Sun-Temple-Baanner

મનોજ શાહ – ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મનોજ શાહ – ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર


મનોજ શાહ – ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર

અહા! જિંદગી – ફેબ્રુઆરી 2010 / દિવ્ય ભાસ્કર – ઉત્સવ – દિવાળી 2011

* * * * *

મનોજ શાહ એ મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક મહત્ત્વના અને બહુ જ ગમતીલા શેડનું નામ છે. કમર્શિયલ રંગભૂમિને સમાંતર જિદપૂર્વક પોતાનો ચોકો બનાવીને તેઓ એક-એકથી ચઢિયાતાં સત્ત્વશીલ નાટકો આપતા જાય છે. આ ખુલ્લા દિલનો એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર ખરેખર મળવા જેવો માણસ છે.

ત્રીજા માળે આવેલા એમના વન બેડ‚મ-હોલ-કિચનની કાળી પડી ગયેલી દીવાલો પર છેલ્લે કોણ જાણે કેટલાં વર્ષો પહેલાં રંગરોગાન થયા હશે. એમણે પહેરેલાં ચોળાયેલાં ટીશર્ટમાં દેખાતું છિદ્ર દીવાલોની દશા સાથે જાણે જુગલબંદી કરે છે. ના, આ છિદ્ર કોઈ ફેશન-સ્ટેટમેન્ટનો હિસ્સો નથી, બલકે એ ખરેખરુ જેન્યુઈન છિદ્ર જ છે. હૉલની મોટી બારી અને પુસ્તકોના વિશાળ કબાટ વચ્ચે બનતો ખૂણો એમની પ્રિય જગ્યા છે. અહીં આરામખુરશીમાં પગ પર પગ ચડાવીને પુસ્તક વાંચતા વાંચતા તેઓ એકધારા કલાકો પસાર કરી શકે છે. બાજુમાં લેન્ડલાઈન ફોન બેઠો હોય અને એક તરફ સાદો મોબાઈલ ફોન ચાર્જ થતો પડ્યો હોય. પોતાની કરીઅરમાં તેઓ સતત સક્રિય છે એટલે બેઠાડુ જીવન જીવી રહ્યા છે એમ તો કેમ કહેવાય, છતાંય એમના પગના સાંધાનો દુખાવો લાંબા સમયથી શ‚ થઈ ગયો છે જ. ‘ખાસ કરીને પણ દાદરા ઊતરતી વખતે તકલીફ થઈ જાય છે,’ તેઓ કહે છે, ‘જોકે રોજ જિમમાં જવાનું નિયમિત રાખ્યું છે.’

અહીં ‘નિયમિત’ શબ્દના પ્રયોગ વિશે જરા શંકા કરવા જેવી ખરી! એ જે હોય તે, પણ તેઓ શરીર સાચવે તે જરૂરી છે. માત્ર પોતાની તબિયત માટે જ નહીં, ગુજરાતી રંગભૂમિના સ્વાસ્થ્ય માટે પણ.

એ મનોજ સાકરચંદ શાહ છે. મુંબઈની ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર.

હેય મુંબઈની ગુજરાતી રંગભૂમિ મરવા પડી છે…. હેય ગુજરાતી નાટકોમાં ક્વોલિટીના નામે મોટું મીંડું છે… હેય જાતજાતના જ્ઞાતિમંડળો સાથે આડા સંબંધો બાંધતી ફરતી ગુજરાતી રંગભૂમિ પાસે કેરેક્ટર જેવું કશું રહ્યું નથી… આ પ્રકારના આક્ષેપોના એકધારા વરસાદ વચ્ચે મનોજ શાહ નામનો આ માણસ જાણે કે જીદપૂર્વક પોતાની છત્રી ગુજરાતી તખ્તાની આબરુ પર ધરી રાખીને એને ધોવાઈ જતાં બચાવી રહ્યો છે. આઈડિયાઝ અનલિમિટેડ નામનું પોતાનું બેનર ઊભું કરીને એમણે છેલ્લાં 14 વર્ષોથી કમર્શિયલ રંગભૂમિને સમાંતર પોતાનો ચોકો ધરાર ધમધમતો રાખ્યો છે. ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ જેવાં કેટલાંય બેનમૂન નાટકો આપનાર આ નિર્માતા-નિર્દેશકે દર્શકોને ચકિત કરી નાખે એવા સુપર ટેલેન્ટેડ કલાકારો અભિનયની દુનિયાને સતત આપ્યા છે અને પોષ્યા છે.

પ્રલોભનોને વશ ન થવું, મુખ્ય પ્રવાહ સાથે સડસડાટ વહેતા જતાં મનુષ્યપ્રાણીઓનાં મહેણાં-ટોણાં-અવગણનાને ગણકાર્યા વગર ખુદના કન્વિક્શન પ્રમાણે કામ કરતાં રહેવું અને પોતે સર્જેલા વાતાવરણનું ઝનૂનપૂર્વક રક્ષણ કરવું… બહુ કઠિન હોય છે આ બધું.

‘હવે મારા ઓડિયન્સમાં સોલ્ડઆઉટ શો ખરીદનારા મંડળવાળા આવતા બંધ થઈ ગયા છે…’ મનોજ શાહ હસે છે, ‘હવે મારાં ઓડિયન્સમાં સાધુઓ, સ્વામીઓ, સંતો-મહંતો અને ટ્રસ્ટીઓ વધારે હોય છે!’

વેલ, આ એક સારી નિશાની પણ છે અને કદાચ ચિંતાજનક સંજ્ઞા પણ છે. સાધુ-સંતો-મહંતો-સ્વામીઓને મનોજ શાહનાં નાટકો ઉપરાંત એમની ફકીરી પણ આકર્ષતી હશે? હોઈ શકે. મનોજ શાહ પોતાની ફકીરી સાથે, પોતાના ઘરની કાળી પડી ગયેલી દીવાલો સાથે, પોતાના ટીશર્ટમાં પડી ગયેલાં છિદ્ર સાથે મસ્ત થઈને જીવે છે. અલબત્ત, તેઓ પોતાની ફકીરીને નથી બહાદૂરીનું મેડલ બનાવીને છાતીએ લગાડતા કે નથી તેને ઢાલ તરીકે વાપરતા.

1955માં જન્મેલા મનોજ શાહની ફકીરી ઊકેલવા માટે એમની અમીરીની ઈતિહાસ જરા જોઈ લેવો જોઈએ.

‘મારો જન્મ ચોપાટીના દરિયાકાંઠે ઊભેલી એક હોસ્પિટલમાં થયો હતો,’ મુંબઈવાસી મનોજ શાહ કહે છે, ‘મારાં મધર હંમેશા કહ્યા કરતાં કે તું દરિયાની સામે જન્મ્યો છે એટલે જ દરિયાના મોજાં જેવો થયો છે – કંટ્રોલ કરી ન શકાય એવો!’

પિતાજી શિપિંગના ક્લીઅરિંગ ફોરવર્ડીંગ એજન્ટ હતા. પહેલાં માટુંગામાં અને પછી લોઅર પરેલ-ચીંચપોકલી વચ્ચે ડિલાઈ રોડવાળા મકાનમાં મનોજ શાહનું બાળપણ અને જુવાની વીત્યાં. લોકાલિટીમાં એમનું ઘર સૌથી સમૃદ્ધ ગણાતું. ‘આખા એરિયાનો સૌથી પહેલો રેડિયો અને ટેલિફોન અમારે ત્યાં આવેલા. અમને ભાઈબહેનોને સાચવવા બે બાઈઓ રાખવામાં આવેલી. ત્રણ ગાડીઓ હતી. આજે તમારે કઈ ગાડીમાં સ્કૂલે જવું છે એવું પૂછવામાં આવતું,’ તેઓ કહે છે.

સાકરચંદ શાહ અને સવિતા શાહનાં પાંચ સંતાનોમાં મનોજ શાહનો ક્રમ છેલ્લો. તેમનું હુલામણું નામ ‘રાજીયો’ હતું. રાજીયો અેટલે રાજા શબ્દનું અપભ્રંશ. દોમ દોમ સાહ્યબી રુઢિપ્રયોગનો અર્થ સમજવા માટે પાંચેય ભાઈબહેનોને સ્વાનુભાવ કાફી હતો તેમ અણધારી આપત્તિ કોને કહેવાય તે જાણવા માટે પણ દૂર જવું પડે તેમ નહોતું. મનોજ શાહ હજુ માંડ નવ વર્ષના હતા ત્યાં પિતાજીનું અવસાન થઈ ગયું. ઊકળતા પાણી ભરેલાં પાત્ર પરથી ઢાંકણું ખસેડતાં જ જેમ બાષ્પ હવામાં ભળવા માંડે તેમ શાહ પરિવારની સાહ્યબી ઝપાટાભેર વરાળ બનીને ઉડવા માંડી. યમદેવ જાણે ઘર ભાળી ગયું હોય તેમ મૃત્યની ઘટના સમયાંતરે પુનરાવર્તન પામવા માંડી.

‘મારી એક બહેન પણ હું નવ વર્ષનો હતો ત્યારે ગુજરી ગઈ હતી,’ મનોજ શાહ કહે છે, ‘હું તેર વર્ષનો થયો ત્યારે મારા કરતાં મોટો ભાઈ મૃત્યુ પામ્યો અને ઓગણીસ વર્ષની ઉંમરે મેં સૌથી મોટા ભાઈનું અવસાન જોયું…’

સ્વજનોનાં આટલાં બધાં મૃત્યુઓએ કુમળા કિશોર મન પર તીવ્ર પીડા જન્માવી હશે, નહીં?

‘ના!’ મનોજ શાહ નવાઈ લાગે એવી વાત કરે છે, ‘કોણ જાણે કેમ મને ઘરનાઓના મોતથી બહુ દુખ કે અફસોસ નહોતા થતાં. મને કેમ આઘાત નહોતો લાગતો એ હજુય સમજાતું નથી. અમુક યાદો જ‚ર છે. જેમ કે, વચલો ભાઈ ડિટેક્ટિવ ચોપડીઓ બહુ વાંચતો. એ નવી ફિલ્મો હંમેશા ફર્સ્ટ ડે ફસ્ટ શો જોતો. મને સિનેમાનું ખાસ આકર્ષણ ન હતું. મને ડ્રોઈંગ ગમતું અેટલે મોટો ભાઈ મને આર્ટગેલેરીઓમાં લઈ જતો, ચિત્રકારો સાથે ઓળખાણ કરાવતો. એક વાર ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના કાર્યક્રમ વખતે મને બેકસ્ટેજ લઈ ગયો હતો. ’

આટલું કહીને તેઓ ઉમેરે છે, ‘…પણ તેમના અવસાન પછી ઊંડું દુખ અનુભવાયું નહીં એનું કારણ કદાચ એ હતું કે મારામાં ઈમોશનલ સ્પેસ બહુ ડેવલપ નહીં થઈ હોય, કદાચ સમજણ ઓછી હશે. 14 વર્ષની ઉંમરથી કમાવાની જવાબદારી આવી પડી હતી તે કારણ પણ હોય. મારી પાસે કોઈને યાદ કરીને રડવાનો સમય જ નહોતો. આઈ હેડ ટુ ગો ઓન! સ્વજનોના મોતથી મને કેવું ફીલ થયું હતું તે હું અત્યારે યાદ કરી શકતો નથી. પણ આ બધું, સ્વજનોને ગુમાવવાની પીડા, હજુય મારી ભીતર ક્યાંક ધરબાયેલી પડી હશે કદાચ…’

માત્ર પરિવારજનોનાં મોત જ નહી, અમીરીમાંથી ગરીબીમાં થઈ ગયેલું પરિવર્તન પણ મનોજ શાહના સંવેદનતંત્ર પર, કોણ જાણે કેમ, ખાસ નોંધાયું નહીં. ઘર ચલાવવાની જવાબદારી આવી પડી એટલે તેમણે જાતજાતનાં કામધંધા કરી જોયાં. રસ્તા પર ઊભા રહીને ડુપ્લિકેટ બ્લાઉઝ પીસ વેચ્યા, ફિનાઈલની ગોળીઓ સુધ્ધાં વેચી.

‘આવું બધું કરાય કે ન કરાય એવું વિચારવાનો અવકાશ જ નહોતો. સર્વાઈવલ ઈન્સટિંક્ટ્સ મારી પાસે આપોઆપ આ બધાં કામ કરાવતી હતી… પણ આ બધાં કામધંધાના અનુભવ મને આજે પણ કામ લાગે છે. આજે મને કોઈ પણ કામ કરવામાં શરમ કે નાનપની લાગણી થતી નથી.’

મનોજ શાહને સ્કૂલની ચાર દીવાલો વચ્ચે અપાતું ભણતર ક્યારેય ચડ્યું નહીં. કોઈ સ્કૂલમાં તેઓ ઝાઝું ટકી શકતા જ નહીં. એમણે કુલ 14 સ્કૂલો બદલી, જેમાં નાઈટ-સ્કૂલ પણ આવી ગઈ અને અમદાવાદનું સી.એન. વિદ્યાલય પણ આવી ગયું. તે પછીય એસએસસી સુધી પણ પહોંચી શકાયું નહીં. કમાવાનું શ‚ કયુર્ર્ં પછી તો આમેય ન ભણવાનું સજ્જડ બહાનું હાથમાં આવી ગયું હતું. અલબત્ત, વાંચનનો શોખ શ‚આતથી જ રહ્યો જે માતા તરફથી વારસામાં મળ્યો છે.

‘મારી બા ખૂબ વાંચતી. એને રોજ એક નવું પુસ્તક જોઈએ. મસ્જિદ બંદર વિસ્તારમાં આવેલી પાર્વતીબાઈ લાઈબ્રેરીમાંથી એ જાતજાતની ચોપડીઓ લઈ આવતી. એકવાર હું માતા-પિતા સાથે ઘોડાગાડીમાં બેસીને ભાંગવાડીમાં નાટક જોવા ગયેલો. સામાજિક નાટક હતું. મને એટલુ યાદ છે કે મંચ પર બે માળની બસ હતી, એક છોકરો તેની નીચે કચડાઈ ગયો હતો, લાકડીવાળી ડોસી કકળાટ કરે અને પછી એક કરુણ ગીત આવે…’

મનોજ શાહના ચિત્ત પર થયેલો રંગભૂમિનો આ પહેલો નક્કર સ્પર્શ.

‘સાત-આઠ વર્ષનો હતો ત્યારે ગણેશોત્સવ વખતે જોયેલું એક મરાઠી નાટક પણ મને યાદ રહી ગયું છે. રાક્ષસનો વિશાળ ચહેરો હોય અને તેની જીભમાંથી એક પછી એક પાત્રો બહાર આવે, તલવારો વીંઝાય, લાઈવ મ્યુઝિક વાગે વગેરે. નવરાત્રિમાં અમારી લોકાલિટીમાં ભવાયા બહુ આવતા. વીસ-પચ્ચીસ ફૂટનો કાપડનો વિશાળ અજગર હોય, તેના પર દેવતાઓ બેઠા હોય… અને પછી ખેલ પૂરો થાય એટલે દેવતા બનેલા કલાકારો ઝોળી લઈને ઓડિયન્સમાં ફરે અને પૈસા માગે!’

તરૂણાવસ્થા વીતી અને યુવાવસ્થાની શ‚આત થતાં જ ભાવજગતમાં નક્કર સ્પંદનો ઉઠવાના શ‚ થયાં. મનોજ શાહ કહે છે, ‘લોકોએ અમારી અમીરી જોયેલી અને પછી દરિદ્રતા પણ જોઈ. લોકોના મોઢે હું સાંભળતો કે અરેરે, બિચારા કેવા હતા ને કેવા થઈ ગયા… તે વખતે મને થતું કે ના, વી આર ધ બેસ્ટ! મારામાં એક વિદ્રોહી અટિટ્યુડ પેદા થઈ ગયો હતો. અઢાર-વીસ વર્ષની વયે મને થવા માંડ્યું કે મારે બીજાઓ કરતાં અલગ હોવું જ પડે. અલગ હોવું એટલે? કલાકાર હોવું! એટલે બીજા છોકરાઓ સામાન્યપણે ન કરે એવાં કામ હું કરતો. હું સરસ મહેંદી મૂકી આપું. રંગોળી કરી આપું. આ કામ માટે મને ખાસ બોલાવવામાં આવે એટલે મને બહુ ગમે, મારો અહમ્ સંતોષાય!’

મનોજ શાહની ‘કલાકારીગીરી’ નવાં નવાં રંગ‚પ લેવા માંડી, જેમ કે પર્યૂષણ વખતે દેરાસરમાં ધાર્મિક ડાન્સ બેસાડી આપવો, પિક્ચરનાં ગીતો પરથી ધાર્મિક ગીતો લખવાં! ‘નદીયાં ચલે ચલે હૈ ધારા’ ગીતનાં શબ્દો બદલાઈને ‘મહાવીર ચલે ચલે હૈ દ્વારે’ થઈ જાય. આવાં ગીતો ભયાનક બેસૂરા અવાજે ગવાય. આ ગીતોની ચોપડીઓ છપાય અને ધૂમ વેચાય પણ ખરી!

‘મારો એક નાગીન ડાન્સ બહુ પોપ્યુલર થઈ ગયેલો. તે કદાચ મારું પહેલું પબ્લિક પર્ફોર્મન્સ!’ મનોજ શાહ આજે આ બધું યાદ કરીને ખડખડાટ હસી પડે છે, ‘મને યાદ છે, ‘નીલકમલ’ ફિલ્મ જોઈને હું ગાંડો ગાંડો થઈ ગયેલો. પછી ગણપતિ વખતે હું સ્ટેજ પરથી એક્ટર રાજકુમારની સ્ટાઈલમાં ડાયલોગ બોલું ને બધા તાળીઓ પાડે. હું રાજકુમારને ખાસ ફોલો કરતો. એક વાર વકતૃત્વ સ્પર્ધામાં ‘કલમ ઔર તલવાર’ વિષય પર બોલવાનું હતું. એમાંય મેં રાજકુમારની નકલ કરી. ‘હીરરાંઝા’ ફિલ્મમાં એક ડાયલોગ હતો કે તુઝકો પાના જિંદગી હૈ મેરી… અહીં પણ મેં કલમ શબ્દ ફિટ કરી નાખ્યો – કલમ કો પાના જિંદગી હૈ મેરી! આખું ભાષણ આ રીતે ચલાવ્યું અને લોકોએ મોહિત થઈને ગડગડાટ કરી મૂક્યો. તાળીઓનો અવાજ કાનમાં ગૂંજવાથી આપણને થઈ ગયેલું કે આ કામ બેસ્ટ છે, આ જ કરાય, રેકગ્નિશન આમ જ મળે! પોપ્યુલર ક્લીશે એટલે કે વપરાઈને ચૂથ્થો થઈ ગયેલી છતાંય લોકપ્રિય હોય તેવી આઈટમોને કેવી રીતે પર્ફોર્મન્સમાં વણી લેવાય અને ઓડિયન્સની વાહ વાહ કેવી રીતે મેળવાય તેની સૂઝ મારામાં આવી ગઈ હતી… અને આ બધું ફ્રોડ છે, બનાવટી છે, નિમ્ન કક્ષાનું છે તે પણ અંદરખાને મને સમજાતું હતું.’

મનોજ શાહ જ્યાં રહેતા તે ડિલાઈ રોડ પર મિલો હતી. મિલના કારીગરો દર શનિવારની રાતે ભેગા થઈને અભંગ ગાતા. એકસાથે મંજીરા વાગતા હોય અને સૂર રેલાતા હોય.

‘મને સમજાય કે આ સંગીત સાચું છે, જેન્યુઈન છે અને હું દેરાસરમાં જે કરું છું તે ખોટું છે, પણ મને પર્ફોર્મ કરવાનો ચાન્સ દેરાસરમાં જ મળતો. પેલાં ફ્રોડ ગીતો અને ડાન્સથી મને તાત્કાલિક વાહવાહી મળતી અને હું જાણે કે બીજાઓ કરતાં ચડિયાતો છું એવો સંતોષ થઈ જતો… મારી સ્ટ્રગલ તો ચાલુ જ હતી, પણ ધીમે ધીમે જિંદગીને જોવાની દષ્ટિ બદલાતી ગઈ. અભાનપણે મારી અંદર કશુંક બદલાતું જતું હતું. એ શું હતું તે જોકે મને સમજાતું નહોતું…’

ધીમે ધીમે નવી ‘શોધો’ થતી જતી હતી. મનોજ શાહ તે અરસામાં કાંદા એક્સપોર્ટ કરવાનું કામ કરતા. કાંદા ખરીદવા તેઓ નાસિક નજીક પીંપળ ગામે જતા. તેઓ જે કથ્થાઈ રંગના કાંદા પસંદ કરતા તે છેક પેરિસ જતા.

‘ત્યાં મારી ઓળખાણ રામલિંગમ નામના એક મદ્રાસી સાથે થઈ,’ મનોજ શાહ વાત આગળ વધારે છે, ‘સવારના ચાર વાગ્યામાં તે કંઈક મંત્રોચ્ચાર કરતો. મને કશું સમજાય નહીં, પણ એનો ધ્વનિ બહુ ગમે. પછી મને ખબર પડી કે તે સુબ્બાલક્ષ્મીનું કર્ણાટક સંગીત હતું. સુબ્બાલક્ષ્મીને મેં આ રીતે ડિસ્કવર કર્યાં. તે જ રીતે પછી ભીમસેન જોષી મળ્યા.’

મનોજ શાહ નાના હતા ત્યારે સ્કૂલ જવાના રસ્તે એક હનુમાન મંદિર આવે. ત્યાં રાત્રે ભજન મળે અને પ્રસાદમાં સ્વાદિષ્ટ શીરો મળે. આ પ્રસાદ સાૌથી પહેલા લેવા માટે છોકરાઓ પડાપડી કરી મૂકે.

‘હું ગયો હોઉં શીરા માટે, પણ મળે ભજન… અને સાથે ગાંજા-ચરસ પણ મળે,’ કહીને મનોજ શાહ હસી પડે છે, ‘મેં કશું જ છોડ્યું નથી. ગાંજો, ચરસ, એલએસડી નામનો નશીલો પદાર્થ… 21 થી 25 વર્ષની વચ્ચે દેસી દારુ પણ આવી ગયેલો!’

મનોજ શાહની છાપ ભલે ‘સિરિયસ નાટ્યકર્મી’ની હોય, પણ તેમની વાતોમાં એકધારા હાસ્ય-મજાક છલકતાં રહે છે. પોતાની જાતને ગંભીરતાથી લેવાની વાત તો જોજનો દૂર રહી, તેઓ સતત ખુદને હળવાશથી લેતા રહે છે, ખુદની મજાક કરતા રહે છે.

‘મારું ડાન્સ-ગીતોનું ફ્રોડ ખૂબ ચાલ્યું. મને જુદી જુદી જ્ઞાતિઓના મંડળો અને પછી કોલેજો તરફથી આમંત્રણો મળવા લાગ્યાં. કોઈકેને હું ગરબો બેસાડી આપતો તો કોઈકને ભાંગડા સેટ કરી આપતો. મને સમજાઈ ગયું હતું કે આ દુકાન ચલાવવી હશે તો મારે ડાન્સમાં આગળ વધવું પડશે. મારે સચીન શંકરના ટ્રુપમાં જોડાવું હતું. સચીન શંકર એટલે પંડિત રવિશંકરના ભાઈ અને ઉદય શંકરના શિષ્ય. વેસ્ટર્ન બેલેમાં સચીન શંકરે ખૂબ નામ કાઢ્યું હતું.’

સચીન શંકરના ગ્ર્ાુપમાં જો કે મનોજ શાહને એન્ટ્રી ન મળી. એનું કારણ હતું. આખા દિવસ કમાવાની ભાંગજડમાં ડાન્સની તાલીમ માટે સમય ક્યાં મળવાનો હતો! જોકે સચીન શંકરે ઉદાર દિલે કહ્યું કે જુવાન, તું ઓફિશીયલી ભલે ન જોડાય પણ તું અહીં આવીને બેસી શકે છે, અમે જે કરીએ છીએ તે જોઈ શકે છે. મનોજ શાહને ‘ડાન્સની દુકાન’ ચલાવવામાં આ એક્સપોઝર ખૂબ કામ આવ્યું. સૌથી પહેલી વાર, લગભગ 1975-76માં, તેમને કે.સી. કોલેજ તરફથી ડાન્સ કોરિયોગ્ર્ાાફ કરાવવાનું આમંત્રણ મળ્યું. ત્યાં લતેશ શાહ સાથે ઓળખાણ થઈ (જે પછીથી સફળ રંગકર્મી બન્યા) અને ધીમે ધીમે તેમના ગ્ર્ાુપમાં સામેલ થઈને મનોજ શાહ એક્ટિંગ કરવા લાગ્યા.

‘મેં સૌથી પહેલી વાર ‘નપુંસક’ નામના એબ્સર્ડ નાટકમાં અભિનય કર્યો. ચાર છોકરાઓ યુનિવર્સિટી વિરુદ્ધ, એજ્યુકેશન સિસ્ટમ વિરુદ્ધ સૂત્રો પોકારતા હોય ને એવું બધું. હું એ ચાર છોકરાઓમાંનો એક હતો. મને મજા આવી આ નાટક કરવામાં. તે પછી બીજું એક નાટક કયુર્ર્ં, ‘ભારત હમારી માતા, બાપ હમારા હિજડા’. દેશમાં લદાયેલી કટોકટીનો વિરોધ કરતું આ સ્ટ્રીટ-પ્લે હતું. અમે એટલા બધા એક્સાઈટેડ અને મૂરખ હતા કે જુદા જુદા એરિયામાં એક દિવસમાં 21 શો કર્યા! અમારે કંઈક રેકોર્ડ-બેકોર્ડ બનાવવો હતો. લોકોને આ નાટકમાં ખૂબ મજા પડી ગઈ. જોકે પછી પોલીસ આવીને અમને પકડી ગયેલી.’

કે.સી. કોલેજ પછી મનોજ શાહનો અડ્ડો બની ગઈ. રસિક દવે, હોમી વાડિયા, શફી ઈનામદાર અને બીજા ઘણા બધા અહીં બેસતા અને તેઓ અભિનયના પેશન બાબતે વધારે સ્પષ્ટ હતા. દરમિયાન મનોજ શાહે ઈપ્ટા (ઈન્ડિયન થિયેટર પીપલ્સ અસોસિયેશન) દ્વારા આયોજિત ઈન્ટરકોલેજિયેટ ફેસ્ટિવલ જોયું અને જાતજાતના એકાંકીઓ જોઈને ઘેલા ઘેલા થઈ ગયા. તેમને બ્રહ્મજ્ઞાન લાધ્યું – ડાન્સ-બાન્સને મારો ગોળી… લાઈફમાં કામ તો આ જ કરાય, નાટકનું! મહેન્દ્ર જોશીએ નૌશિલ મહેતા લિખિત નાટક ‘નૌશિલ મહેતા આત્મહત્યા કર રહે હૈ’ નામનું એકાંકી ડિરેક્ટ કર્યું. મનોજ શાહે મહેન્દ્ર જોશી સામે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જોશીએ નામ પૂરતો રોલ આપ્યો, જેમાં એમણે એક જ વાક્ય બોલવાનું હતું અને તે પણ કોરસમાં.

‘તે વખતે મેં મનોમન ગાંઠ વાળી લીધી હતી કે જોશી આજે ભલે મને ખૂણામાં ખડો કરી દે, પણ એક દિવસ એવો આવશે જ્યારે મારી અભિનયપ્રતિભાથી આખું સ્ટેજ ચીરાઈ જશે!’ મનોજ શાહ ફરી એક વાર ખુદનો ઉપહાસ કરે છે અને ખડખડાટ હસી પડે છે, ‘રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં કામ કયુર્ર્ં હતું ત્યારે સિનેમા માટે પણ મારા મનમાં આવો જ એટિટ્યુડ હતો – એક દિવસ એટલો મોટો ફિલ્મ-એક્ટર બનીશ કે મારી એક્ટિંગની આગથી થિયેટરનો પડદો સળગી જશે! દરેક જોશીલા નવોદિતના મનમાં આવા જ વિચારો રમતા હોય છે…’

નાગિન ડાન્સ ને એવું બધું કરતી વખતે પબ્લિક પર્ફોર્મન્સનો એકડો તો આપોઆપ ઘૂંટાઈ ગયો હતો. હવે તેના પર પોલિશિંગ થવાનું શ‚ થયું. નૌશિલ મહેતા અને અન્યો સાથે દોસ્તી થઈ, તેમની સાથે સમય પસાર થવા લાગ્યો અને માનસિક વિશ્વ ખૂલવા માંડ્યું.

‘મનગમતા મિત્રોનું વર્તુળ આપોઆપ બનવા લાગતું હોય છે,’ મનોજ શાહ કહે છે, ‘મારું વાંચન વધતું ગયું. તમે એકદમ ઉત્સુક અને તૈયાર હો ત્યારે પુસ્તકો આપોઆપ તમારી પાસે આવવા માંડે છે. મને યાદ છે, તે અરસામાં મેં ડી. એચ. લોરેન્સની ‘ધ ફ્લુટ પ્લેયર’ નામની નોવેલ વાંચી હતી. તેમાં વેશ્યાઓ કવિને કહે છે કે તમે કમાવાની ચિંતા કર્યા વગર માત્ર કવિતાઓ લખો, અમે તમારો નિભાવ કરીશું. તમે કલાકાર છો તો કલાકાર જ બની રહો. તમે તમારો આત્મા ન વેચો, એ કામ અમારા પર છોડી દો! આ અદભુત મારા મનમાં ચોંટી ગઈ. વાંચનને કારણે મગજમાં બત્તીઓ થવા માંડી હતી. બીજાઓથી અલગ થવાનો જે મોહ હતો તે ઓગળતો ગયો. અત્યાર સુધી કળાના નામે મેં માત્ર બનાવટ કરી હતી તે સમજાતું ગયું.’

તે પછી આઈએનટીની સ્પર્ધા માટે મનોજ શાહે ‘થિયેટર થિયેટર’ નામનું એક એકાંકી લખ્યું અને ડિરેક્ટ કર્યું. નાટકે ઈનામો તો ખેર ન જીત્યાં, પણ નિર્ણાયકોની પેનલમાં ચંદ્રકાંત બક્ષી હતા, જેમણે વ્યક્તિગત રીતે આ નાટકને ખૂબ વખાણ્યું. તે પછી ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં બંગાળી નાટકો જોવાયાં. ભાષા ન સમજાય, પણ અનુભૂતિ પૂરેપૂરી થાય. અરવિંદ દેશપાંડે અને અમોલ પાલેકરનાં નાટકો પણ માણ્યાં. આ કમાલનું એક્સપોઝર હતું. પ્રવીણ જોશી અને મહેન્દ્ર જોશી કરતાં ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં નાટકોએ ઘણાં વધારે મોહિત કરવા માંડ્યાં હતાં. કે.સી. કોલેજની લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ થવા માંડયો (મનોજ શાહ કોલેજમાં એટલો બધો સમય વીતાવતા હતા કે સૌને થતું કે આ કોલેજનો જ વિદ્યાર્થી છે!) અને અહીં તેમણે પવનકુમાર જૈનનું ‘પ્રશિષ્ટ જર્મન સાહિત્ય’ જેવાં ઘણાં પુસ્તકો વાચ્યાં. પવનકુમાર જૈન સાથે પછી તો દોસ્તી પણ થઈ જેમના થકી વિશ્વ સાહિત્યનું એક્સપોઝર ખૂબ વધ્યું. પવનકુમાર અને મનોજ શાહ પછી સાથેસાથે સમજતા ગયા કે સાહિત્યથી આટલા બધા આભા કે મુગ્ધ થવાની જ‚ર નથી, જીવન સ્વયં કોઈ પણ કલાપ્રકાર કરતાં અનેકગણું વધારે અદભુત છે!

દરમિયાન અંજલિ કિચનવેર કંપનીનું માર્કેટિંગનું કામ ચાલતું રહ્યું, જેમાં સમય મેનિપ્યુલેટ થઈ શકતો હતો. 28 વર્ષની ઉંમરે મનોજ શાહનાં લગ્ન થયાં, કલ્પના શાહ સાથે. તેઓ કહે છે, ‘ઈન્ટરકોલેજિયેટમાં મેં ઘણાં નાટકો ડિરેક્ટ કયાર્ર્ં અને આખરે 1983-84માં સૌથી પહેલું ‘દેવકન્યા’ નામનું નાટક પ્રોડ્યુસ તેમજ ડિરેક્ટ કર્યું. શેફાલી શેટ્ટી (હવે શાહ), ચંદ્રકાંત ઠક્કર, કેનિથ દેસાઈએ તેમાં કામ કર્યું. બકુલ ઠક્કરે તે લખ્યું હતું. તેને મેં ફુલલેન્થ કમર્શિયલ નાટક તરીકે ટ્રીટ કયુર્ર્ં હતું પણ ગ્ર્ાાન્ડ રિહર્સલ દરમિયાન જ સમજાઈ ગયું આ ડિઝાસ્ટર છે. પાંચ-સાત શોમાં નાટક બંધ કરી દેવું પડ્યું. ખોટ ખાઈને ચલાવી શકાય એવી તાકાત નહોતી. આ નાટકની નોંધ જ ન લેવાઈ. મિત્રો વઢ્યા. પણ આ અનુભવે મને શીખવ્યું કે પૂરેપૂરી સ્પષ્ટતા હોવી જોઈએ – વિષય વિશેની, ટાર્ગેટ ઓડિયન્સ વિશેની અને જાત વિશેની. ‘દેવકન્યા’એ મને આર્થિક રીતે અને બીજી બધી રીતે તોડી નાખ્યો. નાટક બનાવવાનો મોહ જાણે કે ખતમ થઈ ગયો. મને થયું કે આપણને હજુ નાટક કેમ બનાવવું એની સમજ પડવાની વાર છે.’

અલબત્ત, થિયેટર સાથેનો નાતો જોડાયેલો રહ્યો. ‘અશ્વત્થામા’, ‘અત્યારે’, ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ જેવાં નાટકોમાં ક્યારેક નાના રોલ કરી લેતા. ઈમેજ પબ્લિકેશન્સના કાર્યક્રમો માટે નાટકો તૈયાર કરતા, જે ફક્ત એક શો માટે ભજવવાનું હોય. રવિવારે તેઓ ચડ્ડીમાં જ હોય અને તેમના ખભે એક રેક્ઝિનનો થેલો હોય, જેમાં તમામ થિયેટરોનાનાં નામ અને કોન્ટેક્ટ નંબર્સ મોટા અક્ષરે લખ્યા હોય. તેમને એક ઉપનામ મળી ગયું-‘ચડ્ડી!’ તેઓ રશિયન ડાન્સ બેલે, કન્ટેમ્પરરી ડાન્સ, બંગાળી કે અન્યભાષી નાટકો ને એવું બધું જોવા જાય. બહુ સમજ ન પડે તો પણ જુએ. જોન મેથ્યુ મથાન (જેમણે પછી આમિર ખાનને લઈને ‘સરફરોશ’ ફિલ્મ ડિરેક્ટ કરી) સાથે ‘સ્મોધર્ડ વોઈસ’ નામની ફિલ્મ માટે કામ કર્યું. જાણીતા એનિમેટર ભીમસેન એના પ્રોડ્યુસર હતા અને શ્યામ બેનેગલ ફિલ્મનું પ્રોડકશન હેન્ડલ કરવાના હતા. તે ફિલ્મ તો ખેર ન બની, પણ શીખવાનું ઘણું મળ્યું, મનની ગ્રંથિઓ ઓગળી ગઈ.

દરમિયાન એક વાર મનોજ શાહે ‘બેગમ બર્વે’ નામનું એક મરાઠી નાટક જોયું અને તેને ગુજરાતીમાં લાવવાની ઈચ્છા થઈ ગઈ. જૂની રંગભૂમિ પર સ્ત્રીનો વેશ ભજવતા અને ખુદને સ્ત્રી સમજવા માંડેલા કલાકારની હૃદય વિંધી નાખે એવી તેમાં વાત છે. અમેરિકાવાસી કવિ-નાટ્યકાર ચંદ્ર શાહે નાટક લખવું શ‚ કયુર્ર્ં અને તેમની પ્રક્રિયા સાત વર્ષ ચાલી. આ નાટક એટલે ‘માસ્ટર ફૂલમણિ’!

‘માસ્ટર ફૂલમણિ’

‘નાટક તો લખાયું, પણ તે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવા માટે હું હજુ તૈયાર નહોતો,’ મનોજ શાહ યાદ કરે છે, ‘વળી, મારા નાટકમાં એક્ટિંગ કોણ કરે? આઈ વોઝ અ ફેઈલ્યોર! મેં ઘણા નામાંકિત કલાકારોને નાટક સંભળાવ્યું, પણ કશો મેળ પડતો નહોતો. એક વાર (જાણીતા અંગ્રેજી નાટ્યકર્મી) રામુ રામુનાથનના ઘરે હું બેઠો હતો. એને અને તેની પત્ની કિન્નરીને મેં ‘ફૂલમણિ’ સંભળાવ્યું. બન્ને બહુ મજા પડી. કહે, તું આ કર, જલસો પડી જશે! તેમની આવી પ્રતિક્રિયાથી મારામાં કોન્ફિડન્સ આવ્યો. તે પછી અમે નાટકની માત્ર િરડીંગ સેશન્સ ગોઠવવાની શ‚ કર્યું. પહેલું રીડીંગ પૃથ્વી થિયેટરમાં કર્યું. પૃથ્વીમાં પછી તો નાટકના રિડીંગનો ટ્રેન્ડ શ‚ થઈ ગયો હતો. કલાકારોની ટીમ ઓડિયન્સ સામે ‘માસ્ટર ફૂલમણિ’ના સંવાદોનું માત્ર ભાવવાહી પઠન કરે. આનો રિસ્પોન્સ બહુ જ સારો આવ્યો. લગભગ સાતેક રિડીંગ્સ થયાં હશે. ઓિડયન્સના રિએકશનના આધારે સુધારાવધારા સુઝે, ચંદુ સાથે વાત થાય અને ચંદુ અમેરિકાથી નવાં પાનાં ફેક્સ કરે.’

મૂળ મનોજ શાહને ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ કરવાની ઈચ્છા હતી, પણ આ પ્રોસેસ દરમિયાન તેમને સમજાતું ગયું કે આ ભુમિકા માટે જે પ્રકારની પ્રકારની મુગ્ધતા, જે પ્રકારની સમર્પણવૃત્તિ જોઈએ તે પોતાની ભીતર રહી નથી. મુખ્ય રોલ હવે કોને આપવો? ચિરાગ વોરા નામના પરાગ વિજય દત્ત એક્ટિંગ એકેડેમીમાંથી આવેલા એક નવોસવો છોકરાને આ પ્રોજેક્ટમાં બહુ રસ હતો. અગાઉ કાંતિ મડિયાના કોઈ પ્લેમાં એકાદ નાનકડો રોલ પણ કર્યો હતો.

‘મેં ચિરાગને હા પાડતા પહેલાં ત્રણ વર્ષ રખડાવ્યો,’ મનોજ શાહ કહે છે, ‘પણ એ છોકરામાં એટલું બધું પેશન હતું કે સતત મને ફોલૉ કરતો રહ્યો. રિડીંગ દરમિયાન હું અને પરાગ ઝવેરી પહેલેથી હતા, જ્યારે ફૂલમણિ અને સુમન ભજવતા કલાકારો બદલાયા કરે. મેં ચિરાગને અમુક વાર ફૂલમણિનું કિરદાર વાંચવા માટે આપેલું. સુમનના પાત્ર માટે મેં ઘણા કલાકારોને પૂછેલું. આખરે ઉત્કર્ષ મઝુમદાર મળ્યા અને બ-ત્રણ દિવસમાં એમણે હા પાડી. એમને કદાચ મારી કામ કરવાની શૈલી ગમી હશે.’

મનોજ શાહ નાટકનું ડિરેકશન લતેશ શાહને સોંપવા માગતા હતા, પણ વાત જામી નહીં એટલે આખરે આ જવાબદારી તેમણે જ ઉઠાવવાનું નક્કી કર્યું. ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ ચિરાગ વોરાને આપવામાં આવ્યો. નાટક મ્યુઝિકલ હતું એટલે ચારેય કલાકારોને ગાવાની તાલીમ આપવામાં આવી. ધીમે ધીમે ટીમ એકઠી થવા માંડી. નાટકમાં ભાંગવાડી એટલે કે જૂની ગુજરાતી રંગભૂમિનો માહોલ હતો એટલે ઊભું વાજું તો જોઈએ જ. ચંદ્ર ચૂડામણિ નામના દેશ-વિદેશમાં પર્ફોર્મ કરી ચૂકેલા એક મરાઠી સજ્જન નાટકમાં લાઈવ વાજું વગાડવા માટે તૈયાર થઈ ગયા. નાટકનું પશ્ચાદભૂ તૈયાર કયુર્ર્ં વિશ્વવિખ્યાત ચિત્રકારમિત્ર ભુપેન ખખ્ખરે. આખરે નાટકના પહેલા પ્રયોગની તારીખ આવી ગઈ – 11 નવેમ્બર, 1999. મતલબ કે ‘દેવકન્યા’ પછી પહેલું નાટક પ્રોડ્યુસ કરવામાં પંદર-સોળ વર્ષ લાગી ગયાં!

મનોજ શાહ કહે છે, ‘લોકોને નાટક ગમશે કે નહીં તે બાબતે હું ચોક્કસ નહોતો, પણ મને પોતાને આખી પ્રોસેસમાં ખૂબ મજા આવી રહી હતી. પૃથ્વી ફેસ્ટિવલના ભાગ‚પે મુંબઈના હોર્નિમન સર્કલમાં નાટકનો પહેલો શો ભજવાયો. ઓડિયન્સ પાગલ થઈ ગયું. તે ઘડી ને આજનો દી’. લાગલગાટ બાર વર્ષથી ‘માસ્ટર ફૂલમણિ’ના શોઝ થઈ રહ્યા છે.’

‘માસ્ટર ફૂલમણિ’એ મનોજ શાહની કારકિર્દીને વેગ આપી દીધો. એમનું આઈડિયાઝ અનલિમિટેડ બેનર પ્રસ્થાપિત થઈ ગયું. ગુજરાતી રંગભૂમિને ચિરાગ વોરા નામનો ટેલેન્ટેડ કલાકાર મળ્યો. ઈવન ઉત્કર્ષ મઝુમદાર, જે અત્યાર સુધી મુખ્યત્ત્વે હિન્દી થિયેટરમાં સક્રિય હતા, તેમના તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું. મનોજ શાહ કહે છે, ‘આ નાટકે મને મારા પોતાના વિશે, મારા ક્રાફ્ટ વિશે દષ્ટિ આપી. મને લાગ્યું કે ભલે એક્ટર તરીકે નહીં તો ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે હું મારા સપનાંને સાકાર થતાં જોઈ શકું છું.’

મનોજ શાહનું ડિરેકશન અને પ્રોડકશન બન્ને સમાંતર રંગભૂમિના પરિઘમાં રહ્યાં. ઈન્ટરકોલેજિયેટના દિવસોમાં જ ઉત્પલ દત્ત, બાદલ સરકાર અને વિજયા મહેતાનાં નાટકોનાં એક્સપોઝરને લીધે મનોજ શાહના ચિત્તમાં કમર્શિયલ રંગભૂમિના કિંગ ગણાતા પ્રવીણ જોશી અને ઈવન મહેન્દ્ર જોશી ધીમે ધીમે જોશી પશ્ચાદભૂમાં જતા રહ્યા હતા. ‘માસ્ટર ફૂલમણિ’ની સફળતાએ મનોજ શાહની સફર આર્થિક સમૃદ્ધિની શક્યતાવાળા મુખ્ય પથ પર નહીં પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવા એવા સમાંતર રસ્તા પર નિશ્ચિત કરી નાખી. તેઓ કહે છે, ‘મેં નાનપણમાં ભરપૂર સાહ્યેબી પણ જોઈ છે અને પછી પ્રલંબ ગરીબીમાં રસ્તા પર ઊભા રહીને બ્લાઉઝ પીસ અને ઉંદર મારવાની ગોળીઓ પણ વેચી છે. નાણાંનું હોવું અને ન હોવું આ બન્ને અંતિમો મેં જોયાં છે. તેથી જ સવાર-સાંજ ભરપેટ ખાવાનું મળે એટલું પૂરતું છે એવી આડકતરી સમજ કદાચ એ વખતથી મારામાં વિકસી ગઈ હશે અને તેથી જ સમાંતર રંગભૂમિ તરફ મેં ગતિ કરી હશે.’

‘મરીઝ’

‘માસ્ટર ફૂલમણિ’ પછી 2004માં ઓર એક કીર્તિદા નાટક આવ્યું- ‘મરીઝ’. આ નાટક પણ એટલાં જ પેશન, રીચર્સ અને મહેનતથી બન્યું. ‘મરીઝ’ સાથે પણ ઓર એક વિખ્યાત ચિત્રકાર સંકળાયા-ગુલામ મોહમ્મદ શેખ. આ નાટક સાથે ઓડિયન્સને ચકિત કરી દે તેવી ઓર એક ટેલેન્ટ સ્ફોટ સાથે ઉછળી, જેનું નામ હતું ધર્મેન્દ્ર ગોહિલ. વિનીત શુક્લ લિખિત ‘મરીઝ’ શોઝની ડિમાન્ડ આજે પણ રહે છે.

તે પછી બીજાં કેટલાય પ્રોડકશન્સ થયા. અલબત્ત, ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ તો અપવાદ‚પ નાટકો છે, બાકી મોટા ભાગનાં પ્રોડકશન્સ આંગળીના વેઢે ગણી શકાય એટલા શોઝ પૂરતા સીમિત રહ્યાં. મનોજ શાહ કહે છે, ‘મારાં પ્રત્યેક પ્રોડકશન પાછળ પુષ્કળ સમય અને શક્તિ ખચાર્ય, ખૂબ રિહર્સલ્સ થાય. તેના ગણ્યાગાંઠ્યા શોઝ જ થવાના છે તેવી સ્પષ્ટતા શ‚આતથી જ સૌના મનમાં હોય છતાંય કોઈના પેશનમાં સહેજ પણ કમી ન આવે. હું આ વાતને આ રીતે જોઉં છું – અમે કેટલા લકી છીએ કે અમારા મનમાં જે નાટકનું સપનું જોયું છે તે બે શો પૂરતું પણ સાકાર થઈ શકે છે! ખરેખરી મજા પ્રોસેસની છે. જો આ પ્રકારનો એટિટ્યુડ જ‚રી છે, કારણ કે એ નહીં હોય તો હું જે કરું છું તે પ્રવૃત્તિ થઈ જ ન શકે.’

‘બે શો એનસીપીએમાં કરીશું, બે શો પૃથ્વીમાં કરીશું અને પછી ભુલી જઈશું’ – શ્રીમદ રાજચંદ્ર પર આધારિત ‘અપૂર્વ અવસર’ની શ‚આત આ જ પૂર્વધારણા સાથે થઈ હતી. ધર્મેન્દ્ર ગોહિલ, પુલકિત સોલંકી અને પ્રતીક ગાંધી – આ ત્રણ જ ટેલેન્ટેડ કલાકારો તેમાં હતા. રાજુ દવે લિખિત (મનોજ શાહને નવા એક્ટરોની જેમ નવા રાઈટરોની પણ ગંધ આવે છે!) આ નાટકમાં સો-સવાસો વર્ષ પહેલાંની અત્યંત કઠિન ભાષા હતી. નાટક ઓપન થયું અને તેને અણધારી સફળતા મળી. આઈડિયાઝ અનલિમિટેડના આ સૌથી મોટા હિટ નાટકના શોઝ આજે પણ દેશ-વિદેશમાં યોજાતા રહે છે.

પછી તો કેટકેટલાં નાટકો – પ્રાણીઓ પર અત્યાચારની વાત કરતું હૃદયવેધક ‘જીતે હૈં શાન સે’, રવીન્દ્રનાથ ટાગોરનું ‘અચલાયતન’, મણિલાલ નભુભાઈ દ્વિવેદીના વિવાદાસ્પદ જીવનવૃત્તાંત પર આધારિત ‘જલ જલ મરે પતંગ’ (જેમાં, અગેન, ઓર એક વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સન્નિવેશ તૈયાર કર્યો હતો અને વેદીશ ઝવેરી નામનો સુપર ટેલેન્ટેડ અેક્ટર રંગભૂમિને પ્રાપ્ત થયો હતો), આચાર્ય હેમચંદ્ર આચાર્યના જીવન અને કાર્ય પર આધારિત ‘સિદ્ધહેમ’, રાજા ભરથરીની વાત વણી લેતું ‘અમર ફળ’, નરસિંહ મહેતાથી લઈને નર્મદ-મેઘાણી સુધીના મધ્યકાલીન મહાનુભાવોને આવરી લેતું ‘ગુજરાતની અસ્મિતા’, જર્મન ગ્ર્ાીપ શૈલીનું ધીરુબહેન પટેલ લિખિત લેટેસ્ટ ‘મમ્મી તું આવી કેવી?’ વગેરે. મનોજ શાહનાં નાટકો મુંબઈની ગુજરાતી રંગભૂમિને અત્યંત આકષર્ક શેડ્ઝ અને ટેક્સચર આપે છે, મુંબઈની ગુજરાતી થિયેટર સર્કિટને એક-પરિમાણી બનતાં, તેને તસુએ તસુ ધંધાદારી હોવાના મહેણાંમાથી બચાવી લે છે.

મનોજ શાહનાં ખુદના સૌથી ફેવરિટ ત્રણ નાટકો કયાં? તેઓ વિચારીને જવાબ આપે છે, ‘એક તો ‘અખો આખાબોલો’. તેનું નોન-લિનીઅર મ્યુઝિકલ ફૉર્મ મને ખૂબ ગમે છે. બીજું, ‘ગુજરાતની અસ્મિતા’. કેટકટલી વિભૂતિઓને હું આ નાટક થકી ઓળખી શક્યો, તેમની રચનાઓની નજીક રહી શક્યો અને લોકો સુધી પહોંચાડી શક્યો. ત્રીજું પિ્રય નાટક, અફકોર્સ, ‘માસ્ટર ફૂલમણિ’.’

મનોજ શાહનાં મોટા ભાગનાં નાટકોમાં સશક્ત ઐતિહાસિક અને સાહિત્યિક આધાર હોય છે, સંગીત હોય છે, સમૃદ્ધ એસ્થેટિક્સ હોય છે, ચોક્કસ લય હોય છે. જો કે તેમના પર આરોપ છે કે તેઓ એક જ ઘરેડના, જૂનવાણી માહોલવાળા, વ્યક્તિવિશેષ આધારિત નાટકો કયર્ે જાય છે અને ટાઈપકાસ્ટ થતા જાય છે. ઈવન તેમના કલાકારો પણ ફરિયાદ કરતા હોય છે કે મનોજભાઈ, અમારે હજું ક્યાં સુધી ધોતિયાં પહેર્યે રાખવાનાં છે? શું કહેવું છે મનોજ શાહનું આ વિશે?

‘જુઓ, ગવૈયાઓ ચોક્કસ રાગના રિયાઝમાં ત્રીસ-ત્રીસ વર્ષ કાઢી નાખતા હોય છે અને છતાં તેમાં પૂરેપૂરી મહારત હાંસલ કરી શકતા નથી,’ આટલું કહીને તેઓ સ્મિતપૂર્વક ઉમરે છે, ‘મને આખી જિંદગી વ્યક્તિવિશેષનો રિયાઝ કરવામાં કશો વાંધો નથી! આ એટલું મોટું કેનવાસ છે કે ચોર્યાસી ભવ પણ ઓછા પડે. નાટક માત્ર વ્યક્તિવિશેષનું નથી હોતું, બલકે એ પોતાની સાથે તે સમયનું કલ્ચર, નીતિમૂલ્યો, માહોલ, ભાષા આ બધું જ લઈને આવે છે. ખરાબ નાટકો કરવા કરતાં ટાઈકાસ્ટ થવું સારું. હું મારો રસ્તો, મારું એક્સપ્રેશન શોધી જ લઉં છું. મને ટાઈપકાસ્ટ થઈ જવાનો ડર પણ નથી.’

તેઓ પોતાની વાતને વધારે વિસ્તારપૂર્વક મૂકે છે, ‘આજે આપણા કાને અંગ્રેજી, હિન્દી, મરાઠી અને બીજી કેટલીય ભાષાઓ પડે છે. ટીવી પર ત્રણસો ચેનલો આવે છે. આવી સ્થિતિમાં શ્રીમદ રાજચંદ્ર, અખો, નર્મદ અને મેઘાણીની ગુજરાતી ભાષા મારાં નાટકો થકી જીવંત રહેતી હોય તો મારા માટે ખૂબ ગર્વ વાત છે. આ મહાનુભાવોનાં કામ અને સાહિત્યની નજીક રહેવાનો લહાવો મને આ નાટકો વગર શી રીતે મળવાનો હતો? મને અને મારી આખી ટીમને આ વ્યક્તિવિશેષોની સાથે જીવવા મળે છે તે મોટા સન્માનની વાત છે. હું તો મેળામાં મારું ચકડોળ ચલાવું છું અને તેમાં અખાને પણ બેસાડું ને રાજા ભરથરીને પણ બેસાડું… ને વચ્ચે વચ્ચે ‘હૂતો હૂતી’ જેવાં નાટકોના લોલીપોપ પણ આપતો રહું!’

સતત સમાંતર રગંભૂમિ પર રમમાણ રહેતા મનોજ શાહને વિશાળ પ્રેક્ષકવર્ગને સમાવી લેતી કમર્શિયલ રંગભૂમિ હજુય આકર્ષતી નથી? કે પછી કમર્શિયલ રંગભૂમિને મનોજ શાહ આકર્ષક લાગતા નથી? મનોજ શાહ જવાબ આપે છે, ‘ભાઈદાસ-તેજપાલના ઓડિયન્સ માટે નાટક કરવાં મને પુષ્કળ ગમે, અઢળક ગમે, પણ એવી કોઈ કૃતિ હાથવગી નથી. 2008-09માં મેં ‘નમી ગયા તે ગમી ગયા’ નામનું બીજા બેનરનું આઉટ-એન્ડ-આઉટ કમર્શિયલ પ્લે ડિરેક્ટ કર્યું હતું જેના દેશવિદેશમાં 350 શો થયા હતા. આ નાટક કરવાનું કારણ એ હતું કે મારે કલ્પના દીવાન જેવાં સિનિયર એકટ્રેસ સાથે કામ કરવું હતું, અેમની પાસેથી શીખવું હતું. બાકી, ‘જુઓ જુઓ… હું કમર્શિયલ નાટકો પણ સરસ કરી શકું છું’ એવું બીજાઓ સામે પૂરવાર કરવામાં મન રસ છે જ નહીં. મને તો વધારે લોકો, નવા લોકો નાટક જોવા આવે તેમાં રસ છે. જુઓ, દાયકા પહેલાં મારી પાસે માત્ર 30 કલાકાર-કસબીઓની ટીમ હતી, આજે 150ની ટીમ છે. હું જે પ્રકારનું કામ કરું છું તેમાં નવા પ્રેક્ષકો જ નહીં, નવા કલાકારો પણ જોડાય છે. આ મોટા આનંદની વાત છે.’

એક બાજુ મેઈનસ્ટ્રીમ રંગભૂમિનાં નાટકો છે, જે વીસ-પચ્ચીસ દિવસમાં ઓપન થઈ જાય છે, મંડળોના સોલ્ડ-આઉટ શોઝના જોરે ચાલ્યા કરે છે અને આખી ટીમ સારાં અેવાં નાણાં રળી લે છે. તેની સામે મનોજ શાહ પોતાનાં નાટકો પાછળ મહીનાઓ સુધી પુષ્કળ રીસર્ચ કરે અને કરાવે, કલાકારો સાથે ખૂબ રીડીંગ-રિહર્સલ્સ કર્યા પછીય તેમની સામે પુષ્કળ સમય પસાર કરે. તે પછી કલાકાર-કસબીઓને જે મળે છે તે છે માત્ર સંતોષ, આનંદ અને તાલીમ. આર્થિક વળતરનો સંદર્ભ અહીં ખાસ હોતો નથી. છતાંય મેઈનસ્ટ્રીમ રંગભૂમિના કેટલાય કલાકારો મનોજ શાહ સાથે વચ્ચે વચ્ચે કામ કરવા ઉત્સુક રહે છે. તેની સામે એવાય કેટલાય આર્ટિસ્ટ્સ અને સ્ટાર્સ છે, જે મનોજ શાહની સમાંતર રંગભૂમિને ‘નોનસેન્સ એેક્ટિવિટી’ ગણે છે અને તેમના કામની નોંધ પણ લેતા નથી. શું કહેવું છે મનોજ શાહને તેના વિશે?

‘હું વધારે પ્રામાણિક છું કે કમર્શિયલ રંગભૂમિવાળા વધારે પ્રામાણિક છે, આ વધારે સારું કે પેલું વધારે સારું તે કોણ નક્કી કરે, દોસ્ત? કોઈની નિષ્ઠા વિશે ચુકાદો આપવો કે કોઈને જજ કરવા જેવું ફ્રોડ બીજું એકેય નથી. સૌનું પોતપોતાનું કન્વિકશન છે અને સૌ તે મુજબ કામ કરે છે. કેમ, હું પણ વચ્ચે વચ્ચે ‘વોટ્સ યોર રાશિ?’ કે ‘મૌસમ’ જેવી હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં નાનુંમોટું કામ કરી જ લઉં છું ને! તે વખતે ક્યાં જાય છે મારો આદર્શવાદ? ટૂંકમાં, બધા પોતપોતાની જગ્યા પર સાચા છે. ’

પણ મનોજ શાહને બીજા નિર્માતાઓની જેમ સરસ કમાવાની ઈચ્છા નથી થતી? સાવ ફકીરી તો નહીં, ચુસ્તપણે મધ્યમ-મધ્યમવર્ગીય અવસ્થામાં સપડાયા છે તેમાંથી બહાર આવવાની અપેક્ષા જાગતી નથી?

‘ઓહો, મને આર્થિક અપેક્ષા તો પુષ્કળ છે!’ તેઓ પાછા મોટેથી હસી પડે છે અને મસ્તીપૂર્વક કહે છે, ‘ધારો કે કોઈ શેઠિયો આ લેખ વાંચીને મને મારી રીતે નાટકો કરવા માટે 32 કરોડ ‚પિયા ઓફર કરે અને તેમાંથી એક કરોડ ‚પિયા અંગત રીતે વાપરવાની છૂટ આપે તો સૌથી પહેલાં હું મારા ઘરની દીવાલોને કલર કરાવું!’

અલબત્ત, લાલચ પેદા કરતી પરિસ્થિતિઓ ઊભી થતી રહે જ છે. જેમ કે, ‘સિદ્ધહેમ’ નાટક પછી એક ધાર્મિક વડાએ પ્રસ્તાવ મૂકેલો – જો તમારે ફંડ જોઈતું હોય તો હું શ્રેષ્ઠીઓને વાત કરું, પાંચેક કરોડ ‚પિયા તો ચપટી વગાડતા ઊભા થઈ જશે. મનોજ શાહે તેમના પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકારી કાઢ્યો હતો. તેઓ કહે છે, ‘કારણ, સૌથી પહેલાં તો તેઓ સાધુ હતા. એ કોઈને કહે અને થર્ડ પર્સન મને ફંડ આપે તે મને માન્ય નથી. આ તો મને દાન મળ્યું કહેવાય. દાનની સાથે શરતો પણ આવે જ. આ શરતો મને બાંધી દેશે, મારી પાસે બાંધછોડ કરાવશે, મને મારા મિજાજ પ્રમાણે કામ કરવા નહીં દે. તે મને સ્વીકાર્ય નથી. મારી પ્રવૃત્તિ અને મારી તાસીર જ મને જીવાડે છે. તેને હું મરવા દઈ ન શકું. હું કંઈ ત્યાગી કે શહીદ નથી. મારા પાળિયાં બંધાય એવી મારી કોઈ ખ્વાહિશ નથી. હું વાણિયાનો દીકરો છું અને જોતજાતના બિઝનેસ કરી ચૂક્યો છું. મારા કેટલાક શુભચિંતકો જ‚ર છે, જે મને કહેતા હોય છે કે મનોજભાઈ, તમે નાટક કરો, તે ચાલે કે ન પણ ચાલે, અમે બેઠા છીએ. પણ આવી સ્થિતિમાં હું બિલકુલ સ્પષ્ટ હોઉં છું.’

મનોજ શાહનાં પત્ની કલ્પના શાહ અને યુવાન પુત્ર જનમ પણ તેમના પેશન અને મિજાજને સારી રીતે સમજે છે અને સ્વીકારે છે. ફિલ્મો બનાવવી એ મનોજ શાહની પ્રિય ફેન્ટસી છે. એમ તો તેઓ પોતાનું નાનકડું ઓડિટોરિયમ હોય તેવી ખ્વાહિશ પણ ધરાવે છે.

‘ઓહ યેસ! હું વર્ષોથી ભારતભરમાં ફરીને ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરું છું. ઈન કેસ, ભવિષ્યમાં ફિલ્મ બનાવવાનો મોકો મળે તો આ મારું હોમવર્ક છે!’ અને પછી ખડખડાટ હસીને મનોજ શાહ વાતચીતનું સમાપન કરે છે, ‘બાકી આપણે 32 કરોડ તો જોઈએ છે જ. ઓકે, 30 કરોડ પણ ચાલશે, બસ?’

(સમાપ્ત)

UPDATE

મનોજ શાહનો ઉપરનો ઇન્ટરવ્યુ 2010માં લેવાયો હતો. આજે 2017માં તેમની નાટ્યયાત્રા ક્યાંય આગળ નીકળી ચુકી છે અને તેઓ એકએકથી ચડિયાતા બીજાં કેટલાંય નાટકો આપી ચુક્યા છે. કેટલાય નવા કલાકારો – લેખકો એમના વડે દીક્ષિત થઈ ચુક્યા છે… અને હા, ખુદનું નાનકડું ઓડિટોરિયમ બનાવવાની ખ્વાહિશ હજુય અકબંધ છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2017 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.