Sun-Temple-Baanner

તેજ છુરી ધાર હે દુનિયોં… ભાઈ! ઘણી મકકાર હે દુનિયોં


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


તેજ છુરી ધાર હે દુનિયોં… ભાઈ! ઘણી મકકાર હે દુનિયોં


તેજ છુરી ધાર હે દુનિયોં… ભાઈ! ઘણી મકકાર હે દુનિયોં

Sandesh – Ardh Saptahik Purti – 21 Dec 2016

ટેક ઓફ

‘નૂં તો આ પાલણપૂરી બોલી અપભ્રંશ હે. મારવાળી, સિંધી, હિન્દી, રાજસ્થોંની, ગુજરાતી, ઉડદૂ અને ફારસી કે અપભ્રંશ શબ્દોં કે મિસરણમેં સી બણેલી આ બોલી હે.’

* * * * *

કાનજી પટેલ અને એમની ટીમે ચિક્કાર મહેનત કરીને એક અભ્યાસપૂર્ણ, દળદાર અને મૂલ્યવાન ગ્રંથ બહાર પાડયો છે, જેનું શીર્ષક છે – ‘ભારતીય ભાષા લોક સર્વેક્ષણઃ ગુજરાત, દીવ-દમણ અને દાદરા-નગર હવેલીની ભાષા’. પુસ્તક નોંધે છે તે મુજબ, ગુજરાતમાં મુખ્ય પાંચ બોલીઓ બોલાય છેઃ (૧) સૌરાષ્ટ્રી અથવા કાઠિયાવાડી, (૨) ઉત્તર ગુજરાતી અથવા પટ્ટણી, (૩) મધ્યગુજરાતી અથવા ચરોતરી, (૪) દક્ષિણ ગુજરાતી અથવા સુરતી અને (૫) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર બોલાતી ‘થોરી’ બોલી.

ગુજરાતી બોલીની વાત આવે ત્યારે સામાન્યપણે પહેલા ચાર પ્રકારો વધારે ચર્ચાય છે. ગુજરાત-રાજસ્થાન સરહદ પર બોલાતી બોલીઓની ચર્ચા, કોણ જાણે કેમ, વર્તુળની બહાર રહી જાય છે. તેથી જ ‘મસ્ત કલંદર’ પાલણપુરી લિખિત ‘પાલણપુરી બોલીકા બગીચા’ જેવું પુસ્તક હાથમાં આવે ત્યારે કાન પાસે એકાએક બોમ્બ ફ્ૂટયો હોય એવી લાગણી જાગે છે. આપણને થાય કે, અરે, પાલણપુરી બોલી આટલી હદે જાનદાર છે અને તે આવું બળકટ સાહિત્ય પેદા કરી શકે છે એની અત્યાર સુધી ખબર કેમ ન પડી!

લોકસાહિત્યકાર મુરાદખાન ચાવડાએ પાલણપુરી ભાષા વિશે નોંધ્યું છે કે, ‘નૂં તો આ પાલણપૂરી બોલી અપભ્રંશ હે. મારવાળી, સિંધી, હિન્દી, રાજસ્થોંની, ગુજરાતી, ઉડદૂ અને ફારસી કે અપભ્રંશ શબ્દોં કે મિસરણમેં સી બણેલી આ બોલી હે.’

ભારતમાં બોલીઓ તો હજારો છે, પણ જેમાં કવિતા સર્જી શકાય તેવી લોકબોલીઓ ખૂબ ઓછી છે. પાલણપુરી બોલીનું નથી કોઈ નિશ્ચિત બંધારણ કે નથી સુવ્યાખ્યાયિત વ્યાકરણ. આમ છતાં તેમાં કોઈપણ સમૃદ્ધ ભાષાની જેમ ગઝલો રચાઈ છે. પાલણપુરી-ધાણધારી બોલીના પહેલા કવિ એટલે દીન દરવેશ, જે ‘દીવોંન શેરા સલેમખોંન’ના જમાનામાં થઈ ગયા. દીન દરવેશ ફ્કીર હતા. વડગામ તાલુકાના વરણાવાડા ગામના ગરીબ લુહારને ત્યાં જન્મ્યા હતા. એમની રચનાઓ ગુજરાત, મારવાડ અને આખા રાજસ્થાનમાં પ્રખ્યાત જાણીતી બની હતી. દીન દરવેશ પછી નામના પામેલા પાલનપુરી કવિ એટલે ‘શેરમહંમદ ખોંનજીકે જમોંનેમેં હુવેલે’ મુરાદમુહંમદ.

આ બંને કવિઓની રચનાઓ કમનસીબે વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ ન થઈ શકી. આ બંને પ્રારંભિક કવિઓ પછી આવ્યા આદિકવિ બલોચ લશ્કરખાન અલેદાદખાન ફોજદાર. ૧૮૯૦ની આસપાસ પાલણપુરમાં તેમનો જન્મ. અંગ્રેજોને પણ ઝાંખા પાડી દે તેવો વિદ્વત્તાભર્યો દમામદાર દેખાવ. પાલણપુરી કવિતાને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવાનું કામ એમણે કર્યું. લશ્કરખાન બલોચનું વિત્ત વડાદરાના તત્કાલીન રાજવી સયાજીરાવ ગાયકવાડે પારખ્યું. તેમને રાજ્યમાં નોકરી આપી, એટલું જ નહીં, યુરોપનો પ્રવાસ પણ કરાવ્યો.

૮૬ વર્ષ પહેલાં લશ્કરખાનની કવિતાઓની પહેલી પુસ્તિકા છપાઈ. શીર્ષક હતું, ‘પાલણપુરી લશ્કરમાલા – ભાગ પૅલા’. મુખપૃષ્ઠ પર સુટબુટધારી કવિરાજ કલાત્મક રાઇટિંગ ટેબલ પર શાનથી બેઠા હોય તેવી મોટી તસવીર છે. નીચે છપાયું છેઃ ‘આ પુસ્તક શ્રી ‘ભારતવિજય’ પ્રિન્ટિંગ પ્રેસ-મોદીખાના રોડ, વડોદરામાં પરભુલાલ શિવલાલ ઠકકરે એના લેખક માટે છાપ્યું. તા. ૧૮-૪-૩૦’. કિંમત રૂ. ૦-૮-૦ એટલે કે આઠ આના. પાલણપુરી બોલીની મસ્તમજાની મહેક માણવી હોય તો ‘કવિ લશ્કરખાન અલેદાદખાનજી ફોજદાર પાલણપુરી’એ લખેલી પ્રસ્તાવના મૂળ મિજાજમાં જ વાંચવા જેવી છેઃ

‘સચ પૂછો તો હિન્દુસ્તોંન તો કયા અપણ લગભગ આખી દુનિયોંમેં જોં જોં બોલી બોલાય હે વોં વોં એ બોલિયોંમેં ચીજોં લિખોંય હેં અને ગવોંય હેં અનેં પાલણપુરી બોલીમેં આજ લગણ ના તો કોઈ ગીત લિંખોંણા હે ના ગવોંણા હેં. એ વાત મિજે કોંટેકી નાત ખટકતી થી. એ વેલા મેંને પ્હેલા જ પ્હેલ ‘જઉં કે ના જઉં’ ગીત લિખા અને શ્રી હજૂર સાબ કુંવરપદે થે તદે ઇનોંકુ સુંણાયા. હજૂર સાબ તો ઘણે રાજી હુવે. મિજે બી હિંમત આઈ કની, તો કાગતોંકે કુટકોંમેં વધારે નેં વધારે ગીત નેં ગજલો લિખતા ગિયા અને બાપજી કૂં સુણાતા ગિયા. મિજે ‘દમ’ કા તખલ્લુસ ખુદાવિંદ શ્રી નવાબ તાલેમહંમદખોંનજી સાહબ બહાદુરને દિયા.

હજૂર સાબકા ર્ફ્મોન બી થા અને મેરા મનસુબાબી કે એક દીવોંન જેવી મેરી ગજલોંકી ચોપળી છપવા નોંખેં. અપણ ઘણેં વરસોં લગણ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાબકે સાથે વિલાયતમેં જ રેંણેંકા હુવા કની, તો આ ચોપળી છપવોણેકા લાગીજ ના મિલા. હા ના કરતેક નેં મેંને તો બાધે મેરે જુને કાગતિએ જોં તોં સી સમેટતેક નેં યોં બડોદે લાયા અને છાપખોંનેમેં છપોણે નોંખે તદ નિરોંત વલી.’

કવિ લશ્કરખાનનું નિધન વડોદરામાં થયું, ૧૯૫૦માં. તેમના ખરા ઉત્તરાધિકારી ‘મસ્ત કલંદર’ પાલણપુરી ઉફ્ર્ મુસાફ્રિ પાલણપુરી બન્યા. લશ્કરખાનની રચનાઓ તેઓ નાનપણથી જ સાંભળતા. શૂન્ય પાલણપુરી પાસેથી પણ લશ્કરખાનની ગઝલો ખૂબ સાંભળવા મળતી. મુસાફ્રિ પાલણપુરીએ ગઝલના પ્રચલિત છંદોને પાલણપુરી બોલીમાં સરસ ઉતાર્યા છે. લશ્ક્રખાનના સંગ્રહ પછીના સાત દાયકા દરમિયાન પાલણપુરી બોલીને ઝીલતું એક પણ પુસ્તક ન આવ્યું. છેક ૨૦૦૧માં મુસાફ્રિ પાલણપુરીની ‘ગઝલો-કવિતાયોંે-રુબાઈયોં’નું પુસ્તક ‘પાલણપુરી બોલીકા બગીચા’ પ્રકાશિત થયું. દસ વર્ષ પછી તેની બીજી આવૃત્તિ છપાઈ.

મુસાફ્રિર પાલણપુરીની ગઝલોમાં સચોટ નિરીક્ષણો છે, જીવનના તીવ્ર આરોહઅવરોહ ઝીલ્યા પછી જ ખીલી કે એવી જીવનદષ્ટિ છે અને ધારદાર અભિવ્યકિત છે. જેમ કે, કેવો છે આજનો જમાનો? કવિ કહે છે –

તેજ છુરી ધાર હે દુનિયોં
ભાઈ! ઘણી મકકાર હે દુનિયોં.

કોંમ પળે તો કોંમ નો આવે
મતલબ મેં હુંશિયાર હે દુનિયોં.

ભીતર ઈસકે લાઈ બલે હે
બાર સે ઠંડી ગાર હે દુનિયોં.

આવી દુનિયામાં સીધોસાદો, ભલોભોળો માણસ જીવે કઈ રીતે? કવિ સલાહ આપે છે –

જે નિફ્ફ્ટ હૈ, હરોંમી હેં, જે ગરજૂ હેં ને જૂઠેં હેં
તેરા તંબૂ ઈનોં સી દૂર તોંણીજે ભલા મોંણસ.

નફ્ફ્ટ, હરામી, જૂઠા અને ગરજુડા માણસોથી સો ગજ દૂર રહેવાની સલાહ આપતા કવિ, પાલણપુરથી જરાય દૂર નથી એવા મગરવાડા ગામે ૨૩ ડિસેમ્બરથી શરૂ થયેલા ત્રિદિવસીય ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાાનસત્રમાં ‘પાલણપુરી બોલી’ વિષય પર વકતવ્ય આપવાના છે.

‘પાલણપુરી બોલીકા બગીચા’ પછી થોડા વર્ષે કવિ સ્વ. અગમ પાલનપુરીએ ‘અરવાખુશ’ નામનો સંગ્રહ આપ્યો હતો. મુસાફિર પાલણપુરી હજુય સરસ કામ કરી રહૃાા છે, પણ તેમના કામને સુંદર રીતે આગળ ધપાવી શકે તેવો સશકત ઉત્તરાધિકારી નજરમાં આવતો નથી. આ બળકટ બોલીના બગીચાને લીલોછમ રાખવો હશે તો નવકવિઓએ આગળ આવ્યા વગર ચાલે તેમ નથી .

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.