શીર્ષક : નવી વાર્તા
આખરે રાતના લગભગ ત્રણેક વાગ્યે મેં મારી નવી વાર્તાને કાગળ પર મુક્તિ આપી. અને ત્યાં ટેબલ પર જ માથું ઢાળીને પડી રહ્યો. ટેબલ લેમ્પનો તીવ્ર પ્રકાશ પણ મને આંખ મીંચતા રોકી ન શકે એટલી હદે થાક લાગ્યો હતો. તમને શું લાગે છે, વાર્તા લખવી એ કંઈ ખાવાના ખેલ છે ? કેટકેટલાય માનસિક પરિશ્રમમાંથી ખુદને પસાર કરવું પડે છે ! કેટલાય અનુભવો, નિરીક્ષણો, લાગણીઓ, મનોમંથન, વાંચન, સમયની ફાળવણી, અને લાંબા ચાલતા વૈચારિક યુદ્દ્ધોના અંતે જઈને એક ‘નવી વાર્તા’ રચાતી હોય છે ! અને શારીરિક થાક કરતા આવો માનસિક થાક કંઇક વધારે જ થકવી દેનાર હોય છે. ખેર, આ બધી મારી અંગત પસંદગી છે. કયું કામ એવું છે, જે મહેનત નથી માંગતું? અને મને તો આ કામ ગમે પણ છે. કોઈએ મને બંદુકની અણીએ થોડી વાર્તાઓ લખવા કહ્યું છે ! લખવું એ તો મારા રસનો વિષય છે.
આમ તો ટેબલ પર પડ્યે રહ્યે પણ અડધો કલાક વીતવા આવ્યો હતો… પણ હજી ઊંઘ આવી નહોતી ! અને મને જે વાતનો ડર હતો એ જ થવું શરુ થઇ ચુક્યું હતું ! મારા મનમાં ઘર કરી બેઠેલા મારા પાત્રોનું મારી સાથેનું વિચાર-યુદ્ધ !
બસ હમણાં થોડીક વાર પહેલા જ એક સાત વર્ષના બાળકની મનોસ્થિતિ વર્ણવતી વાર્તા લખી હતી, જેની માને મેં મારી નાંખી હતી – અલબત્ત વાર્તામાં જ ! અને બસ એ જ વાતે હમણાં મારા એક રૂમ, રસોડાના ઘરમાં મારા પાત્રો વચ્ચે યુદ્ધ મોરચો મંડાયો હતો. એક તરફ હું એકલો, અને બીજી તરફ એ બધા જ !
જ્યાં મને ઉભા થઈને પલંગમાં પડવાનો પણ કંટાળો આવતો હોય ત્યાં હું એમની તરફ આંખ પણ શાનો ઊંચકવાનો હતો ! ભલેને એ બધા એમની લાવારીઓ માંડયે રાખતા. પણ આ કાનને એમના કટાક્ષ સાંભળતા શાથી અટકાવવા !?
તમે પણ કાન માંડીને સાંભળો. પલંગ તરફના ખૂણેથી પેલો સ્ત્રીનો અવાજ આવે છે ને, એ રીના છે ! મુંબઈની કમાટીપુરામાં ગયો હતો (ખોંખારો !) ત્યારે મને એ ત્યાં મળી હતી. એણે મને એનું શરીર આપવાની સાથે પોતાની વાર્તા આપી હતી. પણ હરામ જો એ દિવસથી મારાથી છેટી ગઈ હોય ! સ્વભાવે આમ તો સારી જ છે, પણ નાહકની કચકચ કરવાની આદત છે. જુઓને હમણાં પણ શું કહી રહી છે, કહે છે કે હું સાવ નિર્દયી છું ! આવી તો કેવી વાર્તા લખી ? આટલા નાના બાળકની માને મારી નાંખતા મારો જીવ કેમ નો ચાલ્યો…!?’ અને ભલે મારી આંખો બંધ છે, પણ હું શરત લગાવીને કહી શકું છું કે એ મારા પર આમ અકળાતી વખતે પણ સાડીના પાલવ સાથે રમતી હશે. મેં એવું શાથી કહ્યું એમ ? અરે, મારું ઘડેલું પાત્ર છે, એની આદતો હું ના ઓળખું !?
છોડો જવા દો એ રીનાને. હવે આ મહાશયને સાંભળો. એ રીનાની લગોલગ જ આવીને બેઠા હશે. આમ તો ઉંમરે વડીલ છે પણ સ્વભાવે પોતાને જુવાન ગણાવે છે. સાંભળો છો ને, મારી કુથલી કરવાને બહાને કેવી રીતે રીનાને બાટલીમાં ઉતારી રહ્યા છે. કહે છે, ‘જવા દે ને રીનુડી, આની તો આદત જ છે લોકોની લાગણીઓ દુભાવવાની !’ હવે તમે એનો પક્ષ સાંભળ્યો તો મારો પણ સાંભળી લો. એ ડોસો મારી એ વાર્તાનું પાત્ર છે જેમાં એણે પોતાની વહુ પર નજર બગાડી હતી. અને મેં એને એવો વિકૃત ચીતર્યો ત્યારથી એને મારી પર દાઝ છે !
હવે તમે જ કહો એમાં મારો શું વાંક ? હું તો સમાજનું એ જ ચિત્ર ઉપસાવું છું જે હકીકત હોવા છતાંય વિવિધ આડમબરોથી ઢંકાયેલું છે.
અને લ્યો, આ મારા નવા શુભચિંતક બોલ્યા ! આ પણ મારી એક અન્ય વાર્તાના વડીલ પાત્ર છે. પણ પેલા ડોસા જેવા વિકૃત નથી. આ તો પેલી કહેવત – ઘરડાં ગાડા વાળે – સાર્થક કરે તેવા છે ! તેમનું પણ કહેવાનું તાત્પર્ય તો એ જ છે, કહે છે ‘આ તેં બરાબર નથી કર્યું હોં. શું તેં પેલી કહેવત નથી સાંભળી, મરે તો બાપ મરજો, કોઈની મા ક્યારેય ન મરજો ! હજી વખત છે… વાર્તા આપતા પહેલા બદલી નાંખ બધું !’
હવે મારે એમને કેમ સમજાવવા કે એવો કોઈ બદલાવ શક્ય જ નથી. આ વાર્તાનું વિચારબીજ રોપાયું ત્યારથી જ એ મૃત્યુની ઘટના તો નિશ્ચિત જ હતી !
અને હજી તો હું એ વડીલ તરફ આંખ ઉઠાવીને જોવું ત્યાં તો પેલી મરાઠી બાઈ વચ્ચે બોલી પડી, ‘ઇસકે ઐસે બર્તાવ કે કારણ હીચ તો ઇસકી બાયકો ઇસકો છોડ કર ચલી ગઈ !’, અને બસ આટલું સાંભળતા જ મારો પિત્તો છટકયો. અને હું ટેબલ પર હાથ પછાડતા ઉભો થઇ બરાડી ઉઠ્યો,
‘બસ ! બસ કરો હવે તમે બધાં ! શું માંડ્યું છે આ બધું. સાલું એક વખતનું હોય તો સમજ્યા, પણ મારી દર નવી વાર્તામાં દખલગીરી ! અને એટલું ઓછું હોય એમ મારા અંગત જીવનમાં પણ દખલગીરી કરવાની !? કંઇક તો લાજ શરમ જેવું રાખો.’, મારો અવાજ ધાર્યા કરતાં વધારે ઉંચો થઇ ગયો હતો, અને એ કારણે જ આખા ઓરડામાં સોંપો પડી ગયો હતો !
અને હું ફરી નરમાશ ધારણ કરી ટેબલ પર માથું ઢાળી ખુલ્લી આંખે એ બધા તરફ તાકતો રહી પડી રહ્યો. અને ત્યારે જ મને અંદાજો આવ્યો કે મેં ધર્યા હતા એથી વધારે વ્યક્તિવ – પાત્રો – ઓરડામાં હાજર હતા. ભલે દરેકે મને સંભળાય તેમ કદાચ ન કહ્યું હોય પણ અંદરોઅંદર મારી નવી વાર્તા પર પોતાના મંતવ્યો જરૂર રજુ કર્યા હશે. એમની માટે તો જીવંત થઇ ઉઠવાનો જાણે આ એક જ અવસર – મારી વાર્તાઓ વિશેની ચર્ચા !
હા, આ પાત્રો મારી અંદર એટલે સુધી ઘર કરી ગયા છે કે મને એ સદેહે મારી સાથે હાજર હોય એમ અનુભવાતું રહ્યું છે. આજકાલથી નહીં, કેટલાય વર્ષોથી ! આમાંથી થોડાક મારી લખેલી નવલકથાઓના પાત્રો છે તો કોઈક ટૂંકી વાર્તા તો કોઈક વળી લઘુકથાના ! અને મારી નવી વાર્તા લખાયા બાદ એ બધા જ પોતાની જાતને તેમની જમાતમાં ઉમેરાતા મારા નવા પાત્રો અને તેમની સાથે જોડાયેલી ઘટનાઓ સાથે પોતાની સરખામણી કરે. અને ક્યારેક મારા કામની કદર કરે, તો ક્યારેક કોઈ પોતાને ભૂતકાળમાં ખરાબ ચિતરવાની ફરિયાદ લઈને આવે !
ક્યારેક તો કંટાળી જાઉં છું આ બધાંયથી ! થાય છે બધું જ છોડી મુકીને ક્યાંક દુર ચાલ્યો જાઉં. પણ એનો પણ કોઈ અર્થ નથી, આ બધા તો ત્યાં પણ મારી સાથે જ હોવાના ! અને ખરું કહું, મને ખુદને એમની વગર નથી ચાલતું. પેલી રીનાની નખરાળી અદાઓ હોય, કે પેલા ડોસાની કુથલી કરવાની આદત, કે પછી આ મરાઠણની કચકચ… હવે એ બધી વાતોની આદત પડી ચુકી છે. કારણકે આ જ બધા તો છે જે કંઇક અંશે મને સમજે છે, અને એનું કારણ એમનામાં રહેલો મારો નાનકડો અંશ ! કહે છે કે લેખકના લગભગ દરેક પાત્રમાં તેની પોતાની છાંટ તો હોય જ છે ! અને એમ પણ હવે એમના વિના મારું છે પણ કોણ !?
સમાજમાં પતિ-પત્ની તરીકે ઓળખ મળી શકે એવો એક સંબંધ હતો જીવનમાં ! પેલી સાથે – તમને નામ નહીં આપું, ખોટું ના લગાડતા. આમ તો અમારા વચ્ચે બધું બરાબર હતું. કોઈક શ્રુંગારસરથી તરબતર નવલકથામાં વર્ણન હોય એવું જ અમારું દાંપત્ય જીવન હતું. પણ એક પાયાની ચીજનો જ અભાવ હતો, પ્રેમનો ! અલબત્ત, એવું કોઈ કહે તો નહીં જ ને, એ તો અનુભવાય ! અને એમાં પણ ‘એને’ હું કંઇક વિચિત્ર જ ભાસતો ! જયારે હું એને આ રીના કે પેલા ડોસાની ઓળખ કરાવતો ત્યારે એ દીવાલ તરફ તાકી રહીને કહેતી, ‘કોની વાત કરો છો? સામે તો કોઈ જ નથી ઉભું !’
શરૂઆતમાં તો એને મારી આ વાતો મજાક લાગતી… પણ પછી ધીરે ધીરે એણે મને ‘સાયકો’માં ખપાવ્યો. કહે કે જઈને કોઈક મનોવૈજ્ઞાનિકને મળી આવો ! અને પાછી ક્યારેક એમ પણ કહેતી કે મને એકલા એકલા બબડવાની આદત છે… હવે તમે જ કહો, શું હું હમણાં એકલો બબડું છું? શું હમણાં તમે મને નથી સાંભળી રહ્યા ?
ખરું કહું, એ જ મને સાંભળી ન શકી. મને ઓળખી પણ ન શકી ! એ મારી બધી વાર્તાઓ પણ વાંચતી છતાંય કહેતી ‘તમને ઓળખવું અઘરું છે !’, અને ત્યારે હું એને મારી હિન્દીમાં લખેલી પેલી બે પંક્તિઓ કહી સંભળાવતો – ‘अभी तक नहीं पहेचान पाये हमें ? हम तो हर किरदार में खुद को बिखेरते आए हैं !’ પણ છતાંય અંત સુધી એ મને એ ન જ ઓળખી શકી ! ના, ના એનો અંત નહીં, અમારા સંબંધનો અંત – અલબત્ત એ પણ તેની તરફથી !
એને કોઈક બીજું પસંદ પડ્યું અને એ મને કીધા વગર ચાલી ગઈ. – હા, તમારી ભાષામાં છતા ધણીએ ‘ભાગી ગઈ’ ! ગાંડી ! કહીને ગઈ હોત તો પણ એને થોડી રોકવાનો હતો ! રખેને તમે એમ ન માની લેતાં કે હું કાયર છું ! કારણકે જનાબ, જવા દેવા માટે જ તો કાળજું જોઈએ, બાકી હકીકત જાણ્યા છતાં રોકી પાડવું તો નપુંસકતા કહેવાય ! અને હું તો લેખક છું. મારી પોતાની કેટલીય વાર્તાઓમાં લગ્ન પછી પ્રેમ થતો વર્ણવ્યો છે, તો શું મારે મારી બધી વાર્તાઓને પણ ફોક કરવી ? મારું જ લખલું મિથ્યા માનવું ? પ્રેમ તો ગમે તે ઉંમરે થાય એ વાતનો જ મારે છેદ ઉડાડી મુકવો !?
ખેર, જેમ એ ચાલી ગઈ, એમ એની વાતને પણ જવા દો ! અને લ્યો, અહીં આપણે વાતને જવા દીધી એમ સમય પણ વહી ચાલ્યો. જુઓને જોતજોતાંમાં તો ઘડિયાળમાં પાંચના ટકોરા પણ પડી ગયા ! અને હવે ઊંઘ તો આવવાથી રહી. વધુ એક રાતનો ઉજાગરો ગણીને આ દિવસ પણ પસાર કરી લઈશું બીજું તો શું !
તમે અહીં જ બેસો, હું આવું થોડીવારમાં.
‘… અને તમે બધા ભલે મારા માથે ચઢીને બેસી રહો, પણ હું મારી વાર્તા નથી જ બદલવાનો !’, ગુસ્સામાં એ બધા પાત્રો તરફ જોઇને કહેતાં, બાથરૂમનો દરવાજો જોરથી પછાડીને હું નાહવા ચાલ્યો ગયો ! લગભગ પોણો કલાક જેટલો સમય નહ્વામાં વિતાવ્યા છતાં હજી મારી પાસે ઘણો – ફાજલ – સમય હતો. અને સમયનું પસાર થઇ જવું સરળ છે, પણ સમયને પસાર કરવો અઘરો !
અને એમાં પણ આ એકલતા – માત્ર તમારી દ્રષ્ટીએ હોં ! મારી દ્રષ્ટીએ તો એ મારું એકાંત છે ! એકલપંડા માણસને કામ હોય પણ કેટલા ? એ જ સવારની ચા સાથે છ ના ટકોરે બારણે અથડાતું છાપું, અને એ જ રોજીંદી ક્રિયાઓ !
પણ મારા આ પાત્રોને પણ ગજબની નવરાશ છે ! જુઓને હજી એ જ આશામાં બેસી રહ્યા છે કે હું કંઇક બદલીશ ! અને જુઓ પેલી રીનુડીએ ફરી બફાટ ચાલુ કર્યો, ‘અરે કોઈ બીજી વાર્તા કેમ નથી આપતો ! કમસેકમ દિવાળીના અંકની તો દરકાર લે. દિવાળીના સ્પેશીયલ અંકમાં આવી દુઃખદ ઘટનાઓની વાર્તા શોભા ન દે. જરાક વિચાર તો કરો, બીજા લેખકોએ સરસ મજાના આકર્ષક શબ્દો સાથે દિવાળીના શુભ સંદેશો પાઠવતા આર્ટીકલો, કવિતાઓ આપ્યા હશે… અને એ બધા વચ્ચે તું આવી વાર્તા આપીશ?’
‘બસ… હવે હું આગળ એક પણ શબ્દ નહીં સાંભળું !’, કહેતાં હું ઉભો થયો, અને ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે રીનાની સોડમાં પેલું બાળક લપાઈને ઉભું છે. હા, એ જ જેની માને મેં મારી નાખી છે ! પણ એની માસુમિયત જોવા છતાં પણ હું પોતાનું કહેવું અટકાવી ન શક્યો, ‘… જો એમ જ હું બધી વાર્તાઓમાં બદલાવ કરતો રહ્યો તો એ વાર્તાઓ ‘વાર્તા’ જ નહીં રહે ! અને હું એ જ કહીશ જે મારે કહેવું છે…! અન્ય લેખકો શું કહે કે લખે છે એનાથી મારા કામને શું !?’ અને મેં ગુસ્સામાં આવી પોતાનો થેલો ખભે નાંખ્યો, અને ઘરને તાળું મારી તંત્રી સાહેબની ઓફીસ જવા નીકળ્યો !
ઘરને તાળું માર્યું એમ વિચારોને પણ તાળું મારી શકતો હોત તો કેટલું સારું ? એક ક્ષણ તો લાગ્યું કે તાળા પાછળ એ બધા જ પાત્રો ઘરમાં પુરાઈ ગયા, પણ ના, એ તો હજી મારી લગોલગ ચાલતા રહી મારો જીવ ખાતા હતા. અને એમને વટાવી જવા માંગતો હોઉં એમ નિયમિત ગતિ કરતાં સહેજ વધારે ઝડપે ચાલતા રહી હું તંત્રી સાહેબની ઓફીસ પર પંહોચ્યો !
‘ઓહ ! આવો લેખક મહોદય. તમારી જ રાહ જોવાતી હતી.’, મને ખુરશીમાં બેસવાનું કહી આવકાર આપતાં તેમણે કહ્યું. મારી સાથે રૂમમાં મારા પાત્રો ધસી આવ્યા હતા.
‘જાણું છું સર, દરવખતની જેમ ડેડલાઈનના સમયે જ આવ્યો છું !’, કહી હું ફિક્કું હસ્યો.
‘હા, એ તો ખરું કહ્યું તમે ! આખા અંકનું કામ પતવાની અણી પર હોય ત્યારે તમારું વર્ક સબમિટ થતું હોય છે. ખેર, એમ તો આ પ્રોફેશનલી ખરાબ આદત કહેવાય, પણ જવા દઈએ. કારણકે લેખકને આવી આદતો તો હોવાની જ. મસ્તમૌલા જો રહ્યા ! તો બતાવો શું લાવ્યા છો આજે ?’
અને એમના એ પ્રશ્ન સાથે મારા દરેક પાત્રની મીટ મારા પર મંડાઈ ! પણ મેં એ જ કર્યું જે હું કરવા ધારતો હતો. આખરે ઝીદ્દી જો છું ! મેં એ જ વાર્તા આપી જે મારે આપવી હતી. અને તંત્રી સાહેબના હાથમાં વાર્તા ગયા બાદ એ બધા પણ કંઈ કરી શકવાના નહોતા ! કારણકે એમાંથી કેટલાય એવા હતા જેમને ભૂતકાળમાં તંત્રી સાહેબે નકારી કાઢ્યા હતા ! હા, એવી રીજેક્ટ થઇ ગયેલી વાર્તાના પાત્રો પણ મારા મનમાં રહી જતા હતા, કારણકે મારી માટે તો એ ‘મારા’ જ રેહવાના ! પોતાનો અંશ તો કેમનો વિસરાય !’
‘એક્સીલ્ન્ટ ! તમારી આ વાર્તા પણ અગાઉની બધી વાર્તાઓ કરતા જુદી પડતી છે ! આ દિવાળી અંકમાં તમારી વાર્તા પોતાનું અલગ જ સ્થાન બનાવશે !’, વાર્તા ઝડપથી વાંચી લઇ, બને તેટલી સાહજીકતાથી તેમણે કહેવાનો પ્રયાસ કર્યો. અને એમના પ્રત્યેનું મારું નીરીક્ષણ એમ કહે છે કે એ વખાણ કરતી વખતે બને તેટલો ઉમળકો દબાવી રાખવા પ્રયત્નશીલ હોય છે, જેથી સામેની વ્યક્તિ ચણાના ઝાડ પર ન ચડી બેસે, અને પોતાની પૂર્ણ નિષ્ઠાથી કામ કરતી રહે.
હું એમનો આભાર માની ઓફીસ છોડી બહાર આવ્યો. અને જોડે હતી પંદર દિવસ પછીના અંકમાં બીજી વાર્તા માટેની ડેડલાઈન !
શું પાત્રો ક્યાં ગયા એમ ? એ તો એમનું ધાર્યું ના થયું એટલે હતાશ થઈને ફરી મારા માનસપટમાં તેમની કબરોમાં દફનાઈ ગયા. હવે તો નવી વાર્તા હશે કે કોઈક વિશીસ્ટ કારણ હશે ત્યારે જ દેખા દેશે !
દિવાળી અંકને પ્રગટ થયે હજી માંડ બે જ દિવસ વીત્યા હશે ’ને ત્રીજા દિવસે સવારે મારા ઘરના બારણા પાસે એક ચિઠ્ઠી મળી આવી. અને હજી તો માંડ ખોલીને પહેલી જ લાઈન – ‘આપની છેલ્લી વાર્તા અંગે…’, આટલું જ વાંચ્યું હશે ત્યાં તો બધા જ પાત્રો ટપોટપ હાજર થવા માંડ્યા, અને બધાની નજર એ પત્રની અંદરના લખાણ પર ! એમાંથી કેટલાકે તો ‘નક્કી ગાળો આપી હશે પ્રતિભાવની બદલે ! આવી તો કંઇ વાર્તા હોતી હશે !’, એવું સૂચવતું લુચ્ચું સ્મિત પણ મારી તરફ કર્યું.
પણ પત્રમાં જે હોય એ સ્વીકારી લેવાની હિમ્મત કરી મેં જરાક ઊંચા અવાજે પત્ર વાંચવો શરુ કર્યું,
‘લેખક મહોદય. આપને ક્યારેય અંગત રીતે તો મળવાનું થયું નથી, પણ આપના શબ્દો થકી આપને નિયમિત મળતો રહ્યો છું. ‘આપણી વાર્તાઓ ખુબ ગમે છે, આપણો નિયમિત વાચક છું…’, એવું કંઈ પણ આજે મારે નથી કહેવું ! આજે માત્ર તમારી છેલ્લી – દિવાળી અંકમાં પ્રગટ થયેલી વાર્તા વિષે કહેવું છે ! આપની આ વાર્તાએ મારા જીવનને અણધાર્યો વળાંક લેવામાં મદદ કરી છે !
થોડાક દિવસો પહેલા જ મારી પત્નીનો દેહાંત થયો છે. અમે બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા, અને હવે મારી પાસે અમારા પ્રેમની એકમાત્ર નિશાની એવી અમારી આઠ વર્ષની ઢીંગલી છે ! અને ખોટું નહીં કહું, હું મારી પત્નીના પ્રેમમાં એટલો રત હતો કે એના ગયા બાદ, ‘એના વિના જીવાશે કેમ?’ એ વિચારો સાથે અંદરથી કોરાતો રહ્યો હતો. અને મારી કાયરતાની પ્રાકાષ્ઠા તો જુઓ, હું ‘એના’ વિનાના જીવનની બદલે આત્મહત્યાનો માર્ગ અપનાવા જઈ રહ્યો હતો. અને નિર્ણય કરવાના એ જ મનોમંથન દરમ્યાન તમારી એ વાર્તા વાંચવાનું બન્યું. અને છેક ત્યારે જઈને મને મારી દીકરીની મનોસ્થિતિનો ખ્યાલ આવ્યો ! એ કુમળા જીવને તો ખબર પણ શાથી હોય કે એણે શું ખોયું છે !
મને મારી ફરજનું ભાન કરાવવા બદલ તમને કઈ ભેટ સોગાદોથી નવાજવા એ પણ એક મોટી અસમંજસ થઇ પડી હતી. પણ શબ્દોના ખૈલૈયાને કદાચ મારા આટલા શબ્દો પૂરતા થઇ રહેશે એમ ધારી લઇ આજે તમને શબ્દો થકી એક વચન આપું છું, ‘હું મારી ફરજમાંથી ક્યારેય પાછો નહીં ફરું. દીકરીની મા તો કદાચ ન બની શકું, પણ એની ખોટ સાલે એવું ક્યારેય નહીં કરું.’
હા, તમારી સામે આવ્યા બાદ તમે મને કાયરમાં ન ખપાવી દો માટે નામ વગરની આ ચિઠ્ઠી સવારના પહોરમાં તમારા બારણા નીચેથી સરકાવીને ચાલ્યો જાઉં છું. અને તમને તમારા શબ્દો થકી જ ઓળખતો આવ્યો છું, એમ જ ઓળખતો રહીશ ! – લી. આપનો એક વાચક.
મેં પત્ર પૂરો કરી દરેક પાત્રો તરફ નજર ફેરવી. એ બધાને હજી પણ મારી સામે ફરિયાદ હતી જ, પણ કોઈ બોલવા માટે સક્ષમ નહોતું. અને એમાં પણ આ ચિઠ્ઠીએ તેમના મોં બંધ કરી દીધા હતા. મેં થોડીક નરમાશ સાથે એ બધાને ઉદ્દેશીને કહ્યું,
‘જાણું છું તમને મારા પ્રત્યે લાગણીઓ છે. પણ તમે ધારો છો તેટલો નિર્દયી પણ હું નથી. અને જરૂરી થોડી છે દિવાળી ટાણે બધાંયના ઘરે દીવા પ્રગટ્યા જ હોય ! અને તમે મારા પર ન સહી, પણ મારી વાર્તા પર તો વિશ્વાસ મૂકી જ શકો છો. આખરે તમે પણ મારી વાર્તા ના જ પાત્રો છો. જો જે તે સમયે મેં અન્યોના કહ્યા પર તમને બદલી નાંખ્યા હોત તો આજે તમારી જે અનન્યતા છે એ ન હોત ! અને આથી વિશેષ મારે તમને કંઈ નથી કહેવું. છતાં હજી પણ તમને મારા પ્રત્યે કોઈ ફરિયાદ હોય તો…’
‘ના…’, પાત્રોના ટોળામાંથી મારી વાતને અટકાવતો એક બાળસહજ અવાજ આવ્યો, અને સાથે પાછળ પેલો સાત વર્ષના બાળકનું પાત્ર ટોળામાંથી આગળ દોરાઈ આવ્યું. અને પોતાની કાલીઘેલી ભાષામાં બોલ્યું, ‘ના… હવે અમને તમારાથી કોઈ ફરિયાદ નથી. જો મારી વાર્તામાં મમ્મીને મારી નાંખવાથી પણ કોઈના જીવન પર, એ વાર્તા થકી થોડો બદલાવ આવતો હોય તો હું મારી મમ્મીને ગુમાવીને પણ ખુશ છું !’, કહેતાં એના ગળે ડૂમો બાજી પડ્યો. અને ખૂણામાંથી ધસી આવી, રીનાએ વહેતી આંખો સાથે એ બાળકને છાતીએ ચાંપી દીધું.
અને હું એ પત્રની અંદર ખોવાઈ રહી એ બાળકની વિચારશક્તિ સામે પોતાની નાનપ અનુભવતો રહ્યો. અને એ સાથે મારા મનમાં અન્ય એક વાર્તાનું બીજ રોપાયું… ’લેખકની નિષ્ઠુરતા !’
– Mitra ❤
Leave a Reply