Sun-Temple-Baanner

સ્પિરિચ્યુઅલ જન્કી: તમને કોફી મેડિટેશન કરતાં આવડે છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સ્પિરિચ્યુઅલ જન્કી: તમને કોફી મેડિટેશન કરતાં આવડે છે?


ટેક ઓફઃ સ્પિરિચ્યુઅલ જન્કી: તમને કોફી મેડિટેશન કરતાં આવડે છે?

Sandesh – Ardh Saptahik purti – 11 May 2016

ટેક ઓફ

આધ્યાત્મિક હોવું એક વાત છે અને આધ્યાત્મિક હોવાના દેખાડા કરવા તે જુદી જ વસ્તુ છે. અધ્યાત્મ અને ભક્તિ અનુભૂતિની વસ્તુઓ છે. તે ઈન્ટેન્જિબલ છે એટલે કે તેને સ્પર્શી શકતી નથી, ફૂટપટ્ટી કે વજનિયાંથી માપી શકતી નથી. પ્રેમની જેમ.

* * * * *

‘તમને કોફી મેડિટેશન કરતાં તો આવડે છેને?’

ટકો મૂંડો કરાવ્યા પછી દસેક દિવસે ઊગી નીક્ળ્યા હોય તેવા ઝીણા ઝીણા વાળવાળો અને જાડા કાચનાં ચશ્માં પહેરેલો અઠ્ઠાવીસ વર્ષનો સૂકલક્ડી જુવાન પોતાની અસ્તવ્યસ્ત દાઢી પર હાથ ફેરવતાં ફેરવતાં તમને પૂછી રહૃાો છે.

‘શું?’ એનો વિચિત્ર પ્રશ્ન સાંભળીને તમે માથું ખંજવાળો છો, ‘કોફી મેડિટેશન એટલે?’

‘લે! નથી ખબર તમને?’ જાણે તમે દેશના વડાપ્રધાનનું નામ જાણતા ન હો એટલું બધું આશ્ર્ચર્ય યુવાનને થઈ જાય છે. પછી ઉત્સાહભેર કહેવા માંડે છે, ‘જુઓ, સૌથી પહેલાં તો કોફીનો મગ લઈને બેસવાનું, બરાબર છે? એવી ક્લ્પના કરવાની કે આખી દુનિયામાં એક તમે છો ને બીજી કોફી છે, બસ, બીજું કોઈ નથી. એકાદ મિનિટ સુધી કોફીના મગ પર ત્રાટક કરતાં રહેવાનું. પછી હળવેથી મગ હાથમાં લેવાનો. બધું ધ્યાન માત્ર મગ પર. બીજું ક્શું જ નહીં વિચારવાનું. આંગળી પર કાચના મગનો સ્પર્શ ફીલ થયો? એના પર કેન્સન્ટ્રેટ કરો. પછી મગ મોં પાસે લાવી કોફી સૂંઘવાની. વિચારવાનું ક્શું નહીં. માત્ર સૂંઘવાની. પછી હળવેથી એક્ ઘૂંટડો પીવાનો. જીભ પર કોફીનો સ્વાદ આવશે તેના પર ફોકસ કરો. તમારી બોડીમાં ઝીણી ઝીણી ફિલિંગ થશે. એના પર ફોકસ કરો. પછી મગ નીચે મૂકો. ફરી ઉંચકો. ફરી ઘૂંટડો ભરો. કોફી ખતમ ન થાય ત્યાં સુધી આવું કરતા રહેવાનું…’

‘પણ આનાથી શું થાય?’ તમે ચક્તિ થઈને પૂછો છો.

‘કેમ? તમારું સ્ટ્રેસ લેવલ ઘટશે. ઈટ્સ અ મેડિટેશન ટેક્નિક્! કરજો આ. બહુ ફરક પડશે તમને!’

તમને પૂછવાનું મન થાય કે ભાઈ, કોફીના મગને બદલે વ્હિસ્કીનો ગ્લાસ લઈને આ વિધિ કરીએ તો વધારે ફરક ન પડે? પણ તમે ક્શું પૂછો તે પહેલાં એ નવો દારૂગોળો ફેડે છે, ‘અચ્છા, હું તો ફાયર મેડિટેશન પણ કરું છું! આમાં શું કરવાનું ખબર છે, અંધારામાં મીણબત્તી સળગાવવાની ને પછી છ ફૂટ દૂરથી એની જ્યોતને એકીટશે જોયા કરવાની. આ ય મસ્ત મેડિટેશન છે. ક્રિસ્ટલ મેડિટેશન, જર્ની મેડિટેશન, ગાર્ડનમાં પેલી ભુલભુલામણી હોય છે તેમાં લટાર મારતાં મારતાં મેડિટેશન… આપણે આ બધું જ કર્યું છે. ગયા અઠવાડિયે હું ઓશોના આશ્રમમાં જઈ આવ્યો, પણ ત્યાં સાલું બધું બહુ મોંઘું છે. જૂનમાં ધરમશાલા જઈ રહૃાો છું, હિમાચલપ્રદેશમાં. ત્રીસ દિવસનો મેડિટેશન કોર્સ કરવો છે આ વખતે. કહે છે, જગ્ગી સદગુરુનો કોર્સ પણ સારો છે. એ પણ ટ્રાય કરવો છે આ વરસે.’

તમે એને પૂછો કે ભાઈ, તું ડબલ ગ્રેજ્યુએટ થઈને બેકાર બેઠો છે, તારે ક્ંઈ નોકરી-ધંધો નથી કરવો? તો જવાબ આપશે, ‘આઈ એમ અ સ્પિરિચ્યુઅલ પર્સન. આઈ બિલીવ ઈન સ્પિરિચ્યુઅલિટી!’

આ જુવાન સ્પિરિચ્યુઅલ પર્સન નહીં પણ સ્પિરિચ્યુઅલ જન્કી છે. ધારો કે તમે વડાપાઉં ખાતાં ખાતાં ખાઉગલીમાં આમતેમ લોલુપ નજર ફેરવતા ફરતા હો ને પછી એક રેક્ડી પર ઊભા રહીને પહેલાં બે દાબેલી સાફ્ કરી નાખો, પછી ખાટીમીઠી ભેળ સફાચટ ર્ક્યા બાદ ઊભા ઊભા બે પ્લેટ પાણીપૂરી ઝાપટી જાઓ ને ત્યાર બાદ બરફ્નો ગોલો ખાતાં ખાતાં વિચારો કે ઘણા સમયથી લખુભાઈનો રગડો ખાધો નથી તો આજે રાતે કામ પતાવીને ઘરે જતી વખતે રસ્તામાં જો લખુભાઈની લારી ખુલ્લી દેખાશે તો એક પ્લેટ રગડા-પેટિસ ખાતો જઈશ… તો આનો સાદો અર્થ એ થયો કે તમે એક નંબરના ખાઉધરા છો. તમને જાતજાતનું જન્ક ફૂડ ખાવાનું બંધાણ થઈ ગયું છે.

બસ, સ્પિરિચ્યુઅલ જન્કીની તાસીર આવી જ હોવાની.

એ રાતના બબ્બે વાગ્યા સુધી કાનમાં ઈયરફોનના પૂમડાં ભરાવીને ઓશો રજનીશના લેકચર સાંભળશે, યુટયૂબ પર આંખો ફાડી ફાડીને કુંડલિની જાગ્રત કેવી રીતે કરવી તે શીખવતા વીડિયો જોશે, પછી સવારે માંડ માંડ ઊઠશે ને સીધા પલાંઠી મારીને મેડિટેશન કરવા બેસી જશે. સાંજે આરતીના સમયે ઈસ્કોન મંદિરે ઝૂમતાં ઝૂમતાં હરે રામ હરે કૃષ્ણના રાગડા તાણશે. દર સાતઆઠ મહિને એને વિપશ્યનાની દસ દિવસની શિબિર કરી આવવાનું શૂરાતન ચડશે. આ શિબિરનેે હજુ મહિનો પણ પૂરો થયો ન હોય ત્યાં એ ટ્રેન પક્ડીને દિલ્હી ભાગશે. અહીં એ રોકાણ કરશે કેમ કે, અઘોરીઓ સાથે કોન્ટેક્ટ ધરાવતા પોતાના ખાસ દોસ્તારો પાસે રાતવાસો કરીને એમના અનુભવો સાંભળ્યા વગર એને ચાલે તેમ નથી. પછી એ દિલ્હીથી સાઠેક્ કિલોમીટરના અંતરે આવેલા આનંદમૂર્તિ ગુરુમાના આશ્રમે ત્રણચાર દિવસ રહી આવશે. એને સાયન્ટોલોજીમાં પણ રસ પડે છે અને એને પેગનિઝમ વિશે પણ જાણવું હોય છે. જેમ જન્ક ફૂડનો શોખીન એક્ રેક્ડીથી બીજી રેક્ડી કૂદાકૂદ કરીને પેટમાં ક્ચરો ઠાંસતો રહે છે તેમ સ્પિરિચ્યુઅલ જન્કી ગાંડાની જેમ જાતજાતની આધ્યાત્મિક કસરતોમાં રચ્યોપચ્યો રહે છે.

બહુ જોખમી છે આ સ્થિતિ. આધ્યાત્મિક હોવું એક વાત છે અને આધ્યાત્મિક હોવાના દેખાડા કરવા તે જુદી જ વસ્તુ છે. અધ્યાત્મ અને ભક્તિ અનુભૂતિની વસ્તુઓ છે. તે ઈન્ટેન્જિબલ છે એટલે કે તેને સ્પર્શી શકતી નથી, ફૂટપટ્ટી કે વજનિયાંથી માપી શકતી નથી. પ્રેમની જેમ. શરીરનું વજન વધારવાની કે ઘટાડવાની પ્રક્રિયા પર સતત ચાંપતી નજર રાખી શકાય છે, પણ માણસ અધ્યાત્મના રસ્તા પર કેટલો આગળ વધ્યો છે તે કળી શકાતું નથી. અધ્યાત્મ એ કંઈ સિક્સ પેક એબ્સ જેવી વસ્તુ નથી. સ્પષ્ટપણે પકડમાં ન આવતી કે નક્કરપણે માપી ન શકતી વસ્તુ નિરંકુશ બની શકે છે. તે ક્લ્પનાનો વિષય બનીને કોઈ પણ ક્દ-આકાર-રંગ-રૂપ ધારણ કરી શકે છે. ધર્મ અને અધ્યાત્મના નામે કેટલાક્ તદ્દન ઘટિયા લોકો બાબા-ગુરુ બનીને સેંકડો-હજારો-લાખો લોકોને પોતાના ઈશારે નચાવી બેવકૂફ બનાવી શકે છે એનું કારણ આ જ.

ઘણા લોકો અધ્યાત્મના નશામાં રહેતા હોય છે. દારૂડિયાને જેમ દારૂનું બંધાણ હોય છે તેમ અમુક્ લોકોને અધ્યાત્મનું બંધાણ થઈ જાય છે. અધ્યાત્મ, મેડિટેશન, યોગસાધના આ બધી અત્યંત મૂલ્યવાન જણસ છે. તેની યોગ્ય રીતે પ્રેક્ટિસ થાય તો તન-મન-જીવન વધારે સ્વસ્થ, વધારે સંતુલિત બને જ છે, પણ જો ઓવરડોઝ થાય અથવા ખોટી રીતે થાય તો નુકસાન થયા વગર રહેતું નથી. યોગસાધનાને લીધે એક નિશ્ચિત તબક્કા પછી આંતરિક્ શાંતિ અને પરમાનંદનો અનુભવ થતો હોય છે. આ સુખદ અને ભાર વગરની માનસિક્ અવસ્થાનું આકર્ષણ જબરું હોય છે એટલે સાધકને વારે વારે તે અનુભવવાની લાલચ થાય છે. અલબત્ત, દરેક સેશનમાં આવી અનુભૂતિ ન પણ થાય. ઇચ્છિત પરિણામ ન મળે એટલે સાધક ફ્રસ્ટ્રેટ થઈ જાય. પરમ આનંદને બદલે પરમ નિરાશામાં ડૂબી જાય.

અમુક લોકોને પોતે બહુ આધ્યાત્મિક છે એવો ફાંકો હોય છે. એમનાં વર્તન-વ્યવહારમાંથી સૂક્ષ્મપણે એવું સંભળાતું રહે કે, ‘હું રહૃાો આધ્યાત્મિક્ માર્ગે આગળ વધી ચૂકેલો માણસ અને તમે રહૃાા તુચ્છ મનુષ્યજંતુ. હું સ્પેશિયલ, વ્યકિતવિશેષ, મૂઠી ઉંચેરો અને તમે બધા અજ્ઞાાની, ભોટ, અબૂધ!’ જો માણસનાં વર્તનમાં અભિમાન અને આકરાપણું ડોકયાં કરતું હોય તો સમજવાનું કે એની અધ્યાત્મ-સાધનામાં ક્શીક્ ગરબડ છે. કોઈ વ્યકિત વર્ષોથી મેડિટેશન કે બીજી કેઈ પણ પ્રકારની સ્પિરિચ્યુઅલ પ્રેકટિસ કરતી હોય માત્ર એટલે એ ક્ંઈ પરફેક્ટ કે સર્વગુણસંપન્ન બની જતી નથી. પોતાને સ્પિરિચ્યુઅલ ગણાવતા અમુક માણસોની નાદાની અને છીછરાપણું જોઈને આપણને દયા આવે. આપણને થાય કે અરેરે, કાયમ અધ્યાત્મની ડુગડુગી વગાડતો આ માણસ આટલાં વર્ષોમાં આટલું ય ન શીખ્યો? ક્થા સુણી સુણી ફૂટયા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાાન જેવો તેમનો ઘાટ હોય છે.

ખરું અધ્યાત્મ સાધકને નમ્ર, કરુણામય અને પ્રેમાળ બનાવે, અહંકરી નહીં. સાચી આધ્યાત્મિક સાધના માણસને વધારે જીવંત, વધારે નિષ્ઠાવાન અને વધારે જવાબદાર બનાવે છે, નિર્માલ્ય, નીરસ કે પલાયનવાદી નહીં. શી રીતે ખબર પડે કે આપણે આધ્યાત્મિક્તાનો જે રસ્તો પકડયો છે તે સાચો છે? શી રીતે સુનિશ્ર્ચિત કરી શકાય કે આપણે જે યોગ-સાધના કરીએ છીએ તે ક્લ્યાણકારી છે? શી રીતે સ્પિરિચ્યુઅલ જન્કી બનતા અટકી શકય? આ રહૃાા શાણા અનુભવી લોકોએ તૈયારી કરેલી પ્રશ્નાવલિ. સવાલો સાદા છે. પ્રામાણિકપણે એના જવાબ આપજો.

(૧) શું તમે આર્થિક-પારિવારિક-સામાજિક્ જવાબદારીઓ પાર પાડવાને બદલે આખો દિવસ ખુદના આધ્યાત્મિક વિકાસ અંગે જ વિચારતા રહો છો?

(૨) શું તમે મહેનત કરવાનું ટાળો છો? નક્કર કમ કરવાને બદલે, હાથપગ હલાવવાને બદલે ઇચ્છાશકિત અને લૉ ઓફ્ એટ્રેક્શન વિશે વિચાર્યા કરો છો?

(૩) તમને એવું લાગ્યા કરે છે કે તમે આ પૃથ્વી પર મિસફ્ટિ છો? સમાજ તમને સમજી શક્તો નથી ને તમારી સાથે આકરું વર્તન કરે છે? તમને બધા તમારા દુશ્મન જેવા લાગે છે?

(૪) દોસ્તો-સગાસંબંધીઓ સાથે હળવામળવાને બદલે તમે સ્પિરિચ્યુઅલ લોકો સાથે સંબંધ રાખવાનું વધારે પસંદ કરો છો?

(૫) તમારું ચાલે તો તમે રોજેરોજ નહાવાનું બંધ કરી દો? આ શરીર મિથ્યા છે એમ માનીને એની સાવ ઉપેક્ષા કરો?

(૬) તમે કાયમ ક્લ્પનાની દુનિયામાં જ વિહર્યા કરો છો? પરિવાર, સમાજ અને દેશ-દુનિયાની વાસ્તવિકતા તમે સ્વીકારી શકતા નથી?

(૭) તમે સાવ એકલપટા અને અંતર્મુખ થઈ ગયા છો? આખો દિવસ આત્મમંંથન અને ધર્મમંથન કરતા રહો છો?

(૮) તમે રોજની પાંચ-સાત-દસ કલાક મેડિટેશન વગેરેમાં ગાળો છો?

(૯) તમને લાગે છે કે, આ આખું જગત માયા છે, અર્થહીન છે? તમને લાગે છે કે જેનો ક્શો મતલબ જ નથી એવી વસ્તુઓ (જેમ કે સંબંધો, પરિવાર,પૈસો, કરીઅર) હોય તો શું ને ન હોય તોય શું?

(૧૦) તમારા જાતીય આવેગો મંદ થઈ ગયા છે? તમારા જીવનસાથી સાથે જાતીય સંબંધ બાંધવામાં તમને હવે કોઈ રસ રહૃાો નથી?

જો આ દસમાંથી છ કે તેથી વધારે સવાલના જવાબ ‘હા’ હોય તો સમજી લેવાનું તમે ડેન્જર ઝોનમાં ઊભા છો. સ્વીકારી લેવાનું કે આપણી આધ્યાત્મિક સાધનામાં કયાંક ક્શુંક ખોટું થઈ રહ્યું છે. જેને આપણે સ્પિરિચ્યુઅલ

એક્ટિવિટી ગણીએ છીએ તેનાથી આપણું ક્લ્યાણ થવાને બદલે નુકસાન વધારે થઈ રહ્યું છે. જો સંસારત્યાગ કરીને સાધુ બની જવાનું પ્લાનિંગ કર્યું હોય તો અલગ વાત છે, બાકી જો આવું કોઈ પ્લાનિંગ-બ્લાનિંગ ન હોય તો તરત સતર્ક બની જવું પડે. અધ્યાત્મના પરપોટામાંથી વહેલી તકે બહાર આવી જવું પડે. સ્વજનોનું, શુભેચ્છકોનું સાંભળીએ. જેન્યુઈન, અનુભવી અને જાણકાર માણસોની સલાહ લઈએ. જીવન પર, સમય પર અને વર્તમાન પર કાબૂ મેળવીએ ને આળસ-પ્રમાદ ખંખેરી વહેલામાં વહેલી તકે કામે ચડી જઈએ. સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ પર સાવ ચોક્ડી મૂકવાની જરૂર નથી, પણ તેનું પ્રમાણભાન જાળવીએ અને ભૂલોમાંથી શીખીએ.

સાચા અર્થમાં સ્પિરિચ્યુઅલ બનીશું તો અધ્યાત્મની એક દુકાનેથી બીજી દુકાન પર હૂપાહૂપ કરવી નહીં પડે અને કોફી શોપમાં ટેસથી કોફીની ચૂસકી લેતાં લેતાં દોસ્તો સાથે ટોળટપ્પાં કરી શકીશું, કોફી મેડિટેશનની ચિંતા નહીં કરવી પડે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year May, 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.