એક નોર્મલ લાઈફ હોય છે. માણસનો જન્મ થાય, ઉછરે, મોટો થાય નોકરી કરે છોકરી મેળવે વૃદ્ધ થાય, શરીરના ચીથળા ઉડી જાય અને પછી ફટાકીયો થઈ જાય. એટલે કે મૃત્યુ પામે. આ લાઈફ જીવનારાઓની દુનિયામાં કમી નથી. પણ પરેશ તેનાથી અલગ છે. પરેશને એક્ટિંગનો શોખ હતો. IIMCમાં તેને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે જવું હતું. આ એક સપનું છે !! તમે મુગ્ધા અવસ્થામાંથી યુવા અવસ્થા સુધી પહોંચો એટલે કેટ કેટલાય સપનાઓ તમારા મગજ પર કંટ્રોલ કરતા હોય છે. અભિનેતા બનવાથી લઈને રેડિયો જોકી સુધીના. પરેશમાં આ તમામ ગુણો હતા. તેમનો ડીપ વોઈસ સાંભળો તો એ વાતનો ખ્યાલ આવે કે, રેડિયો જોકીનું સપનું તેણે બરાબર જોયેલું.
IIMCમાં એડમિશન લેવાનો પરેશને વિચાર તો આવી ગયો, પણ જેમ દરેક સ્ટોરીમાં થાય છે તે મુજબ તેમના મિત્ર અક્ષય શ્રોફને તેમાં એડમિશન મળી ગયું અને આપણા પરેશ પાહુજા રહી ગયા. એક કામ સફળ ન થાય એટલે તમે ફાંફા મારવા માંડો, હવે આ કરી નાખીએ, હવે આ કરવું જોઈએ. પરેશ પણ નોર્મલ માણસ હતો. IIMC બાદ તેણે એક સાથે ઘણું કામ કર્યું. અભિનય આવડતો હતો એટલે એડ એજન્સીમાં કામ કર્યું, પ્રોડક્શન હાઉસમાં કામ કર્યું અને અવાજ પહાડી હતો એટલે વોઈસ ઓવરમાં પણ કામ કર્યું.
ત્યાં અમદાવાદમાં એક એડ મળી ગઈ. આ એડમાં એકસાથે 40 લોકો હતા. વિચારો તમને આ એડ મળે અને રોજ દિવસમાં પચ્ચીસવાર આ એડ ટીવી પર બતાવવામાં આવે, તો પણ તમને કોઈ માર્ક ન કરે. આ એડમાં પરેશના હાથમાં ગિટાર હતી. અને કોઈ ફેમિલી ફોટોગ્રાફ હોય તેમ પરેશ તેમાં ચીપકી ગયો હતો. આ મલ્ટીસ્ટારર એડનું શૂટિંગ અમદાવાદમાં જ થયેલું. જેને ખુદ પરેશ બ્યુટીફુલ જર્ની સાથે વગોળે છે ! પરેશ પોતાનો હ્યુમર ઉમેરી આ સ્ટ્રગલને કંઈક નોખા અંદાજમાં જણાવે છે. તેના મત મુજબ, ‘મારી મુસાફરી અમદાવાદથી બોમ્બે પહોંચી ત્યારે ટ્રેન અને સ્લીપર ક્લાસમાં હતો અને પછી બોમ્બેથી અમદાવાદ આવ્યો ત્યારે ફ્લાઈટ બિઝનેસ ક્લાસમાં હતો.’
પણ ફિલ્મમાં કામ કરવું પરેશ માટે સરળ તો ન હતું, તો મુશ્કેલ પણ ક્યાં હતું ? ટીવીમાં સ્પોર્ટસથી લઈને ફિલ્મોની વચ્ચે બ્રેક આવે ત્યારે પરેશ એડમાં દેખાતો. તમને હમણાં નહીં ખબર પડે હું એક ઝલક આપું. એશિયન પેઈન્ટસ સ્માર્ટસની એડમાં ચમક્યો, ઓમાન ટુરિઝમમાં બાઈક ચલાવતો, અવિવા હાર્ટ કેરમાં ક્લિન શેવ સાથે નજર આવતો, જે ભારત આખુ પંજાબી ભોજન સાથે લે છે તે સેવન અપની એડમાં નિશાનો તાકતો. આનાથી પણ વધારે જાહેરખબરોમાં તેણે કામ કર્યું છે.
એકવાર કાસ્ટિંગ ડિરેક્ટર શાનું શર્માનું ધ્યાન આ છોકરા પર પડી ગયું. પરેશનો ચહેરો જુઓ તો તે ભારતીય કમ અને આરબ કન્ટ્રીના હેન્ડસમ યુવક જેવો વધારે લાગે. શાનુ શર્માએ પરેશને કહ્યું કે, ‘અમે તને એડમાં જોયો છે અને તને ફિલ્મમાં લેવા માગીએ છીએ.’ પરેશ માટે કંઈ નવું ન હોય તેમ તે ઓકે બોલ્યો. ફસ્ટ રાઉન્ડ માટે તેમણે પરેશને બોલાવ્યો. હાથમાં સ્ક્રિપ્ટ આપી. ઓડિશન આપ્યું. પરેશ બહાર નીકળ્યો અને એ વાતને ધીમે ધીમે એક મહિનો વીતી ગયો. મુંબઈમાં ઓડિશન આપવું જરૂરી છે, પણ ક્યારે બોલાવે તે જરૂરી નથી.
એક મહિના પછી પરેશને ફોન આવ્યો કે, ‘તુ સિલેક્ટ થઈ ગયો છો.’ વાત ખતમ, પણ પરેશને હજુ સુધી તેમણે કહ્યું નથી કે કઈ ફિલ્મ માટે તેને સિલેક્ટ કરવામાં આવ્યો છે. પરેશને થયું હશે કંઈક, કોઈ ફિલ્મનો પાર્ટ હોઈશ, કોઈ ફિલ્મમાં રોલ ભજવવાનો હશે. નાનો અમથો હશે. પણ હજુ સિલેક્શન માટેનો બીજો રાઉન્ડ બાકી હતો. આ માટે અગાઉથી પરેશ સિવાયના 15 લોકોને સિલેક્ટ કરી લેવામાં આવ્યા હતા. આ વાતને પણ બે મહિના વીતી ગયા. પરેશ ભૂલી ગયો હશે, પણ બે મહિના પછી શાનુ શર્માનો ફોન આવ્યો, ‘તને ફિલ્મમાં રોલ મળી ગયો છે.’
પરેશ થોડો શોક થઈ ગયો અને પૂછ્યું, ‘કઈ ફિલ્મ ?’
શાનુ શર્માનો જવાબ હતો, ‘ટાઈગર ઝિંદા હૈ !!’
પછી કાસ્ટિંગ ડિરેક્ટર જેમ સમજાવે તેમ શાનુ શર્માએ પરેશને સમજાવ્યો, ‘તારો રોલ અજાનનો છે, અજાન અકબર…. તુ સ્નાઈપર છો…’ એટલે એક ઝાટકે બધુ પરેશના ત્રાજવામાં હતું. સંઘર્ષના પાંચ વર્ષ પછી પરેશને આ બધુ મળી રહ્યું હતું, પરેશનું માનવું છે કે, ‘સફળતા આટલી જલ્દીથી મળી જાય તો તમે વિચારમાં પડી જાઓ કે યાર મને સલમાન ખાનની ફિલ્મ મળી ગઈ છે ?!’ બે ઓડિશનમાં પરેશ સલમાન ખાનની ફિલ્મ માટે સિલેક્ટ થઈ ગયો એટલે તેને લાગ્યું કે, ‘હશે, ફિલ્મમાં બે પાંચ સીન.’
ફોનમા જ શાનુ શર્માને પૂછી લીધુ, ‘શાનું હુ સ્ક્રિપ્ટ વાંચી શકુ ?’
સામેથી શાનુનો જવાબ હતો, ‘અફકોર્સ આ તારી પહેલી ફિલ્મ છે.’ પરેશ પહોંચ્યો યશરાજના સ્ટુડિયો પર. અને ફિલ્મ હાથમાં આવી ગઈ.
સલમાન ખાન સાથે આ તેની પહેલી ફિલ્મ હતી. આજે પણ સલમાનનું કોઈ સ્ટાર ઈન્ટરવ્યૂ લે તો તેને ડર લાગતો હોય છે, ત્યારે સલમાન સાથે કામ કરવું એ અલગ જ વાત હતી. પરેશ જ્યારે સેટ પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે, ‘સલમાનને તમે જેવા ધારો છો, તેવા તે બિલ્કુલ નથી. તે સૌમ્ય મિજાજના અને સરળ માણસ છે. જે દબંગાઈ એ ફિલ્મોમાં કરે છે, તેવા બિલ્કુલ નથી. તે તમને બાળકની જેમ ટ્રીટ કરશે. તમારૂ ધ્યાન પણ રાખશે… સલમાન ઈઝ ઓલ્વેઝ સલમાન.’
સુલ્તાન રિલીઝ થઈ હતી ત્યારે થીએટરમાં બેસી પરેશ સલમાનની ફિલ્મ જોઈ રહ્યો હતો. લોકો બુમો પાડી રહ્યા હતા. સીટીઓ વગાડી રહ્યા હતા. આવુ જ્યારે એવો માણસ જુએ જેને સ્ટાર બનવાની ઈચ્છા હોય એટલે પ્રથમ વિચાર તેના મનમાં એ આવે કે, ‘આવુ મારી સાથે થાય તો કેવી મઝા આવે.’ પણ સેટ પર પરેશને પરેશ સાથે જ વધુ ફાવ્યું. ફિલ્મમાં પરેશ રાવલ હતા, જેની સાથે તે ગુજરાતીમાં વાત કરતો. એટલે કે સાત સમંદર પાર પણ ગુજરાતીને ગુજરાતી મળી જ જાય તે કહેવત અહીં સાર્થક થતી હતી.
સેટ પર પરેશના માથે પ્રેશર હતું. ફિલ્મમાં તે ઓન્લી ન્યૂકમર હતો. બાકીના કલાકારો જે એક બે ફિલ્મો કરી ચૂક્યા હતા અને વધ્યા તે તો દાયકાઓથી બોલિવુડમાં પોતાનું અડિખમ શાશન ચલાવી રહ્યા હતા. હસીને પરેશ કહે છે કે, ‘કુમુદ મિશ્રા સાથે તો મેં એટલી ચા પીધી છે કે, હવે બ્લડ સેમ્પલમાં પણ ચા જ બહાર નીકળશે.’ ફિલ્મમાં કેટરિના કૈફ હિરોઈન છે અને પરેશના મતે સેટ પરના તમામ લોકો થાકી જતા હતા, માત્ર કેટરિના કૈફ ન હતી થાકતી.
હવે સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એક્શન તો હોવાનો જ. કારણ કે ભાઈ કી ફિલ્મ હૈ… અને ટાઈગર ઝિંદા હૈ ફિલ્મમાં પરેશની પણ આવી બની. ટ્રેનિંગ સેશન આકરૂ હતું. સ્પેશિયલ ટ્રેનિંગ હતી. હેવી રાઈફલો ઉઠાવવાની અને પાછા ક્રિસ્ટફર નોલાનની ફિલ્મોના એક્શન ડિરેક્ટર ટોમ ટ્રથલ્સ ત્યાં મોજુદ હતા. આ સિવાય માર્શલ આર્ટસની ટ્રેનિગ થઈ હતી તે નોખી. રોલ માટે પરેશે આર્મીના લોકો સાથે મુલાકાત કરી અને એક સ્નાઈપરના રોલને શીખ્યો. પરેશના મતે, ‘અભિનય કરવો, રોલ માટે ફિઝીક મેળવવું એ સહેલું છે, પણ એ જ રોલમાં તમારે દેશ પ્રેમ લાવવો હોય તો એવા લોકો સાથે મુલાકાત કરવી પડે જે દેશ માટે કામ કરી રહ્યા છે.’
તો હવે થોડા બેકગ્રાઊન્ડમાં જઈએ… અમદાવાદમાં જન્મ થયો. ખાધા ખાખરા, ક્યુંકી સાંસ ભી કભી બહુથી જોઈ. એસ.એમ પટેલ કોલેજમાં ભણ્યો. આ કોલેજમાં જ તેણે કેટલીય સ્પર્ધાઓ અને નાટકોમાં કામ કરેલું જેણે તેનામાં અભિનયના બીજનું વાવેતર કર્યું. અભિનેતા ન હતો બન્યો ત્યારે ફુટપાથ પર ચા પીવી, ગિટાર વગાડવી, ગાઠિયા ખાવા આવુ આપણા જેવું જ કામ કરતો હતો.
યુથ ફેસ્ટિવલમાં માઈમના ઓડિશનો ચાલતા હતા. માઈમના ઓડિશનમાં પાસ થયો. જ્યારે પહેલીવાર રિહર્સલ કર્યું અને સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું ત્યારે ખબર પડી કે, ‘હા બોસ, એક્ટિંગનો તો કિડો છે !!’
યંગસ્ટર્સ માટે પરેશનું માનવું છે કે, ‘અત્યારે કાસ્ટિંગ ડિરેક્ટરથી લઈને ડિરેક્ટર સુધીના લોકોના ઈમેલ આઈડી, ફેસબુક એકાઊન્ટ, ઈન્સ્ટાગ્રામ એકાઊન્ટ તમારી હથેળી પર છે, તો તેનો ઉપયોગ કરવો જોઈએ. પણ શરત એક… તમારે તમારી જાત સાથે કામ કરવું પડે. તમારા પર કામ કરતા રહો અને આગળ વધતા રહો. ગુજરાતની કોઈ પણ જગ્યાએ હોવ નાની વસ્તુથી શરૂઆત કરો, તમારી આસપાસના થીએટરથી શરૂ કરો.’
સ્ટાર ન હતો બન્યો ત્યાં સુધી પરેશે 300થી વધારે ઓડિશન આપ્યા હતા. મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવવું એટલે એક ફિક્સ સેલરી આવતી હતી, ઘરે પણ પૈસા મોકલવા પડતા હતા. મુંબઈમાં પરેશ અઠવાડિયાના પાંચ દિવસ કામ કરે અને શનિવારે રવિવારે ઓડિશન આપે, પણ પછી પરેશને ખુદને ખ્યાલ આવી ગયો કે, આમ તો નહીં ચાલે, કોઈ એક વસ્તુ પર ધ્યાન આપવું પડશે. ઓડિશનમાં પરેશનું કામ દરિયા જેવું હતું. 15 દિવસ ભરતી 15 દિવસ ઓટ આવ્યા રાખતી હતી. એટલે તેણે ઓડિશન પર ફોક્સ કરીને ભરતીમાં ફેરવી દીધુ.
ઓડિશનમાં લોકો કહેતા હોય છે, લુક્સ નથી, બોડી નથી, ડાન્સ નથી… પણ ધીમે ધીમે બધુ થઈ જાય છે. ટાઈગર ઝિંદા હૈ જોયું ત્યાં સુધી તે અક્ષય શ્રોફના સ્ટાર્સે લીધેલા ઈન્ટરવ્યૂ જોતો હતો. યાદ આવ્યું, પેલા IIMCવાળા ભાઈ. પરેશને લોકોની જર્ની જોવી ખૂબ ગમે છે. કેવી રીતે નોર્મલમાંથી સર્વાઈવલ અને પછી સ્ટાર બન્યા તે જાણવાનો તેને ખૂબ શોખ છે. પરેશનું કહેવું છે કે, ‘લોજીક નહીં લગાવવાનું, મહેનત કરવાની અને સપનાઓ જોવાના.’ બાકી તે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી આવતો, છતા તેની પાસે યશરાજની ફિલ્મ આવી ગઈને !
પરેશને ક્રિકેટર બનવું હતું, પણ ઘરથી કોચિંગ ક્લાસિસ દૂર હતા, મ્યુઝિકમાં કરિયર બનાવવું હતું, યુ.એસ ભણવા માટે જવું હતું, અક્ષય સાથે IIMCમાં ભણવું હતું, પરેશ ઉમેરે છે કે, ‘તમને એવું લાગવા માંડે કે મ્યુઝિકથી હું લોકો સાથે કમ્યુનિકેટ નહીં કરી શકુ, તો એક્ટિંગ છે. ખાલી કનેક્ટ ધ ડોટ્સ. ચેનલ જોઈન્ટ થવી જોઈએ ! ક્રિકેટર કે યુએસ જતો રહ્યો હોત તો મને ફિલ્મ ન મળી હોત.’
હેન્ડસમ, ગ્રીકગોડ જેવો લુક આ સિવાય પરેશની કોઈ ઓળખ હોય તો તે છે, તેનો અવાજ… (પ્રથમ કોમેન્ટ) બાકી ટાઈટલ સાથે એન્ડ ‘પતંગ ચગાવો અને તમે પણ ચગો.’
(અક્ષય શ્રોફના TV9ના સેલિબ્રિટી ટોકના ઈન્ટરવ્યૂમાંથી સભાર….)
~ મયુર ખાવડુ
Leave a Reply