રમણલાલ સોનીની માફક રમણલાલ નાનાલાલ શાહનું બાળસાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. નામ સરખા અટક અલગ અને બંન્ને ગુજરાતી બાળસાહિત્યકારોને જીવનના અંતિમ તબક્કામાં બાળસાહિત્ય સર્જતા આંખની તકલીફનો સામનો કરવો પડેલો. કહી શકીએ કે ચક્ષુએ ચળવળ કરેલી. એમાં ય રમણલાલ તો ફુટપટ્ટીને આંખની આડે રાખી બાળસાહિત્ય લખતા હતા.
રમણલાલ શાહે ‘બાલજીવન’ મેગેઝિન સંભાળ્યું હતું. હવે તો બાળસાહિત્યના મેગેઝિનો ક્યારે દેવહુમાની માફક બેઠા થાય તેની રાહ જોવાઈ રહી છે. નવી સ્કૂલોમાં બાળકોને કેવી વાર્તાઓ અને ચરિત્ર-નાટક કરાવવામાં આવે છે તેનો ખ્યાલ નથી. કિરીટ ગૌસ્વામી સ્કૂલોની મુલાકાત લેતા હોવાથી અત્યારના બાળકોની બાળસાહિત્ય પ્રત્યે કેવી રૂચી છે તેના પરથી તેઓ પડદો ઉઠાવી શકે.
આપણે ત્યાં ગુર્જરે બાળસાહિત્યક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન આપ્યું છે. બીજા પ્રકાશકોની તુલનાએ જેટલું પીઢ સાહિત્યનું પ્રકાશન થયું છે તેનાથી તસુભાર પણ ઓછું નહીં એટલું બાળસાહિત્યમાં ગુર્જરે યોગદાન આપ્યું છે. હજુ પણ નવું નવું અથવા જૂનું ફરી પ્રકાશિત કરી તે બાળસાહિત્યને જીવંત રાખવાનો અડીખમ પ્રયાસ કરી રહ્યા છે. 2004માં ગુર્જર દ્રારા જ બાળસાહિત્યનો બાળસાહિત્યની ચોપડીના કદ જેટલો જ સંશોધન ગ્રંથ પ્રકાશિત થયો હતો. જેને રતિલાલ સાં નાયકે લખ્યો છે. પુસ્તકનું નામ છે બાળસાહિત્ય : સ્વરૂપ અને સર્જન. પૃષ્ઠની સંખ્યા 132. એક જ આવૃતિ થઈ છે.
બાળ સાહિત્યની એક એક કૃતિઓ આ સંશોધનગ્રંથમાં મુકવામાં આવી છે. સાથે બાળકોને કેવી વાર્તાઓ ગમે, કેવી કવિતાઓ ગમે, તમે ભૂત કે પરીની વાર્તા લખો છો કે કહો છો તો બાળકના મગજ પર તેની શું અસર થાય ? આવું બારીક કાતીને મનોવૈજ્ઞાનિક પ્લસ સાહિત્યક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પણ અહીં આ ગ્રંથની વાત નથી કરવાની. અહીં રમણલાલ શાહનો શ્રદ્ધાબેન ત્રિવેદીએ પોતાના પીએચડી અભ્યાસ સમયે લીધેલો ઈન્ટરવ્યૂ જોવાનો છે. આમ તો પુસ્તકમાં રમણલાલ શાહની જીવની પણ ઉપલબ્ધ છે. પણ જીવની તમે પુસ્તકમાંથી જાણી શકશો. અત્યારે બાળ સાહિત્ય અંગે રમણલાલ શાહના વિચારો જાણીએ.
1) બાલકથા સાહિત્યના ક્ષેત્રમાં આપને શાથી રસ પડ્યો ? એ ક્ષેત્ર તરફ પ્રેરનારાં કયાં પરિબળો હતાં ?
બાલજીવન માસિક 20થી 21 વર્ષની નાની વયે મુંબઈથી નોકરીધંધો કરવા ઉપરાંત શરૂ કર્યું એટલે એના અંકોમાં તદ્દન શરૂઆતમાં લખાણો ક્યાંથી હોય ? એટલે પહેલી વાર્તા એમાં ધ્રુવ વિશે લખી. આમ તો વાર્તાઓ બાળકોને કહેવાનો અને બીજા માસિકોમાં લખવાનો શોખ અને પછી મારા જ માસિક માટે ફરજીયાતિ લખવું પડ્યું એટલે એ શક્તિનો વિકાસ થયો.
2) આપની બાલસર્જનની પ્રક્રિયાનો ખ્યાલ આપશો ? આપની આ વિકાસયાત્રા દરમિયાન થયેલા એક-બે યાદગાર અનુભવો જણાવશો ?
મને આર્થર મીના Children Encyclopedia પુસ્તકો, માણભટ્ટ પાસેથી સાંભળેલી મહાભારતની કથા, બીજી પુષ્ટિમાર્ગની વ્યાસજીની કથાવાર્તાઓ, ચતુરભાઈ બારોટ અને બીજા એવા મિત્રોની ભાટ-ચારણ શૈલીની કથાઓ, વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરીના Juvenile Sectionનાં અનેક અત્યંત કીમતી પુસ્તકોનું વાંચન અને નિરીક્ષણ, અંગ્રેજી બાલમાસિકોનું સત્તત વાંચન વગેરેથી વાર્તાલેખનમાં પ્રેરણા મળતી રહી. હું કદી ભાષાંતર કરતો નથી. એક-બે વાર મૂળ લખાણ વાંચી જાઉં અને પછી મારી સ્મૃતિ ઉપરથી લખાણો તૈયાર કરી નાખતો. આજ લગી એ પદ્ધતિ ચાલુ છે. હવે બંધ છે. કારણ આંખો જોઈએ એટલું કામ આપતી નથી. અને હાથથી ઓછું લખાય છે. (ઉંમર વર્ષ 90)
3) ઉત્તમ બાળકથાસાહિત્યમાં આપની દ્રષ્ટિએ કયાં ક્યાં તત્વો હોવાં જોઈએ ? ઉત્તમ બાલકથાસર્જક પાસે શું અપેક્ષિત છે ?
કોઈ પણ ટાહ્યલાં કર્યા સિવાય વાર્તાની વસ્તુ ટૂંકાં વાક્યોમાં અને બાળકોને ગમે એવા હાવભાવ સાથે એ સમજી શકે એવી સહેલી ભાષામાં સડસડાટ વાર્તા કરી દેવી. એમાં સાર કે બોધ આપવા કોઈ દિવસ પ્રયત્ન કરવો નહીં. એવી વાર્તાઓ બાળકોને સાંભળવી કે વાંચવી ગમે છે. ભૂત, પ્રેત, ડાકણ, શાકણ, ચૂડેલ, વંતરી, શિકોતરી, જોગણી વગેરે વાર્તામાં ન આવે એની હું કાળજી રાખું છું અને બીજા એ કાળજી રાખે એમ ઈચ્છું છું. બાળકના કુમળા મગજમાં એથી ખરાબ સંસ્કાર અને સ્મૃતિ દ્રઢ થઈ જાય છે. રાક્ષસ,પરી,અપ્સરા વગેરેથી બાળક બીતું નથી એ Imaginary છે એવી એને પૂર્ણ શ્રદ્ધા છે. ટીખળ, ગમ્મત આનંદ વગેરે એમને પ્રિય હોય છે અને એ વાર્તામાં વણાયેલાં હોય એ એમને ગમે છે. પૌરાણિક ઐતિહાસિક પાત્રોને લગતી વાર્તાઓ બાળકોને સરસ ગમે છે.
4) આપના બાળકથાસાહિત્યમાંથી કોઈ પાંચ જ- કૃતિઓનાં નામ આપવાનાં હોય તો આપ કયાં કયાં આપો ? શા માટે ?
સીદીભાઈને સીદકાં વહાલાં. મારી લખેલી ચોપડીઓ ગમે એ સ્વાભાવિક છે. છતાં સ્મૃતિ ઉપરથી હું કહી શકુ કે નીચેની ચોપડીઓ મને વધારે ગમે છે અને એ બાળકોને વધારે ગમી હતી એમ મારી માન્યતા છે. 1) અરબસ્તાની આનંદરજની 2) કૃષ્ણકહાણી-ભાગ1-2 3) એકલવાયો (Romantic Sea Adventure Story, ખૂબ કલ્પનાતીત પ્રસંગો) 4) અભિમન્યુ 5) કાળીયો (મહાકવિ કાલીદાસ) વગેરે. શા માટે તે તો બાળકો જાણે બાળકોને તે ખૂબ ગમી હતી.
~ મયૂર ખાવડુ
Leave a Reply