જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે
————–
લોગઇનઃ
ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.
જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.
— આદિલ મન્સૂરી
————–
ભાવનગરના દીવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીના અનેક પ્રસંગો જાણીતા છે. તેમાં એક પ્રસંગ ઉપરોક્ત કાવ્યપંક્તિઓ સંદર્ભે યાદ કરવા જેવો છે.
એક વખત પ્રભાશંકર પટ્ટણી પોતાના મોટા પુત્ર અનંતરાય સાથે બેસીને મહત્વનું કામ કરી રહ્યા હતા. તે વખતે કોઈ જ્ઞાતિજન અચાનક મળવા આવ્યા. પ્રભાશંકરે તરત તેમને ચાલતા કામની વચ્ચે જ મુલાકાત માટે બોલાવી લીધા. આવનાર ભાઈએ આવતા વેંત પ્રભાશંકરને ગુસ્સામાં આકરા શબ્દો કહેવા માંડ્યા. “આટલા મોટા રાજ્યના દીવાન થઈને બેઠા છો ને જ્ઞાતિજનોનું કંઈ હિત કરતા નથી” આવી તેવી વાત કરી પ્રભાશંકરને ધમકાવવા માંડ્યા. જ્યાં સુધી પેલા માણસની વાત પૂરી ન થઈ ત્યાં સુધી પ્રભાશંકરે તેમને અટકાવ્યા નહીં. આવનાર ભાઈએ એકની એક વાત અનેક વાર કરી ત્યારે પ્રભાશંકરે પૂછ્યું, “તમે કયા ઉદ્દેશથી આવ્યા છો તે કહો અને મારી પાસે શું ઇચ્છો છો?” પેલા ભાઈએ આર્થિક મદદ માગી. પ્રભાશંકરે તે જ વખતે તેમને જેટલા રૂપિયાની જરૂર હતી તેટલાની વ્યવસ્થા કરી આપી.
આવનાર ભાઈ પૈસા લઈને ગયા પછી તેમના પુત્રએ પૂછ્યું, “આ માણસ આટલા બધા આકરા શબ્દોમાં તમને ન કહેવાનું કહી ગયો. અનેક આક્ષેપો કર્યા તમારી ઉપર, અપમાનજનક શબ્દો સંભળાવ્યા, છતાં તમે કેમ તેમને કંઈ કહ્યું નહીં? આવા ક્રોધને શા માટે સહન કરવો જોઈએ? પિતાએ કહ્યું, “ભાઈ આપણી વાડીના માળીને બોલાવી લાવ.” “કેમ બાપુજી તેનું શું કામ છે? કંઈ કહેવું છે?” “હા, મારે તેને ઠપકો દેવો છે.” “તેણે એવી શું ભૂલ કરી છે?” અનંતરાયે નવાઈથી પૂછ્યું. પ્રભાશંકરે કહ્યું, “મારી સામે તો ઠીક પણ મહારાજા ભાવસિંહજી પધારે ત્યારે તેમની સામે પણ તે લંગડા ચાલે છે, એણે સરખું અદબથી ચાલવું જોઈએ ને!” અનંતરાયે કહ્યું, “એ કેમ બને? એમને પગે ખોડ છે એ કેમ સરખી રીતે ચાલી શકે? એને ઠપકો દેવાનો શું અર્થ?” પ્રભાશંકરે કહ્યું, “માળીની જેમ પેલા ભાઈ પણ મનથી અપંગ હતા. એ એક પ્રકારનો રોગ જ છે. રોગની ચિકિત્સા હોય, તેના પર ગુસ્સો કરવાની જરૂર નથી. એ રોગનો ચેપ આપણને ન લાગે તેવી સાવચેતી રાખી તેવા માણસોની મુશ્કેલી દૂર કરી ઉપચાર કરવો એ જ માત્ર ઇલાજ છે.”
પ્રભાશંકર પટ્ટણી જે જીવ્યા તે આદિલ સાહેબના શેરમાં છલકાય છે. ફૂલને છેવટે ખરી જવાનું છે, પણ જ્યાં સુધી તે જીવંત છે, સુગંધ વહાવ્યા કરશે. એ ડાળી પર હોય કે છાબડીમાં, મંદિરમાં હોય કે દારૂના બારમાં. મૃત વ્યક્તિના શબ ઉપર હોય કે કોઈ સુંદર કન્યાના કેશમાં. બાળક પાસે હોય કે વૃદ્ધ વ્યક્તિ પાસે, ગુનેગાર પાસે હોય કે નર્દોષ પાસે, પવિત્ર ગુરુ પાસે હોય કે ઠગ પાસે, બધાને એ સુગંધ એક સરખી જ આપશે. તમે તેને ગંદા ખાબોચિયામાં નાખો તોય એનામાં પ્રાણ હશે ત્યાં સુધી તે સુગંધ વિખેર્યા જ કરશે.
જેની પાસે ઇલાજ માગવા જઈએ એ ઊલટાના પીડામાં વધારો કરતા હોય છે. આપણા અંગત પ્રશ્નોના ઉકેલ માટે કોઈની પાસે જઈએ ત્યારે સામેનો માણસ સારી સલાહ આપવા પ્રયત્ન કરે છે, સાચી નહીં. સલાહ આપતી વખતે તે સલાહ આપી સારો બનવા માગતો હોય છે. અને તે માત્ર એટલી જ પરિસ્થિતિથી પરિચિત હોય છે, જેટલી આપણે તેને કહી હોય. કોઈ માણસ આપણને સીધું ન કહે કે તમે ખોટા છો, આપણે જેના વિશે વાત કરી રહ્યા હોઈએ તેને જ તે ખોટા ઠેરવશે. કેમ કે આપણી રજૂઆત પણ તેની પાસે એ પ્રકારની હોય છે. એટલે છેવટે તો આપણે પોતે જ આપણા દુઃખમાં વધારો કરતા હોઈએ છીએ, બીજા દ્વારા. વહુ-સાસુના ઝઘડામાં મોટેભાગે આવું જ થતું હોય છે. વહુ પાડોશીને સાસુ વશે કહે, વળી સાસુ વહુ વિશે બીજાને કહે, તે આવી છે, તે તેવી છે. સરવાળે વહુ અને સાસુના વણસેલા સંબંધમાં વધારો જ થાય છે.
વાણી દ્વારા અપાતી સલાહ કરતા વગર બોલ્યે પ્રકૃતિ દ્વારા રજૂ થતાં પ્રતીકો ઘણું મોટું સૂચન કરી જતાં હોય છે. એક વૃક્ષ કેટકેટલું સહન કરે છે. આકરો તાપ, વાવાઝોડા, વરસાદ, ઠંડી. છતાં તે અડીખમ રહે છે. તેની પરથી કોઈ ફળ લે ત્યારે તે એમ નથી વિચારતું કે આ માણસ સારો છે કે ખરાબ, પાપી છે કે પુણ્યશાળી, મને પાણી પીવડાવે છે કે નહીં. એ તો નરસિંહ મહેતાએ પંક્તિ લખી છે, “આપણે આપણો ધરમ સંભાળવો” તેની જેમ પોતાનો ધર્મ નિભાવશે. જ્યાં સુધી તેની પર ફળ હશે, આપશે. જ્યાં સુધી તેની ડાળીઓ લીલી હશે, છાંયડો દેશે. સૂકાયા પછી પણ લાકડું આપશે.
————–
લોગઆઉટઃ
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો;
મનમાં વિચારો આવે છે દુ:ખના પ્રકારથી!
– આદિલ મન્સૂરી
Leave a Reply