Sun-Temple-Baanner

સાહિત્યોત્સવ-2019 : નવો જોશ, નવો ઉમંગ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સાહિત્યોત્સવ-2019 : નવો જોશ, નવો ઉમંગ


સાહિત્યોત્સવ-2019 : નવો જોશ, નવો ઉમંગ

ગિરનારની તળેટીમાં તાજેતરમાં નવોદિતો દ્વારા અને નવોદિતો માટે યોજાઈ ગયેલો ત્રિદિવસીય ‘સાહિત્યોત્સવ-2019’ એક નક્કર ઘટના છે. નક્કર અને શુભ -સમૃદ્ધ – પ્રશંસનીય. એની અસર ધીમી અને લાંબા ગાળાની હોવાની. ‘સાહિત્યોત્સવ-2019’ના આ ત્રણ દિવસની તમામ ગતિવિધિઓના પ્રત્યક્ષ સાક્ષી રહ્યા પછી જે વાત સમજાઈ એ આ હતીઃ ગુજરાતના કલ્ચરલ સિનારિયોમાં જે નામો હજુ સુધી પ્રસ્થાપિત થયા નથી તેમને સહેજ પણ અન્ડરએસ્ટિમેટ કરવાં જેવાં નથી. તક મળતાં જ તેઓ અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ શકે છે! સાહિત્યોત્સવ-2019નો સવિસ્તૃત અહેવાલ, ભલે સહેજ મોડો, અહીં પ્રસ્તુત છે…

* * * * *

‘આ વખતે મોરારિબાપુના અસ્મિતાપર્વમાં જઈ શકાયું નહોતું, પણ હવે એનો અફસોસ નથી.’

તમે જુઓ છો કે આમ કહેતી વખતે એ મધ્યવયસ્ક સજ્જનના ચહેરા પર સાચુકલો આનંદ છે. તાજેતરમાં જૂનાગઢમાં તળેટીમાં યોજાયેલા ‘સાહિત્યોત્સવ 2019’ના પ્રથમ દિવસના અંતે રાત્રિભોજન લેતાં લેતાં આ બેન્ક ઓફિસર સહજપણે પોતાના મનની વાત કહી રહ્યા હતા. તમે એ પણ જોઈ શકો છો કે વત્તેઓછે અંશે સૌના ચહેરા પર આ જ ભાવ રમે છે. આનંદનો, સંતોષનો, આવા ભરચોમાસે સાહિત્યના જલસામાં આવવું સાર્થક થયું છે એવી પ્રતીતિનો ભાવ.

-અને આ તો હજુ પહેલો જ દિવસ હતો. પહેલો એટલે કે 10 ઓગસ્ટ 2019નો દિવસ. હજુ બીજા બે દિવસ બાકી હતા. આ બે દિવસ દરમિયાન સાહિત્યોત્સવમાં ભાગ લેનારા સૌનો આનંદનો ગુણાકાર થવાનો હતો.

આ આનંદની લાગણી કંઈ શરૂઆતથી નહોતી. પહેલી વાર સાહિત્યોત્સવના આયોજન વિશે માહિતી મળી ત્યારે તો મનમાં શંકા અને અવઢવ હતાં. જુદી જુદી પેનલોમાં ભાગ લેનારા મોટા ભાગના કલાકાર-કસબીઓનાં નામ અજાણ્યાં, આયોજકોનાં નામ અજાણ્યાં. અજાણ્યાં અથવા કહો કે ઓછા જાણીતાં. ઇવન આયોજન જ્યાં થઈ રહ્યું હતું તે સ્થળ, પ્રેરણા આશ્રમ, પણ અજાણ્યો. વળી, આ સઘળું છેક જૂનાગઢમાં. મનમાં સ્પષ્ટ સવાલ હતોઃ આવા ગાંડા ચોમાસામાં સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને આ સાહિત્યિક જલસામાં જવાનું લેખે લાગશે?

બીજો સવાલ એ પણ હતો કે આ સાહિત્યિક ઇવેન્ટના આયોજન પાછળ ઉદ્દેશ શો છે? છેલ્લાં કેટલાંક વર્ષોથી જીએલએફ (ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ) સફળતાપૂર્વક યોજાઈ જ રહ્યો છે. એની જ અલગ આવૃત્તિ જેવી ઓર એક ઇવેન્ટની ખરેખર કશી જરૂર છે ખરી? સાહિત્યોત્સવ 2019ની આયોજકબેલડી પૈકીનાં નીતા સોજિત્રા કહે છે, ‘અમે 2017થી સાહિત્યનો આ પ્રકારનો કાર્યક્રમ કરવાનું વિચારી રહ્યા હતા. અમે જોયું કે નવોદિતોને પૂરતું પ્લેટફૉર્મ મળતું નથી. ફેસબુક પર નવોદિતોનું ટ્રોલિંગ થતું હોય છે. ઇવન અમુક મુશાયરાઓમાં પણ ઊગતા કવિઓને પૂરતું સ્થાન કે અવકાશ અપાતાં નથી. અમને થયું કે આપણે એવી કોઈ સાહિત્યિક ઇવેન્ટનું આયોજનક કરીએ તો કે જેમાં કવિ, લેખક, સંચાલક, વક્તા આ સઘળી કેટેગરીમાં કેવળ નવોદિતોને પ્રાધાન્ય અપાયું હોય? બસ, સાહિત્યોત્સવનો માનસિક જન્મ આ રીતે થયો. જીએલએફની વાત કરીએ તો એ તો ઘણું મોટું સ્ટેજ છે. હા, જુદી જુદી સેશનને ડિઝાઇન કરવા માટે જીએલએફનો એક રેફરન્સ તરીકે ઉપયોગ જરૂર કર્યો હતો. બાકી જીએલએફ પ્રત્યે ઇર્ષ્યા કરવાનો ભાવ કેવી રીતે હોય.’

ન જ હોય. ઇર્ષ્યા પણ નહીં, સ્પર્ધા કે દેખાદેખી પણ નહીં. આ સાહિત્યિક જલસાની તાસીર બહુ અલગ છે એ શરૂઆતથી જ સમજાઈ ગયું હતું. કોઈ જબરદસ્ત મોટું કામ થઈ રહ્યું છે એવી આત્મસભાનતાને બદલે જાણે સંતાનનાં રંગેચંગે લગ્ન લેવાઈ રહ્યાં હોય એવો ઉમંગ વધારે હતો. સાહિત્યોત્સવ 2019ના સુરતવાસી સહઆયોજક મેહુલ જિયાણી (અથવા પટેલ) ભાવનાશાળી અને જોશીલા યુવાન છે. તેઓ કહે છે, ‘સાહિત્યે તો મને જીવાડ્યો છે. થોડાં વર્ષ પહેલાં મને મારા બૉક્સ પેકેજિંગના બિઝનેસમાં લાખો રૂપિયાનું નુક્સાન થયું હતું. હું લગભગ આત્મહત્યાની કરવાની અણી પર પહોંચી ગયો હતો. આવી કટોકટીના સમયે મને અનિલ ચાવડાના એક શેરે બહુ તાકાત આપી. હું ટકી ગયો. જીવી ગયો. એ પછી મે કવિસંમેલનો અને મુશાયરાઓમાં જવાનું શરૂ કર્યું. હું મારી સીટ જઈને ચુપચાપ બેસી જાઉં. કવિતાઓ સાંભળ્યા કરું, માણ્યા કરું. દરેક કાર્યક્રમમાંથી મને બે-ત્રણ શેર અથવા પંક્તિ એવી જરૂર મળે જે મારી સાથે રહે, જેનાથી મને પુષ્કળ બળ મળે. મને થયું કે જે સાહિત્ય મને જીવાડે છે એના માટે હું શું કરી શકું. સાહિત્યોત્સવ 2019ના આયોજન પાછળનું મારું ચાલકબળ આ છે. બાકી હું તો અલ્પશિક્ષિત છું, માત્ર ભાવક છું, પણ સાહિત્યના સંવર્ધન માટે મારાથી બનતું સઘળું કરી છૂટવું છે.’

ઊંડી ખીણમાં ફેંકાઈ ગયા હોઈએ ત્યારે બચી જવા માટે ક્યારેક હાથમાં અચાનક આવી જતી એક ડાળખી જ પૂરતી હોય છે. કયો હતો અનિલ ચાવડાનો એ શેર જેણે મેહુલ જિયાણીને જીવનઊર્જા પૂરી પાડી? પેશ છેઃ

ઊગ્યો છું એવું નથી, આથમી ચુક્યો છું એવું પણ નથી
ટુકડે ટુકડે જીવું છું, તૂટી ચુક્યો છું એવું પણ નથી.

ખુદને કવયિત્રી નહીં પણ આગ્રહપૂર્વક નવોદિત કવયિત્રી ગણાવતાં રીટા શાહે કહેલી વાત પણ મેહુલ જિયાણી માટે ટર્નિંગ પૉઇન્ટ જેવી સાબિત થઈ હતી. રીટા શાહે મિત્રભાવે કહેલું કે જ્યારે આગળ વધવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય એવી પરિસ્થિતિમાં ખૂણામાં બેસીનું રડી લેવાનું, નહીં તો દુનિયા સામે લડી લેવાનું.

રીટા શાહ અને એમના જેવી જેવી કેટલીય વ્યક્તિઓ ફેસબુક, માતૃભારતી, પ્રતિલિપિ વગેરે જેવાં ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર પોતાની રચનાઓ શેર કરીને ખુદને વ્યક્ત કરે છે. સાહિત્યોત્સવ 2019માં પ્રસ્થાપિત નામો નહીં, પણ નવોદિતો પર શા માટે ફોકસ કરવામાં આવ્યું હતું એનું એક પ્રયોજન અહીં પણ દેખાય છે.

જે નામો પ્રસ્થાપિત નથી તેઓ પણ જો તક મળે તો કેવાં પ્રભાવક સાબિત થઈ શકે છે એનો પરચો સાહિત્યોત્સવ 2019ના ત્રણ દિવસો દરમિયાન ક્રમશઃ મળતો ગયો.

——————————–
પહેલો દિવસ
——————————–

સાહિત્યોત્સવનો ઉઘાડ ધર્મેન્દ્ર કનાલાએ કર્યો, માસ્ટર ઑફ સેરીમની (એમસી) તરીકે. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ઋષિકવિ રાજેન્દ્ર શુક્લે દીપપ્રાગટય કર્યું તે પછી સ્થાનિક નૃત્યવૃંદે ‘જયતુ ગુજરાતમ્ વદતુ ગુજરાતમ્’ રચના પર સુંદર કથક નૃત્ય પ્રસ્તુત કર્યું. પહેલું સેશનનું શીર્ષક હતું, ‘વિચારોનું મેઘધનુષ’. પેનલિસ્ટ હતાં અભિમન્યુ મોદી અને નીતા સોજિત્રા. અભિમન્યુ મોદી તેજસ્વી યુવા કોલમિસ્ટ વાસ્તવમાં ફેસબુક ડિસ્કવરી છે. એમની ફેસબુક પોસ્ટ્સના આધારે સિનિયર પત્રકાર-તંત્રી કૃષ્ણકાન્ત ઉનડકટે એમને ‘સંદેશ’માં કૉલમ લખવાનું આમંત્રણ આપ્યું હતું. જુદાં જુદાં પ્રકાશનો માટે ‘ટિન્ડરબૉક્સ’, ‘મૂવી રિકૉલ’, ‘ચિત્રોદગાર’, ‘મોન્ટાજ’, ‘કેનવાસ’, ‘નેટડાયરી’ જેવી કૉલમ્સ ઉપરાંત ‘અભિયાન’માં ‘ધ મંડલમ્’ નામની ધારાવાહિક સાયન્સ ફિક્શન પણ લખી છે. એન્કર ભૂષણ ઝાલાના એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું, ‘રાત્રે અડધા ગ્લાસમાં દ્રવ્ય રેડાય પછી જ લખાતો ય તે કટારલેખન નથી. દર અઠવાડિયે ગુફામાં જઈને તપ કરવું પડતું હોય તો તે પણ કટારલેખન નથી. કૉલમ એટલે જુદા જુદા સોર્સીસમાંથી કૉપી કરેલી માહિતી નહીં, પણ પોતાના વિચારો વ્યક્ત કરવા માટેનું માધ્યમ. આજે ઇન્ટરનેટનું માધ્યમ સૌની પાસે હાથવગું છે અને દરેક વ્યક્તિ જાણે છે કે એને શી માહિતી જોઈએ છે.’

મંચ પર અભિમન્યુ મોદીના કૉન્ફિડન્સ, સજ્જતા અને ચાર્મ – આ ત્રણેયને ફુલ માર્ક્સ!

નીતા સોજિત્રા પોતાના વિચારો ફેસબુક પર વ્યક્ત કરતાં રહે છે. તેમને શિક્ષણપ્રથા વિશે વાંચવું, વિચારવું અને લખવું સૌથી વધારે ગમે છે. તેમણે કહ્યું, ‘આપણે સંતાનોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવીએ છીએ, પણ પછી મેડિકલ, એન્જિનીયરિંગ માટે સરકારી કૉલેજો શોધીએ છીએ. શું એવું ન થઈ શકે કે તમામ સ્કૂલો માત્ર અને માત્ર સરકારી જ હોય? મારો આગ્રહ છે કે ગુજરાતી માતા-પિતાઓએ પોતાનાં સંતાનોને પહેલાં પાંચ ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણાવવાં જોઈએ કે જેથી માતૃભાષા સાથેનો તેનો સંબંધ ગાઢ થઈ શકે.’

તેમણે શિક્ષણના રાષ્ટ્રીયકરણની સંભાવના વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં.
‘પત્રકારત્વની બદલાતી દિશા અને દશા’ વિશેના સેશનમાં વિપુલ રાઠોડ (‘ફૂલછાબ’ના ડેપ્યુટી એડિટર) અને માહિતા ખાતામાં કાર્યરત અમિત રાડિયાએ રસપ્રદ વાતો કરી હતી. વિપુલ રાઠોડે કહ્યું, ‘લોકો પાસે પોતાનું સત્ય હોય છે અને મીડિયા પાસેથી તેઓ પોતાનાં સત્યની પુષ્ટિ ઇચ્છતા હોય છે. તમે મીડિયા પાસેથી તટસ્થતાની અપેક્ષા રાખી શકો, નિષ્પક્ષતાની નહીં. અખબારોનો જન્મ થયો ત્યારથી એની સાથે સંકળાયેલા લોકો પોતાના વ્યુઝ જ રજૂ કરતા આવ્યા છે. ગાંધીજી પોતાનાં સામયિકોમાં પોતાનાં મંતવ્યો રજૂ કરતા. ગાંધીજી, રાજા રામમોહન રાય વગેરેએ પોતાના વ્યુઝ થકી લોકોમાં જાગૃતિ આણી. આજે લોકો સમાચાર ગૂગલ, સોશિયલ મીડિયા વગેરે પર જોઈ લે છે. અખબારો, ટીવી ચેનલો અને રેડિયો પર તેમને વ્યુઝ જોવા હોય છે.’

અમિત રાડિયાએ કહ્યું, ‘માણસમાત્ર એક પત્રકાર છૂપાયો હોય છે. આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે ‘કેમ છો? શું છે નવાજૂની?’ એમ પૂછીએ છીએ. આ સવાલ આપણામાં છૂપાયેલો પત્રકાર જ પૂછતો હોય છે.’

સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતા સમાચારો વિશે એમણે કહ્યું કે ‘વેબવર્લ્ડ, સૉશિયલ મીડિયાનો પણ રોલ સમાચારોમાં વધી રહ્યો છે, પરંતુ આ એવા સમાચારો છે જેનું સત્ય ચકાસવું વિશેષપણે જરૂરી બની જાય. નવી ટેક્નૉલૉજીની અસર ન્યુઝચૅનલો પર એટલી હદે નથી થતી કે એનું અસ્તિત્વ જોખમાઈ જાય. વેબ, સોશ્યલ મીડિયા એ ન્યુઝની સપોર્ટ સિસ્ટમ છે. એનાથી મીડિયાના અસ્તિત્વને જોખમ નથી.’

ચિક્કાર વરસાદને કારણે સાહિત્યોત્સવના ઘણા પેનલિસ્ટ બહારગામથી જૂનાગઢ સુધી પહોંચી શકે એવી સ્થિતિમાં નહોતા. આથી સ્વાભાવિકપણે જ ઘણી સેશન્સ રદ થઈ. સમાંતરે બે ડોમ (મંડપ, ચંદરવો)માં અલગ અલગ સેશન કન્ડક્ટ કરવાને બદલે એક જ ડોમમાં સઘળી ગતિવિધિ આગળ વધારવાનો નિર્ણય લેવાનો, જે યોગ્ય જ હતો.

આખા સાહિત્યોત્સવ દરમિયાન એન્કરો અને પેનલિસ્ટોની ભુમિકા સતત એકમેકમાં અદલબદલ થતી રહી. જેમ કે અભિમન્યુ મોદીએ ‘હાસ્યનું હુલ્લડ’ સેશનમાં (જે ઠીક ઠીક ગંભીર રહ્યું) એન્કર તરીકે ધર્મેન્દ્ર કનાલાને અને ‘પત્રકારત્વની કલ, આજ ઔર કલ’ સેશનમાં ‘દિવ્ય ભાસ્કર’ના મેગેઝિન એડિટર કૃષ્ણકાંત ઉનડકટને સરસ રીતે, સરસ સવાલો પૂછ્યા. કૃષ્ણકાંતે એક ઉત્તરમાં કહ્યું, ‘આઝાદી પહેલાંના ભારતીય પત્રકારત્વનો ઉદ્દેશ દેશને આઝાદી અપાવવાનો હતો. આથી આઝાદી મળી ગયા પછી ઘણા પત્રકારો દિશાહીનતાનો અનુભવ કરવા લાગ્યા હતા. ગાંધીજીએ તેમને નવી બનેલી ભારતીય સરકારની તરફદારી કરતાં સમાચારો લખવાની ભલામણ કરી. આથી સમાચાર માધ્યમોમાં ‘વડાપ્રધાને આમ કર્યું, વડાપ્રધાને તેમ કર્યું’ પ્રકારના ન્યુઝ આવવા લાગ્યા. ભારતીય સમાચારમાધ્યમોમાં તે પછીનો વળાંક કટોકટી વખતે આવ્યો.’

કૃષ્ણકાંત ઉનડકટે જણાવ્યું કે આજે મીડિયાનો અમુક વર્ગ પ્રો-ગર્વેમેન્ટ લાગતો હોય તો એમાં કશું નવું નથી. આવું અગાઉ પણ હતું જ. બે-ચાર છાપાં કે ચેનલો સરકારને સરન્ડર થયેલાં હોય એટલે સરકાર આખા મીડિયાને મેનેજ કરી રહ્યું છે એમ ન કહી શકાય. જે હકીકતો આજે બહાર નથી આવતી તે પછી બહાર આવશે જ.

‘વિચારનું મેઘધનુષ’ આ વિષય પર સિનિયર જર્નિલિસ્ટ અને કૉલમિસ્ટ જ્યોતિ ઉનડકટે પોતાની પ્રોફેશનલ લાઇફના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘પત્રકારત્વની શરૂઆતનો દોર સંઘર્ષમય રહ્યો. સતત નવું લાવવાની ઝંખના, એડિટર તરફથી સતત પ્રેશર વચ્ચે પણ સમયસર અને યોગ્ય રિપોર્ટ ફાઈલ કરવાનો. આ બધું જ સંઘર્ષમય હતું, પણ એ સંઘર્ષના કારણે જ હું અહીંયાં સુધી પહોંચી છું.’ જ્યોતિ ઉનડકટનું ગોધરાકાંડ સમયના એમના ફિલ્ડ રિપોર્ટિંગ અને અનુભૂતિઓનું વર્ણન એટલું અસરકારક હતું કે ઑડિયન્સ લગભગ સ્તબ્ધ થઈને, સ્થિર થઈને એમને સાંભળી રહ્યું હતું. .

રેડિયો, ટીવી અને હવે તો સિનેમા સાથે સંકળાયેલાં બંસી રાજપૂતે કચકડે મઢાતી ‘રંગીન દુનિયાનું સત્ય’ વિષય પર કૌશિક ઘેલાણી સાથે પ્રશ્નોત્તરી કરી. કૌશિકને નેચર અને એડવન્ચર ફોટોગ્રાફીનું જબરું પેશન છે. કાર્ટૂનકલાના પારંગત સંજય કોરિયાએ પોતાની સેશનમાં એક ચોટડુક વ્યાખ્યા ટાંકી, ‘કાર્ટૂન એ અભણ માણસનો તંત્રીલેખ છે.’ પેઇન્ટિંગ અને કાર્ટૂન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં એમણે ઉમેર્યું કે પેઇન્ટિંગમાં તમે પહેલાં ચિતરો છો, પછી વિચારો છો. કાર્ટૂનમાં તેનાથી ઊલટું છે. કાર્ટૂન વ્યક્તિ પર નહીં, ઘટના પર બને છે. લેખકો-કવિઓ ખૂબ નવા નવા આવતા રહે છે, પણ કાર્ટૂનિસ્ટોની સંખ્યા ખૂબ ઓછી હોવાનું કારણ એ છે કે વિચારવાની-નિરીક્ષણ કરવાની શક્તિ, ભાષા અને લખાણનું જ્ઞાન અને પેઇન્ટિંગની આવડત – આ ત્રણેયનું કોમ્બિનેશન ઘણી ઓછી વ્યક્તિઓમાં થતું હોય છે.

સાહિત્યોત્સવની પહેલી સાંજ રમેશ પારેખથી થઈ. ધ્રુવ શાસ્ત્રીએ આપણા આ પ્રિય કવિ પર તૈયાર કરેલી અઢારેક મિનિટની ડોક્યુમેન્ટરીને રીતસર સ્ટેન્ડિંગ ઑવેશન મળ્યું. બીજું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું મનોજ ખંડેરિયા, શ્યામ સાધુ અને અનિલ ચાવડાની કાવ્યરચનાઓને અફલાતૂન રીતે પેશ કરનાર અગિયાર વર્ષની પ્રથા બક્ષીને. મુશાયરામાં રાજેન્દ્ર શુક્લ, ચંદ્રેશ મકવાણા, અનિલ ચાવડા, કિરણસિંહ ચૌહાણ, ગૌરાંગ ઠાકર, પ્રજ્ઞા વશી, ડૉ. પરેશ સોલંકી અને લક્ષ્મી ડોબરિયાએ સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી. સેવ-ટમેટાંનું શાક, બાજરાના રોટલા, કઢી, ખિચડી અને મસાલાવાળી છાશનું મસ્તમજાનું ઑથેન્ટિક કાઠિયાવાડી ડિનર લઈને સૌએ જૂનાગઢ સ્થિત નાણાવટી પરિવરની સુગમસંગીતની પ્રસ્તુતિ માણી.

——————————–
બીજો દિવસ
——————————–

બીજા દિવસની શરૂઆત ફિસ્સી રહી. કભી-પેનલિસ્ટ્સ-કભી-એન્કર બંસી રાજપૂતની પતંગિયા જેવી પ્રેઝન્સ ઘણાં માઇનસ પૉઇન્ટ્સને ઢાંકી દેતાં હતાં, પણ ‘ડિજિટલ દીવાલ’ સેશનમાં ભવ્ય રાવલ જમાવટ ન કરી શક્યાં. ખુશાલી દવેનું એન્કરિંગ જોકે અસરકારક હતું.

બીજું સેશન એના ટાઇટલ ‘સર્જનની સર્જકકથા’ જેવું જ સ્માર્ટ રહ્યું. અહીં સર્જન એટલે ક્રિયેશન નહીં, પણ ભાવનગરવાસી ડૉક્ટર નિમિત્ત ઓઝા, જે પ્રેક્ટિસિંગ યુરોલોજિસ્ટ છે ને પાછા લેખક-કોલમનિસ્ટ પણ છે. તેઓ પુનાની એક કૉલેજમાં સુપર સ્પેશિયલાઇઝેશન કરી રહ્યા હતા ત્યારે એકેડેમિક-લિગલ ગૂંચ ઊભી થયેલી, જેણે નિમિત્ત ઓઝાને લગભગ ડિપ્રેશન તરફ ધકેલી દીધા હતા. છ-આઠ મહિનાના આ પીડાદાયી ગાળામાં એમણે લખવા માંડ્યું, ફેસબુક પર મુકવા માંડ્યું. આ અભિવ્યક્તિએ એમને ટકાવી રાખ્યા. આ લખાણો પર, અગેન, કૃષ્ણકાંત ઉનડકટનું ધ્યાન ખેંચાયું ને ‘દિવ્ય ભાસ્કર’માં કૉલમનિસ્ટ ડૉ. નિમિત્ત ઓઝાનો જન્મ થયો.

‘મને સર્જરી અને સર્જન બન્ને પસંદ છે,’ તેઓ કહે છે. અત્યાર સુધીમાં તેમનાં ચાર પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યાં છે. તેઓ ઉમેરે છે, ‘સર્જરી કરતી વખતે જે એડ્રિનાલિન રશનો અનુભવ થાય છે તેને કારણે જ હું જીવું છું. મને લાગે છે કે સર્જરી સ્કિલ છે, મેડિકલ સ્ટુડન્ટ થોડાં વર્ષો ભણીને યુરોલોજિસ્ટ બની શકે છે, પણ શબ્દોના સર્જન માટે ટેલેન્ટની જરૂર પડે છે, જે જન્મજાત હોય છે. સર્જન તરીકે મારે એકદમ રુથલેસ થઈને કામ કરવું પડે, પણ લખવા માટે તમારામાં ભારોભાર સંવેદના હોવી જોઈએ. સર્જન તરીકે હું લોહીથી રમું છું, જ્યારે બીજી બાજુ કેટલીય વાર લખતાં લખતાં ખૂબ રડ્યો છું. ક્યારેક લાગે છે કે મારી સ્પ્લિટ પર્સનાલિટી છે.’

હવે પછીનું સેશન, રાધર, હવે પછીના વક્તા સંભવતઃ સમગ્ર સાહિત્યોત્સવમાં સૌથી પ્રભાવશાળી પૂરવાર થયા. જામનગરવાસી વિરલ શુક્લે લોકશાસ્ત્રમાં ડૉક્ટરેટ કર્યું છે. ખરેખરું, જેન્યુઇન ડૉક્ટરેટ. એમણે પોતાના વકતવ્યના પ્રારંભમાં જ કહ્યું કે, ‘લોકસાહિત્ય એ ડાયરો નથી. લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય તત્ત્તવઃ એક જ છે. દોહા માટે અમુક ખેરખાંઓએ સુધ્ધાં ‘કાગળ પર મરી જતી કવિતા’ એવો શબ્દપ્રયોગ કર્યો છે, જે મારા મતે ખોટું છે.’

વિરલ શુક્લ સ્વયં ભૂતકાળમાં ડાયરા ગજાવી ચુક્યા છે એટલે આ ડાયરામાં રજૂ થતાં પર્ફોર્મન્સીસની બારીકાઈઓ, વિરોધાભાસો અને અસંગતી વિશે તેઓ અઘિકૃત રીતે પોતાની વાત રજૂ કરી શકે છે. એમણે કહ્યું કે ઘણા કલાકારો માત્ર દર્શકોને ડોલાવવા કે વાહવાહી મેળવવા રચનાને તેના મુખ્ય ભાવથી વિપરિત રજૂઆત કરે તે બરાબર નથી. ઝડપ એ વીરરસ નથી. જો દોહામાં વિરહનો ભાવ હોય તો તે શ્રોતા સુધી યથાતથ પહોંચવો જોઈએ. મહાદેવની સ્તુતિ કરતી વખતે નમ્રતા જળવાવી જોઈએ, રાડારાડી કરવાનો શો મતલબ છે?

તેમણે ઉમેર્યું કે, ‘કેટલાય ડાયરામાં પર્ફોર્મર્સ મૂળ કૃતિની કતલ કરી નાખે છે. જ્યાં સુધી લોકપરંપરાના મૂળમાં નહીં જઈએ ત્યાં સુધી તમે કૃતિના આધ્યાત્મિક પરિમાણ સુધી પહોંચી નહીં શકાય. આપણે પઠન પરંપરાને ન નિભાવીને તેને અન્યાય કરી રહ્યા છીએ.’

ચિક્કાર સંદર્ભો અને દષ્ટાંતોથી છલકાતા વિરલ શુક્લના અભ્યાસપૂર્ણ પ્રવચનમાં ઑડિયન્સને ડોલાવી મૂકે એવી દોહા-છંદની ઑથેન્ટિક રમઝટ પણ હતી જ.

સાહિત્યની આબોહવામાં ટેક્નોલૉજીની વાત લઈને આવ્યા હતા ‘માતૃભારતી’ના કર્તાધર્તા મહેન્દ્ર શર્મા. તેઓ સ્વયં કમ્પ્યુટર એન્જિનીયર છે અને ગુજરાતી સાહિત્યના પ્રસારમાં ટેક્નૉલોજીનો ઉપયોગ અસરકારક રીતે કરી રહ્યા છે. માતૃભારતી કેવળ એક વેબસાઇટ નથી, પણ આ એક ટેક્નોલૉજિકલ કંપની છે, જે વાંચકોને ચિક્કાર રિડીંગ મટીરિયલ (ખાસ કરીને નવલિકા અને નવલકથાઓ, ઇવન કાવ્યરચનાઓ) પીરસે છે તેમજ લેખકોને પોતાની કૃતિઓ રજૂ કરવા માટે પ્લેટફૉર્મ પૂરું પાડે છે. માતૃભારતી પર કેવળ નવોદિતોની કૃતિઓ જ હોય છે એવુંય નથી. અહીં ઝવેરચંદ મેઘાણી પણ છે અને આજના પ્રસ્થાપિત લેખકો પણ છે. મહેન્દ્ર શર્માએ શેર કરેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી માતૃભારતીના રજિસ્ર્ટર્ડ યુઝર્સનો આંકડો 10 લાખને સ્પર્શી ચુક્યો છે. માતૃભારતીમાં અત્યાર સુધી 18,000થી પણ વધુ નવલકથાઓ પ્રકાશિત કરી છે. માતૃભારતી પર મૂકાયેલી એક નવલકથા મુંબઈની 11 મહિલાઓએ ક્રમબદ્ધ લખી છે. આ પ્રયોગની નોંધ નૅશનલ મીડિયાએ પણ લીધી છે.

માતૃભારતી પર લટાર મારતી વખતે ખૂબ બધું કાલું ઘેલું, કાચું પાકું લખાણ આપણી નજરે ચડે, પણ સાથે સાથે એ પણ સમજાય કે કેટલા બધા લોકોને ગુજરાતી ભાષામાં લખવું છે, વ્યક્ત થવું છે.

તે પછીનું સેશન ભૂષણ ઝાલાએ કંડક્ટ કર્યું, જેનું શીર્ષક હતું, ‘કટાર લેખનઃ કસોટી વાંચન, વિચાર અને અભિવ્યક્તિની’. સોલો પેનલિસ્ટ હતા, મેઘા જોશી. વ્યવસાયે ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ અને કાઉન્સિલર એવાં મેઘા જોશી ‘દિવ્ય ભાસ્કર’માં ‘વુમનોલોજી’ નામની કટાર લખે છે. તેમણે કહ્યું, ‘કટાર એ લેખકનો પોતાનો વ્યૂપોઇન્ટ છે. કટારલેખક તરીકે તમારી પાસે વૈચારિક સ્પષ્ટતા હોવી જોઈએ. તમારી કટાર થકી વાંચકને નવું વૈચારિક ભાથું મળવું જોઈએ.’

ડો. ઉર્વિશ વસાવડાએ પોતાનાં પ્રવચનમાં નરસિંહ મહેતાની કવિતાઓને સામે રાખીને આત્મચરિત્ર, કૃષ્ણપ્રેમ અને સુદામાભક્તિ આ ત્રણ આયામો વિશે વાત કરી. તેમણે કહ્યું, ‘નરસિંહ મહેતા તેમના સમય કરતાં ઘણું આગળ વિચારતા હતા. તેમની કૃષ્ણભક્તિમાં અલગ ભાષા જોવા મળે છે. નરસિંહ મહેતા અન્ય કૃષ્ણભક્તો કરતાં જુદા છે. પોતાનાં ભજનો અને પદોમાં એમણે હંમેશાં પોતાની જ વાત કરી છે.’
ડૉ. ઉર્વિશ વસાવડાએ એક રસપ્રદ વાત નોંધી કે ભાગવતમાં ક્યાંય સુદામાનો ઉલ્લેખ જ નથી.

‘મરીઝ વર્સસ જોન એલિયાઃ અક પ્રયાસ – ગઝલના ગઢ પર ચઢાણનો’ – સેશનના શીર્ષકમાં ભલે ‘વર્સસ’ શબ્દ આવતો હોય, પણ અક્ષય દવે અને વિરલ દેસાઈએ મરીઝ તેમજ જોન એલિયાની રચનાઓમાં ઊપસતાં સામ્ય વિશે ભારે આવેગપૂર્વક વાતો કરી હતી. આવો જ આવેગ ટીમ જલસોની પ્રસ્તુતિમાં વર્તાયો. પાંચ ઉત્તમ આરજે જ્યારે મંચ પર એકત્ર થઈને ગુજરાતી સાહિત્યની ઉત્તમોત્તમ કૃતિઓનું વાચિકમ કરે ત્યારે કેવો જાદુ સર્જાય એ તો સેશન પ્રત્યક્ષ માણ્યું હોય ત્યારે જ સમજાય. નૈષધ પુરાણી, જે જાણીતા એન્કર પણ છે, એમણે ‘જલસો’ વિશે માહિતી આપતાં જણાવ્યું કે આ એક ગુજરાતી મ્યુઝિક અને લિટરેચર એપ્લિકેશન છે. એમાં અઢીસો જેટલી ગુજરાતી વાર્તાઓનું વાચિકમ્ એટલે કે નાટ્યાત્મક વાચનસ્વરૂપ સંગ્રહાયું છે. લખાણમાં સહેજ પણ ઉમેરા કે બાદબાકી કર્યા વગર એકાધિક કલાકારો આરોહઅવરોહ સાથે, પોતાના અવાજ પાસે અભિનય કરાવીને સાથે આખી કૃતિ યથાતથ વાંચે ત્યારે અલગ જ અસર સર્જાતી હોય છે. આ ઉપરાંત જલસો એપમાં 1942થી 2019 સુધીનાં સુગમ સંગીત અને ભક્તિ સંગીતથી લઈને ફિલ્મી સંગીતનો વીસ હજાર કરતાંય વધારે ગીતોનો ભંડાર છે. જલસોની ટીમ દ્વારા થયેલી લાઇવ જેમિંગની સેશન્સ છે, જુદા જુદા પોડકાસ્ટ્સ અને સ્પેશિયલ્સ છે. ગુજરાતીઓએ વહેલી તકે સંગીત અને સાહિત્યના ખજાના જેવી આ ફ્રી એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી લેવા જેવી છે.

આર જે નૈષધ, આરજે હર્ષ, આરજે હાર્દિક, આરજે ઉર્વશી અને આરજે રુચિએ ઉમાશંકર જોશીની નવલિકા ‘રજપૂતાણી’, ચંદ્રકાંત બક્ષીની ‘બાકી રાત’ નવલકથાનો એક વિસ્ફોટક અંશ અને દોલત ભટ્ટની વાર્તા ‘ઠુમકાની ઠેસ’ ઉપરાંત વિનોદ ભટ્ટની એકાધિક માઇક્રોફિક્શન પણ રજૂ કરી હતી.
સાહિત્યોત્સમાં વાચિકમ્ હાજરી પૂરાવે તો આંગિકમ્ કેવી રીતે દૂર રહે. સુરત સ્થિત યામિની વ્યાસે બે એકોક્તિઓ રજૂ કરી, જેમાંની એકનું શીર્ષક હતું, ‘હું એ સીતા નથી’. આ મોનોલોગના અમુક ચોટદાર સંવાદોને (‘હે રામ, તમે પણ મારી સાથે વનવાસ ભોગવ્યો હતો ને, તો ચાલો આપણે સાથે અગ્રિ પરિક્ષા આપીએ’) ઑડિયન્સ તાળીઓથી વધાવી લેતું હતું. બીજી એકોક્તિ રામ મોરીની નવલિકા પણ આધારિત હતી.

સાહિત્યોત્સવમાં એક પછી એક સેશન ભરપૂર ત્વરાથી, સમયના સહેજ પણ બગાડ વગર રજૂ થતી ગઈ. આ પ્રકારની ગતિશીલતા હંમેશાં ઇચ્છનીય હોય છે. જોકે શ્રોતાઓને વચ્ચે શ્વાસ લેવાનો, સ્વિચ ઑન-સ્વિચ ઑફ થવાનો પણ સમય મળતો નહોતો એ અલગ વાત થઈ.

બીજા દિવસની અંતિમ સેશન હતી, યુવા કવિ સંમેલન. મુબારક ઘોડીવાલા, ડૉ. સુજ્ઞેશ પરમાર, પારુલ વાળા, મહેન્દ્ર પોશિયા, ચૈતાલી જોગી, સતીશ ચૌહાણ, હર્ષિદા ત્રિવેદી, વિપુલ માંગરોળીયા, પ્રશાંત સોમાણી (જેમણે આ સેશનનું સંચાલન પણ કર્યું) અને રાકેશ હાંસલિયાએ શ્રોતાઓની દાદ મેળવી. રજૂ થયેલી તમામ રચનાઓ ભલે પરિપક્વતાની કસોટી પર ખરી ઊતરતી ન હોય, પણ માહોલમાં જમાવટ હતી એની ના નહીં.

ડિનર પછીની રાત જોશીલા ડાયરા માટે હતી. જિતુદાદ ગઢવીએ પિતા કવિ દાદની રચનાઓને સુંદર ન્યાય આપ્યો. કલાકાર જેન્યુઇન હોય ત્યારે એની પ્રસ્તુતિની ગુણવત્તાનું સાતત્ય સતત જળવાઈ રહેતું હોય છે, સામે દાદ દેનારાઓની સંખ્યા પાંખી હોય તો પણ.

——————————–
ત્રીજો દિવસ
——————————–

આજના યુથમાં ગંભીરતા નથી, આજનું યુથ દિશાહીન થઈ ચુક્યું છે, આજકાલના જુવાનિયાઓને વાંચવામાં રસ પડતો નથી પ્રકારની ફરિયાદો કરનારાઓને સાગમેટ કિડનેપ કરીને સાહિત્યોત્સવના ત્રીજા દિવસની પહેલી સેશનમાં સૌથી આગળ બેસાડી દેવાની જરૂર હતી. સમગ્ર સેશનના કેન્દ્રમાં મોરબીની પુસ્તક પરબ હતી. હજુ હમણાં જ તરૂણાવસ્થામાંથી બહાર પગ મૂક્યો હોય એવા કુમળા, ભાવનાશાળી યુવાનો આ પ્રશંસનીય પ્રવૃત્તિ મોરબીમાં કરે છે. સાદી પણ અસરકારક કોન્સેપ્ટ છેઃ લોકોને ગુજરાતી પુસ્તકો વાંચવા માટે આપવાનાં. લોકો પુસ્તકો જુએ, પસંદ કરે, પોતાની સાથે ઘરે લઈ જાય, વાંચે અને માણીને પાછાં આવી જાય. રાધર, એક્સચેન્જ કરી જાય. દર મહિનાના પહેલા રવિવારે જાહેર પાર્કમાં ભાતભાતનાં ગુજરાતી પુસ્તકો ડિસ્પ્લે થયાં હોય, માણસોની ચિક્કાર લાંબી કતાર થઈ ગઈ હોય, સૌના હાથમાં પુસ્તકો હોય, લેપટોપ ખોલીને બેઠેલા પુસ્તક પરબ ટીમના સભ્યો ફટાફટ એન્ટ્રી કરતા હોય, તો ક્યાંક વળી ફેસબુક લાઇવમાં કોઈ વાચક પોતાને પુસ્તક કેવું લાગ્યું એનો રિવ્યુ કરતો હોય.

નીરવ માનસેતા, જનાર્દન દવે અને યુવા કવિ જલરૂપ મંચ પરથી પોતાની આ સત્ત્વશીલ પ્રવૃત્તિ વિશે મજા પડી જાય તેવી વાતો કરતા હતા ત્યારે એમની ટીમના બીજા કોલેજિયન જુવાનિયા ઑડિયન્સમાં બેઠા હતા. માતૃભારતની ટીમની માફક તેમણે પણ પુસ્તક પરબના લૉગોવાળાં એકસરખાં ટી-શર્ટ તેમજ જીન્સ પહેર્યા હતા. નીરવ માનસેતા આ સેનાના સંભવતઃ સૌથી ઉત્સાહી સદસ્ય છે. તેમણે કહ્યું, ‘હાલ ત્રણ હજાર કરતાં વધારે પુસ્તકોની હેરફેર થાય છે. હવે તો અમારે ત્યાં પુસ્તકોના વિમોચન પણ થાય છે.’

હવે પછીનું સેશન કિરીટ ગોસ્વામીનું હતું – બાળસાહિત્ય, એમાંય બાળ કવિતા વિશે. પછીનો દોર ગુજરાતી સિનેમાના કલાકારોએ સંભાળ્યો. તમે જાણો છો કે ‘રેવા’ના નિર્માતા પરેશ વોરા અચ્છા એક્ટર પણ છે? એમણે સૌમ્ય જોશી લિખિત ‘મારું નામ ગણેશ વેણુગોપાલ’ મોનોલોગ પર એકપાત્રીય અભિનય કર્યો. ‘રેવા’ના નાયક ચેતન ધનાણીની એકોક્તિનું શીર્ષક હતું, ‘હે રામ’. તાજો તાજો નેશનલ અવૉર્ડ ઘોષિત થવા ઉપરાંત ગુજરાત સરકારે રૂપિયા એક કરોડનું ઇનામ જાહેર કર્યું હોવાથી ‘રેવા’ની ટીમ વિશેષ આનંદિત હતી.

સાહિત્યોત્સવમાં આજે ‘સાહિલ – જીંદગીની શોધમાં’ ફિલ્મના કલાકારો રાજન રાઠોડ અને વિવેકા પટેલે પણ વિશેષ હાજરી આપી હતી. એમણે ફિલ્મના નિર્માણ દરમિયાન થયેલા અનુભવોની વાત કરી હતી. બાય ધ વે, ‘સાહિલ-જીંદગીની શોધમાં’ હિંદી ફિલ્મોના વિખ્યાત વિલન પ્રેમ ચોપડાએ ડેબ્યુ કર્યો છે. બંસી રાજપૂતે ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મથી સિનેમાજગતમાં ધ્યાનાકર્ષક એન્ટ્રી મારી છે. એમણે પણ ભારે ઉત્સાહભેર પોતાની ફિલ્મ વિશે વાતો કરી હતી.

સાહિત્યોત્સવ-2019ના ત્રણ દિવસ દરમિયાન મંચ પર બે પુસ્તકો પોંખાયાં. ખુશાલી દવે લિખિત ‘પચ્ચીસમી ઉડાન’નું વિમોચન થયું અને નીતા સોજિત્રા લિખિત ‘તને યાદ છે?’ પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો.

સાહિત્યોત્સવ જેમ જેમ અંત તરફ આગળ વધી રહ્યો હતો તેમ તેમ આ બન્ને માનુનીઓ ભાવુક થઈ રહી હતી. અન્ય આયોજકોની પણ વત્તેઓછે અંશે આ સ્થિતિ હતી. આ નઝારો નવો હતો. સાહિત્યિક ઇવેન્ટની વિધિવત પૂર્ણાહૂતિ કરતી વેળાએ આયોજકોના શબ્દો ગળામાં રુંધાઈ જાય, એમની આંખો છલકાઈ ઉઠે એવું અગાઉ ક્યારેય જોયું નથી. તમને શરૂઆતથી આ કાર્યક્રમની હવામાં સંતાનનાં લગ્ન જેવો ઉમંગ વર્તાયો હતો. આયોજકોની મનઃસ્થિતિ પરથી હવે તમને સમજાય છે કે આ સંતાન દીકરી છે અને હવે એને વિદાય આપવાનો સમય આવી ગયો છે.

સાહિત્યોત્સવ-2019 સફળ રહ્યો? નિઃશંકપણે, હા. ગાંડોતૂર વરસાદ અને શ્રોતાઓની પાંખી હાજરી આ બન્ને વાસ્તવિકતા હતી (જો હવામાન સાધારણ હોત અને જનમેદની ઉમટી પડી હોત તો સાડાછ-સાત લાખ રૂપિયાના ખર્ચે આટોપાયેલી આ ઇવેન્ટનું બજેટ સહેજે સત્તર-અઢાર લાખ પર પહોંચી ગયું હોત), પણ માણસોની હાજરી તે સફળતાનો એકમાત્ર માપદંડ નથી. નવોદિતોને પ્લેટફૉર્મ પૂરું પાડવાનો ઉદેશ સુંદર રીતે પાર પડ્યો. કેટલાંય મજબૂત નામ સામે આવ્યાં. બહુ બધી સેશન રદ થવાથી સાહિત્યોત્સવની ગતિવિધિ સતત ઇમ્પ્રોવાઇઝ થતી ગઈ, પણ મંચ પરથી રજૂ થયેલી સામગ્રીની ગુણવત્તા અને તીવ્રતા એકધારાં જળવાઈ રહ્યાં. આટલાં મોટા આયોજનનાં બધ્ધેબધ્ધા પાસાં પરફેક્ટ જ હોવાં જોઈએ અને એક પણ સેશન સહેજ પણ ઢીલું ન પડવું જોઈએ એવું તો કેવી રીતે બને.

સો વાતની એક વાત આ છે – સાહિત્યોત્સવ-2019 એક નક્કર ઘટના છે. નક્કર, શુભ, સમૃદ્ધ અને પ્રશંસનીય. એની અસર ધીમી અને લાંબા ગાળાની હોવાની. અને આ તો શરૂઆત છે. સાહિત્યોત્સવ-2020ની ઉદઘોષણા ઓલરેડી થઈ ચુકી છે. હવે પછીનું આયોજન પાટણમાં થવાનું છે.

ઓવર ટુ પાટણ.

(મુખ્ય લેખ સમાપ્ત)

પૂરક માહિતીઃ હેતલ ડાભી

* * * * * *

સાહિત્યોત્સવના સ્ટાર્સ

સાહિત્યોત્સવ-2019ની અઢી દિવસના ભરચક કાર્યક્રમો દરમિયાન એવી કઈ પ્રતિભાઓ હતી જે ઉછળીને સામે આવી? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું? કોનો ક્રિયેટિવિટીનો ગ્રાફ જોવાની આપણને સૌથી વધારે મજા આવવાની છે? આ સુચિ ઠીકઠીક વિસ્તૃત થઈ શકે એમ છે, પણ આપણે હાલ પૂરતાં ચાર જ નામ જોઈએ.

1. ધર્મેન્દ્ર કનાલા
એક ઉત્તમ સંચાલક અથવા માસ્ટર ઑફ સેરિમનીમાં હોવા જોઈએ એ બધા જ ગુણ ધર્મેન્દ્ર કનાલામાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. ઑડિયન્સનો મૂડ તરત પારખી લઈને મંચ પરથી પોતાની વાતને ફાઇન-ટ્યુન કરતાં જવું, વાતાવરણને સતત જીવંત રાખવું, વક્તાઓ માટે ઉત્સુકતા ઊભી કરવી – આ બધું તેઓ સહજતાપૂર્વક કરી શકે છે. એન્કરમાં ચાંપલાશ ન હોવી એ બહુ મોટો પ્લસ પૉઈન્ટ છે. તેઓ સ્પોન્ટેનિયસ છે, એમની પાસે અત્યંત જરૂરી એવું સેન્સ ઓફ હ્યુમર છે. ખાસ તો, તેમનામાં બહુ ભારોભાર શાલીનતા અને આંતરિક ગરિમા છે, જે તેમના સંચાલનમાં આકર્ષક રીતે ઝળકતી રહે છે. ગુજરાતમાં યોજાતી મોટામાં મોટી ઇવેન્ટ્સના સંચાલક તરીકે ધર્મેન્દ્ર કનાલાને બિલકુલ કલ્પી શકાય છે.

2. વિરલ શુક્લ
લોકસાહિત્યના નિષ્ણાત વિરલ શુક્લના પ્રવચનની ઇમ્પેક્ટ એવી જબરદસ્ત હતી કે ઑડિયન્સને એની અસરમાંથી બહાર આવતાં કમસે કમ અડધો કલાક લાગ્યો. પોતાના વિષય પરની પકડ, વાત રજૂ કરવાની જોમદાર શૈલી અને ઓરિજિનાલિટી – આ એમનાં શસ્ત્રો છે. કોન્ટેન્ટ સાથે સહેજ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર ભરપૂર સભારંજન કેવી રીતે કરી શકાય તે જાણવું હોય તો વિરલ શુક્લનું પ્રવચન સાંભળવું. એમનું વકતવ્ય પૂરું થયું પછી સૌના મનમાં એક જ વિચાર રમતો હતોઃ અરે યાર, આમને બોલવા માટે એક જ કલાક કેમ આપ્યો?

3. કૌશિક ઘેલાણી
આ યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પાસે વાતોનો ખજાનો છે. એ લેહ-લદાખનો ત્રીસ વખત પ્રવાસ ખેડી શકે છે. અહીંના પેંગોંગ લેક પર શિયાળાની માઇનસ 30 ડિગ્રી તાપમાનમાં જામેલા બરફ પર મધરાતે જીવના જોખમે તારાથી ખિચોખીચ ચમકતા આકાશની અદભુત ફોટોગ્રાફી શકે છે. આઇ.કે. વીજળીવાળાના એક પુસ્તકમાંથી પસાર થતી વખતે ભરતપુરના એક દશ્યનું વર્ણન વાંચીને એક્ઝેક્ટલી એવી જ ક્ષણ કેમેરામાં કંડારવા માટે સ્થળ પર પહોંચી શકે છે. ધ્રુવ ભટ્ટે એમને અમસ્તું જ ‘આરણ્યક’ નામ આપ્યું નથી. પ્રતિભા, પેશન, અલગારીપણું, મહેનત કરવાની ક્ષમતા અને ધૈર્ય – એક ઉત્તમ નેચર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પાસે હોવું જોઈએ એ બધું જ કૌશિક ઘેલાણી પાસે છે. દુનિયાદારીનાં ચક્કર બહુ સતાવશે નહીં તો કૌશિક માટે સ્કાય ઇઝ ધ લિમિટ જેવું છે. લિટરલી.

4. પ્રથા બક્ષી
એ વન્ડર ગર્લ છે. આવડીક અમથી બેબલી આંખો પહોળી કરી કરીને મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુથી લઈને અનિલ ચાવડા સુધીના કવિતાઓનું એવું સુંદર અને ભાવવાહી પઠન કરે છે કે ભાવકો દંગ થઈ જાય છે. એનામાં શબ્દોનો સમજવાની અને પછી પ્રમાણે એને પેશ કરવાની કુદરતી સમજ છે. આપણને થાય કે અગિયાર વર્ષની ઉંમરે જો એ આવી જમાવટ કરી શકતી હોય તો મોટી થયા પછી શું નહીં કરે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.