(લગભગ 1976નું વર્ષ હશે)
એક દિવસ અખંડ આનંદના તંત્રીશ્રી ત્રિભુવનદાસ ઠક્કરનો પત્ર મળ્યો, કંઇક લખી મોકલો. એકાએક સમયનો એક પરદો ખસી ગયો! શ્રી ત્રિભુવનદાસજીનો મારા પિતા સાથે નાતો હતો. પિતાજી સાથે કેટલીય વાર સસ્તુ સાહિત્યમાં ગયો હોઇશ. ત્યારે મારી ઉંમર દસેક વર્ષની હશે. એ ત્રિભુવનદાસજીને હું કેવી રીતે કહું કે હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું. બે દિવસ વિચારમાં ગાળ્યા. ત્રીજા દિવસે ભૃગુ બુટ-પોલીશવાળાએ મનનો કબ્જો લઇ લીધો. ખોવાયેલો ભગવાન લખ્યો. છપાયો અને તરત શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીનો પત્ર મળ્યો. મહેન્દ્રભાઇએ તેને મિલાપમાં પુન:મુદ્રિત કર્યો. ફાઘર વાલેસ અને કુન્દનિકાબેન કાપડીયા તરફથી પોરસ ચઢાવે એવા પત્રો મળ્યા. પછી તો અખંડ આનંદ સાથે સંકળાયેલા શ્રી રમણીકલાલ પંડ્યાએ એક પછી એક ચરિત્રો ઉઘરાવ્યા.
એક માણસ ખોવાઇ ગયો છે. માત્ર પાઠ્યપુસ્તકોમાં જ સચવાયો છે. આ પ્રાસ મળે એટલે કવિતા ન ગણતા. નામ તેનું અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ. કામ ચરિત્ર લેખન. આ સિવાય અજાણ્યું સ્ટેશન જેવો એક માત્ર વાર્તાસંગ્રહ. આમ તો ચરિત્ર એ વાર્તા જ છે. તો અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટની વાર્તાઓ કેવી હશે ? જે તેમણે અનુભૂતિની એરણ પર ચકાસી પોતાની રીતે મઠારી હોય. બાકી ચરિત્રમાં તો તેમણે પોતાની કક્ષા સાબિત કરી બતાવેલી.
સાહિત્ય પરિષદની મુલાકાતે જવાનું થયું ત્યારે અનિરૂદ્ધનો વાર્તાસંગ્રહ અજાણ્યું સ્ટેશન માગ્યો. સામેથી જવાબ મળ્યો કે, તે હવે છપાતી નથી. અનિરૂદ્ધનું સાહિત્ય આઉટ ઓફ સ્ટોક નથી. આઉટ ઓફ પ્રિન્ટ થઇ ગયુ છે. માત્ર નામરૂપ એટલા માટે છપાઇ કારણ કે અગિયારમાં ધોરણમાં ગુજરાત સરકારે બાબુ વિજળીને પાઠમાં સમાવી લીધો. પાઠમાં સમાવ્યો એટલે બીજા ચરિત્રો સામે આવ્યા.
તો વાત કરીએ ચરિત્ર સંગ્રહ નામરૂપની. પ્રકાશક આર. આર. શેઠ કંપની. અંગ્રેજીમાં હવે એક નવો યુગ આવ્યો છે. હથેળીમાં સમાઇ જાય તેવી નોવેલ. એક્ઝામ્પલ તરીકે ફ્રાન્ઝ કાફ્કાની મેટામોફોર્સિસ. અનિરૂદ્ધનું ચરિત્ર લેખન પણ હથેળીમાં સમાઇ જાય તેટલું જ છે. કોઈ શિષ્ટ પ્રશિષ્ટ શબ્દોનો ઉપયોગ તેમણે નથી કર્યો. ઉતર ગુજરાતની બોલીને સાચવી સાચવીને વાપરી છે. દિયોર, ચ્યાં જ્યો તો, ગોંડા મુહાણાના ચોહે આયો… એવા શબ્દો આવે, પણ વાંચવાની અને પછી બોલવાની મઝા આવે.
જન્મ થયો 11 નવેમ્બર 1937માં. પરિવાર દેત્રોજનો, પણ ઉછેર અને મોટા થયા પાટણમાં. એ સમયે ગુજરાતમાં બાળકનો ઉછેર ગમે ત્યાં થઇ શકે, પણ ભણવું હોય તો વડોદરે ધક્કો ખાવાનો રે. એટલે અનિરૂદ્ધ આવ્યા વડોદરા. ભાષાનું બાળપણથી ઘેલુ ચઢી ગયેલું. 1958માં જ્યારે બીએ થયા એ સમયે ગુજરાતી અને સંસ્કૃત તેમણે મેઇન વિષય તરીકે રાખેલા હતા. એ જ વિષય સાથે એમએની ઉપાધી પ્રાપ્ત કરી. ડભોઇમાં આર્ટસના ટીચર બન્યા. જે પછી એક જ વર્ષમાં કૉલેજ બદલી અંબીકા નદીના કાંઠે નવસારી જિલ્લા ગણદેવી તાલુકાના બિલિમોરામાં નોકરી સ્વીકારી લીધી.
1968માં ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ રિડર તરીકે જોડાયા. એ સમયે ત્યાંથી ભૂમિકા નામનું મેગેઝિન બહાર પડતું હતું. આ ભૂમિકા જે બાદમાં કિમપીમાં તબ્દિલ થઇ ગયું. તેના એડિટર તરીકે તેઓ છેલ્લે સુધી રહ્યા. પણ પછી લ્યુકેમિયા થયું. કેન્સરે ગુજરાતના સારા સાહિત્યકારોને અડધે રસ્તે પતાવી દીધા છે. જયંત ખત્રીની માફક અનિરૂદ્ધને પણ કેન્સર સાથે પનારો પડ્યો. અને 31 જુલાઇ 1981માં તેઓ મૃત્યુ પામ્યા. આ અદ્દલ અને થોડી ઉમેરેલી વિકીપીડિયાની અનુવાદિત માહિતી છે. યુટ્યુબ પર સાહિત્ય અકાદમી દ્વારા બનાવાયેલો અનિરૂદ્ધ બ્રમ્હભટ્ટનો વીડિયો ઉપલબદ્ધ છે. 11 મિનિટ અને 48 સેકન્ડના વીડિયોમાં આ સિવાય કોઇ માહિતી આપવામાં નથી આવી. જે છે તે સીધી અને સટ વિગતો અહીં પૂર્ણવિરામ કરી પ્રસાદી રૂપે ધરી છે.
પણ એ વીડિયોની સૌથી મોટી ખાસિયત અનિરૂદ્ધની તસવીરો જેના સ્ક્રિન શૉટનો કૉલાજ કરી અહીં મૂક્યા છે, તો બીજુ તેમનો અવાજ. જ્યારે ચોમાસામાં ધીમો વરસાદ પડતો હોય અને માટીની સુગંધ નાકમાં પ્રસરે અને આનંદ થાય તેવો અવાજ. યુટ્યુબ પરનો આ વીડિયો જોઇ તેમાં અનિરૂદ્ધના અવાજને સાંભળી મંતવ્ય આપજો. એક તરફ આપણા કવિઓ, ગવૈયાઓ, એન્કરો, એનાઉન્સરો, આર.જે અને બીજી તરફ અડીખમ અનિરૂદ્ધ સાંભળવા મળશે.
પણ 1937થી 1981ની વચ્ચે તેમણે જે સાહિત્યનું કામ કર્યું, તે કોઇએ ધ્યાનમાં નથી લીધુ. બે પ્રકારના સાહિત્ય હોય. એક સજીવ અને નિર્જીવ. નિર્જીવ સાહિત્યને પાઠ્યપુસ્તકમાં સ્થાન મળે. પણ મોટાભાગના યુવા સાહિત્યકારોની સાહિત્યકાર બનવાની શરૂઆત માના પેટમાં નથી થતી. એ પાઠ્યપુસ્તકમાં જ થાય છે. કોને યાદ નહીં હોય માય ડિયર જયુની છકડો… જેમાં જાંબાળા, ખોપાડા, તગડી, ભડી અને ભાવનગર એ છેલ્લી બેન્ચે બેઠેલા વિદ્યાર્થીની જીભે રમતો શબ્દ હોય. સુરેશ જોશીની થીગડુ, ધૂમકેતુની જુમ્મો ભિસ્તી, જ્યોતિન્દ્રની સોયદોરો કે વિનોદ ભટ્ટની ચંદ્રવદન. ચી. મહેતા તેમ અનિરૂદ્ધની બાબુ વિજળી બધાને મોઢે થઇ ગયેલી.
એને ચરિત્ર કહેવાય કે વાર્તા તેની ત્યારે ગતાગમ નહોતી, પણ નીચે કાઉસમાં લખેલું હતું. નામરૂપ. એ નામરૂપ હાથમાં આવી ગઇ. 60 રૂપિયા એડવાન્સમાં જ આપી દીધા. બે દિવસે ફોન આવ્યો એટલે લેવા ગયેલો. નામરૂપના કેરિકેચર એટલે કે ચરિત્રો મને ખૂબ ગમ્યા. એટલા કે મારી બાજુમાં જ રહે છે. મારી સામે જ રહે છે. મારા માટે તે અરિસા જેવુ કામ કરે છે. બાબુ વિજળીના લાંબા જટીયા સિવાય શ્યામજી હનુમાનની બીડી માગવાની રીત, ‘બીડી મલેહ…’ એ પાછો ઠેકડો મારી અનિરૂદ્ધની નજીક આવે. અને અનિરૂદ્ધને લાગે બીક. પછી, ‘માચી મલેહ’ કે પછી ‘બીડી મલેહ’ એમ પૂછે.
રઘુ અક્કલગરો. જમની ફુઇની માથે પડેલા રઘુએ સ્ટાર્ટિંગમાં જ પોતાની અક્કલનો પરચો બતાવી દીધેલો. કૂતરાના ગલુડીયા એટલે કે કુરકુરિયાને ઉંધા કરી જમીનમાં દાંટ્યા અને પૂછડી બહાર રાખી. રઘુને એમ કે આમ રાખવાથી કૂતરાઓની ઉત્પતિ થતી હશે.
કાશીમા તો ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ચરિત્રોમાં સ્થાન પામેલી. આ ચરિત્રમાં અનિરૂદ્ધ બારમાં કે અગિયારમાં ધોરણમાં જ નવલકથાઓ વાંચવા મંડી પડેલા તે ચોખ્ખુ જણાઇ આવે છે. એ વિગતને આ ચિરત્ર લેખનમાં ટાંકવામાં આવી છે.
બાબુ વિજળી સિવાય કિમપી નામનો કવિતા સંગ્રહ જે ઉપલબ્ધ નથી. ચલ મન વાટેઘાટે જેવા નિબંધ સંગ્રહના ચાર ભાગ આપ્યા જે ઉપલબ્ધ નથી. એન્ટન ચૅખવ પરની પરિચય પુસ્તિકા..! ચાલો તે ન હોય તો ચાલશે. અન્વિક્ષા, ભારતીય સાહિત્યશાશ્ત્રમાં ગુણ અને રીતીની વિચારણા, પૂર્વાપર, સંનિકર્ષ. સંસ્કૃતમાં એમએ કર્યું એટલે તેમને આવા અઘરા ટાઇટલો સુજતા રહેતા.
આ સિવાય મુશ્કેલ કહી શકાય તેવા એરિસ્ટોટલના કાવ્યશાશ્ત્રનો અનુવાદ, જે ઉપલબ્ધ નથી. મેઘાણી, કાન્ત અને રમણભાઇ નીલકંઠને તેમણે સંપાદિત કરેલા જે ઉપલબ્ધ નથી. વાર્તાઓ, કવિતાઓ અને એબ્સર્ડ લીટરેચરનું પણ તેમણે સંપાદન કરેલું પણ તે ઉપલબ્ધ નથી.
સાવ પાતળી કાઠીના અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવ્યુ છે. માણસ જે જોવે તે લખે. તેમણે નજીકથી પ્રકૃતિને વધારે જોયેલી. બાબુ વિજળીની શરૂઆતમાં આવે પોષ મહિનાના છેલ્લા દિવસો તો ગોરબાપાના ચરિત્રમાં એપ્રિલના ઉતરાર્ધમાં તડકો પડવાનો શરૂ થઇ જાય.
ચરિત્ર લખવા સમયે તેઓ સમયને પણ ડાયરીમાં લખી નાખતા હશે. વાસરિકા લખવાનો અચૂક શોખ પનપ્યો હોવો જોઇએ. નામરૂપના દરેક ચરિત્રમાં સમય લખેલો છે. બપોરના બાર વાગ્યા પછી, ઉનાળાનું વેકેશન પડ્યું, નિશાળ છૂટ્યાના બારેક વાગ્યે. આવો સમય તેમાં આવે જ.
ચરિત્ર લખતી વખતે તેમાં એક વસ્તુ કોમન હોવી જોઇએ. જેના પર ચરિત્ર લખી રહ્યા છીએ તે માણસમાંથી મનોરંજન મળવું જોઇએ. જેમ કે વિનોદ ભટ્ટના ચરિત્રો. અહીં અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટના ચરિત્રોમાં પણ કોમેડી છે. પણ તે વારંવાર નથી આવતી. કોઇ કોઇ જગ્યાએ આંખના પલકારાની જેમ મટકું મારી ચાલી જાય છે. ઉતર ગુજરાતની બોલીમાં છે એટલે ધ્યાનથી વાંચવી પડે.
‘નામરૂપ’ આ નામ ક્યાંથી આવ્યું…? નરસિંહ મહેતા. એમનું ભજન છે.
“ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે.”
મુંડકોપનિષદ(3-2-8) માં એક સંસ્કૃત શ્લોક છે. “યથા નદ્ય: સ્યન્દમાના: સમુદ્રે ડસ્તં ગચ્છન્તિ નામરૂપે વિહાય…”
આમાથી એક શિખામણ મળે કે ભણેલું ભૂલી ન જાવું. તેઓ ગુજરાતી અને સંસ્કૃત ભણ્યા અને તેમાંથી જ સઘળુ આવ્યું. એક પાનામાં નરસિંહ મહેતાનું ભજન અને સાથે મુંડકોપનિષદમાંથી નામરૂપનો લીધેલો સંદર્ભ તેમના વિષય પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. જે ગમ્યું તે ભણ્યા. જે ગમ્યું તે લખ્યું. (બાકી આપણે : મારે તો આ વિષય રાખવો નહોતો, પણ આ તો ફૉર્મ ભરાતા‘તા એટલે ભરી દીધુ)
ચોપડીની પ્રસ્તાવના કોઇએ નથી લખી. અનિરૂદ્ધે સ્વગત કરીને બે પાનામાં ટાંક્યુ છે, ‘આ સંસારને અતિ વિચિત્ર કહ્યો છે. કેટલા લોકો એક માણસના જીવનમાં આવી ચાલ્યા જાય છે. જેઓ હયાત હતા તે લોકો જીવનમાં નથી રહ્યા. રહ્યા તો માત્ર રૂપો.’
તેમના વાચકો માટે વજન દઇને લખ્યું છે, ‘આ નામરૂપની ચરિત્રસૃષ્ટિમાં એ અરૂપ રતનની પ્રતીતિ કોઇ પળે પણ કોઇ વાંચકને થશે, તો મારો પુરૂષાર્થ સાર્થક સમજીશ.’ મૃત્યુ પછી ઈશ્વરે તેમની આ એક મનોકામના પૂરી કરી. અને બાબુ વિજળી પાઠ્યપુસ્તકમાં આવતા અનિરૂદ્ધની ‘નામરૂપ’ છપાઇ ગઇ.
પણ વિધિની વક્રતા કેવી ? ચરિત્રો લખાયા અને જાન્યુઆરી 1981માં છપાયા. 31 જુલાઈ 1981માં 43 વર્ષની ઉંમરે કૅન્સરના છેલ્લા સ્ટેજે મૃત્યુ પામ્યા. ત્યાં સુધી સાહિત્યકારો પ્રશંસા કરતા હતા, પણ કોઇ વાંચકે તેમના પુરૂષાર્થને સાર્થક ન કર્યું. અને જ્યારે કિશોરોએ વાંચીને તેને સાર્થક કર્યું ત્યારે તે આ દુનિયામાં નહોતા.
એમનું મકાન ક્યાં? મને નથી ખબર, એમનો પરિવાર, એમની બીજી કૃતિઓ કે કંઇ લખીને છપાવવાનું બાકી રહી ગયું હોય, તેવુ કંઇ છેલ્લે સુધી બહાર ન આવ્યું.
પણ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઇ ડેલીનું બારણું ખખડતું હશે. કોઇ છોકરો ખાટલાની વાણને દબાવી સૂતો હશે. તેના હાથમાં નવલકથા હશે. બારણામાંથી એકાદ ડોશી છાશનું બોઘડુ લઇ અંદર પ્રવેશતી હશે અને પેલા છોકરાનાં મનમાં વાર્તા નહીં પણ ડોશીનું નામરૂપ વિશ્વ સર્જાતું હશે. તે કલમ ઉપાડશે તેનું ચરિત્ર લખવા તેની એક એક ક્રિયાનું નિરીક્ષણ કરશે. પાંચ પાનામાં જેવુ તેવુ લખાશે… જો આવુ તમે ક્યાંય જુઓ તો સમજવું કે અનિરૂદ્ધ ક્યાંક તો જીવતો છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply