મનને ગમ્યુ તે સુખ, ન ગમ્યુ તે દુખ. મનને ભાવે તે સુંદર, ન ભાવે તે અસુંદર ? તો પછી માલિક કોણ… મન કે તમે ? માત્ર શારીરિક વિશ્વમાં જીવતા અને કેવળ પોતાના જ દૃષ્ટિકોણથી શેષ દુનિયાને મુલવીને જીવનની ઇતિશ્રી સમજીને પોતાની જાતને બુદ્ધિશાળી પ્રાણીમાં ખપાવતા માનવોથી આ પૃથ્વી ખદબદે છે.
કોઇ નવલકથામાં વાંચેલી એક અભિવ્યક્તિ અંતરમનમાં ઉતરી ગયેલી… “ચામડીના ઉપરના સ્તર પર જીવતો માનવ”. આજના માનવીને મહદ્દઅંશે સ્પર્શતું આ કટુ તથ્ય કેટલું વાસ્તવિક છે !
વાત કરવાની છે સૌંદર્ય વિશે… તો વાતની શરૂઆત સ્વભાવિક રીતે શારીરિક સુંદરતાથી જ કરવી પડે. ચાલો એક પ્રયોગ કરીએ… આંખો બંધ કરીને સૌંદર્યની આપણી અંગત વિભાવનાને મૂર્તિમંત કરવા માટે કલ્પનાના ઘોડાને છુટ્ટી લગામ આપીએ… બંધ પોપચાના પડદા પર શાની છબી ઉપસી આવી ? નેવું ટકા ભારતીયોના અંતરમનના પડદે ઐશ્વર્યા રાય અને નેવું ટકા પાશ્ચાત્યવાસીઓના અંતરમનના પડદે શેરોન સ્ટોનની ઝલક જ જોવા મળી હશે… આપને શું દેખાયુ ? કહેવાય છે કે લયલા એક એવી સ્ત્રિ હતી જેને કોઇ પુરૂષ સુંદર તો ન જ કહે, પણ મજનુની દીવાની આંખોમાં તે અપ્રતિમ સૌંદર્યમુર્તિ જ હતી.
મારે સૌંન્દર્યનો મારો પોતાનો જ દૃષ્ટિકોણ રજૂ કરવો છે. મારા શૈશવમાં જ્યારે હું નહોતો પુરૂષ કે નહોતી સ્ત્રિ, મનોવિભાજનના તર્કથી દૂર રહેવાની સદ્દભાગી વય હતી. હતો તો માત્ર એક ધબકતો જીવ. ખેતરો ખુંદી આલેચની ડુંગરીઓનું આરોહણ કરતા… ડુંગરની ટૂંક પર પહોંચી ચડેલો હાંફ ઉતારવા એકાદ પથ્થરશિલા પર બેસી આંખો બંધ કરતો ત્યારે ધમણની માફક ચાલતા શ્વાસ, આંખોની નસોમાં ધસમસ વહેતું રક્ત પણ બંધ આંખે દેખાતું. મારા જ કાનમાં મારા જ શરીરયંત્રની અનુભુતિ આસપાસના પર્યાવરણની ચોગરદમ સુંદરતાના ગહનત્વને વધારે પ્રબળ બનાવતી. આવી પ્રત્યેક ક્ષણ કદાચ મને અસ્તિત્વની વધુને વધુ સમીપ લઇ જતી.
મારા ગામના પદરે વહેતી “ફુલઝર”ના બિલોરી રેતાળ જળમાં એક દિવસ શ્વાસ રોકી, ડુબકી લગાવી, તળીયે આંખ ખોલી… તો જોયું એક મુગ્ધ થઇ જવાય તેવું વિશ્વ… ત્યારે પ્રથમ વાર પ્રતીતિ થઇ કે રેતના પણ લાખો રંગો હોય છે. દુધિયા પાણીમાં દોડાદોડી કરતી સોનેરી, રુપેરી ઝીણી ઝીણી માછલીઓના વૃંદમાંથી એકાદી તમારી સમક્ષ આવી તમારી આંખોમાં આંખ નાંખી તાકી રહેતી જોઇ છે કદી ? ત્યારે હૃદયમાં એક વિચાર ઉગ્યો… આ જ તો સાક્ષાત સ્વર્ગ છે… કોને મોક્ષ જોઇએ છે ? શૈશવના અસ્તિત્વનો આ સાક્ષાત્કાર મને ન થયો હોત તો કદાચ હું પણ બંધ પોપચાના પડદે ભ્રમણાઓમાં રાચતો હોત.
પ્રકૃતિનું આ પરમ સૌંદર્ય માત્ર પ્રકૃતિ સાથેના તાદાત્મ્ય અને તેના સહાસ્તિત્વમાંથી જ છલકતું હોય છે, ધબકતું હોય છે. પોતાના બાહ્ય સૌંદર્ય પ્રત્યેની સભાનતા આંતરિક સહજ સૌંદર્યને હણી નાખે છે… શૈશવથી આજ દિન સુધીની મારી જીવનયાત્રામાં સૌંદર્ય વિષેની મારી સતત બદલાતી જતી દૃષ્ટિ, અનુભૂતિને આંશિક તટસ્થતા અને નિર્લેપતાથી નીરખી શક્યો છું તેનું પણ એક સૌંદર્ય છે. સૌંદર્યને વિવિધ વર્ગોમાં વિભાજિત કરી તેનું વિશ્લેષણ કે વર્ગીકરણ કરવાની મૂર્ખતા હંજ કરવા માંગતો નથી. છેક હૃદયને ઉઝરડો પડે અને તોય “આહ” ને બદલે “વાહ” ની અનુભૂતિ આપે એવા દૃષ્યોના ટુકડા અહીં ધરવા છે.
ગ્રીષ્મની ધોમધખતી બપોરે એક વૃક્ષ નીચે એક દૃષ્ય જોઇને હું અને મારા સ્કૂટરની બ્રેક, બંને ચોંટી જ ગયેલા… લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે એક આદિવાસી મજૂર સ્ત્રી ખાડા ખોદતા ખોદતા બપોરના “બ્રેક”માં કદાચ ભોજન કર્યા બાદ આડા પડખે થયેલી અને થાકના લીધે ભર ઊંઘમાં સૂતેલી. પહેરવેશમાં ઘાઘરી, પોલકું અને ઓઢણી. ડાબા હાથનું ઓશિકું બનાવી જમણા હાથને આંખ પર ઓઢી મીઠી નીંદર માણતી આ શ્રમજીવિનીનું દોઢેક વર્ષનું અડધું પડધું નાગું છોકરુ તેની પડખે પલાંઠી વાળી એક હાથ જમીન પર ખોડી બીજા હાથે માનું પોલકું અધ્ધર કરી પોતાની ભુખ ભાંગતુ હતું… ધૂળ ધમોયા માં-દીકરાના આ સાયુજ્યની નૈસર્ગિકતા આજે પણ મારા બંધ પોપચા પાછળ તાદ્રશ છે.
તે દિવસે મને પ્રથમ પ્રતીતિ થઇ કે ‘મા’ એ માત્ર એક શબ્દ કે વ્યક્તિ નહીં પરંતુ એક અવસ્થા છે, ઘટના છે. ગર્ભવતી સ્ત્રીને તમે કદી ધ્યાનથી નીરખી છે ? ભલે તે કાળી હોય કે સુંદર હોય, સ્થુળ હોય કે પાતળી હોય પણ પોતાની અંદર પાંગરી રહેલા પિંડ પ્રત્યેની મમતાનુ માધુર્ય તેના અંગેઅંગમાં અને સવિશેષતો તેની આંખ અને સ્મિતમાં અવિરત છલક્યા જ કરતું હોય છે… ‘માં એક અનુભૂતિ છે, સંબંધ નહિં.
બહુમાળી મકાનના બાંધકામની સાઇટ પર કામ કરતા મજુરોમાંની એક બાઇ, ટોળાથી વિખૂટી પડી એક હાથે રોટલો ખાતી અને બીજા હાથે કામચલાઉ બનાવેલ પારણામાં પોઢેલા પોતાના બાળકને હિંચોળતી જોઇ છે કદી ? કોયલના બચ્ચાને પોતાનું ગણી પોતાની વાણી શિખવતા કાગડાને, જ્યારે તે જ બચ્ચું કુ . . .હુ… કુ… હુ… બોલી આઘાત આપે ત્યારે કાગડાને થતી અકળામણ… તેના શરીરના હાવભાવમાં થી સ્પંદિત થતી પ્રકૃતિએ આચરેલા એક કટુ-મધુર સમાયોજનના સૌંદર્ય વિશે વિચાર્યુ છે કદી ? કોઇ કાળિયું કદરૂપું સંતાન ધીંગામસ્તી કરતું કરતું પોતાની માંના ગળે વિંટળાઇ પડે ત્યારે માં-સંતાનના એકરૂપ થઇ વહેલા આનંદના સૌંદર્યના સહભાગી, સાક્ષી બન્યા છો ? અદ્વૈત બીજું કંઇ કેવી રીતે હોઇ શકે ? અદ્વૈતવાદને પોથીમાં કેમ શોધો છો મિત્રો ?
એકદા ઢળતા સૂરજની સામે રતુમડા અજવાસમાં ખખડી ગયેલી સાયકલના કેરિયરમાં દાતણનો ભારો બાંધી એક યુવક પોતાને પત્નીને સાયકલની ફ્રેમ પર બેસાડી મસ્તીથી પોતાના કુબા ભણી જતો હતો. તેણે આગળ બેઠેલી પત્નીના કાનમાં કંઇક કહ્યું અને તે તન્વીશ્યામા ખિલખિલાટ હસી પડી… દુનિયાથી આગવી પોતાની અલિપ્ત દુનિયાના આ મહારાજા અને મહારાણીનો આ ખિલખિલાટ, સાક્ષાત સૌંદર્ય નહીં તો શું છે ?
સૌંદર્ય એક સ્થિતિ છે, હોવાપણું છે, એક અવસ્થા છે. પરંતુ તેની ઉત્પત્તિ તો હરદમ વ્યક્તિ, પ્રાણી કે પરિસ્થિતિજન્ય લાગણીની ભીનાશ, પ્રેમના આવિર્ભાવમાંથી જ થતી હોય છે. તેને કોઇની માન્યતા, સ્વિકાર કે સમર્થનની જરૂર નથી. જરૂર જો કોઇ વાતની હોય, તો તે છે તમારા પોતાના અસ્તિત્વની સુંદરતાની, કે પછી ઐશ્વર્યામાં જ મજા માણવી છે ?
~ ધર્મેન્દ્ર ત્રિવેદી
( વિચાર વલોણું-2006. )
Leave a Reply