પહચાન કૌન?
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 9 ઓગસ્ટ 2020
સુશાંત સિંહના કમોત પછી હવે પછી ગૉસિપ જર્નલિઝમ અને બ્લાઇન્ડ આઇટમ્સને હળવાશથી લેવામાં નહીં આવે એ તો નક્કી
જ્યારથી સુશાંત સિંહનું મોત થયું છે ત્યારથી આ એક શબ્દપ્રયોગ સતત ઊછળ્યા કરે છે – બ્લાઇન્ડ આઇટમ્સ. સુશાંત સિહંને માનસિક રીતે તોડી પાડવામાં આ બ્લાઇન્ડ આઇટમ્સનો પણ ફાળો છે એવો આરોપ છે. બ્લાઇન્ડ આઇટમ એટલે, સાદી ભાષામાં, નામ આપ્યા વગર કરવામાં આવતી કૂથલી, જે છાપા-મૅગેઝિનમાં છપાય, વેબસાઇટ પર મૂકાય યા તો સોશિયલ મિડિયા પર શૅર થાય. બ્લાઇન્ડ આઇટમમાં જે-તે વ્યક્તિ વિશે એટલી બધી હિન્ટ આપી દેવામાં આવે કે વાંચનારને તરત સમજાઈ જાય કે કોના વિશે વાત થઈ રહી છે.
ધારો કે તમે અભિષેક બચ્ચન વિશે ગપગોળા ફેલાવવા માગો છો. તમે શું કરશો? તમે આવી કંઈક બ્લાઇન્ડ આઇટમ લખશોઃ ‘બોલિવુડના એક મહાન સુપરસ્ટારનો ફ્લૉપ દીકરો, જે એક બ્યુટીક્વીનને પરણ્યો છે, તે બેકાર થઈને લાંબા સમયમાં ઘરમાં નવરો બેઠો છે. એની બ્યુટીક્વીન પત્ની પણ ફિલ્મસ્ટાર છે. આ ફ્લૉપ ફિલ્મી હીરો હવે ડ્રગ્ઝના રવાડે ચડી ગયો છે. સાંભળવામાં આવ્યું છે કે એ રૂપ રૂપના અંબાર જેવી પોતાની બ્યુટીક્વીન પત્ની પર હાથ ઉપાડવા લાગ્યો છે. બન્ને હવે ડિવૉર્સ લેવાની અણી પર છે.’
આમાં ક્યાંય ‘અભિષેક બચ્ચન’ એવો ઉલ્લેખ થયો? ના. છતાંય વાંચનારા સમજી ગયા કે વાત અભિષેક બચ્ચન વિશે જ થઈ રહી છે. આ બ્લાઇન્ડ આઇટમ છે. કોઈના અંગત જિંદગી વિશે નિમ્ન કક્ષાની વાત કરવા, ચારિત્ર્યહનન કરવા, જીવનશૈલી કે પ્રોફેશનલ લાઇફ વિશે અફવા ફેલાવવા અથવા ક્યારેક માત્ર મસ્તી ખાતર બ્લાઇન્ડ આઇટમ્સ લખવામાં આવે છે. માત્ર ફિલ્મસ્ટારો વિશે જ બ્લાઇન્ડ આઇટમ લખાય છે એવું નથી. સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતા રાજકારણીઓ, સફળ બિઝનેસમેન, સોશ્યલાઇટ્સ, સ્ટાર લેખકો-પત્રકારો, ઘર્મગુરુઓ આ સૌ બ્લાઇન્ડ આઇટમનો વિષય બની શકે છે.
બ્લાઇન્ડ આઇટમ એ ‘પીળા પત્રકારત્વ’નો જ એક હિસ્સો છે. બ્લાઇન્ડ આઇટમમાં કહેવાયેલી વાત દર વખતે તદ્દન ખોટી જ હોય એવુંય નથી. ઘણી વાર ‘પત્રકાર’ પાસે સાચી માહિતી હોય, પણ તે ઑફ-ધ- રેકૉર્ડ કહેવાઈ હોય, વાતને સાબિત કરી શકાય એવા પૂરાવા ન હોય ત્યારે જે-તે વાતને બ્લાઇન્ડ આઇટમ તરીકે છાપી મારવામાં આવે. ઘણી વાર માત્ર નિંદારસ સંતોષવા, વાચકોને ચટપટું લખાણ પિરસવા જ્યાંત્યાંથી કાને પડેલી વાતોમાં મીઠુંમરચું ભભરાવીને, બે વત્તા બે બાવીસ કરીને બ્લાઇન્ડ આઇટમ લખી નાખવામાં આવે છે. પોતાના વિશે આવું લખાણ વાંચીને માણસ આકળવિકળ થઈને રદિયો કે આકરી પ્રતિક્રિયા આપે તો એને જ નુક્સાન થાય. સૌથી પહેલાં તો, આ રીતે એ ખુદ સામે ચાલીને સ્વીકારી લે છે કે બ્લાઇન્ડ આઇટમમાં જે માણસ વિશે લખાયું છે તે હું જ છું. બીજું, લખાણમાં ક્યાંય સ્પષ્ટપણે કોઈનું નામ લખાયું ન હોવાથી કાનૂની રીતે લખનારને સકંજામાં ન લઈ શકાય.
બ્રિટનનું ‘સન’ નામનું ટૅબ્લોઇડ ગૉસિપ માટે શરૂઆતથી બદનામ છે. ‘ધ ન્યુ યૉર્ક પોસ્ટ’ અખબારની ‘પેજ સિક્સ’ નામની ગૉસિપ કૉલમ બ્લાઇન્ડ આઇટમ્સ માટે કુખ્યાત છે. સુશાંત સિંહ વિશે બ્લાઇન્ડ આઇટમ્સ લખનાર ફિલ્મ જર્નલિસ્ટ રાજીવ મસંદનું નામ ઊછળ્યું છે. રાજીવ મસંદ આમ તો ભારતના ટોપ-ફાઇવ ફિલ્મ જર્નલિસ્ટ્સમાં હકથી સ્થાન પામે એવું નામ છે, પણ સુશાંતના કેસમાં ‘છીંડે ચડ્યો એ ચોર’ જેવો ઘાટ થયો છે. મેઇનસ્ટ્રીમ છાપાં-મૅગેઝિનોના ડાયરી પેજ પર યા તો ફિલ્મી વિભાગમાં કેટલાય પત્રકારો વર્ષોથી બ્લાઇન્ડ આઇટમ લખતા આવ્યા છે. ગૉસિપ તો ફિલ્મ જર્નલિઝમનો અવિભાજ્ય હિસ્સો છે. આપણે ત્યાં શોભા ડેના તંત્રીપદ હેઠળ 1971માં લૉન્ચ થયેલા ‘સ્ટારડસ્ટ’ મૅગેઝિનની મૂળભૂત તાસીર જ ગૉસિપ કરવાની હતી. ‘સ્ટારડસ્ટ’ સફળ થયું એટલે પહેલાં અંગ્રેજી અને પછી પ્રાદેશિક ભાષાના મેઇનસ્ટ્રીમ મિડિયામાં ગૉસિપ છપાવા લાગી.
અગાઉ વાત માત્ર પ્રિન્ટ મિડિયા સુધી સિમિત રહેતી હતી, પણ ડિજિટલ મિડિયાના વિસ્ફોટ પછી સેંકડો-હજારો વેબસાઇટ્સ પર ખાસ કરીને ફિલ્મી હસ્તીઓ વિશે મન ફાવે તેમ આડેધડ લખાવા લાગ્યું. પોતાને હોલિવૂડના એન્ટરટેઇનમેન્ટ લૉયર ગણાવતો એક અનામી અમેરિકન બ્લાઇન્ડ આઇટમ્સનો શહેનશાહ ગણાય છે. તે ‘ક્રેઝી ડે એન્ડ નાઇટ્સ’ નામની વેબસાઇટ ચલાવે છે. સુશાંત પર જેણે ખાસ ત્રાસ વર્તાવ્યો હતો તેમાં રાજીવ મસંદની ‘ઓપન’ મૅગેઝિનમાં આવતી વીક્લી કૉલમ ઉપરાંત પિન્કવિલા ડૉટકૉમ, ઓપિનિએટેડ ઇન્ડિયન ડૉટકૉમ અને વનશોટવનપ્લેસ ડૉટકૉમ જેવી વેબસાઇટ્સ મુખ્ય છે. જે કંઈ બાકી હતું તે સોશિયલ મિડિયાએ પૂરું કર્યું.
મિડિયાને બ્લાઇન્ડ આઇટમ્સ માટેનો મસાલો પૂરો પાડવામાં બોલિવુડમાં કામ કરતી પીઆર (પબ્લિક રિલેશન) એજન્સીઓ મોખરે છે. હવે ચિત્ર એવું ઊભું થયું છે કે, કોઈ સ્ટારની ઇમેજ ખરાબ કરવી હોય, તેને અનપ્રોફેશનલ, લંપટ કે નિષ્ફળ ચિતરવો હોય તો હરીફ એક્ટર (કે કોઈ પણ) પીઆર એજન્સી દ્વારા મિડિયામાં આસાનીથી બ્લાઇન્ડ આઇટમ્સ પ્લાન્ટ કરાવી શકે છે. ગ્લેમરની દુનિયામાં જાડી ચામડીના થયા વગર ચાલે નહીં, પણ સુશાંત સંવેદનશીલ માણસ હતો. પોતાના વિશે ફેલાતી અફવાઓથી એ ખૂબ વિચલિત થઈ જતો.
આજે મેન્ટલ હેલ્થ એક મોટો મુદ્દો છે. સુશાંત સિંહના કમોતનું સાચું કારણ બહાર આવવાનું હજુ બાકી છે, પણ પત્રકારત્વમાં હવે પછી ગૉસિપને હળવાશથી લેવામાં નહીં આવે એ તો નક્કી.
– Shishir Ramavat
Leave a Reply