નર્મદાના એક કિનારે ઝાલરટાણાની આરતી થઈ રહી હતી. મંદિરના મુખ્ય પુજારી આરતીમાં મગ્ન હતા. ત્યાં જ બીજી તરફ એમના શિષ્યો નર્મદાની શરણે આવેલા યજમાનોની ક્રિયાવીધિઓ આટોપવામાં વ્યસ્ત હતા. એમાંનો જ એક શિષ્ય – પથિક, મંદિરની ઝાલર સાથે તાલ મિલાવતા જઈ પોતાની જાંઘ પર થાપટો આપતો જઈમંત્રો ઉચ્ચારી પોતાને ફાળવેલા યુજ્માંનની વિધિ કરવામાં લીન હતો.પણ અચાનક ઝાલર અને એની થાપટ વચ્ચેની કડી તૂટી, અને એમાંને એમાં એણે ભળતાં મંત્રો બોલવા શરુ કરી દીધા. મિનીટ બે મિનીટ ખોટા મંત્રોચ્ચાર ચાલતા રહ્યા પણ પાછળથી એણે અધ્યાય પર ફરીથી પકડ મેળવી લીધી. યજમાનને તો એ ગોટાળાનો અંદાજ પણ ન આવ્યો, પણ બાજુમાં જ બીજા યજમાનની વિધિ કરાવી રહેલ એક વડીલ પંડિતે એની ભૂલ પકડી પાડી. યજમાન સામે ‘હો હા’ કરી એને ખખડાવતા, યજમાનને પોતાને પણ વિધિ ખોટી થઇ હોવાનો રંજ રહી જશે એમ ધારી તેમણે સીધી મુખ્ય પુજારી સાથે વાત કરવાનું નક્કી કર્યું.
લગભગ અડધા કલાક બાદ પથિકે વિધિ પૂરી કરી. ત્યાં સુધીમાં ઘાટ લગભગ ખાલી થઈ ચુક્યો હતો. સૌ યજમાન બક્ષીસ આપીને મંદિરમાં ચાલી રહેલા ભંડારાનો લાભ લેવા પંહોચી ચુક્યા હતા. વિધિની સમાપ્તિ બાદ પથિકના યજમાને હરખમાં આવી જઈ સારી એવી બક્ષીસ આપી. પણ અંતરમનથી તો પથિક એમ જ ઈચ્છતો હતો કે બક્ષીસમાં ખાવાનું-ઓઢવાનું વધારે મળે તો સારું ! કારણકે પૈસા રૂપે આવેલી બક્ષીસ તો મુખ્ય પુજારી – ગુરુજી – ને જ આપી દેવાની હોય, એ સિવાય જે કાંઈ મળે એની પર શિષ્યોનો પોતાનો હક રહેતો.
પથિકના યજમાન પણ પોતાનું કામ પતાવી મંદિર ભણી ચાલી નીકળ્યા. પથિકે વિધિને લગતો પોતાનો સરસામાન અવેરવા માંડ્યો. બીજી દસ મીનીટે એ મંદિરના આંગણામાં આવી પંહોચ્યો. ભૂખના કારણે પેટમાં સખત કળ વળતી હતી. ‘આજે તો દર્શન કર્યા વગર જ જમી લેવું છે…’, એમ વિચારતો એ મંદિરના પાછળના ભંડારઘર તરફ આગળ વધી જ રહ્યો હતો કે ગુરુજીનો અવાજ તેના કાને પડ્યો, “પથિક, પહેલા અહીં આવ તો જરા.”
“મર્યા ઠાર…”, બબડતા એ તેમની પાસે પંહોચ્યો. એમને પગે લાગ્યો અને આજની બધી બક્ષીસ ભેગી કરીને ભોગ ચડાવતો હોય એમ એમના પગ પાસે મૂકી.
“તને ખબર છે કે મેં હમણાં તને આની માટે નથી બોલાવ્યો.”
“જી ગુરુજી.” એણે શાંતિથી કહ્યું. એ વાતની તો પથિકને પણ ખબર હતી કે એના મંદિર પંહોચતા પહેલા જ એની ગફલતની ચુગલી પહેલા આવી પંહોચી હશે !
“પથિક, આ બધું શું ચાલી રહ્યું છે ? આજકાલ ધ્યાન ક્યાં હોય છે તારું ?”, ગુરુજીએ જરાક ઊંચા અવાજે પૂછ્યું. એ સાથે આજુબાજુના થોડા યજમાન, બાજુમાં કતાર લગાવીને બેઠા ભિખારીઓ અને અત્યાર સુધી તીરછી નજરે જોઇને મૂછમાં મલકાઈ રહેલા બે-પાંચ શિષ્યોનું ધ્યાન તેમની તરફ દોરાયું.
“ગુરુજી, એમાં મારી ભૂલ નહોતી.”, પથિકે દ્રઢ અવાજે કહ્યું.
“તો કોની ભૂલ હતી ? મારી ?”
“ના. મારો કહેવાનો અર્થ એ નહોતો.”
“હું પણ એ જ તો કહું છું, તું કોઈ અર્થ જ ક્યાં સમજે છે !”
“મતલબ ?”
“મતલબ એ જ, કે જો તને શાસ્ત્રો અને શ્લોકોના અર્થ સમજાતા હોત તો તું આવી ગફલત થોડી કરત !”
“આજ સુધી તમે શીખવેલા બધા જ શ્લોકો અર્થ સાથે સમજ્યો છું… આપ મુજ પર આવો આરોપ ન લગાવી શકો.”
“અચ્છા ! તો હવે ખુદને નિર્દોષ કહી મને આરોપી ઠરાવવા માંગે છે? મુર્ખ !”
ગુરુનો ગુસ્સો સાતમાં આસમાને પંહોચી ચુક્યો હતો એ જાણી પથિકે હવે ‘ન બોલવામાં નવ ગુણ’ માની લઈ મૌન રહેવાનું પસંદ કર્યું. પણ એને મૌન જોઈ ગુરુજી તેની પર વધુ ગિન્નાયા, “મુર્ખ, એટલું જ બધું આવડે છે તો ભૂલ શેની થાય છે ?હજી તો મહાશય તમારે ‘પંડિત’ બનવું છે ! માત્ર જનોઈ પહેરી બે-પાંચ શ્લોક બોલવાથી પંડિત નથી થઈ જવાતું, એ પણ મહેનત માંગી લે તેવું કામ છે. અને રહી વાત આજની ભૂલની… તો હજી પંદર દિવસ પહેલા જ તને રામજી પંડિત પાસે મોકલ્યો હતો, કે કદાચ મારી શિક્ષણ પદ્ધતિમાં કંઈક કચાસ રહી જતી હોય તો તું તેમની પાસેથી જે-તે અધ્યાય શીખી આવે… પણ સાહેબ તો ઠેરના ઠેર !”
“ગુરુજી, જે અધ્યાય તમે મને ત્યાં શીખવા મોકલ્યો હતો એ તો મને અહીં પણ આવડતો જ હતો.”, પથિકે મૌન તોડતાં કહ્યું. અને એ સાંભળી એના ગુરુ વધારે ક્રોધે ચઢ્યા, “હજી તો પોતાની ભૂલ માનવી જ નથી… અને ઉપરથી બહાના બનાવી પોતાનો બચાવ કરવો છે !”
“પણ હું ક્યાં કંઈ ખોટું…”
“ચુપ ! એકદમ ચુપ ! આજે તો તને શિક્ષા કર્યે જ છુટકો ! એક ટંક ખાવાનું પેટમાં નહીં જાયને ત્યારે જ ભૂલ ક્બુલવાની હામ આવશે. અને બીજી વાત, આજે તારે પોતાના શયનખંડમાં પણ નથી સુવાનું. અહીં બહાર જ સુઈ જવાનું છે, આ ભીખારીઓની પંગત વચ્ચે !”
“પણ મારી કોઈ ભૂલ…”, પથિક પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ ગુરુજી સડસડાટ મંદિરમાં પ્રવેશી ગયા. પોતાને ત્યાં ઊભા રહેવામાં જોખમ લાગતા અમુક યજમાનો સરકી ગયા. પાસે ઊભેલા બે-પાંચ શિષ્યો પણ અન્યોને એ ‘તાજા સમાચાર’ પંહોચાડવાની ‘નારદગીરી’માં લાગી ગયા. અને બાકી રહ્યા પેલા ભિખારીઓ. એમને તો આ બધાથી જાણે ફેર સુદ્ધાં ન પડતો હોય એમ પોતાનું ભોજન પૂરું કરવામાં લાગી રહ્યા.
પંગતના કિનારા સુધી જઈ પથિક મંદિરની દીવાલને ટેકો દઈ બેસી પડ્યો. પણ ‘મંદિર પર પીઠ ન ટેકવાય’ એમ ધ્યાનમાં આવતા પાછો કડક થઈને બેઠો. પણ દિવસભર અકડાઇને બેઠા બાદ અને હમણાં ખાલી પેટના કારણે એની પીઠ પાછી ઢીલી પડી ગઈ. એ જોઈ બાજુમાંથી અવાજ આવ્યો, “ટીકા દે ઉસે દીવાલ પર… પથ્થર કો યા ફિર ઉસે, કિસી કો કોઈ ફર્ક નહીં પડતા !”, મંદિર તરફ ઈશારો કરતાં એક ભિખારીએ કહ્યું. અને પછી પોતાના સડી ગયેલા દાંત દેખાઈ આવે એમ હસ્યો. ભૂખની કારણે પથિક પોતાનું ધ્યાન ક્યાંક બીજે પરોવવાની પેરવીમાં પડ્યો. એણે મનોમન એ અધ્યાય ગણગણવા માંડ્યો જેની કારણે તેને આ સજા થઈ રહી હતી. થોડીવારે એણે જાતે જ એની ભૂલ પકડી પાડી. અને સ્વગત બબડ્યો, “બસ, આટલી જ ભૂલ ! અને આટલી નાની અમથી ભૂલની આટલી મોટી સજા ! પણ આ સિવાયનો તો આખો અધ્યાય મોઢે જ છે ને ! અને એટલું જ નહીં, આ અધ્યાય તો હું પંડિત રામજી મહારાજના શિષ્યો કરતાંય સારો બોલી શકું છું…!”
“ત્યાં જ તો તારી ભૂલ થાય છે પંડિત !”, દીવાલ પર માથું ટેકવીને પથિકની વાત સાંભળી રહેલા ભિખારીએડોક તેની તરફ ફેરવતા કહ્યું. પથિકે તેની તરફ જોયું અને ફરી મોં ફેરવી લીધું. પણ એને જાણે કોઈ ફરક જ ન પડતો હોય એમ તેણે આગળ બોલવું ચાલુ રાખ્યું, “દેખ, વહાં બડે પંડિત કે વહાં ક્યા હુઆ યે મુજે નહીં પતા. પર જહાં તક મેરા માનના હૈ. ઉસમેં ગલતી તેરી હી હોગી !”
“પહેલી વાત તો એ કે હું હજી ‘પંડિત’ નથી… એને હજી ઘણો સમય છે ! અને બીજી વાત, જે તમે જાણતા જ નથી તેમાં માથું મારવાની કોઈ જરૂર નથી. તમે અને હું ‘અલગ’ છીએ !” છેલ્લું વાક્ય પથિક કંઈક રોષમાં બોલ્યો.
“હા, અલગ તો છીએ. તું ઠહરા પંડિત, ઔર મેં ભીખમંગા ! પર દેખ ફિર ભી અભી સાથ મેં બૈઠે હૈ ! પણ ના, આપણે તો ‘અલગ’ છીએ… પતા હૈ કૈસે ? યે દેખ…”, કહેતાં તેણે પોતાના લઘરવઘર લેંઘાનું ખિસ્સું ઉથલાવ્યું અને એ સાથે પરચુરણના સિક્કા આજુબાજુની નીરવતાને વીંધી અવાજ કરતાં, ખનકતા નીચે પડ્યા. સાથે થોડીક ચલણીનોટો પણ બહાર ડોકાઈ. “…દેખા યે…! આજ મેરે પાસ યે સબ હૈ. તેરે પાસ હૈ કુછ ? અભી તું પંડિત હોકરભી ભિખારી હૈ ! સમજા, ઇસીલિયે હમ અલગ હૈ !”
એ જોઈ-સાંભળી પથિકને પોતાની જ દયા આવી ગઈ. એ થોડો ઉદાસ થતો મોં લટકાવી બેસી રહ્યો. મનમાં એક ખૂણે એ ભિખારીને ઉતારી પાડ્યાનો રંજ પણ ઘૂંટાતો રહ્યો હતો.
“અબ ઇસમેં રોતા કયું હૈ ? મેં તુજે નીચા નહીં દિખા રહા થા, મેં તો તુજે કુછ ઔર બતાના ચાહ રહા થા…!”
“મેં રો નહીં રહા.”
“ઠીક હૈ, પંડિત.”
થોડીવાર બંને વચ્ચે મૌન છવાઈ રહ્યું. પણ આખરે પથિકને ભિખારીની વાતમાં રસ પડતો જઈ રહ્યો હતો. એણે મૌન તોડતા એને સામેથી પૂછ્યું, “તો તમે શું સમજાવવા માંગતા હતા ? અને તમને મારી ભૂલ શાથી લાગે છે ?”
“હા, તો અબ સુન ! જો મેં તને મારા આ છુપાવેલા રૂપિયા બતાવ્યા બરાબર ? આવા છુપાયેલા રૂપિયા અહીં બેઠા બધા જ ભીખારીઓ પાસે છે. અને પેલી સામે દેખાય છે ને… એની છાતીનો ઊભાર દેખાય છે ? એ બધો જ રૂપિયો છે, બાકી તો…”, કહેતા એ લુચ્ચું હસ્યો.
“પણ એ બધાનું શું છે ?”
“હા તો એમ, કે હવે આ જોઈ લીધા પછી તું મને ભીખ આપતા પહેલા વિચાર કરીશ. તને એમ પણ થશે કે આની પાસે તો પહેલાથી જ ઘણું છે, તો મારે આને શું કામ કશું આપવું જોઈએ ? પણ અમારા ભીખારીઓમાં એક વણલખ્યો નિયમ છે, ‘હાથ અને થાળી હંમેશા ખાલી જ રાખવા, પછી ભલેને ખિસ્સાં અને પેટ ગમે તેટલા ભરેલા કેમ ન હોય’ !”
“પણ એમાં મારી ભૂલને શું લેવાદેવા ?”
“વહી તો સમજા રહા હું પંડિત ! યાર તુજે ભી મેરે બેટે કી તરહ હર બાત સમજાની પડ રહી હૈ. અચ્છા તો સુન, ઉસ બડે પંડિત કે વહાં ક્યા હુઆ વો મુજે ક્યા પતા ! પર તેરી બાતોં સે મુજે લગા કી તું વહાં ‘ખાલી મન’ સે નહીં ગયા થા ! એક બાત યાદ રખ, અગર કિસી સે કુછ ચહિયે તો પહેલે તુજે ખાલી રહેના પડેગા. અગર તુજે લગતા હૈ, કી યે તો તુજે પહેલે સે હી આતા હૈ, ફિર ભી ઉસે ધ્યાન સે પઢ, સુન… કુછ ન કુછ તો નયા મિલેગા હી ! સામને વાલે સે કુછ પાને કે લિયે ખાલી દિખના જરૂરી હૈ !
અબ હમેં હી દેખ લો ! ચાહે કિસી એક સે સો રૂપયે ક્યોં ન મિલ જાયે, હમ ઉસે છુપા લેંગે. ઔર ફિર આગે બઢ કર દુસરે કે પાસ હાથ ફૈલાયેંગે… ખાલી હાથ ! ઔર વો ખાલી હાથ હી ઉસે ભીખ દેને કો વિવશ કરતા હૈ. સમજા કુછ…?”
એની વાત સાંભળી પથિક ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ચુક્યો હતો. ત્યાં જ એક શિષ્યએ આવીને તેની સામે ભોજનની થાળી મૂકી અને કહ્યું, “ગુરુજીએ કહેવડાવ્યું છે કે અહીં જ જમી લો, અને પછી પોતાના શયનખંડમાં જઈને આરામ કરો.”
પેલો શિષ્ય થાળી મુકીને ચાલ્યો પણ ગયો ત્યાં સુધી પથિક વિચારોમાં ડૂબેલો રહ્યો, અને પછી અચાનક ભાનમાં આવતો હોય એમ ઉત્સાહમાં આવીને બોલ્યો, “સમજાયું… બધું જ સમજાયું…!”
“એ તો સમજાવાનું જ હતું, તું મારી પાસે ‘ખાલી’ થઈને જો આવ્યો હતો ! અને તારા ગુરુ જેટલા કઠોર દેખાય છે એટલા છે નહીં.” કહેતાં તેણે પોતાનો ઝોલો ઉપાડતાં કહ્યું, “ચાલ હવે, તારી સજા ઓછી કરવામાં હું પણ થોડી મદદ કરું. આ ગંધાતું શરીર લઈને ઘરે જાઉં, તુંતારે આરામથી જમી લે !”
“પણ એક સવાલ પૂછું…?”
“હા, પૂછ.”
“આટલું બધું જાણો છો તો પછી ભીખ શા માટે માંગી રહ્યા છો ?”
“હું શું અને કેટલું જાણું છું એની માત્ર મને ખબર છે. તારા શાસ્ત્રો અને શ્લોકો તો મારી સમજથી પરે છે. અહીં – મંદિરે- આવું છું એ પણ પોતાના પેટના સ્વાર્થ ખાતર ! બાકી આ મંદિરનો ઓટલો પણ તમે ક્યાં ચડવા દદયો છો ! અને રહી વાત ભીખ માંગવાની, તો હવે બીજું કંઈ કરવાની હિંમત નથી રહી. જે દિવસે પહેલી વખત ભીખ માંગી હતી એ જ દિવસે મારામાં હું મરી પરવાર્યો હતો. હવે તો આ જીવતી લાશનો ભાર લઈને ફરું છું. અને સાચું કહું, હવે આદત નહીં… લત લાગી ચુકી છે આની !”, કહી તેણે ચાલવા માંડ્યું. થોડુંક આગળ ચાલી એ ફરી રોકાયો અને પથિકને જોતાં બોલ્યો, “યાદ રખના, કુછ પાના હૈ તો ખાલી હો જાના પડેગા. ઔર હાં, એક બાત ઔર, અગર સફર મેં કોઈ તુજસા ‘ખાલી’ મિલ જાયે તો અપના ભરા હુઆ સામાન ઉસસે છુપાના મત… ઉસે ભી થોડા ભર સકે વૈસી કોશિશ જરૂર કરના. બાંટને સે ધન ભલે હી કમ હોતા હોગા, જ્ઞાન તો બઢતા હી હૈ…!”, કહેતા પથિક પોતામાં ‘ઘર’ કહી શકાય એવા ફૂટપાથના કોઈ એકાદ ખૂણા તરફ ખેંચાતો ચાલતો ગયો. પણ પથિક તો એ પોતે પણ હતો, જીવનના મુક્તીમાંર્ગે ચાલી નીકળેલો પથિક, જેને શાસ્ત્રોના થોથાઓએ નહીં, જિંદગીની ઠોકરોએ જ્ઞાની બનાવ્યો હતો !
– Mitra ❤
Leave a Reply