ડીમ્પલ, અને વિશુ બંને મહારાણીઓની જેમ આગળ આગળ, અને હાથમાં રાખડીઓનો ઢગલો લઇ, ઢબુડી (દાસીની જેમ !) તેમની પાછળ પાછળ…! જોડે સેનાપતિ તરીકે આનંદ અને સુધીર કાકા…!
નીખીલ બિચારો હજી પણ પોતાની શહીદી પર આંસુડા વહાવી રહ્યો હતો, અને વારેવારે પોતાના કાંડા પર (જબરદસ્તી) બાંધવામાં આવેલ રાખડીઓ જોઈ રહ્યો હતો…! (કોઈક તો દુઃખ સમજો આનું !)
અહીં મિત્રા, જેકી અને દર્શન, ત્રિપુટી જીમમાં ઘુસેલ હતા અને પાર્થ બિચારો એકલો ક્લબમાં ઘુસી ગયેલ હતો.
ક્લબમાં વાગતા કાન ફાડી નાખે એવા ગીતો, અને ડાન્સ ફ્લોર પર નાચી રહેલ સુકન્યાઓને જોઈ એ વધારે મુંજાઈ જતો હતો…! શું કરવું અને ક્યાં જવું, એ એને સમજાતું ન હતું…! અને ત્યાં જ કાકા બધાને શોધતા શોધતા ક્લબમાં ઘુસી આવ્યા…! (એ વાત અલગ છે કે, શોધવાનું બાજુ પર મૂકી પોતેજ ડાન્સ ફ્લોર પર જઈ નાચવા મંડ્યા હતા…! યે જવાની હૈ દીવાની, યુ નો !)
ક્લબની ભીડનો લાભ લઇ, પાર્થ છુપાઈ રહેવાના પ્રયાસો કરી રહ્યો હતો. પણ, ભીડના ધક્કા એને ડાન્સ ફ્લોર તરફ ધકેલી રહ્યા હતા. અને એ અનાયસે જ એ ડાન્સ ફ્લોરની વચ્ચે જઈ પંહોચ્યો…!
એની નજર થોડેક દુર, કમર મટકાવી ડાન્સ કરી રહેલ કાકા પર પડી… (ડિસ્કો દીવાને…!) અને ત્યાંથી ભાગી નીકળવા એ બહાર તરફ દોડ્યો…! કાકાએ એને ભાગતા જોયો, અને (કમને) એમનું નાચવાનું બાજુએ મૂકી, તેની પાછળ થયા…!
પાર્થ બહાર આવી, હાંફતો ઉભો રહ્યો…! કાકા એની પાછળ આવી ઉભા રહ્યા…!
‘અલીજનાબ… અબ રુક ભી જાઈએ જનાબ…!’ હાંફતા હાંફતા કાકા બોલ્યા.
‘અરે ચચ્ચા, કયું ઇસ ગરીબ કે પીછે પડે હુએ હો…! એક તો વૈસેભી કોઈ મિલ નહિ રહી. ઓંર આપ હેં કી ભાઈ બનવાને પર તુલે હે ! મુજે બક્ષ દીજીએ, રહમ કરે જરા !’ પાર્થે આજીજી કરી.
‘હાર તો તારે, માનવી જ પડશે…!’ કહી કાકાએ એને ભાથ ભરી પકડી લીધો.
પાર્થે છુટી જોવાનો પ્રયાસ કરી જોયો…! પણ આ ભારે શરીર પર કાકાનું હાડપીંજર શરીર ભારે પડી રહ્યું હતું…! અને પાર્થને પણ લાગ્યું કે હવે એનાથી બચી રેહવું શક્ય નથી…! (કારણ…! એ વધારે ભાગી પણ નહોતો શકતો… શરીર જો વજનદાર હતું…!)
અને આખરે એને પણ હાર માનવી પડી, અને બંને કવિયત્રીઓએ એને રાખડી બાંધી…! પહેલી વખત પાર્થને એના ભારે શરીર માટે અફસોસ થઇ રહ્યો હતો…!
પણ અલીજનાબે એમની ટીમમાં સામેલ થઇ એના મિત્રો સાથે ગદ્દારી કરવાની ના પાડી દીધી…! (આનંદે આની પાસે કંઇક શીખવું જોઈએ…!) અને ચાલ્યા રેસ્ટોરાંમાં પોતાની બાકી રહી ગયેલી સેન્ડવીચ અને કોફી પૂરી કરવા…! (હા, ખાવાનું તો ના જ મુકાય ને…!)
દર્શન, મિત્રા, અને જેકી… આ ત્રણ નબીરાઓ ભૂલભૂલમાં જીમમાં ઘુસી આવ્યા હતા…! પણ ત્યાં કસરત કરી રહેલા કોઈ, એકબીજા પર ધ્યાન નહોતું આપતું…! એટલે આમની પર પણ કોઈનું ખાસ ધ્યાન ન ગયું…! અને ભૂલેચુકે કોઈ આમને શંકાની નજરોએ જોતું. તો નમૂનાઓ નીચે સુઈ જઈ, પુશઅપ્સ કરવા મંડી પડતા…! (એ વાત અલગ છે કે, બધા પઠઠાઓ સામે આ ત્રણેય મકોડી પહેલવાન લાગતા હતા…!)
‘અલ્યાઓ કંઇક કરો, નહિતર આપણે પણ ભાઈ બનવું જ પડશે…!’ મિત્રા બોલ્યો.
‘હા, યાર કંઇક કરો. મારે પણ કોઈના ભાઈ નથી બનવું યાર…!’ દર્શન બોલ્યો.
‘તું તો ચુપ જ રહેજે નમુના…!’ જેકીનો ગુસ્સો ફાટ્યો.
‘લે કેમ…? મેં શું કર્યું…!’
‘શું કર્યું એમ પૂછે છે…? મારી ઢબુડીને મારાથી દુર તું જ તો કરે છે…!’
‘ઓય, આ શું બોલે છે…? ક્યાંના તાર ક્યાં જોડે છે તું…! મારે ઢબુડી હારે કાંઈ લેવા-દેવા નથી હો. વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડસ ઓન્લી…!’
‘સાચું કહે છે…?’ જેકીએ ખુશ થતા પૂછ્યું.
‘આની પ્રમાણિકતા પર શક…? આ સાચું જ કેહતો હશે…!’ મિત્રા એ ટાપસી પુરાવી., ‘આ માણસ વોટ્સઅપ ચેટમાં વપરાતા ઈમોજીસ ના કલર પણ પોતાની સ્કીનટોન મુજબ રાખે છે. અને આની પ્રમાણિકતા પર શંકા…! શિવ, શિવ, શિવ, શિવ…!’
‘અબે ઓ નોટંકી… હમણાં શું કરવું છે એ વિચાર…!’ દર્શને કહ્યું.
‘હા, હોં ડાહી…!’ અને આ ત્રણેય ગંભીર મનોમંથનમાં પડ્યા.
અહીં દશલાનો ક્યાંય અતો-પતો ન હતો…! એ મહાશય તો રેસ્ટોરાંમાં જ એક ટેબલ નીચે ભરાઈને બેઠાં હતા…! ટેબલ પર પાથરેલ પડદો નીચે સુધી અડતો હતો, એટલે પકડાવવાના ચાન્સ બિલકુલ નહીવત હતા…!
પણ, ભૂલ ત્યાં પડી, કે એ જે ટેબલ નીચે ભરાયો હતો, એ ટેબલ પર થોડીવારે યંગ કપલ આવીને ગોઠવાયું…!
અને થોડીવારે એકબીજાને, ટેબલ નીચેથી પગ પર પગ ફેરવી, પોતાના પ્રેમના પરચા આપવા માંડ્યા.
છોકરી એનો પગ પેલાના પગ પર ઘસે, અને થોડીવારે પેલો છોકરો પેલી છોકરીની પાની પર પોતાના પગ મૂકી દે. આ બધા નાટકો જોઈ દશલાનો જીવ બળી રહ્યો હતો. આખરે માણસ તો સ્ત્રીવીરોધી જ ને, અને એમાં પણ સિંગલ…!
આ સળી ખોરે અહીં પણ સળી કરવાનું ન મુક્યું…!
ખિસ્સામાંથી રૂમાલ કાઢી એણે ધીરેથી છોકરાના બંને પગ બાંધી લીધા. અને પછી જોરથી પેલી છોકરીના પગે ચુટલી ખણી… પેલીએ ચીસ પાડતા લાત ઉઠાવીને સામે ઠોકી મારી…! અને પેલા ભાઈ ખુરસી સહીત નીચે…!
પણ…! પણ ભૂલ ત્યાં પડી કે, પેલો પડ્યો તો પડ્યો, પણ જોડે ટેબલ નો પડદો પણ લઈને પડ્યો… અને દશલા સાહેબ આખા રેસટોરાં સામે પ્રગટ…! બધાનું ધ્યાન એ તરફ જ હતું…! હવે ત્યાંથી ભાગવું લગભગ અશક્ય જ હતું…!
પેલી છોકરી એને પકડી મેનેજર પાસે લઇ ગઈ, અને એની સાથે આવેલાને બોલાવવામાં આવ્યા…! આનંદે નહીં નહીં તો પચાસ વખત મેનેજરની માફી માંગી, અને દશલાને બચાવ્યો.
પણ આ સાહેબને તો પોતાના કર્યા પર જરાક પણ પસ્તાવો નહી. ઉપરથી મેનેજર પાસે રજા લેતી વખતે એમને સલાહો આપવા માંડ્યો.
‘સાહેબ, ટેબલ નીચે મચ્છર મારવાનું સ્પ્રે મારવાનું રાખો…! અને પડદા પણ થોડાક નાના કરો… ગુંગળામણ થઇ આવે છે…! (તને કીધું કોણે ત્યાં ઘૂસવા માટે ?) અને હું તો કહું છું, આવા કપલીયાઓને તો એન્ટ્રી જ ન આપશો…! ટેબલ નીચેથી શું શું કાંડ કરે છે, એનો તમને અંદાજો પણ નથી…!’
મેનેજર પણ ઘડીભર તો એને જોતા જ રહી ગયા…! ખબર નહિ કઈ માટીનો બન્યો છે આ નમુનો…!
પણ આનંદે એને બે પાંચ ટપલી મારી, ફરીથી એક વાર સાહેબની માફી માંગી, એને બહાર લઇ આવ્યો.
બહાર આખી ગેંગ હાથમાં રાખડી લઈને ઉભી જ હતી…! અને ત્યાં જ વધુ એક શહીદ થયો…!
સાહેબની ઝાટકણી સાંભળ્યા બાદ આનંદનો પારો વધી ચુક્યો હતો,
‘અલ્યાઓ હું તો કહું છું, તમે ભાઈ બની જ કેમ નથી જતા…! જુઓ કેટલું નુકસાન કરાવ્યું…!’ આનંદે સહેજ ગુસ્સા સાથે પૂછ્યું.
‘જો રોણા…! એમાં એમ છે કે, હવે હું તો ભાઈ બની ગયો… પણ બીજાને નહિ બનવા દઉં, એ તું લખી રાખ…! અને તારાથી થાય એ કરી લે જા…!’ દશલાએ છાતી ઠોકીને ચેલેજ ફેંકી.
અને હવે કાકાને પણ રહી રહીને જ્ઞાન લાધ્યું હોય એમ બોલ્યા, (આ જ્ઞાન મોડું આવ્યું, અને એમાં જ અલી જનાબના ભોગ લેવાઈ ગયા…!)
‘હા, લાલા… હું પણ તારી ટીમમાં જ છું…! આમ ધરાર સંબંધ ન જ બને, અને છોકરાઓએ ભાઈ નથી બનવું તો શું કામ બનાવવા…?’ (કાકા, થાળીમાંના રીંગણાની જેમ અહીંથી તહીં ગબડ્યા કરે છે…!)
‘કાકા, તમારે પણ એ લોકોનો સાથ આપવો હોય તો આપો. પણ અમે બધાને રાખડીઓ બાંધીને જ રહીશું બસ…!’ ડીમ્પલ બોલી.
અને હવે દેખીતી રીતે જ આખી પલટન બે ટીમમાં વંહેચાઈ ચુકી હતી…! રક્ષાબંધન ઉજવવા માંગતી ટીમ- ડીમ્પલ, વિશુ, ઢબૂડી, આનંદ (હોંશેહોંશે…!), નીખીલ (પરાણે !), અને બીજી રક્ષાબંધનથી દુર ભાગતી ટીમ…!
અને યુદ્ધ મેદાન તરીકે આ રિસોર્ટ…! (આજે આ જગ્યાનું કલ્યાણ પલટન ના હાથે થવાનું જ લખ્યું છે…!) અને બાકી રહેલા ત્રણેય નંગ જીમ બહાર આવી, છુપી રીતે સામે ચાલતી ઘટનાઓ જોઈ રહ્યા હતા. પણ એમને કોઈનો અવાજ સાંભળતો ન હતો…!
અને ત્યાંજ વિશુની નજર આમની પર પડી અને એણે બુમ પાડી…
‘હેય… ધેર ઇસ એ બધા…!’
પત્યું…! એની બુમ સાંભળી નથી કે એમના નવા બનેલા ભાઈ આનંદ અને નીખીલ આ ત્રિપુટીની પાછળ પડ્યા નથી…!
અહીં પેલા પુલ ફરીને આમની તરફ પુર ઝડપે દોડી રહ્યા હતા, અને આ ત્રિપુટીને ક્યાં ભાગવું એની સમજ પડતી ન હતી…!
અને દશલાએ સામેથી બુમ પાડી…
‘ભાઈઓ ભાગો, આ ગદ્દારો તમને પકડી લેશે…! અને હવે કાકા પણ આપણી ટીમમાં છે. સો બસ ભાગો જોર લગાવી…!’
અને બસ કાકાનો સપોર્ટ છે એ જાણતા જ ત્રિપુટીમાં નવું જોર આવ્યું અને ભાગી…!
પણ ત્રણેય ભાગ્યા અલગ દિશામાં…! દર્શનયો ભૂલભૂલમાં ફરી જીમમાં ભરાઈ ગયો…! આનંદ એની પાછળ ગયો…!
અને ડીમ્પલ પણ દોડીને જીમમાં પંહોચી. કાકા એને ત્યાંથી ભગાવવાના આશયથી જીમમાં પેઠાં.
‘એ છછુંદર અહીં જ કંઇક હોવો જોઈએ…!’ ડિમ્પલે જીમમાં આનંદ સાથે વાત કરતા કહ્યું.
દર્શન જીમમાં, ડમ્બેલ કાઉન્ટરની સામે ગોઠવેલ, પ્રોટીન પાઉડરના મોટા મોટા કાર્ટુનો પાછળ છુપાઈને બેઠો હતો.
અહીં, ડીમ્પલ જીમમાં આવેલા બીજા છોકરાઓને દર્શન વિષે પૂછી રહી હતી, પણ બધા જ છોકરાઓ એના હાથમાં રાખડી જોઈ એનાથી દુર દુર ભાગતા હતા…!
અને અહીં કાકા દર્શનને શોધવાને બદલે, જીમ ઇકવીપમેન્ટસ મંતરવા લાગ્યા…! અને એક 20 કિલોનું ડમ્બેલ ઉઠાવીને ઉપર કરવા ગયા, અને એમાં જ ડખો થયો…! ડમ્બેલના ભારથી એ પાછળ ખેંચાઈ ગયા, અને પેલા ખોખાઓ સાથે અથડાયા… એક પછી, ટપોટપ બધા ખોખા દર્શનના માથે પડ્યા. (કાકાએ તો ભારે કરી…!) અને આનંદની નજર એના પર પડી ગઈ…! એ ત્યાંથી ભાગયો પણ ખરી. પણ ડીમ્પલ એની સામે આવીને ઉભી રહી ગઈ, અને આગે કુવા પીછે ખાઈ જેવી એની હાલત થઇ આવી…! આખરે આ ભાઈએ પણ હાર સ્વીકારી અને શહીદી વહોરી…!
અહીં જેકી અને મિત્રા બંને અલગ અલગ રસ્તે ભાગ્યા હતા. જેકી પુલ સાઈડ ભાગ્યો, અને મિત્રા ટેરેસ પર જવાના રસ્તે…! નીખીલ્યો, જેકી પાછળ પડ્યો. પણ જેકીએ એને ભગાવીને આખા પુલના ત્રણ રાઉન્ડ મરાવ્યા. પણ, આખરે પકડાઈ જવાની બીકે એ પણ મિત્રા પાછળ ટેરેસ તરફ ભાગ્યો.
‘અલ્યા છોટે, તું કેમ આવ્યો અહીં…?’ જેકીને ટેરેસ પર જોઈ મિત્રાએ પૂછ્યું.
‘અબે, પેલો નીખીલ્યો વાંહે પડ્યો છે એની વાત કર ને…!’
‘અલા, તું મને પણ પકડાવીશ…!’ અને ત્યાં જ નીખીલ દોડીને ટેરેસ પર આવ્યો.
હવે ભાગવું તો પણ ક્યાં…?
બંને ઉંધા પગે, ડગલા ભરતા ધાબાની ધાર તરફ આગળ વધવા લાગ્યા…!
‘નીખીલ… આવી ગદ્દારી…?’ મિત્રાએ એને સમજાવવા માંગ્યો.
પણ એ એમની તરફ આગળ વધતો રહ્યો અને બોલ્યો…
‘લોટાઓ, હું એકલો જ કેમ શિકાર બનું…! હું ડૂબીશ તો જોડે તમને પણ લઈને જ ડૂબીશ…!’
નીખીલની પાછળ પાછળ પેલી બંને કવિયત્રીઓ પણ હાથમાં રાખડીઓ લઇ, ધાબા પર આવી પંહોચી…!
‘મોટા, કંઇક કર મોટા…’ જેકીએ કહ્યું.
‘હવે શું તંબુરો કરું…! હવે કઈ નહિ થાય છોટે…!’
‘ગમે તે થઇ જાય. હું ઢબુડી પાસે તો રાખડી નહિ જ બંધાવું બસ…!’
‘અલ્યા, તારી ભાવનાઓ હું સમજુ છું. પણ હમણાં શું કરી શકાય…?’
અને બંને ઉંધા પગે ચાલતા ચાલતા, ધારને અડી ગયા, અને ત્યાં જ મિત્રાની નજર નીચે દેખાતા સ્વીમીંગ પુલ પર પડી…
‘છોટે… તને તરતા આવડે છે…?’
‘હા… પણ આ કંઈ સમય છે, આવા સવાલ કરવાનો…!’
‘તો પાછળ કુદી જા… નીખીલ કોઈ એકને જ પકડી શકશે…! તું કુદી પડ…!’
અને જેકી તાબડતોબ કિનારી પર ચડ્યો, અને નીચે પુલમાં કુદી પડ્યો. નીખીલે આવી મિત્રાને પકડી પાડ્યો. એના ભારી શરીર સામે આ કાનખજુરાનું કઈ ના ચાલ્યું…!
અહીં જેકી પડતા તો પડી ગયો. પણ જીમ બહાર ઉભા કાકાએ એને પડતા જોયો… અને પાછળ કુદી પડ્યા.
(ક્યારનું એમને મન હતું જ અંદર પડવાનું… અને એમણે આ તકનો લાભ લીધો એમ જ કહેવાય…!)
અને કોઈ બીજાનો પડવાનો અવાજ આવતા ધાબા પર ઉભી પલટન પુલ તરફ જોવા માંડી.
કાકા અડધા તરતા, અને અડધા ડૂબતા, પુલમાં ગોતા લગાવી રહ્યા હતા…
‘અરે તમે કેમ પડ્યા અંદર… પેલાને તો તરતા આવડે છે…!’ મિત્રાએ ઉપરથી બુમ પાડી.
પણ હવે સાંભળે તે કાકા શાના… હવે ‘બચાવો, બચાવો’ ની બુમો પાડતા હતા…!
થોડેક દુર ઉભી લાઈફ ગાર્ડ તેમની પાછળ કુદી પડી…!
એને નજીક આવતી જોઈ કાકા માટે જાણે સમય જ ધીમો પડી ગયો. બધું જ સ્લો… મોશન…! અને બેકગ્રાઉન્ડમાં ગીત સંભળાવવા લાગ્યું. ‘મેરે રશ્કે કમર, તુને પહેલી નજર… જબ નજર સે મિલાઈ મઝા આ ગયા…!’ (હા, કાકાને તો મઝા જ આવતી હતી…!)
પેલી લાઈફ ગાર્ડ, જલપરીની જેમ સરપટ તરતી તરતી કાકાની નજીક આવી, અને ખભેથી પકડી કિનારે લાવી…! અને આખી પલટન દોડીને ત્યાં ભેગી થઇ ગઈ…!
કાકાને સુવડાવીને પેલી છાતી પર ભાર આપી, પાણી કાઢવા લાગી…! અને કાકાએ ધીરે ધીરે કરી પાણી કાઢ્યું અને આંખો ખોલી, બેઠા થયા…! (અહીં કાકા ભૂલ કરી ગયા, હજી થોડીક વાર બેભાન રેહતા તો, તો પેલી પોતાના શ્વાસ આપી કાકાને શ્વાસ આપતી…! ઇફ યુ નો વ્હોટ આઈ મીન…!)
‘તમારે ધ્યાન રાખવું જોઈએને…? તરતા ન આવડે તો આમ કુદી થોડું પડાય…!’
એનો મીઠો ઠપકો સાંભળી કાકા ખુશ ખુશ થઇ ગયા અને બોલ્યા…
‘તમે હતા જ ને… મને એમ કેમ કઈ થઇ જતું…!’
‘હા… આ તો મારી ફરજ નો ભાગ છે…! પણ હવે આગળથી ધ્યાન રાખજો ભાઈ…!
થઇ ગયું કલ્યાણ…! પેલીએ ભાઈ કહી દીધું, અને એ સાથે જ કાકાએ ક્ષણભરમાં બાંધીને ઉભો કરેલ સપનાનો મહેલ જમીનદોસ્ત થઇ ગયો…! અને એમનું મોઢું જોવા જેવું થઈ આવ્યું. અહીં છોકરાઓને હસવું આવતું હતું. કે હવે કાકાને એમનું દુઃખ સમજાશે…!
પણ આ છોકરીઓ તો કંઇક અલગ જ ચીજ હતી. આટલી મોટી ઘટના બાદ પણ એમને તો રાખડી જ સુજતી હતી. અને હમણાંથી જ જેકીને પકડી પાડ્યો હતો…! અને હવે શહીદ થવાનો વારો જેકીનો હતો.
પહેલા વિશુ અને પછી ડિમ્પીએ એને રાખડી બાંધી. અને પછી જેકી ઢબુડી સામે જોઈ રહ્યો.
‘વ્હોટ… આમ કેમ જોવે છે…?’
‘કઈ નહી, બસ એમ જ !’
‘ડોન્ટ વરી. હું રાખડી નથી બાંધવાની…! અને તને એકલાને જ નહી. મેં કોઈ છોકરાને રાખડી નથી બાંધી…!’
જેકીએ બધાની સામે જોયું, અને બધા નમૂનાઓ એ હકારમાં ડોકું ધુણાવ્યું.
‘પણ કેમ એવું…?’
‘એચ્યુલી… આઈ ઓલરેડી હેવ અ બ્રધર, અને હું ફક્ત એને જ રાખડી બાંધુ છું…!’ (કાશ બધી છોકરીઓ આવું જ વિચારતી…!)
એ સાંભળી, દશલો ધીમેથી બોલ્યો, ‘છોટે યુ આર લકી મૅન… આ પહેલી એવી છોકરી છે, જે બોલી હશે.. આઈ હેવ અ બ્રધર…! બાકી કોઈને હાય નો મેસેજ કરો તો પણ સામેથી જવાબ આપે, આઈ હેવ અ બોયફ્રેન્ડ…!’
‘તો આ વિશુ અને ડિમ્પી જોડે કેમ ફરતી હતી…?’ મિત્રાએ પૂછ્યું.
‘બસ એમ જ ખાલી, કેમ…? આ રિસોર્ટ તારું છે…? મને જ્યાં ગમે ત્યાં ફરું…!’
હવે આવા જવાબ બાદ કોણ એને બીજો પ્રશ્ન પણ પૂછે…!
કાકા અને જેકીએ ભીના કપડા બદલ્યા, અને પછી આખી પલટન બસમાં ગોઠવાઈ.
કાકા છીંક પર છીંક ખાઈ રહ્યા હતા, અને છોકરાઓ તો હજી પણ અંદરો અંદર આક્ષેપબાજી કરી રહ્યા હતા. ખૈર, આમની લડાઈનો અંત તો આવવાથી રહ્યો.
પણ નીખીલ બિચારો શાંત બની બેસી રહ્યો હતો, અને બોલ્યો…
‘હું આમાં નથી માનતો. મને બળજબરીથી રાખડી બાંધી ભાઈ બનાવવામાં આવ્યો છે…!’
‘પણ હવે પત્યુને લા… અમારી સાથે પણ એ જ થયું છે, જે તારી સાથે થયું છે…!’ મિત્રાએ કહ્યું.
‘એ જે હોય એ, હું આ રાખડીઓ કાઢી નાખું છું બસ…!’
અને આનું આવું બોલવું, અને ડીમ્પલ દેવીનું કોપાયમાન થવું…
‘ખબરદાર જો રાખડીઓને હાથ પણ લગાવ્યો છે તો, એક તો ગીફ્ટ તો કઈ આપી નથી ને, ઉપરથી રાખડી છોડવાની વાત કરે છે…! પૂરી પંદર રૂપિયાની રાખડી છે, પંદર રૂપિયાની…! (શો-ઓફ…!)
હવે નીખીલ બોલે તો પણ શું બોલે…? બસ કાંડા પર બાંધેલી રાખડીઓ અને એના બંધન વિષે વિચારતો રહી ગયો.
અહીં જેકી ભાઈને કંઇક વધારે જ હવા ભરાઈ હતી, કે ઢબુડીએ મને રાખડી ના બાંધી એટલે નક્કી કંઇક છે…! (અલા ભલા માણસ, એણે કોઈને રાખડી નથી બાંધી…!) પણ હવે એને કોણ સમજાવે…!
અને આમ મને-કમને રક્ષાબંધન ઉજવી (શહીદી વ્હોરી), પલટન એમના આગળના પોઈન્ટ તરફ ઉપડી…!
( ક્રમશઃ )
Leave a Reply