ટેક ઓફ : જ્યારે ફાધર વાલેસના ઘરમાં અજાણ્યો માણસ ચાકુ લઈને ઘૂસી ગયો!
Sandesh – Ardh Saptahik Purti – 13 April 2016
ટેક ઓફ
ફાધર વાલેસ માટે કોઈએ પરફેક્ટ શબ્દ પ્રયોજ્યો છે – ‘ફાધર વ્હાલેશ’! ગુજરાતી ભાષામાં ચિક્કાર સર્જન કરીને બેસ્ટસેલર લેખક બની ચુકેલા ફાધર વાલેસ આજકાલ પોતાનાં વતન સ્પેનમાં કેવું જીવન વીતાવે છે?
* * * * *
ગુડ ધેટ વી મીટ. ઓન સ્ક્રીન એન્ડ હાર્ટ. ઈન ઈલેકટ્રોનિક કંપની. ઈન પીસ એન્ડ જાેય.
તમને કહેવામાં આવે કે, આ કાર્લોસની વેબસાઈટના હોમપેજ પર લખાયેલાં વાકયો છે તો તમે પૂછશો, કાર્લોસ કોણ? નામ તો ઈટાલિયન માફિયા જેવું લાગે છે. માફિયાઓની વેબસાઈટ હોય?ધારો કે હોય તો ય એના હોમપેજ પર બહુ બહુ તો ‘જોય’ શબ્દ હોઈ શકે (જોય ઓફ્ ફીલિંગ પીપલ!), પણ ‘પીસ’ તો ન જ હોય. આકે, કાર્લોસ જી.વાલેસ, ચાલો. હજુય ન સમજાયું? ફઈન. ફાધર વાલેસ. હવે? ફાધર વાલેસનું મૂળ નામ કર્લોસ જી. વાલેસ છે તે યાદ આવતાં ચહેરા પર સ્માઈલ આવ્યું?
ગુજરાતીઓની એક કરતાં વધારે યુવા પેઢી ફાધર વાલેસનાં લખાણો-પુસ્તકો વાંચીને જીવનના પાઠ શીખી છે, વિચારતા શીખી છે, ખુદની માતૃભાષા પ્રત્યે સંવેદનશીલ બની છે. આજે ૯૦ વર્ષની ઉંમરે ફાધર વાલેસ પોતાનાં વતન સ્પેનમાં સુંદર અને સક્રિય જીવન જીવે છે. ફાધર ગુજરાતી નથી, સ્પેનિશ છે એ વાત પ્રયત્નપૂર્વક યાદ રાખવી પડે છે! સ્પેનમાં જન્મેલા અને મોટા થયેલા એક યુરોપિયન છોકરાને ભારત મોકલવામાં આવે, એ પહેલાં અંગ્રેજી શીખે, પછી ગુજરાતી શીખવાનું શરૂ કરે, ગુજરાતને પોતાનું ઘર બનાવે, અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવતાં ભણાવતાં ધીમે ધીમે, પુષ્કળ મહેનત અને નિષ્ઠાથી ગુજરાતી ભાષા પર એવો અંકુશ મેળવે કે ગુજરાતીમાં લેખો, પુસ્તકો, કોલમો લખવાનું શરૂ કરે, એટલું જ નહીં, બેસ્ટસેલર લેખક પુરવાર થાય! આ આખી વાત આજેય ચમત્કારિક લાગે છે.
ફાધર વાલેસનાં બા ૯૦ વર્ષનાં થયાં ત્યારે તેઓ ભારત છોડીને પાછા વતન ગયા. ગુજરાતીમાં ચિક્કાર સર્જન કરી ચૂકેલા ફાધરે પછી અંગ્રેજી અને સ્પેનિશમાં પણ ઘણાં પુસ્તક લખ્યાં. અગાઉ તેમનો વાચકવર્ગ માત્ર ગુજરાતી પ્રજા પૂરતો સીમિત હતો, પણ હવે એમનાં સ્પેનિશ પુસ્તકો સાઉથ અમેરિકાનાં વીસેક દેશોમાં વંચાય છે ને વખણાય છે. ફાધર વાલેસને મિસ કરતા એમના ચાહકોએ એમની વેબસાઈટ www.carlosvalles.com પર શાંતિથી સમય પસાર કરવા જેવો છે. સ્પેનમાં હાલ ફાધરનું જીવન કેવું છે એની સરસ ઝાંખી આ અંગ્રેજી વેબસાઈટ પર મૂકાયેલાં લખાણોમાંથી મળે છે. ફાધરનું અંગ્રેજી લખાણ ગુજરાતી જેવું જ છે – અકદમ સરળ, પ્રવાહી અને આત્મીય.
અેક જગ્યાએ તેઓ લખે છે (ફાધર વાલેસનાં લખાણનો અહીં ગુજરાતીમાં ભાવાનુવાદ કરતી વખતે રોમાંચ થાય છે!):
‘હું રોજ એક કલાક ચાલું છું. સવારે ઉઠયા પછી પહેલું કામ હું આ કરું છું, કેમ કે મને ખબર છે કે જો ચાલવાનું બપોર કે સાંજ સુધી મુલતવી રાખીશ તો સાવ રહી જશે. ચાલવાની કસરત શરીર માટે સારી છે… અને દિમાગ માટે પણ. હું ચાલવા નીક્ળ્યો હોઉં ત્યારે મને નવાં વિચારો આવે છે, નવાં કામ સ્ફૂરે અને કામ કરવાની નવી રીતો સૂઝે છે.’
ફાધર આ ઉંમરે પણ જીવનરસથી છલક-છલક થાય છે. તેઓ કહે છે તેમ વૉકિંગથી હૃદયના સ્નાયુઓને નિયમિત, લયબદ્ધ અને અકધારી કસરત મળે છે જેેનાથી હૃદય વધારે કાર્યક્ષમ બને છે તેમજ એનું આયુષ્ય પણ વધે છે. ફાધર વૉક કરવા નીકળે ત્યારે એમના બન્ને હાથમાં અક-એક લાકડી હોય. આ લાકડીઓ પાછી વિશિષ્ટ છે. એમના જમીન તરફ્ના છેડે ટચૂકડાં શૂઝ જડેલાં છે! ફાધર આ જૂતાંવાળી લાઠી લઈને વૉક લેવા નીકળે એટલે નાનાં બાળકોને બહુ કૌતુક થાય. મોટેરાઓનું પણ ધ્યાન ખેંચાય. કોઈ વળી એમને અટકાવીને પૂછેય ખરાઃ કયાંથી ખરીદી આ સ્ટિક્સ? ફાધર એમને ફિનલેન્ડની દુકાનનાં નામ સહિત પૂરી માહિતી આપે.
વોકિંગ કરીને પાછા ફર્યા બાદ બ્રેકફાસ્ટ વગેરે પતાવીને ફાધર પોતાનાં કમ્પ્યુટર પર કામ કરવા બેસે. દુનિયાભરમાંથી આવેલા ઈમેઈલના જાતે જવાબ આપે. પછી પોતાની વેબસાઈટ – પુસ્તકોનું કામ કરે. બપોરે લંચ પછી થોડી વાર ‘સિએસ્તા’ લે એટલે કે આડા પડે. ફાધર લખે છે, ‘મારા ઇંગ્લિશ દોસ્તોને હું યાદ કરાવવા માગું છું કે સ્પેનિશ ભાષાએ અંગ્રેજીમાંથી ઘણા શબ્દો લીધા છે,પણ અંગ્રેજી ભાષાએ સ્પેનિશના જે બહુ ઓછા શબ્દો અપનાવ્યા છે એમાંનો એક શબ્દ ‘સિએસ્તા’ છે. ભારતમાં એને ‘ડાબે પડખે સૂવું’ (યા તો વામકુક્ષિ કરવી) એમ કહે છે. બપોરનો સમય વાંચવા માટે છે. સાંજે દોસ્તોને મળવાનું. દિવસનો આ શ્રેષ્ઠ સમય હોય છે. રાત્રે મારા ‘લિટલ એન્જલ’ને છેલ્લી વાર પ્રણામ કરીને સૂઈ જવાનું. આ નન્હા ફરિશ્તા એવો છે જે મારો સાથ કયારેય છોડતો નથી.’
ફાધર સંભવતઃ પોતાના પર્સનલ ગોડને અથવા માંહૃાલાને ‘લિટલ એન્જલ’ તરીકે સંબોધે છે. એની સાથે ફાધરનું સતત કમ્યુનિકેશન ચાલતું રહે છે. આ લિટલ એન્જલ અથવા લિટલ ગાર્ડિયનના સંદર્ભમાં ફાધરે એક સરસ કિસ્સો ટાંકયો છેઃ
‘દર રવિવારની સવારે હું અને મારાં બા સગાસંબંધીઓ-દોસ્તારોને મળતાં, સાથે કોફી પીતાં ને નિરાંતે વાતો કરતાં. જીવનની વાતો, પરિવારની વાતો. એક વખત અમે આ રીતે ગપ્પાં મારતા બેઠાં હતાં ત્યાં અચાનક હું ઊભો થઈ ગયો. હું માત્ર આટલું જ બોલ્યોઃ ‘ખબર નહીં કેમ પણ મને લાગે છે કે મારે આ જ ઘડીએ ઘરે જવું જોઈએ.’ જાણે હું પાગલ હોઉં એમ મારો ભાઈ મને તાકવા લાગ્યો. એની આ નજર મને સમજાતી હતી કેમ કે મને ખુદને ખબર નહોતી કે હું શું કામ ઊભો થઈ ગયો છું. ખેર, હું ઘરે આવી ગયો.
‘નીચેનો ગેટ અને અમારા ફ્લેટનો દરવાજો તો બરાબર દેખાતા હતા. હું ઘરમાં ગયો, બધા રૂમમાં ફરી વળ્યો ને છેલ્લે મારી ડોરમેટરીમાં ગયો… ને ત્યાં મનેે એ દેખાયો. બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો. ઘરેથી નીકળ્યો ત્યારે મેં એને તાળું નહોતું માર્યું, પણ બંધ જરૂર કરેલું. મેં જોયું કે એક જુવાન માણસ ઉપર ચડીને, સરકીને અંદર આવવાની કોશિશ કરી રહૃાો છે. એ અડધો અંદર હતો, અડધો બહાર લટકી રહ્યો હતો ને એના હાથમાં ચાકુ હતું. હું ચૂપચાપ એના તરફ ગયો. એનું માથું ઝૂકેલું હતું એટલે મારા પગ એના નાક નીચે આવ્યાં ત્યાં સુધી એનું ધ્યાન ન ગયું. એણે મારા જૂતાં જોયાં, મોઢું ઊંચું કર્યું, મને જોયો, બાલ્કનીમાં ઊભો થયો અને મારી આમનેસામને થયો. અમારા બન્નેની વચ્ચે દરવાજો હતો. મેં શાંતિથી કહૃાું: ‘જે રીતે આવ્યો હતો એ જ રીતે પાછો ચાલ્યો જા.’
…અને હવે કોમેડી શરૂ થઈ. એ કરગરવા લાગ્યોઃ ‘હું બાજુનાં ઝાડ પર ચડીને ઉપર પહોંચ્યો છું. પ્લીઝ, મને ઝાડનો સહારો લઈને નીચે ઊતરવાનું ન કહેતા કેમ કે, આધાર લઈ શકાય એવી ડાળીઓ હવે બચી જ નથી. મહેરબાની કરીને મને અંદર આવવા દો. હું ચૂપચાપ દરવાજામાંથી ઘરની બહાર ચાલ્યો જઈશ.’ મેં કહૃાું: ‘તારું ચાકુ મને આપી દે.’ એણે આપી દીધું. તે કંઈ જોખમી હથિયાર નહોતું. રસોડામાં ઉપયોગમાં લેવાતું સાવ સાધારણ ચાકુ હતું. એ માણસ નાદાન દિશાહીન બાળક જેવો લાગતો હતો. મેં એને અંદર આવવા દીધો. પછી એની બાજુમાં ઊભો રહૃાો અને એના ખભે હાથ મૂક્યો. એ રડવા લાગ્યો. શાંત થયા પછી અટકી અટકીને તૂટક તૂટક વાક્યોમાં બોલવા લાગ્યોઃ ‘તમને ખબર પડી જ ગઈ હશે. હું મન્કી નામની ડ્રગ લઉં છું હું. વિથડ્રોઅલ સિમ્પટમ. અત્યારે મારી પાસે ડ્રગ નથી. એના વગર મને ચાલતું નથી. મારે ડ્રગ લેવી જ પડે છે. હું સારા ઘરમાંથી આવું છું. અહીં બાજુમાં જ રહું છું. મારા ઘરમાં કોઈને ખબર નથી. મારી પાસે પૈસા નથી. હું ચોરી કરવા ઘૂસ્યો હતો. મને હતું કે ઘરમાંથી કંઈક તો મળી જ જશે. મને એમ કે અંદર કોઈ નથી. પ્લીઝ મને જવા દો.”
ફાધર વાલેસ એ યુવાનની સાથે નીચે આવ્યા. છેક ગલીના નાકા સુધી એને મૂકી આવ્યા. એ જઈ રહૃાો હતો ત્યારે ફાધરે કહૃાું:’બધું ઠીક થઈ જશે. તારાં મા-બાપને વાત કર.’ બસ, આટલું જ. આનાથી વધારે એક શબ્દ નહીં. ત્યાર બાદ ફાધર પાછા એમનાં બા, ભાઈ અને સંબંધીઓ-મિત્રો પાસે પહોંચી ગયા. સાૈને આખી વાત કહી સંભળાવી. આ વિચિત્ર કિસ્સો વર્ણવ્યા બાદ ફાધર વાલેસ ઉમેરે છેઃ
‘સવાલ હજુય ઊભો છે. મને ત્યારે શા માટે અચાનક એવી લાગણી થઈ હતી કે મારે ઘરે જવું જોઈએ? મારા ગાર્ડિઅન એન્જલ સાથે મારો અત્યંત ઘનિષ્ઠ નાતો છે. ચોક્કસપણે એ કોઈક રીતે મારામાં લાગણીઓ જગાડે છે અને મારી પાસે અમુક કામ કરાવે છે. આ ક્ષણે એ મસ્તીખોર સ્મિત કરતો હશે. એ બધું જાણે છે.’
ફાધરને થઈ એવી અંતઃ સ્ફુરણા આપણને પણ કયારેક નથી થતી શું? અમુક લાગણીઓ, સ્પંદનો કે ચેષ્ટાઓને તર્કથી માપી શકાતાં નથી.
ફાધરનાં લખાણોમાં ભારત અને ગુજરાતનું સ્મરણ સતત થતું રહે છે. સ્વાભાવિક છે. પોતાનો ‘ચાલશે’વાળો લેખ એમને ખૂબ પ્રિય છે. એમનો સાવ શરૂઆતનો આ લેખ. એનું પહેલું જ વાકય આ છેઃ ”ચાલશે’ જેવો કોઈ અપશુકનિયાળ શબ્દ ગુજરાતીમાં નથી.’ ફાધરે અમદાવાદમાં કરેલી વિહારયાત્રા ખૂબ જાણીતી છે. તેઓ ખાસ કરીને પોળ વિસ્તારમાં મિત્રો, મિત્રોના મિત્રો અને પોતાના વાચકોના ઘરે મહેમાન બનીને એક-અેક અઠવાડિયું રહેતા. બિલકુલ ઘરના સભ્યની જેમ જ રહેવાનું. રસોડામાં જે કંઈ બન્યું હોય એ જમવાનું. કોઈ વિશેષ આગ્રહ કે માગણી નહીં. આ સિલસિલો વર્ષો સુધી ચાલ્યો હતો. આ રીતે અમદાવાદની પ્રજા સાથે જે અંતરંગ અનુભવો થયા હતા તેના આધારે ફાધરે સુંદર પુસ્તકો પણ લખ્યાં હતાં. આ સઘળું યાદ કરીને ફાધર પોતાની વેબસાઈટ પર લખે છેઃ
‘ભારતીયોની આતિથ્યસત્કારની ભાવના દંતક્થારૂપ છે એ સાચું, પણ મેં તો હદ જ કરી નાંખી હતી. એક વાર હું એક ઘરે રહેવા ગયેલો ત્યારે એક નાનકડી છોકરી મારી પાસે આવી. પૂરા અધિકારથી એણે મને લગભગ આદેશ આપ્યોઃ હું બાજુમાં જ રહું છું, આવતાં અઠવાડિયે તમારે મારા ઘરે રહેવા આવવાનું છે. એનો રોફ એવો હતો કે ના કહી શકાય એમ હતું જ નહીં. હમણાં થોડા અરસા પહેલાં હું ભારત ગયેલો ત્યારે આ છોકરીને મળ્યો હતો ને આ કિસ્સો એને અને એના પરિવારને કહી સંભળાવ્યો હતો. બધા હસી પડેલાં. મેં છોકરીને કહેલું: ‘એ વખતે તેં કેવાં કપડાં પહેર્યાં હતાં એ ય મને યાદ છેઃ તેં ટપકાં-ટપકાંવાળું ફ્રોક પહેરેલું.’ મેં જોયું કે આજે પુખ્ત સ્ત્ર્રી બની ગયેલી એ છોકરીની આંખો ભીંજાઈ ગઈ હતી. મારી આંખો પણ ભરાઈ આવી. ગોડ બ્લેસ યુ, રૂપા’
ફાધર જેટલું સરસ ગુજરાતી લખે છે એટલું જ મીઠું ગુજરાતી બોલે છે. થોડાં વર્ષો પહેલાં ફાધર મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાત લેવાનો ને એમની સાથે થોડા કલાકો પસાર કરવાનો સરસ મોકો મળ્યો હતો. ત્યાર બાદ એ મુલાકાતનું શીર્ષક આપ્યું હતું- ‘પ્રસન્નતાનો દરિયો’. યુટયુબ પર ફાધરના કેટલાક મસ્તમજાના વીડિયો છે. ફધરની વેબસાઈટ અને આ વીડિયો બન્ને જોજો. જલસો પડશે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Apr, 2016 )
Leave a Reply