પહેલાં પ્રોડક્શન, પછી પરફેક્શન!
December 13, 2017
ટેક ઓફ
* * * * *
તો, વાત કામને પાછળ ધકેલ્યા કરવાની કુટેવ યા તો પ્રોક્રાસ્ટિનેશન વિશે ચાલતી હતી. બ્રેન્ડા બેઇલી-હૃાુજીસ નામનાં અમેરિકાની ઇન્ડિયાના યુનિવસિર્ટી સાથે સંકળાયેલાં કમ્યુનિકેશન એકસપર્ટ કહે છે કે જેને આટોપ્યા વગર આપણો છૂટકો જ ન હોય એવાં મહત્ત્વનાં કામોને આપણે પોસ્ટપોન કર્યા કરતા હોઈએ તો એવી વતર્ણૂક પાછળ પાંચ પરિબળ કામ કરતાં હોઈ શકે. પહેલું પરિબળ અથવા કારણ છે, આપણે ગયા લેખમાં જોયું તેમ, આત્મવિશ્વાસનો અભાવ. તમે કામ હાથ પર લેવા માગતા તો હો, પણ મનમાં ડર હોય કે મને આ નહીં આવડે તો? હું કાચો પડીશ તો?
ધારો કે તમે રિપોર્ટ્સ તૈયાર કરવાનું અને ઇમેઇલ્સના જવાબ આપવાનું કામ કાયમ પાછળ ઠેલતા હો છો. એનું મુખ્ય કારણ તમારું કાચું અંગ્રેજી છે. તો શું કરવાનું? ખુદની કચાશ દૂર કરવાના નક્કર પ્રયત્ન કરવાના. અંગ્રેજી ગ્રામરના પદ્ધતિસર કલાસ લો. અંગ્રેજીનું ટયુશન રાખો. વ્હાય નોટ? ખુદને વધારે સજ્જ બનાવવા માટે જે કંઈ થઈ શકે તે બધું જ કરવાનું. હવે તો ઓનલાઇન પણ ઘણું બધું શીખી શકાય છે. શબ્દભંડોળ વધે તે માટે અંગ્રેજી વાંચન વધારો. તમારી દષ્ટિએ જેમને ઇમેઇલ્સ જવાબ અને રિપોર્ટ્સ લખતાં સરસ આવડે છે એનો અભ્યાસ કરો. આ રીતે આત્મવિશ્વાસ વધશે. આટલું કર્યા પછી ઇમેઇલ કે રિપોર્ટ લખવા બેસો ત્યારે જાત સાથે સંવાદ કરો કે, ‘હું ભલે શ્રેષ્ઠ લેખક ન હોઉં, પણ મેં પ્રયત્નો કર્યા છે. ભુલો તો બધાથી થાય, મારાથી પણ થશે, એમાં શું? હું સતત ઇમ્પ્રુવ થઈ રહૃાો છું એટલું ઓછું છે?’
એ પણ ચકાસો કે પોતાની જાત માટે તમે વધારે પડતાં ઊંચા ધારાધોરણો કે અપેક્ષાઓ તો નથી રાખ્યાંને? હું અંગ્રેજીમાં ચાર વાકય લખું તો એ શેકસપિયરના અંગ્રેજીને ટકકર મારે એવાં જ લખું એવું માઇન્ડસેટ નહીં રાખવાનું. કામ પાછળ ઠેલ્યા કરવાની કુટેવ ધરાવનારાઓએ આ સૂત્ર હંમેશાં યાદ રાખવાનું – પહેલાં પ્રોડક્શન, પછી પરફેક્શન! સૌથી પહેલાં તો કામ પૂરું કરી નાખો, પછી એને પરફેક્ટ કરવાની કોશિશ કરો.
કામને પોસ્ટપોન કરવાનું બીજું સંભવિત કારણઃ સતત ધ્યાનભંગ થતાં રહેવું. તમે કામમાં પૂરેપૂરું મન પરોવી શકતા નથી? તે માટે તમારી કામની જગ્યા અનુકૂળ હોવી જોઈએ. તમારું ટેબલ, કયુબિકલ, કેબિન કે રુમ અસ્તવ્યસ્ત પડયાં હોય તો પહેલાં એને ઠીકઠાક કરો. બહાર બહુ ઘોંઘાટ થતો હોય તો દરવાજો અને બારી બંધ કરો. મોબાઇલ ફોન સાઇલન્ટ કરીને હાથ ન પહોંચે એટલો દૂર મૂકી દો. તમારા કમ્પ્યુટરનું ઇન્ટરનેટ કે વાઇ-ફાઇ કનેકશન ઓફ કરો કે જેથી થોડી થોડી વારે ફેસબુક પર આંટો મારવાનું મન ન થાય. કોઈ કલીગ આવીને કહે કે, ‘ચાલ, કેન્ટીનમાં નાસ્તો કરતા આવીએ’ અથવા ‘ચાલ, જરા બહાર સિગારેટ પીતા આવીએ ને પગ છુટ્ટો કરતા આવીએ’ અથવા ‘ચાલ, આ શનિ-રવિમાં માથેરાન (કે દીવ-દમણ) જવાનું પ્લાનિંગ કરીએ’, તો એને પ્રેમથી કહેવાનું કે દોસ્ત, મને ફ્કત ત્રીસ મિનિટ આપીશ? આ કામ પુરું થાય એટલે હું જ સામેથી તારી પાસે આવું છું.
ત્રીસ મિનિટનું જ ટાર્ગેટ રાખો. આ સળંગ અડધી કલાક દરમિયાન નો ફેન, નો ઇન્ટરનેટ, નો સોશિયલ મિડીયા, નો કેન્ટીન. ફ્કત કામ. દર ત્રીસ મિનિટ પછી દસ મિનિટનો મસ્ત બ્રેક લઈ લેવાનો. દસ-પંદર જ મિનિટ હં, વધારે નહીં.
પ્રોક્રાસ્ટિનેશનનું ત્રીજું કારણઃ કામનું કદ જોઈને થતી ગભરામણ. કયારેક કામ એટલું મોટું હોય કે એ ક્યારે પૂરું થશે તેનો વિચાર કરતાં જ ગાત્રો ઠંડાં થઈ જાય, પરસેવો છૂટી જાય ને આપણે કામ શરુ જ ન કરીએ. આવા કેસમાં કામને નાના નાના હિસ્સાઓમાં વિભાજિત કરી દેવા જોઈએ. ધારો કે તમારા કામમાં નાનાં-મોટાં કુલ એકસો સ્ટેપ છે. તો આખા કામને, ફોર એકઝામ્પલ, પચાસ ટુકડાઓમાં પહેંચી દો. મારે રોજ બે સ્ટેપ કરવાનાં છે એટલું જ મનમાં રાખો અને એટલા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. એક ફયનલ ડેડલાઇનને બદલે વચગાળાની ત્રણ-ચાર ડેડલાઇન નકકી કરો. દર અમુક્ દિવસે આટલું-આટલું કામ થઈ જવું જોઈએ. આ રીતે આગળ વધવાથી કામ ઓછું ડરામણું લાગશે.
મેન્ટલ બ્લોક. આ છે ચોથું સંભવિત કારણ. કામ કરવું તો છે, પણ મનમાં આઇડિયા સૂઝે નહીં.
ક્રિયેટિવિટી પર કોઈએ તાળું મારી દીધું હોય એવું લાગે. આવી સ્થિતિમાં કયારેક કામ કરવાની જગ્યા બદલવાથી ફયદો થતો હોય છે. તમારી કેબિન કે કયુબિકલમાંથી બહાર આવીને ઓફ્સિમાં બીજી કોઈ જગ્યાએ જઈને બેસો. ગાર્ડન, બાલ્કની કે ટેરેસમાં જઈને બેસો. ક્યારેક સવારે સાત વાગ્યામાં ઓફ્સિ આવી જાઓ. આખો દિવસ કમ્પ્યુટર સાથે ચોંટેલા રહેેતા હો તો, ફેર અ ચેન્જ, પેન અને પેપર લઈને કામ કરી જુઓ. ટૂંકમાં, કામનો માહોલ બદલો.
ક્રિયેટિવ કામમાં કોઈ બાઉન્સિંગ બોર્ડ એટલે કે તમારા કામમાં ઊંડો રસ લઈને યોગ્ય સવાલો પૂછી શકે એવો સરસ શ્રોતા મળી જાય તો ખૂબ ફયદો થતો હોય છે. તમારા દોસ્ત કે કલીગ સાથે ડિસ્કસ કરો. કયારેય મૂંગા મૂંગા કામ કરવાને બદલે બોલવાથી મનમાં નવા વિચારો પ્રગટતા હોય છે. પોતાની જાત પાસેથી વધારે પડતાં અપેક્ષા કે અશકય કહેવાય એટલાં ઊંચાં ધારાધોરણ ન રાખવાની વાત અહીં પણ લાગુ પડે છે.
કમ પાછળ ઠેલવાનું પાંચમું અને છેલ્લું સંભવિત કારણ. કામનો ત્રાસ. જે કામ કરવાનું છે એ તમને દીઠું ગમતું ન હોય. તમને એના વિચાર માત્રથી ત્રાસ છૂટતો હોય. આવી સ્થિતિમાં શું કરવું? પોતાની જાતને ઇનામ આપવાનું શરુ કરો. વીસ ટકા કામ પૂરું થાય ત્યારે આટલું ઇનામ, ચાલીસ ટકા પૂરું થાય ત્યારે આટલું ઇનામ અને આખું પૂરું થઈ જાય ત્યારે જમ્બો ઇનામ! આ ઇનામ તમારે જ નક્કી કરવાનું. જેમ કે, આટલું કામ પૂરું થયા પછી હું મસ્તમજાની ફ્લ્મિ જોવા જઈશ અને એયને કોઈ પણ જાતના ગિલ્ટ વગર ટેસથી પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ખાઈશ! અથવા, આટલું કામ પૂરું થયા પછી હું મારા માટે હાઇક્લાસ જીન્સ-ટીશર્ટ (અથવા સલવાર કમીઝ, સાડી, વોટેવર) ખરીદીશ! આખું કામ પૂરું થયું થયા પછી હું ચાર દિવસની રજા લઈશ અને ફેમિલી અથવા ફ્રેન્ડ્સ સાથે ગોવા-બોવા ફરી આવીશ! આ ઇનામની લાલચે તમે કામ કર્યે રાખશો.
નક્કી કરો કે હું કામ રોજ પા કલાક કરીશ જ. રીતસર પા કલાકનું એલાર્મ સેટ કરો. પંદર મિનિટ થાય એટલે ઊભા થઈ જવાનું. પછી પોતાની જાતને સવાલ કરોઃ શું આ કામ ખરેખર હું ધારું છું એટલું ભયંકર છે? જવાબ મોટે ભાગ ‘ના’ મળશે. એક વાર શરુઆત થશે એટલે પછી ગાડી એને મેળે ચાલવા લાગશે. પા કલાક કયારે અડધી કલાક અને અડધી કલાક કયારે એક-બે કે ઇવન ત્રણ કલાક થઈ જશે એની ખબર પણ નહીં પડે.
બસ, એક વાર આ ઢીલ અથવા પ્રોક્રાસ્ટિનેશન નામના ભૂતની ચોટલી હાથમાં આવી જાય એટલે ગંગા નાહૃાા. વાત પાતાની જાત પાસેથી કામ લેવાની છે. માઇન્ડસેટમાં જરુરી ફેરફર કરવાની છે. તો ચાલો, કાગળ-પેન હાથમાં લો. એક ખાનામાં તમે કયાં કયાં કામ કરવામાં ઢીલ કરો છો એનું લિસ્ટ બનાવો, બીજા ખાનામાં ‘હું કઈ રીતે કામ પાછળ ધકેલું છું?’ એની યાદી તૈયાર કરો અને ત્રીજા ખાનામાં ‘હું શા માટે કામને ધકેલ્યા કરું છું?’ તે લખો. પછી હું આ અને ગયા લેખમાં જે ચર્ચા કરી એના આધારે મનોમન પ્રોક્રાસ્ટિનેશનથી પીછો છોડાવવાની સ્ટ્રેટેજી ઘડી કાઢો ને એનો અમલ શરુ કરી દો. શુભસ્ય શીધ્રમ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply