શિર્ષક : ત્રીજું મોત
અને આખરે મારો આખરી દિવસ પણ આવી પંહોચ્યો. – ફાંસીનો દિવસ ! કેટલી અજીબ વાત છે નહીં, હું જાણું છું કે મને આ બંધ અંધારી કોટડીમાંથી બહાર કાઢી, ખુલ્લી જગ્યામાં છેલ્લી વખત શ્વાસ લેવા લઈ જવામાં આવી રહ્યો છે. છતાંય આજે જીવનના આખરી દિવસેય એટલા જ ઉત્સાહથી તૈયાર થયો છું જેટલા ઉત્સાહથી નોકરીના પહેલા દિવસે થયો હતો ! હા, આજે બુટ, મોજા, રૂમાલ, પાકીટ, વગેરે હાથ પર લાવી દેનાર પત્ની કે મમ્મી જોડે નથી એ ખરું. પણ હવે તો આદત પણ પડી ગઈ છે એમના વગર જીવવાની ! – પછી ચાહે એ રોજીંદા વપરાશની ચીજો હોય કે પછી મારા એ સ્વજનો ! ના, ના, એમને બધાને કંઈ નથી થયું. આ તો મને જ જેલ થઇને ! અને એમ પણ એ બધા માટે તો હું ક્યારનો મરી ચુક્યો છું !
મને બહાર લાવવામાં આવી, ફાંસીના માંચડા પાસે ગોઠવવામાં આવ્યો. વકીલ અને પોલીસકર્મીઓ પોતપોતાની કામગીરીઓમાં અટવાયેલા છે. હું ફરતી નજરે, સુરજને ‘આવો, આવો’ કહી આવકારવા આતુર આકાશને જોઈ રહ્યો છું. અને ત્યાં જ મારી નજર સામેના ખૂણામાં ઉભા મારા માતા પિતા પર પડે છે. ‘ચાલો, હજી અમારા વચ્ચે મારો નશ્વર દેહ પોતાના ઘરે લઇ જવા સુધીનો સંબંધ તો બાકી છે !’, વિચારતા મારાથી મલકી જવાયું. અને કોણ જાણે કેમ મને એમ લાગ્યું કે મમ્મીએ પણ મારા તરફ જોયું, પણ તરત જ નજર નીચી કરી લીધી ! ભલે એક ક્ષણ પુરતી અમારી નજર મળી હોય, પણ એની આંખોમાં મારા માટેનો તિરસ્કાર સાફ વર્તાઈ આવે છે ! અને એની ધ્રુણા યોગ્ય પણ છે ! ડબલ મર્ડરના ચાર્જમાં ફાંસી પામતો પુત્ર પોતાની મા તરફથી એટલોક તિરસ્કાર તો પામી જ શકે !
પણ આજે મેં એની આંખમાં પારાવાર હતાશા પણ વાંચી છે. અદ્દલ એવી જ જેવી એ દિવસે કોર્ટરૂમમાં મેં કોઈ પણ પ્રકારનો સ્વબચાવ કર્યા વિના ગુનો કબુલ કર્યો હતો ત્યારે વાંચી હતી ! પણ જે કૃત્ય મેં કર્યું જ છે એને સ્વીકારતા શરમ કેવી ! મને યાદ છે નાનપણમાં હું કોઈક વાતે જુઠુંઠું બોલ્યો હતો. અને મમ્મીને પાછળથી ખબર પડતા એણે મને તમતમાવતો લાફો ચોળી દીધો હતો. એ દિવસે મેં પહેલીવાર વ્હાલ વરસાવતી મમ્મીને ગુસ્સે થતા, દુભાતા જોઈ હતી ! અને એ ઘટનાએ મારા બાળમાનસ પર એટલી હદે અસર કરી કે એ પછી મારે ક્યારેય સત્ય સ્વીકારવા, કહેવા માટે પ્રયાસો નથી કરવા પડ્યા ! અને એ દિવસે કોર્ટરૂમમાં પણ મેં એ જ સહજતાથી ગુનો કબુલી લઈ, ગાલ પર હળવેકથી હાથ ફેરવતા મમ્મી તરફ જોયું હતું ! અને જેણે મારી અબોલ ભાષા ઉકેલી હોય એને મારા મનમાં ચાલતા વિચારો ખબર નહીં પડ્યા હોય એમ હું નથી માનતો !
એ દિવસે મમ્મીની આંખમાં મારા માટે જે તિરસ્કાર જોયો હતો, બસ એ જ ક્ષણે હું તો મરી પરવાર્યો હતો ! આ ફાંસી તો માત્ર મારા દેહને મુક્ત કરવા થતી એક પ્રક્રિયા માત્ર છે, બાકી હું તો ક્યારનોય મારા પોતાના જ શરીરમાં દફન થઇ ચુક્યો છું !
એ દિવસ પછી છેક આજે મેં મમ્મી-પપ્પાને જોયા છે. વચ્ચે એકાદ વખત ઈચ્છા થઈ હતી કે મમ્મી મળવા આવે તો એને પૂછી જોઉં, કે ‘એ દિવસે મેં સત્ય સ્વીકાર્યું ત્યારે તારી નજર નીચી કેમ હતી ! વર્ષો પહેલા લાફો મારીને તેં સત્ય બોલતા તો શીખવાડ્યું, પણ તેં ક્યારેય એ કેમ ન શીખવાડ્યું, કે જયારે એક પુરુષ પોતાની જ પત્નીને પોતાના સગા ભાઈની પથારીમાં, તેની સાથે સુઈ રહેલી જુએ ત્યારે તેણે શું કરવું ?’
હા, માનું છું કે કોઈ મા આવું કંઈ ન શીખવે. અને એવી પરિસ્થિતિમાં પોતાના મન પર કાબુ લઈને આગળ કામ લેવાય ! પણ શું કરું, ન રહ્યો મારાથી કાબુ ! આખરે જે સ્ત્રીને મેં જીવથી પણ વધારે ચાહી હોય એને હું કોઈ અન્ય સાથે કઢંગી હાલતમાં પોતાની સગી આંખે કઈ રીતે જોઈ શકું ? અને એ ‘અન્ય’ પણ બીજું કોઈ નહીં, મારો જ સગો ભાઈ ! એક જ છત નીચે રહેતા હોવા છતાં મારાથી એટલો મોટો દગો !!
બસ પછી તો, ના રહ્યો કાબુ ! અને બંનેના નગ્ન શરીર પર, દે ઝીંકાઝીંક પડતા કુહાડીના ઘા, લોહીના ઉડતા ફુવારાઓ, હલકી આહ, અને પ્રાણપંખેરું ફૂરર !! મારા એ જ હંફાતા શ્વાસ, પરસેવે લથબથ શરીર, હાથમાં લોહી નીતરતી કુહાડી, અને મનમાં એક વિકૃત આનંદ !! પણ એ આનંદ પણ કાયમી ક્યાં હતો. ધગતા રણમાં રાહદારીને પરસેવાનો રેલો ઉતરે એ ઝડપે એ આનંદ ઓસરી ગયો, અને મારી આંખો સામે હકીકતનું દર્પણ ઉઘડ્યું ! ભીની આંખે મેં મારા બંને પ્રિય પાત્રોના લોહી નીતરતા શરીર જોયે રાખ્યા !
અને અજાણતામાં જ હું એ બે તરફ જોઈ રહી બબડાટ કરવા માંડ્યો હતો, “કેમ ? આખરે તેં આવું કેમ કર્યું ? શું કમી હતી મારા પ્રેમમાં ! હા, માનું છું, દસ વર્ષના સહચર્ય બાદ પણ હું તારી કુખ ભીની ન કરી શક્યો ! પણ એ વાત તું પણ ક્યાં નથી જાણતી કે, મારામાં એ ક્ષમતા જ નહોતી ! તો શું તેં એની માટે આ પગલું ભર્યું ? તો તો તેં સાવ ખોટું કર્યું એમ પણ નહીં કહું, મારા આ પ્રેમ, આ બંગલો, ગાડી, પૈસા, સમાજમાં ઈજ્જત વગેરેથી તારી એક સ્ત્રીસહજ ભૂખ હું ક્યાંથી સંતોષી શકવાનો હતો? પણ સાવ આમ ? અરે, હું તો એ પણ પૂછવાનું ભૂલી ગયો, કે તેં મને કેટલા વર્ષોથી અંધકારમાં રાખ્યો !
અને નાનકા તું !! મારા લગ્ન પછીના દિવસોમાં જેની પાછળ ‘ભાભીમા… ભાભીમા’ કહી આગળ-પાછળ ફરતા જેની જીભ અને પગ નહોતા થાકતા, તેં એની જોડે આવું કર્યું !? ચાલ, એના આમ કરવા પાછળ હું પણ એનો અડધો ગુનેગાર ગણાઉં, પણ તું ? તારી હવસ સંતોષવા તેં ઘરમાં જ નજર કરી, છી !!” અને આ બબડાટમાં મને પાછળ ખુલ્લા બારણામાં ખોડાઈ ગયેલા પગે ઊભા મમ્મી-પપ્પાનો ખ્યાલ સુદ્ધા ન આવ્યો ! એ બંને કાચા હ્રદયના વ્યક્તિઓએ એ દ્રશ્ય કેમ કરીને ખમ્યું હશે એ તો એ જ જાણે ! એક તરફ મમ્મીનો લાડકો નાનકો હતો તો બીજી તરફ, દીકરીની ઈચ્છાએ તરસતા રહી વહુને દીકરી કરેલ પિતાનું હ્રદય ! અને એમના એ જ સ્વજનોનો હત્યારો, તેમનું પોતાનું પ્રથમ સંતાન !!
જયારે મેં કોર્ટમાં મારા કૃત્યનું ઠંડા કલેજે વર્ણન કર્યું હતું ત્યારે એની કલ્પના માત્રથી આખી કોર્ટમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ! તો પછી જેમણે એ દ્રશ્યની ભયાનકતા સગી આંખે જોઈ હોય એમને મારાથી નફરત થઇ આવે એ સ્વાભાવિક જ છે, પછી ભલેને હું એમનો જ અંશ કેમ ન હોઉં !!
પછી તો એ જ બધી કોર્ટ-કચેરીની ઝંઝટ… કોર્ટની તારીખો… પહેલી જ વખતમાં મારું આખી ઘટનાને શબ્દસહ વર્ણવી, ગુનો કબુલ કરી લેવો… મારું ઘાતકી વલણ જોઈ કોઈને ભાગ્યે જ અપાતી ફાંસીની સજા સંભળાવવી… મારા વકીલ દ્વારા થોડી રાહત માટેની અરજી… ફાંસીને જન્મટીપમાં ફેરવવાની અરજી… મારું તદ્દન નિષ્ક્રિય રહી પોતાના કહ્યા પર અડગ રહેવું… અને મને એક ‘સાયકો’, સમાજ માટે હાનીકારક તત્વ ગણી ફાંસીની સજા પર મહોર લાગવી !! આ બધામાં કેટલો સમય ગયો એ જોવા, ગણવાની મને તો સુધબુધ જ ક્યાં હતી ! પણ સૌથી વધારે મજા તો આ મીડિયા કર્મચારીઓને પડી હતી, એમની માટે હું તેમની ન્યુઝ ચેનલ્સની રેટિંગ વધારવા માટેનું ‘હોટ સ્કૂપ’ હતો… એક હાઈ પ્રોફાઈલ ડબલ મર્ડર કેસ !!
કોર્ટરૂમમાં મારી મા સમક્ષ મારું પહેલું મોત થયું હતું, આજે આ ફાંસીને માંચડે બીજું થશે. પણ હજી મને મારું ત્રીજું મોત પણ ખપશે ! પોતાના જ સ્વજનોને રહેંસી નાખનારને તો જેટલા મોત અપાય તેટલા ઓછા !!
વકીલ અને પોલીસકર્મચરીઓએ પોતાની બધી કાર્યવાહીઓ પૂરી કરી, અને જલ્લાદ કાળું કપડું હાથમાં લઇ મારી પાસે સરક્યો. મારી પાસે મારી અંતિમ ઈચ્છા પૂછવામાં આવી ! અને મેં તદ્દન સાહજીકતાથી એ કહી સંભળાવી. પણ મારી એ એક માત્ર નાની એવી ઈચ્છાની પણ બધા પર વિપરીત અસરો ઉપજી. પણ અંતે મારી એ અંતિમ ઈચ્છા પૂરી કરવી કે કેમ, એ મારા માતા-પિતા નક્કી કરે એ સુયોગ્ય રહેશે એમ ધારી ચર્ચા પડતી મુકવામાં આવી ! પણ જેમની પર મારી અંતિમ ઈચ્છાનો ભાર લાદવામાં આવ્યો છે એમને એકવખત કોઈ પૂછો તો ખરા કે મેં જે કહ્યું એ તેમણે સાંભળ્યું પણ કે કેમ !?
ફાંસીનો સમય થવા આવ્યો હતો, અને બધી પૂર્વતૈયારીઓ થઇ ચુકી હતી. મારા હાથ બાંધી દઈ, મને ટેબલ પર ઉભો રાખી, મોઢા પર કાળું કપડું ઓઢાડવામાં આવ્યું. ગળામાં ફંદો નાંખી ગાંઠ ટાઈટ કરવામાં આવી. થોડીવારે જ્લ્લાદે અંકોડો ફેરવ્યો અને ‘ખટક..’ કરતુંક ટેબલ ખસ્યું, અને હું એક ઝાટકા સાથે દોરડાના સહારે લટકી રહ્યો ! થોડોક તરફડયો, થોડા હુંકારા ભર્યા, આંખોના ડોળા ચકળવકળ કર્યા, શ્વાસ રૂંધાવાની અંતિમ ક્ષણે મોઢું ફાડીને હવાતિયા માર્યા, અને છેલ્લે મારા દૈહિક મૃત્યુને શરણે થયો ! મારું શરીર સ્થિર થયા બાદ પણ થોડી વાર માટે મને લટકેલો રહેવા દેવામાં આવ્યો. થોડીવારે મને નીચે ઉતાર્યો અને પાસે ઊભા દાક્તરે મારું ચેકઅપ કરવા માંડ્યું. પણ કોઈક તો એને સમજાવો કે ભલા માણસ તું તો એક જૂની થઇ ગયેલી કબરનું ચેકઅપ કરી રહ્યો છે ! કેટકેટલાય રજીસ્ટરો, કાગળોમાં મારા નામની એન્ટ્રીઓ પાડવામાં આવી. બધી ઔપચારિકતાઓ પત્યા બાદ મારો દેહ મારા ઘરનાને સોંપવામાં આવ્યો !
જેલથી ઘરે આવતા સુધીમાં મમ્મી-પપ્પામાંથી કોઈ કંઈ ન બોલી શક્યું. ઘરે પંહોચતા જ અન્ય સંબંધીઓએ રળારોડ કરી મૂકી ! અને એ બધાને રડતા જોઈ મારા માતા-પિતા પણ ભાવુક થઇ ઉઠ્યા. આખરે ગમે તેમ છતાંય હું એમનો જ (કુ)પુત્ર જો હતો !
મારી મમ્મીએ બધાને મારી અંતિમ ઈચ્છા જણાવતા મરણપોક મુકી ! મારી એ ઈચ્છા પૂરી કરવી કે કેમ એ મારા પિતા માટે એક મોટી અસમંજસ હતી. અન્ય સગા-સંબંધીઓ પણ મારી અંતિમ ઈચ્છા જાણી મૂંઝવણમાં આવી પડ્યા હતા. આખરે મારી માંગણી જરા વિચિત્ર જો હતી ! મારી અંતિમ ઈચ્છા તરીકે મેં એવું ઈચ્છ્યું હતું કે, મારા દેહ અવગત પાછળ કોઈ જાતનું બેસણું, કે અન્ય ધાર્મિક ક્રિયાકર્મ ન કરવામાં આવે. અને મારા દેહને અગ્નિદાહ કે કબરમાં ન દ્ફ્નાવતા, ગીરના જંગલોમાં ફેંકી દેવામાં આવે ! મા ભોમના ખોળે !!
મારા શબની આસપાસ ભીડ કરીને ઊભા દરેક વચ્ચે એ બાબતે ઉગ્ર ચર્ચાઓ ચાલી… અને મારું મન પેલી એક સાંજ ભણી દોડી ગયું. એ સાંજે મારા એક મિત્રનું આકસ્મિક મૃત્ય થયું હતું. અને હું અને મારા અન્ય મિત્રો તેની અંતિમયાત્રામાં શામેલ થયા હતા. અને અમારા આશ્ચર્ય વચ્ચે કાફલો સ્મશાનમાં ન જતા, કબ્રસ્તાનમાં લઇ જવામાં આવ્યો. અને ત્યારે અમને જાણ થઈ કે અમારા એ મિત્રએ અંતિમ ઈચ્છા તરીકે પોતાના શબની દફનવિધિની માંગણી કરી હતી ! અને એ દિવસે મારા મનમાં મારું મૃત્યુ પણ ઐછીક મૃત્ય બને એવી એક ઈચ્છા જન્મી હતી.
કબ્રસ્તાન છોડતી વખતે મારા અને મિત્રો વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી હતી. એકનું કહેવું હતું ધાર્મિક વિધિ મુજબ અગ્નિદાહ મળે તો જ મોક્ષ મળે. તો બીજાનું કહેવું હતું, આમ જોવા જઈએ તો દફનવિધિ જ ખરા અર્થમાં પંચમહાભૂતમાં વિલીનીકરણ કહેવાય ! પણ મારું કહેવું તો એ બધાથી જુદું જ હતું ! ‘જયારે માણસને લાગણીઓ, ભાષા, ધર્મ, વિષે કશી ગતાગમ નહોતી પડતી ત્યારે પણ મૃત્યુ તો થતા જ હશે ને ! ત્યારે ગીધ, સમડી, જંગલી જાનવરો, જેવા પ્રાણીઓ દ્વારા દેહનો ઉપભોગ એ જ દેહનો અંતિમ નિકાલ હશેને ! તો પછી એ જ માર્ગ શું ખોટો !?’ મારી એ દલીલ પર એક મિત્રને લાગી આવ્યું અને એણે મને સંભળાવી દેવા આકરા શબ્દોમાં કહી દીધું, ‘તો તારા બાપા મરે ત્યારે નાંખી આવજે એમને જંગલોમાં !’ સાચું કહું તો એ વખતે એ દોસ્ત દુશ્મન કરતા પણ આકરો લાગ્યો હતો. પણ પછી થોડોક વિચાર કરતા લાગ્યું કે એનું કહેવું પણ સાવ ખોટું તો નહોતું જ ! પણ જો મારા પિતા સ્વયં એવું ઈચ્છતા હોય તો મારે મારા પુત્રધર્મને અનુસરીને તેમની એ ઈચ્છા પણ પૂર્ણ કરવી જ જોઈએ !!
પણ આજે ! આજે સાવ ઊંધો ઘાટ ઘડાયો છે ! જે વ્યક્તિએ મારા કાંધ પર ચડીને અંતિમ સફર ખેડવાની ઈચ્છા સેવી હશે, આજે એ મને અંતિમ સફર માટે વિદાય આપવાનો છે ! અને હમણાં કદાચ જિંદગીની સૌથી મોટી પળોજણમાંથી પસાર થઈ રહ્યો છે !! એમને વલોવતા જોઈ મન તો ઘણું થાય છે કે, જો આ શબમાંથી ઊભું થવાય તો એમના ખભે હાથ મુકીને કહી આવું, ‘પપ્પા, એટલું મન ન કોચવશો. તમને ઠીક લાગે એમ મારી વિધિઓ પતાવો !’ પણ હવે મારું એમ કહી શકવું શક્ય જ ક્યાં છે !!
તમને એક વાતનું આશ્ચર્ય થતું હશે કે મારા દેહાંત બાદ પણ હું આ બધું કઈ રીતે કહી રહ્યો છું ! પણ તમને એક વાત કહી દઉં, જ્યાં સુધી અહીં અવતરેલ દરેક પોતાની વાર્તા નથી કહી જતા ત્યાં સુધી એમને ચૈન નથી આવતું. પિતૃતર્પણની વિધિઓમાં જેમ અધુરી અંતિમ ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે એ એક રીતે જોઈએ તો અધુરી મુકાયેલી વાર્તાઓને અંત આપવામાં આવે છે !
અરે પણ આ શું, મમ્મી પપ્પાની પડખે ઊભી રહી શું વાત કહી રહી છે ! અને એની આંખો આમ ચોધાર કેમ વહી રહી છે ! અચ્છા, તો મમ્મીએ પોતાની તરફથી સમંતિ આપી દીધી છે ! ‘તું મારાથી ગમે તેટલું રિસાય, પણ મારી ઈચ્છાઓનું ધ્યાન રાખનાર પણ એકમાત્ર તું જ છો !’,મારાથી મલકી જવાયું. પણ મારા નશ્વર દેહ પર ફરકતું એ સ્મિત આ બધા ક્યાં જોઈ શકવાના છે !!
અને આખરે કેટકેટલાય તર્ક, વિરોધ, દલીલોની અંતે મારી અંતિમ ઈચ્છાનું માન રાખી લેવાનું નક્કી થયું. અને સુરજ માથે ચઢી આવે એ પહેલા જ મેં મારા ઘરમાંથી અંતિમ વિદાય લીધી ! હવે પાછળ ફરીને નહોતું જ જોવું, પણ મમ્મી ! એને પહેલાથી આદત છે મને પાછળથી બોલાવવાની ! અને આજે પણ એ આદત એવી જ અકબંધ છે ! એણે મારા નામની મરણપોક મૂકી, અને હું એની રડતી આંખો અવગણતો રહી ઘરેથી હંમેશ માટે ચાલ્યો ગયો !!
***
મને અહીં નાંખી ગયાને પણ લગભગ બારેક કલાક વીતી ચુક્યા છે. આ બાર કલાકમાં જંગલની ભયાનક શાંતિ કોને કહેવાય એનો પુરતો અનુભવ થઇ ચુક્યો છે. પણ હવે ડર શું કહેવાય એની વ્યાખ્યા કહેવા, સમજવાની મારે જરૂરત જ ક્યાં છે ? મરેલાને તો વળી શેનો ભય !
અહીં પડ્યા રહ્યાના થોડાક કલાકો બાદ આ ગીરના સ્વઘોષિત રાજા સાથે મળવાનું થયું – ગીરના સાવજ ! વિકરાળ કાયા ધરાવતો એક નર સાવજ, રુવાબ્દાર ચાલે તેની સાથે ચાલી આવતી બે સિંહણો, અને એમના નાના ચાર બચોળીયા ! જેણે સાવજને માત્ર પ્રાણીસંગ્રહાલયમાં જ જોયો હોય એની માટે, તેના પોતાના સામ્રાજ્ય એવા ગીરમાં એનો રુઆબ, એ માત્ર એની કલ્પનાનો જ વિષય છે !
એ નર સાવજે મારી પાસે આવી મને સુંઘ્યો ! આપણને નાનપણમાં પેલી જે વાર્તા કહેવાતી, – રીંછનું સુંઘવું અને માણસનું શ્વાસ રોકી લઇ એને છેતરી જવું – શું એ વાર્તા આ પ્રાણીઓને પણ અહીં આવી કોઈએ કહી સંભળાવી હશે ? પણ મેં સાંભળ્યું હતું કે સાવજ પોતાની સમકક્ષ હોય એવાનો જ શિકાર કરવો પસંદ કરે છે. અને એ હમણાં મેં જાતે અનુભવ્યું પણ ખરું ! એના સ્વમાન મુજબ હું એનો શિકાર બનવાને પણ લાયક નહોતો ! થોડીવારે બંને સિંહણો જાણે રાજાની આજ્ઞા લેતી હોય એમ એની તરફ જોઈ મારી તરફ આગળ વધી. બંનેએ મને જુદી જુદી જગ્યાએથી ચીરવાનું શરુ કર્યું. કસમથી, જો ચેતના હોત તો દર્દની એ ચરમસીમા મારે અનુભવવી હતી ! પણ ખૈર !
પણ આ પણ માતાઓ જ હતી ને ! પોતે ભૂખી રહીને પણ બચોળીયાને ખવડાવવું એ કદાચ દરેક માતાનો એક સાહજિક ગુણ જ હશે ! તેમણે મારા માંસના ટુકડા કરી પોતાના બચ્ચાઓને દેવા માંડ્યા. એમાંનું એકાદ થોડુંક ઝીદ્દી હતું. પોતાની જાત મહેનતે ખાવા માંગતું હોય એમ તેણે નાના તીક્ષ્ણ દાંતથી મારી સાથળ ચીરવી શરુ કરી હતી. અને થોડી જ વારમાં તો એ મારા ભરાવદાર સાથળોની લિજ્જત માણતું હતું. પોતાના સિંહબાળની એ હરકત જોઈ ખૂણામાં બેઠેલો બાપ સહેજ મલકી રહ્યો હોય એમ એની તરફ નીરખી રહ્યો હતો !
મારામાંથી ભરાય એટલું પેટ ભરી એ પરિવારે પોતાની સફર આગળ ધપાવી ! થોડીક વારે એક વાઘ મારી પાસે આવી ચડ્યો ! પણ જંગલમાં રાજા પછીનું મંત્રી પદ ભોગવતા એ સ્વમાની જીવ કોઈનું એંઠું છોડેલું કઈ રીતે ખાઈ શકે ? મને ઠેરનો ઠેર મૂકી એ પણ આગળ ચાલ્યો ! એ પછી તો કેટલાય વરુ, ગીધડાં, સમડીઓ, આવ્યા અને પોતપોતની મરજી મુજબ ચીરફાડ કરી પોતાનું પેટ ભરવા માંડ્યા !
હવે બસ મારા દેહના ન ઓળખી શકાય એવા ટુકડા વધ્યા છે. અને વધ્યું છે મા ભોમ પાસે થોડુંક લ્હેણું ! મારા દેહના અંતિમ તત્વોને પોતાનામાં સમાવી લે એટલી જગ્યા પુરતું લ્હેણું !
શું ? મોક્ષ ? મારે કેવું મોક્ષ ! મને તો મારી વાર્તા કહી શકવાનો જ પુરતો સંતોષ છે ! કોઈને મારા આ ત્રણ મોતની ઘટના જાણી, સાંભળી, મારી દયા આવશે… કોઈને મારો તીસ્કાર થશે… કોઈ વળી ‘બિચ્ચારો…’ કહી નિશ્વાસ મુકશે તો વળી કોઈક ‘બરાબર જ થયું એની સાથે..’ કહી પોતાનો રોષ પ્રગટ કરશે. વાર્તા ભલેને એક જ કેમ ન હોય, પણ એના ભાવાર્થ વ્યક્તિ-વ્યક્તિએ બદલાઈ જ જતા હોય છે !
અને એ આનંદથી પણ વિશેષ તો એ કે, મારી મા એ મારી મરજીનું માન રાખી મને અહીં સુધી પંહોચાડયો – એ જ મારો મોક્ષ ! અને હવે મારે શું ચિંતા ! એક માનું ઘર મૂકી, બીજીના ખોળામાં માથું ખીને સુતો છું. હવે મોક્ષ આવે તોય શું, અને ન આવે તોય શું !
– Mitra ❤
Leave a Reply