Sun-Temple-Baanner

ફેસ ટ્રાન્સપ્લાન્ટઃ ચહેરે પે ચહેરા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ફેસ ટ્રાન્સપ્લાન્ટઃ ચહેરે પે ચહેરા


ટેક ઓફઃ ફેસ ટ્રાન્સપ્લાન્ટઃ ચહેરે પે ચહેરા

Sandesh – Ardh Saptahik Purti – Sept 21, 2016

ટેક ઓફ

એક ફ્રેન્ચ મહિલા બેહોશી પછી ભાનમાં આવીને જુએ છે કે એનાં હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ માત્ર માંસના લોચા બચ્યા છે, કેમ કે આ અંગો એના પાલતુ કૂતરાએ ચાવી નાખ્યાં હતાં! સ્ત્રીના ચહેરા પર કોઈ અન્ય મૃતક મહિલાનો ચહેરો ફિટ કરવામાં આવે છે. પેશ છે, દુનિયાના સર્વપ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટની રોમાંચક કથા!

* * * * *

દુનિયાભરના અખબારો અને માધ્યમોમાં તાજેતરમાં એક નાની ન્યૂઝ આઈટમ છપાઈ હતીઃ દુનિયાનું સૌથી પહેલું ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી ફ્રેન્ચ મહિલા ઇસાબેલ ડિનોરીનું અવસાન. ટ્રાન્સપ્લાન્ટ કરેલો ચહેરો જળવાઈ રહે તે માટે એ જે ભારે દવા લઈ રહી હતી તેની આડઅસર રૂપે થયેલા કેન્સરથી એ મૃત્યુ પામી છે!

ફેસ ટ્રાન્સપ્લાન્ટ એટલે, સાદી ભાષામાં, એક માણસનો ચહેરો ઉખાડીને બીજા માણસના ધડ પર ફ્ટિ કરી દેવો! શંકર ભગવાને ક્રોધાવેશમાં પોતાના પુત્ર ગણેશનો શિરચ્છેદ કર્યા બાદ ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે હાથીનું માથું ગણેશના ધડ સાથે જોડી દીધું હતું. આને ફેસ ટ્રાન્સપ્લાન્ટનો આ સમગ્ર સૃષ્ટિનો સર્વપ્રથમ કેસ કહી શકાય! આટલાં વર્ષોમાં મેડિકલ સાયન્સે એટલો બધો વિકાસ કર્યો છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે સાંભળતી વખતે આપણને હવે ખાસ નવાઈ લાગતી નથી, પણ ફેસ ટ્રાન્સપ્લાન્ટ આજેય આપણા માટે એક કૌતુકભરી વસ્તુ છે. આજ સુધીમાં દુનિયામાં બહુ ઓછા ફેસ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનો થયા છે. હોલિવૂડની સાયન્સ ફ્કિશન થ્રિલર ‘ફેસ ઓફ્’માં ફેસ ટ્રાન્સપ્લાન્ટના વિષયને રોમાંચક રીતે બહેલાવવામાં આવ્યો હતો. તેમાં ચહેરાઓની અદલાબદલી થવાથી ગુંડો નિકોલસ કેજ, પોલીસ જોન ટ્રવોલ્ટા બની જાય છે અને પોલીસ જોન ટ્રવોલ્ટા, ગુંડો નિકોસલ કેજ બની જાય છે! અહીં કેવળ ચહેરા જ નહીં, આઇડેન્ટિટી ટ્રાન્સપ્લાન્ટની પણ વાત હતી.

આપણે જેની વાત માંડી છે એ ઈસાબેલ નહોતી ચોર કે નહોતી પોલીસ. એ બાપડી સીધીસાદી ડિવોર્સી મહિલા હતી, જે ઉત્તર ફ્રાન્સના એક નગરમાં બે દીકરીઓ અને લાબ્રાડોર બ્રાન્ડના કૂતરા સાથે રહેતી હતી. આર્થિક હાલત જરાય હરખાવા જેવી નહીં. એ કાપડ વેચવાનું કામ કરતી ને વચ્ચે વચ્ચે બેકારી પણ ભોગવી લેતી. એક તો પર્સનલ લાઈફ્માં સ્થિરતા નહીં. ઉપરથી આર્થિક ભીંસ. ઇસાબેલ ડિપ્રેશનનો ભોગ બની ગઈ. એના દિમાગમાં પેદા થયેલા કેમિકલ લોચા અંકુશ હેઠળ રહે તે માટે સાઈકિઆટ્રિસ્ટે એને કેટલીક દવાઓ લખી આપી હતી.

ઇસાબેલને ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર કેમ પડી? ૨૦૦૫ની આ વાત છે. ૩૮ વર્ષની ઇસાબેલ અને તેની દીકરીઓ વચ્ચે કોઈક વાતે રમખાણ ફટી નીકળ્યું. ઓલરેડી તીવ્ર ડિપ્રેશન અનુભવતી રહેલી ઇસાબેલે તે રાત્રે ખૂબ બધી સ્લીપિંગ પિલ્સ ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી. તંદ્રાવસ્થામાં એ સંતુલન ગુમાવીને ધડામ કરતી પડી. કશીક વસ્તુ એના ચહેરા પર જોરથી અથડાઈ ને એ બેભાન થઈ ગઈ. બીજા દિવસે સવારે કૂતરો આદત મુજબ રૂમમાં આવ્યો ત્યારે એણે ઇસાબેલને વિચિત્ર રીતે નીચે પડી હતી. કૂતરાએ રોજની જેમ એને જગાડવાની કોશિશ કરી. ઇસબેલા તરફ્થી કોઈ પ્રતિક્રિયા ન આવી. કૂતરાએ એના ચહેરા પર જીભ ફેરવવા માંડી. હજુય કોઈ પ્રતિક્રિયા ન મળી એટલે ઘાંઘો થયેલો કૂતરો ઇસાબેલાને જગાડવાની લાહૃામાં એના ચહેરાને વધારે ને વધારે જોરથી ચાટવા ને ચૂંથવા લાગ્યો. શકય છે કે ઇસાબેલાના ચહેરા પર બાઝેલું લોહી કૂતરાના પેટમાં ગયું હોય. કૂતરો આખરે તો માંસાહારી પ્રાણી જને. એ ક્રમશઃ વધુ ને વધુ આક્રમક બનતો ગયો. એણે ઇસાબેલાના આખેઆખા હોઠ, ગાલ, નાક અને હડપચી બહુ જ ગંદી રીતે કરડી ખાધા!

બીજા દિવસે સવારે ઇસાબેલ ભાનમાં આવી. દવાની અસર હતી અથવા ચહેરો બધિર થઈ ગયો હતો, પણ ઉઠતાવેંત ઇસાબેલને પીડા ન થઈ. એણે ઉઠતાવેંત આદત મુજબ અધખૂલી આંખે સૌથી પહેલું કામ બાજુમાં પડેલા સિગારેટનું પાકિટ અને લાઈટર હાથમાં લઈને સિગારેટ સળગાવાનું કર્યું. સિગારેટ મોંમાં મૂકવાની કોશિશ કરી, પણ સિગારેટ પડી ગઈ. એનું ધ્યાન બાજુમાં ભરાયેલા લોહીના ખોબોચિયા પર પડયું. આખરે એને ભાન થયું કે એના ચહેરા પર હોઠ, ગાલ, નાક અને હડપચીની જગ્યાએ ફ્કત માંસના લોચા જ રહી ગયા છે!

ઘરમાં આટલું બધું થઈ ગયું ત્યાં સુધી દીકરીઓને કશી ખબર જ ન પડી. આખરે એમણે માને હોસ્પિટલભેગી કરી. કેસ એટલો ગંભીર હતો કે બે દિવસ પછી એને વધારે અદ્યતન એવી મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અહીંના ફેસિયલ સર્જરી વિભાગના વડા ડો. બર્નાર્ડ ડેવશેલે ઇસાબેલની હાલત જોઈને ઝડપથી નક્કી કરી નાખ્યું કે આ કેસમાં ફેસ ટ્રાન્સપ્લાન્ટ કર્યા સિવાય છૂટકો નથી.

સૌથી પહેલાં તો, આ સર્જરી અત્યંત કઠિન પુરવાર થવાની હતી. બીજું, સર્જરી પછી શકય છે કે ઇસાબેલનું શરીર અન્ય કોઈ વ્યકિતના અંગો ન સ્વીકારે, તેને રિજેકટ કરી નાખે. આવું ન થાય તે માટે ઇસાબેલાએ આખી જિંદગી ખૂબ ભારે કહેવાય એવી દવા લેતા રહેવું પડે. આ દવાની સંભવિત આડઅસરો ખતરનાક હતી. ઇસાબેલ તેના માટે તૈયાર છે કે કેમ તે સૌથી પહેલાં જાણવું પડે. ઉપરાંત, નવા ચહેરાને લીધે એને માનસિક સ્તરે નવા કોમ્પ્લિકેશન્સનો સામનો કરવો પડે. શું ઇસાબેલમાં શારીરિક ઉપરાંત માનસિક પડકારો પણ ઝીલી શકવાની તાકાત હતી? આ નક્કી કરવા માટે એને સકાએટ્રિસ્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવી. જાતજાતના સાઈકોલોજિકલ ટેસ્ટ્સ લેવામાં આવ્યા. હાલત જરા ઠીક-ઠાક થઈ જતાં એને એના ઘરે મોકલી દેવામાં આવી. ફેસ ટ્રાન્સપ્લાન્ટ કરવું કે નહીં તેનો અંતિમ નિવેડો આવવાનો હજુ બાકી હતો.

અચ્છા, પેલા વિલન કૂતરાનું પછી શું થયું? આટલો મોટો કાંડ કર્યા પછી તે ખુદ બીમાર પડી ગયો હતો એટલે એને શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવેલો. એ કોઈ વાઇરસનો ભોગ બની ગયો હતો, એને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ્ને લીધે ખૂબ પીડાઈ રહૃાો હતો. બે અઠવાડિયા પછી એના પર યુથનેશિયા કરવામાં આવ્યું એટલે કે તબીબો દ્વારા કાયદેસર રીતે તેનો જીવ લઈ લેવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ઇસાબેલાને આ વાતની ખબર પડી ત્યારે એ દુઃખી દુઃખી થઈ ગઈ હતી. પોતાનો ચહેરો ચાવી જનાર કૂતરા તરફ્ એના મનમાં કોઈ રોષ નહોતો. ઊલટાનું એ તો બધાને કહૃાા કરતી હતી કે આ તો એક એકિસડન્ટ હતો. એ થોડું જાણી જોઈને મારું મોઢું ખાઈ ગયેલો? એ મને ઉઠાડવા માગતો હતો ને હું કોઈ રિસ્પોન્સ નહોતી આપતી એટલે એ અગ્રેસિવ થઈ ગયો, એટલું જ! કૂતરો મરી ગયો પછી ઇસાબેલએ હોસ્પિટલના બિછાનાની બાજુમાં કૂતરાની તસવીર સુધ્ધાં રાખી હતી! આ બાજુ, ઇસાબેલના સંભવિત ફેસ ટ્રાન્સપ્લાન્ટની વાત મીડિયામાં આવવા લાગી ત્યારે શેલ્ટર હોમના સ્ટાફ્ને ખબર પડી આપણે જેનો જીવ લીધો એ જ કૂતરાએ ઇસાબેલની હાલત ખરાબ કરી નાખી હતી!

આખો દિવસ મોં પર માસ્ક બાંધી રાખતી ઇસાબેલ હિંમત કરીને અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકતી હતી, પણ કયારેક ઓચિંતા કાચ પર પોતાનું પ્રતિબિંબ દેખાઈ જતું તો એ છળી ઉઠતી. આથી ઘરની દીવાલો પરથી કાચની તમામ વસ્તુઓ ઉતારી લેવામાં આવી. ઇસાબેલએ વિચાર્યું કે આ રીતે મરી મરીને જીવવા કરતાં ફેસ ટ્રાન્સપ્લાન્ટનું જોખમ લેવામાં શું ખોટું. એ સર્જરી માટે તૈયાર થઈ ગઈ. એના સકાએટ્રિસ્ટે પણ લીલી ઝંડી દેખાડીને કહ્યું કે ઇસાબેલ હવે મનોવૈજ્ઞાાનિક સ્તરે આ પગલું ભરવા સજ્જ છે.

ઇસાબેલ તો રેડી હતી, પણ ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ ડોનર પણ મળવી જોઈએને? ફ્રાન્સની હોસ્પિટલોમાં સંદેશો પ્રસરાવવામાં આવ્યો કે આ પ્રકારના કેસ માટે લાયક કેન્ડિડેટ મળે તો સત્વરે જાણ કરવી. બે-અઢી મહિને બાજુના ટાઉનની એક હોસ્પિટલમાંથી મેસેજ આવ્યોઃ અમારી પાસે મેરેલિન ઓબર્ટ નામની એક બ્રેઈન-ડેડ મહિલા છે. એણે ગળાફંસો ખાઈને આત્મહત્યા કરી છે. તમે ઇચ્છો તો ફેસ ટ્રાન્સપ્લાન્ટ માટે એનો ચહેરો વાપરી શકો છો. મૃતક મહિલાનો ફેટોગ્રાફ્ ઇમેઇલમાં મગાવવામાં આવ્યો. ઇસાબેલ સાથે આ મહિલાનો ચહેરો મેચ થતો હતો એટલે ડો. ડેવશેલે સહેજ પણ સમય બગાડયા વગર તાત્કાલિક ફેસ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની તૈયારી આરંભી દીધી.

૨૭ નવેમ્બર ૨૦૦૫ના રોજ સર્જરી થઈ. મૃતકના ચહેરા પરથી નાકના મૂળથી લઈને ગાલ, નાક અને હડપચી સહિતનો ત્રિકોણાકાર હિસ્સો ચીરી લઈ ઇસાબેલના ચહેરા પર જડી દેવામાં આવ્યો. ઓપરેશન લાગલગાટ પંદર કલાક ચાલ્યું. સર્જરી સફ્ળ થતા જ દુનિયાના સર્વપ્રથમ ફેસ ટ્રાન્સપ્લાન્ટના સમાચાર વાયુવેગે આખી દુનિયામાં ફ્રી વળ્યા. એક બાજુ મેડિકલ સાયન્સના આ અદ્ભુત અને અભૂતપૂર્વ ચમત્કારને વધાવી લેવામાં આવ્યો, તો બીજી બાજુ કન્ટ્રોવર્સી પેદા થઈ ગઈ. નીતિમત્તાના સવાલો ખડા થયા. ઇસાબેલ જેવી આપઘાતનો પ્રયાસ કરી ચૂકેલી અને નાજુક માનસિક હાલત ધરાવતી મહિલા શી રીતે નક્કી કરી શકે કે ફેસ ટ્રાન્સપ્લાન્ટ જેવી જોખમી સર્જરી કરાવવી કે નહીં? અધૂરામાં પૂરું, તમે જે લેડીનો ચહેરો એના ધડ પર ચોંટાડયો છે એ પણ આપઘાત કરીને મૃત્યુ પામી હતી. આવી સ્ત્ર્રીનો ચહેરો ઈસાબેલ રોજ અરીસામાં જોશે તો એના મન પર કેવી અસર થશે? આ આખા મામલામાં કમર્શિયલ એંગલ પણ છુપાયેલો હતો. ફેસ ટ્રાન્સપ્લાન્ટની આખી વિધિની ડોકયુમેન્ટરી ફ્લ્મિ બનાવવાના અને સર્જરી પછીના ઇસાબેલની નવા ચહેરાવાળી તસવીરોના એકસકલુઝિવ રાઈટ્સ જુદી જુદી એજન્સીઓને તોતિંગ રકમ વસૂલ કરીને વેચવામાં આવ્યા હતા. કહેનારાઓનું કહેવું હતું કે આવા જીવન-મરણના મામલાને કમાણીનું સાધન ક્ેવી રીતે બનાવી શકાય?

ખેર, સર્જરી પછી ઇસાબેલ પોતાના નવા ચહેરા સાથે ધીમે ધીમે એડજસ્ટ થવા માંડી હતી. ક્રમશઃ સર્જરીના નિશાન ભૂંસાવા લાગ્યા. શરૂઆતમાં નવા ચહેરા પર કોઈ જાતની સંવેદવાઓ જાગતી નહોતી, પણ ઘીમે ધીમે સેન્સેશન્સ પેદા થવા માંડયા. એ ખાઈ શકતી, અસ્પષ્ટ સ્વરે બોલી શકતી, સ્માઈલ કરી શકતી, મોં મચકોડી શકતી. એને ફરિયાદ એક જ વાતની હતીઃ હું કોઈને કિસ કરું છું ત્યારે મને કશું ફ્ીલ થતું નથી!

વર્ષો વીતતા ગયા. ઇસાબેલનું શરીર બહારથી ફ્ટિ કરેલા અંગોને રિજેકટ ન કરી નાખે તે માટે જરૂરી ગણાતી દવા ખાતી રહી. આખરે જેનો ડર હતો એવું જ થયું. દવાની સાઈડ ઇફેકટ રૂપે ઇસાબેલના શરીરમાં કેન્સરના કોષો પેદા થયા. એને વારાફ્રતી બે કેન્સર થયા. ૨૨ એપ્રિલે એનું મૃત્યુ થયું. એનો પરિવાર પ્રાઇવસી ઇચ્છતો હતો તેથી વાત મૃત્યુ ગુપ્ત રાખવામાં આવ્યું. આખરે આ મહિનાના પ્રારંભમાં મીડિયા સમક્ષ ઇસાબેલના મોતની વાત જાહેર કરવામાં આવી.

ઈસાબેલ પાર્શિયલ કે ફુલ ફેસ ટ્રાન્સપ્લાન્ટના મામલામાં હંમેશ માટે એક મજબૂત રેફરન્સ પોઇન્ટ તરીક્ે યાદ રહેશે. આ આખી ક્થાનો સાર એક જ છેઃ ઘરમાં ઉત્સાહી કૂતરા હોય તો આપઘાતના પ્રયાસ ન કરવા!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.