હિંસા, કરુણા અને સિનેમા
દિવ્ય ભાસ્કર – સન્ડે સપ્લીમેન્ટ- 4 નવેમ્બર 2012
શું હિંસા એ કરુણાની પરાકાષ્ઠા હોઈ શકે? અદભુત ફ્રેન્ચ ફિલ્મ ‘આમોર’ આપણને અસ્થિર કરી મૂકે એવો અણિયાળો સવાલ પૂછે છે.
આજે એક બેનમૂન ફ્રેન્ચ ફિલ્મની વાત કરવી છે. ‘આમોર’ એનું નામ. ફ્રેન્ચ ભાષામાં આમોર એટલે પ્રેમ. આ ફિલ્મ વિશે આ કોલમમાં અગાઉ ઉલ્લેખ થઈ ચુક્યા છે. એક સીધાસાદા ફ્લેટમાં આકાર લેતી આ ફિલ્મ એટલી પાવરફુલ છે કે સંવેદનશીલ દર્શકના ચિત્તમાં કાયમી છાપ છોડી દે. છેલ્લા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘આમોર’ને સર્વોચ્ચ અવોર્ડથી નવાજવામાં આવી હતી. આગામી ઓસ્કર અવોર્ડઝની બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં તે અત્યારથી હોટ ફેવરિટ ગણાય છે.
‘આમોર’નાં નાયક અને નાયિકા બન્ને વયોવૃદ્ધ છે, જીવનના આઠમા દાયકામાં પ્રવેશી ચૂક્યાં છે. આ કિરદાર ભજવનાર અભિનેતા અને અભિનેત્રી અસલી જીવનમાં ખરેખર આટલી જ ઉંમરના છે. એક્ટર જ્યોં-લૂઈ ટ્રિન્ટીગ્નન્ટ 82 વર્ષના છે, એક્ટ્રેસ ઈમેન્યુએલ રિવા 85 વર્ષનાં છે. ફિલ્મના ડિરેક્ટર મિશાઈલ હૉનેકે આ બન્નેની તુલનામાં પ્રમાણમાં યુવાન છે- 70 વર્ષના! ફિલ્મનાં પહેલું જ દ્શ્ય ખરેખર તો વાર્તાનો અંતિમ મુકામ છે. પોલીસના માણસો ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશે છે. કદાચ પાડોશીઓએ ફરિયાદ કરી છે કે આ ફ્લેટ કેટલાય દિવસોથી બંધ પડ્યો છે અને એમાંથી ગંદી વાસ આવી રહી છે. આ દુર્ગંધ વૃદ્ધ સ્ત્રીના મૃતદેહની છે, જે બેડરુમના પલંગ પર પડ્યો છે. આ ક્લાઈમેક્સ છે. વાર્તા હવે ફ્લેશબેકમાં આગળ વધી આખરે આ જ બિંદુ પર આવીને અટકે છે.
જેનું ડેડબોડી પોલીસને મળ્યું એ વૃદ્ધા અને એનો હમઉંમ્ર પતિ બન્ને પેરિસના આ મધ્યમવર્ગીય પણ મજાના ફ્લેટમાં રહે છે. ઘરમાં પુસ્તકોની રક્સ છે, પતિ-પત્ની બન્ને મ્યુઝિક ટીચર રહી ચુક્યાં છે એટલે એક કમરામાં પિયાનો પણ પડ્યો છે. એમના કેટલાય જૂના વિદ્યાર્થીઓ હવે તો જાણીતા સંગીતકાર બની ગયા છે. પતિ-પત્ની ટેસથી હરેફરે શકે એટલાં તંદુરસ્ત અને પૈસેટકે સુખી છે. શ‚આતના એક દશ્યમાં તેમને એક સ્ટુડન્ટની મ્યુઝિક કોન્સર્ટ અટેન્ડ કરવાં જતાં દેખાડવામાં આવ્યાં છે. બસ, આ એક સીનને બાદ કરતાં કેમેરા પછી ઘરની બહાર ક્યારેય જતો જ નથી.
પતિ-પત્ની બન્ને એંસી વર્ષ વટાવી ચૂક્યાં છે એટલે દેખીતી રીતે જ એમનું લગ્નજીવન પચાસ-સાઠ વર્ષોનું તો હોવાનું. આટલા પ્રલંબ સહજીવન પછી પણ ડોસો સ્વાભાવિકતાથી ડોસીને કહી શકે છે: આજે તું બહુ સુંદર લાગતી હતી એ મેં તને કહ્યું કે નહીં? ૂબન્નેની બોડી લેંગ્વેજ પરથી, એકમેક પ્રત્યેના શાલીન અને સભ્ય વર્તન-વ્યવહાર પરથી ગણતરીની પળોમાં આપણને સમજાઈ જાય છે કે પતિ-પત્નીએ આખી જિંદગી એકબીજાને ખૂબ સુખ, સંતોષ અને સન્માન આપ્યાં હશે, એકમેકને અનુકૂળ થઈને રહ્યાં હશે. એમની એક દીકરી છે, જે લંડન રહે છે. એ બુઢાં મા-બાપ માટે પુત્રીસહજ ચિંતા કર્યા કરે છે, પણ દંપતીની દુનિયા એકમેકના સંગાથમાં સલામત અને સંપૂર્ણ છે.
એમના ગઢમાં ગાબડું ત્યારે પડે છે, જ્યારે વૃદ્ધાને પહેલી વાર વિસ્મૃતિનો હુમલો થાય છે. બ્રેકફાસ્ટ કરતાં કરતાં એ અચાનક અવાચક થઈ જાય છે. ન બોલે, ન હાલે, ન ચાલે. પુરુષ એના ચહેરા પણ પાણી છાંટે છે, પણ એ કોઈ પ્રતિક્રિયા આપતી નથી. વૃદ્ધ બીજા રુમમાં ડોક્ટરને ફોન કરીને પાછો આવે ત્યાં સુધીમાં પત્ની એકદમ નોર્મલ જાય છે. એ ઊલટાની સામે ઠપકો આપે છે: નળ ચાલુ રાખીને તમે ક્યાં જતા રહ્યા હતા? સાવ બેદરકાર છો તમે! ડોસીમાને યાદ જ નથી કે થોડી વાર પહેલાં પોતે પથ્થરની મૂર્તિ થઈ ગયાં હતાં! ખૂબ અસરકારક બન્યો છે આ સીન.
… અને આ તો કેવળ શ‚આત છે. થોડા દિવસો પછી વૃદ્ધાને પેરેલિસિસનો પહેલો હુમલો આવે છે. એના માટે બેટરી ઓપરેટેડ વ્હીલચેર લાવવામાં આવે છે. શ‚આતમાં તો વ્હીલચેરમાં બેસી, ચાંપ દાબી ઘરમાં આમતેમ ફરવામાં એને મોજ પડે છે, પણ ધીમે ધીમે તબિયત કથળતી જાય છે. એ પતિદેવને કહે છે: એક પ્રોમીસ આપો મને. મારી તબિયત ભલે ગમે એટલી બગડે, પણ ટ્રીટમેન્ટ ઘરમાં જ કરાવજો. મને હોસ્પિટલમાં દાખલ ન કરતા, પ્લીઝ. વૃદ્ધ એની વાત માને છે. એક નવું રુટીન, નવી કોરિયાગ્ર્ાાફી બન્નેએ શીખવી પડે છે. પત્નીને બગલમાંથી બે હાથે ઊભી કરવી, પછી પોટલાને ઊંચકતા હોય એમ પકડી, એક-બે ડગલાં ઘસડી વ્હીલચેરમાં બેસાડી દેવી. ડોસો કંઈ પહેલવાન નથી. કોઈની મદદ વગર આ બધું કરવું એના માટે અઘરું છે, છતાંય એકપણ વાર એ સહેજ પર મોં બગાડ્યા વિના, કંટાળ્યા વિના, સંપૂર્ણ ધૈર્ય અને પ્રેમથી પત્નીની તમામ ચાકરી કરતો રહે છે.
વૃદ્ધાના શરીરનો જમણો હિસ્સો ચેતના ગુમાવી ચુક્યો છે. અડધો હોઠ ખેંચાઈને જડ થઈ ગયો છે. બોલવા જાય તો મોંમાંથી શબ્દોને બદલે સૂસવાટા નીકળે છે. એકાંતરે આવતી નર્સને સમજ પડતી નથી કે ડોસીમાને શું જોઈએ છે. દીકરી માની હાલત જોઈને રડે છે. બાપ એને કહે છે કે બેટા, તને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ તારી ચિંતાની અમને કશી ઉપયોગિતા નથી! એક રાત્રે પતિને દુસ્વપ્ન આવે છે કે કોઈએ એને ગળું ભીસીને મારી નાખ્યો. મહાનગરમાં એકલા રહેતા વૃદ્ધો પર ઘરફોડી અને હત્યાની સંભાવનામાંથી પેદા થયેલી અસલામતીમાં જીવતા હોય છે. જોકે આ સપના કરતાં વાસ્તવિકતા વધારે વિકરાળ છે. પત્નીને પ્રવાહી ખોરાક ચમચીથી મોંમાં રેડવો પડે છે, પણ એ નખરાં કરે છે, નથી ખાવું-નથી ખાવું કરે છે. પતિને ખબર છે કે જો એના પેટમાં ખોરાક જશે નહીં તો એ વહેલી મરી જશે. ગુસ્સે થઈને એ બિસ્તરમાં અપાહિજ થઈને પડેલી પત્નીને લાફો મારી દે છે! ખાવામાં ધાંધિયા કરતા બાળકને એની પિતા લપડાક લગાવીને જબરદસ્તીથી જમાડવા બેસાડી દે, એમ.
પતિની સાથે સાથે આપણે પણ જોઈએ છીએ કે વૃદ્ધા પ્રત્યેક મિનિટે થોડી થોડી મરી રહી છે. પણ આ મોત આસાન નથી, અત્યંત પીડાદાયી છે. એક સમયની ખૂબસૂરત જીવંત મ્યુઝિક ટીચર હવે નાનાં બાળક જેવી થઈ ગઈ છે. વારે વારે ‘દુખે છે… દુખે છે…’ બરાડ્યા કરે છે. પતિ લાચાર થઈને એને જોયા કરે, થોડી વાર પંપાળે એટલે પાછીડ શાંત થઈ જાય. પત્ની સાથે વાતચીત તો થઈ શકતી નથી એટલે પતિ એને લાંબા લાંબા કાગળો લખે છે. એને ખબર છે કે પત્ની આ ક્યારેય વાંચી શકવાની નથી. ફિલ્મનો અંત આઘાતજનક અને હૃદય વીંધી નાખે એવો છે. આખી જિંદગી જેને ખૂબ ચાહ્યું હોય એ સ્વજન આંખ સામે ભયાનક પીડાતું હોય ત્યારે માણસ શું કરે? પતિ એક અકલ્પ્ય પગલું ભરે છે. આ કદાચ અંતિમ એક્ટ-ઓફ-લવ છે. સમસંવેદનની, પ્રેમની આ અંતિમ સીમા છે.
‘આમોર’ દર્શકને વિચારતા કરી મૂકી છે. શું હિંસા એ પ્રેમ અને કરુણાની પરાકાષ્ઠા હોઈ શકે? આ એવી ફિલ્મ છે, જે પૂરી થયા પછી પણ દિવસો સુધી આપણી ભીતર ઘુમરાતી રહે. અહીં પ્રેમના કોઈ લાંબા લાંબા દાવા કે ડાયલોગ નથી, કોઈ ડ્રામાબાજી નથી. એક ફક્ત વૃદ્ધ કપલના જીવતા જીવનની વાસ્તવિક ક્ષણો છે. આ ફિલ્મમાં બેકગ્ર્ાાઉન્ડ મ્યુઝિકનો ઓછામાં ઓછો ઉપયોગ થયો છે. બન્ને મુખ્ય કલાકારોના અસાધારણ અભિનય વિશે શું કહી શકાય? આ ફિલ્મના એક્ટર, એકટ્રેસ અને ડિરેક્ટરની સરેરાશ ઉંમર 79 છે! શ્રેષ્ઠતા અને ક્રિયેટિવીટી પર ક્યાં એક્સપાયરી ડેટ લખેલી હોય છે! જિંદગીના છેવાડે પહોંચી ચુકેલા આ ત્રણેય આર્ટિસ્ટ નથી ઘસાઈ ગયાં કે નથી આઉટ-ઓફ-ડેટ થયાં. બલ્કે પોતાની કળા અને ક્રાફ્ટમાં કદાચ અગાઉ ક્યારેય નહોતા એટલા ધારદાર બની ગયાં છે. જિંદગીના આ મુકામ પર પણ કેટલું ઉચ્ચસ્તરીય કામ થઈ શકે છે એ સમજવા માટે પણ આ ફિલ્મ જોવી જોઈએ.
તાજેતરમાં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘આમોર’નું સ્ક્રીનિંગ થયું હતું. મુંબઈ-દિલ્હી જેવાં મોટાં શહેરોમાં પણે એ વિધિવત થિયેટરમાં રિલીઝ થશે કે કેમ એ સવાલ છે. અમુક દર્શકોને આ ફિલ્મ ધીમી લાગી શકે. ભલે. સત્ત્વશીલ ફિલ્મો અને વર્લ્ડ-સિનેમાના ચાહકોએ જ્યારે તક મળે ત્યારે ડીવીડી પર પણ આ ફિલ્મ જરુર જોવી.
શો સ્ટોપર
ફિલ્મ એટલે એક સેકન્ડમાં 24 વખત બોલાતું જૂઠ. પણ આ જૂઠનો ઉદ્શ્ય છે, સત્યની ખોજ.
– મિશાઈલ હૉનેકે (‘આમોર’ના ડિરેક્ટર)
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2012 )
Leave a Reply