હોસ્પિટલની પાસેનાં આ બગીચાની બેંચ પર ક્યારનો બેઠો છું, એ પણ મને યાદ નથી. મનમાં સતત કંઇકને કંઇક ચાલી રહ્યું છે. અસ્પષ્ટ… ધૂંધળું, ધૂંધળું ! કદાચિત મારો ભૂતકાળ !
કોલેજ કાળમાં એક છોકરી સાથે પ્રેમ થવો, ઘરેથી મનાઈ ફરમાવતા એનું પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવી દઈ હાર માનવી, અજાણતામાં મારું પણ હાર સ્વીકારી લેવું, બંનેનું અન્ય પાત્રો સાથે જોડાઈ જવું, અને વાર્તામાં નવા પાત્રો સાથે નવા પ્રકરણોની શરૂઆત થવી !
મારા પક્ષે મને સુંદર, સુશીલ, સંસ્કારી છોકરી મળી હતી. મને નથી ખબર કે અરેંજ મેરેજ વખતે જેને લોકો પહેલી વખત જ જોતા હોય છે, એના સુશીલપણા અને સંસ્કાર માપવા ક્યાં માપદંડોનો ઉપયોગ થતો હશે…? કારણકે સૌથી પહેલા તો દેખાવ જ આકર્ષે છે ને…? મારી સાથે પણ કંઇક એવું જ થયું. છોકરી દેખવી ગમે એવી હતી, રખેને તમે એમ ન માની બેસતા કે મેં કોઈ ચીજ ખરીદી કરવા બજાર ગયો હોઉં અને હા પાડીને લઇ આવ્યો હોઉં એમ એની પસંદગી કરી હતી ! પણ હવે તમે જ વિચારો માત્ર દસ મીનીટમાં તો એટલો મોટો નિર્ણય શીદને લેવાય…? દેખાવ થકી જ ને…?
બંને પક્ષે હામી ભરાઈ. અને મહિનામાં જ લગ્ન લેવાયા ! આ બધી વાતો તો હવે દૂરનો ભૂતકાળ… એટલે જ ઝાંખું ઝાંખું યાદ છે ! લગભગ પંદર વર્ષ પહેલાની વાતો ! હા, આ પંદર વર્ષ બંનેએ મનભરીને એકબીજાનો સાથ માણ્યો છે. પરસ્પર પ્રેમ પણ એટલો ! હા, ક્યારેક સાથે રહેવાથી પણ પ્રેમ થઈ જાય !
પણ એને એક જ વાતની ચિંતા, કે પોતાની કુખ ભીની કરવા વાળું કોઈક ક્યારે આવશે…? અને એ ચિંતામાંને ચિંતામાં સુકાઈને કાંટો થતી જાય ! લગ્નના શરૂઆતના છ વર્ષ ‘બાળક પણ થશે… થશે!’ કરીને સાહચર્યમાં, અને પછીના નવ વર્ષ ડોકટરો, દવાઓ, વૈધો, મંદિરો, બાધાઓ, પીરો, માનતાઓ… વગેરેની હાકલપટ્ટીમાં વિતાવ્યા છે ! પોતે મા નથી બની શકી એનાથી વધુ દુઃખ એને મને મારો વંશ ન આપી શક્યાનો હતો !
પણ આ કુદરત પણ કંઈક અજીબ જ બલા છે ! હજી આઠ મહિના પહેલાની જ વાત છે. અમારા બંનેની – વધારે તો એની જ – ધીરજની તપસ્યા પર રીઝતી હોય એમ અમારા ઘરે નવા આગંતુકના સમાચાર મોકલ્યા. અને સાચું કહું, એના આવવાના હરખમાં જ આ આઠ મહીના ક્યારે વીતી ગયા એનું ભાન જ ન રહ્યું ! અને હજી ગઈકાલ સાંજની વાત ! એને પીડા ઊપડી અને અમારે એને દવાખાને લઈ આવવી પડી. અને આજે સવારે ડોકટરે કહી દીધું, “આઈ એમ સોરી. તમારી પત્નીને કસુવાવડ થઈ છે !”
‘અરે એમ કેમ થઈ શકે…? કુદરત આટલા વર્ષે એના પર રીઝી તોય સાવ આમ અડધી -પડધી ? એના કરતા તો એને એટલી આશ પણ ન આપી હોત તો સારું થાત !’, મેં મનોમન બબડતા રહી બેંચના પાછલા ભાગની ધાર પર માથું લંબાવ્યું. નાનપણમાં રમત રમતી વખતે જેમ માથું ફેરવીને બધું ઊંધું જોવા પ્રયાસ કરતાં, બસ એમ જ હમણાં મને આખું વિશ્વ ઊંધું દેખાઈ રહ્યું હતું ! આ નીચે જે આકાશ દેખાય એનાથી ઊંડી ખાઈ મેં ક્યારેય નહોતી જોઈ, જમીન પર ઊંધા હોવા છતાં બરાબર ચાલી શકતા માણસ નહોતા જોયા, અને આ બરાબર પાછળ ઊંધું ઊગી નીકળેલું ઝાડ – જાણે મારા માથામાંથી જ ઉગતું હોય – એવું ઊંધું ઝાડ આજ સુધી નહોતું જોયું !
અને હું મારું આ નવું – ઊંધું – વિશ્વ પૂરેપૂરું માણી રહું એ પહેલા જ તેમાં ખલેલ પડી. ઝાડ પરથી એક પાંદડું પવનના એક ઝોંકા સાથે ખેંચાઈ જઈ, મારા ગાલ પર અડીને નીચે મારા પગ પાસે કેડી પર પડ્યું.
મેં સીધા થઈને બેસતાં એ પાંદડું જોયા કર્યું… નિષ્પલક !
મારી સ્વકેન્દ્રી વિચારોની સૃષ્ટી મારાથી વિમુખ થઈ એ પાંદડા પર સ્થિર થઈ ગઈ ! શાળાઓમાં ભણતા કે વૃક્ષો પણ સજીવ સૃષ્ટીનો એક ભાગ છે. પણ આ પાંદડું પણ એ સજીવનો એક જીવિત અંશ ગણાવો જોઈએ એવો વિચાર મને છેક આજે – ઉંમરોના કેટલાય દશકા વિતાવ્યા બાદ – આવ્યો !
હું એ પીળા પડી ગયેલા પાંદડા તરફ જોતાં સતત વિચારતો રહ્યો કે આ પાંદડું વૃક્ષ પરથી પડ્યું, એમાં દોષ કોનો ? એનો પીળો પડી ગયેલો રંગ કદાચ એના વૃક્ષ સાથેના અન્નજળ પુરા થઈ ગયાનું નિર્દેશ કરતાં હશે એમ ધારી મેં અન્ય પાંદડા નીરખી જોયા. અને હતું પણ કંઈક એવું જ. અન્ય પાંદડાંઓની સરખામણી એ નીચે પડેલું પાન કંઈક વધારે પડતું પીળું હતું ! પણ હજી પણ મારો પ્રશ્ન અનુત્તર જ હતો… કે પાંદડું ખર્યું એમાં દોષ કોનો ?
શું દોષ વૃક્ષનો ? કે એને સાચવી ન શક્યું ?
શું દોષ ખુદ પાંદડાંનો ? કે એ પવન સામે ટક્કર ન ઝીલી શક્યું ?
કે પછી દોષ પવનનો ? જેણે કઈંક વધારે જોર ફૂંકીને વૃક્ષ અને પાનને અલગ કરી દીધા !
કંઈ કેટલોય સમય હું એ પ્રશ્નના વમળમાં અટવાતો રહ્યો. છતાંય અનુત્તર !!
પેલા અડવીતરા પવનને હજીય ચેન ન પડતું હોય એમ વારેવારે પાનને પોતાના જોરે ઉડાવીને ક્યાંક દુર લઈ જવાની ધૂન લાગી હોય એમ પ્રયત્નો કરતું રહ્યું. પણ આ વખતે એના દરેક પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા હતા. એ પાન પવન સાથે થોડું ઊંચું નીચું થઈ જતું, પણ કેમેય કરીને પોતાનું સ્થાન ટકાવી રાખતું હતું. જાણે હવે અહીં જ પોતાનો અંત આણવાનો નિશ્ચય કરી બેઠું ન હોય !
મારા વિચારોની નદીએ પોતાની રાહ બદલી. અને સાથે મનમાં નવો પ્રશ્ન ઊઠ્યો, ‘આ પાંદડું ખર્યું એનું સૌથી વધુ દુઃખ કોને થયું હશે ?’
આમ તો હું લેખક કે કવિની કલ્પનામાં રાચનાર માણસ પણ નહોતો, કે નહોતો સાહિત્યનો અવ્વલ દરજ્જાનો ચાહક ! છતાંય આજે મન શીદને એમ વિચારવા પ્રેરાઈ રહ્યું હતું !
હું જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ, વધુ ને વધુ ગુંચવાતો ગયો !
શું પાંદડાંના ખર્યાનું સૌથી વધુ દુઃખ એને પોતાને થતું હશે ? હવે પોતાના માવતર એવા વૃક્ષથી અલગ જો પડી ગયું !
કે પછી વધુ દુઃખ એ વૃક્ષને થતું હશે, જેણે પોતાના અન્નજળના ભાગ આપીને પોતાના એ અંશને પોષયું હતું ! અને એને તો કંઈક અંશે ગ્લાની પણ અનુભવાતી હશે કે ભલે પાંદડું પવનના જોર સામે ખુદને ન જાળવી શક્યું, પણ પોતે તો એને ટકાવી જ શકતને !! પોતે માવતર થઈને કમાવતર શીદને થઈ શક્યું ?
કે પછી હવે પેલા પવનને પણ દુઃખની પીડા થતી હશે, જેણે પોતાની નાદાન રમતમાં એક માવતરને તેના અંશથી છુટું પાડી મુક્યું હતું !
હું જેમ જેમ બંને પ્રશ્નો પર વિચારતો ગયો તેમ તેમ પોતાને એના જવાબ પામવા અસમર્થ જોતો રહ્યો. મન તો થયું આવતાં-જતાં લોકો માંથી કોઈકને પૂછી જોવું કે, દોષ કોનો ? અને સૌથી વધુ દુઃખ કોને ? પણ એમ કરવા જાઉં તો કોઈક મને ચસકેલ મગજનો ધારી બેસશે એમ વિચારી હું બેંચ પર બેસીને પગ પાસે પડેલા પાંદડાંને નીરખી રહ્યો.
મને એકાએક મારી પત્નીનો વિચાર આવ્યો. જે હવે કદાચ ભાનમાં પણ આવી ગઈ હશે. અને એની આંખો પોતાનું દર્દ વહેંચવા ચકળવકળ થતી, મને જ શોધી રહી હશે ! અને હું ? અહીં બગીચામાં બેસી કેવા નિરર્થક વિચારો કર્યા કરું છું ! છી ! મારે હમણાં મારી પત્નીની હિંમત થઈ એની પડખે ઊભું રહેવું જોઈએ, એની જગ્યાએ હું આવા નકામા વિચારો કરતો શીદને બેઠો છું !
મેં હોસ્પિટલ તરફ જવા પગ ઉપાડ્યા. પણ પગમાં જાણે વજનદાર પથ્થરો બાંધ્યા હોય એટલી ધીરી ગતિએ મારા પગ ઊઠતા રહ્યા. જયારે હું ખુદ અંદરથી ભાંગી પડ્યો છું ત્યારે એને કઈ રીતે હિંમત આપીશ એ વિચારોમાં જ મેં વોર્ડમાં ક્યારે પ્રવેશ કર્યો એનો પણ ખ્યાલ ન રહ્યો. અને મારી ધારણા મુજબ જ એ પોતાની આંખો વોર્ડના દરવાજે સ્થિર રાખી મારા આવવાની રાહ જોતી બેઠી હતી ! ઓફિસેથી આવવામાં ક્યારેક મોડું થતું ત્યારે ‘કેમ આજે મોડું થયું ?’ જેવો વણપૂછ્યો પ્રશ્ન એની આંખોમાં વાંચવાની મને આવડત થઈ પડી હતી. અને આજે પણ એની આંખો સહેજ હાસ્ય મિશ્રિત કટાક્ષ કરતી હોય એમ મલકી ! જાણે એ કહેતી ન હોય, ‘આજે પણ આવવામાં મોડું કર્યું ?’
મેં તેનો હાથ પોતાની હથેળીઓ વચ્ચે દબાવી પોતાનું તેની પડખે હોવાનું સૂચવ્યું. પણ એ ક્ષણો…! એ થોડીક ક્ષણોમાં જે નિસહાયતા મેં અનુભવી છે, એ આજ સુધી ક્યારેય નથી અનુભવી ! કંઈ પણ ન બોલતાં હોવા છતાંય અમે બંને ઘણું કહી રહ્યા હતા. અમારી સુકી આંખો કોઈક સ્વજનના મરણબાદ થતો ભયાનક આક્રંદ કરી રહી હતી. જેના પડધા માત્ર એ ચાર કાન જ સાંભળી શકતા હતા. બધું જ શાંત હોવા છતાં કશુંય શાંત નહોતું ! આઠ મહિના પહેલા જેટલું અમારી પાસે હતું એ બધું એમનું એમ હતું… પણ છતાંય આખી સૃષ્ટી પર અમારા જેવું દરિદ્ર કોઈ નહોતું !
મેં ઊભા થતાં એના કપાળે ચુંબન કર્યું. અને એણે ધીરજ ગુમાવી દઈ મારી પડખામાં માથું નાંખી દર્દનાક રુદન ચાલુ કર્યું ! હું વ્હાલથી એને શાંત પાડતો રહી એના માથામાં અને પીઠ પર હાથ ફેરવતો રહ્યો. પણ હું પોતે ક્યારે રડવા માંડ્યો હતો એનું મને પોતાને ભાન નહોતું !! અજાણતામાં જ હું એને હિંમત બાંધવા કહેવા માંડ્યો હતો, “શાંત થઈ જા. આમાં તારો કે મારો કોઈનો દોષ નથી. આમાં બધો દોષ સમયનો છે… બધો દોષ સમયનો છે !”
અને એકાએક એ વાક્યના પ્રત્યાઘાતમાં મને પેલો પ્રશ્ન – પાંદડું ખર્યું એમાં દોષ કોનો ? – સાંભર્યો. અને મેં દોષનો આખો ટોપલો સમયને માથે ઢાળી દેતાં એકનું એક વાક્ય કહેવા માંડ્યું, “દોષ તો બધો જ સમયનો… હા, સમયનો જ દોષ !”
અને અજાણતામાં જ મને બીજા પ્રશ્નનો પણ જવાબ મળી આવ્યો, કે પાંદડું ખર્યાનું સૌથી વધુ દુઃખ કોને થયું હશે ?
ભલે દૈહિક રીતે પત્ની પાસે હોવા છતાંય, મનથી તો હું ક્યારનોય પેલા પાંદડાં પાસે જઈને ઘૂંટણીયે બેઠો હતો. અને જાણે એણે મને પ્રશ્નોના જવાબ શોધવાની જવાબદારી આપી હોય એમ હું એને એના જવાબો આપી રહ્યો હતો ! કે,
‘જો, તારા ખરી પડવામાં દોષ તારો નથી, કે નથી તારા માવતર એવા વૃક્ષનો… કે ન પેલા નાદાન પવનનો. દોષ બધોય સમયનો છે ! હા, જેમ અમે માણસો કોઈ પણ પરિસ્થિતિમાં સમયને દોષી ઠેરવીને છટકબારી શોધી લઈએ છીએ, એમ તું પણ સમયને દોષ દઈશ તો દર્દમાં થોડીક રાહત થશે.
અને ખબર છે, તારા ખર્યાનું સૌથી વધુ દુઃખ એ પવનને, કે વૃક્ષને કે ખુદ તને પણ નથી એથી વિશેષ કોને છે ? આ ધરતીને ! હા, એને જ. બીજને સીંચીને એણે એક છોડ ઊભું કર્યું, અને એ છોડના મુળિયા સીંચી સીંચીને એણે આ વૃક્ષ ઊભું કર્યું. અને એના કેટલાય વર્ષો બાદ તું આવ્યો હોઈશ. પણ તું પણ કહેવાય તો એનું જ અંશને !
હવે તારા ખરી ગયા બાદ, એણે હજી તને કોહવીને પોતાનામાં સમાવવાનું છે. હા, જેને પોષયું, એની જ પોતાનામાં કબર ખોદવાની છે. અને હમણાં એને જેટલું દુઃખ થતું હશે એટલું દુઃખ આ જગતમાં કોઈ પાસે નહીં હોય ! સિવાય મારી પત્ની. હા, એણે પણ કંઈક અંશે આ ધરતી જેવી જ કામગીરી બજાવવાની છે. પોતાની કુખે જન્મતાં પહેલા જ જેણે પોતાની સ્વપ્નોસૃષ્ટિમાં એની સાથેનું પોતાનું વિશ્વ કલ્પ્યું છે, એને આજે હમેશાં માટે કબરમાં દફનાવવાનો છે ! અને એને એ કબર મળે એથી પહેલા એણે એ કુમળા જીવને પહેલા પોતાનામાંથી સંપૂર્ણપણે આઝાદ કરવાનો છે !’
અને મેં પત્નીને શાંત પાડવાની બદલે રડવા દીધી. કારણકે હવે એ રુદન મને તેની જરૂરિયાત લાગ્યું. એના એ આંસુની ભીનાશ થકી એના હ્રદયની ધરતી કુણી પડશે, અને કબર ખોદવામાં સરળતા…
હું પત્નીને છોડીને ફરીથી બાગમાં આવ્યો અને ઝાડ પાસે નાનકડો ખાડો કરી એ પાંદડું તેમાં મુક્યું. અને ખાડો પૂરી ઊપરથી થોડુંક પાણી નાંખ્યું. અને જાણે એમની સાથે વાતો કરી શકતો હોઉં એમ બોલ્યો, “આ ભીનાશ થકી તમને એકરસ થવામાં સરળતા રહેશે !”
– Mitra ❤
Leave a Reply