હેપી બર્થ ડે ગુજરાત..!
કદાચ બધાને ખબર હશે કે આઝાદી વખતે ગુજરાત એ બૃહદ મુંબઈનો ભાગ હતું. જેમાંથી સૌરાષ્ટ અને કચ્છ બાકાત હતા.
આઝાદી પછી મુંબઈમાંથી ગુજરાતી ભાષી ગુજરાત અને મરાઠી ભાષી મહારાષ્ટ્રનાં અલગ પાડવાનો પ્રશ્ન ઉભો થયો. એથીય મોટો પ્રશ્ન એ હતો કે જાહોજલાલીથી ભરપુર એવા મુંબઈને કયા રાજ્ય સાથે જોડવું…? ગુજરાતી મરાઠીઓ વચ્ચે આકરો સંઘર્ષ મુંબઈ મુદ્દે હતો. ગુજરાતીઓ માનતા હતા કે મુંબઈની પ્રગતિમાં મોટો હાથ ગુજરાતીઓનો છે. ભૌગોલિક રીતે મુંબઈને ગુજરાત સાથે જોડવું શક્ય નોહતું. તેથી ગુજરાતીઓની માંગ હતી કે મુંબઈને અલગ પ્રદેશ તરીકે સ્વીકારમાં આવે જેથી બંને રાજ્યોનું હિત જળવાઈ રહે. પણ મરાઠીએ મુદ્દે તૈયાર નોહતા..!! કહેવાનું તાત્પર્ય એજ છે કે આપણે ભાષા આધારિત રાજ્યોની માંગ માટે કેટલો સંઘર્ષ કરી ચુક્યા છીએ…
તેલુગુ ભાષા આધારિત આંધ્રપ્રદેશ રાજ્ય માટે પોટી સીરામુલુંજી એ ૫૬ દિવસના આમરણ ઉપવાસ કર્યા હતા, અને અંતે તેમનું મૃત્યુ થતાં તોફાનો ફાટી નીકળ્યા હતા. મહાગુજરાત આંદોલન સમયે પણ દેખાવો દરમિયાન પોલીસ ગોળીબારમાં અનેક વિધાર્થીઓ માર્યા ગયા હતા. ગુજરાત અને મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ પડ્યાં. એ પછીના વર્ષે ગાંધીવાદી વિદ્વાન દાદા ધર્માધિકારીએ કહ્યું હતું, ‘આજે આપણે બહુરાજ્યવાદ અને બહુરાષ્ટ્રવાદમાં ચકચૂર છીએ. આજે દેશમાં નર્યો ઉદ્દંડ ભાષાવાદ છે. એમાંથી ભાષાવાર રાજ્યોનો જન્મ થયો છે. એ અહીનું દુર્ભાગ્ય છે.’ ‘સંસ્કૃતિ’ (ઓગસ્ટ, ૧૯૫૬)માં ઉમાશંકર જોશીએ આપેલી ચેતવણીમાં, તેમણે લખ્યું હતું, ‘અત્યારે આપણો સૌથી મોટો દુશ્મન છે ઉપ-રાષ્ટ્રવાદ (સબનેશનાલિઝમ). તેને દૂર કરવા માટે જે કંઇ કરીએ તે ઓછું છે.’
હજીય આપણે ટુકડે ટુકડે વહેચાઈએ છીએ. ભાષા આધારિત અલગ થયા પછી આપણા હાથમાં ‘જાતિ’ નું એક નોખું રમકડું આવ્યું છે. ભાષા આધારિત અલગ થવા માટે જે રીતે આંદોલન કર્યા હતા, એથીય ઉગ્ર આંદોલન આપણે ‘જાતિ’ માટે કરીએ છીએ. ત્યારે પણ લોકોએ શહીદી વોહરી હતી, આજે પણ એ અંદોલનમાં અનેક યુવાઓ શહીદ થાય છે. ખરેખર આપણને ટુકડે ટુકડે વહેચાવું અને તે માટે આંદોલન કરીને આપણી જ સંપતિને નુકશાન કરવાની આદત આઝાદી મળ્યા પછી પણ વર્ષોથી છે…હેને ?
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
( નોંધ : આ જૂનો આર્ટિકલ છે)
Leave a Reply