કામઢા માણસને પારખવાની કળા
સંદેશ – અર્ધ સાપ્તાહિક પૂર્તિ – 4 એપ્રિલ 2018
કોલમઃ ટેક ઓફ
ટ્રેનના ડબામાં કચરાપોતાં કરનારી સામાન્ય બાઈ પોતાની સૂઝબૂઝ, ઇમાનદારી અને ખાસ તો કંપનીના બોસની સતર્ક દષ્ટિને કારણે જોતજોતામાં રિજનલ સ્ટેશન માસ્ટર બની ગઈ. આ મહિલાને કારણે કંપનીમાં દાખલો બેસી ગયોઃ જોબ માટે આવતા માણસની ટેલેન્ટ જોવાની હોય, સર્ટિફિકેટનાં કાગળિયાં કે એન્ટ્રેન્સ ટેસ્ટના માર્ક્સ નહીં.
* * * * *
‘પેશન કાં તો માણસમાં હોય અથવા તો ન હોય. તમે કોઈને બળજબરીથી પેશનના ઇંજેક્શન મારી શકતા નથી. પેશન જો માણસના લોહીમાં જ નહીં હોય અને છતાંય તમે એને ધરાર જોશીલા-ઝનૂની બનાવવાની કોશિશ કરશો તો આ કસરતમાં માત્ર તમારો જ સમય ને શક્તિ બગડશે.’
આ સો ટકાની સાચી વાત રિચર્ડ બ્રેન્સને કહી છે. રિચર્ડ બ્રેન્સન એટલે વિશ્વવિખ્યાત વર્જિન ગ્રુપના માલિક. સુપર સેલિબ્રિટી બ્રિટીશ બિઝનેસમેન. મ્યુઝિકની રેકોર્ડથી માંડીને પ્લેન, ટ્રેન અને ઇવન સ્પેસ ટ્રાવેલ સુધીનાં ફિલ્ડ્સમાં વર્જિન ગ્રુપ સક્રિય છે. આ ગ્રુપની કુલ કંપનીઓનો આંકડો ચારસો જેટલો છે. આજની તારીખે આ બ્રિટીશ બિઝનેસમેન 5.1 બિલિયન ડોલર (એટલે કે આશરે 331 અબજ રૂપિયા)નો આસામી છે. રિચર્ડ બ્રેન્સન સરસ લેખક પણ છે અથવા કહો કે એમને બહુ જ કાબેલ એડિટર મળ્યા છે જે એમનાં લખાણને ખૂબ જ રસાળ અને પ્રવાહી બનાવીને પુસ્તકમાં પેશ કરે છે. તેમના એક પુસ્તકનું નામ છે, ‘ધ વર્જિન વે’. વર્જિન વે એટલે સાદી ભાષામાં રિચર્ડ બ્રેન્સનની સક્સેસ ફોર્મ્યુલા. શું છે આ ફોર્મ્યુલા? પોતાની કંપની માટે કામ કરી રહેલા લોકોને ભરપૂર સ્વતંત્રતા, નિર્ણયો લઈ શકવાની છૂટ, ફ્લેક્સિબિલિટી અને વધુમાં વધુ સુવિધા આપવી કે જેથી તેમની સર્જનાત્મકતા ખીલે, એમને કામ કરવાની મજા આવે, તેઓ બેસ્ટ પર્ફોર્મન્સ આપવાની પ્રેરણા મળે જેના પરિણામે સરવાળે કંપનીનું ભલું થાય. એકલું વર્જિન ગ્રુપ જ શા માટે, આંતરરાષ્ટ્રીય સ્તરે ટકોરાબંધ વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચુકેલી મોટા ભાગની મલ્ટિનેશનલ કંપનીમાં વત્તેઓછે અંશે આવું જ કલ્ચર હોવાનું.
ઉત્તમ લીડર કે કંપનીના માલિકમાં પેશન ધરાવતા લોકોને શોધી કાઢવાની એક આંતરિક સૂઝ હોય છે. રિચર્ડ બ્રેન્સને પોતાનાં પુસ્તકમાં બે સરસ કિસ્સા ટાંક્યા છે. વર્જિન ગ્રુપમાં વર્જિન ટ્રેન્સ નામની એક કંપની છે, જે ઇંગ્લેન્ડમાં ટ્રેનો દોડાવે છે. ટોની કોલિન્સ નામના મહાશય નવ વર્ષ માટે આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) રહી ચુક્યા છે. જૂના જમાનામાં જે રીતે રાજાઓ છૂપા વેશે નગરચર્યા કરતા નીકળતા એ રીતે ટોનીભાઈને પણ કોઈ પણ ઢોલનગારાં વગાડ્યાં વગર પોતાની જ કંપનીની ટ્રેનોમાં ચુપચાપ મુસાફરી કરવા નીકળી પડતા કે જેથી સામાન્ય મુસાફરોને જે કોઈ અગવડ પડતી હોય તેનો ફર્સ્ટ-હેન્ડ અનુભવ લઈ શકાય. એક વાર ટોનીએ જોયું કે કચરાંપોતાં કરવાનું કામ કરનાર ક્લીનર હસતા મોઢે પોતાની કામગીરીમાં સમાવેશ થતો ન હોય તેવી ફરજો બજાવી રહી હતી. એણે એક વૃદ્ધ દંપતીને એમની સીટ પર બેસાડ્યાં, એમને છાપાં આપ્યાં, પાણીની બોટલ એમના હાથમાં મૂકી, વગેરે. એની રીતભાતમાં ગરિમા હતી, એની બોડી લેંગ્વેજ તેમજ ચહેરા પર એટલો આનંદ અને ઉત્સાહ હતા કે સામેના માણસ પર પોઝિટિવ અસર થયા વગર ન રહે. ટોનીને નોંધ્યું કે આ ક્લીનર મહિલાએ વર્જિન ટ્રેન્સનો યુનિફોર્મ પહેર્યો નહોતો. ટોનીને ખબર પડી કે મહિલા વર્જિન ગ્રુપની સ્ટાફર નહોતી. ટ્રેનની સાફસફાઈ કરવા માટે કોઈ એજન્સીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો અને તે એજન્સી તરફથી આ મહિલા અને એના જેવાં અન્ય ક્લીનરોને ક્લીનિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં.
મહિલા જે રીતે સામે ચાલીને વધારાનાં કામ કરી રહી હતી તે જોઈને ટોની કોલિન્સ ભારે પ્રભાવિત થયા. તેમણે મહિલાને પોતાની ઓળખાણ આપીઃ હું આ ટ્રેનો ચલાવતી કંપનીનો બોસ છું. શું તને પેલી એજન્સીમાં ક્લીનર તરીકે કોન્ટ્રેક્ટ પર રહેવાને બદલે વર્જિન ટ્રેન્સ કંપનીમાં જોબ કરવી ગમે? મહિલાએ કહ્યુઃ સાહેબ, વર્જિન ટ્રેન્સ જેવી મોટી કંપનીમાં નોકરી કરવી કોને ન ગમે? હકીકતમાં મેં તમારી કંપનીમાં જોબ મેળવવા માટે બે વાર કોશિશ પણ કરી હતી, પણ હું એન્ટ્રેન્સ ટેસ્ટમાં નાપાસ થઈ એટલે મેળ ન પડ્યો (આઇ વોઝ નોટ ગુડ ઇનફ ટુ પાસ ધ એન્ટ્રેન્સ ટેસ્ટ).
ટોની કોલિન્સ ચોંકી ઉઠ્યા. આટલી કાબેલ મહિલા મારી કંપનીમાં જોબ મેળવવા માટે ‘ગુડ ઇનફ’ નથી? એમણે તરત પોતાના એચઆર (હ્યુમન રિસોર્સીસ) ડિપાર્ટમેન્ટના સૌથી સિનિયર માણસને ફોન કર્યો. આખો કિસ્સો સંભળાવ્યો. પછી કહ્યુઃ માણસોને નોકરી પર રાખવાની આપણી જે કંઈ પોલિસી છે તેની તમે તાત્કાલિક સમીક્ષા કરો. આપણે જે પ્રકારના લોકોને કંપનીમાં લેવા માગીએ છીએ એવા જ લોકો ગળાઈને બહાર રહી જાય તે વળી કેવું? નક્કી આપણી ચકાસણી કરવાની પદ્ધતિમાં કશીક ક્ષતિ છે. પ્લીઝ, આ ક્ષતિ શોધી કાઢો અને સત્વરે દૂર કરો.
એચઆર ડિપાર્ટમેન્ટ કામે લાગી ગયું. લોકોને નોકરીમાં લેવાના માપદંડોમાં તાત્કાલિક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે કંપનીને જેવા માણસોની ખરેખર જરૂર હતી એક્ઝેક્ટલી એવા જ ઉમેરદવારો પસંદગી પામવા લાગ્યા. પેલી મહિલાને સામેથી ફોન કરીને બોલાવવામાં આવી. એને ઓન-બોર્ડ સર્વિસ આસિસ્ટન્ટની જોબ ઓફર કરવામાં આવી. મહિલાએ હસીખુશીથી નોકરી સ્વીકારી લીધી. આવડી મોટી કંપનીનો માલિક ખુદ સામે ચાલીને જોબ આપે ત્યારે માણસને કેટલો પાનો ચડે, એની નિષ્ઠાને કેવું જબરદસ્ત પોષણ મળે! મહિલા ઇમાનદારીથી જોબ કરવા માંડી, એને એક પછી એક પ્રમોશન મળતું ગયું અને ચાર વર્ષમાં તો એ રિજનલ સ્ટેશન માસ્ટર બની ગઈ! ઇંગ્લેન્ડનાં કેટલાય રેલવે સ્ટેશનો પર વર્જિન ટ્રેનો સ્મૂધલી ચાલતી રહે તે જોવાની જવાબદારી હવે એની હતી.
ટ્રેનના ડબામાં કચરાપોતાં કરનારી સામાન્ય બાઈ પોતાની સૂઝબૂઝ, ઇમાનદારી અને ખાસ તો કંપનીના બોસની સતર્ક દષ્ટિને કારણે ક્યાંની ક્યાં પહોચી ગઈ! આ મહિલાને કારણે વર્જિન ટ્રેન્સમાં સ્પષ્ટ દાખલો બેસી ગયોઃ જોબ માટે આવતા માણસની ટેલેન્ટ જોવાની હોય, સર્ટિફિકેટનાં કાગળિયાં કે એન્ટ્રેન્સ ટેસ્ટના માર્ક્સ નહીં.
બીજો કિસ્સો. વર્જિન ગ્રુપની વિમાન કંપની વર્જિન એટલાન્ટિકની સૌથી પહેલી ઓફિસ ન્યુ યોર્કમાં બની હતી. આ ઓફિસની બાજુમાં જ એક બાર-કમ-રેસ્ટોરાં હતું, જેમાં કંપનીનો સીઈઓ ડેવિડ ટેઇટ ઉપરાંત સ્ટાફના બીજા સભ્યો અવારનવાર ડિનર અને ડ્રિન્ક્સ માટે જતા. અહીં એક બારટેન્ડર હતો. ફિલ એનું નામ. (બારટેન્ડર એટલે કાઉન્ટર પર ઊભા ઊભા મહેમાનોની ફરમાઈશ પ્રમાણે ડ્રિન્ક્સ, કોકેટેલ વગેરે બનાવી આપતો માણસ.) ડેવિડ હંમેશાં જુએ કે બારમાં ગમે તેટલી ભીડ કેમ ન હોય, આ બારટેન્ડરના ચહેરા પરથી સ્મિત ક્યારેય વીલાતું નથી. એક સાથે પંદર લોકો અલગ અલગ ફરમાઇશ કરતા હોય તો પણ બારટેન્ડરને બરાબર ખબર હોય કે કોના ડ્રિન્કમાં કઈ માત્રામાં કેટલું દ્રવ્ય ભેળવવાનું છે. નિયમિત આવનારા લોકોએ તો બોલવું પણ ન પડે. બારટેન્ડરને યાદ જ હોય કે એની પસંદ શું છે. ફિલ માત્ર ડ્રિન્ક્સ જ ન બનાવે, એક સાથે અનેક લોકો સાથે વાતો પણ કરતો જાય. માણસ છેલ્લે બારમાં આવેલો ત્યારે શું વાત થયેલી તે પણ તેને યાદ હોય. એનો વ્યવહાર એટલો હૂંફાળો અને મૈત્રીપૂર્ણ હોય કે દરેક ગ્રાહકને જાણે પર્સનલ અટેન્શન મળતું હોય એવી લાગણી થાય.
ડેવિડે પારખી લીધું કે મારી કંપનીમાં કસ્ટમર સર્વિસ એજન્ટ તરીકે કામ કરવા માટે આ માણસ પરફેક્ટ છે! ફિલ અહીં બારના કાઉન્ટર પર જે રીતે કામ કરે છે એવું જ કામ જો એ એરપોર્ટના કાઉન્ટર પર પણ કરે તો ઉતારુઓ પર કેટલી સરસ ઇમ્પ્રેશન પડે. એક વાર ડેવિડે એને પોતાની ઓળખાણ આપીને કહ્યુઃ ફિલ, જો હું તને મારી એરલાઇન્સ કંપનીમાં જોબ કરવાની ઓફર આપું તો તું હા પાડે? જોકે એરપોર્ટની જોબમાં તને બારની જેમ લોકો ટિપ નહીં આપે અને તારી શિફ્ટ પણ સતત બદલાયા કરશે. બોલ, છે મંજૂર?
ફિલ હસી પડ્યો. એને એમ કે ડેવિડ મજાક કરે છે. ક્યાં બારટેન્ડરની જોબ અને ક્યાં એરપોર્ટ પર કસ્ટમસ સર્વિસ એજન્ટ તરીકેની જોબ. એણે ડેવિડની વાત ગંભીરતાથી ન લીધી, પણ ડેવિડ જેટલી વાર બારમાં જાય ત્યારે દર વખતે એને યાદ કરાવે કે ફિલ, મારી સ્ટેન્ડિંગ ઓફર વિશે તે પછી શું વિચાર્યું? આખરે ફિલ બારમાં દારૂ પીરસવાનું કામ છોડીને વર્જિન એટલાન્ટિકમાં કામ કરવા તૈયાર થઈ ગયો. ધાર્યું હતું એવું જ થયું. એરપોર્ટ કસ્ટમર સર્વિસ એજન્ટ તરીકે એ આવતાંની સાથે જ હિટ થઈ ગયો. થોડા સમયમાં એને સુપરવાઇઝર તરીકે પ્રમોશન મળ્યું. પછી ડ્યુટી મેનેજર બન્યો અને આખરે એરપોર્ટ મેનેજર બની ગયો! આ વાતને આજે વીસ કરતાંય વધારે વર્ષ થઈ ગયાં છે. દુનિયાભરના એરપોર્ટ્સ પર એણે કામ કર્યું.
રિચર્ડ બ્રાન્સન એને ઘણી વાર ન્યુ યોર્કના નેવાર્ક એરપોર્ટ પર જોતા. એક વાર એમનાથી ન રહેવાયું એટલે ફિલને પૂછી જ લીધુઃ ફિલ, કહે તો ખરો, ડેવિડે તને શી રીતે મારી કંપનીમાં કામ કરવા માટે પટાવ્યો? ફિલે આંખ મીચકારીને હસીને જવાબ આપ્યોઃ સર, મને પટાવવાની જરૂર જ નહોતી. હું ટીનેજર હતો ત્યારથી મને ફુલફટાક તૈયાર થયેલી એરહોસ્ટેસો બહુ ગમતી. મને થાય કે કેવી હસમુખી અને સુંદર છોકરીઓ છે આ બધી! હું બેવકૂફ થોડો છું કે ડેવિડે મને એરપોર્ટ પર જોબ ઓફર કરે ને હું ના પાડું!
ખેર, આ તો મજાકની વાત થઈ. હકીકત એ છે કે ફિલ જેવા કે પેલી મહિલા જેવા લોકો જ્યારે પોતાનું અંગત પેશન, ઇમાનદારી અને ઉત્સાહ પોતાનાં કામમાં રેડે છે ત્યારે તેઓ કોઈ પણ કંપની માટે એસેટ એટલે મૂડી બની જતાં હોય છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply