Sun-Temple-Baanner

કાન્તિ ભટ્ટઃ તમારા માટે, તમારી સાથે, સતત…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાન્તિ ભટ્ટઃ તમારા માટે, તમારી સાથે, સતત…


કાન્તિ ભટ્ટઃ તમારા માટે, તમારી સાથે, સતત…

કાન્તિ ભટ્ટના 88મા જન્મદિવસની ઉજવણી કેવી રહી? તૃપ્ત થઈ જવાય, ખુદનો પોતાની જાત સાથે નવેસરથી પરિચય થાય એવી.

‘લાગે છે, મારે હવે સો વર્ષ જીવવું પડશે…’

રેડ કાર્પેટ બિછાવેલાં પગથિયાં રેલિંગના ટેકે ટેકે ચડતી વખતે કાન્તિ ભટ્ટ ઉમંગપૂર્વક કહી રહ્યા હતા.

* * * * *

સો વર્ષનો આંકડો ઓછો છે. નાનો છે. ગુજરાતી પત્રકારજગતના લિવિંગ લેજન્ડ કાન્તિ ભટ્ટને ઉપરવાળાએ સો વર્ષ કરતાં ઘણું વધારે લાંબુ અને સંપૂર્ણપણે સ્વસ્થ આયુષ્ય લખી આપવું જોઈએ. કાન્તિ ભટ્ટે 88 વર્ષ પૂરાં કર્યાં (જન્મતારીખઃ 15 જુલાઈ 1931). તાજેતરમાં એટલે કે 20 જુલાઈએ મુંબઈના શ્રી વિલે પાર્લે પાટીદાર મંડળના સુશોભિત હૉલમાં સરસ રીતે ઊજવાયો.

હૉલના એન્ટ્રેન્સ પાસે જ કાન્તિ ભટ્ટની વિરાટ તસવીરવાળું સરસ મજાનું હોર્ડિંગ મૂકાયેલું હતું. પાતળા શરીર પર સફેદ પહેરણ, તેની ઉપર બ્રાઉન કોટ, મસ્તક પર લાક્ષાણિક હેટ અને સ્વચ્છ, પારદર્શક આંખોમાં નિર્દોષતા ને જિજ્ઞાસા. કર્મઠ માણસ જેમ જેમ જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ બનતો જાય છે તેમ તેમ એની આંખોમાં આપોઆપ બાળક જેવી નિર્દોષતા આવતી જતી હોય છે? કાન્તિ ભટ્ટ હૉલમાં પ્રવેશ કરે તે પહેલાં જ આ હોર્ડિંગના બેકગ્રાઉન્ડમાં એમની સાથે તસવીર ખેંચાવાનો દોર શરૂ થઈ ગયો હતો. કાન્તિ ભટ્ટના હાથ નીચે કોણ જાણે કેટલાય ગુજરાતી પત્રકારો તૈયાર થયા હશે. કાન્તિ ભટ્ટ દ્વારા પ્રત્યક્ષ તાલીમ પામ્યા ન હોય, પણ એકલવ્યની માફક એમની પાસેથી ચિક્કાર શીખ્યા હોય તેવા પત્રકારોની સંખ્યા પણ નાની સૂની નથી.

આ જ વાત શીલા ભટ્ટ માટે પણ લાગુ પડે છે. કાન્તિ ભટ્ટની માફક શીલા ભટ્ટ પણ પત્રકારોની એક કરતાં વધારે પેઢીઓ માટે રોલ મોડલ રહ્યાં છે. પોતાની સાથે કામ કરી ચુકેલા સાથીઓ અને મિત્રો-શુભેચ્છકો સાથે કાન્તિ ભટ્ટનો 88મો જન્મદિવસ ધામધૂમથી શી રીતે સેલિબ્રેટ કરવો તે વિશે શીલા ભટ્ટ સ્પષ્ટ હતાઃ સાથીઓ-સ્વજનો સ્મરણો તો મમળાવશે જ, પણ સાથે સાથે કાન્તિ ભટ્ટનાં પ્રિય ગીતો તેમજ રાસ-ગરબાની રમઝટ પણ બોલવી જોઈએ.

કાન્તિ ભટ્ટ જેમને પોતાના માનસપુત્ર ગણે છે એવા લેખક-પત્રકાર આશુ પટેલે આખો કાર્યક્રમ જહેમતપૂર્વક ડિઝાઇન કર્યો હતો. સંગીતકાર-ગાયક ઉદય મઝુમદારે કાન્તિ ભટ્ટનાં પ્રિય ગીતો તૈયાર કરાવીને પોતે પણ ગાયાં તેમજ રેખા ત્રિવેદી અને સૌરભ મહેતા પણ ગવડાવ્યાં. મંચ પર સાજિંદાઓ અને ગાયકો હતા, સામે પહેલી હરોળમાં મહેમાનોની સાથે કાન્તિ ભટ્ટ બિરાજમાન હતા. સૌરભ મહેતાએ જેવું પંકજ મલિકે કમ્પોઝ કરેલું અને ગાયેલું ‘પિયા મિલન કો જાના… હાં, પિયા મિલન કો જાના… જગ કી લાજ, મન કી મૌજ, દોનોં કો નિભાના… પિયા મિલન કો જાના…’ ગીત ગાવાનું શરૂ કર્યું ને કૃષકાય કાન્તિ ભટ્ટમાં અચાનક ગજબની ચેતનાનો સંચાર થયો. તેઓ ઊભા થઈને રીતસર ઝૂમવા-ગાવા લાગ્યા. આખી મ્યુઝિકલ સેશન દરમિયાન આવી તો કેટલીય ક્ષણો આવી. હાજર રહેનારા સૌએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું. કાન્તિ ભટ્ટની આ એક સહજ, સ્પોન્ટેનિયસ, બાળસહજ અભિવ્યક્તિ હતી.
સંગીતના જાદુમાં સ્વજનો-મિત્રો-ચાહકોની હૂંફનો જાદુ ઉમેરાય ત્યારે આવી ક્ષણ સર્જાય!

* * * * *

‘ચેતનાની ક્ષણે.’

કાન્તિ ભટ્ટે પોતે સ્થાપેલા ‘અભિયાન’ સાપ્તાહિકમાં આ અફલાતૂન કટાર લખીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. અગાઉ વાંચકો માટે તંત્રી સતત પડદા પાછળ રહેતી એક રહસ્યમય વ્યક્તિ હતી. કાન્તિ ભટ્ટે ‘ચેતનાની ક્ષણે’માં અસરકારકતાપૂર્વક આ ફોર્થ વૉલ તોડી નાખી. તેમણે વાંચકો સાથે સીધો સંવાદ શરૂ કર્યો. આ સંવાદમાં ફિલોસોફીની, અધ્યાત્મની અને ખાસ તો ખુદના જીવનના અનુભવોના નિચોડની સુવાસ આવતી. કાન્તિ ભટ્ટે એક વાર લખેલું કે આ કૉલમનો ઉદ્દેશ કંઈ વાંચકોને ઉપદેશ આપવાનો નથી. ‘ચેતનાની ક્ષણે’ તો મારું અને વાંચકોનું એક સામુહિક ચિંતન છે.

‘કાન્તિ ભટ્ટને એક ચિંતક અને લેખક તરીકે શા માટે વ્યાપક સ્વીકૃતિ આપવામાં આવી નથી?’ ‘અભિયાન’ના મેનેજિંગ એડિટર રહી ચુકેલા સૌરભ શાહ પોતાનાં વકતવ્યમાં કહી રહ્યા હતા, ‘કાન્તિ ભટ્ટનાં પુસ્તકો આજે પણ ધૂમ વેચાય છે, પણ એમને પત્રકાર ઉપરાંત લેખક તરીકે જે યશ મળવો જોઈતો હતો તે મળ્યો નથી.’

જે જમાનામાં ગૂગલ કે વિકીપિડીયાની કોન્સેપ્ટ સુધ્ધાં જન્મી નહોતી તે જમાનામાં કાન્તિ ભટ્ટ એમના લેખોમાં વિપુલ માહિતીનો ભંડાર ખડો કરી દેતા. કાન્તિ ભટ્ટના પત્રકારત્વને સેલિબ્રેટ કરવાને બદલે તેના માટે ‘કાતરિયા-ગુંદરિયા પત્રકારત્વ’ જેવો નિમ્ન કક્ષાનો શબ્દપ્રયોગ કરીને તેને ઉતારી પાડનારાઓ સામે સૌરભ શાહે રોષ પ્રગટ કર્યો હતો. તેમણે ઉમેર્યું, ‘કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટે ગુજરાતી

પત્રકારત્વમાં અનેરી સિદ્ધિઓ મેળવી છે. જો કાન્તિ ભટ્ટ અંગ્રેજી ભાષાના પત્રકાર હોત તો આજ સુધીમાં તેમને કેટલાય ઈન્ટરનેશનલ એવોર્ડસ મળી ચુક્યા હોત.’

વિખ્યાત વૈજ્ઞાનિક તથા ઈન્ડિયન પ્લૅનેટરી સોસાયટીના ચૅરમેન ડૉક્ટર જે. જે. રાવલે એ જ સૂરમાં કહ્યું કે કાન્તિ ભટ્ટને પદ્મશ્રી નહીં, પણ પદ્મવિભૂષણનો ખિતાબ મળવો જોઈએ.

અવિનાશ પારેખ ‘અભિયાન’ના માત્ર પ્રકાશક નહોતા, પ્રકાશક કરતાં ઘણું વિશેષ હતા. એમણે પોતાનાં વકતવ્યમાં કેટલાક સરસ કિસ્સા યાદ કર્યા હતાઃ ‘મને હજી યાદ છે કે કાન્તિભાઈ સાથે ટ્રેનની મુસાફરી કરવાની હોય ત્યારે હું એવી સીટ શોધતો કે જ્યાં તેમને લખવાનું ફાવે, કેમ કે કાન્તિભાઈ ડાબોડી છે. એક વખત અમે એરપોર્ટ પર સાથે હતા. કાન્તિભાઈની પાસે સામાનમાં ઘણાં બધાં પુસ્તકો હતાં એટલે લગેજનું વજન વધારે થઈ ગયું હતું. અમને કહેવામાં આવ્યું કે તમારે આના એક્સ્ટ્રા પૈસા ચુકવવા પડશે. અમે થોડી દલીલો કરી. મેં એરપોર્ટ અધિકારીને કહ્યું કે કાન્તિભાઈનું ખુદનું વજન ફક્ત 40 કિલો જ છે. ધારો કે તેમનું વજન 60 કિલો હોત તો પણ તમે એમને પ્લેનમાં જવા જ દીધા હોતને. અત્યારે એમ સમજો કે એ વધારાના વીસ કિલો આ પુસ્તકોના છે. અધિકારીએ હસતા-હસતા કહ્યું કે ઇન ધેટ કેસ, કાન્તિભાઈએ કાર્ગોમાં જવું પડે ને પુસ્તકોને સીટ પર ગોઠવવાં પડે!’

જાણીતા સેક્સોલોજિસ્ટ અને પદ્મશ્રી પ્રકાશ કોઠારીએ એક કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, ‘ચિત્રલેખાના હરકિસન મહેતાએ એક વાર કાન્તિ ભટ્ટને મારો ઈન્ટરવ્યુ લેવા મોકલ્યા હતા. એમણે મને એટલા બધા સવાલો પૂછ્યા કે મને થયું કે મારી કપરી પરીક્ષા થઈ રહી છે. તે ઈન્ટરવ્યુ પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે સેક્સોલોજીના વિષયમાં દુનિયામાં જો કોઈ માણસ મને ટક્કર આપી શકે તેમ હોય તો એ આ એક જ છે – કાન્તિ ભટ્ટ!’

તબિયત નાદુરસ્ત હોવાને કારણે જાણીતા પત્રકાર વિક્રમ વકીલ ખુદ તો હાજર નહોતા રહી શક્યા, પણ તેમનો ઑડિયો મેસેજ કાન્તિ ભટ્ટ અને મહેમાનો સુધી જરૂર પહોંચ્યો. એમણે કહ્યું, ‘કાન્તિ ભટ્ટ આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ આઇડીયોલોજી કે રાજકીય વિચારધારાની કંઠી બાંધી નથી. જો કૉપી નબળી હોય તો તેઓ તે મોં પર મારશે અને જો સારું કામ કર્યું હોય તો પીઠ થાબડીને શાબાશી પણ આપશે. ફિલ્ડ પર જુવાનિયાઓ કરતાં પણ તેઓ વધારે એનર્જીથી કામ કરે. તેથી જ એમની સાથે કામ કરવાની વધુ મજા આવતી.’

કાન્તિ ભટ્ટે માત્ર પત્રકારોને જ પ્રભાવિત કર્યા નથી, આયુર્વેદ તેમજ નેચરોપથીનાં ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા પંકજ નરમ પણ ખુદને ઇન્ફ્લ્યુન્સ કરનારી ટોપ-ટેન વ્યક્તિઓની સુચિમાં કાન્તિ ભટ્ટને પહેલા નંબર પર મૂકે છે. કાન્તિભાઈએ એમને પહેલાં લેખન તરફ વાળ્યા ને પછી આયુર્વેદ તરફ.

વર્ષા અડાલજા, સોનલ શુક્લ, મૌલિક કોટક ઉપરાંત વિશાળ વાચકવર્ગના પ્રતિનિધિ એવાં રાજુલ શેઠે ટૂંકાં વકતવ્યો આપ્યાં. મધુરી કોટકે આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. સમગ્ર ઇવેન્ટનું દિલપૂર્વક સંચાલન કરનાર પત્રકાર-લેખિકા ગીતા માણેકે એક સરસ વાત કરી હતી કે, ‘કાન્તિ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વની યુનિવર્સિટી નહીં, પણ ગુજરાતી પત્રકારત્વનું ગુરૂકુળ છે, જેમાં મારાં જેવા કેટલાંય શિષ્યો તૈયાર થયાં છે.’ મીનળ પટેલે પોતાના આગવા અંદાજમાં ‘કંઈક ભાળી ગયેલા’ કવિ રમેશ પારેખની એક મસ્તમજાની કવિતાનું અસરકારક પઠન કર્યું. ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગને કાન્તિ ભટ્ટને લખેલા પત્રો વિશાળ એલઈડી સ્ક્રીન પર ફ્લેશ થયા ત્યારે કાન્તિ ભટ્ટે સૌને સંબોધતા કહ્યું, ‘આ પ્રામાણિક પત્રકારત્વની તાકાત છે. એ તમને અમેરિકન પ્રેસિડન્ટ કક્ષાના લોકો સુધી પહોંચાડી શકે છે. લોકોને માહિતીમાં રસ છે. એમને માહિતી આપો, તમારાં મંતવ્યો નહીં.’

કાર્યક્રમમાં પત્રકાર-લેખક આશુ પટેલે એક સરસ મજાની જાહેરાત કરી – કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટ ફાઉન્ડેશનની સ્થાપનાની. આ ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વમાં આવવા ઈચ્છતાં યુવક-યુવતીઓને દરેક સ્તરે મદદ કરવામાં આવશે. દર વર્ષે એક પ્રતિભાશાળી યુવા પત્રકારને 21 હજાર રુપિયાના પુરસ્કાર સાથેનો એવોર્ડ પણ આપવામાં આવશે. નાટ્યનિર્માતા મનહર ગઢિયાએ પ્રથમ પુરસ્કાર માટેની રકમ ત્યારે જ ગણી આપી. શીલા ભટ્ટે તાળીઓના ગડગડાટ વચ્ચે આ જાહેરાતને વધાવી લેતા કહ્યું હતું કે મારે આ મુદ્દે બે વાત કરવી છે. એક તો આ ફાઉન્ડેશનનું નામ માત્ર ‘કાન્તિ ભટ્ટ ફાઉન્ડેશન’ રાખીએ અને બીજું, પ્રતિભાશાળી પત્રકાર માટે પુરસ્કારની રકમ 21 હજારથી વધારીને 51 હજાર રૂપિયા કરીએ.

અહીં સાથે સાથે એ પણ નોંધી લઈએ કે ધ શક્તિ ભટ્ટ ફાઉન્ડેશન દર વર્ષે ક્રિયેટિવ રાઇટિંગ અને જર્નલિઝમમાં પહેલું પુસ્તક લખનાર તેજસ્વી લેખકો-પત્રકારોને આમંત્રણ આપે છે. દુનિયાભરમાંથી એન્ટ્રી આવે છે, જેમાંથી વિજેતાને બે લાખ રૂપિયાનું શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઇઝ આપવામાં આવે છે.

સૌથી છેલ્લું વકવ્ય શીલા ભટ્ટનું હતું. હૃદયસ્પર્શી, પ્રામાણિક અને લાગણીભર્યું. એમણે કહ્યું, ‘16 જુલાઈએ અમારાં લગ્નને ચાલીસ વર્ષ પૂરાં થયાં. તે વખતે તો તમે અમારાં લગ્નમાં નહોતા આવ્યા, પણ આજે તમને સૌને અહીં જોઈને લાગે છે કે તમે આજે જાણે અમારાં લગ્નમાં આવ્યા છો. કાન્તિ અને હું જીવનમાં ખૂબ ઝંઝાવાતોમાંથી પસાર થયાં છીએ. ઘણા ધરતીકંપ સહન કર્યાં, સંજોગોરૂપી પહાડો ચડ્યાં, નદીઓ ઓળંગી, દરિયાઓ તરવા પડ્યાં, જ્વાળામુખીમાં ફેંકાઈ ગયાં હોઈએ એવી લાગણી અનુભવી, ક્યારેક ટૂટી ગયાં, ક્યારેક ફૂરચા ઊડી ગયાં, પણ ટકી ગયાં, જીવી ગયાં. કાન્તિ એકલવાયા જીવ છે. એ પહેલાંય એકલા હતા ને આજે પણ એકલા જ છે. કાન્તિ, તમે ઘણું જીવો અને સરસ જીવો.’

શીલા ભટ્ટ આ બોલી રહ્યાં હતાં ત્યારે એમની અતિ તેજસ્વી સ્વર્ગસ્થ પુત્રી શક્તિનું સ્મરણ હાજર રહેલા સૌના ચિત્તમાં એકસાથે ધબકી રહ્યું હતું. શક્તિ, તમે પણ ઘણું જીવો – સૂક્ષ્મ રૂપે, અદશ્યપણે, તમારાં મા-બાપના શ્વાસમાં, એમના પત્રકારત્વમાં, એમનાં સ્મરણમાં, અમારી સૌની સ્મૃતિમાં…

* * * * *

-અને પછી રાસ-ગરબા. પત્રકારોથી છલકાતા ફંકશનમાં રાસ-ગરબા શા માટે? આનો જવાબ શીલાબહેને પોતાનાં વકતવ્યમાં હસતાં હસતાં આપી દીધો હતોઃ

‘મેં કાન્તિ સાથે લગ્ન કર્યાં તે પછી પહેલી નવરાત્રિ આવી ત્યારની આ વાત છે. એમણે મને કહેલુઃ લે! તને ગરબા લેતા આવડતું નથી! આ કહેતી વખતે એમના ચહેરા પર જે દુખનો ભાવ ઊપસ્યો હતો તે મને આજેય બરાબર યાદ છે!’

પણ આજે કાન્તિ ભટ્ટ પ્રસન્ન-પ્રસન્ન હતા. મંચ પરથી લાઇવ ગરબા ગવાઈ રહ્યા હતા ત્યારે કેટલીય વાર તેઓ ઊભા થઈને થોડી થોડી વાર ઝુમ્યા.

સેલિબ્રેશનનું સમાપન સ્વાદિષ્ટ ભોજનથી થયું. આ મામલામાં પણ શીલા ભટ્ટ પૂરેપૂરાં સ્પષ્ટ હતાઃ ભોજન નિર્ભેળપણે, માત્ર અને માત્ર ગુજરાતી જ હોવું જોઈએ! ભારે ચીવટપૂર્વક એમણે મેનુ નક્કી કર્યું હતું. શું શું હતું જમવામાં? ભરેલા ભીંડાનું શાક, સંભારિયા બટેટા, ગ્રીન ગુજરાતી (એક પ્રકારનું ઉંધિયું), રાયના દેશી ઘીના ચુરમાના લાડુ, ન્યાતના જમણવારમાં પીરસાય એવી દેસી દાળ, ઢોકળાં, ફુલકા, પુરી, ભાત અને છેલ્લે કુલ્ફી વિથ ફાલુદા!

કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ રહ્યો. તૃપ્ત થઈ જવાય, ખુદનો પોતાની જાત સાથે નવેસરથી પરિચય કરાવે એવો. કાન્તિ ભટ્ટોત્સવની આ તો શરૂઆત છે. સંભવતઃ આ શૃંખલા આગળ વધશે અને ગુજરાતનાં જુદાં જુદાં શહેરો તેમાં જોડાતાં જશે.

ઓવર ટુ રાજકોટ…

* * * * *

(પૂરક માહિતીઃ દિવ્યકાંત પંડ્યા)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.