સાહિત્યકાર કે લેખક એટલે શું તેની વ્યાખ્યા મને ખબર નથી. જો લખે તેને લેખક ગણવામાં આવે, તો મારા દાદાના જમાનામાં ઘણી ટપાલો લખાતી અને આ બધી ટપાલોને ડાયરી સાહિત્ય તરીકે તમે લઈ શકો, ‘માતાજીની કૃપાથી અમો અહીં ખૂશી મજામાં છીએ, તમો પણ ત્યાં ખુશી મજામાં હશો તેવી આશા સહ, જત જણાવવાનું કે, અમારો ફલાણો અત્યારે માંદો હતો, એટલે દવાખાનાનો વધારે ખર્ચો આવ્યો છે, તો માતાજીના નીવૈદ કરવા માટે આપણે મઢમાં જવું પડે તેમ છે, એટલે દીકરા તુ વેલી તકે આવી જજે. બીજુ કે હમણાં સાગમજી શેઠ આવેલા, તે રૂપિયા ઉધાર આપેલા જેના કારણે થોડી કડકાઈ ચાલી રહી છે….’
મારા પપ્પા 2003થી 2004માં રોજ સવારે ટપાલ લખવા માટે બેસતા અચાનક તેમણે ટપાલ લખવાનું બંધ કરી દીધું. કારણ કે હવે અમે ભાઈઓ પાંચમાં અને સાતમાં ધોરણમાં અનુક્રમે આવી ચૂક્યા હતા. પિતાજીએ ટપાલ લખવાનું કહ્યું. જ્યારે પણ ટપાલ લખવાની હોય એટલે મારા હોશ ઉડી જાય, હમણાં કંઈક ભૂલ થશે, તો નવી ટપાલ લેવી પડશે અને પપ્પા ખીજાશે. પીળા કલરના પોસ્ટકાર્ડમાં નાના એવા શબ્દોમાં બીજી ટપાલ ન બગડે એ રીતે લખવાનું રહેતું. ટપાલ લખાઈ જાઈ પછી ચાલીને તાલાલાની પોસ્ટઓફિસની બહારના લાલ ડબ્બામાં નાખવા માટે જવાનું. આ ટપાલ લખવાનો મોટો ફાયદો કે તમે થોડુ મૌલિક લખતા થાવ. મને ત્યારથી આવું મૌલિક લખવાની આદત પડી ગઈ, થેન્ક્સ ફોર પપ્પાજી.
બીજુ કે બધાના ઘરે એક એંગલ રાખવામાં આવ્યો હોય. તેમાં જૂની ટપાલો ખોંસી દેવાની. અમે વર્ષો સુધી ટપાલોના થડા તેમાં સાચવીને રાખ્યા. દસમાં ધોરણમાં પહોંચ્યો એટલે મારી જૂની ટપાલ અને નવી ટપાલમાં લખવાનો કેટલો ડીફરન્સ તે ખ્યાલ આવી ગયો. કોઈ એમ ન કહેતા કે હવે ટપાલ કોઈ લખતા નથી. આ યુગને મારા ધ્યાનમાં છે તેવા એક માણસે સાચવીને રાખ્યો છે. અને તેનું નામ છે તુષાર ચંદારાણા અમારા પત્રકારત્વ ભવનના પ્રધ્યાપક અને ગુરૂ. જ્યારે પણ તેઓ ટપાલ લખે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાલ ડબ્બામાં નાખી આવે. પહેલેથી તેમને ચર્ચાપત્રો લખવાનો શોખ. જેમનું એક પુસ્તક પ્રહરીની આંખે પણ બહાર પડ્યું છે. જેમાં તુષાર સરના અત્યાર સુધીના લખાયેલા ચર્ચાપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફુલછાબ, સંદેશ, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાથી લઈને ઈન્ડિયન એક્સપ્રેસ સુધીના અખબારોમાં તેમના ચર્ચાપત્રો છપાયેલા. તમારા ધ્યાનમાં હોય અને મારી ભૂલ થતી હોય તો કહેજો બાકી ચર્ચાપત્રોમાંથી કોઈ પુસ્તક બન્યું હોય તો તેવું ગુજરાતનું આ એકમાત્ર પુસ્તક અને તુષારભાઈ ચંદારાણા તેના એકમાત્ર લેખક ગણવા રહ્યા.
હવે તો માહિતીના વિસ્ફોટના કારણે ચર્ચાપત્રો ઓછા લખાઈ રહ્યા છે. અથવા તો છાપામાં દેખાતા જ નથી. ચેનલમાં તો તેમનું સ્થાન ન જ હોય તે સ્વાભાવિક છે. અમે જ્યારે પત્રકારત્વ ભવનમાં હતા ત્યારે ફુલછાબમાં કોઈએ સ્ટોરી કરેલી કે રાજકોટમાં એવા બે લોકો છે જે મોબાઈલ કે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના માત્ર અખબાર વાંચીને અને ટપાલ લખીને પ્રત્યાયન કરે છે કે માહિતી મેળવે છે. તેમાં નંબર વન પણ તુષાર સાહેબ જ હતા.
ક્વોરામાં પૂછાયેલા પ્રશ્ન મુજબ હાલ પોસ્ટકાર્ડની કિંમત 1 રૂપિયો અને 50 પૈસા છે. આટલી મોંઘવારીમાં પણ પોસ્ટકાર્ડ હજુ અહીંયા જ પહોંચ્યું છે. આર્મીમાં હવે ફોન આવ્યા બાકી પહેલા પોસ્ટકાર્ડની આર્મીના સૈનિકો કાગડાળે રાહ જોતા. તેમાં પણ કોઈનું પોસ્ટકાર્ડ ન આવ્યું હોય તે વેદના કેવી ?
ફોનના જમાનામાં કોઈ સગાવહાલાનો ફોન આવે એટલે તેની સાથે વાત કરનારો પોતાને જે વાત કરવી છે, તે વાત કરશે. જ્યારે પોસ્ટકાર્ડમાં લાગણીનો સેતુ બંધાયેલો હોય. ઘરમાં એક વ્યક્તિ વાંચે પછી બીજાને આપે તેના પછી સ્કૂલે ગયેલા છોકરાને આપવામાં આવે. ઘરનો મોભી કામમાં ગયો છે તો પરત આવીને તે વાંચે. જેટલા ઘરના સભ્યો હોય તે વાંચે. કોઈનો નામ સાથે ઉલ્લેખ હોય તો છાપામાં પ્રશસ્તિ છપાઈ હોય તેવુ ફિલ થાય. આ ટપાલમાં સંક્ષિપ્તિકરણ કરીને લખવાનું હોય. ટૂંકુ નાનું એવુ, તમારે જે વાત કરવી છે તે ટુ ધ પોંઈન્ટ કરવાની. બાકી આ કંઈ સપ્લિમેન્ટરી નથી તે બીજી ટપાલ જોઈન્ટ કરી શકો ! તો પણ ઘણીવાર બે ટપાલ લખ્યાના દાખલા છે.
બીજુ કે સરનામાની માથાકુટ. ટપાલમાં કોઈ લખ્યાની ભૂલ હોય તો ચાલે બાકી ટપાલ લખ્યા બાદ સરનામામાં ભૂલ હોય તો કોઈપણ ઘરનો વ્યક્તિ ટપાલ લખનારને ખીજાય. કારણ કે મૂળ મુકામે પોસ્ટ જ ન થઈ હોય. લેખક માટે સારામાં સારી બાબત પહેલા તે હતી કે તેના વાંચકે તેની પત્રમાં કરેલી પ્રશંસા તે સાચવીને રાખી શકતો. હવે તો આવ્યું અને ગયું.
125 કરોડની જનતામાંથી અત્યારે કોણ પોસ્ટકાર્ડ લખતું હશે તેનો પણ વસ્તી ગણતરી દરમ્યાન સમાવેશ કરી લેવો જોઈએ. એક ખાનું તો તેનું પણ કરી લેવાય ! નહીંને કોઈ મળી જાય. જૂની નવલકથાઓ કે સંસ્કૃતના નાટકોમાં પત્રોનો ઉલ્લેખ છે. અરે, સંસ્કૃતના નાટકો તો પ્રેમપત્રો દ્વારા થતા બ્રેકઅપનું સૌથી મોટું સાધન છે. નાયક પ્રેમિકાના વિરહમાં જીવતો હોય અને પછી તે પત્ર લખે. બિચારાની ત્યારે જ માઠી બેસે કે પત્ની આવે અને વાંચી જાય અને તે જ નાટકનો સેન્ટર પોંઈન્ટ બની જાય. આમ કહો તો પત્રોના કારણે જ પ્રેમમાં ભૂકંપના આંચકા આવે. વંચાયેલા શબ્દોની કોઈ કિંમત નથી હોતી પરંતુ લખાયેલા શબ્દોની કિંમત છે. લખાયેલું વર્ષોસુધી ટકી રહે છે. સ્વસ્થ રહે છે. તેના શબ્દોમાં તાજગી હોય છે. જુનો જોક્સ વાંચો તો પણ હાસ્ય આવે, તેનું ઉદાહરણ વોટ્સએપ, પણ તે જોક્સ સાંભળનારો અધવચ્ચેથી કહી દેશે, આ સાંભળેલું છે. નવું કંઈક લાવો….
ડર્ટી પિક્ચરમાં સિલ્ક બનેલી વિદ્યા બાલન મેગેઝિનમાં પોતાના નામે લખાયેલા આર્ટિકલના કારણે વ્યગ્ર થઈ જાય છે. કારણ કે તેમાં તેના પતનની વાતો લખાયેલી છે. સોશિયલ મીડિયાના આક્રમણ સામે છાપુ એટલા માટે જ ટકેલું છે, અને રહેશે કારણ કે તેમાં લખેલું છે. પોસ્ટકાર્ડ, પ્રેમપ્રત્રો, કે ચર્ચાપત્રોનું પણ એવું છે. આ જો તે લખ્યું હતું… તેના કારણે તમારી ભૂલ કહો કે કપટ પકડાયા વિના નથી રહેતું. દુરદર્શન પરની સિરીયલ બ્યોમકેશ બક્ષીમાં દર વખતે પત્ર આવે અને પછી જ જાસૂસી શરૂ થાય. આવુ જ શેરલોક હોમ્સના કિસ્સામાં પણ છે, પત્ર આવે પછી જ જેનો કેસ હાથમાં લેવાનો છે તે રૂબરૂ મળવા માટે આવે, આવુ ઘણી વાર્તાઓમાં છે. ખૂની પોતાનો લેટર પોતાના હસ્તાક્ષરે નહીં, પણ છાપામાં છપાયેલા અક્ષરો કાપીને આપે છે ! જવાહરલાલ નહેરૂએ તો ઈન્દિરા ગાંધી માટે લેટર ટુ માય ડોટર લખેલ. દુનિયાની સૌથી વધારે વેચાતી એન્ના ફ્રેન્કની ડાયરીનું પણ એવુ જ છે. એક રીતે આ ડાયરીને તમે પત્રો તરીકે પણ ઓળખાવી શકો. બસ, કોઈને વાંધો ન હોવો જોઈએ…
એટલે કે પીળા કલરના પોસ્ટાકાર્ડને લાલ કલરના ડબ્બામાં નાખવામાં આવે પછી તેને ટપાલી બહાર નીકાળી જાય એટલે તેનો કલર લાગણીનો જ રહેવાનો… તેમાંથી બીજો કોઈ કલર નથી બનતો…
~ મયુર ખાવડુ
Leave a Reply