રહસ્યકથાઓ : સાથીદાર વિના ન ચાલે
યશવંત મહેતા ગુજરાતીમાં કિર્તીમાન ધરાવે છે. 500 બાળ પુસ્તકો લખવાનો. આંકડો કદાચ વધારે પણ હોય શકે. આજે પણ તેમની જ્ઞાન માટેની અવિરત ભૂખે ઓડકાર નથી લીધો. અહીં જેટલો લાંબો લેખ લખું તેનાથી ઓછા શબ્દોમાં તેમણે વાર્તાઓ લખી છે. રસપ્રચૂર લખી છે. વાચક તણાઈ જાય તેવા ઢાળમાં લખી છે. તેમાં જ એક રહસ્યનો પ્રકાર આવી જાય. રહસ્યની સાથે વર્ષો સુધી સાહિત્યમાં આભડછેટ જેવું કામ રહ્યું છે. આમ છતાં રહસ્યને કોઈ પાસે અનામત માંગવાની જરૂર નથી પડી. અશ્વિની ભટ્ટ કે પછી હરકિષન મહેતાને એ વાતની અંત સુધી ચિંતા કોરી ખાતી હતી કે જે વસ્તુ અમે લખીએ છીએ તે વસ્તુ સાહિત્યમાં શા માટે નથી ખપતી ? તેના જ પ્રતિપ્રશ્ન રૂપે જય વસાવડાએ પોતાના વક્તવ્યમાં કહેલું, ‘લાઈબ્રેરીમાં સૌથી વધુ ચીંથરેહાલ હાલત કોઈની હોય તો તે સસ્પેન્સ થ્રીલર પુસ્તકોની હોય છે. પણ જ્યારે તેની વાત કરવામાં આવે તો કોઈ મગનું નામ મરી પણ પાડતું નથી.’
રોમેન્ટીસિઝમ ધરાવતી અને ગુજરાતી ચિત્રપટમાં ચાલે તેવી પટકથાઓ ટાઈપ નવલકથાઓ લખવાની વજુ કોટકે શરૂઆત કરી હતી. વજુ કોટકે જ ઘોડુ અને પાડુ જેવા બે પાત્રો રચ્યા હતા. જેમની વાતોમાં હાસ્ય અને ફિલોસોફી રહેલી છે.
યશવંત મહેતા પણ એ જ શ્રેણીમાં આવે. પણ એમણે જે વાર્તાઓની રચના કરી તે કિશોરો માટે કરી છે. અલબત્ત મોટાઓ પણ વાંચી શકે. વાંચવાની શરૂઆત ક્યાંયથી ન કરી હોય તો અહીંથી જ કરવી જોઈએ. યશવંત મહેતાની મોટાભાગની વાર્તાઓ એલિસબ્રિજ અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર કુમાર સાથે સાથીદાર હુસેનખાંના પરાક્રમો પર આધારિત છે. કથાપ્રવાહ ઘણો લાંબો છે. અત્યારે તો કદાચ યશવંત દાદાને આ વિશેની માહિતી નહીં હોય કે આટલા બધા પુસ્તકોમાંથી તેમણે કઈ કઈ જગ્યાએ આ બે પાત્રો પાસેથી રહસ્યની કામગીરી કરાવડાવી અને એટલા કેસ સોલ્વ કરાવ્યા જેટલા એ સમયે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા પણ નહીં હોય. યશવંત મહેતાએ રહસ્ય વાર્તાઓમાં મોટાઓ માટે કુલ 9 પુસ્તકો લખ્યા છે. જેમાં કુમારની રહસ્યકથાઓ ભાગ 1-5, ઈન્સપે કુમારની રહસ્યકથાઓ ભાગ 1-4, રહસ્યલોક, રહસ્યરંગ, રહસ્યરેખા, રહસ્યજાળ, શ્રેષ્ઠ સાચી અપરાધકથાઓ, શ્રેષ્ઠ વિદેશી અપરાધકથાઓ, વિષકન્યા… ઉપરાંત 14 રહસ્યનવલકથાઓ લખી છે. કિશોરો અને બાળકો માટે બાલ રહસ્યકથાઓ 1-5, વૈજ્ઞાનિક રહસ્યકથાઓ 1-5, ઉપરાંત ભેદ શ્રેણીના 4 પુસ્તકો લખ્યા છે. જેમાં કુમારની રહસ્યકથાઓ અને ઈન્સપે કુમારની રહસ્યકથાઓમાં આ બે પાત્રોએ મૌજ કરાવી દીધી છે.
આજથી દોઢેક વર્ષ પહેલા રાજ ભાસ્કર પણ ગુજરાત સમાચારમાં પોલીસ ઈન્સપેક્ટર ઘેલાણી અને નાથુની રહસ્યકથાઓ લખી ચૂક્યા છે. એ કોલમનું નામ ડાર્ક સિક્રેટસ હતું. રાજ ભાસ્કરની લેખનશૈલીમાં સૌ પહેલા ક્રાઈમની ઘટના દર્શાવવામાં આવતી અને બાદમાં નાથુ અને ઘેલાણી ઘટનાસ્થળે પહોંચી તેનું ઈન્વેસ્ટિગેશન કરતા હતા. ઘણી વાર્તાઓ તેમાં એવી પણ હતી જ્યાં વર્તમાન સમયને કેદ કરવામાં આવ્યો હોય. જેમ કે ધનુષના ગીત ‘વાય ધીઝ કોલાવેરી ડી…’ પરથી એક વાર્તાનું રહસ્ય રાખવામાં આવ્યું હતું. એ વખતે ધનુષ પર આર્ટિકલ લખી લોકો પાનાં ના પાનાં ભરતા હતા, પણ સૌ પ્રથમ વખત ફિક્શનલ કામગીરી ગુજરાત સમાચારની ડાર્ક સિક્રેટસ કોલમમાં થઈ હતી. કોઈ પોપ્યુલર ગીત પર કાલ્પનિક કલમ ચાલી હોય તેવી આ પહેલી ઘટના હતી.
ગુજરાતીમાં કનુભગદેવે પણ દિલીપ-નાગપાલની સિરીઝો આપી છે. તેઓ ગુજરાતીમાં પલ્પ ફિક્શન લખનારા પહેલા લેખક હતા. એ ગુજરાતીનાં સુરેન્દ્ર મોહન પાઠક હતા તે કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી. તેમણે સિમ્પલ… જેમ કે સીધો અનુવાદ કરી નાખ્યો હોય તે રીતે ઘટનાઓ લખી હતી. કનુ ભગદેવના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અર્ન વ્હાઈલ લર્ન હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ પેપરના આગલા દિવસે ભણવાની ચોપડીઓ વાંચવાની જગ્યાએ સદરબજારેથી 10 કે 20 રૂપિયામાં લીધેલી કનુભગદેવની નવલકથાઓ વાંચતા હતા. 2014માં સદર બજારે એક કાકાએ મને કહેલું કનુભગદેવ 8 કલાક સુધી સત્તત લખી શકતા હતા.
હવે વાત ગુજરાતીના સૌથી મોટા રહસ્યકથાકારની. તેનું નામ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ. ડિટેક્ટીવ ચિત્રગુપ્ત, તેનો આસિસ્ટન્ટ મનહર અને મનહરની પત્ની વાસંતી કેવી રીતે કેસ સોલ્વ કરે છે તે દૂરદર્શન પર આવતી સિરીયલો મુજબનું આલેખન કથાઓમાં કર્યું હોય. લાભશંકર ઠાકરે આ પુસ્તકની પ્રસ્તાવના લખી હતી. તેમણે આ પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાને થયેલા અનુભવનો નિચોડ તારવતા કહ્યું હતું કે, ‘મારી યુવાન વયે મુંબઈમાં પહેલી વાર ગયો અને ટેક્સીમાં બેઠા બેઠા લેમિંગ્ટન રોડ એવા શબ્દો વાંચ્યા-સાંભળ્યા ત્યાં એક આખી સૃષ્ટી સ્મૃતિમાં ઉંચકાઈને ઉપસી આવી ! ડ્રાઈવરને મેં ટેક્સીની સ્પીડ સ્લો કરવાનું કહ્યું. ડિટેક્ટીવ ચિત્રગુપ્ત, એમનો મદદનીશ મનહર અને મનહરની પત્ની વાસંતી જાણે હમણાં દેખાશે ! એમની કાર મારી કિશોર વયે મનના લેમિંગ્ટન રોડ પર અનેક વાર સડસડાટ દોડી છે ! અહો એ જ આ લેમિંગ્ટન રોડ છે’
કેવું કહેવાય લાભશંકર ઠાકરે પોતાની નાની વયે બહુરૂપીમાં એક બાળકાવ્ય લખીને મોકલ્યું હતું. જે કાવ્ય પછીથી બહુરૂપીમાં (જે ચંદુલાલ જેઠાલાલ વ્યાસનું મેગેઝિન હતું) છપાયું. લાભશંકર ઠાકરને બાદમાં તેમની જ રહસ્યકથાઓમાં પ્રસ્તાવના લખવાનો અનેરો અવસર પણ પ્રદાન થયો. લાઠાને મળેલા અનેક પારિતોષિકો અને ભેટ કરતાં, પોતે જે વાંચીને મોટા થયા તેની પ્રસ્તાવના લખવાનું આવે, તેને તેઓ સૌથી મોટી એચિવમેન્ટ ગણતા હશે તેવું મને લાગે છે.
આપણે રહસ્યકથાઓ વાંચીએ શું કામે છીએ ? મનોરંજન મેળવવા માટે ! શીખવાના ઉદ્દેશ્યથી રહસ્યકથાઓ નથી વંચાતી, બાકી રહસ્યકથાઓ લખવામાં પણ ફેસબુક લેખકોની જેમ રાફડો ફાટ્યો હોત. તેમાં રહસ્યના અંતિમ છોડ સુધી પહોંચવાની તાલાવેલી રહેલી હોય છે. ધીરજનો અંત રહસ્યકથાઓ આણે છે. આ પાનાં પર રોમાન્સ આવે છે તે મારા કામનો નથી. મારે તો આગલા ચેપ્ટરમાં ઊર્જા સાથે શું થયું તે જાણવું છે કે પછી આશકા માંડલ પેલા ચીબાવલા સાથે શું કરવાની છે તે જાણવું છે. રહસ્યકથાઓમાં ધીરજનો ભાંગીને ભૂક્કો થાય છે. પણ એ રહસ્યકથાનો રોમાંચ અંતે ક્ષણભંગૂરમાં પરિવર્તિત થાય છે. એ મઝા અલ્પવિરામ જેટલી જ હોય છે. કથા પૂરી વાત પૂરી. પણ અગાઊ કહ્યું તે રીતે, રહસ્યકથાઓ જેમ તેની જર્ની માટે બની હોય છે. તેમ મુખ્યપાત્રના ભાઈબંધના કારણે પણ વાંચવાની ઉત્કંઠા જગાવે છે. એચ.એન.ગોલીબારની કથાઓમાં ભૂત જેને મારી નાખવા માગે છે તેની સાથે રહેલો મિત્ર તેની કેટલી મદદ કરે છે તે જાણવાની ઉત્સુકતા રહેલી હોય છે. વાત પરાક્રમની છે. ભાઈબંધીની છે. ભેગા મળી વિરોધીને પછાડવાની છે. જે ઉપર વાત કરી તે ગુજરાતી સાહિત્યના લેખકો કરી ચૂક્યા છે. વધારે કોઈ હોય તો કહેજો. મારે તેમને પણ માણવા છે.
બાળ સાહિત્યમાં તો બે લોકોથી કામ જ નથી થતું. અલાદ્દીન છે તો અબુ અને જીની પણ છે. અડુકિયો છે તો દડુકિયો પણ છે. અનિલ શુક્લની કિશોર સાહસકથા દોસ્તીનો હાથમાં વિરાટ અને રોશન છે. જીવરામ જોશીના મીંયા છે તો તભાભટનું ય મહત્વ છે. રમણલાલ સોનીની જ એક હતા મૂરખલાલમાં હિરો છે તો મૂરખ પણ છે. અશોક હર્ષની જંગલની વાતોમાં તો ડગલે ને પગલે સાથીદારો છે. છેલ છે તો છબ્બો ય છે. કહેવાનું એ કે સાથીદાર વિના રહસ્યકથાને ન ચાલે.
મયૂર ખાવડુ
Leave a Reply