#SundayTellsTales 23
‘હેપ્પી એનીવર્સરી ડાર્લિંગ…’, કહેતાં આકાશે પૂર્વાના ગાલ પર હળવેકથી ચુંબન આપી એને વ્હાલથી ઉઠાડતાં કહ્યું. જવાબમાં પૂર્વાએ આંખો મીંચી રાખી સુઈ રહેવાનું નાટક કરતા રહી પડખે પડેલા આકશને પોતાની બાથમાં લીધો. અને એ સાથે સવારની ખુશનુમા તાજગીમાં આકાશ-પૂર્વાના પ્રણયનો રંગ ભળ્યો ! આમ તો આજે તેમના લગ્નની આઠમી વર્ષગાંઠ હતી, પણ એમના પ્રેમનો રંગ આજે પણ કોઈ નવયુગલને શરમાવી જાય એ હદે પાક્કો હતો.
પ્રણયની ચરમસીમા વટાવી જઈ જયારે બે ધડકતા હૈયાઓ સંતોષની અમીભરી નજરોથી એકબીજા પર હેત વરસાવી રહ્યા હતા ત્યાં જ સમરના રડવાના આવજથી રંગમાં ભંગ પડ્યો. અને એ સાંભળી આકાશે મજાકમાં કહ્યું, ‘આ સમર દરવખતે આકાશ-પૂર્વાની વચ્ચે આવી જાય છે !’
‘એ પૂર્વાને એટલો પ્રેમ જો કરે છે !’, પૂર્વા સાહજિકતાથી ઉત્તર આપી પલંગમાંથી ઉતરી થોડેક દુર બેબીબેડમાં મચ્છરજાળીની આડાશે સુઈ રહેલા પોતાના છ વર્ષના દીકરા સમરને શાંત રાખવા ચાલી ગઈ.
પૂર્વાએ અમસ્તા કરેલ સમરના પ્રેમનો ઉલ્લેખ આકશને તેના ભૂતકાળના પાનાં ઉથલાવતો ચાલ્યો. એ ભૂતકાળમાં આકાશ પોતે હતો, પૂર્વા હતી અને એક સમર હતો. સમર – એ બંનેનો કોલેજકાળનો દોસ્ત. અને પૂર્વાનો તો માત્ર દોસ્ત, જયારે આકાશનો દોસ્ત, રૂમમેટ, એનો જીગરી, એનું સર્વસ્વ ! સેકન્ડરીથી બંને જોડે જ ભણતા, તે છેક કોલેજ સુધી. ભવિષ્યમાં આગળ જોડે જોબ, જોડે લગ્ન, એકસાથે બાળકો, બધું જ જોડે કરવાના પ્લાન નક્કી થઈ ચુક્યા હતા. અરે ઘરડા થયા બાદ કયા બગીચાના ક્યા બાંકડે બેસીને જોડે હસવાની કસરત કરવાની છે એ પણ બંને નક્કી કરી બેઠા હતા ! સ્કુલ હોય કે કોલેજ, જે પણ તેમને મળતું એ એમની દોસ્તીની કસમો ખાતું. અમુક તો એમને કળીયુગના કૃષ્ણ-સુદામા પણ ગણાવતા, કારણકે એ બંનેની દોસ્તીને ક્યારેય ‘સ્ટેટ્સ’ નહોતા નડતા !
પણ એક દિવસ અચાનક કોણ જાણે શું બન્યું કે સમર કોઈને પણ કંઈ પણ કહ્યા વિના ચાલ્યો ગયો ! એ ક્યારે ગયો, ક્યાં ગયો, અને પાછો આવશે પણ કે કેમ એ પણ કોઈને નહોતી ખબર ! એણે આકાશના પલંગ નીચે એક ચિઠ્ઠી મુકી હતી, કે
– ‘તારું ધ્યાન રાખજે. અને હવે જે તકો આવે એનો સ્વીકારતા રહી આગળ વધતો રહેજે. અને મારી માટે ખરેખર કંઈ કરવું જ હોય તો મને શોધવાની કોશિશ ન કરતો. લી. એ જ તારો દોસ્ત, સમર.’
અને એ ચિઠ્ઠી પણ આકાશને સમરના ચાલ્યા ગયાના એક મહિના બાદ મળી હતી. પણ એ એક મહિનામાં એના જીવનમાં કેટલાય વળાંકો આવીને ચાલી ગયા હતા. સમરનું આમ અચાનક ચાલ્યા જવું, પૂર્વાનું આડકતરી રીતે ‘બંનેનું સાથેનું ભાવિ’ વિષે પૂછવું, અને અન્ય પણ ઘણું બધું. અને પૂર્વાના આડકતરા પ્રસ્તાવથી આકાશને જાણે પોતાની વર્ષોની મહેનતનો અંત આવ્યો હોય તેમ લાગ્યું. કોલેજના વર્ષોમાં કેટલીય વખત એણે પૂર્વાને એ કહેવાના પ્રયાસ કર્યા હતા કે પોતે એને કેટલો ચાહતો હતો. અલબત્ત એ પ્રયાસો પણ સમર જ એને કરાવતો, એ હમેશાં કહેતો કે, ‘જો તું એને કહે જ નહીં તો એને ખબર ક્યાંથી પડશે કે તું એને ચાહે છે ?’ એ વાત આમ તો એ આકાશને સમજાવતો પણ લાગતું જાણે પોતાની જાતને ઠપકારતા કહેતો હોય એમ કહેતો, કારણકે એનો પહેલો અને છેલ્લો પ્રેમ પણ પૂર્વા જ હતી !
આકાશ-સમરને આમ તો બધું જ વિરોધાભાસી જ જોઈએ, જેમ કે આકાશને નેટ-સર્ફિંગ ગમતું તો સમર પોતાની પુસ્તકોની દુનિયામાં સર્ફિંગ કરતો રેહતો. આકાશને રોક-બેન્ડ ગમતું, તો સમરને ઓલ્ડ હિન્દી સોંગ્સ, અને આવું તો બીજું ઘણુંય… પણ માત્ર બે જ ચીજ હતી જે એ બંનેને એકસરખી તીવ્રતાથી ગમતી, એક તો ચા, અને બીજી પૂર્વા ! અલબત્ત ચામાંથી તો બંને ભાગ કરી લઈ કટિંગની લિજ્જત માણતા, પણ પૂર્વા કંઈ ભાગ પડાવવાની ચીજ થોડી હતી !
સમર આકશને પૂર્વા વિષે કંઈ કહે એ પહેલા જ આકાશે એની પસંદગી વિષે કહી દીધું હતું. અને પછી એ પોતાના જીગરીને એની જ પસંદ પર પોતે પણ પસંદગી ઉતારી છે એનો અણસાર પણ આવવા દે તો એ સમર શાનો ?
અને એવું નહોતું કે કહેવાની અસમંજસ માત્ર એ બંનેના પક્ષે જ હતી, સામા પક્ષે પૂર્વાને પણ એ જ મુંજવણ હતી કે સમરને પોતે કઈ રીતે કહે કે એ તેના પ્રત્યે કંઇક લાગણી ધરાવે છે. અને સાવ એવું પણ નહોતું કે પૂર્વાને આકાશ નહોતો ગમતો. એ પણ ગમી જાય એવો છોકરો હતો, પણ સમર પ્રત્યે એને કંઈક વધારે લગાવ હતો. પણ પોતે સ્ત્રી થઈને પહેલ કરવી એને જરા અજુગતું લાગતું હતું. અને અધૂરામાં પૂરું એને એ પણ નહોતી ખબર કે સમર એને પસંદ કરે પણ છે કે કેમ ?
અને બસ આમ જ કરતાં કોલેજના ત્રણ વર્ષ પુરા થવા આવ્યા. ત્રણે માંથી કોઈ કોઈને કંઈ ન કહી શક્યું. પણ હવે કહી દેવું જરૂરી હતું… કહી દેવું એ હવે સમયની માંગ હતી. અને એવામાં પૂર્વા પાસે ટાઇપ કરેલો એક કાગળ પંહોચ્યો. કોઈકે એની હોસ્ટેલ રૂમની બહારથી દરવાજા નીચેથી સરકાવી જઈ એ કાગળ તેની પાસે મોકલાવ્યો હતો. એમાં લખેલ હતું,
– ‘પૂર્વા !
આ રીતે કાગળ લખવા માટે દિલગીર છું… અને મજબુર પણ ! મજબુર એટલા માટે કે, કોલેજના ત્રણ વર્ષ પુરા થવા આવ્યા છતાંય તને આજ સુધી ન કહી શક્યો કે હું તને કેટલું ચાહું છું… અને કદાચ તારી નજરોમાં નજરો પરોવી, તારી લગોલગ ઊભા રહી ક્યારેય હું આ કહી પણ ન શકત. માટે જ આ રીતે કાગળ થકી મારી વાત પંહોચાડી રહ્યો છું.
તારી હા અથવા ના, બંને મને કુબૂલ રહેશે. પણ મારી માટે માત્ર એટલું કરજે કે આ કાગળ મળ્યા બાદ એને ફાડીને ફેંકી દેજે, અને એનો ઉલ્લેખ ક્યારેય મારી અથવા કોઈ અન્ય સામે ક્યારેય ન કરતી… હું નથી ઈચ્છતો કે મારી આ કાયરતા ક્યારેય છતી થાય.
અંતે એક જ વાત કહીશ, તારી એક હા, મારી આખી જિંદગી બદલી શકવાનું સામર્થ્ય ધરાવે છે !’
પૂર્વાએ ધડકતે હૈયે એ કાગળ વાંચ્યો અને એની નજર નીચે ટાઇપ કરેલ વાક્ય પર પડી, ‘લી. તારો દોસ્ત અને પ્રેમી,’, અને એની નીચે આકાશની સહી કરેલી હતી !
એણે તો ધાર્યું હતું કે એ કાગળ સમરે પોતાને લખ્યો છે, પણ એ ખોટી હતી. અને આ કાગળ આકાશનો હોવો એ તેની માટે ઘણું જ સાહજિક હતું. કારણકે આકાશ પોતાને રીઝવવા કેટલા પ્રયાસો કરતો એ વાત એનાથી પણ અજાણી તો નહોતી જ !
એ કાગળ મળ્યાની સવારથી જ પૂર્વાનું આકાશ પ્રત્યેનું વલણ બદલાવા માંડ્યું હતું. અને એની જીવનભરની ફિલોસોફીનું તારણ –‘ પ્રેમ એને કરો જે તમને પ્રેમ કરતું હોય !’, પર એનો વિશ્વાસ વધતો ચાલ્યો હતો. અજાણતા જ એ આકાશ તરફ ખેંચાતી જઈ રહી હતી !
અને એવામાં જ એક સાંજે સમર ક્યાંક ચાલ્યો ગયો. અલબત્ત, એના ચાલ્યા ગયાનું ભાન પણ એના બધા મિત્રોને એકાદ અઠવાડિયા બાદ આવ્યું ! શરૂઆતમાં તો બધાએ એમ જ ધાર્યું કે ‘ઘરે ગયો હશે, અઠવાડિયામાં આવી જશે’, પણ ત્રણ-ચાર દિવસ સુધી પણ કોઈ સંપર્ક ન થતા આખરે એક અઠવાડિયા બાદ આકાશે તેના ઘરે ફોન જોડ્યો. અને બધાના આશ્ચર્ય વચ્ચે સમર તેના ઘરે પણ નહોતો ! પછી તો જ્યાં-જ્યાંથી એના સગડ મળી શકે એ દરેક સ્થળોની મુલાકાત, પોલીસ કમ્પ્લેન, પોલીસ સાથેની તપાસ, અને બીજી તરફ પૂર્વાનું આડકતરી રીતે લગ્નની વાત મુકવી ! આકાશની જિંદગી બે સામા પ્રવાહે તરી રહી હતી, એક તરફ દોસ્તનો ઓચિંતો વિરહ અને બીજી તરફ પ્રણયનો નવો રંગ ! અને એ બધી ધમાલના એક મહિના બાદ દિવાળીની સફાઈ દરમ્યાન એને પોતાના પલંગ નીચેથી સમરને પોતાના પરનો એનો આખરી સંદેશ મળ્યો ! અને અંતે દોસ્તની ઈચ્છાને માન આપી તેણે તેની તપાસ આટોપી લીધી, અને પૂર્વાનો સંગાથ કરી જીવનમાં આગળ વધી ગયો.
‘આકાશ… નાસ્તો તૈયાર છે, ચાલ નીચે આવ…’, પૂર્વાના અવાજે આકાશના વિચારોમાં ખલેલ પાડ્યો. પોતાનો પુલઓવર ચઢાવી, એક ફાઈલ બગલમાં દબાવતો એ નીચે ડાયનીંગ ટેબલ પાસે પંહોચ્યો. આયા નાનકડા સમરને નાસ્તો કરાવી રહી હતી. અને બાજુની ખુરશીમાં બેઠેલી પૂર્વા પ્રેમભરી નજરે તેને આવકારી રહી હતી
‘જસ્ટ અ મિનીટ ડાર્લિંગ… આ થોડા ચેક સાઈન કરી લઉં પછી જોડે નાસ્તો કરીએ…’, કહેતાં આકાશે ખુરશી પર પોતાની જગ્યા લીધી અને ફાઈલમાંથી એક પછી એક ચેક કાઢી સાઈન કરવા માંડી.
‘શું આકાશ ! એનીવર્સરીની રજા રાખ્યા બાદ પણ ઘરેથી કામ તો ચાલુ જ છે ને ! હુહ…’
‘અરે નહીં વાર લાગે, અને અરજન્ટ ના હોત તો હું હમણાં આ કરત પણ નહીં…’, અને એમ જ ચેક સાઈન કરતા રહી એણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું, ‘યુ કનો વોટ, હમણાં સમર હોત તો આ બધા ચેક્સ એને જ સાઈન કરવા આપી દેત. યાર આ કેટલું બોરિંગ કામ છે, અને આવા તો મારે દિવસના કેટલાય ચેક સાઈન કરવા પડે છે. સમર ડાર્લિંગ, આઈ મિસ યુ યાર….’
‘સમરને સાઈન કરવા આપી દેત મતલબ ?’, પૂર્વાએ અમસ્તા જ પૂછ્યું.
‘અરે મતલબ એમ કે, સમરને મારી સાઈન કરતા પણ આવડતી ! એને તો મારી રગેરગની ખબર હતી… પણ ખબર નહીં સાલો ચાલ્યો કેમ ગયો, અને ગયો તો ગયો, ક્યાં ગયો એ પણ કહીને નથી ગયો !’
નાસ્તો પીરસી રહેલ પૂર્વાનો હાથ અચાનકથી અટકી ગયો. આકાશ હજી પણ આગળ બોલ્યે જઈ રહ્યો હતો, ‘એન્ડ ગેસ વોટ, અમને બધી જ વસ્તુ વિરોધી પસંદ આવતી પણ બે જ વસ્તુ અમને એક જેવી ગમી, એક તો ચા, અને બીજી…’
‘બીજી ?’
‘બીજી તું ! સોરી ટુ સે, પોતાની પત્ની સામે મારે આવી વાત ન કરવી જોઈએ, પણ એ નબીરાને તું કેટલી પસંદ હતી એ પણ મને ખબર છે ! ભલે એણે મને ક્યારેય કહ્યું ન હોય… બટ સ્ટીલ આઈ કનો ધેટ !’
‘ઓહ કમ ઓન… સવાર સવારમાં આ શું મજાક આદરી છે !’, પૂર્વાએ પ્રયત્નપૂર્વક સ્વસ્થ રહેતા કહ્યું.
‘મજાક ? આઈ એમ સીરીયસ. અને તને ખબર છે, જયારે તેં આપણા દીકરાને સમરનું નામ આપવાની વાત કરી હતી, ત્યારે મને પણ એમ જ લાગ્યું હતું કે તું પણ એને પ્રેમ કરે છે… પણ કદાચ હું ખોટો હતો, કારણકે તું મને પ્રેમ કરે છે એ મને ખબર છે… અને આપણે જોડે છીએ એ જ મારા માટે ઘણું છે !’
‘વેઇટ, હું હમણાં આવી…’, કહેતાં પૂર્વા ઉભી થઇ ગઈ.
‘અરે પણ ! હમણાં તો મને કામ માટે ટોકી રહી હતી, અને હવે પોતે ક્યાં ચાલી…’, પણ આકાશ પોતાની વાત પૂરી કરે એ પહેલા જ પૂર્વા સડસડાટ રૂમમાં ચાલી ગઈ હતી.
પૂર્વાએ અંદર જઈ ધડકતે હૈયે પોતાનો અંગત કબાટ ઉઘાડી એમાંથી સેફનું લોક ખોલ્યું. અને અંદરથી ભૂરા રંગનું, ડાયમંડ નેકલેસ મુકવાનું એક બોક્સ કાઢ્યું. એની અંદરથી ગડી વાળીને સાચવી રાખેલ આકાશનો કાગળ કાઢ્યો. આમ તો એ કાગળમાં જ લખ્યું હતું કે એને વાંચીને ફાડી દેવો, પણ પૂર્વાએ એથી વિરુધ જઈ એને સાચવી રાખ્યો હતો. અને દરવર્ષે એનીવર્સરીની સાંજે એકલી બેસી કેટકેટલીય વખત એને વાંચ્યા કરતી. એણે આજે પણ એ કાગળ વાંચ્યો, કાગળ તો એ નો એ જ હતો પણ આજે એની સાથે જોડાયેલી બધી જ લાગણીઓ બદલાઈ ચુકી હતી ! અને અંતે કરેલી આકાશની સહી પર એની આંગળીના ટેરવા આવીને અટકી પડ્યા ! એક આંસુ ગાલ પરથી સરકી હાથ પર પડ્યું, અને એ સાથે કાનમાં આકાશનું કહેલું વાક્ય ગુંજી ઉઠ્યું, ‘સમરને મારી સાઈન કરતા પણ આવડતી…!’
એણે એ કાગળની ગડી વાળી હથેળી વચ્ચે દબાવ્યો અને ફરી ડાયનીંગ ટેબલ પર જઈ આકાશ સામે ઉભી રહી. આયા સમરને લઈને બાગમાં ચાલી ગઈ હતી. પૂર્વાએ ફાઈલ સમેટી રહેલા આકાશનો હાથ પકડી લઈ પૂછ્યું, ‘આકાશ, તેં મને ક્યારેય પ્રપોઝ કેમ નહોતું કર્યું ?’
‘લ્યો મેડમ ! લગ્નના આઠમા વર્ષે તમને આ વાત યાદ આવે છે !’, આકાશે પોતાની રમુજવૃત્તિમાં કહેવું ચાલવું રાખ્યું, ‘અને પ્રપોઝ એન્ડ ઓલ તો મારાથી થવાથી રહ્યું, એ તો મારા સદનસીબ કે તેં જ સામે ચાલીને પહેલ કરી લીધી, એન્ડ ધ રેસ્ટ ઇસ ધ હિસ્ટ્રી !’, કહેતાં તેણે પૂર્વાને પોતાની બાથમાં જકડી લીધી.
‘તો આ શું છે આકાશ ?’, કહેતાં પૂર્વાએ એની પકડમાંથી છુટી એની સામે કાગળ ધર્યો.
આકાશે ફાટી આંખે આખો કાગળ વાંચ્યો. અને અંતે પોતાની સહી જોઇને એને એક જ નામનો ઝબકાર થયો, સમર ! અને એ સાથે એને સમરે આપેલી શિખામણ યાદ આવી, – ‘આગળ જે તકો મળે એ સ્વીકારી લઈ આગળ વધતો રેહજે !’
અને એની પાસે બોલવા માટે શબ્દો ખૂટી પડ્યા. વાતવરણ એક સ્તબ્ધતા છવાઈ ગઈ. પણ આંખોની ભાષાને એ બધાથી ક્યાં કોઈ ફરક પડે જ છે. અજાણતા જ એની આંખો પોતાનું મૌન તોડતી હોય એમ વહેવા માંડી. ક્યાંક ઊંડી ખીણમાંથી આવાજ આવતો હોય એમ ગળામાં અટકી રહેલા શબ્દોને એણે મુક્તિ આપતા કહ્યું, ‘આ તેં શું કર્યું સમર !’
પૂર્વાએ પણ ભીની આંખ સાથે આકાશનું માથું પોતાની છાતીમાં સમાવી લીધું, અને એના માથે હાથ ફેરવતા રહી એને શાંત પાડવા માંડી, અને મનોમન સમરને યાદ કરી કંઈક કહેતી હોય એમ વિચારતી રહી, ‘સમર, તેં જે કર્યું એ બાદ કદાચ એક પ્રેમિકા તરીકે હું તને ધિક્કારતી થઈ જાઉં તો મને માફ કરજે. પણ એક દોસ્ત તરીકે જો તારા કૃત્યને જોઉં તો તને મારી નજરમાં એક મુઠ્ઠી ઉંચેરુ સ્થાન આપવાનું મન થઇ આવે છે… હવે મને એ વાતની કોઈ જ નવાઈ નથી રહી કે લોકો શા માટે ‘આકાશ-સમર’ની દોસ્તીની કસમો ખાતાં પણ નહોતા અચકાતા !
– Mitra ❤
Leave a Reply