ક્લાઉડીયસ ઉઠ્યો. આજુબાજુ વેર વિખેર પડેલા કપડાંઓ પર નજર નાખી. પછી ઉંડો શ્વાસ લઈ કપડાં સરખા કરવા લાગ્યો. ઘરમાં કોઈ નહોતું. જેમ તેમ કપડાંઓ ગોઠવ્યા. કેટલાય સમયથી ઈસ્ત્રી નહોતી થઈ, તે સાફ દેખાઈ આવતું હતું. ઉઠીને બ્રશ મોંમા નાખ્યું. તપેલી સ્ટવ પર મુકી. અરિસામાં જોઈ બ્રશ કરવા લાગ્યો. થોડી વાર થઈ ત્યાં યાદ આવ્યું કે ચા ઉભરાઈ ગઈ છે. જલ્દી રસોડામાં પહોંચ્યો, ત્યાંસુધીમાં ચા સ્ટવ પર ઢોળાઈ ગઈ હતી. ઉભરાઈ ગઈ હતી. છતને તાકવા લાગ્યો. આવુ ઘણા દિવસથી થઈ રહ્યું હતું. જેમાં કોનો વાંક કાઢી શકાય તેની ક્લાઉડીયસને ખબર નહોતી.
ગઈકાલે રાત્રે ઓફિસેથી પાછા ફરતી વખતે તેણે એક જોડી કપડાં ધોઈ નાખ્યા હતા. ઈસ્ત્રી કરવાનો કંટાળો આવતો હતો એટલે જેમ તેમ સંકેલી મુકી દીધા હતા. બ્રશ કરી નાહવાની શરૂઆત કરી. ઉનાળામાં ગરમ પાણીની જરૂર નથી હોતી. એકલા રહીને તે આટલું શીખ્યો હતો. પરિસ્થિતિએ શીખવાડી દીધુ હતું. મોબાઈલ લઈ સ્ક્રિન ઓન કરી. ટાઈમ રેતીની જેમ પસાર થઈ રહ્યો હતો. જેમ તેમ કરી ફ્રિજમાંથી દુધ કાઢી સ્ટવ પર મુક્યુ. સાઈડમાં રાખેલા કપડાંને વોશીંગ મશીન પાસે લઈ આવ્યો અને ડિટર્જન્ટ સાથે મશીનમાં નાખ્યા….
…થોડીવાર તેને તાકતો રહ્યો. વિચારમાં લીન થઈ ગયો. રાત્રે ઓફિસેથી મોળો આવ્યો હતો. કપડાંની જોડી ધોઈ અને ક્યારે બેડમાં શરીર લંબાવ્યું, અને સવાર પડી ખબર ન રહી. પેલી કિર્તીને કામ સોંપવાનું હતું, બાકી તે ઓફિસમાં આડોડાઈ ખૂબ કરતી હતી. બીજા દિવસની તૈયારી કરવાની હતી.
આ બધી વ્યસ્તતામાં તેને પોતાના માટે સમય નહોતો મળી રહ્યો. વોશિંગ મશીનમાં કંઈક ગડબડી આવી ગઈ લાગે છે, પ્લગ કાઢ્યો અને ફરી નાખ્યો. વોશિંગ મશીનના પ્લગમાં નહીં, પણ અંદર ક્યાંક હશે આવુ લાગ્યું. યાદ આવ્યું કે સ્ટવ પર મુકેલુ દુધ ઉભરાયું હશે. અને ઉભરાઈ ગયું હતું. સવારમાં ચા અને દુધ બંન્ને વિનાનો રહી ગયો. જોરથી રાડ નાખી, પણ કોઈ સાંભળવાવાળુ નહોતું.
રાતના એ ગંધાતા શોક્સને ક્યાં ઉતાર્યા હશે ? એક ખાટલા નીચેથી મળ્યું. બીજુ અડાબીડ જંગલમાં ભૂલુ પડ્યું હોય તેમ આટલા બધા અસબાબમાંથી મળતું ન હતું.
યાદ આવ્યું કે, નક્કી રાતે આવ્યા પછી દૂર ફેંક્યું હશે. એટલે હાથને સીધો કરી કઈ બાજુ પડ્યું હતું, તેનો દિશાસૂચક અભિનય કરવા લાગ્યો. કબાટ ઉપર તો નહીં હોય ને ? આવો મનમાં વિચાર આવ્યો. હોય શકે ? પહેલા તો લંબાઈના અહમથી હાથ કબાટ ઉપર નાખ્યો. મળ્યું નહીં. એટલે ખુરશીનો સહારો લેવો પડ્યો. છેલ્લા કેટલાય દિવસથી આ ખુરશી જ તેનો સહારો હતી. માળીયા પર પડેલુ ડિસમિસ, બલ્બ ઉતારવો, ઘડિયાળના સેલ બંધ થઈ જાય તો ફુરસદના સમયે સેલ બદલાવવા. ન જાણે આવા કેટકેટલા કામમાં ખુરશીએ મદદ કરી હતી.
કબાટ પરથી મોજુ ઉતારતી વખતે કંઈક બીજુ પણ હાથ લાગ્યું. ખેંચ્યુ અને આંખ સામે લીધુ. એ દ્રિરેફનો વાર્તાસંગ્રહ હતો. મુકુન્દરાય ભણવામાં આવતી ત્યારથી તેને ગમતી હતી. સાવ સ્વાર્થી છોકરો, પોતાના મિત્રોની સદ્ધરતાને જોઈ તેના જેવુ બનવા માટે બાપાને વડકા ભરતો. આવો દિકરો હોતો હશે ? તેને વિચાર આવ્યો. હા, ચોપડીઓમાં હોતો હશે. બાકી ફિલ્મોમાં નહીં હોતો હોય. પણ આ બુક તો તેણે જક્ષણી માટે ખરીદેલીને… !!
અરે હા, ફરી તેને યાદ આવ્યું. જક્ષણી, કેવી રીતે ભૂલાય. રામનારાયણ વિશ્વનાથ પાઠકની વાર્તાઓમાં એવુ ડુબી જવાયેલું કે મુકુન્દરાયની જગ્યાએ તેને જક્ષણી ગમવા લાગેલી. પ્રેમમાં પડી ગયો હતો. અહા…. જક્ષણીના નહીં.. પેલી લીટીના. વાર્તાના પેલા પાને જ બોલાય છે કે, ‘સ્ત્રી પુરૂષથી દૂર હોય, તો તેના અક્ષરો સારા થાય, પ્રેમપત્રો લખાય. ’
ખુરશી ઉપર હજુ અડીખમ ટાવરની જેમ ઉભો છે અને પંખો બે વેત અધ્ધર છે તેનું તેને ભાન ન રહ્યું. તેના મગજ અને અંદરની સમજણને પણ હવે એટલું જ અંતર હતું. સારૂ પંખો બંધ હતો. ત્રણે પાંખીયામાં ધુળ જામી ગઈ હતી. ખંખેરવાની ભાઈ સાહેબને અનુકુળતા નહોતી.
તો પણ બંધ પંખાને હાથ લાગી ગયો. એક હાથમાં શોક્સ અને એક હાથમાં ચોપડી. હાથ થોડો મેલો થયો. એટલે પાણીથી ધોવા માટે ઉપડ્યો. નળ ચાલુ કર્યો તો ખબર પડી કે, આજે સવારે પાણી આવીને ચાલ્યું ગયું છે. સારૂ નાહ્યા જેટલું પાણી રહ્યું. કાલ રાતની ડોલ ભરેલી હતી. હાથ ધોયા અને ડોલમાનું પાણી સાચવીને રાખ્યું. રાત્રે ધોયેલી કપડાંની જોડી પહેરી. મુંબઈમાં ટ્રાફિક વધી ગયો છે. લેટ તો થઈ જવાય, આટલુ મોડુ થયું તેમાં વધારે મોડુ બીજુ શું ?
મોબાઈલનો લોક ખોલ્યો ત્યાં મેસેજના ઢગલા થઈ ગયા. ખુરશી પર ઉભા રહી જક્ષણીના વિચાર કરતા કરતા તેને ખબર ન રહી કે આજે તો ખુશીને મળવા જવાનું છે. બાકી તેનો વિચાર ઉબેર કે ઓલા બંધાવી ખુશી પાસે જ જવાનો હતો. આરામથી… !
તેણે ટેક્સી કરી અને દોઢ કલાકે ઢચુ ઢચુ થતી ગાડી પોતાના મુકામે પહોંચી. લથડાઈ ગયેલી હાલતમાં તે ઉતર્યો. ચોમાસા પછી ખાડા વધી ગયા છે, તે આ ઉનાળે પણ એમનાએમ, એક દિવસ મોદી સાહેબ આ રસ્તા પર કોઈ વિદેશી પ્રમુખને લઈ આવે ! “કેટલી (?)” સારી સડક બને !
હોટેલમાં પ્રેવેશ્યો. અંદર ડાબી બાજુના ટેબલ પર પગ પર પગ ચઢાવી બેઠી હતી. પીંન્ક કલરનો ડ્રેસ પહેર્યો હતો. પીંન્ક તેને ગમતો. હાથમાં મેન્યુકાર્ડ હતું. અને ચહેરાની રેખા પરથી કશું ઓર્ડર કરવાનું મન ન હોય તેવુ લાગતું હતું. ખોટી આવી ગઈ હતી આ રસ્તે, આ હોટલમાં… અને સામે ક્લાઉડીયસ ઉભો હતો તેની સામે. થોડીવાર તેના ચહેરાને જોઈ રહી. પછી ક્લાઉડીયસે આછુ સ્મિત લાવી ખુરશીને ટેબલ નીચેથી ખેંચી. બેસ્યો…. ત્યાંસુધી સ્મિત સ્થિતપ્રજ્ઞ હતું.
ખુશી ચિલ્લાવા લાગી, ‘હું એક કલાકથી વેઈટ કરતી હતી ! ક્યાં હતો તું ? ’
‘કાલ રાતે ઓફિસથી મોળો આવ્યો.’ ક્લાઉડીયસની બચાવ પ્રયુક્તિઓ શરૂ.
‘હા, મને બધી ખબર છે, કાલ રાતે ઓફિસથી મોળો આવ્યો, મોજુ લઈ કર્યું ઘા અને સીધુ કબાટ ઉપર. કપડાંઓ વેરવિખેર પડ્યા હશે. એક કપડાંની જોડીને માંડ માંડ ઈસ્ત્રી કરી હશે. એટલામાં તો ચા અને પછી દુધ… તમારો સમય ન આપવાના કારણે ઉભરી ગયા હશે. વોશિંગમશીન ચાલતું નહીં હોય એટલે ઘર પર હજુ કપડાંનો ઢગલો અસ્તવ્યસ્ત પડ્યો હશે. કબાટ પરથી મોજુ ઉતાર્યું હશે અને મોજુ ઉતારવાની સાથે ખોવાયેલી કોઈ ચીજ પણ મળી ગઈ હશે. ’
ક્લાઉડીયસ જોતો રહ્યો, મનમાં બબડ્યો, ‘આને કેટલું યાદ છે… મારી દૈનિક ક્રિયા વિશે.’ આમ પણ ક્લાઉડીયસની દૈનિક ક્રિયામાં કંઈ હતું નહીં. ઓફિસ અને ઘર વચ્ચે બધુ પતી જતું. ઓફિસનું પગથિયુ અને ઘરનું પગથિયું. માથુ ધુણાવ્યું અને અત્યારે ક્યાં બેઠો છે તેને યાદ આવ્યું.
‘સોરી લેટ આવવા બદલ. હવે કંઈક ઓર્ડર કર.’
‘મને આમ પણ રસ નથી રહ્યો. અહીં કંઈ સારૂ નથી મળતું.’ ખુશીએ નારાજગી વ્યક્ત કરી.
‘બહાર જઈએ. નજીકમાં જ એક લોજ ખુલી છે.’
હોટેલના રિસેપ્શનિસ્ટે કરડાકીભરી નજરથી જોયું અને બંન્નેએ ચાલતી પકડી. ફુટપાથ પર ચાલતા સમયે ખુશી ક્લાઉડીયસથી અંતર રાખી રહી હતી. ફુટપાથ સાંકડો થયો એટલે બંન્ને નજીક આવ્યા. નજીક આવવા માટે પણ રોડે સાંકળુ થવું પડ્યું. ક્લાઉડીયસે ખુશીના હાથમાં પોતાનો હાથ પરોવ્યો. ખુશીએ આનાકાની ન કરી. માની ગઈ… ક્લાઉડીયસને લાગ્યું. રોડક્રોસ કર્યો અને પહોંચ્યા લોજ પર. કડક ચા મંગાવી અને વાત શરૂ કરી.
‘તારી બાને કેમ છે ?’
‘બા ગામડે છે.’ ક્લાઉડીયસે ટુંકો જવાબ આપ્યો.
થોડીવાર શાંતિ પથરાઈ. આજુબાજુમાં છોકરાઓની કિકિયારી. વાહનોના અવાજ અને ધુમાડો દેખાયો. ચોખ્ખો. ટ્રાફિક પોલીસનો હાથ અને એવુ બધુ.
‘તારા કાકાનું ઓપરેશન કર્યું હતું ને ખુશી ?!’ ખુશીની નજર તેના પર નથી એટલે તેણે ખુશીનું ધ્યાન હટાવ્યું.
‘હા…’ ટુંકાણ સાથે વાત પૂરી કરી.
‘હવે કેવુ છે ?’
‘સારૂ છે, ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે.’
‘વૉકિંગ સારૂ.’
‘જે માણસનું એક્સિડન્ટ થયું હોય અને ડાબો પગ ભાંગ્યો હોય, તેને તું વૉકિંગ કરવાનું કહે છે.’
‘ફ્રુટ ખાવા શરીર માટે સારા રહેશે.’ ક્લાઉડીયસે ભૂલ સુધારી. ખુશી તેને તાકતી રહી. સમય વધારે થઈ ગયો છે એટલે નજર ફેરવી લીધી. થોડીવારમાં ઉભા થયા. ચાલતી પકડી. કોલેજ સુધી પહોંચ્યા અને જૂની યાદો જીવતી થઈ ગઈ, ‘ખબર છે એક વર્ષ પહેલા આપણે આ પાળીએ બેસતા હતા.’
‘એ યાદ કરવાનો આ કોઈ વખત છે ?’
‘હા, આપણા પ્રેમસંબંધની શરૂઆત થઈ હતી, હું લેક્ચર બંક મારતો, તારૂ ભણવામાંથી મન ન હટતું, અને પછી તુ મોડે મોડેથી આવતી. મને રાહ જોવડાવતી.’
‘અને હવે તું મને રાહ જોવડાવે છે.’
‘શેની ?’
‘તને ખબર છે.’
‘સમય સમયની વાત છે.’ ક્લાઉડીયસે ફિલોસોફી જાટકી.
‘અને ત્યાં…’ ખુશીએ તેને અટકાવ્યો, ‘હા, હવે તને પહેલી કિસ યાદ આવતી હશે. ત્યાં જ્યાં પ્રેમીપંખીડા ખુણામાં લપાઈને કરતા હતા.’
‘તું પહેલા તો આવી નહોતી.’ ક્લાઉડીયસે ભોળો ચહેરો કર્યો.
‘તારી સાથે રહી રહીને થઈ ગઈ છું.’
‘મારા કરતા તો તુ તારા ઘરમાં વધુ રહે છે, આ તારા પરિવારની સંગતનો અસર છે.’
ખુશીએ જવાબ આપવાનું ટાળ્યું. બાકી આ વાતો પૂરી નહોતી થવાની. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો ખબર ન રહી. ખુશી અને ક્લાઉડીયસ રવિવારે રખડ્યા કર્યા. જુહુ બીચ માણસોથી ખદબદતો હતો.
ખુશી અને ક્લાઉડીયસ દરિયાના મોજાને જોતા પાળી પર બેઠા હતા. દરિયો સુરજને ગળી રહ્યો હતો. થોડીવારમાં આખો ગળી જશે. ક્લાઉડીયનું ધ્યાન ત્યાં સ્થિર હતું. તેની એકાગ્રતા જોઈ ખુશી તેના ચહેરાને નિરખવા લાગી. અંતર ઘટ્યું અને ખુશીના ડ્રેસે રેતીને હડસેલી ક્લાઉડીયસના ખભ્ભા પાસે માથુ ટેકવ્યુ. રાતના સાતેક વાગ્યે બંન્ને છુટા પડ્યા.
ખુશીના દિવસની જેમ શરૂઆત થવાની હોય તેમ, પણ ક્લાઉડીયના જીવનની શરૂઆત તેના બીજા દિવસો કરતા અલગ થઈ. નવી શરૂઆત માની લો. સાફ રૂમ, ગોઠવેલા બુટ. કપડાં ટીંગાયેલા. ઉઠીને પાણી ભરી લીધુ. વૉશિંગ મશીન કાલે જ સરખુ કરી લીધેલું. રાત્રે કપડાં ધોઈ નાખેલા. સુકાયેલા કપડામાંથી એક કપડાંની ઈસ્ત્રી કરી. દુધને ઉભરાવા ન દીધુ, ‘હવેથી ધ્યાન રાખવું પડશે. ’
આજે ઓફિસેથી તેણે રજા લીધી હતી. ઉબેર કાર વહેલી બુક કરાવી લીધેલી. ઘરની બહાર નીકળ્યો અને કાર આવી ગઈ. આજે રોજ કરતા અલગ દિવસ હતો અને બધુ સમયસર થઈ રહ્યું હતું.
કારમાં ગીત વાગ્યું, ‘ન જાને ક્યૂં… હોતા હૈ…’ ક્લાઉડીયસે ગીતને કલ્પનામાં ઠસાવી ખુશીને યાદ કરવા માંડી. એક આંચકા સાથે કાર ઉભી રહી. ક્લાઉડીયસ ઉતર્યો. એટલામાં એક કાળા કલરનો કોર્ટ પહેરેલો માણસ તેની સામે આવ્યો.
ક્લાઉડીયસનું ધ્યાન ન હતું. એ માણસે આવી ક્લાઉડિયસને કહ્યું,‘સર, બધા ડૉક્યુમેન્ટસ મેં તૈયાર કરી લીધા છે, ખુશી મેડમ તમારી રાહ જુએ છે, જજ પણ આવી ગયા છે, તમે સાઈન કરો એટલે રિકોન ફાઈનલ કરીએ.’
‘રિકોન એટલે શું ?’ ક્લાઉડીયસે જાણવા ખાતર પૂછ્યું.
‘સર રિકોન જાપાની શબ્દ છે, જેનો અર્થ થાય છે છૂટાછેડા, હું લાંબા સમયસુધી જાપાનમાં હતો એટલે આવા શબ્દો બનાવી ક્લાયન્ટને સંભળાવ્યા કરૂ છું. ક્લાયન્ટને મજા આવે છે, દુ:ખ ઓછુ થાય છે.’ ક્લાઉડીયસને શબ્દ ગમ્યો. રિકોન એટલે છૂટાછેડા અને તે પગથિયા ચઢવા માંડ્યો.
~ મયુર ખાવડુ
Leave a Reply