Sun-Temple-Baanner

સ્વામી વિવેકાનંદઃ આ પણ.. પેલા પણ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સ્વામી વિવેકાનંદઃ આ પણ.. પેલા પણ!


સ્વામી વિવેકાનંદઃ આ પણ.. પેલા પણ!

સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – 11 જુલાઈ 2018

ટેક ઓફ

‘હું પુરુષ કરતાં સ્ત્રી જેવો વિશેષ છું. હું હંમેશાં વિના કારણે બીજાનું દુખ મારા મન પર લઉં છું, એને તે પણ બીજાનું કશું ભલું કર્યા વિના. જેવી રીતે સ્ત્રીઓ, તેમને જો બાળક ન હોય તો તેઓ પોતાનો પ્રેમ બિલાડાં પર ઢોળે છે, તેમ!’

* * * * *

સૌથી પહેલાં તો નીચેનો ફકરો વાંચી જાઓ.

‘કશાથી ડરો નહીં. ડર નિર્બળતાની નિશાની છે. આસપાસનાં લોકો ભલે વ્યંગબાણ છોડયા કરે, સમાજ ભલે ઉતારી પાડે, માણસે સૌની અવગણના કરીને ખંતપૂર્વક પોતાની ફરજ બજાવતા રહેવાની છે. માણસનાં અવમૂલ્યનનું એક મજબૂત કારણ ભય છે. ભયથી મોટું કોઈ પાપ નથી. ભય પીડાનું કારણ બને છે. ભય મૃત્યુનું પણ કારણ બને છે. ભયને લીધે જ અનિષ્ટ તત્ત્વો પનપે છે, જે ક્ષણે તમે ભય પામો છો તે ક્ષણે તમે મામૂલી બની જાઓ છો. માણસને મૃત્યુ કરતાંય પ્રતિષ્ઠા ગુમાવવાનો વધારે ડર લાગે છે. મેં જોયું છે કે જે વધારે પડતા ચેતીચેતીને ચાલે છે એને દરેક પગલે પછડાવું પડે છે, જે સતત આબરૂ અને માનપાનની ચિંતા કરે છે એને માત્ર અવહેલના જ મળે છે. જે નુકસાનીથી ડર્યા કરે છે એને નુકસાન થાય જ છે. શાનો ડર? શા માટે ડર? આપણે સૌ સર્વશક્તિમાન સમ્રાટ એવા ઈશ્વરના વારસદાર છીએ. આપણા સૌમાં ઈશ્વરનો અંશ છે. અદ્વૈતવાદ તો કહે છે કે આપણે ઈશ્વરનું જ સ્વરૂપ છીએ. સમસ્યા એ છે કે આપણે ખુદની અસલિયત ભૂલીને ખુદને મામૂલી ઇન્સાન સમજવા લાગ્યાં છીએ, જો આપણામાં ભગવાનો અંશ હોય, જો આપણે ખુદ ભગવાનનું એક સ્વરૂપ હોઈએ, સ્વયં ભગવાન આપણું રક્ષણ કરતા હોય તો આપણે ડર શાનો? આપણે તો ડરથી પર થઈને જીવી જવાનું હોય. ડર-બર ભૂલી જાઓ અને ચૂપચાપ કામે ચડો. સતત પોતાની જાતને કહેતા રહો : મને કશાનો ડર નથી. હું નિર્ભય છું!’

ઢીલાપોચા માણસને પણ પાનો ચડાવી દે એવી આ વાણી છે, ખરું? હવે આ ફકરો વાંચોઃ

‘હું અતિશય થાકી ગયો છું. આ પ્રાંત એવા ઈર્ષ્યાળુ અને નિર્દય લોકોથી ભરેલો છે કે તેઓ મારું કાર્ય તોડી પાડવા એકે ઉપાય બાકી નહીં રાખે. પરંતુ જેમ જેમ વિરોધ વધે છે તેમ તેમ મારામાંનો રાક્ષસ જાગી ઉઠે છે. સંસારની આ માથાકૂટો અને ઝઘડાઓ માટે હું સર્જાયો ન હતો. સ્વભાવે જ હું સ્વપ્નશીલ અને વિશ્રાન્તિપ્રિય છું. હું તો એક જન્મજાત આદર્શવાદી છું અને સ્વપ્નોની દુનિયામાં જ હું રહી શકું છું. વાસ્તવિકતાનો સ્પર્શ સરખોય મારાં સ્વપ્નોમાં ભંગ પાડે છે, અને પરિણામે હું દુખી થઈ જાઉં છું.’

કોઈ ત્રસ્ત, દયા આવી જાય એવા અને બેચેન માણસના આ શબ્દો લાગે છે, રાઇટ? હવે અંદાજ લગાવો કે લેખની શરૂઆતમાં તમે જે જોશીલી વાણી વાંચી એ કોની હોઈ શકે. આ મર્દાનગીભરી, ઉર્જાથી છલછલતી પ્રેરણાદાયી વાણી ઉચ્ચારનાર સ્વામી વિવેકાનંદ સિવાય બીજું કોઈ ન હોઈ શકે. બહુ જ આઇડેન્ટિફાયેબલ વાણી અને વ્યક્તિત્ત્વ છે સ્વામીજીનાં.

હવે ભેગાભેગું એ પણ કહો કે પેલી બીજા નંબરની દુખી વાણી ઉચ્ચારનાર વિષાદગ્રસ્ત માણસ કોણ હોઈ શકે. શક્ય છે કે આનો જવાહ તમને કદાચ ન મળે. તમે કહેશો કે આ પ્રકારનું ફ્રસ્ટ્રેશન બહુ કોમન છે. આવી લાગણી અનુભવનારા કેટલાય લોકોને તમે કદાચ ઓળખતા હશો. શક્ય છે કે તમે ખુદ આ પ્રકારનો વિષાદ ક્યારેક, કોઈક સ્તરે અનુભવી ચુક્યા હો. આમ છતાં પણ અનુમાન કરી જુઓ કે એક્ઝેક્ટલી કોણે બોલ્યો હશે ફકરો નંબર ટુ?

જવાબ છેઃ સ્વામી વિવેકાનંદ. જી, બિલકુલ. સાવ સામસામા મિજાજના આ બન્ને ફકરામાં ઝીલાયેલી વાણી સ્વામી વિવેકાનંદની છે! નાનપણથી આપણે એમનાં પુસ્તકો, લેખો વાંચતા આવ્યા છીએ. વિવેકાનંદને આપણે હંમેશા જોશ, આદર્શવાદ અને મર્દાનગીથી ભરેલા તેમજ મુદડાલ માણસમાં પણ સંકલ્પસિદ્ધિનું ઝનૂન ભરી દે એવો કરિશ્મા ધરાવતા રાષ્ટ્રવાદી સ્વામી તરીકે કલ્પ્યા છે. સ્વામી વિવેકાનંદ એટલે વર્ષના બારે મહિના, અઠવાડિયાના સાતેય દિવસ અને દિવસના ચોવીસે કલાક સતત પોઝિટિવ એનર્જીથી છલકતા અને લગભગ સુપરહ્યુમન કક્ષાના માણસ એવી એક છાપ પડી ગઈ છે. અલબત્ત, સ્વામી વિવેકાનંદ આપણા માટે સર્વકાલીન શ્રેષ્ઠોત્તમ મહાનાયક હતા, છે અને રહેવાના. સાથે સાથે એ વાત પણ સાચી છે કે સ્વામીજીના વ્યક્તિત્ત્વનાં બીજાં કેટલાંક પાસાં ખાસ પ્રકાશમાં આવ્યા નથી.

સ્વામીજીની પર્સનાલિટીની અનોખી અથવા ઓછી જાણતી બાજુને જાણવી હોય તો પ્રસાદ બ્રહ્મભટ્ટે કરેલા સંપાદિત કરેલા ‘વિવેકાનંદ પત્રપરાગ’ નામના પુસ્તકમાંથી પસાર થવું જોઈએ. આ પુસ્તક વાંચતાં વાંચતાં આપણી સામે જે સ્વામી વિવેકાનંદ ઊભરે છે એ એમની ‘પોપ્યુલર ઈમેજ’ કરતાં ઘણા અલગ છે. સ્વામી વિવેકાનંદ 1863ની બારમી જાન્યુઆરીએ કલકત્તામાં જન્મ્યા હતા અને 1902ની ચોથી જુલાઈએ બેલુરમાં મૃત્યુ પામ્યા હતા. ગયા બુધવારે એમની 116મી પુણ્યતિથિ હતી. તેઓ 39 વર્ષ જીવ્યા. ફક્ત 39 વર્ષ! એમની આટલી નાની જિંદગી ભરપૂર ઘટનાપ્રચુર પૂરવાર થઈ. પોતાના જીવનકાળ દરમિયાન એમણે પુષ્કળ વિદેશભ્રમણ કર્યું હતું. એ જમાનામાં સૌના હાથમાં મોબાઇલ ફોન કે ઇન્ટરનેટ જેવું તો કશું હતું નહીં. દૂર વસતા સ્વજનો-મિત્રોના સંપર્કમાં રહેવા માટે લોકો પત્રવ્યવહાર કરતા. આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ પોતાની વિદેશી શિષ્યાઓને લખેલા અંતરંગ અને લાગણીસભર એવા ૨૦૮ પત્રોનું સૂઝપૂર્વક સંપાદન થયું છે. એ વાંચતી વખતે આપણને સમજાય કે સ્વામી વિવેકાનંદ પણ થાકી શકે છે, કંટાળી શકે છે, સેન્ટીમેન્ટલ થઈ શકે છે, નકારાત્મક ટીકાઓથી સહેજ ચિંતિત થઈ શકે છે અને સામાન્ય માનવીની જેમ નાણાભીડ પણ અનુભવી શકે છે!

જેમ કે, ઈઝાબેલ નામનાં શિષ્યાને સ્વામીજી ૨૬ એપ્રિલ ૧૮૯૪ના રોજ ન્યુયોર્કથી એક કાગળમાં લખે છે કે, ‘ગઈ રાતે મેં વ્યાખ્યાન આપ્યું. મિસિસ સ્મિથે બે ડોલરની એક લેખે ટિકિટો વેચી હતી. સભાનો ઓરડો જોકે નાનો હતો પણ તે ભરાઈ ગયો હતો. હજુ મને તે પૈસા મળ્યા નથી, પણ સાંજ સુધીમાં તે મળવાની આશા રાખું છું. લીન (નામના સ્થળે) મને સો ડોલર મળ્યા. હું તે મોકલતો નથી કેમ કે મારે નવો ઝબ્બો કરાવવો છે અને બીજી પરચૂરણ ચીજો લેવી છે. બોસ્ટનમાં કંઈ પૈસા મળવાની આશા નથી.’ બીજા કાગળોમાં સ્વામીજી કહે છે કે, ‘જો હું પુષ્કળ પ્રમાણમાં પૈસા પ્રાપ્ત કરી શકું તો હું બહુ રાજી થાઉં… મારી મુસાફરી માટેનું ખર્ચ મળી રહે છે. જો કે તેઓ મને વધારે આપી શકતા નથી, તો પણ થોડુંઘણું તો આપે જ છે. અને સતત કામ કરીને મારો ખર્ચ કમાઈ લેવા જેટલું હું મેળવી લઈશ, ગમે તેમ કરીને બસોચારસો મારા ખીસામાં પણ રાખીશ. તેથી તમારે મારી લેશ માત્ર ચિંતા ન કરવી.’

સામાન્ય માનવીની શી વાત કરવી, વજ્ર જેવું મનોબળ ધરાવતો સ્વામી વિવેકાનંદ જેવો પુરુષ પણ કંટાળી શકે છે, તૂટનનો અનુભવ કરી શકે છે. સ્વામીજીએ અપરાધીભાવનો બોજ પણ સહ્યો છે. પોતે માતાની ઉપેક્ષા કરી છે, અન્યાય કર્યો છે એવું ગિલ્ટ સ્વામીજીના એક કરતાં વધારે પત્રોમાં છલકાયું છે. એક પત્રમાં તેઓ લખે છેઃ

‘આવતે અઠવાડિયે હું મારા માતુશ્રીને યાત્રાએ લઈ જવાનો છું…. મારી જિંદગી આખી હું બિચારી મારી માતાને દુખરુપ થયો છું. તેનું આખું જીવન સતત દુખમય રહ્યું છે. જો શક્ય હોય તો મારો છેલ્લો પ્રયાસ તેને થોડી સુખી કરવાનો હોવો જોઈએ.’

પૌરુષથી છલોછલ હોવું એનો અર્થ એવો નહીં કે સ્વભાવે કઠોર કે નિષ્ઠુર હોવું. મર્દાનગીભર્યું વ્યક્તિત્ત્વ અને સંવેદનશીલતા એ કંઈ પરસ્પર વિરોધાભાસી કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ બાબતો નથી. સ્વામી વિવેકાનંદના આ શબ્દો આશ્ર્ચર્ય ઊપજાવે એવા છે:

‘હું પુરુષ કરતાં સ્ત્રી જેવો વિશેષ છું. હું હંમેશાં વિના કારણે બીજાનું દુખ મારા મન પર લઉં છું, એને તે પણ બીજાનું કશું ભલું કર્યા વિના. જેવી રીતે સ્ત્રીઓ, તેમને જો બાળક ન હોય તો તેઓ પોતાનો પ્રેમ બિલાડાં પર ઢોળે છે, તેમ!’

1896માં મેરી નામની પોતાની શિષ્યાએ તેઓ લખે છેઃ

‘આ દુનિયામાં બે પ્રકારના માનવીઓ છે. એક પ્રકાર છે મજબૂત છાતીના શાંત, પ્રકૃતિને નમતું આપવાવાળા, અતિ કલ્પનાશીલ નહીં છતાં ભલા, માયાળુ, મીઠા વગેરે. આ દુનિયા આવા માણસો માટે છે. એકલા તેઓ જ સુખી થવાને સરજાયેલા છે. વળી, બીજા પ્રકારના છે તેઓ આવેગશીલ, અસાધારણ કલ્પનાશીલ, અતિ માત્રામાં લાગણીપ્રધાન, સદાયે એક ક્ષણમાં આવેશમાં આવી જતા અને બીજી ક્ષણે શાંત પડી જતા… એ લોકો માટે સુખ નથી. જેમને આપણે પ્રતિભાશાળી વ્યક્તિઓ કહીએ છીએ તેઓ આ બીજા પ્રકારમાંથી જ નીકળે છે.’

આ કાગળમાં સ્વામીજી પોતાની લાક્ષાણિક શૈલીમાં મેરીને એમ પણ કહે છે કે, ‘તારામાં મહાન બનવાની મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઈએ.’ વિવેકાનંદના આ પત્રો વાંચતા જઈએ તેમ તેમ એમની લાર્જર-ધેન-લાઈફ ઈમેજમાં જુદા જુદા શેડ્ઝ ઊમેરાતા જાય છે. મજાની વાત એ છે કે એને લીધે આપણા ચિત્તમાં અંકાયેલી વિવેકાનંદની મૂળ છબી જરાય નબળી પડતી નથી. ઊલટાનું, વિવેકાનંદ વધારે માનવીય, વધારે ‘આપણા જેવા’ લાગતા જાય છે. આપણને સમજાય છે કે જીવનમાં પરેશાન કરી મૂકતી કઠણાઈઓ ઝીંકાયા કરતી હોય અને દિમાગ ખરાબ કરી નાખે એવી પરિસ્થિતિઓ પેદા થયા કરતી હોય તો પણ વિરાટ કાર્યો થઈ શકે છે, જો સ્વામી વિવેકાનંદની માફક વજ્ર જેવી ઇચ્છાશક્તિ, જબરદસ્ત સંકલ્પશક્તિ અને પ્રચંડ પુરુષાર્થ કરવાની ક્ષમતા ખુદમાં વિકસાવી હોય તો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Jul, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.