Sun-Temple-Baanner

સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત સમજાય એવું હોતું નથી!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત સમજાય એવું હોતું નથી!


સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત સમજાય એવું હોતું નથી!

Sandesh – Ardh Saptahik Purti – 18 Jan 2017

ટેક ઓફ

વર્જિનિયા વુલ્ફ ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.

* * * * *

વિશ્વવિખ્યાત રશિયન-અમેરિકન લેખિકા એન રેન્ડની સર્વપ્રથમ નવલકથા ‘આઈડીઅલ’ તેમનાં મૃત્યુનાં ૩૪ વર્ષ પછી, છેક ૨૦૧૫માં બહાર પડી. આ આખા ઘટનાક્રમ વિશે આપણે ગયા બુધવારે વિગતવાર વાત કરી હતી. એક સજ્જ, પ્રમાણિક લેખક શા માટે પોતાના સર્જનને કયારેક લોકોની સામે મૂકવાનું પસંદ કરતો નથી? શા માટે અમુક ઉત્તમ કૃતિઓ સર્જકના મૃત્યુ પછી પ્રકાશમાં આવે છે? આનાં અનેક કારણો હોઈ શકે છે.

નોબલ પ્રાઈઝ વિનર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની આત્મકથનાત્મક કૃતિ ‘અ મૂવેબર ફીસ્ટ’ તેમની આત્મહત્યાના ત્રણ વર્ષ પછી બહાર પડી હતી. હેમિંગ્વએ ચાર લગ્નો કર્યાં હતાં. બાવીસ વર્ષે પહેલાં લગ્ન કર્યાં બાદ ૧૯૨૦ના દાયકમાં તેઓ પત્ની સાથે પેરિસ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેઓ એક અખબારના ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે કામ કરતા હતા. ‘અ મુવેબલ ફીસ્ટ’માં તેમણે પેરિસ શહેર વિશે, પોતાનાં નવા નવા લગ્નજીવન વિશે અને લેખક બનવાના પોતાના પ્રયાસો વિશે ખૂલીને લખ્યું છે. માનસિક બીમારીઓનો ભોગ બની ચૂકેલા હેમિંગ્વેએ રિવોલ્વરથી આત્મહત્યા કરી ત્યારે તેઓ ૬૨ વર્ષના હતા. ‘અ મૂવેબલ ફીસ્ટ’ પુસ્તક્ એમની ચોથી પત્નીએ એડિટ કરીને છપાવ્યું હતું.

બ્રિટિશ લેખિકા વર્જિનિયા વૂલ્ફ્ની કહાણી પણ કંઈક અંશે હેમિંગ્વે જેવી જ છે. બંને સમકાલીન હતાં. વર્જિનિયા ડિપ્રેશનથી પીડાતાં હતાં. તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું તેનાં બે જ અઠવાડિયા પહેલાં જ ‘બિટવીન ધ એકટ્સ’ નામની નવલકથા લખવાનું કામ પૂરું કર્યું હતું.

જર્મન વાર્તાકાર-નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કા ફ્કત ચાલીસ વર્ષ જીવ્યા. તેઓ ઇન્શ્યોરન્સ ઓફ્સિર તરીકે કામ કરતા રહૃાા અને બાકીના સમયમાં ચુપચાપ લખતા રહૃાા. જીવતેજીવ તેમણે પોતાનું એકપણ લખાણ ન છપાવ્યું. તેઓ તો ઇચ્છતા હતા કે મૃત્યુ પછી તેમની તમામ હસ્તપ્રતો બાળી નાખવામાં આવે, પણ એક જાણકાર મિત્રે એમની આ મરણોત્તર ઇચ્છા ધરાર પૂરી ન કરી. તેમણે કાફ્કાનું લખાણ છપાવ્યું અને કાફ્કા વીસમી સદીના સૌથી પ્રભાવશાળી લેખક તરીકે પ્રતિષ્ઠા પામ્યા! કાફ્કાની જેમ એન ફ્રેન્ક પણ જર્મન હતાં, જેમણે તરુણવયે લખેલી નોંધપોથી ‘અ ડાયરી ઓફ્ અ યંગ ગર્લ’ જગમશહૂર બની ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન ફ્રેન્ક એમના પરિવાર સાથે કેવી રીતે બે વર્ષ સુધી નાઝીઓની નજરથી બચીને જેમતેમ જીવતાં રહૃાાં તેની બહુ જ હ્ય્દયસ્પર્શી વાત આ પુસ્તકમાં છે. એન ફ્રેન્કનો પરિવાર આખરે પકડાઈ ગયેલો. સૌને કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યાં જ એન ફ્રેન્કે જીવ ખોયો. એન ફ્રેન્કની ઇચ્છા હતી કે એમની ડાયરી છપાઈને લોકો સુધી પહોંચે. દીકરીની આ ઇચ્છા પછી એમના પિતાએ પૂરી કરી. આખા પરિવારમાંથી એક માત્ર એમના પિતાજી જીવતા રહી શકયા હતા.

ઓસ્કરવિનિંગ ‘અ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’ (૨૦૧૧) ફ્લ્મિ આપણે થિયેટરમાં જોઈ શકયા નહોતા, કેમ કે તેના કંપાવી મૂકે એવા સેકસ્યુઅલ હિંસાનાં દશ્યો સામે આપણા સેન્સર બોર્ડને વાંધો પડી ગયો હતો. આ ફ્લ્મિ આ જ ટાઈટલ ધરાવતી નવલકથા પરથી બની છે. એના સ્વીડિશ લેખક સ્ટીગ લાર્સન જાણીતા પત્રકાર હતા, જે માત્ર શોખ ખાતર નવલકથાઓ લખતા. સ્ટીગે ત્રણ ક્રાઈમ-નોવેલ્સની શૃંખલા લખી હતી – ‘ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ’, ‘ધ ગર્લ હુ પ્લેય્ડ વિથ ફાયર’ અને ‘ધ ગર્લ હુ કિકડ ધ હોર્નેટ્સ નેસ્ટ’. ૨૦૦૪માં પચાસ વર્ષની વયે સ્ટીગનું મૃત્યુ થયું પછી આ કૃતિઓ અચાનક એમની ગર્લફ્રેન્ડની નજરે ચડી. એણે આ નવલકથાઓ છપાવી, જે ઇન્ટરનેશનલ બેસ્ટસેલર બની.

આ તો થઈ વિદેશી લેખકોની વાતો. ગુજરાતી સાહિત્યજગતમાં કઈ કૃતિઓ લેખકના મૃત્યુ બાદ વિખ્યાત બની છે? કવિ નર્મદે (૧૮૩૩-૧૮૮૬) પોતાની આત્મકથા ‘મારી હકીકત’ લખીને છપાવી રાખેલી, પણ તેમની ઇચ્છા હતી કે આ પુસ્તક એમના મૃત્યુ પછી જ બજારમાં મૂકાય. એવું જ થયું. આપણી ભાષાના મહાન સાક્ષર એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૫૮-૧૮૯૮)એ સોળેક વર્ષ સુધી નિરંતરપણે અંગત ડાયરી લખી હતી. કેમય કરીને દમન ન થઈ શકતી પોતાની હવસવૃત્તિ, ગુપ્તરોગો, પત્ની સાથેના સંબંધો વગેરે વિશેનું એમનું લખાણ એવું હેબતાવી દે એવું છે કે આપણને થાય કે એક લેખક, ચિંતક અને લોકશિક્ષક તરીકે કીર્તિ પામેલા માણસનું અંગત જીવન આટલું કુરુપ કેવી રીતે હોઈ શકે? ૧૯૭૯માં મણિલાલનું ‘આત્મચરિત્ર’ બહાર પડયું ત્યારે હોબાળો મચી ગયો હતો, જે સ્વાભાવિક હતો.

ડાયરીલેખન તો ગાંધીજીના અંગત મદદનીશ એવા મહાદેવ દેસાઈએ પણ કર્યું હતું, પણ અલગ પ્રકારનું. ૧૯૪૨માં તેમના નિધન થયું તે પછી છ વર્ષે ‘મહાદેવભાઈની ડાયરી’નો પહેલો ભાગ બહાર પડયો. ૧૯૮૦ સુધી ક્રમશઃ સત્તર ભાગ પ્રકાશિત થતા ગયા.

માત્ર છવ્વીસ વર્ષનું આયુષ્ય પામેલા કવિ કલાપીની તમામ કાવ્યરચનાઓ તેમના મૃત્યુ બાદ પ્રગટ થઈ હતી. ‘કલાપીનો કેકારવ’ સંગ્રહનું મરણોત્તર પ્રકાશન મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાન્તના હાથે થયું હતું. યોગાનુયોગ જુઓ. કાન્ત પોતાના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’ને જોવા પામ્યા ન હતા. ૧૬ જૂન ૧૯૨૩ના રોજ ‘પૂર્વાલાપ’ બહાર પડયો અને એ જ દિવસે એમનું મૃત્યુ થયું. કલાપીની જેમ રાવજી પટેલ પણ સાવ કાચી વયે મૃત્યુ પામ્યા હતા – ૨૯ વર્ષે. રાવજી પટેલના ‘અંગત’ અને મણિલાલ દેસાઈના ‘રાનેરી’ કાવ્યસંગ્રહનું મરણોત્તર પ્રકાશન થયું હતું.

૧૯૬૪માં ધૂમકેતુનું નિધન થવાથી એમની ‘ધ્રૂવદેવી’ નામની ઐતિહાસિક નવલકથા અધૂરી રહી ગઈ હતી. ગુણવંતરાય આચાર્યે આ નવલકથા પૂરી કરવાના આશયથી હાથમાં લીધી હતી. ત્રણેક પ્રકરણો લખ્યાંય ખરા, પણ તેમનું ય અવસાન થઈ જતાં નવલકથા પાછી અધૂરી રહી ગઈ. આખરે ધૂમકેતુના પુત્ર દક્ષિણકુમાર જોષીએ આ નવલકથા અપૂર્ણ સ્વરુપમાં પ્રગટ કરી. રમણલાલ વસંતલાલ દેસાઈની ‘ત્રિશંકુ’ નવલકથા તેમના મૃત્યુ બાદ બહાર પડી હતી. ઝવેરચંદ મેઘાણી ૮ માર્ચ ૧૯૪૭ના રોજ મૃત્યુ પામ્યા એના એકાદ દિવસ પહેલાં જ તેમણે સંપાદિત કરેલા ‘સોરઠી સંતવાણી’ પુસ્તકના પ્રૂફ જોવા માટે આવ્યા હતા. અણધાર્યા મૃત્યુને કારણે તેમની ‘કાળચક્ર’ નામની નવલકથા અધૂરી રહી ગઈ. આ નવલકથામાં આગળ તેઓ આઝાદ હિંદ ફોજ અને લોકક્રાંતિની વાતોને વણી લેવા માગતા હતા. મેઘાણીના મૃત્યુના એક મહિના બાદ ‘સોરઠી સંતવાણી’ અને ‘કાળચક્ર’ (અપૂર્ણ સ્વરુપમાં) પ્રગટ કરવામાં આવ્યાં. ‘સોરઠી સંતવાણી’માં સંગ્રહાયેલાં પ્રાચીન ભજનોની સીડી આગામી માર્ચમાં બહાર પડવાની છે, મેઘાણીની ૭૦મી પુણ્યતિથિએ.

સર્જક, સર્જન, મૃત્યુ અને કીર્તિનું ગણિત ખરેખર સમજાય એવું હોતું નથી!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.