Sun-Temple-Baanner

ઇસ રૂટ કી સભી લાઇનેં વ્યસ્ત હૈ…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ઇસ રૂટ કી સભી લાઇનેં વ્યસ્ત હૈ…


ઇસ રૂટ કી સભી લાઇનેં વ્યસ્ત હૈ…

સંદેશ – અર્ધ સાપ્તાહિક પૂર્તિ – 4 જુલાઈ 2018

ટેક ઓફ

જિંદગી આપણી સામે સફળતાના એક નિશ્ચિત સ્તર સુધી પહોંચવા માટે ક્યારેક ચુપચાપ રૂટ ‘એ’ ને બદલે રૂટ ‘બી’નું સાઇનબોર્ડ મૂકી દેતી હોય છે. મામલો દિમાગ ખુલ્લું રાખવાનો છે, ફ્લેક્સિબલ બનવાનો છે. એક વિચાર, આઇડિયા કે સ્ટ્રેટેજીને જડતાથી વળગી રહેવાને બદલે નવી શક્યતાઓ અને નવી પરિસ્થિતિ પ્રત્યે આપણે સજાગ રહેવું જોઈએ.

* * * * *

1960ના દાયકાની વાત છે. જપાનની હોન્ડા કંપની અમેરિકન માર્કેટમાં પગપેસારો કરવામ માગતી હતી. એ વખતે અમેરિકામાં હાર્લી-ડેવિડસન કંપનીની બાઇક્સનો દબદબો હતો. તોતિંગ કદ, અતિ પાવરફુલ અને ખૂબ મોંઘી એવી હાર્લી-ડેવિડસન બાઇક ચાલવનારાઓ અમેરિકામાં પ્રમાણમાં ઓછા હતા, પણ એનું સ્ટેટસ ખૂબ ઊંચું હતું. આપણે ત્યાં હાર્લી-ડેવિડસન આજની તારીખે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે અને આ બાઇક ચલાવનારા જમીનથી ચાર વેંત અધ્ધર ચાલે છે. હાર્લી-ડેવિડસન સિવાય યુરોપથી ઇમ્પોર્ટ થયેલી ટ્રાયમ્ફ જેવી કેટલીક બાઇક્સ પણ અમેરિકન રસ્તાઓ પર તે અરસામાં દેખાતી. હોન્ડાએ નક્કી કર્યું કે આપણે હાર્લી-ડેવિડસન અને ટ્રાયમ્ફ જેવી તોતિંગ ક્લાસી બાઇક્સ બનાવીને અમેરિકન બજારમાં મૂકવી ને એની કિંમત ખાસ્સી ઓછી રાખવી. આ રીતે અમેરિકામાં યુરોપિયન માર્કેટમાંથી જેટલી બાઇક્સ ઇમ્પોર્ટ યાય છે એનો કમસે કમ દસ ટકા હિસ્સો પોતાના નામે કરી નાખવો.

હોન્ડા કંપનીએ મોટા ઉપાડે હડમદસ્તા જેવી બાઇક્સ અમેરિકામાં લોન્ચ તો કરી, પણ શરૂઆતના વર્ષોનું પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યું. હોન્ડા બાઇકના લેવાલ બહુ ઓછા મળ્યા. કિંમત ઓછી હોવાને કારણે તે ‘ગરીબ માણસોની મોટરસાઇકલ’ ગણાવા લાગી. અધૂરામાં પૂરું, જો હોન્ડા બાઇકને હાઇ સ્પીડમાં લોન્ગ ડ્રાઇવ પર લઈ જવામાં આવે તો એમાંથી ઓઇલ લીક થવા લાગતું હતું. અમેરિકનો તો હાઇ સ્પીડ અને લોન્ગ ડ્રાઇવ આ બન્નેના શોખીન. તેઓ આ ક્ષતિ શી રીતે ચલાવી લે? હોન્ડાના ડીલરો પાસે ફરિયાદ આવવા માંડી. ખાટલે મોટી ખોડ એ હતી કે અમેરિકામાં આ ખામી દુરસ્ત થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નહોતી. આથી ખામીયુક્ત બાઇક્સને કાર્ગો પ્લેનમાં નાખીને છેક જપાન લઈ જવામાં આવતી. ત્યાં હોન્ડાના વર્કશોપમાં અનુભવી મિકેનિકોનો હાથ ફરે પછી બાઇક્સને કાર્ગો પ્લેનમાં પાછી અમેરિકા લઈ જવાની. કલ્પના કરો કે હોન્ડા કંપનીને એક બાઇક રિપેર કરી આપવાનું કેટલું મોંઘું પડતું હશે! હોન્ડાનું અમેરિકન ડિવિઝન કંગાળ થવા માંડ્યું, છતાંય મેનેજમેન્ટે કહ્યું કે વાંધો નહીં, આપણે આપણી ઓરિજિનલ સ્ટ્રેટેજીને વળગી રહીશું.

હવે બન્યું એવું કે હોન્ડા કંપનીએ શરૂઆતમાં મોટી બાઇક્સની સાથે પોતાની સુપર કબ નામની નાની બાઇક્સ પણ અમેરિકાના લોસ એન્જલસ શહેરના શોરુમમાં મોકલી હતી. જપાનના ખાસ કરીને માલસામાનની ડિલીવરી કરનારાઓ સુપર કબ બાઇક વાપરતા. સાંકડા, ભીડભાડવાળા અને વારે વારે ટ્રાફિક જામમાં અટવાઈ જતા જતા રસ્તાઓ પર આ ટચુકડી સુપર કબ બાઇક ચલાવવી આસાન પડતી. હોન્ડા કંપનીમાં સૌએ માની લીધું હતું કે અમેરિકનોને કંઈ આવી નાની બાઇકમાં રસ પડવાનો નથી. અમેરિકામાં હોન્ડોનો ગજ વાગતો નહોતો અને નાણાભીડ વધતી જતી હતી એટલે લોસ એન્જલસ ખાતેના શોરૂમના સાહેબોએ નિર્ણય લીધો કે શહેરમાં નાનાં-મોટાં ઓફિશિયલ કામ કરવા માટે સ્ટાફના લોકોએ મોંઘી ટેક્સી ન કરવી, એને બદલે આ નાનકડું સુપર કબ બાઇક લઈને જવું-આવવું. આમેય આ બાઇક્સ ધૂળ ખાતી પડી છે. પડી પડી ખરાબ થઈ જવાને બદલે કમસે કમ આ રીતે કંઈક તો કામમાં આવશે.

એક વાર એક વીકએન્ડમાં લોસ એન્જલસ શહેરના હોન્ડા શોરૂમના સ્ટાફે પિકનિક પર જવાનું પ્લાનિંગ કર્યું. એમણે વિચાર્યું કે શહેરની બાજુમાં નાની ટેકરી છે ત્યાં સુપર કબ બાઇક્સ લઈને જઈએ. હાર્લી-ડેવિડસન કે હોન્ડાની મુખ્ય બાઇક જેવાં ભારેભરખમ ટુ-વ્હીલરને ચલાવવા માટે પાક્કા રોડ જોઈએ, પણ ટેકરીઓ પર કે કાચા, ધૂળ-માટીવાળા રસ્તાઓ પર દોડાવવા માટે તો કદમાં નાની અને વજનમાં હલકીફૂલકી બાઇક જ જોઈએ. તે દિવસે હોન્ડાની ટીમને ટેકરી પર સુપર કબ બાઇક ચલાવવાની મજા પડી ગઈ. એમના માટે આ અનુભવ સાવ નવો હતો.

પછીના વીકએન્ડમાં એમણે પોતાના દોસ્તોને આમંત્રણ આપ્યું કે તમેય અમારી સાથે ચાલો. ટેકરીના ઘુમાવદાર રસ્તા, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ચડ-ઉતરીયા ઢાળ પર બાઇક ચલાવવાનો જલસો પડશે. એવું જ થયું. એમાંના કેટલાક તો માંડ્યા સ્ટંટ કરવા. સાંજ સુધીમાં અમુક જુવાનિયાઓ એટલી હદે રોમાંચિત થઈ ચુક્યા હતી કે એમણે રીતસર પૃચ્છા કરીઃ અમારેય આ ‘ડર્ટ બાઇક્સ’ જોઈએ છે. તે વેચાતી મળે ખરી?
શોરૂમના સાહેબોનો નવાઈ લાગી. અમેરિકનોને ડર્ટ બાઇક્સમાં રસ પડ્યો કે શું? ડર્ટ બાઇક એટલે કાચા, ધૂળમાટીવાળા, ઊંચાનીચા, ઢાળવાળા રસ્તા પર દોડી શકે એવી કદમાં નાની અને હલકીફૂલકી બાઇક. એ વખતે તો ખેર, બધી ડર્ટ બાઇક (એટલે કે સુપર કબ) કર્મચારીઓને આપી દેવામાં આવી હતી. આથી હોન્ડાના જપાન સ્થિત હેડક્વાર્ટરને ઓફિશિયલ લેટર મોકલવામાં આવ્યોઃ થોડીક સુપર કબ પ્લેનમાં ચડાવીને લોસ એન્જલસ મોકલી આપો, અહીં એની ડિમાન્ડ નીકળી છે!

થોડા સમયમાં સિઅર્સ નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી પૃચ્છા આવીઃ અમે તમારા કર્મચારીઓને લોસ એન્જલસના રસ્તાઓ પર નાની સુપર કબ બાઇક્સ ચલાવતા જોયા છે. જો તમે તૈયાર હો તો અમારા કેટેલોગમાં અમે સુપર કબને સામેલ કરવા માગીએ છીએ. હોન્ડા શોરૂમવાળા વિચારમાં પડી ગયા. આ તો કંઈ ભળતું જ થઈ રહ્યું છે. હોન્ડા કંપની તો મોટી વજનદાર બાઇક્સને હર્લી-ડેવિડસનની હરીફ તરીકે અમેરિકામાં પ્રસ્થાપિત કરવા માગે છે. એમાં તો સફળતા મળે એવું દૂર દૂર સુધી દેખાતું નથી. તેને આ નાની સુપર કબ બાઇક્સ લોકોના નજરમાં આવી રહી છે. જો સુપર કબ બીજાઓને વેચવા આપીશું તો બિઝનેસ ડાઇવર્ટ થવા માગશે. જોકે સાહેબોને પછી લાગ્યું કે નાની બાઇક તો નાની બાઇક, એ વેચાય તો છેને. કમસે કમ આપણા શોરૂમનું ભાડું ને લાઇટ-પાણીના ખર્ચા તો નીકળશે!

આમ, ધીમે ધીમે ડર્ટ બાઇક તરીકે ઓળખાતી નાની સુપર કબ બાઇક્સ અમેરિકામાં પોપ્યુલર બનવા લાગી. એડવન્ચર-સ્પોર્ટસના શોખીનોને કાચા, ઢાળવાળી ટેકરીઓ પર ડર્ટ બાઇકને હવામાં ઊછાળતા, ગુંલાટ ખવડાવતા અને પછી સફળતાપૂર્વક લેન્ડ થતાં દશ્યો તમે જરૂર જોયા હશે. યાદ રહે, હોન્ડાની ઓરિજિનલ સ્ટ્રેટેજી તો હાર્લી-ડેવિડસન જેવી ભારે બાઇક વેચવાની હતી. નાની સુપર કબ બાઇકનું માર્કેટ તો બિલકુલ અણધાર્યું અને આકસ્મિકપણે ખૂલી ગયું હતું. આખરે હોન્ડાના મેનેજમેન્ટે સ્વીકાર્યું કે અમેરિકામાં મોટી બાઇક વેચવાના ધખારા છોડી દઈને નાના બાઇક પર ફોકસ કરવામાં જ શાણપણ છે. હાર્લી-ડેવિડસન કરતાં ચોથા ભાગની કિંમત ધરાવતા સુપર કબને વ્ચવસ્થિતપણે પ્રમોટ કરવાની શરૂઆત કરવામાં આવી. ક્લાસી ક્સ્ટમર નહીં, પણ ઓફ-રોડ બાઇકર્સ તરીકે ઓળખાતો એક નવો વર્ગ હોન્ડાનું નવું ટાર્ગેટ ઓડિયન્સ બન્યું.

‘હાઉ વિલ યુ મેઝર યોર લાઇફ?’ નામના પુસ્તકમાં આ કિસ્સો ટાંકીને લેખક ક્લેટન ક્રાઇસ્ટન્સન કહે છે, ‘ખરેખર તો મોટી બાઇક વેચાતી નહોતી એટલે એનું ફ્રસ્ટ્રેશન દૂર કરવા લોસ એન્જલસની હોન્ડા ટીમ શહેરની બહાર ટેકરી પર નાની બાઇક ચલાવવા ગઈ હતી… ને એમાંથી એમને એક નવી દિશા મળી ગઈ! ડર્ટ બાઇક એ એક ચાન્સ આઇડિયા હતો. આ બાઇક ચલાવવી તે જે જોતજોતામાં લાખો અમેરિકનોની ફેવરિટ ટાઇમપાસ હોબી બની ગઈ. હોન્ડાએ લોન્ગ ડ્રાઈવના શોખીન પરંપરાગત બાઇકમાલિકોને આર્કષવાની મહેનત કરવાનું બંધ કર્યું. પરંપરાગત મોટરબાઇક ડીલર્સના નેટવર્કમાંથી બહાર આવીને સ્પોર્ટ્સનો માલસામાન વેચતી દુકાનો દ્વારા નાની મોટરસાઇકલ વેચવાનું શરૂ કર્યું, જેમાં હોન્ડાને જબ્બર સફળતા મળી.’

અમેરિકામાં હોન્ડાની એન્ટ્રી આ રીતે થઈ! આપણા જીવનમાં પણ ક્યારેક આવું બનતું હોય છે, ખરું? આપણે જે વસ્તુ કરવા ધારી હોય તેમાં સફળતા ન મળે, પણ એ વસ્તુ કરવાના પ્રયત્નોમાંથી કશીક નવો જ આઇડિયા ફૂટી નીકળે જે સોલિડ સક્સેસ અપાવે! મામલો દિમાગ ખુલ્લું રાખવાનો છે, ફ્લેક્સિબલ બનવાનો છે. એક વિચાર, આઇડિયા કે સ્ટ્રેટેજીને જડતાથી વળગી રહેવાને બદલે નવી શક્યતાઓ અને નવી પરિસ્થિતિ પ્રત્યે આપણે સજાગ રહેવું જોઈએ. જિંદગી આપણી સામે સફળતાના એક નિશ્ચિત સ્તર સુધી પહોંચવા માટે ચુપચાપ રૂટ ‘એ’ ને બદલે રુટ ‘બી’નું સાઇનબોર્ડ મૂકી દેતી હોય છે. આ નવા રૂટને પારખી લઈને વેળાસર નવી દિશામાં આગળ વધવાનું શીખી જઈએ એટલે ભયો ભયો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Jul, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.