Sun-Temple-Baanner

લેખક કરતાં એનું લખાણ શા માટે વધારે સ્માર્ટ હોય છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


લેખક કરતાં એનું લખાણ શા માટે વધારે સ્માર્ટ હોય છે?


લેખક કરતાં એનું લખાણ શા માટે વધારે સ્માર્ટ હોય છે?

Sandesh – Ardh Saptahik purti – January 3, 2018

ટેક ઓફ

નવલકથાકાર કરતાં એણે ઘડેલાં પાત્રો વધારે જીવંત, પ્રભાવશાળી, રમૂજી, સંવેદનશીલ, ગુણવાન અને મનોરંજક હોય છે, કારણ કે…

* * * * *

જ્યોર્જ સોન્ડર્સ નામના ઉત્તમ અમેરિકન નવલિકાકાર પચાસ વર્ષના થયા પછી પહેલી વાર ‘લિંકન ઇન ધ બાર્ડો’ નામની નવલકથા લખી. આ કૃતિએ 2017નું પ્રતિષ્ઠિત બૂકર પ્રાઇઝ જીતી લીધું. દુનિયાભરના સારામાં સારા અંગ્રેજી લેખકો આ ઇનામ માટે રેસમાં સામેલ થયા હોય છે. જ્યોર્જ સોન્ડર્સે પોતાની લેખનપ્રક્રિયા વિશે અલગ-અલગ જગ્યાએ બહુ સરસ લખ્યું છે યા તો વાતો કરી છે.

આપણે કહેતા હોઈએ છીએ કે કલાકાર પાસે ‘કશુંક’ હોય છે જે એ ‘વ્યક્ત કરવા’ માગતો હોય છે અને બસ, પછી એ લખીને કે ગાઈને કે નૃત્ય કરીને કે ચિત્ર બનાવીને વ્યક્ત કરી નાખે છે. જ્યોર્જ સોન્ડર્સ કહે છે કે આ આખી વાત એક બનાવટ છે. મજાની વાત એ છે કે આ બનાવટ આપણને ગમે છે! આપણે એવું કેમ માની લઈએ છીએ કે કળાકૃતિ એક ક્લીયરકટ, વેલ-ડિફાઇન્ડ વસ્તુ છે? આપણે એવું શા માટે સ્વીકારી લઈએ છીએ કે કલાકારમાં એ વસ્તુને ફ્ટાક કરતી પારખવાની અને સટાક કરતી વ્યકત કરી નાખવાની આવડત હોય જ છે? કશાકનું સર્જન કરવાની પ્રક્રિયા આટલી સીધીસાદી હોત તો જોઈએ જ શું. સર્જનપ્રક્રિયા ઠીક ઠીક ભેદી હોય છે અને ખાસ તો, મગજની નસ ખેંચી નાખે એવી કડાકૂટવાળી હોય છે.

કોઈએ વ્યાખ્યા બાંધી છે કે આર્ટિસ્ટ એટલે એવો માણસ, જે કામ શરુ તો કરે છે, પણ એને ખબર હોતની નથી કે આ કામ પોતે કેવી રીતે કરશે. જ્યોજર્ સોન્ડર્સ પોતાની પ્રોસેસ વિશે વાત કરતાં કહે છેઃ
‘હું કલ્પના કરું છું કે જાણે મારા કપાળ પર વજનકાંટા જેવું મીટર ચોંટાડવામાં આવ્યું છે. પટ્ટીના એક છેડે ‘પી’ એટલે કે પોઝિટિવ લખ્યું છે અને બીજા છેડે ‘એન’ એટલે કે નેગેટિવ લખ્યું છે. પછી મેં જે કંઈ લખ્યું હોય (વાર્તાનો એક ફ્કરો કે એક પાનું કે એક પ્રકરણ કે આખો પહેલો ડ્રાફ્ટ) તે હું એવી રીતે વાંચવાની કોશિશ કરું છું જાણે તે કોઈ બીજાએ લખ્યું હોય. જો લખાણ સારું લાગે તો કાંટો પોઝિટિવ તરફ્ ઢળેલો હોય, લખાણ વાંચવાની મજા ન આવે તો નેગેટિવ તરફ્ ઝુકેલો હોય. પછી હું પેલો ફ્કરો/પાનું/પ્રકરણ/ડ્રાફ્ટ નવેસરથી લખું. ફરી પાછો એને વાંચી જાઉં અને જોઉં કે આ વખતે કાંટો પોઝિટિવ તરફ્ વધારે ઢળ્યો કે નહીં. આ ક્રિયા વાંરવાર કરતો જ જાઉં. એક પછી એક ડ્રાફ્ટ લખાતા જ જાય. જ્યાં સુધી કાંટો પૂરેપૂરો ‘પી’ પર ન આવે ત્યાં આ સાઇકલનું પુનરાવર્તન કરતો રહું. મારી વાર્તા કે પ્રકરણનો ઘાટ આ રીતે ધીરેધીરે, ટુકડે ટુકડે ઘડાય છે.’

રાઇટિંગ, રિ-રાઇટિંગ, રિ-રિ-રાઇટિંંગ – લખાણની ગુણવત્તા સુધારતા જવાની, એને ચમકાવવાની આ ઉત્તમોત્તમ ચાવી છે. રિ-રાઇટિંગ કર્યા વગર ઉત્કૃષ્ટ સર્જન કરી શકતા ગિફ્ટેડ લેખકો દુર્લભ હોય છે. ‘આપણે તો ફર્સ્ટ ડ્રાફ્ટ એ જ ફાયનલ ડ્રાફ્ટ… આપણે તો એક વાર લખાઈ જાય એટલે પછી હાથ અડાડતા જ નથી’ એવું કહેવાવાળા મોટા ભાગના લેખકો આળસુડા હોવાના. લેખક હોવું, સર્જન કરવુંું – આ બધું અમુક દૂરથી બહુ ગ્લેમરસ લાગતું હોય છે, પણ સાચું માનજો, એકની એક વસ્તુ વારે વારે લખ્યા કરવાનું, ઘસ્યા કરવાનું, મઠાર્યા કરવાનું કામ જરાય ગ્લેમરસ નથી. આ બૌદ્ધિક (અને ઇવન શારીરિક) સ્તરે થતી મજૂરી જ છે. પણ આ જ ‘સર્જનક્રિયા’ છે, વધુ ને વધુ સારું લખતા જવાની. લેખક જેટલી વધારે મહેનત કરે એટલી એની કૃતિ વધારે ઘાટીલી, સુરેખ અને ‘વેલ-ડિફાઇન્ડ’ બને. આ જ કારણ છે કે સર્જક કરતાં એનું સર્જન વધારે સ્માર્ટ હોય છે. એકલા લેખકને જ શું કામ બદનામ કરવા, આ જ વાત તમામ કળા અને કલાકારને લાગુ પડે છે!

સોન્ડર્સ કહે છે કે લેખક પોતાના લખાણને મઠારે, ફરી ફરીને સુધારે એનો સીધો અર્થ એ પણ થયો કે એ પોતાના વાચકનો વધુ ને વધુ આદર કરી રહૃાો છે. એ રિ-રાઇટિંગ કરે છે, કેમ કે એ વાચકને સારામાં સારી વસ્તુ જ આપવા માગે છે. એ જાણે છે કે મારો વાચક બુદ્ધિશાળી છે, સમજદાર છે, સજ્જ છે. એની સામે નબળી વસ્તુ ધરીને હું એની બુદ્ધિમતા તેમજ સમયનું અપમાન ન કરી શકું!

એક જ લખાણ પર વધારે વખત હાથ ફરે એટલે લખાણમાં રહેલી વધારાની ચરબી દૂર થતી જાય, સૂક્ષ્મતાઓ વધે, લખાણ વધારે લેયર્ડ યા તો બહુપરિમાણી બને. ધારો કે લેખક લખે કે, ‘મનસુખભાઈનો સ્વભાવ બહુ ખરાબ હતો’. આ વાકય અધ્ધરતાલ લાગી શકે. સ્વભાવ ખરાબ હતો એ બરાબર, પણ તે કેવી રીતે? થોડી વિગત હોવી જોઈએ. આથી લેખક મનસુખભાઈના ખરાબ સ્વભાવને આ રીતે વ્યકત કરેઃ ‘મનસુખભાઈએ આવેશમાં આવીને રેસ્ટોરન્ટમાં વેઇટરને ખખડાવી નાખ્યો.’ લેખક આ વાક્યને પાછું વાંચીને વિચારે છેઃ ના, હજુય કંઈક ખૂટે છે. મનસુખભાઈએ પેલાને ખખડાવ્યો એનું કારણ શું હોઈ શકે? એ વાક્યને નવેસરથી મઠારે છેઃ ‘મનસુખભાઈએ આવેશમાં આવીને રેસ્ટોરન્ટમાં એક વેઇટરને ખખડાવી નાખ્યો કે જે દેખાવમાં ઘર છોડીને જતા રહેલા પોતાના ઝઘડાખોર ભાઈ જેવો લાગતો હતો.’ હજુ થોડોક વધારે ઉમેરોઃ ‘આજે થર્ટીર્ફ્સ્ટ ડિસેમ્બર હતી એટલે સવારથી ભાઈ બહુ યાદ આવી રહૃાો હતો.’

તો લેખકે અહીં શી રીતે રિ-રાઇટિંગ કર્યું? એણે મનસુખભાઈ નામના પાત્રને વધારે માનવીય બનાવ્યું. અલબત્ત, જરૂરી નથી કે દરેક પાત્ર વધારે માનવીય જ હોવું જોઈએ, પણ હા, એ વધારે શેડ્ઝવાળું તો હોવું જ જોઈએ. પહેલાં મનુસખભાઈ માત્ર ‘ખરાબ સ્વભાવવાળા’ હતા, પણ હવે એ ‘ઘર છોડીને જતા રહેલા ભાઈને યાદ કરનાર સ્વજન’ બની ગયા. એ ભાઈને બહુ ચાહે છે એટલે જ એ ગૃહત્યાગ જેવું મોટું પગલું ભરવા બદલ એના પર રોષે ભરાયા છે. આ રોષ અજાણતા રેસ્ટોરાંના પેલા વેઇટર પર ઠલવાઈ ગયો.

લેખકે અહીં ખરેખર શું કર્યું? એમણે વધારે વિગતો ઉમેરી. લખાણને વધારે સ્પેસિફ્કિ બનાવ્યું. આવું કરવાની પ્રક્રિયા દરમિયાન મનસુખભાઈના પાત્રને એમણે વધારે કરુણાથી, વધારે પ્રેમથી ટ્રીટ કર્યું. પરિણામે એ પાત્ર સપાટ ન રહેતાં વધારે સંવેદનશીલ, જટિલ અને સૂક્ષ્મતાઓવાળું બન્યું.

પ્લીઝ, અહીં કોઈ એવું ન સમજે કે લખાણને અસરકારક બનાવવું હોય તો એમાં પાણી નાખવું જ પડે. એક વાક્યને ખેંચીને એના ત્રણ વાક્ય કરવા જ પડે. ના. કયારેક આનાથી ઊલટું કરવુું પડતું હોય છે. વાક્યમાંથી બિનજરૂરી શબ્દો કાઢી નાખવાથી તે વધારે સુરેખ બનતું હોય છે. ઉદાહરણ લઈએ. ધારો કે વાક્ય કંઈક આવું છેઃ ‘લાલ સાડીમાં સજ્જ થયેલી સોનલ ઓરડામાં આવીને ખૂણામાં ગોઠવાયેલા બ્લુ સોફા પર બેઠી.’ વાકય ફરી વાંચો. શું બિનજરૂરી છે? સોનલની લાલ સાડી જરૂરી છે? ના. કાપો. સોફાનો કલર જણાવવાનું કોઈ ખાસ કારણ છે? ના. કાપો. સોફા ઓરડામાં ક્યાં ગોઠવાયેલો છે એવું કહેવાની જરૂર છે? ના. કાપો. તો રિ-રાઇટ થયેલું વાકય આવું બનશેઃ ‘સોનલ ઓરડામાં આવીને સોફા પર બેઠી.’ બસ, આટલું જ. શોર્ટ, સ્વીટ એન્ડ સિમ્પલ.

વાક્યમાં ક્યાં વિગતો ઉમેરવાની છે કે દૂર કરવાની છે એ આગળ-પાછળના સંદર્ભોને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું હોય. દરેક વખતે પાત્રએ કેવાં કપડાં પહેર્યાં છે અને કેવી હેરસ્ટાઈલ રાખી છે તે લખવાની જરૂર હોતી નથી. ઘણા લેખકોને આવી કુટેવ હોય છે. ધારો કે વાર્તામાં માયા સવારે ઊઠીને ઓફ્સિ જાય અને સાંજે ઘરે પાછા આવીને હસબન્ડ સાથે કલબમાં જાય તો એ સવારે ઊઠી ત્યારે, ઓફ્સિે ગઈ ત્યારે અને કલબ જવા તૈયાર થઈ ત્યારે દર વખતે એણે શું શું પહેર્યું હતું એવું બધું લખો તો વાચક બાપડો કંટાળી જાય.

સમજદાર લેખક રિ-રાઇટિંગ દરમિયાન ફ્કરો/પાનું/પ્રકરણ/ડ્રાફ્ટમાં ક્રમિક ફેરફર કરે એટલે સૌથી પહેલાં તો એેને પોતાને જ તે વાંચવાની વધારે ને વધારે મજા આવતી જાય. આ જ ફીલિંગ પછી વાચકને થાય. અલબત્ત, જ્યોર્જ સોન્ડર્સ કહે છે તેમ, વાચકમાં પણ આવી લાગણી જાગશે જ એ કેવળ વિશફુલ થિંકિંગ છે, અપેક્ષા છે, ગેરંટી નથી. લેખકના દિમાગ અને વાચકના દિમાગમાં અમુક તત્ત્વો એકસરખાં હશે એવું આપણે માની લઈએ છીએ. આવું હોય છે પણ ખરું. તેથી જ પાલનપુરમાં જન્મેલા અને કોલકાતામાં ઉછરેલા ચંદ્રકાંત બક્ષીએ અડધી સદી પહેલાં પોતાની કપડાંની દુકાનમાં ઊંચા સ્ટૂલ પર બેઠાં બેઠાં ‘પેરેલિસિસ’ નામની જે નવલકથા લખી હતી તે આજે એમબીએ કરીને કોઈ આઇટી ર્ફ્મમાં સરસ જોબ કરી રહેલા સત્તાવીસ વર્ષના અમદાવાદી યુવાનને સ્પર્શી જાય છે. ચાલો, બક્ષી તો હજુય ગુજરાતી હતા, પણ આપણામાં અને ૧૯૦ વર્ષ પહેલાં રશિયાના કોઈ નવાબી ખાનદાનમાં જન્મેલા ટોલ્સટોય વચ્ચે શું કોમન છે? કશું જ નહીં. છતાંય એમણે લખેલી વાર્તાઓ વાંચીને આપણે ઝુમી ઊઠીએ છીએ.

લખતી વખતે, રિ-રાઇટિંગ કરતી વખતે લેખકે વિચાર્યું હોય છે કે હું આ વાત આ રીતે લખીને વાચકના દિલમાં આવી લાગણી જગાડીશ. જો એ કાબેલ હશે તો વાચક એનું લખાણ વાંચતી વખતે ખરેખર એવું ફીલ કરશે. લેખકનું કામ માત્ર પોતાનાં પાત્રો સાથે સંબંધ બનાવીને પૂરું થતું નથી. લેખકનું કામ એનું લખાણ વાચકના મન-હૃદય સાથે સંધાન કરે છે ત્યારે જ સાચા અર્થમાં પૂરું થતું હોય છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Jan, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.