ભાઈઓ વચ્ચેનો સબંધ કેટલી હદે સ્ફોટક, કેટલો ટોક્સિક હોઈ શકે?
————————————–
3 મેનઃ આજે અમદાવાદમાં આશ્રમરોડ સ્થિત પ્રયોગશાળા થિયેટરમાં સાંજે 6 વાગે જેનો શો યોજાયો છે તે ‘3 મેન’ નામનું ગુજરાતી નાટક મેં એક વીક પહેલાં જોયું, ગયા શનિવારે. નાટક હોય, વેબ શો હોય કે ફિલ્મ, Ankit Gorનું કામ મને આકર્ષક લાગે છે. અંકિત ‘3 મેન’ના રાઇટર-ડિરેક્ટર છે. સૌથી પહેલાં તો મને ‘પ્રયોગશાળા’ જગ્યા ખૂબ ગમી. ઇન્ટિમેટ, કૉઝી અને ક્રિયેટિવ. મુંબઈનું પૃથ્વી થિયેટર જે રીતે જુહુના રેસિડેન્શિયલ એરિયાની વચ્ચોવચ્ચ ચુપચાપ ધબકતું રહે છે એવું જ કંઈક ‘પ્રયોગશાળા’નું છે. ડિટ્ટો, પાલડીનું સ્ક્રેપયાર્ડ થિયેટર.
‘3 મેન’ શરૂ થતાં પહેલાં અનાઉન્સમેન્ટ થઈ કે નાટકનો આ દસમો શો છે (આજનો શો અગિયારમો) અને અમદાવાદમાં તૈયાર થયેલા નાટકના નંબર-ઓફ-શોઝનો આંકડો ડબલ ડિજિટમાં આવે એ સફળતાની નિશાની ગણાય છે. મારામાં બેઠેલા મુંબઈગરાને અચરજ થાય એવી આ વાત છે, કેમ કે મુંબઈનું મેઇનસ્ટ્રીમ નાટક 1– શોઝ તો રમતાં રમતાં કરી નાખે છે. તે 2—25–3– શોઝ કરે છેક ત્યારે એ વિશેષપણે સફળ થયું કહેવાય. (આ કોરોના પહેલાંના જમાનાની સ્થિતિ છે.) ઇવન, મનોજ શાહના સમાંતર રંગભૂમિ પર ભજવાતાં નાટકો પણ ધીમે ધીમે કરીને ખૂબ બધા શોઝ કરી નાખે છે. ખેર, મુંબઈની ગુજરાતી રંગભૂમિ અને અમદાવાદની ગુજરાતી રંગભૂમિ – આ બન્ને બહુ અલગ વસ્તુઓ છે અને એમની તુલના ન કરવી જોઈએ.
મૂળ વાત પર આવીએ.
‘3 મેન’ નાટકમાં સમાંતર અને કમર્શિયલ રંગભૂમિનું ફ્યુઝન થયું છે. એનું ફૉર્મ, એનું ગ્રામર, એના લૂક-એન્ડ-ફીલ એક્સપેરિમેન્ટલ શૈલીનાં છે, જ્યારે નાટકના કથાનકમાં સંબંધોના ટકરાવ અને આરોહ-અવરોહનાં જે એલીમેન્ટ્સ છે તે બિલકુલ પોપ્યુલર નાટક-ફિલ્મ-નવલકથા જેવાં છે. વાત બાપ અને એના બે દીકરાઓની છે. દીકરાઓ પુખ્ત છે. મોટા દીકરા (અંકિત ગોર)નાં લગ્ન થઈ ચૂક્યાં છે ને નાનો (નાવિદ કાદરી) ઓલરેડી રિલેશનશિપમાં છે. વેલ, ઓલમોસ્ટ. આ બન્ને વાસ્તવમાં હાફ-બ્રધર્સ છે, બન્નેનો બાપ એક છે, મા અલગ અલગ છે. બે સાવકા ભાઈઓ વચ્ચેનો સબંધ કેટલી હદે સ્ફોટક, કેટલો ટોક્સિક યા તો કેટલો સૌહાર્દપૂર્ણ હોઈ શકે? એક જ પુરુષ થકી જન્મેલા બે પુત્રો કેટલા જુદા કે કેટલા સરખા હોઈ શકે? આ નાટક બે ભાઈઓની લવસ્ટોરી નથી જ, તે નખશિખ હેટસ્ટોરી પણ નથી. અહીં લવ-હેટ રિલેશનશિપમાં પેદાં થતાં સમસંવેદન, સમજદારી અને નવાં સત્યોની વાત છે.
નાટકમાં એક ચોથો પુરુષ પણ છે, જે આ બન્ને સાવકા ભાઈઓનો કઝિન છે (વિશાલ શાહ). નાટકનું ટાઇટલ ‘3 મેન’ છે એ ન્યાયે મંચ પર ત્રણ જ પુરુષ-કલાકારો પર્ફોર્મ કરે છે. પિતાનું કિરદાર ફ્લેશબેકના ટુકડાઓમાં ઊપસતું રહે છે. નાટકનું ફૉર્મ ઇન્ટરેસ્ટિંગ છે. ત્રણમાંથી બે કલાકારો – અંકિત (મોટો ભાઈ) અને વિશાલ (કઝિન) – આંખના પલકારામાં વચ્ચે વચ્ચે પિતાના પાત્રમાં સ્વિચ થઈ જાય છે નરેટિવ આગળ વધતું રહે છે.
લેખક-દિગ્દર્શકને અહીં કેવળ બે સાવકા ભાઈઓના સંબંધની સ્થૂળ વાર્તા કરીને અટકી જવું નથી. એમને ગુફામાં રહેતા આદિમ પુરુષથી શરૂ કરીને એકવીસમી સદીના આલ્ફા મેલના પુરુષત્વ પર પણ ટિપ્પણી કરવી છે. Aarti Patel અને જૈની શાહના અસરકારક વોઇસ-ઓવર નાટકમાં આ સંદર્ભમાં વપરાયા છે. આ ટિપ્પણી વધારે ધારદાર, વધારે ઊંડાણભરી, વધારે ફિલોસોફિકલ બની શકી હોત. નાટકમાં બે ભાઈઓના સંબંધની વાર્તા તમને વધારે તીવ્રતાથી સ્પર્શે છે, પણ લેખકે આ કથાનક થકી પુરુષત્વના સમગ્રપણાને તાગવાની કમસે કમ કોશિશ કરી છે તે સરાહનીય છે.
નાટક ગતિશીલ છે, એનું પેસિંગ સરસ છે. પર્ફોર્મન્સીસ ખૂબ મજાનાં. ‘3 મેન’ નાટક ભલે સાવકા ભાઈઓ વિશે રહ્યું, પણ ફોર્થ મેન એટલે કે કઝિન બનતા વિશાલ શાહ સૌથી વધારે પ્રભાવિત કરે છે. વિશાલ શાહ, બાય ધ વે, પ્રયોગશાળા થિયેટરના ઓનર અને સંચાલક પણ છે.
સુંદર નાટક છે, ‘3 મેન’. તમને લાઇવ પર્ફોર્મન્સીસમાં, ગુજરાતી નાટકો જોવામાં મજા પડતી હોય, માત્ર ટિપિકલ કમર્શિયલ કોમેડી જ નહીં, પણ સહેજ ગાઢ કથાનક પણ પસંદ હોય અને કશુંક વેગળું જોવાનો મૂડ હોય તો ‘3 મેન’ જોઈ કાઢો. આજે જ શો છે, સાંજે છ વાગે. વળી, આજે ફાર્ધસ ડે છે (#fathersday). જો બાપ-દીકરો સાથે બેસીને નાટક જુએ તો ક્યા કહેને. એમ તો મમ્મી, બહેન અને પત્ની પણ સાથે આવશે તો એમનેય મજા પડશે, હં.
– Shishir Ramavat
Leave a Reply