પ્રિય ગુડિયા,
તારો ખૂબ આભાર મને પત્ર લખવા બદલ. અને મને અહેસાસ અપાવા બદલ કે તને હજુ પણ મારી ચિંતા છે.
મને ખબર છે કે તે મને અનબ્લોક કર્યો હતો. મને પહેલેથી બધી જ ખબર હતી. હું જાણતો હતો કે તું મને ફક્ત એક મિત્ર જ માને છે અને હું એ પણ જાણતો હતો કે તું મારી જીવનસાથી નથી બનવાની, પણ પ્રેમ તો કોઈને પૂછીને નથી થતો ને..? એ તો અજાણતા જ થઈ જાય અને એ મને પણ થઈ ગયો.
મેં કોશિશ કરી કે હું તને દુઃખી ના કરું, પણ મેં તને ઘણું જ દુઃખ પહોંચાડ્યું છે. એ માટે હું તારી માફી માંગુ છું. તું દુઃખી ના થઈશ. એ સમયે તારા માટે જેટલો પ્રેમ અને માન હતું આજે પણ એ એટલું જ છે. તારા માટે મારા મનમાં કોઈ ગુસ્સો નથી. પરિસ્થિતિ જ એવી સર્જાઈ હતી.. એમાં તને જે ઠીક લાગ્યું એ તે કર્યું. તું તારી જગ્યાએ બરાબર જ હતી. પણ એકવાર તો વિચારવું હતું કે તારા વગર મારુ શુ થશે?
એક એક દિવસ કાઢવો અઘરો હતો… અને દિવસ કરતા પણ વધારે અઘરી રાત હતી. લોકોથી છુપાઈને એકલું રડવું ખૂબ જ દર્દ આપતું હતું. એક એક શ્વાસ સાથે મેં તને યાદ કરી છે. તું તો જતી રહી પણ હું તારી યાદોમાં ક્યાંક પોતાની જાતને ખોઈ બેઠો. તારા જવાથી બધું જ ખતમ થઈ ગયું. તારા વગર હું કોની સાથે વાત કરતો? કોને જઈને મારી વાતો કહેતો? તું જતી રહી અને મારો પ્રેમ સાથે લઇ ગઈ. મારા જીવવાનું કારણ સાથે લઇ ગઈ. તારી ઊણપ બધી જગ્યાએ મહેસુસ થાય છે. લાગે છે જાણે દિલમાં હજારો કાણા પડી ગયા હોય. અને જયારે તું યાદ આવે ત્યારે મારુ હૃદય દુઃખવા લાગે છે. પણ એ વાતની ખુશી પણ છે.. કે આ દર્દ મને યાદ અપાવે છે કે મને તારાથી કેટલો બધો પ્રેમ છે.
લાગે છે જાણે જિંદગી મારાથી રુઠી ગઈ. ખબર નહી તારી યાદો મારા દિલમાંથી જશે કે નહીં..? હું ક્યાંક ભાગી જાઉં એમ થાય છે.. પણ હું ગમે ત્યાં જતો રહું આ બધા માંથી હું બહાર નીકળી શકું એમ નથી. હું એકલો હતો અને મને તારી જરૂર હતી. મેં હંમેશા તારો સાથ આપ્યો છે. બધી જ વાત માની અને તે શુ કર્યું? જીવનમાં એક વાર જયારે મને સૌથી વધારે જરૂર તારી હતી ત્યારે તું મને એકલો રડવા માટે મૂકી ને જતી રહી.
હા તું ખોટી નથી પણ તારા આમ અચાનક જવાથી શુ બધું સરખું થઈ જવાનું હતું? તું જતી રહી પછી તો હું જાણે એક લાશ જ હતો..
પણ હા માનવી…! મેં તને એક પણ મેસેજ નહોતો કર્યો. કેમકે મારે તને દુઃખી નહોતી કરવી. માનવી મને fb પર મળી હતી. એક દિવસ એને મને કહ્યું કે મને જોતા જ એને પ્રેમ થયી ગયો હતો. જ્યારે તું ગઈ તો મને કઇ સમજમાં નહોતું આવી રહ્યું. પણ જયારે એ આવી ત્યારે સમજાયું કે બધું ઠીક જ છે. તું જતી રહી તો એને જ મને સંભાળ્યો. પણ ખબર નહી એને કઇ રીતે હું ગમી ગયો. એ થોડી પાગલ છે.. પણ બહુ જ સારી છે અને મૂકીને નહી જતી રે મને. કદાચ જશે તો પણ કહી ને જશે. તારી જેમ અચાનક તો નહીં જ.
મેં એના પ્રેમને સ્વીકાર્યો નથી એટલે એને કદાચ તને મેસેજ કર્યો હશે. થોડી લાગણીશીલ છે એ. એવું પણ નથી કે હું તને ભૂલી નથી શક્યો. પણ મને એ વાતનું દુઃખ જીવનભર રહેશે કે મેં એક બહું જ સારી મિત્ર ખોઈ નાખી અને રહી વાત માનવીની તો એ ખૂબ જ સારી છોકરી છે. એને મારા કરતાં સારો છોકરો મળવો જોઈએ. જેને એ લાયક છે. મારા જેવો નકામો છોકરો એના લાયક નથી. મેં બહુ જ બધી અસફળતાનો સામનો કર્યો છે તારા ગયા પછી. જેમાં એ હંમેશા મારી સાથે રહી છે. પણ જેમ તું મારાથી દુર હતી એમ હું પણ એનાથી દુર છું. જેમ હું તારા દૂર રહેવાનું કારણ ના સમજી શક્યો.. એમ એને સમજાવું પણ અઘરું જ છે.
મને એના માટે ખૂબ જ પ્રેમ છે. પણ એ વ્યક્ત કરવો ખૂબ જ અઘરો છે. મેં એને સમજાવ્યું.. પણ એ સમજે તો ને? પણ તું મારી વ્યથા સમજી શકે છે. કેમકે તું પોતે પણ એક દિવસ એ જગ્યાએ હતી. પહેલાં હું ખૂબ જ રડ્યો તારા માટે.. પછી મને ખુબ જ ગુસ્સો આવા લાગ્યો. એટલે હું તને યાદ જ નહતો કરવા માંગતો. પણ જયારે હું માનવીને સમજવામાં અસમર્થ રહ્યો ત્યારે મને સમજાયું કે તું સાચી જ હતી. માનવીનો સાથ મને સારો લાગે છે. જ્યારે એ મારી સાથે હોય છે ત્યારે મારા બધા જ ઘાવ ભરાવા લાગે છે. એનો મજકિયો સ્વભાવ.. એની અખૂટ વાતો.. એનું સ્મિત.. અને એની આંખોમાંથી છલકતો પ્રેમ.. એ બધું જ મારા માટે છે. હું પોતાને ખૂબ નસીબદાર ગણું છું કે એ મારી સાથે છે. હંમેશા મને સંભાળવા માટે. એ સુલઝેલા વિચારોની છે. એ મને કોઈ દિવસ ભટકવા નહી દે. અને એકલો પણ નહીં પડવા દે. અને હું પ્રયત્ન કરીશ કે એને પૂરતો પ્રેમ આપી શકું જેની એ હકદાર છે.
આભાર તારો કે તે મારા માટે આટલું વિચાર્યું. પણ જો બની શકે તો પ્લીઝ પાછી આવી જા. બધું સરખું કરી દઈશું આપણે.
આપણી દોસ્તીનો હું હંમેશા ઋણી રહીશ. જેને મને હસતા અને જીવતા શીખવાડ્યું. તું હંમેશા ખુશ રહે એવી આશા સાથે..
– તારો પાગલ.
લેખીક : માનસી વાઘેલા
Leave a Reply