Sun-Temple-Baanner

કલાકાર એ છે જેની પાસે સવાલો છે, જવાબો નહીં


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કલાકાર એ છે જેની પાસે સવાલો છે, જવાબો નહીં


ટેક ઓફ: કલાકાર એ છે જેની પાસે સવાલો છે, જવાબો નહીં

Sandesh – Ardh Saptahik Purti – 6 July 2016

ટેક ઓફ

હેન કાંગ નામનાં લેખિકાને તાજેતરમાં બૂકર પ્રાઈઝ મળતા એકાએક કોરિઅન સાહિત્ય પ્રકાશમાં આવી ગયું છે. કહેનારાઓ કહે છે કે કોરિયા દેશ હેન કાંગ જેવો કોહિનૂર હીરો આટલાં વર્ષોથી સંતાડીને બેઠો છે એની અત્યાર સુધી કોઈને ખબર કેમ ન પડી!

* * * * *

‘કોરિયા’ નામ કાને પડે એટલે આપણને સામાન્યપણે કાં તો નોર્થ કેરિયાનો માથાફરેલો શાસક ક્મિ જોંગ યાદ આવે, કાં કોરિઅન ફ્લ્મિોમાંથી ઉઠાંતરી કરીને બનાવવામાં આવતી હિન્દી ફ્લ્મિો ને તેના મેકરો યાદ આવે, કાં સેમસંગ અને હૃાુંડાઈ જેવી જાયન્ટ ક્ંપનીઓ મનમાં ઝબકે, કાં તો પેલું અતિ ગાજેલું કોરિઅન પોપસોંગ ‘ગંગનમ સ્ટાઈલ’ની ઘોડાસવારીવાળાં સ્ટેપનાં વિઝ્યુઅલ્સ ચિત્તના પડદા પર હલબલ થવા માંડે અથવા સૉલ ઓલિમ્પિકસનું સ્મરણ થાય. કોરિયામાં પોલિટિક્સ, બિઝનેસ, સિનેમા, સંગીત, સ્પોર્ટ્સ ઉપરાંત કોરિઅન સાહિત્ય જેવું પણ કશુંક ધબક્તું હોઈ શકે છે એવું આપણને ત્વરિત સૂઝતું નથી. એનું કારણ છે. આપણને, રાધર, આખી દુનિયાને કોરિઅન સાહિત્યનું એક્સપોઝર ખાસ મળ્યું જ નથી. રડયાખડયા અપવાદને બાદ કરો તો છેક્ એંસીના દાયકામાં કોરિઅન સાહિત્ય પહેલાં અંગ્રેજીમાં અને ત્યાર બાદ અન્ય થોડીઘણી ભાષાઓમાં પહોંચવાનું શરૂ થયું. શરૂઆતમાં નબળા અનુવાદો થયા. ધીમે ધીમે અનુવાદની ગુણવત્તા સુધરતી ગઈ. તાજેતરમાં એક કોરિઅન સાહિત્યકારે ‘મેન બૂકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ’ અથવા આપણે જેેને ટૂંક્માં ‘બૂકર પ્રાઈઝ’ ક્હીએ છીએ તે જીતી લીધું. બૂકર પ્રાઈઝ જેવું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા પામેલું ઈનામ કેઈ કોરિઅનને મળ્યું હોય તેવું પહેલી વાર બન્યું. (બાય ધ વે, મેન બૂકરમાં ‘મેન’ શબ્દનો સંબંધ પુરુષત્વ સાથે નહીં પણ ‘મેન ગ્રૂપ’ નામની બ્રિટનની ટોચની ઓલ્ટનેટિવ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એજન્સી સાથે છે. બૂકર પ્રાઈઝ મેન ગ્રુપ સ્પોન્સર કરતું હોવાથી અવોર્ડના નામની આગળ ‘મેન’ શબ્દ ઉમેરી દેવામાં આવ્યો છે.)

આ વખતની બૂકર પ્રાઈઝ વિનર લેખિકનું નામ છે, હેન કાંગ. જે નવલક્થાને લીધે એમને આ ઇનામ મળ્યું એનું અંગ્રેજી શીર્ષક છે, ‘ધ વેજિટેરીઅન’. એક્દમ ધ્યાન ખેંચે એવી વાત એ છે કે પચાસ હજાર ડોલર (લગભગ પચાસ લાખ રૂપિયા)નું ઈનામ લેખિકા અને પુસ્તક્નો અંગ્રેજી અનુવાદ કરનાર ડેબોરા સ્મિથ નામની મહિલા વચ્ચે સરખે ભાગે વહેંચી નાખવામાં આવ્યું છે. સર્જક અને અનુવાદક બન્ને પ્રાઈઝમનીનાં સમાન હક્દાર!

૪૫ વર્ષીય હેન કાંગ કોરિયામાં ઓલરેડી સેલિબ્રિટી લેખિકાનો દરજ્જો ભોગવતાં હતાં. તેમને સ્થાનિક અવોર્ડ્ઝ તો ઘણા બધા મળી ચૂકયા છે, પણ બૂકર પ્રાઈઝને કારણેે હવે આખી દુનિયાનું ધ્યાન એમની તરફ્ ખેેંચાયું છે. ‘ધ વેજિટેરીઅન’ ઓરિનિજલ કોરિઅન ભાષામાં તો છેક ૨૦૦૭માં પ્રકાશિત થઈ ગઈ હતી. એનો અંગ્રેજી અનુવાદ બહાર પડયો છેક ૨૦૧૫માં. વચ્ચેનાં આઠ વર્ષમાં હેન કાંગે બીજી ત્રણ નવલક્થાઓ લખી નાખી હતી. ‘ધ વેજિટેરીઅન’ એ અંગ્રેજીમાં અવતરેલી હેન કાંગની પહેલી નવલક્થા.

એવું તો શું છે આ કૃતિમાં?

સ્થૂળ ઘટનાના સ્તરે ક્હીએ તો, ત્રણ ભાગમાં વહેંચાયેલી આ ક્થામાં યેઓંગ-હાઈ નામની એક્ ગૃહિણી છે. સીધીસાદી અને ઘરરખું.એક વાર એને જાણે સપનામાં ક્શીક આજ્ઞાા થાય છે અથવા તો પ્રેરણા મળે છે ને એ શાકાહારી બનવાનો નિર્ણય લે છે. હાડોહાડ માંસાહારી એવો એનો પરિવાર વિરોધ કરે છે, પણ સ્ત્રી વિદ્રોહના મૂડમાં આવી ગઈ છે. એનો વિદ્રોહ ઉત્તરોત્તર વિચિત્ર અને ખતરનાક બનતો જાય છે. ઘરના સભ્યો સાથેના એના સંબંધોમાં તિરાડ પડે છે, એટલું જ નહીં, એના સંબંધો વધારે હિંસક અને શરમજનક બનતા જાય છે. ઘર, પરિવાર અને સમાજ આ ત્રણેય સ્તરેથી સ્ત્રીને જાકારો મળે છે. વાર્તામાં શાકાહારી બનવાની વાતને, અફ્કોર્સ, પ્રતીક તરીકે જોવાની છે. વિવેચકોને આ નવલક્થા અતિ ડાર્ક તથા ડિસ્ટર્બિંગ અને છતાંય અત્યંત ખૂબસૂરત અને જક્ડી રાખે એવી લાગી છે.

નોબલ પ્રાઈઝ વિનર સાઉથ અમેરિક્ન લેખક ગેબ્રિઅલ ગાર્સિયા માર્કેઝે એક વાર ક્હેલું કે એકલતા એક એવો વિષય અથવા કન્દ્રીય ભાવ છે જેના તરફ્ હું વારે વારે આર્કષતાે રહૃાો છું. વાર્તાનું માળખું અને પાત્રો બદલાતાં રહે, પણ વાત તો એક્લતાની જ રહે.

ઉત્તમ લેખકે – ક્લાકારોનું બોડી-ઓફ-વર્ક અથવા તો સમગ્ર સર્જન જુઓ તો અમુક એવાં કન્દ્રબિંદુઓ જરૂર જડી આવવાનાં, જેના ફરતે એક કરતાં વધારે કૃતિઓનું સર્જન થયું હોય.

હેન કાંગની વાત કરીએ તો તેઓ ખુદ વચ્ચે થોડાં વર્ષો માટે શાકાહારી બની ગયાં હતાં. તે વખતે એમનાં પરિવારે એમને પાછાં માંસાહાર તરફ્ વાળવા માટે ખાસ્સો ઉદ્યમ ર્ક્યો હતો. ઘરના લોકોનું વર્તન જોકે ક્ડવું નહીં પણ રમૂજી હતું. કોઈ પણ લેખક ખુદના અનુભવો અને લાગણીઓનો ટ્રિગર પોઇન્ટ તરીક ઉપયોગ કરતો હોય છે, અનુભવનો શેડ અને ટોન જરૂરિયાત પ્રમાણે બદલી નાખતો હોય છે. હેન કાંગે એમ જ ર્ક્યું. પોતાના શાકાહારી બનવાનો અનુભવ એમણે ‘ધ વેજિટેરીઅન’ લખતી વખતે ઉપયોગમાં લીધો. જો કે આ નવલક્થાના ખરેખરાં મૂળિયાં તો એમણે છવ્વીસ વર્ષની ઉંમરે લખેલી ‘ફ્રુટ્સ ઓફ્ માય વુમન’ નામની ટૂંકી વાર્તામાં દટાયેલાં છે. લાભશંક્ર ઠાકરના વિખ્યાત એકાંકી ‘વૃક્ષ’માં એક જીવતોજાગતો માણસ ઝાડ બની જાય છે અને પછી આખું નાટક આ ઘટનાની આસપાસ આકાર લે છે. હેન કાંગની પ્રતીકાત્મક નવલિકામાં પણ એવું જ ક્શુંક થાય છે. એક ક્પલ છે. એક વાર પતિ ઓફ્સિેથી ઘરે આવે છે ત્યારે જુએ છે કે પત્ની નાનક્ડા છોડમાં પરિવર્તિત થઈ ગઈ છે. પતિ એને એક કૂંડામાં રોપે છે, એને પાણી પાય છે, એની સંભાળ રાખે છે. ઋૃતુ બદલતાં છોડ પોતાનાં છેલ્લાં બીજ ‘થૂંક’ છે. પતિ આ બીજ બાલ્ક્નીમાં ફેંકી દે છે. પછી એના મનમાં વિચાર આવે છે કે ફરી પાછી સિઝન બદલાશે ત્યારે મારી છોડરૂપી પત્ની નવેસરથી ખીલશે કે નહીં ખીલે?

‘આ નવલિકમાં જાદુઈ તત્ત્વો હતાં, પણ તે ડાર્ક નહોતી,’ હેન કાંગ એક મુલાકાતમાં ક્હે છે, ‘મને થયું કે આ આખી વાત મારે જુદા દ્રષ્ટિકોણ સાથે નવેસરથી ક્હેવી જોઈએ. હું વર્ષો સુધી તેના વિશે વિચારતી રહી. ધીમે ધીમે ‘ધ વેજિટેરીઅન’નું આખું માળખું સ્પષ્ટ થતું ગયું. આ નવલક્થા પહેલાં જ પાનેથી ડાર્ક અને એક્દમ જુદી બની છે.’

તો શું માનવપ્રકૃતિમાં રહેલું અસુરી તત્ત્વ યા તો ડાર્કનેસ એ હેન કાંગને સૌથી વધારે આકર્ષતો ભાવ છે? તેઓ ક્હે છે, ‘હું એક જ વિષયને વારે વારે એક્સપ્લોર કરતી નથી, પણ હા, એક પ્રશ્ન જરૂર છે જે મને હંમેશા ખેંચતો રહે છે અને મારાં લખાણોમાં અવારનવાર દેખાતો રહે છે. તે છે હૃાુમન વાયોલન્સ. એક માણસ દ્વારા બીજા માણસ પર આચરવામાં આવતી હિંસા. જેમ કે, ‘ધ વેજિટેરીઅન’માં એક સ્ત્રી પોતાના જીવના ભોગે આસપાસ સતત ઝળુંબતી હિંસાનો વિરોધ કરે છે. મારી બીજી એક નવલક્થાની નાયિકા ભાષામાં રહેલી હિંસાનો વિરોધ કરે છે ને સમૂળગી ભાષાને જ નકારી કાઢે છે. મને ખુદને ભલે હિંસાનો ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ નથી, પણ મારી પેઢીએ જુવાનીમાં હિંસાનો સંદર્ભ સતત જોયો છે.’

હેન કાંગ જે હિંસાના સંદર્ભની વાત કરે છે તેનો સંબંધ કેરિયામાં ૧૯૮૦ના મે મહિનામાં બનેલા લોહિયાળ ઘટનાક્રમ સાથે છે. ગ્વાન્જગુ નામનાં કોરિઅન શહેરમાં નાગરિકોએ સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. એમાં કેલેજિયનો પણ સામેલ હતા. સરકરે દમનનો વિકરાળ કોરડો વીંઝ્યો જેના લીધે ૬૦૦ કરતાં વધારે માણસો ક્મોતે મર્યા. આ બનાવ બન્યો એના થોડા અરસા પહેલાં જ હેન કાંગનો પરિવાર ગ્વાન્જગુથી સૉલ શિફ્ટ થઈ ગયો હતો. તે પછી એક વાર બન્યું એવું કે હેન કાંગના હાથમાં અચાનક એક ડાયરી આવી ગઈ. એમાં ગ્વાન્જગુ હત્યાકંડ વિશે વિદેશી મીડિયામાં જે લેખો-તસવીરો છપાયાં હતાં તેનાં કટિંગ્સ ચીપકાવેલાં હતાં. માબાપે આ ડાયરી બાળકોના હાથમાં ન આવે તે રીતે છુપાવી રાખી હતી. આ ડાયરી જડી ત્યારે હેન કાંગ હજુ ટીનેજર હતાં.

‘મને હજુય બરાબર યાદ છે. એ ઘાતકી રીતે છુંદાયેલા, ક્પાયેલા ચહેરાની તસવીરો જોઈને હું કાંપી ઊઠી હતી,’ તેઓ ક્હે છે, ‘ચુપચાપ, ક્શો જ શોરશરાબા ર્ક્યા વિના મારી ભીતર ક્શીક બહુ જ નાજુક વસ્તુ તૂટી ગઈ. એ નાજુક વસ્તુ શું છે તે હું સમજી શકતી નહોતી.’

કોઈ ભીષણ દુર્ઘટનામાંથી અણીના સમયે બાલ-બાલ બચી જનાર માણસ કયારેક સર્વાઈવલ ગિલ્ટથી પીડાતો હોય છે (‘બીજા નિર્દોષ લોકો મરી ગયા તો હું શું કામ જીવી ગયો? હું ય કેમ ન મર્યો? હું આ જીવનને લાયક છું?’). હેન કાંગ આ પ્રકારના અપરાધીભાવ સાથે જીવ્યાં છે. કયારેક સમગ્ર પ્રજાની સામૂહિક પીડા ક્લાકારની વ્યકિતગત ચેતનાનો અંશ બની જતી હોય છે. ગ્વાન્જગુ હત્યાકંડની વિગતોનું ખોદકમ કરીને તેમણે ‘હૃાુમન એક્ટસ’ નામની નવલક્થા લખી. આ ‘ધ વેજિટેરીઅન’ પછીની કૃતિ.

‘મારી એક નવલક્થાએ જે પ્રશ્નો જન્માવ્યા હોય તેમાંથી મને ઘણી વાર નવી નવલક્થાનું બીજ મળી જતું હોય છે,’ હેન કંગ ક્હે છે, ‘દાખલા તરીક, ‘ધ વેજિટેરીઅન’માં મેં માનવીય હિંસા અને શ્રેષ્ઠતા હાંસલ કરવાની માણસની ક્ષમતા વિશે પ્રશ્નો ખડા ર્ક્યા છે. આપણે કંઈ છોડ કે ઝાડ ન બની શકીએ. આપણે જીવવા માગીએ છીએ. તો પછી આપણે હિંસક કેવી રીતે બની શકીએ છીએ? આ ચર્ચા મેં ‘ગ્રીક લેસન્સ’ નામની નવલક્થામાં આગળ વધારી છે, એવું ધારી લઈને કે હિંસક માહોલ વચ્ચે જીવવું અશકય નથી. સવાલ એ ઊઠે કે માનવની પ્રકૃતિમાં એવું તે શું છે જે એને હિંસા તરફ્ દોરે છે અથવા હિંસાથી દૂર લઈ જાય છે? પોતાનાં સંતાનને બચાવવા ખુદનો જીવ પણ આપી શક્તો માણસ અન્ય માણસની – કે જે બીજા કોઈનું સંતાન છે – એની હત્યા શી રીતે કરી શકે?’

પ્રશ્નો પૂછવા, પ્રશ્નોને ઘૂંટવા એ સાહિત્યકારનું કમ છે. હેન કાંગ ટીનેજર હતાં ત્યારે એમનાં દિમાગમાં ટિપિક્લ પ્રશ્નો પેદા થયા કરતા – હું કોણ છું? મારી આઈડેન્ટિટી શી છે? મારા જીવનનો હેતુ શો છે? લોકો શું કામ મરે છે? મર્યા પછી એમનું શું થાય છે? વગેરે.

‘આ પ્રશ્નોના ઉત્તર શોધવા હું પુસ્તકો તરફ્ વળતી. પુસ્તકોમાંથી મને કેઈ ઉત્તર ન જડતો, પણ આને કારણે સારી વાત એ બની કે હું વધારે તર્કસંગત પ્રશ્નો પૂછતાં શીખી. મને સમજાયું કે લેખક એ છે જેની પાસે સવાલો છે, જવાબો નહીં. હું નાનપણથી સાહિત્યના પ્રભાવ વચ્ચે ઊછરી છું. મારા ફાધર પણ લેખક છે. તેમની પાસે ચિક્કાર પુસ્તકો હતાં. અમે વારે વારે ઘર બદલતાં. અમારા ઘરમાં ખાસ ફર્નિચર ન હોય, પણ બારી-બારણાંને બાદ કરતાં ઘરનો એકએક ખૂણો, એકએક દીવાલો પુસ્તકોથી ઊભરાતાં હોય. મને નાનપણથી જ વાંચવાની આદત હતી. બહેનપણીઓને ત્યાં જતી ત્યારે મને નવાઈ લાગતી કે આ લોકોના ઘરમાં કયાંય પુસ્તકે કેમ દેખાતાં નથી? મારાં મા-બાપ મને વાંચવા માટે હંમેશાં પ્રોત્સાહિત કરતા. વાંચવાનો શોખ હતો એટલે લખવાનો શોખ પણ કુદરતી રીતે ઊતરી આવ્યો.’

કોરિઅન ફ્લ્મિો તરફ્ આખી દુનિયાનું ધ્યાન ઓલરેડી ખેંચાયું હતું, પણ હવે હેન કાંગને બૂકર પ્રાઈઝ મળવાથી તેઓ સ્વયં અને કોરિઅન સાહિત્ય એક્દમ પ્રકાશમાં આવી ગયાં છે. ક્હેનારાઓ ક્હે છે કે કોરિયા દેશ હેન કાંગ જેવો કોહિનૂર હીરો આટલાં વર્ષોથી સંતાડીને બેઠો છે એનો અમને અંદેશો પણ નહોતો! આ હીરાના ઝળહળાટમાં નાહવાની ખરેખર કેવીક મજા પડે છે એ તો ઓનલાઈન ઓર્ડર કરેલું ‘ધ વેજિટેરીઅન’ પુસ્તક પૂરેપૂરું વંચાઈ જાય એટલે ખબર.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Jul, 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.