Sun-Temple-Baanner

કાચા પૂંઠાની પાકી કહાણી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાચા પૂંઠાની પાકી કહાણી


કાચા પૂંઠાની પાકી કહાણી

Sandesh – Ardh Saptahik purti – 4 Oct 2017

ટેક ઓફ

‘પાકાં પૂંઠાનાં પુસ્તકો મોંઘાં હોય છે ને સામાન્ય માણસને તે ખરીદવા પોસાતા નથી. તો પછી સારા લેખકોનાં પુસ્તકોની સોંઘી આવૃત્તિ કેમ છાપી ન શકાય? એમણે વિચારી લીધું – હું સફ્ળ થઈ ચૂકેલાં પુસ્તકોની કાચા પૂંઠાની આવૃત્તિ બહાર પાડીશ અને ફ્કત છ પેન્સમાં વેચીશ.’

* * * * *

પુસ્તકનાં રંગરૂપના જાડા પ્રકાર પાડવા હોય તો આ બે વિભાગ પડે – હાર્ડ કવર અને પેપરબેક. હાર્ડ કવર એટલે સાદી ભાષામાં પાકા પૂંઠાનું પુસ્તક અને પેપરબેક એટલે કાચા પૂંઠાનું પુસ્તક. આજે આપણા હાથમાં આવતા અડધોઅડધ કરતાં વધારે પુસ્તકો કાચા પૂંઠાનાં હોય છે. પછી એ સાહિત્યનાં પુસ્તકો હોય, પાઠયપુસ્તકો હોય કે ટેલિફેન ડિરેકટરી પ્રકારનાં તોતિંગ થોથાં હોય. એક સમય એવો હતા જ્યારે પુસ્તકો કાચા પૂંઠાના પણ હોઈ શકે છે એવી કલ્પના સુદ્ધાં પ્રકાશકો કરી શકતા નહોતા.

પેપરબેક પુસ્તકોનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે અને એના જનકનું નામ છે, એલન લેન (જન્મઃ ૧૯૦૨) નામના એક બ્રિટિશ પ્રકાશક. સોળ વર્ષની ઉંમરે તેઓ પ્રકાશનની લાઇનમાં આવી ગયેલા અને એકત્રીસ વર્ષે બોડલી હેડ નામની પબ્લિશિંગ કંપનીના મેનેજિંગ ડિરેકટર બની ગયેલા. આ પ્રકાશન સંસ્થા મૂળ એમના અંકલની જ હતી. એલેન એક વાર અગાથા ક્રિસ્ટીને મળવા ગયેલા. અગાથા ક્રિસ્ટી એટલે ક્રાઇમ-થ્રિલર્સ લખીને અમર બની ગયેલાં લેખિકા. મિટિંગ પતાવીને એલેન પાછા લંડન જવા રવાના થયા. ટ્રેનને ઉપડવામાં થોડો સમય હતો એટલે એલનને થયું કે લાવ, બુકસ્ટોલ પરથી કોઈ સારું પુસ્તક ખરીદી લઉં કે જેથી રસ્તામાં ટાઇમપાસ થાય. એલન બુકસ્ટોલ પર ગયા, પણ ત્યાં જે કોઈ પુસ્તકો દેખાયાં તે બધા દમ વગરનાં હતાં એટલે તેઓ કશુંય ખરીદ્યા વગર ટ્રેનમાં બેસી ગયા.

આ એ જમાનો હતો જ્યારે પ્રકાશકો કેવળ પાકાં પુસ્તકો જ બહાર પાડતાં. આખા રસ્તે એલેન વિચારતા રહૃાા – પાકાં પૂંઠાનાં પુસ્તકો મોંઘાં હોય છે ને સામાન્ય માણસને તે ખરીદવા પોસાતા નથી. તો પછી સારા લેખકોનાં પુસ્તકોની સોંઘી આવૃત્તિ કેમ છાપી ન શકાય? એમણે વિચારી લીધું – હું સફ્ળ થઈ ચૂકેલાં પુસ્તકોની કાચા પૂંઠાની આવૃત્તિ બહાર પાડીશ અને ફ્કત છ પેન્સમાં વેચીશ.

એલનની પ્રકાશન સંસ્થાના ડિરેક્ટરોને પેપરબેક આવૃત્તિ બહાર પાડવાનો વિચાર વાહિયાત લાગ્યો. છ પેન્સમાં તે કંઈ ચોપડી વેચાતી હશે? આવા પૈસા ગુમાવવાના ધંધા તે કંઈ કરાતા હશે? એલેન કહેઃ હું કરીશ! નથી કરવી મારે આ નોકરી, જાવ! હું મારી પોતાની પબ્લિકેશન કંપની સ્થાપીશ!

એલને પોતાના બંને ભાઈઓ જોન અને રિચર્ડ સાથે ચર્ચા કરીઃ જુઓ, મને પેપરબેક ચોપડીઓનું મોટું માર્કેટ દેખાય છે. તમે મને સાથ આપશો? બંનેમાંથી એકેય ભાઈને પ્રકાશનનાં કામકાજનો કશો અનુભવ નહોતો, પણ એલેનની વાતમાં એમને દમ લાગ્યો. બેય જણા પોતપોતાના નોકરી-ધંધા છોડીને એલેનની સાથે જોડાવા તૈયાર થઈ ગયા. સો પાઉન્ડની મૂડી જમા કરીને કમ શરૂ કર્યું. સૌથી પહેલાં તો ચોપડીનાં કદ, આકાર, છપાઈ, કાગળની કવોલિટી વગેરે વિશે બ્રેઈન સ્ટોર્મિંગ કયંર્ુ. જાણીતા પ્રકાશકોના સૂચિપત્રો જોઈ ગયાં અને તેમાંથી જે પુસ્તકોની પેપરબેક આવૃત્તિ બહાર પાડવા જેવી લાગી એનું અલગ લિસ્ટ બનાવ્યું. પછી એલને એક પછી એક પ્રકાશકને મળવાનું શરૂ કર્યું. કહ્યું – મને તમારાં ફ્લાણાં- ફ્લાણાં પુસ્તકોની પેપરબેક એડિશન છાપવાની પરવાનગી આપો. કોઈ તૈયાર ન થયું. એલન બધાને વારંવાર મળ્યા, સમજાવવાની કોશિશ કરી. આખરે પ્રકાશકોની એક સંયુકત મિટિંગ ગોઠવીને પોતાના મુદ્દા ફરી એક વાર રજૂ કર્યા કે જુઓ, પાકા પૂંઠાની મોંઘી ચોપડીઓ લોકોને પોસાતી નથી એટલે જે વાંચવાના શોખીન છે તેઓ કયાં તો લાઇબ્રેરીમાં જઈને વાંચી લે છે અથવા બીજા કોઈની ચોપડી માગીને વાચી લે છે. જો આપણે ફ્ક્ત છ પેન્સના ભાવે પુસ્તકો બહાર પાડીશું તો લોકોને ભારે નહીં પડે. સેંકડો-હજારો લોકો આ સોંઘાં પુસ્તકો ખરીદવા તૈયાર થઈ જશે. વળી, તમને હાર્ડકવર ઉપરાંત પેપરબેક આવૃત્તિમાંથી વધારાની આવક થશે.

પ્રકાશકોએ કહ્યું – જો સસ્સી કાચા પૂંઠાની ચોપડીઓ મળતી હોય તો કોઈ પાકા પૂંઠાની ચોપડીઓ શું કામ ખરીદે? આમાં તો ઊલટાનું અમારું વેચાણ ઘટશે. એલેને કહ્યું – નહીં ઘટે. હાર્ડકવર લેનારા હાર્ડકવર લેશે જ અને સાથે સાથે પેપરબેકની આખી નવી માર્કેટ પણ ખુલશે. વળી, હું છપાઈની ગુણવત્તા પણ એવી રાખીશ કે તમારાં પુસ્તકોની શાનને કોઈ આંચ નહીં આવે. દલીલો-પ્રતિદલીલો થઈ રહી. આખરે એક પ્રકાશક પોતાનાં અમુક પુસ્તકોની પેપરબેક આવૃત્તિના હકો એલેનને વેચવા તૈયાર થયો. એણે કહૃાંુ – તારા પૈસા ડૂબવાના છે તે નક્કી છે, પણ ઉઠમણું કરતાં પહેલાં મહેરબાની કરીને મારો હિસાબ ચૂકતે કરી દેજે. આ પ્રકાશકને જોઈને બીજા બે-ત્રણ પબ્લિશરોએ પણ સંમતી આપી.

એલન રાજી થયા. ચાલો, શરૂઆત તો થઈ! જે લેખકોનાં પુસ્તકોની પેપરબેક આવૃત્તિની પરવાનગી મળી હતી એમાં અર્નેસ્ટ હેમિંગ્વે અને અગાથા ક્રિસ્ટી જેવાં ચારેક ધરખમ નામો હતાં. એમનાં ટોટલ દસ પુસ્તકોની પેપરબેક આવૃત્તિ છાપવાનું નક્કી થયું. દરેક પુસ્તકની વીસ-વીસ હજાર નકલો છાપવાની. એમાંથી જો સત્તર હજાર નકલો વેચાય તો જ છાપકામ, કાગળ વગેરેનો ખર્ચ નીકળે એમ હતું.

હવે સવાલ આવ્યો કે આપણે કંપની ખોલીને તો બેસી ગયા, પણ આપણી બ્રાન્ડનેમ જેવું કશુંક તો હોવું જોઈએને? શું બ્રાન્ડનેમ રાખીશું? એલનના સેક્રેટરીને તુક્કો સુઝ્યોઃ ‘પેંગ્વીન’ નામ રાખીએ? એલન કહેઃ હા, આ નામ સારું છે. લોકોને પેંગ્વીન પક્ષી ગમે પણ છે. ભલે ત્યારે, ‘પેંગ્વીન’ નામ ફાયનલ! એક કામ કરીએ, દરેક ચોપડીના કવર પર આપણે પેંગ્વીન પક્ષીનો ફોટો છાપીશું કે જેથી આપણાં પ્રકાશનોની આઇડેન્ટિટી ઊભી થાય. પછી પટાવાળાને હાંક મારીને બોલાવ્યો. કહ્યું – અલ્યા, તને ચીતરતા સારું આવડે છેને? તો એક કામ કર. તું હમણાં જ પ્રાણી સંગ્રહાલય જા, ત્યાં એ લોકોએ ઘણાં પેંગ્વીન પક્ષીઓ રાખ્યાં છે, તેનું નિરીક્ષણ કર અને એક પેંગ્વીન પક્ષીનું ચિત્ર બનાવી લાવ!

પુસ્તકો છપાયાં. તેને વેચવા માટે હવે બુકસેલરો પણ તૈયાર થવા જોઈએને? બુકસેલરો કહેઃ આ કાચા પૂંઠાની ચોપડીઓ ગંદી થઈ જાય, ફાટી જાય. આવી ચોપડીઓને કોઈ હાથ પણ ન લગાડે. એલને એમને સમજાવ્યાઃ જુઓ, તમે આ સોંઘી ચોપડીઓ રાખશો તો અત્યારે સુધી જે લોકો તમારા બુકસ્ટોલમાં પગ પણ નહોતા મૂકતા તેઓ ચોપડીઓ ખરીદવા આવશે. તમે જથ્થાબંધ પુસ્તકો વેચી શકશો ને વધારાની કમાણી કરી શકશો.

બુકસેલરો ના-ના કરતા રહૃાા. આખરે માંડ થોડીક નકલો રાખવા તૈયાર થયા. તમામ નકલોનો સરવાળો માંડ સાત હજાર પર પહોંચતો હતો. ભાઈઓ કહેઃ જો બુકસ્ટોલવાળા આપણી ચોપડીઓ વેચશે જ નહીં તો છાપવાનો શો મતલબ છે? એલને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું – જરૂર વેચશે. તમે જુઓ તો ખરા!

એલન પછી વુલવર્થ નામના સ્ટોરના માલિકને મળ્યા. આ સ્ટોરની શાખાઓ આખા ઈંગ્લેન્ડનાં શહેરો અને ગામોમાં હતી. અહીં જાતજાતની પરચૂરણ વસ્તુઓ છ-છ પેન્સમાં મળતી. વુલવર્થનો માલિક કહેઃ તમારાં પુસ્તકો સારાં છે, પણ ભારે માંહૃાલાં છે. અમારા ત્યાં જે પ્રકારના ગ્રાહકો આવે છે એને તો ફ્કત હલકીફ્ુલકી નવલકથાઓમાં જ રસ પડે. સદભાગ્યે સ્ટોરના માલિકની સાહિત્યરસિક પત્ની ત્યાં હાજર હતી. એ કહેઃ ના ના, આ સરસ પુસ્તકો છે અને આ લેખકોનું નામ પણ મોટું છે. આવાં પુસ્તકોની સસ્તી એડિશનની તો ખાસ જરૂર છે. સ્ટોરનો માલિક કહેઃ એમ? તો ભાઈ એલન, લખી નાખ આપણો ઓર્ડર. દરેક પુસ્તકની દસ-દસ હજાર નકલો!

એલન રાજીના રેડ થઈ ગયા. જુલાઈ, ૧૯૩૫માં દસ પુસ્તકોની એલને તૈયાર કરેલી પેપરબેક આવૃત્તિ બજારમાં મુકાઈ. એમણે ચીવટપૂર્વક મુખપૃષ્ઠો તૈયાર કરાવ્યાં હતાં. નવલકથાનાં મુખપૃષ્ઠ ઓરેન્જ અને વ્હાઇટ રંગમાં તેમજ અપરાધકથા ગ્રીન અને વ્હાઇટમાં. દરેકની ઉપર પેલું પટાવાળાએ ચિતરેલું પેંગ્વીનનું ચિત્ર તો ખરું જ!

ધાર્યું હતું એવું જ થયું. આટલા મોટા લેખકોની ચોપડીઓ માત્ર છ જ પેન્સમાં મળતી જોઈને લોકોએ તડી બોલાવી. એક જ અઠવાડિયામાં વુલવર્થ સ્ટોરે દસેદસ હજાર પુસ્તકો વેચી નાખ્યાં અને વધારાનાં પુસ્તકોનો ઓર્ડર પણ મૂકી દીધો. ચાંપલા બુકસેલરો પણ જોયું કે મારી બેટી આ પેપરબેક ચોપડીઓ તો બહુ ખપે છે. એમણે પણ નવા ઓર્ડર મૂકયા. આટલા બધા ઓર્ડરોને પહોંચી વળવા પુસ્તકોનું તરત પુનઃ મુદ્રણ કરવું પડયું. જોતજોતામાં ઈંગ્લેન્ડનાં લગભગ તમામ બુકસ્ટોલ પર પેંગ્વીનનાં પુસ્તકો વેચાતાં થઈ ગયાં.

અત્યાર સુધી મોઢું ચડાવીને બેઠેલા પ્રકાશકોએ પણ હવે અભિપ્રાય બદલવો પડયો. તેઓ હવે પોતાનાં ટાઇટલ્સની પેપરબેક આવૃત્તિઓના અધિકારો વેચવા માટે સામેથી એલન પાસે ગયા. લેખકોને ચોપડી દીઠ ફ્કત પા પેનીની રોયલ્ટી ચૂકવવામાં આવી હતી, પણ પુસ્તકોનાં વારે વારે પુનઃ મુદ્રણો થતાં રહૃાાં એટલે રોયલ્ટીની રકમ પણ વધી. આથી લેખકો પણ રાજી રાજી!

એલનનો ધંધો પુરપાટ ઝડપથી વધતો ગયો. કોઈએ સલાહ આપી કે તમે બીજાં પ્રકાશકોએ ઓલરેડી છાપી ચૂકેલાં પુસ્તકોની જ પેપરબેક આવૃત્તિઓ જ શા માટે બહાર પાડો છો? તમારે મૌલિક પેપરબેક પુસ્તકો પણ છાપવાં જોઈએ. એલને કહ્યું – ડન! એમણે વિદ્વાન માણસોને વિજ્ઞાાન, ઇતિહાસ, કેળવણી વગેરે વિષયો પર ચોપડીઓ લખવાનું કામ સોંપી દીધું અને આ મૌલિક પેપરબેક ચોપડીઓને અલાયદું નામ આપ્યું- પેલિકન. પેંગ્વીનની જેમ પેલિકન પણ એક જળચર પક્ષી છે. ૧૯૫૬માં કંપનીને ૨૧ વર્ષ થયાં ત્યાં સુધીમાં એલને દેશ-વિદેશમાં એક કરોડ જેટલાં પુસ્તકો વેચી નાખ્યાં હતાં! ૧૯૭૦માં એમનું નિધન થયું ત્યાં સુધીમાં એમની કંપનીએ દસ હજાર ટાઇટલ્સ પ્રસિદ્ધ કરી નાખ્યાં હતાં. સો પાઉન્ડની મૂડીની શરૂ કરેલી કંપનીનું આર્થિક કદ એક્ કરોડ કરોડ પાઉન્ડ પર પહોંચી ગયેલું.

ખરેખર, એલન લેનની કહાણી આપણે સૌને પાનો ચડાવી દે તેવી છે. હવે જ્યારે કાચા પૂંઠાની પેપરબેક ચોપડી હાથમાં લો ત્યારે એલનને જરૂર યાદ કરજો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.