આજકાલ ‘રોયલ ઈનફીલ્ડ બુલેટ’ નો ઘણો ક્રેઝ ઉપડ્યો છે. એમાંય સ્પેશિયલી અમારા કાઠીયાવાડમાં. ‘રોયલ ઈનફીલ્ડ બુલેટ’ જેટલું શાનદાર છે, એનો ઇતિહાસ એટલો જ જાનદાર છે.
ભારતમાં આ કંપની એક સાઇકલ બનાવવા વાળી વ્યક્તિ ‘આલ્બર્ટ ઇડી’એ ભારતીય કંપની સાથે મળીને શરૂ કરી હતી. લંડનના ‘રેડ’ શહેરમાં રહેવા વાળા આલ્બર્ટે 1890માં ‘R. W. Smith’ સાથે મળીને સાઇકલ બનાવવાની કંપનીની શરૂઆત કરી હતી અને આ કંપનીનું નામ ‘ઈનફીલ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ લિમિટેડ’ રાખ્યું.
આ કંપની સાઇકલ બનાવવાની સાથે જ રાઇફલના અમુક કિંમતી પાર્ટ્સ પણ બનાવતી હતી, અને એની સપ્લાય ‘રોયલ આર્મ્સ કંપની’ને કરતી હતી. ‘રોયલ’ નામ એને આ કંપની ના લીધે મળ્યું હતું. 1898માં આ કંપની એ મોટર લગાવેલી એક સાઇકલ બનાવેલી જેને ‘મોટર સાઇકલ’ કહેવામાં આવી. એના પછી કંપનીએ સાઇકલને મોટરસાઇકલ બનાવવા ઘણા ઈનોવેટિવ રસ્તા અપનાવ્યા.
1914માં આ કંપની ‘બ્રિટિશ ફોરેન ડિપાર્ટમેન્ટ’ને મોટર સાઇકલ સપ્લાય કરવા લાગી. એની સાથે જ એમને ‘ઇમ્પિરિયલ રશિયન ગવર્મેન્ટ’ પાસેથી મોટરસાઇકલ બનાવવાનો કોન્ટ્રાક્ટ લઈ લીધો. અને કંપનીએ 1924માં પહેલી વાર 4 સ્ટ્રોક 350 સી.સી. મોટરસાઇકલ બનાવ્યું અને 1925માં પહેલીવાર મહિલાઓ માટે 225 સી.સી.ની બાઇક બનાવી.
બીજા વિશ્વયુદ્ધ સમયે જયારે ‘બ્રિટીશ હુકુમત’ને સૈનિકો માટે મજબૂત બાઇકની જરૂર પડી ત્યારે ‘ઈનફીલ્ડ’ કંપની આગળ આવી અને સૈનિકો માટે 350 સી.સી.ના ઘણા મજબૂત મોડલો તૈયાર કર્યા.
આમ તો 1949થી જ આ મોટરસાઇકલ ભારતમાં વેચાતી હતી, પણ 1955માં બ્રિટનની આ કંપનીએ ભારતની ‘મદ્રાસ મોટર’ સાથે મળીને 350 સી.સી. બુલેટની એસેમ્બલી માટે ‘ઇન્ડિયા ઈનફીલ્ડ’ નામની કંપની બનાવી. બુલેટ મોટરસાઇકલની ઉપયોગીતા જોઈને ભારતે પહેલીવાર સીમા પર પહેરો ભરતા જવાનો માટે 350 સી.સી.ની 800 બાઇક બનાવવાનો ઓર્ડર આપ્યો. ત્યારથી આજ સુધી બુલેટ મોટરસાઇકલ એક લોકપ્રિય બાઇક બની ગયું છે. 1955થી 1965 સુધીમાં ‘મદ્રાસ મોટરસાઇકલ’ એ મોટરસાઇકલ બનાવવાની બધી ટેક્નિક જાણી લીધી હતી, અને પછી ભારતમાં જ ‘રોયલ ઈનફીલ્ડ બુલેટ’નું નિર્માણ શરૂ થયું.
1971માં ‘રોયલ ઈનફીલ્ડ’ એ બ્રિટનમાં બાઇક બનાવવાનું બંધ કરી દીધું હતું. પણ, ઇન્ડિયામાં બાઇક બનતી રહી. એક સમય એવો પણ આવ્યો કે બુલેટનું એક વર્ષનું વેચાણ ફક્ત 2000 બાઇક જ થયું અને કંપનીએ એનો જયપુર વાળો પ્લાન્ટ બન્ધ કરવો પડ્યો. 1970થી 1990 સુધી થયેલા નુકશાન બાદ કંપની વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો.
1994માં EICHER કંપની એ ‘ઈનફીલ્ડ ઇન્ડિયા’ને ખરીદી લીધું અને ‘રોયલ ઈનફીલ્ડ’ નામથી જ કંપની ફરી શરૂ કરી. બુલેટના જુના મોડલોમાં જે ફરિયાદ હતી એનું બારીકાઈથી નિરાકરણ કર્યું, અને એના પછી જુના લુકમાં જ નવી આઇકોનીક અને સ્ટાઈલિશ બુલેટ્સ તૈયાર કરવામાં આવી. જે અપડેટેડ ટેક્નોલોજી સાથે ઘણી સસ્તી પણ હતી. ‘આઈશર’ ગ્રુપે આઉટલેટ અને માર્કેટિંગ ઉપર પણ ઘણું ધ્યાન આપ્યું. એમણે એવી જગ્યા એ પોતાના આઉટલેટ પહોંચાડ્યા જ્યાં બાઇક ખરીદવા વાળા ને પણ ઘણો સારો અનુભવ થાય, અને ‘રોયલ ઈનફીલ્ડ’ એ બાઈકર્સ માટે અલગ-અલગ રાઇડ્સ પણ ઓર્ગેનાઇઝ કરી.
2012 લગભગ કંપનીની 81,000 મોટરસાઇકલ વેચાઈ અને 2013માં લગભગ 1,23,000 મોટરસાઇકલ વેચાઈ, એટલે એક જ વર્ષ માં 51 % રોયલ ગ્રોથ થયો. આજે ‘રોયલ ઈનફીલ્ડ’ના ભારત માં 11 બ્રાન્ડ સ્ટોર્સ અને 250 થી વધુ ઓથોરાઇઝ્ડ ડિલર્સનું એક મોટું નેટવર્ક છે.
વર્તમાનમાં ‘રોયલ ઈનફીલ્ડ’નું માર્કેટ એટલું મોટું થઇ ગયું છે, કે કંપની હવે યુરોપ, અમેરિકા, સાઉથ આફ્રિકા, જાપાન અને ફ્રાન્સ જેવા લગભગ 42 દેશોમાં મોટરસાઇકલ એક્ષપોર્ટ કરે છે. આઉટ કન્ટ્રી માટે કંપની પાસે લગભગ 40 ઇમ્પોર્ટર્સ અને 300 ડીલરનું વર્લ્ડવાઈડ નેટવર્ક છે.
Research By ~ હાર્દિક લાંઘણોજા
Leave a Reply