શાહબુદ્દિન રાઠોડે જે દિવસે નક્કી કર્યું કે, હું હાસ્યના ક્ષેત્રમાં આગળ વધીશ ત્યારે તેમણે એ પણ નક્કી કર્યું કે, હું એવું હાસ્ય પિરસીસ જે પરિવાર સાથે બેસીને તમે માણી શકો. શાહબુદ્દિન ભાઈ પોતાના તમામ ડાયરાઓ અને હાસ્યારાઓમાં એ વાત અચૂક કહે છે, ‘હું એકને એક વાત દર વખત દોહરાવ્યા કરૂ છું, આમ છતા કોઈ દિવસ પબ્લિકને કંટાળો નથી આવતો. કે નોટીસ નથી મળી અમે થાકી ગયા હવે બંધ કરો.’
શાહબુદ્દિન ભાઈનું નિવાસસ્થાન થાન. અને થાનમાં જ તેમને બધા પાત્રો મળી ગયા. જેમ કે ધીરજલાલ કાપડિયા. આખા ગામમાં એક માત્ર ધીરજલાલ કાપડિયા ગુજરાતી વિષય સાથે બીએ ગ્રેજ્યુએટ. અમારા આખા ગામમાં ધીરજલાલ જેવો કોઈ નહીં. અને પ્રથમ ગ્રેજ્યુએટ થનારો પણ એ જ. એટલે ગામના કહેવાતા મોટા લોકોએ તેનો આદર સત્કાર કરવાનું નક્કી કર્યું. આદર સત્કાર પૂરો થયો અને ધીરજલાલના ભાષણના સૌ કોઈ વખાણ કરવા લાગ્યા. એટલું જ નહીં ધીરજલાલને ગામની છોકરીઓના માંગા પણ આવવા માંડ્યા. ધીરજભાઈએ આ માંગા ઉપર પ્રતિભાવ આપતા કહ્યું કે, ‘હું તો સાહિત્યનો માણસ છું, મને તો ગ્રેજ્યુએટ કન્યા જોઈએ, બાકી હું મારી આ સાહિત્યક ઉર્મીઓને ક્યાં વ્યક્ત કરી શકુ ?’ આ સાહિત્યક ઉર્મીઓને વ્યક્ત કરવામાં 7 વર્ષ ચાલ્યા ગયા. ધીરજલાલ વાંઢા ! પછી ધીરજલાલે પોતાના ધારા ધોરણો ઘટાડ્યા. હવે મેટ્રિક સુધી ભણેલી કન્યા ચાલશે. પછી તો મેટ્રિક શોધવામાં પણ 4 વર્ષ નિકળી ગયા. એટલે ધીરજલાલે સબળકો નાખીને કહ્યું, ‘હવે છોકરી ગમે તેમ શોધી આપો, અક્ષરજ્ઞાન હું આપીશ.’ આજની તારીખે પણ ધીરજલાલ 39 વર્ષની ઉંમરે કુંવારા છે. જ્યારથી શાહબુદ્દિન ભાઈએ હાસ્યના ડાયરા શરૂ કર્યા ત્યારથી ધીરજલાલની ઉંમર 39 જ છે. તમારી ઉંમર ભલે વધી જાય પાત્રની ઉંમર ન વધવી જોઈએ. તારક મહેતાની સિરીયલના ટપૂડાને બાદ કરતા !
શાહબુદ્દિન ભાઈએ લગ્ન વિશે ખૂબ કહ્યું છે, અમારા ગામમાં લગ્ન હોય એટલે વરરાજા સવારમાં ઉઠે. પછી મફતની ચા હોય તેમ ચાર ચા પીવે. ગલોફામાં તમ્બાંકુવાળુ પાન નાખે એટલે પ્રેશર આવે. પછી સીધા જંગલમાં. હવે એ તો વરરાજો. એટલે કોઈ દિવસ હાથમાં લોટો ન પકડે. અણવર હાથમાં લોટો લઈ જંગલમાં તેની પાછળ પાછળ. બગલમાં તલવાર ખોંસી આગળ વરરાજા હોય. અને વરરાજાનો પોશાક પહેર્યો હોય તે તો અધૂરામાં પૂરો. વરરાજા તેની પાછળ અણવર લોટો લઈને અને અણવરની પાછળ ઢોલી. ધીબાંગ…. ધીબાંગ વગાડ્યે જાય. પછી અઢી વીઘાના ખેતરમાં વરરાજા બીડી સળગાવીને જમાવે !!!
આજની તારીખે પણ શાહબુદ્દિન ભાઈના ગામડામાં આવીને કોઈ પૂછે કે મૂરતીયો લાયક છે કે નહીં ? એટલે પ્રત્યુતર મળે, ‘ઉંમરલાયક છે, બાકી બીજા કોઈ લાયક નથી.’
તો આમ જ એકવાર શાહબુદ્દિન ભાઈ બસમાં જતા હતા. રસ્તામાં ઉતર્યા ત્યાં એક વ્યક્તિએ તેમનો હાથ પકડી લીધો. આવો મહેમાન આવો…. તમે તો શાહબુદ્દિન ભાઈ અમારા ઘરના મહેમાન બન્યા સિવાય તમારે ક્યાંય ન જવાય. તે શાહબુદ્દિન ભાઈ પણ ગયા. રસ્તામાં ઘરધણી એ કહ્યું, ‘એક લાકડી લઈ લો…’
શાહબુદ્દિન ભાઈથી પૂછાઈ ગયું, ‘કેમ ?’
એટલે ઘરધણીએ કહ્યું, ‘વચ્ચે એક મહેમાન આવેલા આમ ચાલતા જતા હતા, એટલામાં કૂતરાએ ગરદનમાં બટકુ ભર્યું. હવે તમને લાગશે ગરદનમાં કેમ, તો કૂતરૂ પાળીએ હતું અને ભાઈ ચાલીને જતા હતા, તો ઠેકળો મારી બટકુ ભરી લીધું.’
ઘરે પહોંચ્યા ત્યાં શાહબુદ્દિનભાઈએ પૂછ્યું, ‘આ બાથરૂમ ક્યાં છે ?’
સામેથી જવાબ આવ્યો, એ તો નદીએ જવાનું. શાહબુદ્દિન ભાઈ કહે ભલે, જતા હતા ત્યાં ઘરધણીના ઘરના બોલ્યા, ‘આ કપડાં પણ લેતા જાવ ધોઈ નાખજો.’ સાથે ઘરધણી અને શાહબુદ્દિન ભાઈ રસ્તામાં પહોચ્યાં તો ઘરઘણી કહે, ‘હવે એમ કરો બે સાબુની ગોટીયુ લઈ લો, સાથે સુગંધીત સાબુ પણ લઈ લો નદીએ નહ્વામાં મજા આવશે.’
શાહબુદ્દિનભાઈના પૈસે સાબુની ગોટીયું લીધી. સવારે ગયા’તા તો ત્રણ વાગ્યે કપડાં ધોઈને આવ્યા. ઘરે જમવાનું પીરસવામાં આવ્યું. તુરંત ઘરઘણીનો છોકરો નાનીયો શાહબુદ્દિન ભાઈની સાથે તેમની જ થાડીમાં જમવા બેસી ગયો. નામ તેનું નાનકો. ખાલી કહેવા પૂરતો બાકી નાનકો બાપ જેવડો ! ઘરધણીએ કહ્યું, ‘અમારા નાનકાને મહેમાન ભેગુ જમવાની આદત છે.’
હવે જેવી રોટલી આવે નાનકો સબડાક કરતો ખાઈ જાય. એક તો શાહબુદ્દિન ભાઈને કડકડતી ભૂખ લાગેલી અને આ રોટલી ખાધા ખાધ એમાં ગરમા ગરમ ખીચડી આવી. નાનકાનું ધ્યાન નહતું, તો શાહબુદ્દિન ભાઈએ નાનકાનો હાથ ગરમા ગરમ ખીચડીમાં નાખી દીધો. નાનકો રાડારાડ… પછી શાહબુદ્દિન ભાઈ શાંતિથી જમી શક્યા.
જમીને બહાર ગયા એટલામાં સામેના મકાનમાં એક ભાઈ મૂછોને તાવ દેતો ડબલ જોટાવાળી બંદુક તૈયાર કરે. શાહબુદ્દિન ભાઈ તો જોઈ રહ્યા. ઘરધણીને પૂછ્યું, તો જવાબ મળ્યો, ‘ત્રણ દિવસ પહેલા મેં એમના ઘરના મહેમાનને ખખેરી નાખ્યો તો. એટલે એમણે વચન લીધુ છે કે અમારા ઘરે મહેમાન આવે એને ડબલ જોટાવાળી બંદૂકથી ઉડાવશે, પણ તમે ચિંતા કરોમાં તમને બંદૂક મારશે, તો હું તેના ઘરના ત્રણને મારીશ.’
પછી તો શાહબુદ્દિનભાઈએ થેલો ઉપાડ્યો. ન’તો ટ્રેનનો ટાઈમ ન’તો બસનો ટાઈમ, તો પણ શાહબુદ્દિનભાઈ હળી કાઢીને દોડ્યા.
શાહબુદ્દિન ભાઈ પોતાના ડાયરામાં સૌરાષ્ટ્રને તો યાદ કરે જ. બાકી ડાયરો કમ્પલિટ થયો ન કહેવાય. અમદાવાદમાં પ્રોગ્રામ હોય એટલે શાહબુદ્દિન ભાઈના મતે 20 મિનિટ બોલવું પડે, અને કાઠિયાવાડમાં ? એક કલાક બોલ્યા પછી તમે ઓડિયન્સને પૂછો, ‘હવે કેટલું ચલાવું ?’
એટલે સણસણતો જવાબ આવે, ‘અમે દાંતણને લોટો લઈને જ આઈવા છીએ, તમ તમારે હાંકો…’
આમ એક લગ્નના ડાયરામાં શાહબુદ્દિન ભાઈને જવાનું થયું. ચાર કલાક પ્રોગ્રામ કર્યો પછી શાહબુદ્દિનભાઈ થાક્યા. ઘરધણીને પૂછ્યું, ‘હવે કેટલું ચલાવવાનું છે ?’
જવાબ મળ્યો, ‘લગ્નમાં માણસ બસ્સો છે અને ગાદલા સો તમ તમારે હાંકો…’
શાહબુદ્દિનભાઈના વક્તવ્યમાં હાસ્ય સિવાય પણ જીવનની લીલીને સૂકી આ બંન્ને જોવા મળે. સાહિત્ય જોવા મળે. વિચાર જોવા મળે તે પણ હાસ્યના કોમ્બિનેશન સાથે. એમનું એક વાક્ય મને ખૂબ ગમે છે, ‘આ દુનિયા આખાની મથામણ એ જ છે કે, મળ્યું તેની અવગણના અને નથી મળ્યું તેની ઝંખના.’
~ મયુર ખાવડુ
Leave a Reply