો છો એમ કહીને સ્વેત્લાનાનો વિરોધ થયો, એમને દેશદ્રોહીનું બિરૂદ આપવામાં આવ્યું, વર્ષો સુધી એમનાં પુસ્તક છાપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, એમને હેરાન કરવામાં કશું બાકી રાખવામાં ન આવ્યું. સ્વેત્લાના ૨૦૦૦ની સાલમાં દેશ છોડીને પેરિસ જતાં રહ્યાં, પછી ગોથનબર્ગ અને બર્લિનમાં રહ્યાં. છેક ૨૦૧૧માં તેઓ બેલારૂસનાં પાટનગર મિન્સ્ક પાછાં ફર્યાં.

નોબલ પ્રાઈઝ લેખકના સમગ્ર કાર્યને ધ્યાનમાં રાખીને અપાતું હોય છે. ‘વોઈસિસ ઓફ ચર્નાેબિલ’ ઉપરાંત અફઘાનિસ્તાન વોર સંબંધિત ‘ઝિંકી બોય્ઝઃ ધ રેકોર્ડ ઓફ અ લોસ્ટ સોવિયેત જનરેશન’, ‘વોર્સ અનવુમનલી ફેસ’ જેવાં સ્વેત્લાનાનાં અન્ય પુસ્તકો પણ નોંધપાત્ર છે. ચર્નાેબિલવાળાં પુસ્તકના આધારે જુઆનિટા વિલ્સન નામની આઈરિશ ડિરેક્ટરે ‘ધ ડોર’ નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી, જે ૨૦૧૦માં ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. સત્તર મિનિટની આ ફિલ્મ યૂ ટયૂબ પર અવેલેબલ છે, જોઈ કાઢજો.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.