Sun-Temple-Baanner

HDW સબમરીન કૌભાંડઃ એ કરોડો રૂપિયા ગયા કયાં?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


HDW સબમરીન કૌભાંડઃ એ કરોડો રૂપિયા ગયા કયાં?


ટેક ઓફઃ HDW સબમરીન કૌભાંડઃ એ કરોડો રૂપિયા ગયા કયાં?

Sandesh – Ardh Saptahik Purti – Sept 7, 2016

ટેક ઓફ

અસ્ત્રો-શસ્ત્રોની સોદાબાજીમાં કરોડો-અબજોના ખેલ થતા હોવાથી આ ક્ષેત્ર લાલચુ અને ભ્રષ્ટ વચેટિયાઓથી કાયમ ખદબદતું રહેવાનું. દેશની સુરક્ષા? એ વળી શું? પોતાનાં ખિસ્સાં એટલે બસ.

* * * * *

એક ફ્રેન્ચ કંપનીના સહયોગથી ભારતીય નૌસેના માટે મુંબઈમાં તૈયાર થઈ રહેલી છ જેટલી અતિ આધુનિકસ્કોર્પીન કલાસ સબમરીન વિશેનો અત્યંત ગુપ્ત અને અત્યંત સંવેદનશીલ એવો ૨૨,૦૦૦ પાનાં જેટલો ડેટા વચ્ચે લીક થઈ જતાં જે ખળભળાટ મચ્યો હતો તે સમજી શકાય એવો હતો. કેમ આમ બન્યું? શું મામલો માત્ર હેકિંગનો છે? આ ભોપાળાને કારણે આપણી દરિયાઈ સુરક્ષા કેટલી જોખમાઈ છે? સમયની સાથે ઘણું બધંુ બહાર આવશે અને આપણે નવા-નવા ઝટકા ખાવા માટે તૈયાર રહેવાનું છે.

આંતરરાષ્ટ્રીય વ્યાપાર જગતમાં અસ્ત્રો-શસ્ત્રોનું માર્કેટ એક ટકા કરતાય નાનું છે, છતાં અમેરિકન સરકારનો અંદાજ છે કે વિશ્વના જુદા જુદા સોદાઓમાં જે લાંચની લેતી-દેતી થાય છે એમાંનો ૫૦ ટકા હિસ્સો એકલા અસ્ત્રો-શસ્ત્રો સંબંધિત સોદાઓનો હોય છે! ભારત આઝાદ થયું ત્યારથી સંરક્ષણ ક્ષેત્ર ભ્રષ્ટાચારથી દૂષિત થતું રહ્યું છે.સ્કોર્પીન સબમરીન લીકના સમાચાર વચ્ચે ખૂબ ગાજી ચૂકેલા HDWસબમરીન સ્કેન્ડલને યાદ કરવા જેવું છે.

HDW સબમરીન સોદાનો સિલસિલો શરૂ થયો હતો ફેબ્રુઆરી ૧૯૭૯માં. મોરારજી દેસાઈ ત્યારે દેશના વડાપ્રધાન હતા. દેશના તમામ મહત્ત્વના આંતરરાષ્ટ્રીય કોન્ટ્રેકટ્સની ગતિવિધિ આજે પણ સીસીપીએ તરીકે ઓળખાતી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની પરવાનગી મળે પછી જ આગળ વધે છે. તે વખતે મોરારજીભાઈના વડપણ હેઠળ સીસીપીએ દ્વારા ભારતીય નૌ સેના માટે સબમરીન-ટુ-સબમરીન કિલર્સ (એસએસકે) ખરીદવા માટે લીલી ઝંડી દેખાડવામાં આવી. દરિયાની સપાટીની ૩૫૦ મીટર નીચે તરી શકવાની ડાઇવિંગ કેપેસિટી ધરાવતી અને અંદાજે ૩૫૦ કરોડ રૂપિયાની એક એવી ચાર સબમરીન ખરીદવાનું નક્કી થયું. સબમરીન મેન્યુફેકચર કરતી કંપનીઓના ભાવ અને ટેક્નિકલ વિગતો મંગાવવામાં આવી. ચાર કંપનીઓને શોર્ટ-લિસ્ટ કરવામાં આવીઃ સ્વિડનની કોકમ્સ, જર્મનીની HDW, ઇટાલીની સૌરો અને ચોથી TNSW-૧૪૦૦.

ચારેયની ઓફ્રના લેખાજોખા કરવા માટે નૌસેનાના તત્કાલીન વાઈસ-ચીફે માર્ચ ૧૯૭૯માં બીજી સમિતિ રચી. રિઅર એડમિરલ સેઠી આ સમિતિના વડા હતા. સમિતિના છ સભ્યોમાં એક કેપ્ટન એમ. કોંડથ હતા, જે નૌસેનાના સબમરીન સંબંધિત કામકાજ સંભાળતા વિભાગના ડિરેકટર તરીકે ફ્રજ બજાવતા હતા. મે મહિનામાં સેઠી કમિટીએ નેવલ સ્ટાફ્ના વાઈસ-ચીફ્ને રિપોર્ટ સોંપ્યોઃ શોર્ટલિસ્ટ કરવામાં આવેલી કંપનીઓમાંથી સ્વિડનની કોકમ્સ કંપનીની ઓફ્ર બેસ્ટ છે. બીજા નંબર પર ઇટાલીની સૌરો કંપનીને મૂકી શકાય. જર્મનીની HDWને પહેલાં જ ધડાકે રિજેકટ કરી નાખવામાં આવી હતી, કેમ કે આ કંપનીની સબમરીન દરિયાની સપાટીથી માત્ર ૨૫૦ મીટર ઊંડે જ તરી શકતી હતી, જેની આપણી નૌસેનાને જરૂર નહોતી.

એક જ મહિનામાં, કોણ જાણે કેમ, સીસીપીએએ કહ્યું કે જો HDWકંપની ડાઇવિંગ ડેપ્થ વધારશે તો બાકીની બે કંપનીઓની સાથે તેને પણ કન્સિડર કરવામાં આવશે! એ જ મહિને એકાધિક મંત્રાલયોના અધિકારીઓ વત્તા કેપ્ટન કોંડથ યુરોપ-અમેરિકાના ઓફ્િશિયલ પ્રવાસે ઉપડી ગયા. જુદા જુદા શિપયાર્ડ્ઝનની મુલાકાત લીધી, સર્વે કર્યો અને ભારત પાછા આવીને પોતાનો ચુકાદો આપ્યોઃ ઈન્ડિયન નેવી માટે કોકમ્સ કંપનીની સબમરીન જ બેસ્ટ છે.

આ બધું ચાલી રહ્યું હતું દરમિયાન ભારતનું રાજકીય ચિત્ર પલટાયું. મોરારજીભાઈની જગ્યાએ ચરણ સિંહ દેશના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બદલાયા એટલે કેબિનેટ કમિટીઓના પોલિટિકલ અફેર્સ (સીસીપીએ)માં પણ ફેરફર થયા. દરમિયાન સંરક્ષણ મંત્રાલયે સીસીપીએને સુપરત કરવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરી નાખ્યો હતો. તેમાં લખ્યું હતું કે કોકમ્સ કંપની સાથે જ કોન્ટ્રેકટ કરો. કોકમ્સની એક સબમરીન આપણને ૩૧૮ કરોડ રૂપિયામાં પડશે. આની તુલનામાં HDW સબમરીન મોંઘી છે. જોકે રાજકીય અનિશ્ચિતતાને લીધે સીસીપીએની મિટિંગ થઈ ન શકી. ટૂંક સમયમાં દેશનો રાજકીય નકશો પાછો બદલાયો. વડાપ્રધાનની ખુરશી પર ઇંદિરા ગાંધીએ પુનઃ બિરાજમાન થયાં. સંરક્ષણ મંત્રાલયે પેલો ડ્રાફ્ટ હવે ઈંદિરા સરકારને મોકલી આપ્યો.

આખરે ૧૪ એપ્રિલ ૧૯૮૦ના રોજ નવી બનેલી સીસીપીએની મિટિંગ થઈ. આમ તો આ કમિટીના અધ્યક્ષપદે ડિફેન્સ પ્રોડકશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હોવા જોઈતા હતા, પણ મિટિંગ થઈ ત્યારે એસ. એસ. સિધ્ધુ નામના મહાનુભાવ સીસીપીએના ચેરમેનની ખુરશી પર બેસી ગયા. સિધ્ધુસાહેબ સંરક્ષણ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે જોડાયા હતા. આ જે કંઈ ફેરબદલ થઈ તેનો કોઈ સરકારી રેકોર્ડમાં નોંધ સુધ્ધાં નહોતી. સિધ્ધુસાહેબે ઘોષણા કરીઃ નવેસરથી સીસીપીએના સાત સભ્યોને પસંદગી કરવામાં આવશે અને ચેરમેન પોતે જ રહેશે.

કોણ હતા બાકીના છ સભ્યો? બી. એમ. બેનર્જી – ફયનાન્શિયલ એડવાઈઝર (ડિફેન્સ સર્વિસિસ), એસ.કે. બેનર્જી – સોલિસિટર (કાનૂન મંત્રાલય), વાઈસ એડમિરલ એમ.આર. સ્કુનકર, લેફ્ટન્ટ જનરલ એસ.જી. પાવર્યા (ચીફ્ કો-ઓર્ડિનેટર, આર-એન્ડ-ડી) અને જોઈન્ટ સેક્રેટરી ડી.એન. પ્રસાદ.

મે ૧૯૮૦માં સિધ્ધુ કમિટી જર્મની અને સ્વિડન ફ્રી આવી. ૧૭ મેના રોજ મિટિંગમાં નિર્ણય લેવાયોઃ સબમરીનનો કોન્ટ્રેકટ કોકમ્સ કંપનીને નહીં, પણ HDWને આપવામાં આવશે! શા માટે? કોકમ્સની એક સબમરીનનો ખર્ચ વધીને ૪૦૩ કરોડ રૂપિયા પર પહોંચે તેમ છે, જ્યારે તેની સરખામણીમાં HDWકયાંય સોંઘી છે – ફ્કત ૩૩૨ કરોડ રૂપિયા. પછીના મહિને સિધ્ધુની જગ્યાએ એસ.કે.ભટનાગર નામના અધિકારીને મૂકવામાં આવ્યા. ડિસેમ્બર ૧૯૮૧માં સોદો પાકો કરવામાં આવ્યો. કોન્ટ્રેકટમાં લખ્યું હતું કે હવે પછીના છ વર્ષની અંદર ઁડ્ઢઉકંપની ભારતને કુલ ચાર સબમરીન પૂરી પાડશે. ટોર્પીડોને ગણનામાં લેતાં પ્રત્યેક સબમરીનની કિંમત ૪૬૫ કરોડ રૂપિયા સુઘી પહોંચશે. વળી, ભારત ભવિષ્યમાં બીજી બે વધારાની સબમરીનનો ઓર્ડર પણ આ જ કંપનીને આપશે.

સમય વીતતો ગયો. છઠ્ઠું વર્ષ એટલે કે ૧૯૮૭નો મધ્ય ભાગ આવતા સુધીમાં કંપનીએ ભારતને બે સબમરીનની ડિલિવરી કરી. તે વખતે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને વી.પી. સિંહ, ડિફેન્સ મિનિસ્ટર. વી.પી. સિંહને માહિતી મળી કે HDWકંપની ભારત સરકાર પાસેથી જે કિંમત વસૂલી રહી છે તે બજારભાવ કરતાં કયાંય ઊંચી છે. વી.પી. સિંહે લાગતા વળગતાઓને આદેશ આપ્યોઃ કંપની સાથે કસીને નવેસરથી ભાવ-તાલ કરો અને હજુ જે બે સબમરીન આવવાની હજુ બાકી છે તેની કિંમત ઓછી કરાવો.

૪ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ આ સબમરીન સોદાનો પહેલો બોમ્બ ફ્ૂટયો. જર્મની સ્થિત ભારતીય રાજદૂત જે.સી. અજમાણીએ ભારત સરકારને ગુપ્ત ટેલિગ્રામ મોકલ્યો. તેમાં લખ્યું હતું કે HDWકંપનીના જર્મન માલિકો સહેજ પણ ભાવ-તાલ કરવા તૈયાર નથી, કારણ કે એમણે જે ભાવ કવોટ કર્યો છે એમાં કોન્ટ્રેકટ હાંસલ કરવા માટે કંપનીએ જે સાત ટકાનું કમિશન આપ્યું હતું, તે રકમ પણ સામેલ છે! કમિશન એટલે સાદા શબ્દોમાં લાંચ, ખાયકી, કિકબેક.

આ કૌભાંડ બહાર પડતાં જ ૧૨ એપ્રિલે વી.પી. સિંહે ઇન્કવાયરી શરૂ કરવાનો આદેશ આપ્યો ને તેના ત્રણ દિવસ પછી ડિફેન્સ મિનિસ્ટર પદેથી રાજીનામું આપ્યું. સીબીઆઈએ નવી દિલ્હીની અદાલતમાં એફ્આઈઆર નોંધાવી. એમાં સબમરીનનો કોન્ટ્રેકટ HDWકંપનીને મળે તે માટે ઊંધાં-ચત્તા કામ કરનાર સાત માણસો તરફ્ આંગળી ચીંધવામાં આવી.

સૌથી મોટો દોષી તરીકે એસ.એસ સિધ્ધુ ઊપસ્યા. એક તો નેગોશિએટિંગ કમિટીના ચેરમેનપદે એ કેવી રીતે ગોઠવાઈ ગયા એ જ મોટો સવાલ હતો. એકસપટ્ર્સ લોકોએ ઁડ્ઢઉસબમરીનની ખામીઓ ગણાવી આપી હતી, જે સિધ્ધુએ દબાવી રાખી હતી. વળી, એણે ચતુરાઈપૂર્વક એચડીડબલ્યુનું સમગ્ર પેકેજ કોકમ્સ કંપનીના પેકેજ કરતાં મોંઘું છે તેવી રજૂઆત કરી. આથી ભારતની સરકારની તિજોરીને નુકસાન થયું અને એચડીડબલ્યુને ફાયદો થયો.

કમિટી ચેરમેન તરીકે સિધ્ધુની જગ્યાએ ગોઠવાયેલા આરોપી નંબર ટુ શશીકાંત ભટનાગરનું નામ બોફેર્સ સોદામાં પણ ખરડાયું હતું. કમિટીના અન્ય સભ્યોએ અમુક સૂચનો કરેલા, જે તમામ ભટનાગરે ફ્ગાવી દીધા હતા. જેમકે, નૌસેનાના વાઈસ-એડમિરલ એમ.આર. સ્કુનકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે એચડીડબલ્યુની સબમરીનના ટેક્નિકલ સ્પેસિફ્કિેશન્સ (૩૫૦ મીટરને બદલે ૨૫૦ મીટરની ડાઇવિંગ કેપેસિટી હોવી) ઇન્ડિયન નેવીને સ્વીકાર્ય નથી. આટલી મોટી વાત ભટનાગરે ધરાર કાને ન ધરી. આ ભટનાગર પછી ડિફેન્સ સેક્રેટરી બન્યા હતા. જર્મનીના ભારતીય રાજદૂત જે.સી. અજમાણીએ એમને ટેલિગ્રામમાં ૭ ટકા કમિશનવાળી વાત જણાવી હતી, પણ ભટનાગરે ડિફેન્સ મિનિસ્ટરને માહિતી ફોરવર્ડ કરી ત્યારે સફેદ પ્રવાહીથી કાગળ પરથી ૭ ટકાવાળું વાકય ભૂંસી નાખ્યું હતું! સીબીઆઈની તપાસમાં કાગળ પર કેમિકલ પ્રોસેસ કરવામાં આવતાં મૂળ લખાણ વાંચી શકાયું હતું. વળી, અજમાણીનો ટેલિગ્રામ આવ્યો તેના ત્રણ દિવસ બાદ HDWકંપનીનો અધિકારી દિલ્હી આવ્યો હતો અને ભટનાગરને મળ્યો હતો. આ માહિતી પણ ભટનાગરે સરકારથી છૂપાવી હતી.

નેવીના સબમરીન ડિપાર્ટમેન્ટના વડા કેપ્ટન એમ. કોડાંથે પણ HDWકંપનીને ફાયદો થાય તે રીતે આંકડાઓમાં ગોટાળા કર્યા હતા. સીબીઆઈનો આક્ષેપ છે કે HDWકંપનીએ એને પોસ્ટ-રિટાયરમેન્ટ જોબ આપવાનું વચન આપ્યું હતું. કંપની સાથે ડીલના બે જ મહિના બાદ, સપ્ટેમ્બર ૧૯૮૦માં, કોડંથે પ્રી-મેચ્યોર રિટારમેન્ટ માટે અરજી મૂકી દીધી હતી. અરજીમાં લખ્યું હતું કે નિવૃત્ત થયા બાદ હું કોઈમ્બતુર જઈને પરિવાર અને ફેમિલી બિઝનેસ પર ધ્યાન આપવા માગું છું. થયું સાવ જુદું. નિવૃત્તિના બીજા જ મહિને એમણે સરકાર પાસે પરવાનગી માગીઃHDW મને એમનો દિલ્લી-સ્થિત કન્સલ્ટન્ટ બનાવવા માગે છે. હું આ જોબ સ્વીકારી શકું તે માટે મને પરમિશન આપો! સંરક્ષણ મંત્રાલયે એની અરજી ફ્ગાવી દીધી. છતાંય એચડીડબલ્યુની સિસ્ટર કંપની ફેરોસ્તાલે દિલ્લીમાં ૧૯૮૫માં ઓફ્સિ ખોલી ત્યારે કોડંથ ફ્ટાક કરતા ઊંચા પગારે એમાં જોડાઈ ગયા હતા.

આ સિવાય સંરક્ષણ મંત્રાલયના આર્થિક સલાહકાર બી.એસ. રામાસ્વામીનું નામ પણ એફ્બીઆઈના ફરિયાદનામામાં લેવાયું. HDWઅને કોકમ્સ દ્વારા ઓફ્ર થયેલા પેકેજીસનો તુલનાત્મક અભ્યાસ કરવાની જવાબદારી રામાસ્વામીની હતી. એણે જાણી જોઈને કોકમ્સનું પેકેજ HDWકરતાં મોંઘું પ્રોજેકટ કર્યું હતું.

આટલું બધું ઈન્વેસ્ટિગેશન થયું, આટલા બધા પ્રથમદર્શી પુરાવા મળ્યા, એસ.એમ. નંદા નામના ભૂતપૂર્વ નેવી ચીફ્ એડમિરલનું નામ જર્મન કંપનીના મિડલમેન તરીકે ઊભર્યું અને તેમના પર દરોડા પણ પડયા, પરંતુ આખરે પરિણામ શું આવ્યું? કશું નહીં. પંદરેક વર્ષના વહાણાં વાઈ ગયા પછી ‘અમને આ કેસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી’ એવું કહીને સીબીઆઈએ હાથ ઊંચા કરી નાંખ્યા. HDWસબમરીન કૌભાંડ પર પડદો પડી ગયો. હંમેશ માટે. દેશની સુરક્ષા? એ વળી શું? પોતાનાં ખિસ્સાં ભરાય એટલે બસ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.