Sun-Temple-Baanner

સ્વામી, સંઘ અને સ્મારક


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સ્વામી, સંઘ અને સ્મારક


સ્વામી, સંઘ અને સ્મારક

Sandesh – Ardh Saptahik Purti – November 15, 2017

ટેક ઓફ

સરદાર પટેલે એકવાર એકનાથ રાનડે માટે કહેલું કે, ‘લોકો મને લોખંડી પુરુષ કહે છે, પણ એકનાથજીમાં મને પોલાદી માણસ દેખાય છે.’

* * * * *

સૌથી પહેલાં તો, કેટલી નફ્ટાઈથી અને બેશર્મીથી સોશિયલ મીડિયા પર બનાવટી સમાચાર ચગાવી શકાય છે એનું એક તાજું ઉદાહરણ જોઈ લો. થોડા દિવસો પહેલાં ટ્વિટર પર કોઈ દુષ્ટ અળવીતરાએ ‘બ્રેકિંગ ન્યૂઝ’ વહેતા કર્યા કે, ‘ઉત્તરપ્રદેશના ભદોહી નગરમાં મુસ્લિમોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું માથું ધડથી અલગ કરી નાખ્યું એવો આક્ષેપ મુકાયો છે. શું ભારત સાઉદી એરેબિયા બની ગયું છે? મીડિયા મૌન ધારણ કરીને બેઠું છે.’ સાથે ખંડિત પ્રતિમાની તસવીર પણ મૂકી હતી.

જોતજોતામાં લાખો-કરોડો લોકો સુધી આ સમાચાર પહોંચી ગયા. આ ‘સમાચાર’ને ક્રોસચેક કરવાની તસદી કોણ લે? ટ્વિટને યથાતથ સ્વીકારીને પ્રતિક્રિયા આપનારાઓની સંખ્યા જોતજોતામાં હજારોમાં પહોંચી ગઈ.

હકીકત શું હતી? અલાહાબાદથી લગભગ ૮૦ કિલોમીટરના અંતરે આવેલા ભદોહી નામના નગરમાં સ્વામી વિવેકાનંદના એક પૂતળાનો શિરચ્છેદ થયો હતો તે વાત સાચી. સૌથી પહેલાં અખંડ ભારત નામની કોઈ ઓછી જાણીતી વેબસાઇટ પર આ સમાચાર મુકાયા હતા. પછી પત્રિકા નામની બીજી વેબસાઇટે આ ન્યૂઝ લીધા. બંને વેબસાઇટના રિપોર્ટમાં કહેવાયું હતું કે વિવેકાનંદની પ્રતિમા ખંડિત કરવાનું કૃત્ય અસામાજિક તત્ત્વોએ કર્યું છે. બેમાંથી એકેય જગ્યાએ આ અસામાજિક તત્ત્વો મુસ્લિમ છે એવો કોઈ ઈશારો સુદ્ધાં નહોતો. મૂર્તિને નુકસાન પહોંચાડનારાની ધરપકડ કરવામાં આવી છે તે વાત પણ આ જ સમાચારમાં સમાવી લેવામાં આવી હતી. ટૂંક્માં, એક ઘટના બની, પ્રશાસને તરત પગલાં લીધાં, વાત પૂરી થઈ ગઈ. ઉત્તરપ્રદેશના મેઇનસ્ટ્રીમ મીડિયાએ આ બનાવની નોંધ સુદ્ધાં ન લીધી.

પણ પેલા ટ્વિટર મહાશયે (એનું નામ લખીને ખોટી પબ્લિસિટી શું કમ આપવી?) આખા ઘટનાક્રમને વિકૃત વણાંક આપી દીધો. વિવેકાનંદની મૂર્તિનું મસ્તક ધડથી અલગ કરી દેનારા સંભવતઃ મુસ્લિમ છે એવું ઉમેરીને આખી વાતને કોમી રંગ આપવાની એણે કુચેષ્ટા કરી નાખી. ટ્વિટર પર તડાફ્ડી બોલી ગઈ પછી આખરે ભદોહીના પોલીસ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરવી પડી કે મૂર્તિને નુકસાન પહોંચાડનાર આરોપી માનસિક રીતે અસ્થિર છે, એને તરત જ એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને એ મુસ્લિમ નહીં, પણ હિંદુ છે.

સોશિયલ મીડિયા પર સેન્સરશિપ ખાસ્સી ઢીલી છે એટલે લોકોને ઉશ્કેરી મૂકે એવા અર્ધસત્યોથી માંડીને મરી-મસાલા ઉમેરેલાં હળહળતાં જૂઠાણાંની ક્યારેક રેલમછેલ બોલતી રહે છે. આ સ્થિતિ ગંભીર જોખમ ઊભાં કરી શકે છે. આવા માહોલમાં ફેસબુસ-વોટ્સએપ-ટ્વિટર વગેરે પર જે કંઈ વાંચવા મળે એમાંથી સતર્ક રહીને સાચું-ખોટું સૂંઘી શકવાની સજ્જતા કેળવવાની જવાબદારી આપણી પોતાની. સ્વામી વિવેકાનંદની પ્રતિમા અથવા સ્મારકની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણાં મનમાં દક્ષિણ ભારતના સાવ છેડે કન્યાકુમારી નજીક આવેલા વિવેકાનંદ શિલા સ્મારકનું સ્મરણ થઈ જાય. આ સ્મારક સાથે એકનાથ રાનડેનું નામ જોડાયેલું છે. ૧૯ નવેમ્બરે, એકનાથજીની ૧૦૩મી જન્મ-જયંતી ઊજવાઈ. ૧૯૧૪માં મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના નાનકડા ગામમાં જન્મેલા એકનાથ રાનડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નિષ્ઠાવાન કાર્યકર્તા હતા. એમના નામથી આજે લોકો ખાસ પરિચિત નથી એનું મોટું કારણ એ છે કે એમણે પ્રસિદ્ધિની કદી પરવા નહોતી કરી. એમને હંમેશાં માત્ર પોતાના કામથી મતલબ હતો.

આરએસએસના સ્થાપક કે.બી. હેડગેવરનું ૧૯૪૦માં મૃત્યુ થયું પછી માધવ ગોળવળકરે (ગુરુજી) સંઘનું સુકાન હાથમાં લીધું હતું. દેશને આઝાદી મળ્યા પછી નથુરામ ગોડસેના હાથે ગાંધીજીની હત્યા થતાં હાહાકાર મચી જવો સ્વાભાવિક હતો. ગોડસે થોડા સમય માટે સંઘની શાખામાં આવેલો, પણ સંઘની વિચારધારા નરમ લાગતાં એ હિન્દુ મહાસભામાં જોડાઈ ગયો હતો. જવાહરલાલ નહેરુની સરકારે ગાંધીહત્યાને આગળ કરીને સંઘ પર પ્રતિબંધ મૂકયો. ગુરુજી સહિત કેટલાય સ્વયંસેવકોને જેલમાં પુરવામાં આવ્યા. આવા માહોલમાં દેશવ્યાપી સત્યાગ્રહની જવાબદારી એકનાથ રાનડેને સોંપવામાં આવી હતી. ભૂગર્ભમાં રહીને તેઓ સફ્ળતાપૂર્વક સત્યાગ્રહનું સંચાલન કરતા રહૃાા. સરકાર સાથે મંત્રણાનો દોર પણ ચાલુ રાખ્યો. આખરે સત્ય બહાર આવ્યું અને આરએસએસ પરનો પ્રતિબંધ હટાવી દેવો પડયો.

એકનાથ રાનડે સતત કામ કરતા રહૃાા. એમના ભરપૂર પરિશ્રમને પરિણામે બંગાળ, આસામ જેવાં પૂર્વના રાજ્યોમાં સંઘની શાખાઓ ખૂલી. ૧૯૫૩થી ૧૯૫૬ દરમિયાન તેઓ સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ બન્યા, પછીના છ વર્ષ સંઘના જનરલ સેક્રેટરી તરીકે કાર્યરત રહૃાા અને ત્યાર બાદ અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ બન્યા. ૧૯૬૩માં ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ ઉજવાઈ. સ્વામીના વિચારોના પ્રચાર-પ્રસારની જવાબદારી એકનાથજીએ ઉપાડી લીધી. એમણે સ્વામીજીનાં સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો અને ‘રાઉઝિંગ કૉલ ટુ હિન્દુ નેશન’ (હિન્દીમાં ‘ઉતિષ્ઠમ્ જાગ્રત’) નામનું પુસ્તક લખ્યું.

કન્યાકુમારીથી થોડે દૂર દરિયામાં એક વિરાટ શિલા છે, જે શ્રીપાદ શિલા તરીકે ઓળખાય છે. શિકાગોની પ્રસિદ્ધ વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતા પહેલાં વિવેકાનંદે આ શિલા પર સાધના કરી હતી. રાષ્ટ્રીય સેવક સંઘે નિર્ણય લીધો કે વિવેકાનંદની જન્મ શતાબ્દિ નિમિત્તે શ્રીપાદ શિલા પર એમનું યાદગાર સ્મારક ઊભું કરવું. વિવેકાનંદ શિલા સ્મારક સમિતિની રચના કરવામાં આવી, જેના સંગઠન મંત્રી એકનાથ રાનડેને બનાવવામાં આવ્યા.

કન્યાકુમારીમાં ખ્રિસ્તીઓની સારી એવી વસ્તી. એમની નજર આ શ્રીપાદ શિલા પર હતી. તેઓ ત્યાં મધર મેરીનું દેવળ ઊભું કરવા માગતા હતા. એમણે શિલાને ‘સેન્ટ ઝેવિયર શિલા’ એવું નામ પણ આપી દીધું હતું. સ્વામી વિવેકાનંદના નામની તકતીને ઉખાડીને સમુદ્રમાં ફેંકી દેવાની ઘટના બની હોવાથી આ જગ્યા વિવાદાસ્પદ બની ગઈ હતી. કેરળ અને તામિલનાડુમાં ખ્રિસ્તી પ્રજા ઘણી હોવાથી સરકારે વિવેકાનંદ શિલા સ્મારક સમિતિને વિવેકાનંદનું મેમોરિયલ ઊભું કરવાની પરવાનગી ન આપી.

એકનાથ રાનડેએ તામિલનાડુના તે વખતના મુખ્યમંત્રી ભકતવત્સલમ્ સાથે ઘણી મંત્રણાઓ કરી, પણ પરિણામ શૂન્ય. એકનાથજી તત્કાલીન વડાપ્રધાન નહેરુને પણ મળ્યા, પણ નહેરુજી પોતાની સેક્યુલર ઇમેજ અખંડ રાખવા માગતા હોવાથી વિવેકાનંદના સ્મારકમાં રસ ન દેખાડયો. એકનાથ રાનડેએ ઢીલા પડયા વગર એક પછી એક સાંસદોને વ્યકિતગત સ્તરે મળવાનું શરૂ કર્યું. સ્મારકના સમર્થનમાં એમની સહીઓ લીધી. એકનાથજીએ કુલ ૩૨૩ સાંસદોના દસ્તખતવાળું આવેદનપત્ર નહેરુને સુપરત કર્યું. આવું કશુંય બનશે એવી નહેરુજીએ કલ્પના કરી નહોતી. તેઓ કૂણા પડયા, પોતાનું વલણ બદલ્યું. તામિલનાડુના ચીફ્ મિનિસ્ટરે પણ આખરે હા પાડવી પડી.

સ્વામી વિવેકાનંદના સ્મારક માટે મંજૂરી તો મળી ગઈ, પણ હવે તે માટે જરૂરી ભંડોળ કયાંથી કાઢવું? એકનાથ રાનડે આખા દેશમાં ફ્રી વળ્યા. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદની તસવીરો એક-એક રૂપિયામાં વેચી. તેઓ નાના-મોટા સૌની પાસે દાન લેવા જતા. જે કંઈ રકમ મળે તે સ્વીકારી લેતા. બંગાળ અને કેરળની સામ્યવાદી સરકારોએ પણ યથાયોગ્ય ફળો નોંધાવ્યો. એકનાથે પાઈ-પાઈનો પાક્કો હિસાબ રાખ્યો. કુલ એકત્રિત થયેલી રકમ હતી, એક કરોડ સત્તર લાખ દસ હજાર ચારસો છ રૂપિયા અને છ પૈસા!

૧૯૭૦માં સ્મારકનું નિમાર્ણકાર્ય પૂરું થયું. તેનું ઉદ્ઘાટન કરનાર તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી. ગિરિએ કર્યું, તેઓ સંઘના પ્રખર વિરોધી હતા તો પણ. એકનાથ નહોતા ઇચ્છતા કે શિલા સ્મારક માત્ર એક ટૂરિસ્ટ સ્પોટ બનીને અટકી જાય. તેમણે વિવેકાનંદ કેન્દ્ર નામની સંસ્થા ઊભી કરી. વિવેકાનંદના વિચારોને અનુરૂપ ગરીબો અને વંચિતો માટે એકાધિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. ‘યુવભારતી’ નામના માસિક, ‘બ્રહ્મવાદિન’ નામના ત્રિમાસિક અને ‘વિવેકાનંદ કેન્દ્ર પત્રિકા’ નામના અર્ધવાર્ષિકનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું. આ ત્રણેય સામયિકોના તંત્રી એકનાથ રાનડે હતા. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં વિદેશ મંત્રાલય હેઠળ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સના સભ્ય બનાવવામાં આવ્યા. એકનાથ રાનડેનું વ્યકિતત્વ એવું હતું કે વિરોધીઓમાં પણ તેઓ સ્વીકૃતિ પામતા. સરદાર પટેલે એકવાર એમના માટે કહેલું કે, ‘લોકો મને લોખંડી પુરુષ કહે છે, પણ એકનાથજીમાં મને પોલાદી માણસ દેખાય છે.’ ભરપૂર જીવનને અંતે ૨૨ ઓગષ્ટ ૧૯૮૨ના રોજ ૬૮ વર્ષીય એકનાથ રાનડેનું નિધન થયું.

સહેજે વિચાર આવે છે. સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને એકનાથ રાનડેના જમાનામાં સોશિયલ મીડિયા આવી ગયું હોત તો કેવો તરખાટ મચી જાત!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.