– પરગ્રહથી આ ગ્રહ અને ધર્મના આગ્રહથી અનુગ્રહ સુધીની રોમાંચક અને રમૂજી કથા
રંગ-રૂપને ઘાટમાં પૃથ્વીના જ લાગે તેવા એલિયનોના ગ્રહ પરથી એક એલિયન પૃથ્વી પર રિસર્ચ કરવા ઉતરે છે. તેના તન પર વસ્ત્રો નથી કારણ કે વસ્ત્રો પહેરવા એ એમના ગ્રહની સંસ્કૃતિ નથી. જેનાથી તે પોતાને તેડવા માટેનો સંદેશો ‘સ્વગ્રહે’ મોકલી શકે તેમ હોય છે તે રિમોટ પૃથ્વી પર ઉતર્યાની ગણતરીની ક્ષણોમાં જ ચોરાઈ જાય છે. ધરતી પરના તમામ રીત-રિવાજો, ભાષાઓ, સભ્યતાઓ કે સંસ્કૃતિથી અજાણ એ એલિયન પોતાની ચોરાયેલી ચીજ શોધવા દરબદર ઠેબા ખાય છે. તે જુએ છે કે અહીં તો અલગ અલગ લાગણી સાથે બોલાય તો એકના એક શબ્દોના ભાવ ફરી જાય છે ને વળી બોલનારાના મનમાં રહેલો ભાવ તો વળી કંઈક અલગ જ હોય છે. સામેવાળાના મનની વાત માત્ર હાથ પકડીને સમજી જવાની સંસ્કૃતિ ધરાવતા ગ્રહનો જીવ પૃથ્વીની અનેક ‘લુલ્લ’ થઈ ગયેલી પ્રથાઓથી આશ્વર્યાઘાત પામતો-જાણતો-માણતો આગળ વધે છે. તેને જાણવા મળે છે કે વિશ્વના તમામ પ્રશ્નોના જવાબ અલગ અલગ નામોથી અલગ અલગ રીતે પૂજાતા ઈશ્વર પાસે છે. તે કણ કણનો હિસાબ રાખે છે. તેનું ખોવાયેલુ રિમોટ પણ તેની પાસે માંગવાથી મળી જશે. તે પૃથ્વી પર ઉપલબ્ધ તમામ રસ્તાઓ અપનાવી ઈશ્વરની ખોજમાં નીકળે છે. અને મંડાય છે પરગ્રહથી આ ગ્રહ અને ધર્મના આગ્રહથી અનુગ્રહ(યોગ્ય બનાવીને સ્વીકારવું તે; સ્વીકાર) સુધીની રોમાંચક અને રમૂજી કથા.
ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?
સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?
શૂન્ય પાલનપુરીની આ અદભુત પંક્તિઓની તર્જ પર તે સવાલો ઉઠાવે છે. તે મુર્તી વેચનારાને પૂછી બેસે છે કે, જબ સારે ઈશ્વર એક હી કામ કરતે હે તો સબ કે દામ અલગ અલગ ક્યોં? તે બાળપણથી પરંપરાગત રીતે પીવડાવાતી ધાર્મિક ગળથૂથીઓથી વંચિત હોવાના કારણે બાળસહજ કૂતુહલવશ તમામ ધાર્મિક પરંપરાઓને પડકારી બેસે છે. તે સવાલો ઉઠાવે છે કારણ કે તે જુદી માટીથી ઘડાયો છે. તે ‘બહારનો’ છે અને ‘પારકી માં જ કાન વિંધે’. અલગ અલગ ઈશ્વરોને ધરાવાતા અલગ અલગ પ્રસાદથી મુંઝાતા પીકેને જોઈ હિન્દીનો મશહૂર શેર યાદ આવી જાય કે- ‘સૂખે મેવે ભી યે દેખકર હૈરાન હો ગયે, ના જાને કબ નારિયલ હિન્દુ ઓર ખજુર મુસલમાન હો ગયે’. જરા વાર પીકેને બાજુ પર રાખીને વિચારો કે કોઈ માણસ બાળક જન્મવાને બદલે સીધો જવાન જ જન્મે તો શું થાય? અથવા કોઈ બાળકને વર્ષો સુધી દુનિયાદારીથી વંચિત રાખવામાં આવે અને એક દિવસ અચાનક જ આ દુનિયામાં કોઈ પૂર્વાપર સંદર્ભ આપ્યા વિના છોડી દેવામાં આવે તો શું થાય? તેને સૌથી વધુ મુશ્કેલી કઈ વાતની પડે? વસ્ત્રોની? ભોજનની? રહેઠાણની કે અન્ય કોઈ ચીજની? જવાબ છે, કદાચ ધર્મની. વિશ્વની તમામ સભ્યતાઓથી અજાણ રહી ગયેલા માણસના અચાનક થતાં પૃથ્વી પ્રવેશની પ્રક્રિયાની યુનિવર્સલ થિમ પર થયેલા આલા દરજ્જાના સર્જનનું નામ છે ‘પીકે’.
*****
‘પીકે’ની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે અમદાવાદમાં હતી ત્યારે પત્રકાર પરિષદમાં વિધુ વિનોદ ચોપડાએ ફિલ્મને યોગ્ય રીતે જ એક માઈલસ્ટોન ગણાવી હતી. તેમણે કહેલુ કે, ‘આ ફિલ્મમાં આમિરે આપેલો એક સિન બોલિવૂડના ઈતિહાસમાં મેં જોયેલા શ્રેષ્ઠત્તમ સિન્સ પૈકીનો એક છે. એ સિન જોતા જોતા મારા રૂંવાડા ઉભા થઈ જાય છે.’ સોમાંથી પૂરા સો માર્ક આપવા પડે વિધુભ’ઈને આ વાત માટે અને આમિરને એ દ્રશ્ય માટે. પોતાનું ખોવાયેલુ રિમોટ શોધવા અનેક ધર્મ સંપ્રદાયના બની બેઠેલા આગેવાનોના ચીંધ્યા માર્ગે-ગેરમાર્ગે દોરવાઈને ઠેર ઠેર ભગવાનને શોધતો ભટકતો પીકે મુર્તીઓ બનાવતી દુકાનમાં જઈ ચડે છે. મુર્તીઓના છૂટાછવાયા ટુકડાઓ અને અનેકાનેક ભગવાનો જોઈને વધુ મુંઝાય છે. મુર્તીઓ સામે જોઈને કહે છે, ‘કન્ફ્યુઝ્વા ગયા હું ભગવાન.’ કદી ન પટપટતી આંખોમાં અકથ્ય દર્દ સાથે તે ભગવાનોને તે મળતા ન હોવાની વ્યથા કહે છે. રીતસરની કાકલુદી કરે છે. આ દ્રશ્યમાં આમિરને જે દર્દ બતાવવાનું હોય છે તે વાસ્તવિક નથી. એ પૃથ્વી પરની કોઈ માનવીય સમસ્યાનું નહીં પણ એક એલિયનનું રિમોટ ખોવાયાનું દર્દ છે. જેને આમિરે કન્વિન્સિંગલી પ્રેઝન્ટ કર્યુ છે. ‘દિવાર’માં ભગવાનને ‘આજ ખુશ તો બહોત હોંગે તુમ’ કહેતા અમિતાભની હાઈટની કક્ષાને સ્પર્શી જાય છે એ દ્રશ્ય. બોલિવુડના ઈતિહાસમાં ભગવાનની મુર્તી સાથેના સંવાદના યાદગાર સિન્સની જ્યારે પણ યાદી બનશે ત્યારે આ સિન વિના એ યાદી પૂરી નહીં જ થાય.
‘ધુમ 3’ના પ્રોમોઝ જોયા ત્યારે પ્રોમોઝમાં આમિરનો ચહેરો સાવ ફ્લેટ લાગતો હતો. ફિલ્મ પણ સાવ બંડલ નીકળી. પણ એ ફિલ્મના એક દ્રશ્યમાં આમિર કોઈ ગેટઅપ ચેન્જ કર્યા વિના જ પાત્રપરિવર્તન કરે છે એ જોઈને સમરકંદ બુખારા ઓવારી જવાયું. ‘ધુમ 3’ના એ દ્રશ્યમાં સેન્ચ્યુરી ફટકારનારા આમિરે ‘પીકે’માં ટ્રીપલ સેન્ચ્યુરી ફટકારી છે. આમિર જ્યારે આવા સિન્સ ભજવતો હોય ત્યારે શાહરૂખને છૂટ્ટા પૈસા આપી બે કટીંગ લેવા મોકલી દેવો પડે અને સલમાનના હાથમાં સફાઈ અભિયાન અંતર્ગત ઝાડું પકડાવી દેવું પડે. આવું દ્રશ્ય તો આમિર જ ભજવી શકે. પાત્રમાં ડીપલી ઘુસી ગયો છે ભાયડો. આખી ફિલ્મને આમિર એકલા હાથે ઉપાડી ગયો છે એવામાં બાકીના કલાકારોએ ભાગે આવેલી ભૂમિકાને યથાશક્તિ ન્યાય આપ્યો છે. અનુષ્કાના હોઠ કેટલાક દ્રશ્યોમાં પડદામાંથી બહાર આવી જાય એવો ભય(અથવા લાલચ?) લાગે, બાકી બધુ બરાબર છે. એના હોઠ માટે ‘ખબરબાજી’એ મસ્ત વનલાઈનર મારેલુ કે- ‘અનુષ્કા કે હોઠ દેખકર લગતા હૈ કિ ફિલ્મ મેં એલિયન કા કિરદાર પહેલે વો કરને વાલી થી.’ વધુ એક હિન્દી મુવીમાં લેડી જર્નાલિસ્ટ બરખ દત્ત લૂકમાં જોવા મળી એ અહીં નોંધવું પડે.
સૌરભ શુકલાએ દંભી બાબાનું પાત્ર ચીડ ચડી જાય એ હદે પરફેક્ટ ભજવ્યું છે. આમ છતાં ‘જોલી એલએલબી’ના એમના નેશનલ એવોર્ડ વિનર અને મારા ફેવરિટ પાત્રના સન્માન સાથે કહું છું કે એમની જગ્યાએ બોમન ઈરાની હોત તો એન્ડનો શાસ્ત્રાર્થ વધુ જામેત. અને બોમનનો એક વધુ અવતાર પણ આપણને જોવા મળેત. બોમન બાવાએ ચેનલ હેડનું જે પાત્ર ભજવ્યુ છે તે એમના લેવલ કરતા ક્યાંય સામાન્ય છે. રાજુની આગળની તમામ ફિલ્મોમાં અતિમહત્વનું પાત્ર ભજવી ચૂકેલા બાવાને આવા સામાન્ય પાત્રમાં જોઈ થોડી નવાઈ લાગી. સુશાંત સિંહ રાજપુત નાની લેન્થના પાત્રમાં વધુ એક વાર તે લંબી રેસનો ઘોડો હોવાનો પૂરાવો મુકતો ગયો. ક્લાઈમેક્સમાં અનુષ્કાના ફોન વખતે એના રિએક્શન યાદ છે? (ફિલ્મ ના જોઈ હોય તો જોવો ત્યારે નોંધજો.) ભૈરવસિંહના પાત્રમાં સંજય દત્ત જામે છે. પરીક્ષીત સાહની હિરાણી કેમ્પની ફિલ્મોના રૂઢીચુસ્ત પિતાના કેરેકટર માટે જ ઘડાયા હોય એવું લાગે. ‘લગે રહો મુન્નાભાઈ’માં વિકટરના પિતા, ‘થ્રી ઈડિયટ’માં ફરહાનના પિતા બાદ ‘પીકે’માં જગ્ગુ(અનુષ્કા)ના પિતા. રામ સેઠી(‘મુકદ્દરના સિંકદર’ના પ્યારેલાલ)ને લાંબા સમય બાદ મોટા પડદે જોઈને સારું લાગ્યું.
*****
‘પીકે’ જોયા બાદ તે ‘ઓહ માય ગોડ’ની કોપી હોવાની વાત ગધેડાને તાવ આવે એવી લાગે. ઓએમજીનું કાટલુ લઈ ‘પીકે’ને માપવા બેસવું એ બંન્ને ફિલ્મોને અન્યાય કરવા સમાન છે. ઓએમજી અને પીકેમાં સમાનતા હોય તો માત્ર એટલી જ છે કે બંન્ને ધર્મના નામે ચાલતા પાખંડો પર પ્રહાર કરે છે. બાકી બંન્નેની વાર્તા અલગ છે અને મેસેજનું પ્રેઝન્ટેશન પણ અલગ છે. ‘ઓહ માય ગોડ’માં અતિગંભીર વાતોમાં રમૂજનો છંટકાવ કરવામાં આવ્યો છે જ્યારે ‘પીકે’માં રમુજી લાગતી વાતોમાં ગંભીરતા ઉમેરાઈ છે. બંન્ને ફિલ્મોમાં ધાર્મિક ધતિંગો સામે ઉઠતા સવાલો અલગ અલગ સ્તરથી ઉઠે છે. ઓએમજીમાં કાનજી ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવાનો ઈનકાર કરે છે અને પરિણામે સર્જાતી પરિસ્થિતિઓમાં પાખંડીઓ એક્સપોઝ થાય છે. તો ‘પીકે’માં પીકેએ ભગવાનનું અસ્તિત્વ સ્વીકારી ઉઠાવેલા સવાલો પાખંડીઓને પડકારે છે. કાનજી ધર્મના નામે ચાલતા દંભ સામેના ઉકળાટ સાથે તર્કબદ્ધ સવાલો ઉઠાવે છે તો પીકે દ્વારા દરેક ધાર્મિક માર્ગને સાચો માની ભોળપણ સાથે ઉઠાવાતા સવાલો તર્કોનું તુર્કિસ્તાન કરી નાખે છે.
કેટલાકને વળી ઓએમજી અને ‘પીકે’માં જોવા મળતી આ પાખંડ પર પ્રહારની સામ્યતા સામે વાંધો છે. આ થિમ પહેલા ‘પીકે’ના ડાયરેક્ટર રાજકુમાર હિરાણીને સુઝેલી કે ટીમ ઓએમજીને એ યક્ષપ્રશ્ન થઈ ગયો છે. પીકે 60 ટકા ઓએમજી, 10 ટકા ‘કોઈ મિલ ગયા’ તેમજ 30 ટકા અન્ય ફિલ્મોના મિશ્રણથી બની હોવાના વાહિયાત મેસેજીસ ફરી રહ્યા છે. હિરાણીએ ઓઓએમજીની કોપી મારી હોવાના દાવા(કે આક્ષેપ) સાથે હિરાણી પાસેથી આવી અપેક્ષા ન હોવાના બખાળા થાય છે. એક સમયે માની પણ લઈએ કે પીકે ઓએમજીથી ઈન્સપાયર્ડ છે તો ઓએમજીનો કોન્સેપ્ટ પણ ક્યાં મૌલિક હતો વળી? ઓએમજી બની વડોદરાના ભાવેશ માંડલીયાએ લખેલા ગુજરાતી નાટક ‘કાનજી વિરુધ્ધ કાનજી’ પરથી અને એ નાટકનું ગોત્ર વળી ઓસ્ટ્રેલિયન કોમેડી ફિલ્મ ‘ધ મેન વુ સ્યૂડ ગોડ’માં. એટલા માત્રથી જ શું ‘કાનજી વિરૂધ્ધ કાનજી’ કે ‘ઓહ માય ગોડ’ની ગુણવત્તા નબળી ગણાય? હોલિવુડની ફિલ્મની કોપી કહીને ઉમેશ શુકલા એન્ડ કંપનીની સર્જકતાની લિટી ટૂંકી આંકી શકાય ખરી?
ઈસ્પિરેશનની દ્રષ્ટિએ જોવા બેસીએ તો બદલાની થિમ પર વિશ્વભરમાં બનેલી મહત્તમ ફિલ્મોના પ્લોટની ગંગોત્રી ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડુમાસની ‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’માંથી વહેતી જણાશે. કટ્ટર દુશ્મનાવટ ધરાવતા પરિવારો કે જૂથોની બઘડાસટી વચ્ચે પાંગરતી ‘ઈશકઝાદે’થી ‘રામલીલા’ સુધીની અનેક પ્રેમકથાઓના મૂળિયાં ક્યાંકને ક્યાંક શેક્સપિયરના ‘રોમિયો-જૂલિયટ’ને અડતા દેખાશે. તો ડબલ-ટ્રિપલ રોલની ધમાચકડી દર્શાવતી ફિલ્મોના છેડા ક્યાંકને ક્યાંક શેક્સપિયરના જ નાટક ‘કોમેડી ઓફ એરર્સ’માં નીકળવાના. બોલિવુડના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘શોલે’માં તો હોલિવુડની ફિલ્મો ‘ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી’, ‘ધ મેગ્નિફિસિયન્ટ સેવન’, ‘વન્સ અપોન ટાઈમ ઈન ધ વેસ્ટ’ અને ‘ફોર અ ફ્યુ ડોલર્સ મોર’માંથી બેઠ્ઠેબેઠા સિન્સ જ કંટ્રોલ સી કંટ્રોલ વી કરવામાં આવ્યા છે. માટે ‘પીકે’ ક્યાંયથી પણ ઈન્સપાયર્ડ હોય તો એ કંઈ પાપ નથી. એ માટે રાજુ હિરાણી કે અભિજાત જોશીના માર્કસ કાપવા ન બેસી જવાય. એન્ડ બાય ધ વે પીકેનું પાત્ર બળવાખોર સુધારાવાદી ભારતીય-શ્રીલંકન ડો. અબ્રાહમ કવુર પરથી પ્રેરિત હોવાનો ખુલાસો રાઈટર અભિજાત દિવ્યભાસ્કર ડોટ કોમના પત્રકાર રાજેશ વોરાને ‘પીકે’ની રિલિઝના દિવસે આપેલા ઈન્ટરવ્યુમાં કરી ચૂક્યા છે. (સર્ચ Abraham T. Kovoor ઈન ગુગલ ફોર નો મોર.)
રાજુ હિરાણી પોતાની ફિલ્મોમાં એક ચોક્કસ થિમ લઈને ચાલે છે. ‘મુન્નાભાઈ…’ સિરિઝના મુન્ના, ‘થ્રી ઈડિયટ’ના રેન્ચો અને ‘પીકે’ના એલિયનનું ગોત્ર એક જ છે. તમામમાં એક ભોળપણ, એક માસુમિયત રમે છે. (પ્રમોશન વખતના એક ઈન્ટરવ્યુમાં તો રાજુએ કહ્યું પણ છે કે, પીકેના પાત્ર માટે ચહેરા પર એક માસુમિયની જરૂર હતી અને આમિરના ચહેરામાં તે છે. એટલે તે આ ફિલ્મનો હિરો છે.) તમામ સંવેદનશીલ છે. તેમને માનવતા પર હાવી થતી પ્રોસિઝર્સ અને રીત-રિવાજો અકળાવે છે. મુન્નો હોસ્પિટલમાં મરવા પડેલા દર્દીની સારવાર પહેલા ભરવા પડતા ફોર્મની પ્રોસીઝરથી ઉશ્કેરાઈ જાય છે. રેન્ચો વિદ્યાર્થીને મરવા મજબુર કરતી પ્રોજેક્ટની પારાયણથી અકળામણ અનુભવે છે. તો પીકેને લાખો કુપોષણ પીડિત બાળકોની દૂનિયામાં ભગવાનને ચડતુ હજારો લિટર દૂધ મુંઝવણમાં નાખે છે. આ ‘થ્રી ઈડિયટ્સ’ સાદા અને સરળ સવાલોથી વિશ્વની તમામ પ્રસ્થાપિત અને એસ્ટાબ્લિસ્ડ પ્રણાલીઓના પાયા હચમચાવીને મુકી દે છે.
રાજુની તમામ ફિલ્મોની યુએસપી એની સિમ્પલિસિટી છે. ગંભીરમાં ગંભીર વાત તે હળવાશથી કહે છે. એ માસને બાઉન્સ જાય તેવી ક્લાસની કે ક્લાસને કિડીઓ ચડે તેવી માસની નહીં બલકે ક્લાસ અને માસ બંન્ને એન્જોય કરે તેવી ક્લાસિક ફેમીલી એન્ટરટેઈનર્સ બનાવે છે. રાજુની કોઈ પણ ફિલ્મ ટીવી પર આવતી હોય ત્યારે ક્યાંયથી પણ જુઓ કંટાળો નહીં આવે. થોડામાં ઘણુ કહેવાની કળા એડવર્ટાઝીંગના રાજુ કડક એડિટર રહી ચૂક્યા છે. રાજુનું ડાયરેક્શન અને અભિજાત જોશીની કલમ ફિલ્મના અંત સુધી હળવાશનો રંગ બરાબર પકડી રાખે છે. એક એલિયન પાનના ડુચો મોંમાં ઠોંસી ભોજપુરી બોલે એનાથી વધુ કોમિક બીજુ શું હોઈ શકે વળી? લોજિકની દ્રષ્ટિએ દરેક ફિલ્મમાં મસમોટા ગાબડાં નીકળી આવે. ફિલ્મો લોજીકથી નહીં પણ મેજિક અને મસાલાથી ચાલે છે. માટે દરેક વાતમાં લોજિક શોધવાનો પ્રયાસ ન કરવો. પીકેનું સંગીત અગાઉની ફિલ્મોની તૂલનાએ નબળુ ગણી શકાય. સિનેમાહોલની બહાર નીકળ્યા બાદ એકેય ગીત હોઠ પર રમતુ નથી રહેતુ પણ વાર્તામાં જ્યારે પણ ગીત આવે ત્યારે કઠતુ પણ નથી.
*****
ફિલ્મના ક્લાઈમેક્સમાં રાઈટર-ડાયરેક્ટર વિલન સૌરભ શુકલાના મુખેથી એક અદભૂત સવાલ રમતો મુકે છે. વિલન તપસ્વીજી કહે છે કે, ‘અગર આપ હમારા ભગવાન હમસે છીનના ચાહતે હો તો યે બતાઓ કે બદલે મેં હમે દે ક્યા રહે હો?’ તે પૂછે છે કે આ દુનિયામાં પારાવાર સમસ્યાઓથી ઘેરાયેલા હજારો-લાખો માણસોને બે અગરબત્તી કરવાથી, તિલક લગાવવાથી કે ક્યાંક માથું ટેકવવાથી જીવવાની આશા મળતી હોય તો એમા ખોટુ શું છે? હજારો હારેલાઓને સાવ જ નાસીપાસ થતા અટકાવતી એ આશા ક્યાંથી આવશે જો ભગવાન જ નહીં હોય તો? કોઈ શાસ્ત્રાર્થ ચાલતો હોય એ રીતે પીકેનો સ્માર્ટ આન્સર આવે છે કે, ‘દો ભગવાન હે. એક જીસને હમ સબકો બનાયા ઓર દુસરા વો જીસકો આપ જેસે લોગોને બનાયા.’
તો પછી શ્રદ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાની તિરાડને ભેદીને કાનજી અને પીકેએ ઉઠાવેલા ધાર્મિકતાના સવાલોમાં કોણ સાચુ? કાનજી, પીકે, પાખંડીઓ, શ્રધ્ધાળુંઓ, પૂજારીઓ, આસ્તિકતા કે નાસ્તિકતા? શું માનવું અને શું ન માનવું? દાખલો સાદો છે. ક્યાંક એક અદભુત પ્રસંગ વાંચવામાં આવેલો. ઈંગ્લેન્ડના રસ્તા પર એક માણસ હવામાં બેફામ લાકડી ફેરવી રહ્યો હતો. જે કોઈકના નાકે અથડાઈ. જેના નાકે અથડાઈ એણે ગુસ્સે થઈ લાકડી ફેરવનારાને ધ્યાન રાખવાની ટકોર કરી. જવાબ મળ્યો કે, ‘આ દેશ આઝાદ છે અને હું પણ આઝાદ છું. માટે મારે જે કરવું હોય તે કરી શકું છું. મને તે કરવાની આઝાદી છે.’ જેને લાકડી વાગી હતી એ માણસે અફલાતુન આન્સર આપ્યો કે ‘મારું નાક જ્યાં શરૂ થાય છે તારી આઝાદી ત્યાં પૂરી થાય છે.’
નાસ્તિકો અને આસ્તિકોએ પોતાની આઝાદી અને સામેવાળાના નાકની મર્યાદા બરાબર સમજી લેવી જોઈએ. જ્યારે જ્યારે આઝાદી સામેવાળાના નાક પર હાવી થવાનો પ્રયાસ કરશે અથવા જ્યારે જ્યારે નાક સામેવાળાની આઝાદીમાં ચંચુપાત કરવા ચાહશે ત્યારે ત્યારે અચૂક સંઘર્ષ સર્જાવાનો. બંન્ને વર્ગોએ પોતાના વિચારો એક-બીજા પર થોપવાના બહુ ઉગ્ર પ્રયાસો ન કરવા જોઈએ. એનાથી સામેવાળાનું નાક છોલાવાનો ભય છે. રેશનાલિસ્ટોએ શ્રધ્ધાળુંઓનો ભગવાન છીનવવાનો પ્રયાસ ત્યાં સુધી ન કરવો જોઈએ જ્યાં સુધી તેમની પાસે બદલામાં આપવા માટે આશાનો બીજો કોઈ અમર સ્ત્રોત ન હોય. હવા, પાણી અને ખોરાક પર તો માત્ર માણસનું શરીર ચાલે છે. બાકી તે જીવે છે તો આશાઓ પર જ. માણસની હોપની હત્યા કરી નાખો, માણસ આપોઆપ મરી જવાનો. અને કોને ખબર કે આ જગતમાં પહેલા ઈશ્વરનું સર્જન એ સંજોગોમાં નહીં થયુ હોય જ્યારે માણસે માણસમાંથી વિશ્વાસ ગુમાવી દીધો હોય. એને માનવીય હદય કરતા પથ્થર વધુ સુંવાળો અને સંવેદનશીલ લાગ્યો હોય. અને તેણે એની મુર્તી ઘડીને વેદનાઓ પથ્થર સામે ઠાલવવાની શરૂ કરી હોય.
ફ્રિ હિટ:
‘પીકે’નો વિરોધ કરવો એટલે આડકતરી રીતે ફિલ્મના તપસ્વીજીનું સમર્થન કરવું. એ લોકોએ જ આસારામો અને નિર્મલ બાબાઓ પેદા કરે છે. કદાચ બાબા રામપાલની ખીર પણ ચાટી ગયા હશે! 😛
પીકેનું પાત્ર આ ભારતીય-શ્રીલંકન બળવાખોર-સુધારાવાદીથી પ્રેરિત છે.
~ તુષાર દવે
( આર્ટીકલ લખાયા તારીખ ૨૮-૧૨-૨૦૧૪ )
વેબસાઈટ (davetushar.com)
Leave a Reply