नज़र से पिलाया ना करो लड़खड़ा जाते हैं हम,
मयखाने में अब ज़रा कम ही जाते हैं हम
1995માં રેસ્ટોરેશન નામની ફિલ્મ આવેલી, ‘‘આ ફિલ્મ સમયે મને મારા સહ કલાકાર રોબર્ટ ડોની જૂનિયરથી નફરત થઈ ગયેલી. હુ તેનું ખૂન કરવા માગતો હતો !!’’ આ ખુલાસો હ્યુ ગ્રેટે ગઈકાલ કર્યો છે. રોબર્ટને 1995ના સમયે તો કોઈ પણ મારવા માટે તૈયાર હોય શકે. હંમેશા નશીલા દ્વવ્યોને મગજના બારણે કેદ કરી ઘુમતા અને રોબર્ટ સિનીયરન આ ઠાવકા સંતાનને અભિનેતા તરીકે જેટલી ખ્યાતી મળી એટલું જ તેનું નામ પોલીસબેડામાં પણ ચર્ચાયુ. ડ્રગ્સ અને હેરોઈન તેની સાથે સંજય દત્તની જેમ જોડાઈ ગયા હતા. માંડ માંડ છુટકારો મળ્યો. પણ આજે પણ સમય મળે તો જૂનીયર આ બધુ સેવન કરવાથી અચકાતો નથી. કોઈ જાતનો તેને વસવસો નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમે આવું વર્તન કરો એટલે તમારા પરવરદિગારો જ નફરતદિગારો બની જતા હોય છે. રોબર્ટ પણ તેમાંથી જ એક હતો. આ તો વચ્ચે ચેપ્લિન, પછી શેરલોક હોમ્સ અને 2008થી માર્વેલે તેનો હાથ પકડ્યો બાકી જૂનીયર સિરીયલો કરતો નજર આવી શકેત. અને તેના માટે નવાઈની વાત પણ ન હોત… કારણ કે તેના વર્તનમાં આ બધુ ઘુસી ગયું હતું.
ન્યૂયોર્કના મેનહટનમાં જન્મેલો રોબર્ટ પરિવારમાં સૌથી નાનો. તેના પિતા મશહૂર ફિલ્મ કલાકાર, લેખક, નિર્માતા અને દિગ્દર્શક આમ ત્રણે સ્વાદિષ્ટ ફળ તેના હાથમાં. ડોનીની હેન્ડસમનેસનો રાઝ જ એવો ! પિતા હાફ ઈરાનીયન અને માતા સ્કોટીશ હતી. રોબર્ટના અપર દાદાના કારણે રોબર્ટના પિતાને પોતાના નામથી તકલીફ થતી. એટલે તેમણે નામ બદલી નાખ્યું. જેમ્સ ડોનીમાંથી ફિલ્મને શોભે તેવું રોબર્ટ ડોની નામ રાખ્યું. જે તેના અસલી પિતા રોબર્ટ એલિઅસ પરથી હતું. નાનપણથી રોબર્ટને સૈન્યમાં ભરતી થવાનો શોખ હતો. આર્મીના જવાન બનવું હતું. પણ એટલામાં ખરાબ સંગતના કારણે ડોની ડ્રગ્સમાં ફસાઈ ગયો. પિતા એક વ્યસની હતા. એટલે દિકારાની પરછાઈ નાના રોબર્ટ પર પડી. 6 વર્ષની નાની ઉંમર હતી ત્યારે જ આ શ્રીમાન મારીઝુઆના લેતા ઝડપાઈ ગયા. ત્યાંથી ડ્રગ્સની શરૂઆત થઈ. ઘરમાં પિતા ડ્રગ્સ પીતા હતા એટલે મારે પણ પીવુ જોઈએ. પિતાને એક પાર્ટનર મળી ગયો. પિતા અને નાના રોબર્ટને લાગવા માંડ્યું કે, આ આપણા વચ્ચેની એક ભાવનાત્મક કડી છે. આને તોડવી ન જોઈએ. રોબર્ટના સ્કૂલમાં આવતા જ પિતાને એ વાત ખબર પડી કે, ભાવનાત્મકતાની વાતો કરી દિકરા સાથે જે સેવન કર્યું તેની હવે દિકરાના દિમાગ પર અસર થઈ રહી છે. રોજ રાતે રોબર્ટને ડ્રગ્સ પીવાની આદત પડી ગઈ. જ્યારે ડ્રગ્સ ના મળે ત્યારે તે શરાબના નશામાં ચકચૂર રહેતો.
પિતા ફિલ્મી નાયક એટલે ફિલ્મોમાં કોઈ બાળકલાકારની જરૂર હોય તો રોબર્ટ હાજર જ હોય. 1970માં પાઉન્ડ નામની ફિલ્મમાં કામ કર્યું. ગ્રેજર્સ પૈલેસમાં નજર આવ્યો. દસ વર્ષની ઉંમર થઈ એટલે ડાન્સ કરવાનું ઘેલુ ચઠ્યું. બેલે ડાન્સનું તે પ્રશિક્ષણ લેવા માંડ્યો. ત્યાંથી રસનો વિષય હોવાથી પરફોર્મિંગ આર્ટસમાં એન્ટ્રી લઈ લીધી. ત્યાં સુધીમાં માતા પિતાના ડિવોર્સ ફાઈલ થઈ ચૂક્યા હતા. ડિવોર્સની તેના અભ્યાસ પર અસર પડી અને તેણે હાઈસ્કૂલનો અભ્યાસ છોડી હવે અભિનય પર ધ્યાન દેવાનું શરૂ કર્યું.
20 વર્ષની ઉંમર થઈ એટલે ડોનીને હવે ટીવીની સ્ક્રિન પર છવાવાનો ચાન્સ મળ્યો. કોમેડી સિરીયલ સેટર્ડે નાઈટ લાઈવમાં કામ કર્યું. પણ આ સિરીયલમાં તેની કોમેડી લોકોને ફાવી નહીં. શો ઓફ એર કરવાની વાતો ચાલતી હતી એટલે રોબર્ટને આ સિરીયલમાંથી નીકાળી બીજા અભિનેતાને લેવાનું નક્કી કર્યું. રોબર્ટને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેે હાથ ઉંચા કરી ગાળ બોલી બહાર નીકળી ગયો. ટફ ટફ જેવી સિરીયલોમાં સાઈડ રોલ કર્યા. અભિનય તો છે, આવું માનીને દિગ્દર્શકોએ ડોનીને લીડ રોલ આપવાનો નક્કી કર્યો. અને 1987ની પીક અપ ધ આર્ટિસ્ટમાં ડોની છવાઈ ગયો.
1987માં જુલિયન વેલ્સે એક ફિલ્મ બનાવી. મુખ્ય કિરદાર રોબર્ટ ડોની જુનીયર હતો. સ્ક્રિપ્ટ હતી એક એવા અમીર છોકરાની, જે નશાની હાલતમાં રહે છે. ડિરેક્ટર વેલ્સે રોબર્ટને જ એટલા માટે લીધો કે તે હંમેશા નશીલા દ્વવ્યોમાં જ પનપ્યો હતો. તેના સિવાય આ રોલમાં કોઈ જીવ ફુંકી ન શકેત. તેની આ નશાની હાલતના જ કારણે રોબર્ટ ડોની જુનીયરને જેટલા પણ રોલ મળ્યા તે બધામાં તે અવ્વલ સાબિત થયો. મેગેઝિનો લખતી હતી, ‘‘અભિનયમાં લથડિયા ખાવાના હોય, આ ભાઈ લથડિયા ખાઈ અભિનય કરે છે.’’
રિચાર્ડ એટનબ્રોઘ ગાંધી બાદ વધુ એક બાયોપિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા. એ ફિલ્મનું નામ ચેપ્લિન. ચેપ્લિનમાં તેમણે કાસ્ટ કર્યો રોબર્ટ ડોની જૂનીયરને. રોબર્ટ માથે મુસીબત આવી પડી. તેના શરીરના બાંધાના કારણે તેને આ રોલ સાંપડ્યો હતો. રોબર્ટની હાઈટ બીજા અભિનેતાઓ કરતા નાની છે. આ વાત તમે માર્ક કરી શકો. તેણે એક શિક્ષક રાખ્યો જે તેને ચેપ્લિનની માફક વર્તન કરતા શીખવી શકે. શરાબ પીતા પીતા ચેપ્લિનની બુક્સ અને ફિલ્મો જોઈ અને જે મળ્યું તેનું ફળ… એટલે એકેડેમી એર્વોડમાં નોમિનેશન.
રોબર્ટની કાર પવનને કાપતી દોડી રહી હતી. તે બ્રેક મારવાની જરા પણ ફિરાકમાં ન હતો. ગાડી એટલી સ્પીડમાં હતી કે અકસ્માત થાય તો રોબર્ટ સીધો જન્નતનશીન થઈ જાય. ત્યાં પોલીસની ગાડી આગળ આવી અને બ્રેક મારી. હવે પકડાવાના છીએ એ ડરથી ગાડીને સ્ટોપ કરી રોબર્ટ નીચે ઉતર્યો. પોલીસે તેની કારની તલાશી લીધી. અંદરથી મારીઝુઆના, ડ્રગ્સ અને હેરોઈન સાથે એક ગન નીકળી. અને રોબર્ટ ચોથી વાર ગીરફ્તાર થઈ ગયો. આ પહેલા જજ સામે રોબર્ટને એવું પૂછવામાં આવેલું કે, ‘‘તમે એક અભિનેતા છો, યંગસ્ટર્સ તમને રોલ મોડલ માને છે, તો શું કામે આવુ કરો છો ? આ લત છોડી દો…’’
રોબર્ટનો જવાબ હતો, ‘‘હું જ્યારે ડ્રગ્સ પીવ છું ત્યારે મને એવું ફિલ થાય છે કે, જ્યારે ગનમાં પાવડર નાખી મારા મોંમા રાખવામાં આવી હોય. અને હું તે ફોડવા માગતો હોવ…’’
‘‘આ નહીં સુધરે….’’ એમ કહી જેલની સજા, પછી તો કેલિફોર્નિયા, લાસવેગસ આ બધી જેલો તેના પ્રમુખ કેન્દ્ર દ્વારો બનતા ગયા. છેલ્લે જ્યારે પકડાયો ત્યારે નશાની હાલતમાં બીજાના ઘરમાં સુઈ ગયેલો. નો ડાઉટ મેન હશે કે વુમન… એટલે પાછી ધરપકડ થઈ. અને નશા છોડવાના અમેરિકન સંસ્થાનમાં તેને નાખી દેવામાં આવ્યો. 2001માં જ્યારે તે પકડાયો ત્યારે તેણે જજને કહ્યું, ‘મને એલીમેકબિલના 8 એપિસોડ પૂરા કરવાની રજા આપવામાં આવે ?’’ રજા આપવામાં આવી. પણ સેટ પરથી શૂટિંગ પૂરૂ કરી તે મારીઝુઆનાની ડકાર મારતો હતો. ફરી પકડાયો. અને આ વખતે પોલીસે તો છોડ્યો જ, પણ ડિરેક્ટરે પણ છોડી દીધો. ફિલ્મો હવે હાથમાંથી જવા લાગી. હેમલેટના ડિરેક્ટરે પ્રોજેક્ટ બંધ કરી દીધો. સુપરહિટ ફિલ્મ અમેરિકન સ્વીટહાર્ટમાંથી તેની બાદબાકી થઈ ગઈ. આખરે ડોનીને ખબર પડી ગઈ, પેલી ગુજરાતી કવિતાની માફક તે બોલ્યો હશે, ‘‘છું હું તો છું એવો અફવા બફવા એની માને…’’ અને તેણે સરેન્ડર કરી દીધુ.
કન્વર્ઝેશન ઓફ વુડિ એલન નામના પુસ્તકમાં વુડી એલન જે બેફામ બોલ્યા છે, તેમાં તેમણે રોબર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. કહ્યું છે કે, ‘‘મારી ફિલ્મ મિલિન્ડા મિલિન્ડામાં હું રોબર્ટને લેવા માગતો હતો, પણ રોબર્ટ આ ફિલ્મમાં ટકશે કે જેલમાં ? તેની ખાતરી ન હોવાના કારણે તે લોકો પ્રોજેક્ટ સાઈન કરવા માગતા ન હતા. બાકાયદા અમે રોબર્ટના નામ પર ચોકડી મારી દીધી. અને લાઈફે માર્યો ટર્નીંગ પોંઈન્ટ….
રોબર્ટની સાવકી મા રોસમેરીએ એક મેગેઝિનને ઈન્ટરવ્યૂ દઈ માર્યો, ‘‘રોબર્ટ પાગલ છે, રોબર્ટનું મગજ કામ નથી કરતું. તે ડ્યુઅલ પર્સનાલિટી સિન્ડ્રોમથી પીડાય છે.’’ ગામને ગોસીપ મળી ગઈ… મીડિયાથી લઈ જેલ સુધી આ વાત પહોંચી કે રોબર્ટે વધારે પડતા નશીલા દ્વવ્યોનું સેવન કર્યું હોવાના કારણે તેનું મગજ ટાઈટ થઈ ગયું છે.
‘‘લોકોને લાગે છે કે, મારે સાચે જ ડ્રગ્સની ચુંગાલમાંથી છુટવા માટે આવા કેન્દ્રો ફેન્દ્રોમાં જવું જોઈએ ? હું એક તુટેલો માણસ છું, મારી પત્ની મને છોડીને ચાલી ગઈ છે. મને કામ નથી મળી રહ્યું. મારી કરિયરના ભૂક્કા બોલી ગયા છે. પણ એક કોશિશ તો કરવી જોઈએ.’’ આ શબ્દો રોબર્ટે બોલ્યા હતા 2004માં. ઓપ્રાહા વિન્ફ્રેના શો દરમ્યાન. જ્યારે તે કારાવાસમાંથી… હકિકતે ડ્રગ્સના કારાવાસમાંથી છુટ્યો હતો.
રોબર્ટને ફિલ્મો ન હતી મળી રહી. ફિલ્મો માટે ડિરેક્ટર રાજી ન હતા થતા. ડિરેક્ટર રાજી થાય તો પ્રોડ્યુસરને મનાવવાનો. ફિલ્મો માટે હોલિવુડમાં જેમની માનભેર પોસ્ટ છે, તે વીમાવાળા પણ રાજી ન હતા થઈ રહ્યા. આખરે સિંગિંગ ડિટેક્ટિવ નામની ફિલ્મમાં તેના મિત્રએ વીમો ભર્યો. તેને ફિલ્મ મળી ગઈ. પિતા એક મોટા આર્ટિસ્ટ હતા. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકેની કરિયરની શરૂઆત કરી અને ચેપ્લિન માટે ઓસ્કરનું નોમિનેશ, જે કોઈને દેખાઈ ન હતું રહ્યું. હવે એકડે એકથી શરૂ કરવાનું હતું. ફિલ્મો મળી પણ હિટ ન હતી. ફ્લોપ સ્ક્રિપ્ટ હતી તેની રોબર્ટને પણ જાણ હતી, છતા તેણે કામ કરવાનું ચાલુ રાખ્યું. કોઈ દિવસ તો સારો રોલ મળશે ? સેટ પરનો મેક-અપ તેના ચહેરા પરથી ઉતરે કે ન ઉતરે તે શૂટિંગ પૂરૂ કરી એ જ લૂકમાં ઘરે જતો. વચ્ચે કોઈ પીઝા બર્ગરની ફાસ્ટફુડિયા રેકડીની બાજુમાં ઉભો રહી ખાઈ લેતો.
ટોપિક થંડર ઓસ્કરમાં પહોંચેલી. શેરલોક હોમ્સમાં તેની એક્ટિંગના વખાણ થઈ રહ્યા હતા. અને હવે એક માચો ઈમેજની તેને જરૂર હતી. 2006માં ઈનક્રેડિબલ હલ્ક બનેલી. જેમાં ફિલ્મની છેલ્લે આર્યન મેનના કિરદારમાં રોબર્ટ પહેલીવાર દેખાયો. દોઢ મિનિટનો સીન હતો. અને હિન્દીમાં કહું તો ડાઈલોગ હતો, ‘‘ક્યા હમ ઉસે પકડે ?’’ એટલે કે હલ્કને… અને પ્રિમિયરમાં સીટીઓ વાગવા લાગી.
આ જોતા માર્વેલને લાગ્યું રોબર્ટ પર પૈસા લગાવવાની જરૂર છે. એટલે 2008માં આર્યન મેન સાથે તેને કાસ્ટ કર્યો. અને રોબર્ટ ખરા અર્થમાં જીવનને વળાંક આપી લોહ પુરૂષ બની ગયો. જે એપ્રિલમાં અવેન્જર્સ ઈન્ફિનિટી વોરમાં જોવા મળશે. પણ હવે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ ખતમ કરીએ. હ્યુ ગ્રેટ રોબર્ટ ડોની જૂનીયરને મારવા શા માટે માગે છે ? કારણ કે જીવનના આટલા પડાવો જોઈ ચૂકેલો રોબર્ટ કઈ રીતે સફળતા મેળવી ગયો તે લોકોને ખૂંચતું હશે ?! બાકી સાચા અર્થમાં રોબર્ટને આર્યન મેન તો ગણવો રહ્યો.
~ મયુર ખાવડુ
Leave a Reply