Sun-Temple-Baanner

ક્રાઇમનું આકર્ષણ કાતિલ હોય છે


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ક્રાઇમનું આકર્ષણ કાતિલ હોય છે


ટેક ઓફ – ક્રાઇમનું આકર્ષણ કાતિલ હોય છે

Sandesh- Ardh Saptahik Purti- 4 Nov 2015

ટેક ઓફ

ક્રાઇમ અથવા ગુનાખોરી શા માટે આકર્ષક લાગે છે ? કયાંક ન બનવાનું બને કે આઘાતજનક ઘટના ઘટે ત્યારે અરેરાટી છૂટતી હોવા છતાં શા માટે તેના વિશે જાણવા-વાંચવા-સાંભળવા-જોવા માટે આપણે ઉત્સુક રહીએ છીએ? શા માટે ક્રાઇમ સાથે જબરજસ્ત રસિકપણું સતત જોડાયેલું રહે છે?

* * * * *

અપરાધમાં એવાં તત્ત્વો ભળેલાં હોય છે જે સામાન્ય નથી, સહજ નથી, રૂટિન નથી, જેને આપણે રોજ-બ-રોજની જિંદગીમાં જોતાં-અનુભવતાં નથી. સમાજે કે નૈતિકતાએ એને મંજૂરી આપી નથી. અપરાધી કૃત્ય સાથે અસામાન્યપણું સંકળાયેલું હોય છે અને તેથી જ તે રોમાંચક લાગે છે. રોમાંચ સ્વયં એક તટસ્થ લાગણી છે પણ તે પેદા થવાનું કારણ શુભ કે અશુભ હોઈ શકે. કદાચ ગુનાખોરીની ભ્રષ્ટતા અને કુત્સિતતા જ તેને લાર્જર-ધેન-લાઇફ બનાવી દે છે. અખબારો, સિનેમા, ટીવી અને પુસ્તકો કયારેક સંપૂર્ણ સભાનતા સાથે અને કયારકે અભાનપણે અપરાધજગતને ગ્લેમરાઇઝ કરતાં રહે છે. ચંબલના ડાકુઓ અને સોરઠી બહારવટિયાઓથી લઈને દાઉદ ઇબ્રાહીમ અને ઓસામા બિન લાદેન જેવા ભયંકર અપરાધીઓને ‘સેલિબ્રિટી સ્ટેટસ’ મળી જાય છે તે શું માત્ર કળિયુગનું કુ-સત્ય છે? રાજા રાવણ પણ એક અપરાધી હતો અને એ મેગા સેલિબ્રિટી હતો!

એક ‘સેલિબ્રિટી ક્રિમિનલ’ આજકાલ સમાચારમાં છે, એના પર બનેલી ફિલ્મ ‘મૈં ઔર શોભરાજ’ને કારણે. ચાર્લ્સ શોભરાજનું અપરાધી જીવન એટલુંબધું ઘટનાપ્રચુર અને ગ્લેમરસ રહૃાું છે કે એના પરથી ફિલ્મો, ડોકયુમેન્ટરી અને પુસ્તકો ન બને તો જ નવાઈ પામવા જેવું છે. આ ‘કેરિશ્મેટિક બિકિની કિલર’ સાત ભાષા સડસડાટ બોલી શકે છે. વાક્ચાતુર્યથી સામેના માણસને પીગળાવી દેવાની, કન્વિન્સ કરી નાખવાની કે આત્મીય બનાવી દેવાની એનામાં ગજબની આવડત છે, કહે છે કે સ્ત્રીઓ ચુંબકની માફક એની પાસે ખેંચાઈ આવતી. સાઠ વર્ષ વટાવ્યા પછી એણે જે મુગ્ધ યુવતી સાથે લગ્ન કર્યાં એ માંડ વીસેક વર્ષની હતી. આ લગ્ન્ એણે નેપાળની જેલમાં કર્યાંર્ હતાં ! આ બહુરૂપીયાએ કમસે કમ બાર અને વધુમાં વધુ ચાવીસ કતલ કરી છે. કેટલાય દેશોની જેલોમાંથી એ ફરાર થઈ ચૂકયો છે. ફિલ્મમેકર કે લેખક કે મીડિયા માટે આના કરતાં બહેતર વિષય બીજો કયો હોવાનો ?

ચાર્લ્સ શોભરાજ શું કામ આવો પાકયો? ડિસ્ફંકશનલ ફેમિલી? નાનપણમાં પ્રેમ ન મળવો? મા-બાપના ઈતર સંબંધો? સાઈકો-એનેલિસ્ટોને મજા પડી જાય એવું ચાર્લ્સ શોભરાજનું કેરેક્ટર છે, એની માતા વિયેતનામી હતી, પિતા હોતચંદ સિંધી ભારતીય હતા. ૧૯૪૪માં ચાર્લ્સ શોભરાજનો જન્મ થયો ત્યારે વિયેતનામ યુદ્ધનો માહોલ જામેલો હતો. ભારત આઝાદ થયા પછી હોતચંદ વતન પાછા ફર્યા ને બીજાં બે લગ્ન કર્યાં. કુલ સોળ સંતાનો જણ્યાં. આ બાજુ ચાર્લ્સની મા કોઈ ફ્રેન્ચ મિલિટરી ઓફિસરને પરણી ગઈ. શરૂઆતમાં સાવકો બાપ નાનકડા ચાર્લ્સને સારી રીતે રાખતો હતો પણ જેવાં ખુદનાં સંતાન પેદા થયાં કે ચાર્લ્સ પ્રત્યેનો એનો રવૈયો બદલતો ગયો. સાવકા બાપ પ્રત્યે એનો અણગમો વધતો ગયો. ચાર્લ્સ ઘણી વાર પોતાના સગા પિતા વિશે માને પૂછતો. મા ઉડાઉ જવાબ આપી દેતી – તારો બાપ મરી ગયો છે. ચાર્લ્સ મોટો થતો ગયો તેમ તેમ સમજતો ગયો કે મા જૂઠું બોલે છે. મા પ્રત્યેની એની અશ્રદ્ધા વધતી ગઈ.

ચાર્લ્સ દસ વર્ષનો થયો ત્યારે એની માએ એને ભારત મોકલી આપ્યો, સગા બાપ પાસે. ભારતમાં એ જોકે ઝાઝું ટકી ન શકયો. પાછો મા પાસે આવ્યો. મા અને સાવકા બાપ વચ્ચેના સંબંધ વણસી રહ્યા હતા. એમના ડિવોર્સ થઈ ગયા. ચાર્લ્સ અને એની મા એકાએક ગરીબ થઈ ગયાં. આ જ અરસામાં ચાર્લ્સનાં કુલક્ષણો દેખાવા માંડયાં. માત્ર બાર વર્ષની ઉંમરે એણે એક પાર્ક કરેલી કારની ચોરી કરી હતી. પોલીસમાં એના વિરુદ્ધ નોંધાયેલો આ પહેલો કેસ. તેર વર્ષની ઉંમરે એ ઘરેથી પહેલી વાર ભાગી ગયો. ધીમે ધીમે એનાં પરાક્રમો વધતાં ગયાં. દુકાનમાંથી ચીજવસ્તુઓની ચોરી કરવી, મારામારી કરવી, છરી કે પિસ્તોલ દેખાડીને લોકોને લૂંટી લેવાં વગેરે. ઓગણીસ વર્ષની ઉંમરે ફ્રાન્સમાં એ પહેલી વાર જેલ ગયો. અહીં એનો ભેગો એક બડે બાપ કી બિગડી હુઈ ઔલાદ સાથે થયો. ચાર્લ્સનો એ પહેલો ગુરુ. જેલમાંથી બહાર આવ્યા બાદ આ ગુરુઘંટાલે એને પેરિસની હાઈ સોસાયટી અને અન્ડરવર્લ્ડ બંનેનો પરિચય કરાવ્યો.

મેરી નામની પેરિસની એક યુવતી સાથે યુવાન ચાર્લ્સનો સંબંધ બંધાયો હતો. જે દિવસે એમનાં લગ્ન થવાનાં હતાં એ જ દિવસે કોઈ ગુનાસર પોલીસ ચાર્લ્સને પકડી ગઈ! આઠ મહિનાની જેલમાંથી બહાર આવ્યા બાદ એણે મેરી સાથે લગ્ન કર્યાં. પોલીસની નજરથી બચવા ચાર્લ્સ એશિયામાં ઘૂૂસવા માગતો હતો એટલે પ્રેગ્નન્ટ પત્ની સાથે એણે યુરોપના પૂર્વીય દેશોમાં રખડપટ્ટી શરૂ કરી. બન્ટી અને બબલીની આ જોડી બીજા ટૂરિસ્ટો સાથે દોસ્તી કરતી. ચાર્લ્સ કયારેક ઇઝરાયલી સ્કોલર બની જતો, કયારેક લેબનીઝ વેપારી તો કયાંક બીજું કંઈક. સહપ્રવાસીઓને ભરોંસો બેસે એટલે લાગ જોઈને એમના પાસપોર્ટ અને માલમતા લૂંટી લેતાં. નકલી પાસપોર્ટના આધારે તેઓ મુંબઈ પહોંચ્યાં. ભારતમાં એમના ગોરખધંધા માત્ર ચાલુ ન રહ્યા, વધતા ગયા.

લૂંટ અને છતરપિંડી એક વસ્તુ છે, હત્યા તદ્દન જુદી બાબત છે. ચાર્લ્સે હત્યાકાંડનો સિલસિલો શરૂ કર્યો ૧૯૭૨માં, બેંગકોકમાં. એ વખતે એની ઉંમર હશે ૨૮ વર્ષ. અહીં ચાર્લ્સ સાથે મેરી નામની યુવતી હતી, જેણે ચાર્લ્સ માટે પોતાના બોયફ્રેન્ડને છોડી દીધેલો. હેન્ડસમ અને સોફેસ્ટિકેટેડ ચાર્લ્સ મેરીની ઓળખાણ પોતાની સેક્રેટરી તરીકે કરાવતો. થાઈલેન્ડમાં જ અજય ચૌધરી નામના એક ભારતીય સાથે ચાર્લ્સની ઓળખાણ થઈ. કતલની શરૂઆત આ બંનેએ સાથે મળીને કરી. વિદેશીઓને ડ્રગ્ઝ આપીને તેઓ અંતરિયાળ જગ્યાએ લઈ જતા અને બહુ જ ખરાબ રીતે હત્યા કરી નાખતા. ચાર્લ્સે એકલાએ પણ ઘણી હત્યાઓ કરી. બેહોશ કરી નાખેલા ટૂરિસ્ટને એ જીવતા બાળી નાખે, એમનાં શરીર પર છરીઓના ઘા કરી ગળું ચીરી નાખે તો કયારેક ગળોફાંસો આપે. પછી ડેડબોડીને દરિયામાં ફેંકી દે. થાઈલેન્ડના દરિયાકાંઠેથી રહસ્યમય રીતે મળી આવતી બિકિની પહેરેલી યુવતીઓની લાશોને લીધે સનસનાટી ફેલાઈ ગઈ હતી. ચાર્લ્સ શોભરાજને ‘બિકિની કિલર’નું બિરૂદ મળ્યંુ છે એનું કારણ આ. ચાર્લ્સના આ કારનામાં એવાં ગાજ્યાં હતાં કે થાઈલેન્ડની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર માઠી અસર પડી. હત્યાઓનો આ ખતરનાક ખેલ ચાર્લ્સે થાઈલેન્ડ ઉપરાંત મલેશિયા, નેપાળ અને ભારતમાં પણ કર્યા હોવાનું મનાય છે.

ચાર્લ્સ આખરે ૧૯૭૬માં દિલ્હીની અશોકા હોટેલમાંથી પકડાયો. એણે ફ્રેન્ચ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સના આખા ગ્રૂપને ઝાડા ન થાય તે માટેની ગોળીનાં નામે બેહોશીની દવા આપી દીધી. થોડી મિનિટોમાં સૌને ભયંકર ઊલટી શરૂ થઈ. ડારઇનિંગ રૂમમાં એક સાથે વીસ કરતાં વધારે લોકોને ઊલટી કરતાં જોઈને હોટેલના સ્ટાફને શંકા ગઈ. પોલીસ બોલાવવામાં આવી, જેમાંના એક પોલીસે ચાર્લ્સને ઓળખી લીધો. આઠ હજાર કેદીઓને સમાવી શકતી ભારતની સૌથી મોટી તિહાર જેલમાં ચાર્લ્સને પૂરવામાં આવ્યો. દસ વર્ષ પછી એ તિહાર જેલમાંથી કેવી રીતે છટકીને ભાગ્યો? આજે મારો બર્થડે છે એમ કહીને એણે જેલના દરવાન, અન્ય સ્ટાફ અને સાથી કેદીઓને બેહોશીની દવા ભેળવેલી બરફી ખવડાવી. અડધી કલાકની અંદર સૌ બેભાન થઈ ઢળી પડયા, આમાં ગેટ નંબર ત્રણ પર તૈનાત થયેલા ત્રણ રાઇફલધારી સિકયોરિટી ગાર્ડ્સનનો સમાવેશ થઈ ગયો. ચાર્લ્સ ભોંયભેગા થઈ ગયેલાં લોકો પરથી કૂદતો કૂદતો, બહોશ પડેલા રાઇફલધારી દરવાનોને સેલ્યુટ કરીને ટેસથી જેલમાંથી બહાર નીકળી ગયો!

જેલમાંથી છટકવાનો આ કંઈ પહેલો કિસ્સો નહોતો. ૧૯૭૧માં મુંબઈની જેલમાં એણે સિરીંજથી પોતાનું લોહી કાઢી મોંમાં ભરી લીધું હતંુ અને પછી લોહીની ઊલટી થઈ હોય એવું નાટક કર્યું હતું, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાંથી તે રફુચક્કર થઈ ગયો! આવા તો બીજા ઘણા કિસ્સા છે.

તિહાર જેલમાંથી ભાગ્યા પછી બે જ અઠવાડિયામાં એ ગોવાની એક રેસ્ટોરાંમાં ઝડપાઈ ગયો. આ ધરપકડ એણે ખુદ પ્લાન કરેલી હતી. શા માટે? એને ફરી જેલમાં પૂરી દેવામાં આવે એટલે, શા માટે? થાઈલેન્ડમાં કાયદો છે કે આરોપીને જો વીસ વર્ષ સુધી અદાલતમાં રજૂ કરવામાં ન આવે તો એના પર લગાડેલા આરોપો આપોઆપ નાબૂદ થઈ જાય, જો ચાર્લ્સ જૂની સજા ભોગવીને આઝાદ થાત તો એને તરત થાઈલેન્ડ મોકલી દેવામાં આવત. થાઈલેન્ડમાં એનો દેહાતદંડ નિશ્ચિત હતો, આથી ચાર્લ્સે ચાલાકીપૂર્વક જેલમાંથી ભાગી જઈ અને પછી પાછા પકડાઈ જઈને ભારતમાં પોતાનો જેલવાસ લંબાવ્યો કે જેથી થાઈલેન્ડની વીસ વર્ષવાળી અવધિ ચુકાઈ જાય!

જેલમાં ચાર્લ્સ શોભરાજને સૌ ચાર્લ્સસાહેબ કહેતા. કોઈ ભેદી વિદેશી બેન્ક અકાઉન્ટમાંથી એને પૈસા મળ્યા કરતા. આ નાણાંમાંથી એ ગરીબ કેદીઓની મદદ કરતો અને જેલના અધિકારીઓને પુષ્કળ લાંચ આપતો. તિહારમાં જેલવાસ પૂરો કરીને એ ફ્રાન્સ ગયો ત્યારે સેલિબ્રિટી બની ચૂકયો હતો. પત્રકારોને ઇન્ટરવ્યૂ આપવાના એ પૈસા ચાર્જ કરતો. એક પ્રકાશકે ચિક્કાર પૈસા આપીને એની જીવનકથા લખાવી છે. પુસ્તક તૈયાર કરનાર ઓસ્ટ્રેલિયન પત્રકારને એણે લાંબી લાંબી મુલાકાતો આપી. પુસ્તક છપાઈ ગયા પછી’આ બધી વાતો ખોટી છે’ એમ કહીને હાથ ઊંચા કરી નાખ્યા!

ચાર્લ્સ હાલ નેપાળની જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહૃાો છે. એનું સેલિબ્રિટી સ્ટેટસ આજેય અકબંધ છે. ચાર્લ્સ જેવા રીઢા ગુનેગારો પાસે ભયંકર આંતરિક તાકાત, આત્મવિશ્વાસ અને તીવ્ર બુદ્ધિચાતુર્ય હોય છે. આ બાબતોનો તેઓ દુરુપયોગ કરે છે તે અલગ વાત થઈ પણ શું એના આ ‘ગુણો’ જ સામાન્ય માણસનાં મનના એક પ્રકારનો વિકૃત અહોભાવ જન્માવી દેતાં હોય છે?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.