Sun-Temple-Baanner

ભારતનો ગામડિયો અમેરિકામાં મલ્ટિ-મિલિયોનેર રાજકારણી શી રીતે બન્યો?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ભારતનો ગામડિયો અમેરિકામાં મલ્ટિ-મિલિયોનેર રાજકારણી શી રીતે બન્યો?


ભારતનો ગામડિયો અમેરિકામાં મલ્ટિ-મિલિયોનેર રાજકારણી શી રીતે બન્યો?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 3 ડિસેમ્બર 2020, રવિવાર માટે

શ્રીનિવાસ થાણેદારની સક્સેસ સ્ટોરી જોશ ચડાવી દે તેવી છે. અનુકૂળ માહોલમાં હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ માણસની શક્તિઓ પૂરબહારમાં ખીલતી હોય છે.

* * * * *

બહારગામથી મુંબઈ ભણવા આવેલો એક જુવાનિયો. શ્રીનિવાસ એનું નામ. ટૂંકમાં સૌ એને શ્રી કહીને બોલાવે. સાવ સાધારણ ઘરનું સંતાન. એક હમઉમ્ર છોકરા સાથે એની દોસ્તી થઈ. એ છોકરાનું નામ નૌશિલ. બન્ને એમ. એસસી.નું ભણતા હતા એ એક વાતને બાદ કરો તો તેમની વચ્ચે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર. શ્રી કર્ણાટકના બેલગામથી આવેલો ગામડિયો, જ્યારે નૌશિલ નખશિખ બમ્બૈયા ગુજરાતી. સોફિસ્ટીકેશન, ટેબલ મેનર્સ, ઊંચી લાઇફસ્ટાઇલ આ બધા સાથે શ્રીને નહાવાનિચાવાનો સંબંધ નહીં, જ્યારે નૌશિલ એક સ્ટાઇલિશ બંદો. એના ઠાઠમાઠ રજવાડી. એ સિગારેટ પણ સ્ટાઇલથી પકડે. ટૅક્સી સિવાય કશેય જવાનું નહીં. ફાઇવસ્ટાર હોટલ કે મોંઘીદાટ રેસ્ટોરાં સિવાય કશેય ખાવાપીવાનું નહીં. એનું કદ ઊંચું, સોહામણું. હજારોમાં એક કહેવાય એવું એનું વ્યક્તિત્ત્વ. શ્રીને થાય કે નૌશિલે શું જોઈને મારી સાથે દોસ્તી કરી હશે.

નૌશિલે શ્રીનો પ્રવેશ નાટક, સિનેમા, ચિત્રકલા અને અંગ્રેજી પુસ્તકોની દુનિયામાં કરાવ્યો. નૌશિલને ખાસ કરીને પ્રયોગશીલ રંગભૂમિ વિશેષ આકર્ષે. પરેશ રાવલ, શફી ઇનામદાર, પ્રબોધ પરીખ આ બધા નૌશિલના ભાઈબંધો. ભેગા થઈને તેઓ નાટક, કળા અને સાહિત્યની બુદ્ધિની ધાર ઉતરી જાય એવી ચર્ચાઓ કરે ને શ્રી વિસ્મય અનુભવતો એ બધું સાંભળ્યા કરે. નૌશિલની સંગતની અસર એના પર ન થાય તેવું કેવી રીતે બને. શ્રી જાણે નાનકડા ખાબોચિયામાંથી વિરાટ સમુદ્રમાં પહોંચી ગયો હતો. એને થાય કે મારે નૌશિલ જેવા બનવું છે. નૌશિલ એના માટે ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડ અને ગુરૂ હતો. નૌશિલના માતા-પિતા પણ બહુ મજાનાં. તેઓને થાય કે આ શ્રી કેવો જવાબદાર છોકરો છે. મુંબઈમાં એકલો રહીને ભણે છે ને નોકરી પણ કરે છે, બચત કરીને ઘરે પૈસા મોકલે છે, જ્યારે અમારો મસ્તમૌલા નૌશિલ તો દિવસ-રાત કળાની દુનિયામાં જ રમમાણ રહે છે.

શ્રી સ્કૂલમાં સાવ સાધારણ વિદ્યાર્થી હતો, પણ એમએસસીમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. એણે નિશ્ચય કરી લીધોઃ હું જીવનમાં કંઈક કરીને બતાવીશ, હું વિદેશ જઈશ, પીએચ.ડી. કરીશ. વિદેશ એટલે અમેરિકા. એણે નૌશિલને વાત કરી. નૌશિલને કંઈ અમેરિકા જવાનો મોહ નહોતો. એ રહ્યો લહેરી લાલો. ‘જોઈશું’, ‘કરીશું’ એવો એનો એટિટ્યુડ હોય. આમેય એને અહીં જ રહીને કળાજગતમાં આગળ વધવું હતું.

શ્રીએ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓ વિશે માહિતી એકઠી કરવા માંડી. આ વાત 1970ના દાયકાના ઉત્તરાર્ધની છે. એ વખતે ઇન્ટરનેટ કે ઇમેઇલનો જમાનો હજુ આવ્યો નહોતો એટલે શ્રીએ કેટલીય યુનિવર્સિટીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. આ આખી કસરતમાં નૌશિલ પણ એમ જ મસ્તી ખાતર જોડાયો. એડમિશન તો મળી જાય તેમ હતું, પણ ફી તોતિંગ હતી. શ્રીએ એવી જ યુનિવર્સિટી શોધવી પડે, જેમાં સ્કોલરશિપ મળતી હોય. આખરે લાંબી પ્રતીક્ષા પછી અમેરિકાના ઓહાયો સ્ટેટની એક યુનિવર્સિટી તરફથી શ્રી અને નૌશિલ બન્નેને કાગળ મળ્યો, જેમાં લખ્યું હતું કે તમને સ્કોલરશિપ મળશે, પણ તમારે અમારી જુનિયર કૉલેજમાં પાર્ટટાઇમ લેકચરર તરીકે કામ કરવું પડશે. શ્રી તો રાજી રાજી. એણે પાસપોર્ટ બનાવડાવવા માટે માટે મહેનત શરૂ કરી દીધી. પાસપોર્ટની અરજી પર જે જગ્યાએ નોકરી કરતા હોઈએ તેના અધિકારીની સહી લેવી પડે તેમ હતી. ઉપરીએ ચોખ્ખી ના પાડી દીધીઃ જો તમે નોકરીમાંથી રાજીનામું આપો તો જ હું આના પર તો જ સહી કરું. શ્રીએ એ જ વખતે રાજીનામું લખીને સાહેબ સામે ધરી દીધું: હવે તો સહી કરશોને, સાહેબ?

પાસપોર્ટ બન્યા પછી વિસા મેળવવાની ઝંઝટ. વિસા માટે ઇન્ટરવ્યુ લેનાર અમેરિકન મેડમે સવાલોની ઝડી વરસાવીને શંકા વ્યક્ત કરીઃ તમે પીએચ.ડી. પતાવીને ઇન્ડિયા પાછા આવશો જ તે વાતની શી ખાતરી? શ્રીએ પોતાની રીતે ઘણી સ્પષ્ટતાઓ કરી તોય વિસા પર ‘રિજેક્ટેડ’નો થપ્પો લાગ્યો. શ્રીને જબરો આઘાત લાગ્યો. એણે રડમસ થઈને નૌશિલને કહ્યુઃ યાર, મને વિસા ના મળ્યા. નૌશિલ બેફિકરાઈથી કહેઃ એમાં શું? મને પણ ન મળ્યા!

પણ આટલી સહેલાઈથી હાર સ્વીકારી લે એ શ્રી નહીં. વિસા મેળવવા માટે એની ગડમથલ ચાલુ રાખી. વિસા મંજૂરીમાં ઉપયોગી બને તે માટે એણે જાતજાતનાં કાગળિયાં બનાવડાવ્યાં. વિસા ઇન્ટવ્યુનો બીજો પ્રયત્ન. ત્રીજો પ્રયત્ન. અમેરિકાના વિસા મળે જ નહીં. જે યુનિવર્સિટીમાં ભણવાનું હતું ત્યાંના અધિકારીએ અમેરિકન કોનસ્યુલેટ પર ભલામણનો પત્ર સુધ્ધાં લખી આપ્યોઃ ‘શ્રી અને નૌશિલ બન્ને તેજસ્વી વિદ્યાર્થીઓ છે. અમારે ત્યાં જુનિયર કૉલેજમાં તેઓ પાર્ટટાઇમ ભણાવવાના પણ છે. અમને તેમની જરૂર છે. એમના વિસા મંજૂર કરો.’ લાગતું હતું કે ભલામણના જોરે આ વખતે વિસા મળી જ જશે, પણ પેલા અમેરિકન માનુની પિગળે તોને! એમણે ચોથી વખત પાસપોર્ટ રિજેક્ટ કર્યો. શ્રીની નિરાશાનો પાર નહીં. હવે? ઓર એક પ્રયાસ. ફાઇલ એની એ જ, ફક્ત અરજી નવી. આ વખતે નસીબ સારા હતા. પેલાં અમેરિકન મેડમ ચાર-પાંચ મહિના માટે રજા પર ઉતરી ગયાં હતાં. એની જગ્યાએ બીજા કોઈ સાહેબ આવ્યા હતા. એમને ફટાક કરતી વિસાની અરજી પર મંજૂરીની મહોર મારી દીધી!

માણસ હોશિયાર, મહેનતુ અને ફૉક્સ્ડ હોય અને એને જો અનુકૂળ માહોલ મળે તો એની શક્તિઓ પૂરબહારમાં ખીલે છે. શ્રીએ અમેરિકામાં 1982માં ઇનઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં પીએચ.ડી.ની મેળવી મેળવી. હવે ગ્રીન કાર્ડની જરૂર હતી. બે વર્ષ પછી તે પણ મળ્યું. તેમણે રિસર્ચર-સાયન્ટિસ્ટ તરીકે જૉબ કરી, પછી કેમિર નામની લેબોરેટરીમાં જોડાયા, બિઝનેસ શીખ્યા, ખુદ બિઝનેસમેન બન્યા ને એવી પ્રગતિ કરી કે સૌ જોતા રહી ગયા. 2015માં એમની કંપની અમેરિકાના ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ 5000 કંપનીઓના લિસ્ટમાં 673મા ક્રમે મૂકાઈ. સફળ એન્ત્રપ્રિન્યોર તરીકે એમણે કેટલાય પ્રતિષ્ઠિત અવૉર્ડઝ મેળવ્યા.

મલ્ટિ-મિલિયોનેર બિઝનેસમેન બની ગયેલા શ્રીએ 2018માં અમેરિકાના રાજકારણમાં પ્રવેશ કર્યો. તાજેતરમાં અમેરિકામાં પૂરી થયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મિશિગન સ્ટેટમાં 93 ટકા મત સાથે તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ચૂંટાઈ આવ્યા.

આપણે જેમના વિશે વિસ્તારથી વાત કરી રહ્યા છીએ એ શ્રી એટલે ડૉક્ટર શ્રીનિવાસ થાણેદાર અથવા ટૂંકમાં શ્રી થાનેદાર. આજે અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પણ સ્થાનિક ભારતીયો પણ શ્રી થાનેદારને યાદ કરીને છાતી ગજ ગજ ફૂલાવે છે. એમના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ નૌશિલ એટલે રંગભૂમિનું મહત્ત્વનું અને અનોખું નામ ગણાતા નૌશિલ મહેતા. તેઓ અમેરિકામાં થોડાં વર્ષો વીતાવીને મુંબઈ પાછા ફર્યા હતા અને પોતાની મનગમતી પ્રવૃત્તિ રત બન્યા. શ્રી થાણેદાર અને નૌશિલ મહેતા આજે પણ એટલા જ સારા મિત્રો છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2020 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.