ખેલાડીઓ પોતાની જાતને શા માટે મીડિયાથી દૂર રાખે છે, તેનું મોટું ઉદાહરણ તમને સૌરવ ગાંગુલી પાસેથી મળશે. 2003ના વિશ્વકપમાં મળેલા પરાજય પછી ભારતીય ટીમ પાકિસ્તાનના ઘર આંગણે શ્રેણી રમવા ગઈ હતી. જે ભારતીય ટીમે જીતી લેતા પાકિસ્તાનના પ્રશંસકો નિરાશ થઈ ગયા હતા. મેદાનમાં હવે ભારત જ નહીં પણ પાકિસ્તાનના ખેલાડીઓ પણ ઈન્ઝમામ ઉલ હકને ‘આલુ’ કહી સંબોધવા લાગ્યા હતા. પોતાના જ દેશના લોકો જ્યારે ટીખળ ઉડાવે ત્યારે કેવું લાગી આવે
લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ અને પાકિસ્તાનમાં વકરતા આતંકવાદના કારણે ભારતીય ટીમનો જ્યાં ઉતારો હતો એ વિસ્તાર કિલ્લામાં ફેરવાઈ ગયો હતો. બહાર નીકળો તો ફેન્સની જગ્યાએ બંદૂકધારી પાકિસ્તાનની આર્મી અને ટેન્કો જ જોવા મળતા હતા. એક દિવસીય શ્રેણીમાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમ ખુશ હતી. પણ પાકિસ્તાનના પ્રશંસકો ખુશ ન હતા. સૌરવ ગાંગુલીને હોટેલમાં શ્વાસ રુંધાવા લાગ્યો હતો. તેને બહાર જવાનો ભડભડીયો ઉપડ્યો. ટીમના કોઈ પણ ખેલાડીને-પાકિસ્તાનની સિક્યોરીટીને કહ્યા વિના તેણે પાછળના બારણામાંથી નીકળવાની છટકબારી શોધી લીધી. ટીમના મેનેજર રત્નાકર શેટ્ટીને જ આ વાતથી સૌરવે અવગત કર્યો, કે હું હોટલની બહાર જાઉં છું.
આ સમયે સૌરવની સાથે ગૌતમ ભટ્ટાચાર્ય પણ હતો. જે ભવિષ્યમાં સૌરવના પુસ્તક વન સેન્ચુરી ઈઝ નોટ ઈનફનો સહ લેખક પણ બનવાનો હતો. સૌરવને ખ્યાલ હતો કે તેણે કેવી રીતે તેની જાતનું રક્ષણ કરવું. આ માટે તેણે માથા પર ટોપી પહેરી અને પાકિસ્તાનનું તંદુરી ચીકન ખાવા માટે ઉપડી હાલ્યો. રસ્તામાં તેને કોઈ મળતું તો તુંરત ઓળખી જતું, પણ તે આનાકાની કરતા કહેતો, કે હું સ્થાનિક છું. હું કોઈ સૌરવને નથી ઓળખતો. આ વાત જ્યારે સામેનો યુવક જાણતો ત્યારે તે માથુ ખંજવાળવા લાગતો. આવી રીતે બે લોકો તેને ઓળખી ગયા પણ સૌરવે બચાવ માટેની પ્રયુક્તિનો ઉપયોગ કરી નિશ્ચિત બની છટકી ગયો. ભોજન માટે હોટલમાં પહોચ્યો ત્યારે ત્યાં તેની બચાવ પ્રયુક્તિના લીરેલીરા ઉડી ગયા. સામે રાજદીપ સરદેસાઈ હતો, જે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ સાથે ભોજન લઈ રહ્યો હતો. તેણે મોઢું ખોલ્યું અને જોર જોરથી રાડો પાડવા લાગ્યો, ‘સૌરવ… સૌરવ… સૌરવ….’
હોટલમાં હાજર તમામ લોકો ઉભા થઈ ગયા. થોડીવારમાં બહાર ભીડ જામી ગઈ, તાત્કાલિક પોલીસ બોલાવવી પડી, મીડિયામાં વાત ફેલાય કે ભારતનો કેપ્ટન જ નિયમનો ભંગ કરી પાકિસ્તાનને તેના ઘરની ધોરાજી સમજી રખડી રહ્યો છે. સૌરવની અંદરથી લાવા પ્રગટ થઈ રહ્યો હતો. એવો જ જેવો લોર્ડ્સના મેદાનમાં !!
હોટલનો માલિક સૌરવની નજીક આવ્યો અને તેને અભિનંદન પાઠવ્યા. ભોજનના પૈસા પણ ન લીધા. બહાર પાકિસ્તાની પ્રશંસકો હાથમાં નહોતા રહી રહ્યા. માંડ સૌરવને કારમાં બેસાડી સિક્યુરીટી હોટલ તરફ રવાના થઈ, ત્યાં તો ટુ વ્હિલમાં ધૂમ સ્ટાઈલમાં ગાડી ચલાવતો એક નબીરો પાછળ જ આવતો હતો. સૌરવને ના કહી કે તેની પાસે બોમ્બ પણ હોય શકે છે બારીનો કાચ ન ખોલતો. પણ સૌરવે બારીનો કાચ ખોલ્યો. કાચ ખૂલતા જ પેલા યુવકે નજીક આવી હાથ આગળ કરી, સૌરવ સાથે હાથ મિલાવ્યો. સૌરવે તેની સામે જોયું તો પેલો ચાલુ ગાડીએ ગાંગરતો હતો, ‘અમારી ટીમને તો તમારા જેવા જ કેપ્ટનની જરૂર છે.’ ગાડી તેના રસ્તે ચાલી ગઈ અને સૌરવ તેને જોતો રહ્યો.
ભારતનો ક્રિકેટ ઈતિહાસ ખૂદ બોલે છે કે ભારતમાં જમોણીઓએ ડાબોડી રમવાની શરુઆત સૌરવ ગાંગુલીથી કરી છે. પાનની દુકાનોએ પણ એ વાતો જ થતી કે, ‘જે માણસ ચશ્મા પહેર્યા વિના ગગનચૂંબી સિક્સ મારી શકે તે ચશ્મા પહેરે તો શું થાય ’
તેણે પોતાની છેલ્લી ટેસ્ટ પૂર્ણ કરી ત્યારે એક પત્રકારે તેને રડવા અંગે પૂછેલું કે, ‘તમે રડ્યા કેમ નહીં ’ જેના જવાબમાં સૌરવે કહેલું, ‘હું તો મારા બાપુજી ગુજરી ગયા ત્યારે પણ નહોતો રડ્યો. હું રડતો જ નથી. પણ હું રડતો નથી એવું કહું તો તમારા જેવા મારા મિત્રો મારો વિશ્વાસ કરતાં નથી.’
જો કે એમાં તેનો વાંક નથી. ઘણા તો 2003ના વિશ્વકપમાં ભારતની ટીમ ફાઈનલ સુધી પહોંચી જશે તેનો પણ વિશ્વાસ નહોતા કરતાં. એક પત્રકારે જ સૌરવની પાસે જે-તે સમયે આવી બંગાળી ભાષામાં કહેલું, ‘મહારાજ યૂ આર ઈન…’ અને ભવિષ્યમાં સૌરવે એ જ શબ્દનો ધોની માટે પણ ઉપયોગ કરેલો ‘ધોની યૂ આર ઈન.’ શબ્દોની પસંદગી અનાયાસે જ થઈ જતી હોય છે.
સૌરવે જ્યારે પ્રથમ વખત ઈમરાન ખાનને મળેલો ત્યારે તેની આગળ ટીમમાં સિલેક્ટ ન થવાનું રોદણું રોયેલું. ત્યારે ઈમરાન ખાને કહેલું, ‘અરે મને પણ સિલેક્ટ નહોતો કર્યો, પણ આવી સ્થિતિમાંથી બચવા માટે કોઈ પણ ખેલાડીએ ઊંચુ ઉડવું જોઈએ. એટલું ઊંચું ઉડવું જોઈએ કે વિરોધીઓ આજુબાજુ પણ ન ફરકે.’ એ વાતમાં તો શંકાને સ્થાન જ નથી કે આ પ્રેરણાત્મક વિધાન સાંભળ્યા બાદ સૌરવને પણ ખ્યાલ આવી ગયો હશે કે ભવિષ્યમાં આ માણસ રાજકારણમાં અચૂક જવાનો. ઈમરાનના આ વાક્ય એ તો સૌરવ પર એટલી ગાઢ અસર કરી કે બાદમાં પાકિસ્તાનની ટીમ જ 4-1થી પરાજીત થઈ ગઈ. હારનું કારણ શોધવાનું પાકિસ્તાનની ટીમે કહેલું, પણ કેમેય કરીને ખબર પડી નહીં કે ઘરનો જ લંકા સળગાવી ગયો.
સૌરવ જ્યારે ખેલાડી તરીકે ટીમમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો ત્યારે ટીમને વાસ્તવમાં ખેલાડીની નહીં પણ કેપ્ટનની જરૂર હતી. જે ટીમના ખેલાડીઓને એક તાંતણે બાંધી શકે. જાણે કોઈ ઋતુ હોય તેમ ટીમના કેપ્ટન બદલતા હતા. તેને એક વખત તો વાઈસ કેપ્ટન બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવેલ પણ પત્તુ કપાઈ ગયું. સૌરવે ભારતીય ક્રિકેટ ટીમ અંગે લખ્યું છે, ‘ભારતીય ક્રિકેટ ટીમમાં જ્યાં સુધી કામ થઈ ન જાય ત્યાં સુધી પૂર્ણ ન માનો.’
સૌરવે એ પણ કહ્યું છે કે મને ઘણી વાતો છાપામાંથી ખબર પડે છે. હું વાઈસ કેપ્ટન બનવાનો છું આ અંગે મને છાપાવાળા રોજ લખીને કહેતા હતા. વાનખેડે ટેસ્ટમાં ચોથા દિવસે નોટઆઉટ બેટીંગ કરી રહેલા સૌરવને પસંદગીકર્તાએ આવીને કહ્યું કે, પેલી છાપામાં છપાયેલી ખબર તો સાચી પડી ગઈ, તું વાઈસ કેપ્ટન બની ગયો. પણ ઘટનામાં ટ્વીસ્ટ હજુ બાકી છે. સાંજના સાડા સાતે સૌરવને ખબર પડી કે કોઈ રાજસિંહ ડૂંગરપુરે તેનું નામ કાપી કુંબલેને વાઈસ કેપ્ટન બનાવી દીધો છે. બીજા દિવસે છાપાવાળાઓએ નવું ગફલુ ચલાવ્યું કે, રાજસિંહને સૌરવ ગાંગુલીના ભોજનની શૈલી પસંદ ન હોવાથી તેનું પત્તુ કાપી નાખવામાં આવ્યું છે. સૌરવે કહ્યું છે, ‘આ મને ખૂબ શરમજનક લાગેલું.’
પછી તો શ્રીલંકા સામે રમવાનું થયું. ગાંગુલીએ એક જબરદસ્ત કેચ પકડ્યો. એ ખુશ થઈ ગયો પણ ટીમના કોઈ બોલર ખુશ ન હોતા, કારણ કે આઉટ થનારો ખેલાડી સનથ જયસૂર્યા 340 રન ઠોકીને ગયો હતો અને ટીમનો છેલ્લો સ્કોરબોર્ડ 956 રનનો માઉન્ટ એવરેસ્ટ હતો. સચિનની આગેવાનીની એ ટીમમાં જ્યારે જયસૂર્યા ટીમના બોલરોની પીટાઈ કરી રહ્યો હતો ત્યારે દ્રવિડ અને સૌરવ એકબીજાની સામે શૂન્યમન્સ્ક બની જોઈ રહ્યા હતા કે અખિલ બ્રહ્માંડમાં આ શું ચાલી રહ્યું છે બાકીના ખેલાડીઓ વેંકટેશ પ્રસાદની બોલિંગમાં પડતા ચોગ્ગા-છગ્ગા જોઈ બત્રીસી બતાવતા હતા કે જેની પાસે સચિનને અપેક્ષા છે તે જ કશું નથી કરી રહ્યો.
ભારતનો આ પૂર્વ કેપ્ટન એ વાતનો પણ આત્મકથામાં સ્વીકાર કરે છે કે ટીમમાં યુવરાજ, કૈફ, સહેવાગ જેવા નવા ખેલાડીઓના કારણે મારે ખૂદમાં બદલાવ કરવો પડ્યો હતો. સૌરવ અંતર્મુખી છે પણ 2000ની સાલ બાદ નવા ખેલાડીઓ માટે જ્યારે જ્યારે તે મેદાનમાં ઉતર્યો ત્યારે ત્યારે વિસ્ફોટક રમ્યો. જેના કારણે નવા આવેલા ખેલાડીઓને પણ લાગ્યું કે કોઈ આકરો મેચ જીતવા માટે હંમેશાં આક્રામક જ બનવું. તમારામાં અશક્ય લાગતા મેચને પણ શક્ય કરી બતાવવાની આવડત હોવી જોઈએ. સહેવાગ અને યુવરાજ તો મારફાડ માટે જ ખ્યાતિ પ્રાપ્ત થયેલા.
મેદાનમાં સૌરવ મોતને દાવત દેવામાં માનતો હતો. વિદેશની પીચ પર તે પ્રથમ બોલિંગ લઈ પ્રેક્ષકોને ખીલ્લી ઉડાવવા માટે મજબૂર કરે. વિરોધી ટીમને મેચ પહેલા જીતનો આનંદ અપાવે. પછી મેચ પોતે જીતી જઈ આરામથી ટ્રોફી લઈ ઘરે ચાલ્યો જાય. તેનું માનવું છે કે તમારી ટીમના અગિયાર ખેલાડીઓ માનસિક રીતે મજબૂત હોવા જોઈએ. જે નવી ટીમમાં તેણે ઉમેરેલું.
એક દિવસ સૌરવે ગાવસ્કરને પોતાની રમતને સુધારવા માટે પૂછેલું, ‘નેટ પ્રેક્ટિસ જ્યારે 45 મિનિટની જ હોય છે ત્યારે તમે ગ્રાઊન્ડ પર સાત કે આઠ કલાકની મેરેથોન ઈનિંગ કેવી રીતે રમી લેતા હતા ’
ગાવસ્કરે જવાબ આપેલો, ‘પ્રેક્ટિસમાં તમે કેટલા કલાક પસાર કરો તે મહત્વનું નથી. તમે સાચા મેચમાં કેટલા ટકી શકો તે મહત્વનું છે.’ સૌરવે તો પોતાની આત્મકથાનું એક પ્રકરણ દાદાગીરીથી રાખ્યું છે. હાર માનવી તે વિકલ્પ નથી.
~ મયૂર ખાવડુ
Leave a Reply