ઓફિસની ક્યુબીક્લ મા પગ પર પગ ચડાવીને અમારા પ્રિય મિત્ર આનંદ રાણા બેઠો છે, એમની મુખમુદ્રાઓ જોતા એમ લગી રહ્યું છે, કે નક્કી કોઈક ગંભીર વિચારમાં પડ્યા હોવો જોઈએ.
આમ તો એમનું કામ જ વિચારવાનું…! શાયરીની બે ત્રણ લાઈન મળી નથી કે, એ દિમાગમાંથી છટકે એ પહેલા જ પોતાની જ બીજી આઈડી પર ઈનબોક્સ કરી દે (ફેક આઈડીનો ઉપયોગ આવો પણ કરી શકાય, બોલો !) અને પછી નવરાશની પળોમાં બેઠા બેઠા ગુલાબજાંબુ જેવા શબ્દોને દર્દની ચાસણીમાં તરબતર કરી મુકે…! અને જન્મ થાય એક દર્દભરી શાયરીનો… જે ફેસબુક પર ‘તું અને તારી યાદો’ના મથાળા હેઠળ ચઢે…!
આમની ‘તું અને તારી યાદો’ની સીરીઝ સેન્ચ્યુરી પૂરી કરી ચુકી છે, છતાં આજે પણ એ જાણવું મુશ્કેલ છે કે આ રાણાની રાણીઓ કેટલી હતી. પણ મિત્રા જેવા ખણ ખોદીયા વૃતિ ધરાવતા કેટલાય મહાપુરુષો એ ભૂતકાળમાંએ આંકડો જાણવાના (વ્યર્થ) પ્રયાસ કર્યા પણ હતા. એમની કમેન્ટ બોક્સમાં જ જઈ જઈને પૂછી આવતા,
‘ભાઈ વધારે નહી તો, 4-5 તો હશે જ, જે તને છોડી ગઈ. બાકી આટલું દર્દ આવે જ ક્યાંથી…!’
પણ રાણા પાસે જવાબ કોપી પેસ્ટ થઈને રેડી જ હોય.
‘જુઓ મિત્રો… તમે જેવું સમજો છો, એવું કંઇ જ નથી…! હું તો બસ મોજ ખાતર લખું છું. અને મેં મારો પ્રેમ મારી ભાવી પત્ની માટે બચાવી રાખ્યો છે…!’
હવે કમેન્ટનો આવો રીપ્લાય જોઈ ભલભલો માણસ, ‘આના બે સ્ક્રુ ઢીલા હશે…’ એમ બબડી ત્યાંથી સરકી જાય…!
અને એથી વિશેષ કહું તો, માર્ક ઝુકરબર્ગનો તરોતાજા અહેવાલના આંકડા દર્શાવે છે કે, ફેસબુક પર જેટલી ‘નાઈસ પીક’ની કમેન્ટ નથી આવી એનાથી વધારે રાણાની ‘ભાવી પત્નીના પ્રેમ’ માટેની કમેન્ટ આવી છે !
પણ હવે…!
હવે તો તું અને તારી યાદોની પણ પુર્ણાહુતી થઇ ચુકી છે. જાણે એક સ્વજન ગુમાવ્યું હોય એવો જ શોક એમણે પણ પાડ્યો છે…! સાવ ઉદાસ સુનમુન ચેહરે બેઠા બેઠા, જે કોઈએ ના કર્યા હોય એવા (નકામા) વિચારો કરી રહ્યા છે.
જેમ કે,
● જયારે દેવસેના માટે માંગું આવ્યું, અને તલવાર સાથે શાસ્ત્રીય વિવાહની વાત આવી ત્યારે… બહુબલીની તલવાર તો એની પાસે જ હતી, તો પછી કટપ્પાને એવું કઈ રીતે લાગ્યું કે માંગું બાહુ માટે આવ્યું છે…? આ બાબતે તો રાજમૌલીને પત્ર લખવો જ જોઈએ…!
● આ લેપટોપ હું ખોળામાં (લેપમાં) લઈને ન બેસું તો પણ શું એને લેપટોપ કહેવાય…?
● આ મારા ઓફિસે આપેલ લેન્ડલાઈન ફોનની રીંગ કેમ ક્યારેય નથી વાગતી. લાવને હું જ મિસ કોલ મારું…! પણ સાલું નંબર તો મને પણ નથ ખબર. રેહવા દે… હશે, જેવા ફોનના નસીબ !, વગેરે વગેરે…!
અને આવા તદન વાહિયાત વિચારોમા ખલેલ પડી. ફોનમાં મેસેન્જરની મેસેજ ટોન વાગી.
મિત્રા નો મેસેજ હતો…’H!’
‘આવી ગયો નવરીબજાર…’ કહેતા એમણે hi સાથે સ્માઇલી ચીપકાવ્યું.
હા આ મિત્રા નવરીબજાર જ છે. એક વાર એની સાથે ગુડાયા એટલે પત્યું જ સમજો…!
થોડી આડી અવળી વાતો કરી અને પોતાનું દુઃખ જણાવ્યું, કે કઇ રીતે ‘તું અને તારી યાદો’ના ગયા બાદ પોતાના જીવનમાં અંધકાર છવાઈ ચુક્યું છે. એ વાત અલગ છે કે બૉસ સામે બધું હારું થઇ જાય છે…!
પણ સાચું કહું, આમનો બોસ કદાચ બોસની કેટેગરીમાં ફીટ બેસે તેવો છે જ નહી. તમે જ વિચારો બોસ કેવો હોય…? જેના નાક પર હમેશા ગુસ્સો હોય, (અને જોડે ચશ્માની દાંડી પણ હોય જ) નજર ઘડિયાળના કાંટે જ અટકેલી હોય, ટાઇમ પર ભલે આવી જાઓ, પણ જવાનું તો લેટ જ. ગળામાં જન્મથી જ લાઉડસ્પીકર ગોઠવીને આવેલ હોય એવું મોડલ. જે ઘાંટા પાડ્યા વિના નમસ્તે પણ ન કરે…! બસ આવા જ થોડાક (અ)સામાન્ય લક્ષણો લઈને જે વ્યક્તિ જન્મે એ બૉસ બની શકે…!
પણ આમનો બૉસ! દર બીજા ત્રીજા દિવસે આનંદને ઘરે ડીનર માટે લઇ જાય, અને એક બેચલરને ગરમા ગરમ ફૂલકાની કિમત શું હોય એ તમને શું ખબર! એ વાત અલગ છે કે, એમના બોસનું ટેણીયું ફ્રિનું ડીનર વસુલ કરવાની સજાના ભાગ રૂપે દર વખતે આનંદનો ફોન ફોરમેટ કરી આપે…! ત્યારે આનંદની ફીરકી લેવી હોય તો કહેવું, ‘અલ્યા રોણાં, બાળકો તો ભગવાનનું રૂપ હોય છે લા !’
વાત વાતમાં આનંદે મિત્રાને જણાવ્યું કે, ‘હવે ક્યાંક ફરવા જવું છે. ચાલ આપણે બે ક્યાંક જઈએ…!’
અને મિત્રા એ હમેશની જેમ મમરો મુક્યો,
‘બે જણમાં ના મઝા આવે…!’
‘હા તો બીજાને પણ બોલાવી લઈશ હું…’
‘કોઈ નહી આવે…!’
મિત્રા છટકવાની કોશિશમાં અને આનંદ એને ભીસી રહ્યો છે…!
‘પણ…’
‘પણ – બણ કંઈ નહિ… હું બધાને વાત કરીશ…’
‘તું ટ્રાય કરી જો… કોઈ નહી માને !’
અને મિત્રા ઓફલાઈન !
‘ભાગી ગયો ટણપો…!’ આનંદે બબડાટ સાથે ફોન મૂકી દીધો.
સામેથી રીસેપ્ટનિસ્ટ મિસ. રીટા આનંદને જોઇને મલકાતી આવી રહી હતી. એને જોઈ આ ભાઈ સાહેબે ડોકું લેપટોપ ખોલી એમાં ઘુસાવી દીધું…! રીટા એની ક્યુબીક્લ પાસે આવી.
‘હાય આનંદ, આર યુ બીઝી…?’
‘હા, કેમ કઈ કામ હતું…?’ આંખ ઉઠાવી ખુબસુરત રીટાને જોવાની પણ એણે તસ્દી ન લીધી…!
‘હું વિચારતી હતી કે સાંજે કોફી પીવા જઈએ સાથે…’
‘દેખાતું નથી હું કામ કરું છું, મને મૂંજવીશ નહી!’
અને હવે રીટાથી પોતાની અવગણના સહન ન થઇ….
‘આવ્યો મોટો, કામ કરું છું વાળો. ઠોક્યા, પહેલા લેપટોપ તો ચાલુ કરી લે…! હુહ !’ કહી મોં ચઢાવી એ ચાલી ગઈ.
બાજુની ક્યુબીક્લ વાળો રમેશ, એના મોતિયાના ડાબલા જેવા ચશ્માં નાક પર ચડાવી, એની બત્રીસી બતાવી, રહ્યો હતો.
‘તારું કામ કરને નવરીના…’ આનંદે પોતાનો ગુસ્સો એના પર ઠાલવ્યો.
અને ફરી પોતાના વાહિયાત વિચારોમાં ખોવાઈ ગયો.
સાંજે ફરી એક વખત બોસને ત્યાં ડીનર લીધું, અને ફરી એક વાર ફોન ફોરમેટ પણ મરાવડાવ્યો એ અલગ !
રાત્રે પથારીમા પડ્યા પડ્યા, અને અરીજીતના દુઃખભર્યા ગીતો ગણગણાવતા એને બપોરની વાત યાદ આવી અને મેસેન્જરમા જ એક ગ્રુપ બનાવ્યું જેમાં લાગતા વળગતા સોએક છોકરા-છોકરીઓને એડ કર્યા. થોડી વારે પોતાના પ્લાન વિષે બે પાંચ લીટી લખી, સુઈ ગયા.
અને અહીં મેસેન્જરની દુનિયામાં તો ખડભડાટ મચી ગયો… ગ્રુપના મેમ્બર ટપોટપ મેસેજ મુકવા માંડ્યા.
‘હું આવીશ…’
‘તમે બોલો તો ખરી ક્યારે જવું છે…?’
‘આપણે તો હમેશા તૈયાર જ હોઈએ’
‘હા રાણાની મોજ હા…’ આવું પણ બે પાંચ નબીરા બોલ્યા…!
મિત્રાનું ટેન્શન વધતું ચાલ્યું. સાલું કોઈક તો ‘ના’ પાડો. તો હું પણ છટકું ! પણ એમાને એમાં જ અડધી રાત વીતી ગઈ. લગભગ બધા ગ્રુપ મેમ્બર્સ હરખપદુડા થઇ હાજરી પુરાવી ચુક્યા હતા.
સવારે આનંદે મેસેજ જોયા અને ઘેલમાં આવી ગયો. અને પોતાની બડાઈ હાંકતો મેસેજ મિત્રાના ઈનબોક્સમા ઠોકી બેસાડ્યો. જીયોની મહેરબાની કેવળ આ મહાશય પર જ વરસતી હોય એમ, બે જ સેકન્ડમા ઓનલાઈન….! મેસેજ સીન ! એને રીપ્લાય આપે એ પહેલા જ આનંદે ગ્રુપમા મેસેજ કર્યો.
‘ઓગસ્ટની 6-7 અમદાવાદથી ઉપડવાનો પ્લાન છે, આજુબાજુના વિસ્તારમાં ફરીશું અને મજા કરીશું…!’
અને ત્યાં જ મિત્રાનું શૈતાની દિમાગ જાગ્યું…!
‘6 અગસ્ત કો ફ્રેન્ડશીપ ડે, આપ લડકી કે પીછે. 7 અગસ્ત કો રક્ષાબંધન, લડકી આપકે પીછે… ટુ મચ ફન’ કિક મુવી બાદ આવેલ અને તરીખો બદલાવીને ફોરવર્ડ થતો, ચવાઈ ગયેલો વોટ્સઅપ જોક્સ એણે ગ્રુપમાં મુક્યો. અને આનંદને પર્સનલમાં #સળી નો મેસેજ કર્યો.
જેટલાએ પણ જોયો, ડિસ્કશન ચાલુ કરી દીધું… અમુક નબીરાઓએ તો ગ્રુપ લેફ્ટ કરવાનું પણ ચાલુ કરી દીધું…!
ગ્રુપની છોકરીઓ ફ્રેન્ડશીપ ડેના દિવસે પોતાની ફ્રેન્ડસને છોડીને આવવા નહોતી માંગતી, અને છોકરાઓ બીજા દિવસે રક્ષાબંધન હોવાના કારણે આવવા નહોતા માંગતા…!
આનંદને એના પ્લાનની પથારી ફરી જતી દેખાઈ. અને પેલા ચબરાક મિત્રા પર એટલો જ ગુસ્સો પણ આવ્યો.
જેમ જેઠાલાલને ફાયરબ્રિગેડ તરીકે મહેતા સાહેબ છે, જેમ બ્રહ્માંડમાં તકલીફ નિવારક તરીકે બ્રહ્માજી છે, એમ ફેસબુક એ અમારા જેવા નબીરાઓને ફાયરબ્રિગેડ તરીકે સુધીર કાકા દીધા છે! તમારી મોટામાં મોટી થી માંડી નાનામાં નાની સમસ્યાઓ નો ઉકેલ એમની પાસેથી મળી આવે…!
આનંદે આજે એમની મદદ લેવાનો નિર્ણય કર્યો. કાકાને ઈનબોક્સ કરી વાત સમજાવી અને ગ્રુપ મા એડ કર્યા ! કાકા એ ‘આઈ એમ કમિંગ’ એવો નાનકડો મેસેજ મુક્યો, અને ગ્રુપમાં ફરી રોનક આવી ગઈ. આનંદે #સળી વાળો મેસેજ મિત્રાને ફોરવર્ડ કર્યો.
ગ્રુપમાં કોઈ ખાસ મોટી સંખ્યામાં સભ્યો તો બચ્યા નહોતા…પણ જેટલા હતા એ બધા પર્સનલ મા, ત્રાંસી આંખે જોઈ રહ્યું હોય એવું ઈમોજી મૂકી વાતનો દોર માંડતા હતા…’તું જઈશ તો હું જઈશ…!’ લે, આ તો કંઈ પ્રાથમિક શાળા થોડી છે, જેના છેલ્લા તાસમાં નક્કી કરવાનું કે કાલે તું આવીશ તો જ હું આવીશ…! (મને ‘ના’ પાડીને તું આવીશ ને તો હું તારી કિટ્ટા….!, આવું પણ થાય ત્યાં તો…! અહીં એવું કઇંક કહે તો બ્લોકસ્ત્ર જ ઉઠે !)
સાંજ સુધીમાં નાના મોટા છમકલા જેવી ડિસ્કશનસ ચાલ્યા બાદ અંદાજે દસેક જણ તૈયાર થઇ જ ગયા. (ટોટલ એડ કરેલ એના 10% માંડ !) જેમાં અમારા લોક લાડીલા કાકા, હ્યુમર કિંગ દર્શીલ ચૌહાણ ઉર્ફે દશલો, ધ આર્ટીસ્ટ દર્શન પંચાલ, ધ ફ્યુચર ડેન્ટીસ્ટ અને ઉર્દુ શાયર એવા પાર્થ ત્રિવેદી ઉર્ફ અલી જનાબ, જુનાગઢના શેર અને છતાંય રડતા રહેતા નીખીલ વધવા, નવસારી અભ્યાસ કરતા અને કહેવાતા રખડું એવા અમારા જેકી દાદા ઉર્ફ છોટુ, અને કચવાતા મને આવી રહેલ ઉગતા લેખક મિત્રા, જે ક્યાંથી ઉગે છે એ ન પૂછવું, એને પોતે પણ પોતાની કઈ જ ખબર નથી… અને ગ્રુપ લીડર એવા આનંદ રાણા તો ખરા જ !
આનંદ માટે નવાઇની વાત તો એ હતી કે છોકરીઓ ને એણે અમસ્તી જ એડ કરેલ, એને ખુદને પણ આશા નહોતી કે છોકરીઓ આવશે પણ…!
પણ…!
બે ઉગતી કવિયત્રીઓ એ આવવા માટે હામી ભરી હતી, એક આમારા વિશુ ચૌહાણ, લખવામાં આનંદ ની બેન જ સમજો…, અને બીજા મિસ દલાવરી….! નક્કી આ બંને એકબીજા ને ઢસડી ઢસડીને જ લાવી રહી હતી…!
પણ હવે આવવા ની ‘ના’ પણ કઈ રીતે પડવી, એટલે જેમ ચાલે એમ ચાલવા દો કરી ને પ્લાન ને લીલી ઝંડી દેખાડી…. અને ગ્રુપમાં સ્થળ નક્કી કર્યું અને 6 ઓગસ્ટની વહેલી સવારે મળવાનું નક્કી થયુ !
આ બે દિવસ સામાન્ય રીતે જ વીતશે, નવા લોકોને મળવા મળશે, એવી આશા એ રાણો 6 ઓગસ્ટ ની રાહ જોવા લાગ્યો.
પણ એને શું ખબર કે જેમને જેમને એણે બોલાવ્યા છે એ બધા જ એક થી એક ચડિયાતા છે…! અને આ બે દિવસ એના એવા તો વીતવાના છે, કે ફરી એમની સાથે ફરવું શું, એમણે મળવાનું પણ ટાળી જશે…!
( ક્રમશ: )
Leave a Reply