પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રાજુ હિરાનીના પિતા સુરેશ હિરાનીનો જન્મ થયો. તેમના વડવાઓ દરિયા-ખાનમારીના જાગીરદાર હતા. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાજુના પુરખાઓની આ તમામ સંપતિ પણ ચાલી ગઈ. તેઓ બધાની માફક એક મધ્યમવર્ગીય બનીને રહી ગયા. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાજુના પિતાની ઉંમર 14 વર્ષની હતી. સુરેશ હિરાનીને એ વાતની જાણ થઈ ગઈ કે પાકિસ્તાનમાં રહેવુ ન જોઈએ. જેથી તેઓ આગ્રામાં આવી ગયા. રોજગારીની તલાશમાં હિરાની પરિવાર આગ્રા બાદ ફિરોઝબાદમાં પહોંચ્યો. ઉતરપ્રદેશનું એ શહેર ત્યારે અને અત્યારે પણ કાચની બંગડીઓ બનાવવા માટે જગમશહુર છે. એટલે તેમના પરિવારે ત્યાંની ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી. 1955માં સુરેશ હિરાનીએ નાગપુરમાં ટાઈપરાઈટરનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે બે ટાઈપરાઈટર ઉધારમાં લીધા. જેમાં તેઓ લોકોને ટાઈપીંગ શીખવાડતા. કોમ્પયુટરનો યુગ શરૂ ન થયો હોવાના કારણે તેમનો ધંધો ચાલ્યો. ત્યાં રાજુનો જન્મ થયો. દુકાનને કોઈ નામ ન હોવાથી, સુરેશ હિરાણીએ પોતાના પુત્રના નામ પર ટાઈપરાઈટરની દુકાનનું નામ રાખી દીધુ. આ નામ એટલે ‘રાજુ કુમાર ટાઈપરાઈટર.’ રાજુના મિત્રો તેને ચીડવતા, યાર તારા પિતા તો તારા નામ પર વ્યાપાર કરે છે. પિતા તો પહેલાથી જ રાજુને ડોક્ટર કે એન્જીનીયર બનાવવા માગતા હતા, જેથી પરિવારની તમામ સમસ્યાઓ હલ થઈ જાય, પણ બેટાશ્રીના સિનેમાના સપનાઓ જોતા તેમને આડખીલ્લી લાગ્યા કરતા હતા. થ્રી ઈડિયટ્સમાં એક સીન છે. જ્યાં એ.આર. માધવ પોતાના પિતાને કહે છે, ‘મારે એન્જીનીયર નથી બનવુ.’ જે વાસ્તવમાં રાજુની લાઈફ સાથે જોડાયેલો છે.
પિતાને ટાઈપરાઈટરનો બિઝનેસ શરૂ કરતા વર્ષો લાગી ગયા. અને તેને જમાવતા બીજા કેટલાક વર્ષો. રાજુએ પિતાની માફક ટાઈપરાઈટરના ધંધામાં તો જંપ ન લાવ્યુ, પરંતુ કેલક્યુલેટર રિપેર કરતા આવડી ગયુ. રાજુ દિવસે કામ કરતો અને રાતે હિરો બનવાના સપનાઓ જોતો. ભણવામાં તો કંઈ ઉકાળ્યુ નહીં. હાયર સેકન્ડરીમાં ઓછા માર્કસ આવ્યા. માતા-પિતાની ડોક્ટર બનાવવાની ઈચ્છા હતી, જે માર્કસ ઓછા આવવાના કારણે મરી ગઈ. તેથી રાજુએ કોમર્સમાં એડમિશન લીધુ, પણ માતા પિતાને ખ્યાલ પણ નહીં હોય કે એન્જીનીયર અને ડોક્ટર ન બનેલો રાજુ ભવિષ્યમાં આજ વિષયને લઈ ફિલ્મો બનાવશે. નાગપુરની હિસ્પોલ કોલેજમાં તેણે અભ્યાસ કરવાનું શરૂ કર્યુ. સવારે 7 થી 10:30 સુધીના ક્લાસિસ હોય. જે મોટાભાગના વિધાર્થીઓ ગુલ્લી મારી અટેન્ડ ન કરે, જેથી ક્લાસિસ પણ બરોબર ચાલતા ન હતા, પરિણામે રાજુને તેમના જેવા જ ઉથનપાનીયા એવા થિએટર ગૃપની સાથે મુલાકાત થઈ ગઈ. જેટલો ટાઈમ બચે એટલા ટાઈમમાં પોતે થિએટર કરવા લાગ્યા. ત્રણ વર્ષ કોલેજ ચાલી, ત્યાં સુધી રાજુ કોલેજ કમ ઓર ડ્રામા જ્યાદા કરને લગે. થીએટરમાં તેમણે એક્ટીંગ, સ્ક્રિપ્ટ રાઈટીંગ અને બાદમાં થીએટરના તમામ કૌશલ્યો પર પોતાનો હાથ અજમાવ્યો. ડ્રામાનો આ શોખ તેમની નશોમાં વહેવા લાગ્યો. તેમના એવા ખાસ મિત્રો બનવા લાગ્યા કે, જેઓ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માગતા હોય. રિહર્સલ કરવા માટે ત્યારે જગ્યા ઓછી મળતી. રાજુ પોતાના મિત્રોને પોતાના ઘરે લઈ આવતો અને રાજુના ઘરની છત પર આ બધા રિહર્સલ કરતા. આવુ રોજ થવા લાગ્યુ. દિવસે પિતાની દુકાનમાં બેસવાનું અને રાતે ડ્રામાના રિહર્સલ કરવાનું. રાજુ સાથે હંમેશા તેનો એક મિત્ર હોય જેનું નામ દેબાશીષ આશિષ. તેણે જોયુ કે રાજુના દિમાગ પર એક્ટિંગનું જુનૂન કાફી સવાર છે. આ માણસ કોઈ દિવસ હાર નહીં માને.
આ બંન્નેની દોસ્તીનો બંધ મજબૂત થયો આવાજ નામના થીએટર ગૃપથી. થીએટર એટલુ ચાલતુ નહતું. જેથી અભિનય કરવા ન મળતા રાજુએ પોતાના આ ગૃપની સાથે રેડિયો પ્લે કરવાના શરૂ કર્યા. દેબાશીષ મેડિકલ કોલેજનો વિધાર્થી હતો, એટલે જ્યારે રાજુના ઘરે રિહર્સલ ન કરી શકાય ત્યારે તે મેડિકલ કોલેજના ઓડિટોરીયમનો ઉપયોગ કરતો અને આ માટે તેઓ સિક્યુરીટીને પણ ઘુસ ખવડાવતા. બી.કોમના વિધાર્થી રાજુ પોતાની જિંદગી તબાહ કરી રહ્યા હોવાનું તેમના કાકા અને ઘરના લોકોને લાગતુ હતું. હવે ડોક્ટર કે એન્જીનીયર નહીં, પણ રાજુ ચાર્ટડ એકાઉન્ટન્ટ બને તેવી તેમની ઈચ્છા હતી, પણ અહીં ભણવુ કોને છે ? કાકા વકિલ હતા, જેમણે રાજુને આખરે ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે મનાવી લીધો. રાજુ માની ગયો, પણ મન કોઈ રીતે માનતુ ન હતું. પિતાને જઈને કહેવાનું મન થતું હતું, મારે આ નથી કરવુ, તો પિતા શું જવાબ આપે કે એન્જીનીયરીંગ નહીં, ચાર્ટડ એકાઉન્ટન્ટ પણ નહીં, તો તુ કરવા શું માગે છે ?
આખરે પિતા માની ગયા કે આ એક્ટર બનવા માગે છે. તો રાજુ એક્ટિંગ શીખવા માટે મુમ્બૈયા નગરીમાં આવી ગયા. ત્યાં કોઈ પ્રાઈવેટ કોર્સમાં એડમિશન લેવા માટે છાપા ફફોરવા માંડ્યા. છાપામાં એડ આવતી, જેમાં ચાર કે છ મહિનાના કોર્સ વિશે લખેલુ હોય. રાજુ ત્યાં જતા. લાઈનમાં ઉભા રહેતા. ઓડિશન આપતા. સાંજે છ વાગ્યે રિઝલ્ટ એનાઉન્સ થાય, ત્યારે ખબર પડે કે આપણું તો નામ જ નથી. રાજુને ખ્યાલ આવી ગયો, આ તો એક વ્યાપાર છે. એક્ટિંગને મનમાં દાબી પાછા પોતાના ઘરે આવી ગયા. તેના બધા મિત્રો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. રાજુના મિત્રો આજે પણ કહે છે, આ મુન્નાભાઈવાળો આઈડીયા ત્યારે જ તેના મનમાં પનપતો હતો. તે વાતની તો તેમને ફિલ્મ બની પછી ખબર પડી. દેબાશીષ ત્યારે તેને મેડિકલ કોલેજમાં ઘુમાવતો જ્યાં રાજુને રેગીંગના વિચાર આવ્યા. (ડોલા રે…. ડોલા… અને મુત્ર વિસર્જન) જે તેણે તેની તમામ ફિલ્મોમાં વાપર્યા છે. મેડિકલ કોલેજમાં આવતા જતા તેમનો એક મિત્ર સિગરેટ પિતો. સિગરેટ પિતા-પિતા તે એશ ટ્રે જે માનવ ખોપડીની હતી, તેમાં રાખ ઠાલવતો. રાજુથી પૂછાઈ ગયુ, ‘આમ કેમ ?’ તો તેણે ઈન્ટ્રેસ્ટીંગ ફેક્ટ જણાવ્યું, ‘આ માણસની ખોપડી છ મહિના પહેલા જીવીત હતી.’ મતલબ કે તે સાચા માનવ મસ્તિષ્કમાં સિગરેટ બુઝાવતો હતો. રાજુ ચોંકી ગયો. ત્યારે રાજુ પાસે એક ડાયરી હતી. જે અત્યારે ફિલ્મના સેટ પર પણ હોય છે. જેમાં તે આ તમામ નોટ લખ્યા કરતો હતો. તેણે માનવના પોસ્મર્ટમને પણ જોયુ. જેમાં તેમને ખૂબ હસવુ આવેલ અને પછી એટલુ જ રોયા. રાજુની કરિયર હવે ડામાડોળ થવા લાગી હતી. મનમાં નક્કી તો હતું કે શું કરવુ, રસ્તો પણ ખબર હતો, પણ આ લઈ જશે કે નહીં તે ખબર ન હતી.
ત્યાં રાજુને ખબર પડી કે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ નામની કોઈ વસ્તુ હોય છે. તેમણે ત્યાં એડમિશન લીધુ. ચાર કોર્સ હતા. જેમાંથી એક પર તેમણે પસંદગી ઉતારવાની હતી. તમામ ચાર કોર્સમાં મળી અને 32 સીટ હતી. રાજુને એ વાતનો ખ્યાલ જ ન હતો, કે અહીં મારા સિવાય પણ ઘણા લોકો એપ્લાય કરશે. એડિટીંગમાં એપ્લાઈ કર્યુ અને એડમિશન મળી ગયુ. આ પહેલા એક્ટિંગમાં ટ્રાય કરેલી પણ જેમ બધા દિગ્ગજો સાથે થાય છે તે મુજબ તેમને એડમિશન ન મળી શક્યુ. પિતાની ટાઈપીંગ ઈન્સ્ટીટ્યુટથી સીધા એડિટીંગ ઈન્સ્ટીટ્યુટે પહોંચ્યા. ત્રણ વર્ષ સુધી કોર્ષ કર્યો, વિચારતા રહ્યા કે બહાર નીકળી ફિલ્મ બનાવશું. જે ન થઈ શક્યુ. એડિટીંગ બાદ તેમનો એક વીડિયો કોર્સ થવાનો હતો. રાજુ પુણે પહોંચ્યા તો એમને ખબર પડી કે આ કોર્સને તાડા લાગી ગયા છે. હવે તેમના માઈન્ડમાં બે રસ્તાઓ ઘુમતા હતા. નાગપુર જવુ કે પછી મુંબઈ. તેઓ મુંબઈ ગયા.
રાજુનો એક મિત્ર તેનું નામ રામ રાઘવન. ગુરેગાંવમાં તેનું ઘર હતું, રાજુ ત્યાં ગયા અને ત્રણ વ્યક્તિઓ વચ્ચે રૂમનો બટવારો કરી રહેવા લાગ્યા. રાજુને એમ કે સવાર સુધી તે આરામ કરતા રહેશે, ત્યાં તો સવારે 5 વાગ્યે સિક્કાઓની ખનક વાગવા લાગી. બધા પોતાની ડાયરીથી ડિરેક્ટર, પ્રોડ્યુસરને ફોન ટ્રાય કરતા હતા. રાજુને મતલબની ખબર પડી ગઈ. બીજા દિવસે રાજુ પણ તૈયારી કરવા લાગ્યો અને આમ જ મહિનાઓ વર્ષોમાં પરિવર્તિત થવા લાગ્યા. રાજુએ પેટનો ખાડો પૂરવા સિરીયલ અને ડોક્યુમેન્ટ્રીમાં એડિટીંગ કરવાનું શરૂ કર્યુ. આમને આમ તેમણે ત્રણ હજાર રૂપિયામાં પહેલી એડવર્ટાઈઝમેન્ટ બનાવી. જેના ડિરેક્ટર તેઓ ખૂદ હતા. ત્યારે એક અંગ્રેજી અખબાર પ્રસિધ્ધ થતું હતું. જેને એક કોમર્શીયલ ફિલ્મ બનાવવી હતી. રાજુએ તેમના માટે 40,000 રૂપિયામાં ફિલ્મ બનાવી, પણ હવે તેઓ ડિરેક્શન ન હતા કરતા માત્ર ફિલ્મનું લેખન કરતા હતા. તે પણ કોમર્શીયલ !
રાજુ નાગપુરમાં હતા ત્યારથી મેડિકલ કોલેજ પર સ્ક્રિપ્ટ લખતા હતા. રાજુને વિચાર આવ્યો કે હવે કંઈ નહીં બસ સ્ક્રિપ્ટ લખો તેના પર ફોક્સ કરો, અને ફિલ્મ બનાવો. આમને આમ એક વર્ષે મુન્નાભાઈની સ્ક્રિપ્ટ તૈયાર થઈ. દિલ સે અને મીશન ક્શ્મીર તેમણે એડિટ કરેલી. તે પણ મણિરત્નમ અને વિધુ વિનોદની ફિલ્મ માટે, જેથી તેમને અભિનેતા મળવા મુશ્કેલ ન હતા. તેમણે સૌથી પહેલા અનિલ કપૂરનો ફિલ્મ માટે સંપર્ક કર્યો. જેમણે ફિલ્મને ઠુકરાવી દીધી. રાજુએ મનમાં એક ગાંઠ વાળી લીધેલી. ફિલ્મ તો શાહરૂખ ખાન સાથે જ બનાવવી. મારી ફિલ્મનો હિરો તો શાહરૂખ ખાન જ હોવો જોઈએ !
પણ હિરોમાં મેળ ન આવતા વિધુ વિનોદ ચોપરાએ તેમને સંજય દતનું નામ કહ્યું. રાજુને ચિતરી ચડી ગઈ. સંજય દત !!! મારી ફિલ્મનો હિરો. તેમણે આ ફિલ્મ માટે 80 સિન્સ તૈયાર કરેલા. જો કે સંજય માટે તેઓ તૈયાર ન હતા. નક્કી કર્યુ, આ બાબાની ફિલ્મો તો જોવા દે. રાજુએ ‘વાસ્તવ’ જોઈ. ફિલ્મ પૂરી થતા આંખો મીંચી દીધી. તેમના મગજમાં ફિલ્મ પૂરી થયા બાદ વિચાર આવ્યો અને જોરથી બોલી ઉઠ્યા, ‘સંજય દત જ બનશે મારો મુન્નાભાઈ !!!’
સંજય દતની કરિયર ત્યારે બરોબર ચાલતી ન હતી. રાજુએ સંજયને ફિલ્મ માટે મનાવી લીધા. નાગપુરની તે જ મેડિકલ કોલેજમાં ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યુ. ફિલ્મની પહેલી સ્ક્રિપ્ટ લખાય ત્યારે સંજુબાબા ડોન ન હતા. તો શું હતા, આ વાંચો…
એક મુન્નાભાઈ છે. જેમને માથાનો દુખાવો થતા ડોક્ટર પાસે જાય છે. જ્યાં તેમને ગોળી આપવામાં આવે છે અને ફી લેવામાં આવે છે. પછી મુન્નાભાઈની આંખ પણ દુખતી હોય છે, એટલે મુન્નાભાઈનું માથુ અને આંખનો ડોક્ટર ચાર્જ વસુલ કરે છે. મુન્નાભાઈ ઘરે આવે ત્યારે તેમને જ્ઞાત થાય છે કે ગઈકાલે પીધેલા દારૂના કારણે માથુ દુખતુ હતું અને આ ડોક્ટરોએ આટલા પૈસા લીધા. આ અન્યાય સામે લડવા તે ડોક્ટર બનવાનો વિચાર કરે છે. આ મુન્નાભાઈની પહેલી સ્ક્રિપ્ટ હતી. અને હવે જે જુઓ છો તે છે રિયલ ફિલ્મ છે. આ છે મુન્નાભાઈ ડાયરી. હવે લગે રહો મુન્નાભાઈ ડાયરી પછી ક્યારેક…
~ મયુર ખાવડુ
Leave a Reply