પૂર્વ અને પશ્ચીમનો સંબંધ કંઈક અલગ છે. તેમાં પણ જો કોઈ મહિલા ભારતમાં આવી વસવાટ કરે અને ખ્યાતિ પામે તો આ સંબંધના તાણાવાણા પણ અલગ રીતે કંડારાઈ. ગુજરાત અને બ્રિટનનું બુકર પ્રાઈઝ કનેક્શન પણ કંઈક આવુ જ છે. બુકર પ્રાઈઝ નોવેલ વાચવી એ મારો શોખ છે. અત્યાર સુધી તો ઓછી વાચી છે, પરંતુ આ મહિલા દિવસે આ બુકર કનેક્શનની ગઈકાલે દિવ્યભાસ્કરની મધુરિમા પૂર્તિમાં એક નાનકડો એવો પેરેગ્રાફ વાચી હિટ એન્ડ ડસ્ટ યાદ આવી ગઈ. તો આ મહિલાની વાત કહું.
રૂથ પ્રવાર. તેમના પિતાનું જ્યારે મૃત્યુ થયુ ત્યારે તેઓ મેરી કોલેજમાં અભ્યાસ કરતા હતા. કોલેજમાં જ તેમની સાથે એક ફુટડો છોકરો હતો. નખશીખ ભારતીય, પરંતુ તેના વિચારો અને રહેણીકહેણી ભુરાઓમાં તબ્દિલ થઈ ગયા હતા. તેનું નામ સાયરસ ઝાબવાલા હતું. કોઈને પણ ગમી જાય તેવો છોકોરો, રૂથ તેમના પ્રેમમાં પડી ગયા. પછી શું જર્મનીની વતની અને બ્રિટનની નાગરિક એવી આ છોકરીએ પેલા છોકરા સાથે લગ્ન કરી લીધા. તે છોકરાને મકાન બનાવવાનો ખૂબ શોખ. આપણી ભાષામાં તેને કડિયાકામ કહે, એન્જીનીયરની ભાષામાં સિવિલ એન્જીનીયર, જ્યારે આ માણસનું કામ આર્કિટેક્ચરરનું હતું. 1951માં તેમણે આ પ્રેમને નામ આપવાનું નક્કી કર્યુ. સાયરસે રૂથ સાથે લગ્ન કર્યા અને રૂથ પવાર બની ગઈ રૂથ પવાર ઝાબવાલા. હવે છોકરાનું તો તેવુ કોઈ બેકગ્રાઉન્ડ નહીં. હા, અમિર હતો, પરંતુ તેની ભારતમાં એટલી ખ્યાતિ નહતી. જ્યારે રૂથને ભારત જાણવાની ઈચ્છા અને જીજીવિષા.
લગ્ન બાદ પણ સાયરસે રૂથને ભણવા માટેની પૂરતી મોકળાશ આપી. તેણે રૂથને ઈંગ્લીશમાં એમ.એ કરાવ્યુ. સાયરસને રૂથની અંદર પડેલા ટેલેન્ટની કદાચ ખાતરી નહીં હોય, રૂથ જર્મનીમાં હતી ત્યારથી જ તેને લખવા વાચવાનો શોખ જાગી ગયેલો. 6 વર્ષની ઉંમરે તેણે વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધુ. આ વાર્તાઓ લખવાનું તેને એટલુ ફાવી ગયુ કે, ભવિષ્યમાં ઓ.હેનરીના નામ હેઠળ સંપાદિત થતી વાર્તાઓમાં દર વર્ષે રૂથનું નામ હોય, પણ એ પછીની વાત છે. 7 મે 1927માં જન્મેલી રૂથે 1939માં જર્મની છોડી દીધુ. ત્યારે બીજુ વિશ્વયુધ્ધ ચાલતુ હતું. જેના કારણે હિટલરની માયાજાળનો ભોગ ન બનાય તે માટે તેમણે જર્મનીમાંથી રજા લેવાનું નક્કી કર્યુ. રૂથના પરિવારને ખૂબ યાતનાઓનો સામનો કરવો પડ્યો. તેઓ જર્મની છોડી બ્રિટનમાં આવી ગયા અને ત્યાં બ્રિટનની નાગરિકતા સ્વીકારી લીધી. ત્યારે બ્રિટનનો સૂરજ તપતો હતો. ભારત પર પણ બ્રિટનનું શાસન હતું. અને આ કારણે જ રૂથને પણ ભારત જાણવાની ખૂબ મહેચ્છા અને ઈચ્છાઓ થઈ. આખરે તે જેમના પ્રેમમાં પડી તે ભારતીય હતા. અને બાદમાં તેમને ભારતભ્રમણ કરવાનો ચાન્સ પણ મળી ગયો. પિતાનું મૃત્યુ થયુ ત્યારે તેઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને પછી તેમણે સાયરન સાથે મેરેજ કરી લીધા. લગ્ન બાદ સાયરસ અને રૂથ ભારત આવી ગયા, જ્યાં દિલ્હીમાં તેમણે પોતાના સપનાઓનું ઘર વસાવ્યુ. રૂથે પોતાના પુસ્તકોમાં લખ્યુ છે કે, ‘મેં કોઈ દિવસ આટલી અદભૂત જગ્યા જોઈ નહતી.’ રૂથની નિરીક્ષણ કરવાની શક્તિ બાળપણથી તેજ હતી. બાળપણમાં વાર્તાઓ લખતા લખતા રૂથે આ કળામાં પારંગતતા મેળવી. પરંતુ તેમનું રાઈટીંગ શરૂ થયુ 24 વર્ષની ઉંમરે, ત્યારે તેમણે સિરીયસલી મનમાં લીધુ કે હા, મારે લેખન કરવુ જોઈએ. રૂથમાં ધરખમ એનર્જી હતી, તેણે લખવાનું શરૂ કર્યુ ત્યારે તેના મનમાં એક જ વિચાર ભમતો હતો, ‘ક્યારે આ પૂર્ણ કરૂ અને ક્યારે બીજી શરૂ કરૂ.’ જે વિચાર તમામ લેખકોના મનમાં આવે છે. તેને ભારતના લોકો તેના મુળિયા ક્યાં છે તેવુ વારંવાર પૂછતા, તે કોઈવાર ક્ષોભજનક પરિસ્થતિમાં મુકાઈ જતી. તેનો જવાબ એક જ હતો, ક્યાંય નહીં !
આમને આમ રૂથે પહેલી નોવેલ લખી કાઢી. 1955માં પબ્લીશ થયેલી આ બુકનું નામ ટુ વ્હુમ શી વીલ. અમેરિકામાં આ નોવેલ અમૃતા નામે પ્રસિધ્ધ થયેલી. જેમાં મોર્ડન ઈન્ડિયા વિશે લખવામાં આવેલુ. અમેરિકાના ન્યુયોર્ક પોસ્ટે તેના રિવ્યુમાં લખ્યુ કે આ બુકનું લખાણ જેન ઓસ્ટીનના લખાણને મળતુ આવે છે. પતી ગયુ, તમારા પર એક જેવા લેખકનો સિમ્બોલ લાગી ગયો. જેને ભુંસવા તમે ગમે તેટલા ધમપછાડા કરો તે ભુંસ્યુ ભુંસાય નહીં, તો પણ રૂથ કરીને રહ્યા. કેવી રીતે ? આ વાચો.
નેચર ઓફ પેશન, એસમોન્ડા ઈન ઈન્ડિયા, ધ હાઉસ હોલ્ડર, ગેટ રેડ્ડી ફોર અ બેટલ જેવી અઢળક નવલકથાઓને પ્રશંસા મળતી, પરંતુ જ્યારે પણ વિવેચનની વાત આવે ત્યારે હંમેશા તેમની સરખામણી જેન ઓસ્ટીન સાથે થતી. રૂથને ભારત ખપી ગયેલુ જે.જી. ફેરવેલની માફક ! બસ, આજ રીતે તે પોતાના પુસ્તકોમાં ભારતનું વર્ણન કરતી અને બનતુ એવુ કે આ વર્ણન વિવેચકોને જેન ઓસ્ટીન સાથે સરખામણી કરતુ લાગતુ. આખરે 1975માં તેમણે નવલકથા લખી. ભારતની વાત તેમાં હતી જ, રૂથને ડર નહતો કે આ નવલકથા ચાલશે કે નહીં, પરંતુ નવલકથા દોડવાની હતી. જેમાં બ્રિટીશ વુમનની ભારત ભ્રમણની વાતો હતી. આ નવલકથા સૌને પસંદ આવી. એટલુ જ નહીં તેણે પોતાના ખાતામાં વિશ્વ પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ એર્વોડ પણ નાખી દીધો. આ નવલકથાનું નામ હિટ એન્ડ ડસ્ટ ! અને આ નવલકથાથી રૂથે એ મીથને ભાંગી નાખી કે, હું જેન ઓસ્ટીનની માફક લખુ છું. 1975માં તેમણે પોતે કહ્યું કે, ‘હવે આ દેશ રહેવા જેવો લાગતો નથી. તેથી હવે હું નહીં રહું.’ તેઓ ભારત છોડી ન્યુયોર્કમાં શીફ્ટ થયા. ત્યાં પણ ભારતે તેમનો સાથ ન છોડ્યો. 1986માં તેમણે આઉટ ઓફ ઈન્ડિયા નામની ટુંકી વાર્તાઓનું કલેક્શન આપ્યુ. સમીક્ષકોના મતે આ વાર્તાઓમાં હ્યુમરનો ટચ હતો, જે તેમની નવલકથાઓમાં પણ જોવા મળે છે. આમાની ઘણી ખરી વાર્તાઓ ઓ.હેનરીના પ્રતિષ્ઠિત કલેક્શનમાં સમાવેશ કરવામાં આવી. તો પણ ઘણા લોકો એવુ માનતા હતા કે, રૂથ જે પણ લખે છે, તે બધુ ભારતનું હોય છે, તેમણે જ્યાં વસવાટ કર્યો ત્યાંનું કંઈ નથી. હકિકતે તેઓ પોતાના જર્મનીને યાદ કરવા માગતા નહતા. તેવુ અમેરિકા દ્વારા તેમના પર કરવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં લખવામાં આવ્યુ છે.
નવલકથાની કેરિયર બાદ વાત આવે ફિલ્મી કેરિયરની, તો તેમની તમામ નવલકથાઓનું ફિલ્મી એડેપ્શન કરવામાં આવ્યુ. બાદમાં તેમણે મર્ચન્ટ આઈવરી પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી અને ફિલ્મો બનાવવા લાગ્યા. શેક્સપિયર વલ્લાહ, જેન ઓસ્ટીન ઈન મેનહટન, સર્વાઈવર પિકાસો જેવી ફિલ્મો બનાવી. જેમાંથી હાવર્ડ એન્ડ અને અ રૂમ વિથ અ વ્યુ માટે તેમને એકેડેમી એર્વોડ પણ મળ્યો. 3 એપ્રિલ 2013માં પલમોરી ડિસઓર્ડરના કારણે 85 વર્ષની વયે તેમનું નિધન થયુ. તેઓ પોતાની પાછળ ઘણી બધી નવલકથાઓ અને ફિલ્મો છોડીને ગયા. રમતમાં કહીએ તો ગુજરાતને બુકર આપતા ગયા. હવે આ કેવી રીતે…. ? હવે સસ્પેન્સ ખોલુ છું.
સેવા (સેલ્ફ એમ્પલોઇડ વુમન્સ એસોસિએશન) નામની સંસ્થા છે. આ સંસ્થામાં રેનાના ઝાબવાલા કામ કરે છે. જેઓ વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ રેનાના રૂથ ઝાબવાલાના દિકરી થાય. તેઓ હાર્વર્ડમાં ભણેલા છે. રેનાના ઝાબવાલા ને 1990 માં પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવેલો. તો છે ને ગુજરાતનું બુકર કનેક્શન…
નોંધ : બુકર પ્રાઇઝ વિનર હિટ એન્ડ ડસ્ટ નોવેલ પરથી ફિલ્મ બની જેમાં શશી કપૂરે અભિનય કરેલો, સ્ક્રીનપ્લે શહિદ ઝાફરી (શતરંજ કે ખિલાડી) અને રૂથ ઝાબવાલાએ લખેલો…
(દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિએ હિટ એન્ડ ડસ્ટની યાદ અપાવી )
~ મયુર ખાવડુ
Leave a Reply