Sun-Temple-Baanner

જશને બદલે જૂતાં – ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જશને બદલે જૂતાં – ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું!


ટેક ઓફ – જશને બદલે જૂતાં – ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું!

Sandesh – Ardh Saptahik Purti – 27 July 2016

ટેક ઓફ

“આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સમગ્ર ધ્યાન સતત મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવામાં ખર્ચાય છે. શું ભારતમાં કેવળ મુસ્લિમોને જ રક્ષણની જરુર છે?દલિતોને અને ભારતીય ખ્રિસ્તીઓને પ્રોટેકશનની જરુર નથી? ખરેખર તો મુસ્લિમો કરતાં આ સમુદાયોની વધારે સંભાળ લેવાની જરુર છે, એમના પર વધારે ધ્યાન આપવાની જરુર છે, પણ નેહરુજી કેમ તેમના પ્રત્યે કયારેય કશી દરકાર દેખાડતા નથી?”

* * * * *

ગુજરાતમાં દલિત-શોષણનો મુદ્દો ચગતાં જ રાહુલ ગાંધીમાં એવી કરુણા જાગ્રત થઈ કે તેઓ ધડાધડ ઊના ધસી આવ્યા. એના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે સંપૂર્ણ મીડિયાની હાજરીમાં પીડિતના ખબરઅંતર પૂછવા ઊના દોડી આવવાનો કાર્યક્રમ બનાવી નાખ્યો. આ સાથે જ જાણે આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચુંટણીની સિઝનની વિધિવત શરુઆત થઈ ગઈ.

દર વખતની જેમ આ વખતે પણ અમુક સ્વચ્છ અને બાહોશ ઉમેદવારોથી લઈને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા કલંકિત ઉમેદવારો ચૂંટણી લડશે… અને દર વખતની જેમ આ વખતે પણ કેટલાય સારા કેન્ડિડેટ્સ હારશે, તેમની સામે નકામા ને નઠારા ઉમેદવારો જીતી જશે.

આ કંઈ નવી વાત નથી. ઊંડી કર્તવ્યનિષ્ઠા ધરાવતો, બુદ્ધિશાળી, ધીરગંભીર અને સમાજ માટે સારું કામ કરી શકતો ચોખ્ખો ઉમેદવાર સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણીથી હારતો આવ્યો છે. આનાં અનેક ઉદાહરણો છે. અત્યારે ફ્કત બે જ જોઈશું. પહેલું દષ્ટાંત છે, ભારતીય બંધારણના રચયિતા અને દલિત નેતા ડો. ભીમરાવ રામજી આંબેડકરનું.

દલિત મહાર જ્ઞાાતિમાં જન્મેલા ડો. આંબેડકર દરિદ્ર માબાપનું તેઓ ૧૪મા નંબરનું સંતાન હતા. સમજણા થયા ત્યારથી તીવ્ર આભડછેટનો ભોગ બનતા રહૃાા. સતત અપમાન થયા કરે. નિશાળમાં શિક્ષક એને બ્લેકબોર્ડને અડવા ન દે. એનું લેસન ન તપાસે. કોઈ તેને રમાડે નહીં. વિદ્યાર્થીઓ સાથે પાણી ન પી શકે. અરે, પરબ પર પણ પાણી પીવાની છૂટ નહીં. સંસ્કૃત ભણવાની તીવ્ર ઈચ્છા, પણ “શૂદ્રોથી સંસ્કૃત ન ભણી શકાય” એમ કહીને માસ્તર ના પાડી દે. વિદેશમાં ભણવું આજે પણ લકઝરી ગણાય છે, પણ આંબેડકરે આવી કપરી પરિસ્થિતિમાંય પોતાના બુદ્ધિબળે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં આજથી સો વર્ષ પહેલાં એડમિશન લીધું હતું. પછી ઇંગ્લેન્ડ અને થોડા સમય માટે જર્મનીમાં પણ ભણ્યા. ભયાનક અશ્પૃશ્યતા વચ્ચે ઉછરેલો ગરીબ ઘરનો દલિત છોકરો એ જમાનામાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી એમ.એ., પીએચ.ડી, ડી.સી.એસ. જેવી ઊંચી ડિગ્રીઓ મેળવી શકે તે અકલ્પ્ય બાબત હતી.

ભારત આઝાદ થયો પછી ડો. આંબેડકર જેવા બિન-કોંગ્રેસીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું તેની પાછળ ગાંધીજીનું સૂચન કામ કરી ગયું હતું. સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સંભવતઃ આંબેડકર કરતાં બહેતર કાયદાપ્રધાન મળ્યો ન હોત. જોકે નેહરુ-આંબેડકરનો સથવારો લાંબો ન ચાલ્યો. વિખવાદનાં ઘણાં કારણોમાંનું એક હિન્દુ કોડ બિલ હતું, જે તૈયાર કરવાની જવાબદારી આંબેડકરને સોંપવામાં આવી હતી. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્ર્રો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો અભ્યાસ કરીને, ધર્મને સહેજ પર હાનિ ન પહોંચે તે રીતે તેમણે હિન્દુ સ્ત્રીને પુરુષ સમાન અધિકાર આપતું હિન્દુ કોડ બિલ તૈયાર કર્યુ. રુઢિવાદી હિન્દુઓ ખફા થઈ ગયા. ડો. આંબેડકરને તેમણે હિન્દુવિરોધી ગણ્યા અને બિલનો જબરો વિરોધ કર્યો. આ કદાચ અપેક્ષિત હતું, પણ નેહરુ રંગ બદલશે એવી અપેક્ષા આંબેડકરે નહોતી કરી. નેહરુજી મૂળ તો હિન્દુ કોડ બિલના સમર્થક હતા, પણ ખરેખરો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે ફરી ગયા. નેહરુની આ નીતિથી નારાજ થઈને આંબેડકરે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું.

નેહરુજી જે રીતે દલિતોની ઉપેક્ષા કરતા હતા તે પણ ડો. આંબેડકરને ખટકતું હતું. ૨૭ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ ડો. આંબેડકરે વિદાય થઈ રહેલા કાયદાપ્રધાન તરીકેની પોતાની લાંબી રેઝિગ્નેશન સ્પીચમાં ચોખ્ખું કહ્યું હતું કે, “આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સમગ્ર ધ્યાન સતત મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવામાં ખર્ચાય છે. શું ભારતમાં કેવળ મુસ્લિમોને જ રક્ષણની જરુર છે?દલિતોને અને ભારતીય ખ્રિસ્તીઓને પ્રોટેકશનની જરુર નથી? ખરેખર તો મુસ્લિમો કરતાં આ સમુદાયોની વધારે સંભાળ લેવાની જરુર છે, એમના પર વધારે ધ્યાન આપવાની જરુર છે, પણ નેહરુજી કેમ તેમના પ્રત્યે કયારેય કશી દરકાર દેખાડતા નથી?”

આઝાદ થઈ ગયેલા ડો. આંબેડકરે પછી ૧૯૫૨માં ભારતની સર્વપ્રથમ લોકસભાની ચૂંટણીમાં શિડયુલ કાસ્ટ ફેડરેશન તરફ્થી મુંબઈમાં ઉમેદવારી કરી. એ વખતે આચાર્ય કૃપલાણી જેવા કેટલાક સમાજવાદીઓ પણ ચુંટણી લડી રહૃાા હતા. કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભા ન રાખ્યા, પણ ડો. આંબેડકર સામે નારાયણરાવ સદોબા કજરોલકરને ખડા કરી દીધા. આંબેડકરને હરાવવા કોંગ્રેસે દલિતોમાં પેટા જ્ઞાાતિવાદ વકરાવ્યો હોવાનું પણ કહેવાય છે. જેમના માટે આંબેડકરે લોહી-પાણી એક કર્યા હતા એ દલિતોએ જ એમને ખૂલીને મત ન આપ્યા. પરિણામે આંબેડકર ૧૪,૨૭૪ મતથી ચૂંટણી હારી ગયા.

૧૯૫૪માં ભાંડારાની પેટાચૂંટણીમાં ડો. આંબેડકરે ફરી ઉમેદવારી કરી. કોંગ્રેસે આ વખતે ભાઉરાઉ બોરકરને પોતાના ઉમેદવાર બનાવીને તેમને જીતાડવા ખૂબ મહેનત કરી. ડો.આંબેડકર ફરીથી હાર્યા. કોંગ્રેસ કદાચ પૂરવાર કરવા માગતી હતી કે ભાઉરાવ જેવો સાત ચોપડી પાસ માણસ પણ આંંબેડકરને હરાવી શકે છે!

“આપણા સમાજસુધારકો” પુસ્તકમાં લેખક ટિપ્પણી કરે છે, “પોતાને દલિતોનાજિતેન્દ્ર પટેલ મસીહા તરીકે ઓળખાવતા આજના કોંગ્રેસીઓ તેમના આ (આંબેડકરને ધરાર હરાવવાના) કૃત્ય પર પડદો પાડે છે. જનસંઘે ડો. આંબેડકર સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો, એટલું જ નહીં, દત્તોપંત ઠેંગડી જેવા સંઘના પ્રચારકોએ તેમના માટે ચૂંટણીપ્રચારનું કાર્ય કરેલું. ડો. આંબેડકર ભાંડારાની પેટાચૂંટણી પણ હારી ગયા, કારણ કે ત્યારે જનસંઘ અને અન્ય પક્ષોનો પ્રભાવ ખૂબ ઓછો હતો.”

દેખીતી રીતે જ નારાયણરાવ કજરોલકર અને ભાઉરાવ બોરકર બન્ને કરતાં ડો. આંબેડકર અનેકગણા લાયક ઉમેદવાર હતા, છતાં તેઓ પરાજિત થયા.

બીજું ઉદાહરણ ડો. વસંત પરીખનું છે.

ડો. વસંત પરીખ (૧૯૨૯-૨૦૦૭) આંખોના ડોકટર હતા. દોઢ વર્ષની ઉંમરે અનાથ થઈ ગયા પછી કાકા-કાકી પાસે પહેલાં મુંબઈ અને પછી વડનગરમાં ઉછર્યા. ખૂબ સંઘર્ષ કર્યો. આંખના ડોકટર બન્યા. એમના દવાખાનાની બહાર પાટિયું લગાડવામાં આવ્યું હતું – “કોઈ માણસ પૈસાના અભાવે અહીંથી સારવાર લીધા વગર પાછો ન જાય”! પોતાનાં બહેનની સ્મૃતિમાં એમણે એક ટી.બી. હોસ્પિટલ પણ શરુ કરી હતી. ડો. પરીખનો માનવીય અભિગમ વડનગરની આસપાસના વિસ્તારમાં જાણીતો બન્યો. તેમની લોકચાહના જોઈને મિત્રોએ સલાહ આપીઃ ડોકટર થઈને તમે ફ્કત દર્દીઓની જ સેવા કરી શકો છો. તમારે આખા સમાજની સેવા કરવા જાહેરજીવનાં પ્રવેશવું જોઈએ.

ડો. વસંત પરીખના ગળે વાત ઉતરી. ૧૯૬૭માં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પોતાના ખેરાલુ મતવિસ્તારમાં અપક્ષ ઊભા રહૃાા. પ્રચાર માટે ફ્કત છ હજાર રુપિયા ખર્ચ કર્યો. આ રકમ પણ મિત્રો-શુભેચ્છકો પાસેથી ઉઘરાવી હતી. તેઓ જીતી ગયા. વિધાનસભામાં પોતાના વિસ્તારના પ્રશ્નોની તેમણે સરસ રજૂઆત કરી. ધરોઈ ડેમ ડો. પરીખની કલ્પના હતી. તેને સાકાર કરવા માટે ડો. પરીખે ગાંધીનગરથી ૧૬૮ કિલોમીટરની પદયાત્રા કરી હતી. ઈન્દિરા ગાંધી પાસે મજબૂત રજૂઆત કરીને ડેમ માટે મંજૂરી મેળવી. આજે ધરોઈ ડેમને લીધે ઊંઝા અને આસપાસના વિસ્તારના ખેડૂતોને પાણી મળે છે તેની પાછળ ડો. પરીખની મહેનત છે.

મજા જુઓ. પહેલાં ડોકટર તરીકે અને પછી ધારાસભ્ય તરીકે માનવકલ્યાણના આટલાં બધાં કામ કર્યા હોવા છતાં ડો. વસંત પરીખ ૧૯૭૨ તેમજ ૧૯૯૫ની ચૂંટણીમાં હાર્યા. કારણ? પટેલવાદ. ગુજરાતનું રાજકારણ જ્ઞાાતિવાદથી ખરડાઈ ચૂકયું હતું. જે લોકોની દિવસ-રાત સેવા કરી હતી તે જ લોકોએ ડો. પરીખને મત ન આપ્યા. દલિતોે જે રીતે ડો. આંબેડકરને મત આપવામાં પાછળ પડયા, તેમ.

પરાજય થયા પણ ડો. પરીખનું સેવાકાર્ય અવિરત ચાલતું રહ્યું. વડનગર નાગરિક મંડળ, ભણસાળી ટ્રસ્ટ અને રાધનપુરના સર્વોદય આરોગ્યનિધિના નેત્રયજ્ઞાોમાં તેમણે આજીવન સેવા આપી. તેમણે અને તેમની ટીમે કરેલાં આંખનાં ઓપરેશનોનો આંકડો દોઢ લાખ કરતાં વધી જાય છે. ૧૯૮૪થી બિહારના બોધિગયામાં દર બાવીસ વર્ષ સુધી તેેઓ નિયમિત સેવા આપવા જતા. ૭૮ વર્ષની પાકી ઉંમરે તેઓ નવ-નવ કલાક ઊભા રહીને દર્દીઓનું નિદાન અને ચિકિત્સા કરતા. ડો. વસંત પરીખ જેવો કર્મઠ માણસ ચૂંટણી જીતીને લોકોનું અનેકગણું વધારે ભલું કરી શકયા હોત તે સમજી શકાય છે.

ઉમેદવાર દલિત હોય કે સવર્ણ, ચૂંટણીમાં સારા અને સાચા માણસ હારે છે અને ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવતા નઠારા ઉમેદરવારની જીતવાની શકયતા હંમેશાં વધારે રહે છે. આપણી મહાન લોકશાહીની આ કમનસીબી છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.