પ્રવચન આપવા વિશે
અમારા જૂનાગઢમાં એક કવિની દંતકથા અતિ પ્રચલિત છે. એક વખત લોકોનું મનોરંજન કરવા માટે એક અદકેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક કવિને પણ મારતે ઘોડે બોલાવ્યા હતા. આયોજકે કવિના કાનમાં ટાપસી પણ પૂરી હતી કે, ‘આપ પૈસા ન માગતા પણ માત્ર કિર્તી, ખ્યાતિ, પ્રશંસા, લોકપ્રિયતા જેવા શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરજો. પૈસા તો શું આજે છે અને આવતીકાલે નથી.’ એ કવિ આવ્યા અને પછી કવિતાનું પઠન કરવાનું શરૂ કર્યું. બે કલાક બાદ જ્યારે તેઓ ઉભા થયા ત્યારે તેમની પાસે એક હજાર રૂપિયા હતા. હવે આ બન્યું કેવી રીતે તેના પર નજર કરીએ.
કવિએ પંદર મિનિટ સુધી કવિતાઓથી શ્રોતાગણને ઘેલા કર્યા. જેનાથી જનતા ઉભી પૂંછડીયે ભાગવા લાગી. લોકોને એકઠા કરવા આયોજક એન્ડ ટીમે તનતોડ મહેનત કરી હતી. હવે ભાગતા રોકવા માટે તમામ સ્ટેજ પરથી નીચે ઉતર્યા, પણ કવિની કવિતામાં રહેલો આક્રોશ અને ગળામાંથી નીકળતી ચીચીયારીઓ સામે સમગ્ર જનતા અને આયોજકો પાંગળા પૂરવાર થઈ રહ્યા હતા. આ તાંડવને રોકવા માટે આયોજકોએ કવિ સામે માગો તે આપીએ તેવી વાત વહેતી મુકી. જે સાંભળી કવિએ 500 રૂપિયા માગ્યા.
આયોજકોએ મોઢુ ચડાવી કહ્યું, ‘એક કવિ અને તેને પણ પાંનસો રૂપિયા ?’ તેમણે ત્રાસદી સહન કરવાની ઈચ્છા વ્યક્ત કરી પણ પૈસા નહી.
આખરે કવિશ્રીએ વધુ એક કલાક ખેંચી. જે આયોજકો માટે હિટલરની ચેમ્બર સમાન સાબિત થઈ. આ વખતે આયોજકો પાંનસો રૂપિયા લઈ કવિને રિઝવવા માટે ગયા, પણ કવિએ ત્યાં સુધીમાં રકમમાં વધારો કરી દીધો હતો. આ વખતે સીધી હજારની નોટ માગતા આયોજકોના શરીરમાંથી મહેશ યાજ્ઞિકની નવલકથાની જેમ લખલખુ પસાર થઈ ગયું. આખરે વધુ એક કલાક ચલાવશે તો ? આ બીકે હજાર રૂપિયા આપી સમગ્ર દુર્ઘટનાને આટોપી લેવામાં આવી.
આપણા તારક મહેતાએ પ્રવચન આપવા વિશે એક સરસ વાત કહી છે. તેમણે આયોજકોને કહેલું, ‘તમારા આંગણે પ્રવચન આપવામાં એક આખી રાત ઉંઘ ન આવે, પ્રવચનની શરૂઆત અજંપામાં વિતે. ભાષણ કર્યા બાદ પરત આવવામાં એક કલાક જેટલો સમય ખર્ચાય જાય. આટલામાં તો હું આરામથી બે હાસ્યલેખ લખી નાખું અને એક ચોપડી પણ વાંચી લઉં. એ પણ કોઈ તણાવ વગર.’
વિદેશોમાં પ્રવચન આપવાના લાખો રૂપિયા મળતા હશે, પણ ગુજરાતીમાં પ્રવચન આપવાના રૂપિયા મળે છે કે નહીં તેની ખબર નથી. કદાચ વર્ષોથી લેખનસૃષ્ટિ સાથે સંપર્કમાં રહેલાઓને સારા એવા રૂપિયા મળતા હશે, બાકી નવા લખવૈયાઓને તો કિર્તી માટે જ મંચ મુબારક !!
એક વક્તા છેલ્લા કેટલાય સમયથી મફતમાં પ્રવચન આપી રહ્યાં હતા. આખરે તેમનો રોષ જ્વાળામુખીની માફક ફાટ્યો. તેમણે આયોજકો સામે લાલ આંખ કરી કહ્યું, ‘અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો આપો.’ આ વાક્ય સાંભળી આયોજકનું હ્રદય દ્રવી ઉઠ્યું. આંખમાંથી અશ્રુ નીકળ્યા અને ગાલ પર તેની ધાર તરી આવી. તેણે નજીકમાં આવેલા બે દિવસ જૂના વાસી બુકેને ઉઠાવી વક્તાના હાથમાં પકડાવતા કહ્યું, ‘આટલા વર્ષોથી આપણો સંબંધ સચવાયેલો છે અને તમે માત્ર ફૂલ માગો ? લો આખેઆખુ બુકે.’
અમારા એક લબ્ધપ્રતિષ્ઠ લેખક મિત્રને ટેવ હતી. તેઓ પ્રવચન આપ્યા બાદ જે પણ બોલ્યા હોય તેનો જ આર્ટિકલ છાપાના તંત્રીને આપી દેતા. આ રહસ્ય અંગે જ્યારે મેં તેમને પૂછ્યું તો તેમણે સચોટ જવાબ આપ્યો, ‘આ તો શું છાપામાં પ્રથમ પાને લખીએ તેનો ફાયદો મળે છે. તંત્રી વક્તવ્ય સાંભળવા નહોતા આવ્યા અને ત્યાં મારું વક્તવ્ય સાંભળનારાઓમાંથી કોઈ મને વાંચતું નથી.’
અત્યાર સુધીમાં મેં એક જ વખત પ્રવચન આપ્યું છે. જોકે એ પ્રવચન આપ્યું પણ ન કહી શકાય. હું ઘરે હતો ત્યારે એક આયોજકનો મને ફોન આવ્યો અને કહ્યું, ‘આપશ્રી મયૂર ખાવડુ બોલો છો ?’
મેં કહ્યું, ‘નહીં હું મોઢેથી બોલું છું…’ મારા આ જવાબમાં આયોજક કિંકર્તવ્યમૂઢ થઈ ગયા હોવાની ભ્રાંતિ મને થઈ. આમ છતાં તેમણે મને આજ રાતના પ્રવચનસંધ્યા કાર્યક્રમમાં અડધી કલાક માટે હાસ્ય પર બોલવા અંગે નિમંત્રણ પાઠવ્યું. આ મારું પ્રથમ પ્રવચન હતું. જે માટે નજીકમાં આવેલા એક મિત્રને ત્યાંથી ખાસ કોટ ઉધાર લીધો. જણાવી દઉં કે એ કોટને કાઠલો નહોતો. જેથી મારૂં શરીર પણ કાઠા વિનાના માટલા જેવું લાગતું હતું. કવિ હોય તો લાંબા જટીયા રાખીએ, પણ હાસ્ય કલાકાર કે લેખક જેવી આભા અને ઓરા પ્રાપ્ત કરવા શાહબુદ્દીન રાઠોડ જેવી ટોપી પહેરી.
મારા વાળ ઉંચા જ રહે. નહીં ને પ્રોગ્રામ દરમિયાન ટોપી ઉડી જાય તો ? આ માટે સમય અને આબરૂ બંન્ને સાચવવા જીણકાલાલ પાસેથી ખાસ તેલ લીધું. જોકે એ તેલ દ્રારા જીણકાલાલ પોતાના પાડાના શરીરે માલીસ કરતાં હતા, એ વાતની મને પ્રવચન આપ્યાનાં બે મહિના પછી ખબર પડી. માથામાં તેલ લગાવતાની સાથે જ આંખ સામે દ્રશ્ય એવું ઉપસ્યું જ્યારે હોનારતમાં ખેતરનો આખેઆખો પાક આડો બેસી ગયો હોય.
વિનોદભટ્ટની વિનોદકથાઓ, ધીરૂભાઈ સરવૈયાના કેટલાક જોક્સ અને શનિવારની બાળપુર્તીઓમાં આવતા રમૂજી ટૂચકાઓ ગોખી હું સાંજના ફીટ સાત વાગ્યે આયોજન સ્થળે પહોંચ્યો. એક ખુરશી ખાલી હતી ત્યાં બેઠો. (આમ તો લગભગ ખુરશી ખાલી જ હતી.) છૂટાછવાયા કેટલાક લોકો બેઠા હતા.
સમય ચૂકી ન જવાય આ માટે પંદર લોકો પાસે જઇ પૂછ્યું કે આયોજક કોણ છે ? આજે મારે અહીં હાસ્ય પર પ્રવચન આપવાનું છે. પણ મેં જેટલાને પૂછ્યું એ બધા મારી જેમ વક્તા જ હતા. મેં એક નજર કરી કે આ વક્તા-શ્રોતાનો કાર્યક્રમ છે કે વક્તા-વક્તાનો. આઠ વાગતા સુધીમાં ભીડ એકઠી થઈ, પણ હું ભીંસમાં એ વાત પર મુકાયો હતો કે આ સો જણા ખુરશી પર બેઠા છે, ક્યાંક એ તમામ તો વક્તા નથી ને ?
ધીમે ધીમે વક્તાઓ સ્ટેજ પર જઈ પોતાનું વક્તવ્ય આપતા હતા. તેનાથી મોટી વસ્તુ તો એ હતી કે, સ્ટેજ પર ચઢીને પોતાનો મોબાઈલ બીજા વ્યક્તિને આપી દેતા હતા. હું સાવ છેલ્લી ખુરશીમાં હતો એટલે મને સ્ટેજ પરનું ચલકચલાણું બરાબર દેખાતું નહોતું. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા નજીક ઉભેલા એક વિદ્રાનને મેં પૂછ્યું, ‘આ બોલવા જાય એ તો ખરૂ વડીલ, પણ મોબાઈલ કેમ પાછળની વ્યક્તિને આપી દે છે ?’
તેણે કહ્યું, ‘ફોટો પાડી ફેસબુક પર અપલોડ કરવા…’
મને ત્યારે પણ એવી ઈચ્છા પ્રગટ નહોતી થઈ અને આજે તો ક્યાંય પ્રવચન આપવા પણ જતો નથી.
પ્રવચનો સાંભળતા સાંભળતા દસ વાગવા આવ્યા હતા. હવે તો એક વક્તા તરીકે શું બોલવું અને શું ન બોલવું તેની મને પણ સમજ પડવા માંડી હતી. આખરે બેસી બેસી થાક્યો એટલે સ્ટેજ પાછળ ઉભેલા આયોજકને પકડી પાડ્યો.
મેં કહ્યું, ‘આ હાસ્યનું સેશન ક્યારે છે ?’
મને કહે,‘છે જ નહીં.’
હું ડઘાઈ ગયો, ‘તો મને ફોન કરી બોલાવ્યો શું કામે ?’
‘લે એવું… મેં ફોન કર્યો હોય તો બોલાવ્યો જ હોય.’ પછી તેણે નર્મદની જેમ લલાટ પર આંગળી રાખતી મુદ્રા મારી સામે દર્શાવી અને કહ્યું, ‘અરે હા, તમે યુવા હાસ્ય કલાકાર અને લેખક છો !! અમે વિચાર્યું કે, નહીં ને તમે હસાવી ન શકો તો ? આ માટે અમોએ હાસ્યનો પ્રોગ્રામ કેન્સલ કરી તેની જગ્યાએ કવિઓનો પ્રોગ્રામ ગોઠવી દીધો છે. આપને કવિત કરતાં આવડતું હોય તો તમે પણ વાહ વાહ કરતાં બેસી જાઓ..’
મેં લગભગ રડમસ અવાજે કહ્યું, ‘મને કવિતા નથી આવડતી.’
એણે મારા ઘા પર મીઠું ભભરાવ્યું, ‘પેલા કોઈને પણ નથી આવડતી.’
મયૂર ખાવડુ
Leave a Reply