Sun-Temple-Baanner

મુગ્ધતા, મુન્નાપણું અને માંહ્યલો


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મુગ્ધતા, મુન્નાપણું અને માંહ્યલો


મુગ્ધતા, મુન્નાપણું અને માંહ્યલો
——————————

રીતસર ઝટકો લાગ્યો હતો, જ્યારે આ લેખ લખવા માટે મિત્ર અંકિત ત્રિવેદીનું આમંત્રણ આવ્યું હતું. એમણે પત્રમાં લખેલુઃ ‘સાંજે સૂર્યોદય’ નામથી વૃદ્ધાવસ્થાને સતાવતા અને ઢળતી ઉંમરે અનુભવાતા પ્રશ્નો વિશે એક સંપાદન કરવાની ઇચ્છા છે. વૃદ્ધાવસ્થા તમારી દષ્ટિએ શું છે? તમે કેવી વૃદ્ધાવસ્થા પસંદ કરો?…

શું?

બે પળ માટે હું પત્રને અવિશ્વાસથી તાકી રહ્યો. અંકિત ત્રિવેદી મને વૃદ્ધાવસ્થા વિશે લખવાનું શા માટે કહી રહ્યા છે? ભૂલથી બીજા કોઈનો પત્ર મને મોકલી દીધો છે કે શું?જાણે ત્રીજા ધોરણમાં ભણતા છોકરાને ‘લગ્નજીવનમાં ઉદભવતી જટિલતા’ વિશે કે હમણાં જ ઋતુપ્રવેશ કરેલી કન્યાને ‘મૅનોપૉઝની સમસ્યા અને તેના ઉકેલો’ વિશે લખવાનું કહેવાયું હોય એટલો અપ્રસ્તુત મને આ વૃદ્ધાવસ્થાનો વિષય લાગ્યો હતો.

મારે ને વૃદ્ધાવસ્થાને શું લેવાદેવા?

થોડો સમય લાગ્યો હતો આ વિષય સાથે સંધાન થતાં. પછી અંદરથી અવાજ આવ્યોઃ દોસ્ત, હજુ એપ્રિલ 2021માં જ તેં પચાસ વર્ષ પૂરાં કર્યાં, ભૂલી ગયો? પચાસ વર્ષ!ઑફિશિયલી વનપ્રવેશ કરી ચૂકેલા આદમીને વૃદ્ધાવસ્થા વિશે પ્રશ્નોબિલકુલ પૂછાઈ શકે છે! જોકે ‘વનપ્રવેશ’ અને ‘વૃદ્ધાવસ્થા’ જેવા શબ્દો સાથે બિલકુલ આઇડેન્ટિફાય થઈ શકાતું નથી.વૃદ્ધાવસ્થાની સંકલ્પના સાથે વ્યક્તિગત સંદર્ભમાં રિલેટ કરી શકાતુંનથી.જીવનભરની મનઃસ્થિતિનું આ નક્કર સત્ય છે. સામે પક્ષે, ક્રમશઃ વૃદ્ધ થતાં જવું તે એક શારીરિકસત્ય છે. કુદરતનો, ઉત્ક્રાંતિનો આ ક્રમ છે. તેને અવગણી ન શકાય. શરીર એટલે શું?જીવન જીવવા માટેની ઓપરેટિંગ સિસ્ટમ અથવા સાદી ભાષામાં જીવન જીવવા માટે જરૂરી એવાં સાધનોને સાચવી રાખતું માળખું. એવું માળખું, જેમાં મન, બુદ્ધિ, લાગણીતંત્ર, આપણે જેને ‘માંહ્યલો’ કહીએ છે તે, જો આત્મા જેવું કશું હોય તો તે પણ – આ સઘળું પાસેપાસેનાં ખાનામાં ગોઠવાયેલું છે.

…અને જીવનનો સૂર્યાસ્ત નિકટ આવતો જાય તેમ શરીરનું આ માળખું ઢીલું પડવા લાગે છે. વૃદ્ધાવસ્થા જીવમાત્રને પોતાના આલિંગનમાં લઈ લે છે. વૃદ્ધાવસ્થા જાણે પારકી વસ્તુ હોય એવું લાગ્યા કરે છે તે બરાબર છે, પણ ‘લાગવું’ અને ‘હોવું’ આ બન્ને જુદી સ્થિતિઓ છે. વૃદ્ધાવસ્થા પારકી લાગતી હોય, પચાસ વર્ષની ઉંમરે પણ તેની સાથે આઇડેન્ટિફાય થઈ શકતો ન હોઉં તો શું એનો અર્થ એ થયો કે મેં મારી જાતને વૃદ્ધાવસ્થામાટે સજ્જ કરી નથી? શું હું ડિનાયલમાં જીવું છું?

જોઈએ.

* * * * *

કોઈક જગ્યાએ સરસ ક્વૉટ વાંચ્યું હતું, જેમાં 42 વર્ષની એક વ્યક્તિ મસ્તીપૂર્વક કહે છે, ‘મારી ઉંમર 22 વર્ષ છે અને મને બીજા 20 વર્ષનો વધારાનો અનુભવ છે!’

બેન્ગ ઑન!આ તો આપણી જ વાત. 24 વર્ષની ઉંમર છે ને બીજા 26 વર્ષનો એક્સપિરીયન્સ છે! બહુ જ સહજપણે, સતત એવું લાગતું રહ્યું છે કે જાણે મારી આંતરિકતા 24 વર્ષની વય પર થીજી ગઈ છે. 24 વર્ષે ભારોભાર ઉર્જા હતી, મહત્ત્વાકાંક્ષા હતી. એન્જિનીયરિંગ કૉલેજના અતિ પીડાદાયી તબક્કાને દૂર હડસેલી દીધો હતો અને પત્રકારત્વ-લેખનના મનગમતા ક્ષેત્રમાં ઝંપલાવી દીધું હતું, પહેલાં પોતાની નજરમાં અને પછી બીજાઓ સામે જાતને પુનઃ પૂરવાર કરવાની હતી. મુગ્ધતા હતી, નિર્દોષતા હતી, માસૂમિયત હતી, જીવન વિશે અપાર પ્રશ્નો હતા, જિંદગી પ્રત્યેનું કુતૂહલ ઉછળકૂદ કરતું હતું, બધું જ જાણવું – સમજવું હતું, બહુરંગી અનુભવોમાંથી પસાર થવું હતું.

આજે શી સ્થિતિ છે? આજે પણ જીવન વિશે અપાર પ્રશ્નો છે – કદાચ વધારે. આજે પણ જિંદગી પ્રત્યેનું કુતૂહલ ઉછળકૂદ કરી રહ્યું છે– કદાચ વધારે. હજુય બધું જ જાણવું – સમજવું છે ને બહુરંગી અનુભવોમાંથી પસાર થવું છે. ભીતર ડોકિયું કરું છું ત્યારે પ્રતીતિ થાય છે કે કશું જ બદલાયું નથી. કદાચ માંહ્યલાની ભીતર સઘળું એનું એ જ છે. એ જ રંગો છે ને એ જ આકારો છે. હા, રંગના શેડ્સ થોડાઘણા બદલાયા હોય અને આકારના ડાયમેન્શનમાં સહેજ ફેર પડ્યો હોય એવું બને.

શારીરિક વય વધે એટલે સૌથી પહેલી ચિંતા શારીરિક-માનસિક ઉર્જાની થાય. પચાસ વર્ષના પડાવ પર આ બન્ને પ્રકારની ઉર્જાના સ્તરમાં ખાસ કશો ફર્ક અનુભવાતો નથી તે કેટલી મોટી ધન્યતાની વાત છે! અગાઉ કહ્યું તેમ, મુગ્ધતા હજુય છે. મને હંમેશાં લાગ્યું કે સંયમિત મુગ્ધતા મારી સૌથી મોટી તાકાત છે. એક વિચારશીલ અને જાગૃત માણસ કશાય પ્રયત્ન વગર જીવન પ્રત્યે સતત મુગ્ધ રહી શકે તો એ કેટલી મોટી વાત છે! આ સ્થિતિમાં મુગ્ધતા એના વ્યક્તિત્વનું સૌંદર્ય બની રહે. માણસ માત્રને કરીઅરમાં, સંબંધોમાં, જીવનના કંઈકેટલાય આરોહ-અવરોહમાંથી પસાર થવું પડે છે, નિર્ભાન્ત થવાની પીડાદાયી પળોનો સામનો કરવો પડે છે, પૃથ્વી એકાએક ઊલટી દિશામાં ફરવા લાગે એવા તદ્દન વિરોધાભાસી અનુભવોની આરપાર થવું પડે છે… પણ કહેવાતા ‘નેગેટિવ’ અનુભવોને કારણે મૂળભૂત જીવનરસ પર કશો અપ્રિય પ્રભાવ પડ્યો નથી. સૌથી મજાની વાત તો આ છે – માંહ્યલો હજુ સુધી કરપ્ટ થયો નથી. આના કરતાં વધારે આનંદદાયક પ્રતીતિ બીજી કઈ હોવાની!

કહે છે કે અમુક બાબતો, ગુણો-અવગુણો-સ્વભાવ-વૃત્તિઓ જીવનમાં ક્યારેય સાથ છોડતાં નથી. મન-મગજમાં એનું હાર્ડ વાયરિંગ થઈ ચૂક્યું હોય છે. અથવા આવું આપણને લાગતું હોય છે. મારી ખોપડીમાં કઈ ટાઇપનું હાર્ડ વાયરિંગ કર્યું છે કુદરતે?

* * * * *

મુન્નો.

આ મારું હુલામણું નામ છે. પાંચ દાયકા પહેલાંના એક ટિપિકલ ભારતીય પરિવારમાં બે દીકરીઓ પછી સાડાછ વર્ષે દીકરો અવતરે એટલે એ કેટલો લાડકો હોય તે સહેલાઈથી કલ્પી શકાય તેવું છે. મુન્નો નામ મારી સાથે એટલી સજ્જડપણે જોડાયેલું છે કે મારો પોતાનો મુન્નો હવે અઢાર વર્ષનો થઈ ગયો છે તો પણ પરિવાર અને સગાસંબંધીઓ માટે હજુય હું મુન્નો જ છું. ઉંમર વધતી ગઈ તેમ નામની પાછળ લટકણિયાં વધતાં ગયાં– મુન્નાભાઈ, મુન્નામામા, મુન્નાકાકા વગેરે. હજુ નવાં લટકણિયા આવશે, પણ ‘મુન્નો’ યથાવત્ રહેશે.

નાના હોવું, લાડકા હોવું, પ્રોટેક્ટેડ હોવું તે જાણે-અજાણે સેલ્ફ-આઇડેન્ટિટીનો ભાગ બની ગયું છે. કોઈ મને લાડ કરતું હોય, મને પ્રોટેક્ટેડ ફીલ કરાવતું હોય તો તે, બાય ડિફોલ્ટ, મને મારી સિસ્ટમનો જ એક ભાગ લાગે છે. આ સ્થિતિ ભલે સૂક્ષ્મપણે, પણ અત્યંત સહજ લાગતી હોય છે. આજે પણ. પ્રોટેેક્ટેડ હોવામાંથી પ્રોટેક્ટર હોવાની ભુમિકા ભજવવાનું આવ્યું ત્યારે તે પણ સહજપણે થઈ શક્યું. ક્યારેક એવો વિચાર આવી જાય કે આ મુન્નાપણું મારા ડીએનએમાં વણાઈ ગયું ન હોત તો હું વધારે સારો ‘પ્રોટેક્ટર’ બની શકત? અત્યારે જવાબ ‘ના’ મળે છે ને આ સવાલ પણ અપ્રસ્તુત લાગે છે.

વૃદ્ધત્વ સાથે રિલેટ કરી શકાતું નથી એનું એક કારણ આ મુન્નાપણું હોઈ શકે છે. ‘મુન્નો કેવી રીતે વૃદ્ધ થાય? મુન્નાને બુઢાપા સાથે શું લેવાદેવા?’ – ભીતરના બૅકગ્રાઉન્ડમાં અભાનપણે આવા સૂર રેલાતો હશે? આ કદાચ મારો ‘મુન્ના સિન્ડ્રોમ’ છે. ‘સિન્ડ્રોમ’ શબ્દ સાથે જોકે એક પ્રકારની નકારાત્મકતા જોડાયેલી છે એટલે ‘મુન્ના સિન્ડ્રોમ’ને બદલે ‘મુન્નાપણું’ શબ્દ વાપરવો જોઈએ. આ મુન્નાપણાના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. જીવન પ્રત્યેની સહજ મુગ્ધતા અને પાર વગરની ઉત્સુકતા અકબંધ રહી છે તેનું એક મોટું કારણ આ મુન્નાપણું છે એવું મને હંમેશાં લાગ્યું છે.

આ મુન્ના-થિયરી કેટલી વેલિડ છે તેની ખબર નથી, પણ ઉપરવાળાને પ્રાર્થના કરતો રહું છે કે હે પ્રભુ, મને બાળસહજ રાખજો, પણ બાલિશતાથી જોજનો દૂર રાખજો!

* * * * *

બુઢાપો બીજું બાળપણ છે તે ઉક્તિ સામાન્ય સંજોગોમાં ખૂબ બધા વૃદ્ધો માટે સાચી છે. બાળપણની જેમ બુઢાપામાં પણ હૂંફ અને સલામતી જોઈએ, ટેકો જોઈએ.

વૃદ્ધાવસ્થામાં માણસ જેનાથી પોતાને જોજનો દૂર રાખવા ઝાંવા મારતો હોય છે તે છે એકલતા. જોકે એકલતાની અળખામણી લાગણી કેવળ વૃદ્ધાવસ્થામાં જ પેદા થાય એવું નથી. સોળ વર્ષના છોકરાથી લઈને છવ્વીસ વર્ષની યુવતીથી લઈને છત્રીસ વર્ષના પ્રોફેશનલથી લઈને છેંતાલીસ વર્ષના મધ્યવયસ્ક મનુષ્ય સુધીના સૌ કોઈ એકલતાની ભેંકાર લાગણી અનુભવી શકે છે. એકલતાના ટાપુ આખા જીવનમાં ગમે ત્યારે ઉપસી આવે છે. હા, વૃદ્ધાવસ્થાની એકલતા વધારે નક્કર અને કારમી હોય છે. હવે કરીઅર નથી, ઑફિસ કે વર્કિંગ પ્લેસ પર જવાનું નથી, મા-બાપ દાયકાઓ પહેલાં મૃત્યુ પામી ચૂક્યાં છે, સંતાનો પાંખો ફફડાવીને દૂર ઉડી ગયાં છે અથવા પોતાની દુનિયામાં રમમાણ થઈ ચૂક્યાં છે, પતિ કે પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે, સ્કૂલ-કૉલેજમાં સાથે ભણતા હતા એવા મિત્રોના મૃત્યુના સમાચાર આવતા જાય છે. જો જાત સાથે સજ્જડ દોસ્તી થઈ ન હોય, ઠીક ઠીક કહી શકાય એવો આધ્યાત્મિક વિકાસ થયો ન હોય અને આર્થિક સ્વાવલંબન ન હોય તો વૃદ્ધાવસ્થામાં એકલતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. એકલતા અને આર્થિક લાચારીનું કુમિશ્રણ કદાચ સૌથી ખતરનાક છે. એ માણસને હણી નાખે છે. આર્થિક સ્વાવલંબન એ વૃદ્ધાવસ્થાની તૈયારીનું બહુ મોટું પાસું હોવું જોઈએ.

વૃદ્ધાવસ્થાની બીજી લાચારી છે શારીરિક પરાવલંબન. શરીર કામ ન કરતું હોય, નાની નાની રોજિંદી ક્રિયાઓ માટે પણ બીજાઓ પણ આધાર રાખવો પડતો હોય એ અસહ્ય દુઃસ્થિતિ છે. બુઢાપાની ઑર એક લાચારી છે, ઇરરિલેવન્ટ બની જવું, અપ્રસ્તુત બની જવું. તમારા કાર્યક્ષેત્રમાં, પરિવારમાં તમારા હોવા – ન હોવાથી કશો ફર્ક ન પડવો, તમારી હાજરી, વિચારો ને મંતવ્યોને કશું મહત્ત્વ ન મળવું. જાણે કે તમે કુટુંબ માટે બોજ બની ગયા છો ને તેઓ તમને વેંઢારી રહ્યા છે. અંદરથી તોડી નાખે,આત્મસન્માન પર એકધારા પ્રહાર થતા રહે એવી આ અવસ્થા છે.

એકલતા, આર્થિક લાચારી, શારીરિક પરાવલંબન અને અપ્રસ્તુત બની ગયાની લાગણી – આ ચારેય વૃદ્ધાવસ્થાની મુખ્ય સમસ્યાઓયા તો પડકારો થયા. વૃદ્ધાવસ્થાની સંભવિત વેદનાઓમાંથી પસાર થવું ન પડે તે માટે છેલ્લે ઘડીએ સફાળા બેઠા થઈએ તે ન ચાલે. શું સુખરૂપ અને અનુકૂળ વૃદ્ધાવસ્થાની તૈયારી યુવાવસ્થાથી જ કરી શરૂ કરી દેવી જોઈએ? શું તે શક્ય કે ઇચ્છનીય છે? આવી તૈયારીઓ કેટલી હદે સફળ થઈ શકે? શુંસુખદ બુઢાપો એ નસીબની વસ્તુ છે?વૃદ્ધાવસ્થાને કેટલી હદે‘ડિઝાઇન’ કરી શકાય?

આ બધા અસ્થિર કરી નાખે એવા પ્રશ્નો છે.

* * * * *

વનપ્રવેશ કરી લીધો. હવે આગળ શું? જીવન અત્યાર સુધી એની લય પ્રમાણે વહ્યા કર્યું છે તેમ શું આગળ પણ વહ્યા કરશે? એવી અપેક્ષા તો છે. વીસીમાં જે પ્રકારનાં સપનાં જોયાં હતાં ને જે કક્ષાની મહત્ત્વાકાંક્ષાઓ સેવી હતી તે પ્રમાણે તો પચાસના થતાં સુધીમાં ઘણું બધું કરી લેવાનું હતું, ઘણે દૂર સુધી પહોંચી જવાનું હતું, ઘણી ઊંચાઈ હાંસલ કરી લેવાની હતી. માત્ર બાહ્ય સ્તરે નહીં, પણ આંતરિક સ્તરે પણ ખાસ્સી જમાવટ થઈ ચૂકી હશે તેવી ધારણા હતી. મન અને લાગણીઓની ઉછળકૂદ પર નોંધપાત્ર અંકૂશ મેળવી લેવાનો હતો, આધ્યાત્મિક સ્તરે ગતિ કરી લેવાની હતી. આજે અટકીને જોઉં છું ત્યારે સમજાય છે કે આંતરયાત્રા અને બાહ્યયાત્રા બન્નેમાં અપેક્ષા કરતાં ઘણું ઓછું અંતર કપાયું છે. હા, એક વાતની હૈયાધારણ છે કે દિશા હંમેશાં સાચી રહી છે.

આપણે આપણી જાત પાસેથી, સ્વજનો પાસેથી અને આસપાસની પરિસ્થિતિઓ પાસેથી રાખેલી અપેક્ષા મોટે ભાગે વધારે પડતી હોય છે. ખાસ કરીને પોતાની જાત પાસેથી રાખેલી અપેક્ષાઓ.ચડતી યુવાનીમાં ખુદને માટે જે નક્શો દોર્યો હોય બિલકુલ એ જ પ્રમાણે, એ જ ગતિથી અને એ જ તીવ્રતાથી જીવન સડસડાટ વહેતું જાય એવું તો શી રીતે બને? જો દિશા સાચી પકડી હોય, પરિશ્રમ કરવામાં પાછા પડ્યા ન હોઈએ અને ઇરાદા ચોખ્ખા હોય તો વીસ-પચ્ચીસ વર્ષ જૂના નક્શા પ્રમાણે પૂરેપૂરા જીવી શકાયું નથી તે વાતનો જીવલેણ અફસોસ થતો નથી. ‘હાય હાય…બસ ચૂકાઈ ગઈ, હું રહી ગયો!’ એવો વસવસો થતો નથી. હા, સમય વેડફાયો છે, લાગણીઓ વેડફાઈ છે, એકધારું શિસ્તપાલન થયું નથી, પરિપક્વતા ક્યાંકઓછી પડી છે… પણ તેથી શું? કમ ઓન! આ જીવન છે. અણધાર્યું નેઆશ્ચર્યોથી ભરેલું. જિંદગી કંઈ ઓટોમેટેડ ફેક્ટરી નથી કે નાનાં-મોટાં તમામ ઓપરેશન પૂર્વનિશ્ચિત સમયે સંપૂર્ણ ચોક્સાઈથી યાંત્રિકપણે થતાં રહે. અનુભવે સમજાય છે કે જિંદગી કન્વેયર બેલ્ટની જેમ સરળતાથીસરકતી નથી, જિંદગી વિઘ્નદોડ છે. અંતરાયોને ઓળંગવા પડે છે, પડવું-આખડવું-છોલાવું પડે છે ને ફરી ફરીને ઊભા થઈને દોડતા રહેવું પડે છે, ઘા-લોહી-પરસેવાની પરવા કર્યા વગર, નવું વિઘ્ન આવે ત્યાં સુધી… અને ફરી પાછી એક છલાંગ.

‘લાઇફ બિગિન્સ એટ ફોર્ટી’, ‘ફિફ્ટીઝ ઇઝ ન્યુ થર્ટીઝ’… આ પ્રકારનાં ચવાઈ ગયેલાં વાક્યો બહુ ગમતાં નથી, કેમ કે તેમાંથી અપોલોજેટિક વાસ આવ્યા કરે છે. દરેક માણસનો એક દાયકો હોય છે, રાધર, એક જ દાયકો હોય છે એવું જરૂરી લાગ્યું નથી. જીવનમાં, ખાસ તો કરીઅરમાં કેવળ એક શિખર હોતું નથી. જો કામને દિલથી પ્રેમ કરતા હોઈશું, જો Job અને Joy બન્ને એક જ બિંદુ પર કો-ઇન્સાઇડ થયા હશે તો કારકિર્દીમાં એક કરતાં વધારે શિખરો આવી શકે છે, આવતાં જ હોય છે. જિંદગીના‘પ્રાઇમ-ટાઇમ’ને વીસથી ચાલીસ વર્ષની વચ્ચે સીમિત કરી દેવા જેવો નથી. જિંદગી પોતાનાં તમામ સૌંદર્યો અને શક્યતાઓ સાથે કોઈ પણ તબક્કે, જીવનના કોઈ પણ દાયકામાં, પાછલી અવસ્થામાં પણ ભરપૂરપણે નિખરી શકે છે. ‘પાકા ઘડે કાંઠા ન ચડે’ આ કહેવતપણ ક્યારેય ગમી નથી. નવું શીખવાની ધગશ હોય, પેલી મુગ્ધતા અકબંધ હોય અને જીવનરસ પૂરપાટ વહેતો હોય તો જીવનના કોઈ પણ બિંદુએ રસની વસ્તુ શીખી શકાય છે, સાતત્યપૂર્વક પરિશ્રમ થાય તો તેમાં ઠીક ઠીક નિપુણતા પણ હાંસલ કરી શકાય છે.

જીવનમાં હજુ ખૂબ બધાં કામ કરવાનાં બાકી છે. વર્ષોથી, સતત, કોણ જાણે કેમ, પણ ભીતરથી હંમેશાં એવું લાગ્યું છે કે મારાં જીવનનાં પાછલાં વર્ષો ખૂબ એક્ટિવ જવાનાં. અગાઉ ક્યારેય ન ગયાં હોય એટલાં એક્ટિવ. આ માત્ર વિશફુલ થિંકિંગ ન રહે તે માટે શરીરને અત્યારથી ચુસ્તદુરસ્ત રાખવું પડશે. 49 વર્ષની ઉંમરે પહેલી વાર પર્સનલ ફિટનેસ ટ્રેનર હાયર કર્યો, આઠ-દસ મહિના સખત મહેનત કરીને અને ખુદને આશ્ચર્ય થાય એટલી હદે શિસ્ત જાળવીને શરીરને જીવનમાં અગાઉ ક્યારેય નહોતું એટલું શેઇપમાં લાવી શક્યો. જોકે કોરોનાની બીમારી અને હોસ્પિટલાઇઝેશનને કારણે આઠ-દસ મહિનાના વર્કઆઉટ્સ પછી મળેલા પરિણામ પર પાણી ફરી વળ્યું, પણ ઠીક છે. ફરી એકડેએકથી શરૂ કરીશું. શરીરને બેસ્ટ પોસિબલ શેઇપમાં લાવીશું, શરીરને અંદરથી મજબૂત કરીશું. આ ઇચ્છા, આ માનસિકતા મારી ભીતર કાયમ જીવંત રહેતા પેલા ચોવીસ વર્ષના પેલા છોકરાની મુગ્ધતાનું શુભ પરિણામ છે. જો ખૂબ બધું કરવાની, જોવાની-હરવા-ફરવાની ખ્વાહિશ હંમેશાં લીલીછમ રહેતી હોય, જીવનની છેલ્લી ક્ષણ સુધી ભરપૂર સક્રિયતાથી જીવવું હોય તો શરીરે છેક સુધી સાથ આપવો જ પડે.

ખ્વાહિશો ભલે ગમે તેટલી હોય, ભલે ખૂબ બધાં કામ કરવાં હોય, પણ ઉંમરની સાથે નિર્લેપતા ઘૂંટાતી જવી જોઈએ. કામ હોય કે સંબંધો – તેમાં ઉત્સાહ, ઉત્કટતા અને ઇન્વોલ્વમેન્ટ પૂરેપૂરાં, પણ સાથે સાથે સ્થિતપ્રજ્ઞ બનતાં પણ આવડવું જોઈએ. કઠિન છે. જીવનમાં જે કંઈ ચાલી રહ્યું હોય તેની વચ્ચોવચ્ચ હોવું, તેમાંથી આરપાર પસાર થવું અને છતાંય ઘટનાક્રમની ધરીથી ઉપર ઉઠીને સઘળું સાક્ષીભાવે નિહાળવું. ‘આ શરીર છે તે હું નથી, આ મન છે તે હું નથી’– આ સત્યને અનુભૂતિના સ્તરે લઈ જવું. આ આધ્યાત્મિક પરિપક્વતા છે. આ સ્થિતિએ પહોંચતાં પહેલાં ખૂબ લાંબી મજલ કાપવી પડશે. માંહ્યલાને કેળવવો પડશે. આ મૃત્યુપર્યંત ચાલતી પ્રક્રિયા છે. શેષ જીવનની દિશા સંભવતઃ આ હોવાની.

સંસાર અ-સાર છે એવું કદી લાગ્યું નથી. કશું જ નિરર્થક નથી. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ? સોરી, આ આઉટડેટેડ કોન્સેપ્ટ્સ મારા માટે નથી, હા, આ બન્ને આશ્રમોનું ડહાપણ ગ્રહણ કરવાની કોશિશ જરૂર કરીશું. જેમ ઉંમર, યુવાની અને વૃદ્ધાવસ્થા સાપેક્ષ છે, તેમ ‘સાંજ’ પણ રિલેટિવ સ્થિતિ છે. પૂર્વની સાંજ એ પશ્ચિમની સવાર છે. સાંજે સૂર્યોદય બિલકુલ શક્ય છે. સૂર્યોદય સવારનો મોથાજ નથી. ચોવીસ કલાકના ચકરાવામાં સૂર્ય ગમે ત્યારે ઉદય થઈ શકે છે, એક કરતાં વધારે વખતઉદય થઈ શકે છે.બસ, પેલું મુન્નાપણું, મુગ્ઘતા અને આંતરિક જાગૃતિ અકબંધ રહેવા જોઈએ. ભગવાન, આ શક્ય બને એટલી મદદ કરજોને, પ્લીઝ!

– શિશિર રામાવત

————————————————–
તાજા કલમ : આ લેખ અંકિત ત્રિવેદી દ્વારા સંપાદિત ‘સાંજે સૂર્યોદય’ નામના પુસ્તકમાં સમાવાયો છે. નવભારત પ્રકાશન દ્વારા તાજા તાજા પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં મોરારિબાપુથી માંડીને કેટલાય લેખકો – કવિઓએ આ પ્રકારના આત્મકથનાત્મક લેખો લખ્યા છે. ખૂબ સુંદર અને સત્ત્વશીલ પુસ્તક છે આ. રિકમન્ડેડ!

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.